અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિષયવસ્તુ કરતાં અર્વાચીન કાળની વિષયવસ્તુ તદ્દન અલગ પડે જ છે.
- અર્વાચીનકાળના સાહિત્ય સ્વરૂપો મોટા ભાગે યુરોપીય સાહિત્યમાંથી લેવામાં આવેલા છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લેખકો વ્યાવસાયિક દ્રષ્ટિથી સાહિત્ય લખવા માટે પ્રેરાયા. જ્યારે મધ્યકાલીન સાહિત્યકારો નિજાનંદ આનંદ અને લોકકલ્યાણના ઉદ્દેશ માટે સાહિત્ય લખતા.
- અર્વાચીન યુગમાં તમામ રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક જેવા ક્ષેત્રો ૫૨ અંગ્રેજી કેળવણીનો પ્રભાવ જોવા મળે છે. ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા “કરણઘેલો” લખવાનું સૂચન અને પ્રોત્સાહન નંદશંકર મહેતાને અંગ્રેજ અધિકારી રસેલે જ આપ્યું હતું.
- ગુજરાતી સાહિત્યની સીમિત ક્ષિતિજ વિસ્તરતી ગઈ અને પશ્ચિમના સાહિત્ય અને સંસ્કૃતિની આબોહવા સમાજ અને સાહિત્યમાં ધીમે ધીમે ફેલાવાની શરૂઆત થઈ હતી. પશ્ચિમનું શિક્ષણ, સામાજિક, ધાર્મિક સુધારા, પુનઃ ઉત્થાનના કારણે સમાજ, રાજ્ય, સંસ્કાર, સાહિત્ય બદલાવા લાગ્યું અને સુધારકયુગ એટલે બીજા શબ્દોમાં કહીએ તો સુધારકયુગ / નર્મદયુગ / દલપતયુગનો આરંભ થયો. આ યુગના સાહિત્યકારોએ સુધારાને પ્રાધાન્ય આપીને તેઓએ સમાજ અને સંસ્કૃતિ તથા વિચારધારાઓને બદલવાનો પ્રયત્ન કર્યો.
- અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ દલપતરામ ડાહ્યાલાલ તરવાડીથી તેમની કવિતા “બાપાની પીપર” (1845) થી થાય છે. આ સમયગાળામાં દલપત નર્મદની જોડીએ કવિતાના વિષય અને રીતિને અલગતાથી વિસ્તારી. સુધારાની શરૂઆતનો ઉત્તમ દાખલો બેસાડવા માટે નર્મદે વિધવા સાથે વિવાહ કરીને સુધારાની શરૂઆત પોતાના ઘરથી કરીને સમાજમાં તેઓ એક સીમાચિહ્ન બન્યા. સુધારા વિષયક લખાણો અને ભાષણો દ્વારા સક્રિય ફાળો આપ્યો.
- અર્વાચીન કાળના લક્ષણોને આધારે તેમને મુખ્યત્વે પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
ક્રમ | યુગ | સમયગાળો |
---|---|---|
1 | સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ | 1850-1885 |
2 | પંડિતયુગ / સાક્ષ૨યુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ | 1885-1915 |
3 | ગાંધીયુગ / મોહનયુગ | 1915-1940 |
4 | અનુગાંધીયુગ | 1940-1960 |
5 | આધુનિકયુગ | 1960-આજદિન સુધી |
સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ
(1850-1885)
- નર્મદયુગ એટલે મધ્યકાળનો અંત અને અર્વાચીન યુગનો ઉદય. અઢારમી સદીને ભારતના અંધકારયુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે સમયમાં સામાજિક કુરિવાજો, અસ્પૃશ્યતા કે ધર્મમાં અનેક બદીઓ હતી. સુધારકયુગ માટે સૌથી મહત્વનું પરિબળ અંગ્રેજી કેળવણી હતી. અંગ્રેજી કેળવણી પામેલા સાક્ષરોએ શૈક્ષણિક સાહિત્યિક, સાંસ્કૃતિક, સામાજિક એમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં ક્રાંતિકારી વિચારોનો ફેલાવો કર્યો. ગુજરાતી સમાજમાં ચાલતી બદીઓને દૂર કરવા માટે સાહિત્યના માધ્યમથી ઝુંબેશ ચાલુ કરી. આથી અર્વાચીન કાળનો આપણો પ્રથમ યુગ સુધારયુગ છે. તે દરમિયાન સાહિત્યનું તમામ વિષયવસ્તુ સામાજિક અને ધાર્મિક બાબતને સ્પર્શ કરે છે.
