Gandhiyugna rashtriy satyagraho – Gujaratno itihas

Gandhiyugna rashtriy satyagraho – Gujaratno itihas – ગાંધીયુગના રાષ્ટ્રીય સત્યાગ્રહો – ગુજરાતનો ઈતિહાસ

રોલેટ એક્ટ (1919)

  • રોલેટ એક્ટનો વિરોધ બાપનું પ્રથમ રાષ્ટ્રીય સ્તરનું આંદોલન ગણાય છે.
  • ઈ.સ. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ક્રાંતિકારી ગતિવિધિઓ અને રાષ્ટ્રવાદીઓના આંદોલનોને કચડી નાંખવા માટે બ્રિટીશ સરકારે ન્યાયાધીશ “સિડની રોલેટ“ના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ (ધી અનાર્કિકલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઈમ એક્ટ) ઘડી કાઢયો. આ કાયદાન ઘડવા માટે બ્રિટીશ સરકારે રોલેટ સમિતિ (સેડિશન સમિતિ)ની રચના કરી હતી. રોલેટ એક્ટના વિરોધમાં 24 ફેબ્રુઆરી, 1919ના રોજ મુંબઈ ખાતે ગાંધીજી દ્વારા સત્યાગ્રહ સભા યોજવામાં આવી હતી.
  • પ્રથમ વિશ્વ યુદ્ધમાં ક્રાંતિકારીઓ વિરુદ્ધ આકરા કાયદાઓ પસાર કરવામા આવેલ જેમાં ક્રાંતિકારીઓને કોઈપણ ગુના વગર પકડીને જેલમાં પુરી દેવામાં આવતા હતા અને તેમના પર અત્યાચાર કરવામાં આવતા હતા. ભારતીયોને એવો વિશ્વાસ હતો કે યુદ્ધ બાદ આવા કાયદાઓ પરત ખેંચી લેવામાં આવશે. પરંતુ આવા અત્યાચારી કાયદાઓને સરકાર રોલેટ એક્ટ બનાવી 1919 માં પસાર કરવામાં આવ્યો.
  • આ કાયદા અનુસાર કોઈપણ ભારતીય ઉપર અદાલતમાં કામ ચલાવ્યા સિવાય તેમને જેલમાં પુરી શકાતા હતા.
  • રોલેટ એક્ટ નામથી જાણીતા આ કાયદામાં ભારતીયોની વાણી અને અભિવ્યકિતની સ્વતંત્રતાને છીનવી લેવામાં આવી. આ કાયદા મુજબ માત્ર શંકાના આધાર પર કોઈપણ વ્યકિતની સરકાર ઈચ્છે ત્યારે ધરપકડ કરી તેના પર ખટલો ચલાવ્યા વગર જેલમાં પૂરી શકે.
  • ગાંધીજીએ આ કાયદાને “કાળો કાયદો” કહ્યો અને તેનો વિરોધ કરવા ભારતીય સ્વાતંત્રતાસંગ્રામનું નેતૃત્વ તેમણે પોતાના હાથમાં લીધું. તેમણે એક સત્યાગ્રહ સભા યોજી જેલ ભરો આંદોલન શરૂ કર્યુ. મોતીલાલ નહેરુએ આ કાયદાને “નો વકીલ, નો દલીલ, નો અપીલ” તરીકે ઓળખાવેલ છે. રોલેટ કાયદા વિરુદ્ધ ભારતભરમાં સભાઓ, સરઘસ, હડતાલો થઈ. મહમદઅલી ઝીણા સહિત સુરેન્દ્રનાથ બેનર્જી, તેજ બહાદુર સપ્રુ, શ્રીમતી એની બેસન્ટ, સર ડી.ઈ.વાદી, શ્રીનિવાસ શાસ્ત્રી વગેરે અનેક સભ્યોએ ધારાસભામાંથી રાજીનામાં આપ્યાં.
  • હરિયાણાના પલવલ ખાતેથી બાપુની ધરપકડ થતા સ્વામી શ્રદ્ધાનંદે 30 માર્ચ, 1919ના રોજ આંદોલનનું નેતૃત્વ લીધું.
  • 6 એપ્રિલ, 1919 નો કાયદા અમલનો દિવસ “રાષ્ટ્રીય અપમાન દિવસ” તરીકે મનાવ્યો.

અસહકારનું આંદોલન (1920-1922)