- આ સમયગાળામાં દલપત – નર્મદની જોડીએ કવિતાના વિષય અને રીતિને અલગતાથી વિસ્તારી અને તે સમયના તેઓ યશસ્વી કવિઓ બન્યા. આ ઉપરાંત સુધારક યુગમાં નિબંધ, આત્મકથા, વિવેચન, નાટક, નવલકથા વગેરે સાહિત્ય સ્વરૂપોનો પણ વિકાસ થયો અને જુદા જુદા સાહિત્ય રસિકોએ આ સ્વરૂપને ખેડવામાં અને વિકસાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી.
- સુધા૨ક યુગમાં થઈ ગયેલા સર્જકો લેખક તરીકે ઓળખાવા માંગતા ન હતા પણ પ્રથમ તેઓ સામાજિક અને ધાર્મિક સુધારક હતા. તેમાંથી અગ્રણી સુધારક “નર્મદ” હોવાથી આ યુગનું નામ “નર્મદયુગ” રાખવામાં આવ્યું છે. આ યુગના મહત્વના સાહિત્યકારોમાં નર્મદ, નવલરામ પંડયા અને નંદશંકર મહેતા સુરતના ત્રણ “નન્ના” તરીકે ઓળખાતા.
- આ ઉપરાંત મહિપતરામ નીલકંઠ, ૨ણછોડલાલ દવે, ક૨સનદાસ મૂળજી, દુર્ગારામ મહેતા, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, અંબાલાલ સાક૨લાલ દેસાઈ, હ૨ગોવિંદદાસ દ્વા૨કાદાસ કાંટાવાળા વગેરેનો સમાવેશ થાય છે.
પંડિતયુગ / સાક્ષરયુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ
(1885 થી 1915)
- આ યુગના મોટા ભાગના સાહિત્યકારો ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષામાંથી સ્નાતક થયેલા હતા.
- સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતા અનન્ય અને ઊંડી હતી. તેમની અભ્યાસપરાયણતા તથા ચિંતનશીલતા જીવનપર્યંત હતી. સાહિત્યક્ષેત્રને જીવનધર્મનું ક્ષેત્ર માનતા હતા. આ યુગના સહુ સર્જકો સમર્થ વિચારકો અને સંસ્કૃતિચિંતકો અને પંડિત હતા તેમજ અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના પરિશીલનથી તેમની કલાદ્રષ્ટિ વિકસેલી હતી. આથી આ યુગને “પંડિત યુગ” કે “સાક્ષરયુગ” તરીકે ઓળખવામાં આવે છે.
- આ યુગમાં મહાનવલકથા, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, ગઝલ, સૉનેટ, હાસ્ય નવલકથા અને ડોલન શૈલી જેવા સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ થયેલું જોવા મળે છે.
- આ યુગના સાહિત્યકારમાં ગોવર્ધનરામ ત્રિપાઠી મુખ્ય હોવાથી આ યુગને “ગોવર્ધનયુગ” થી પણ ઓળખવામાં આવે છે.
- આ સમયના મોટા ભાગના સાહિત્યકારો નડિયાદની ભૂમિમાંથી આવ્યા છે. આથી નડિયાદને “સાક્ષરનગરી”થી ઓળખવામાં આવે છે.