  • ગાંધીજીએ 1 ઓગસ્ટ, 1920ના રોજ નાગપુર અધિવેશનમાં અસહકાર આંદોલનનો ઠરાવ પસાર કર્યો.
  • 1 ઓગસ્ટ, 1920ના રોજ લોકમાન્ય ટિળકનું નિધન અને અસહકાર આંદોલનની શરૂઆત થઈ તેથી તેને એક યુગનો અંત અને એક યુગની શરૂઆત એમ કહેવાય છે.
  • અસહકારનો ઠરાવ સી.આર. દાસે રજૂ કર્યો હતો. તેને બહાલી મળી અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ટેકો આપ્યો. ભારતમાં બાપુને પ્રથમવાર કેદની સજા યરવડા ખાતે અસહકાર આંદોલન વખતે જ થઈ હતી.
  • ઈ.સ.1920ના આ અધિવેશનમાં અસહકારના આંદોલનને કોંગ્રેસે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ “સ્વશાસન“ને બદલે “સ્વરાજ્ય” જોઈએ, એવી બુલંદ માંગણી કરી.
  • આ આંદોલનમાં યુવાનો તેમજ મહિલાઓએ ઠેર-ઠેર વિદેશી કાપડ અને માલસામાનની હોળીઓ પ્રગટાવી, સરકારી ગુલામી છોડીને સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર, રચનાત્મક પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર જેવી બાબતોમાં જોડાયાં. આ આંદોલન વખતે ઢસા (રાયસાંકળી)ના દરબાર ગોપળદાસે ગાદીનો ત્યાગ કરી દેશને સમર્પિત થયા.
  • આ આંદોલનમાં વિદેશી કાપડને ભારતમાં વેચવા પર પ્રતિબંધ અને સરકારી નોકરી છોડનારને આજીવિકા માટે રેંટિયા દ્વારા ખાદી ઉત્પન્ન કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો. ગાંધીજીએ ગંગાબહેન કે જે મૂળ ભરૂચના હતાં તેમને રેંટિયો શોધવા કહેલું, તે રેંટિયો ગંગાબહેનને મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી મળ્યો અને ખાદીની શરૂઆત થઈ.
  • આ આંદોલન દરમિયાન 18 ઓક્ટોબર, 1920 એ ગાંધીજીએ ડાહ્યાભાઈ મહેતાના મકાનમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને ગાંધીજી આ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ સેવા (SEWA) સંસ્થાના સ્થાપક ઈલાબેન ભટ્ટ છે જ્યારે ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ સુશિલા નાયર હતા. આ સમય દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ સહિત અન્ય કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઈસ્લામિયા જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના પણ થઈ.
  • આ આંદોલન વખતે ગાંધીજીએ કેસર-એ-હિંદની ઉપાધિ પાછી આપી દીધી. આ આંદોલનને સ્થગિત કરવાથી સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના વિરોધી થઈ ગયા હતાં.

ગુજરાતમાં સાયમન કમિશન

  • ઈ.સ. 1927 માં ઈંગ્લેન્ડમાં સાયમન કમિશનની નિમણૂંક થઈ અને 3 ફેબ્રુઆરી, 1928 ના રોજ જ્હોન સાયમનની અધ્યક્ષતામાં સાયમન કમિશન ભારત આવ્યું અને સાયમન કમિશનના વિરોધમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ હડતાળ પાડી અને 30 જાન્યુઆરી, 1929 ના દિવસે અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન મનાવ્યો.
  • ઈ.સ. 1929 માં કોંગ્રેસે જવાહલાલ નહેરૂની અધ્યક્ષતામાં લાહોર ખાતે રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને 26 જાન્યુઆરી, 1930 ના રોજ પ્રથમ “સ્વતંત્રતા દિવસ” ઉજવવામાં આવ્યો.

સવિનય કાનૂનભંગની ચળવળ (1930) ભાગ- 1

  • 14 ફેબ્રુઆરી, 1930 માં અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરવાનો તેમજ ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં ભાગ લેવાની પૂર્વશરતોનો 11 મુદ્દાનો પત્ર વાઈસરોય ઈરવિન સમક્ષ મૂક્યો પરંતુ સરકારનો પ્રતિસાદ ન મળતા બાપુએ પૂર્ણસ્વરાજ માટે 12 માર્ચ, 1930 થી સવિનય કાનૂન ભંગ લડત શરૂ કરવાનો નિર્ણય લીધો.

ધરાસણા સત્યાગ્રહ

  • 5 મે, 1930 ના રોજ રાત્રે કરાડી ગામમાંથી ગાંધીજીની ધરપકડ કરીને યરવડા જેલમાં પૂર્યા. ગાંધીજીની ધરપકડ થતા “ધરાસણા સત્યાગ્રહ” માટે ઈમામ સાહેબ, અબ્બાસ તૈયબજીની પસંદગી થઈ પણ તેમની પણ ધરપકડ થતા ધરાસણા સત્યાગ્રહની છેલ્લે આગેવાની સરોજિની નાયડુએ લીધી.
  • 21 મે, 1930ના રોજ ધરાસણામાં સરોજિની નાયડુ, ઈમામ સાહેબ અને મણિલાલના નેતૃત્વમાં 1570 જેટલાં સ્વયંસેવકો મીઠાનાં અગરો પર જવાં લાગ્યાં ત્યારે અંગ્રેજોએ લોખંડની લાઠીઓથી ફટકાર્યા. છતાં સ્વયંસેવકોએ આગેકૂચ ચાલુ રાખી.સ્વયંસેવકો ઉપર ઘોડેસવારી ફરી વળ્યાં.
  • છાવણીને 15 મિનિટમાં જ ખાલી કરવાનો હુકમ થયો. સૂતેલા સ્વયંસેવકોને પણ પોલીસોએ ફટકાર્યા અને કેટલાંકને કાંટાની વાડમાં ફેંકવામાં આવ્યાં, છતાં પણ કેટલાકે છાવણી છોડી નહીં.
  • લાઠીચાર્જ થતાં આખા દિવસમાં 740 જેટલાં ઘાયલ થયાં, આ ઘાયલોમાંથી 22મી તારીખે એકનું મૃત્યુ થયું.
  • મીઠુબહેન પીટીટની આગેવાનીમાં બહેનોએ પરદેશી કાપડનું પેકેટિંગ કર્યું.
  • ધરાસણા સત્યાગ્રહની અંગ્રેજોની આવી ભયાનક દર્દનાક સ્થિતિની અમેરિકાનું એક છાપું “New Freeman” ના પત્રકાર મિલરે લખ્યું કે “પત્રકાર તરીકેની મારી કારકિર્દીના 18 વર્ષમાં અસંખ્ય વિદ્રોહ જોયા પરંતુ ધરાસણા જેવા દ્રશ્યો મેં મારા જીવનમાં કદી જોયા નથી.”

Leave a Comment

error: Content is protected !!