- આ યુગમાં પંડિતયુગના મહાકાવ્ય સમી સૌ પ્રથમ મહાનવલકથા “સસ્વતીચંદ્ર” ગોવર્ધનરામ ત્રિપાઠીએ આપી, અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવાતા સૌ પ્રથમ ઊર્મિકાવ્ય “કુસુમમાળા” નરસિંહરાવ દિવેટીયાએ આપી, ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્ય નવલકથા “ભદ્રંભદ્ર” તેમજ રંગમંચની દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક “રાઈનો પર્વત” રમણભાઈ નીલકંઠે આપ્યું કાન્તે “પૂર્વાલાપ‘” નામનો કાવ્યસંગ્રહ આપ્યો તેમજ ડોલનશૈલીના જનક એવા ન્હાનાલાલે “જયાજયંત” અને “ઈન્દુકુમાર” જેવાં નાટકો આપ્યાં.
- આ યુગના મહત્વના સાહિત્યકારોમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, બાલાશંકર કંથારિયા, નરસિંહરાવ દિવેટીયા, રમણભાઈ નીલકંઠ, કાન્ત, કેશવ હર્ષદ ધ્રુવ, બળવંતરાય ક્લ્યાણજી ઠાકોર, ક્લાપી, મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, ન્હાનાલાલ, અરદેશર ખબરદાર, બોટાદકર વગેરે.
- પંડિતયુગના લેખકોને લાગ્યું કે આપણા સમાજ જીવનમાં બધું જ ખરાબ નથી અને પશ્ચિમનું બધું જ સારું નથી. તેઓએ બંને સંસ્કૃતિનો સમન્વય સાધ્યો. આથી પંડિતયુગને કેટલાક “સમન્વયયુગ” તરીકે પણ ઓળખાવે છે.
ગાંધીયુગ / મોહનયુગ
1915 થી 1940
- મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી, 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા.આ સમય દરમિયાન રાષ્ટ્રીય ચેતના દરેક જનમાનસમાં જન્મી હતી. તેમની અહિંસાની ભાવના, સત્યાગ્રહ, વિશ્વબંધુત્વ, ગરીબવર્ગ પ્રત્યેની હમદર્દી, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોદ્વાર, શ્રમ, સ્વાશ્રય અને સેવાનો મહિમા વગેરે નવીન વિચા૨ધા૨ાની વ્યાપક અને ઊંડી અસર સમગ્ર દેશની જનતા પર પડી. આ સમયના સાહિત્યકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા હતા. આથી તેમના પર દેશની આઝાદીની લડતની અસર જોવા મળે તે સ્વભાવિક વાત છે. આમ, સાહિત્યએ સ્વાતંત્ર્ય પ્રવૃત્તિનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે આપણા સાહિત્યમાં વૈચારિક ક્રાંતિ આવી અને આપણા ચિંતનાત્મક સાહિત્યમાં તેમજ કવિતા, નવલકથા – નવલિકા આદિ સર્જનાત્મક સાહિત્યમાં આ ભાવનાઓએ વિષય તરીકે મહત્વનું સ્થાન લીધુ.
- પંડિતયુગમાં જોવા મળતી ભાષા મહદ્અંશે સંસ્કૃતના અર્થ સાથે તથા ચમત્કૃતિવાળી ઉચ્ચવર્ગ માટેની ભાષા હતી. સમાજનો સામાન્ય વર્ગ આ ભાષાને સમજી શકતો ન હતો. સામાન્ય માણસ સમજી શકે તેટલી સાદાઈ, સંયમ અને અર્થક્ષમતાવાળી ભાષાનો આગ્રહ આવ્યો. પરિણામે ગુજરાતી ગદ્ય એકંદરે સાત્વિક, ઓજસ અને નમણાશ પ્રાપ્ત કરી શક્યું. સાહિત્યમાં આદર્શપ્રિયતા અને ભાવનાવિહારને સ્થાને નક્કર વાસ્તવિકતાને સ્થાન મળ્યું. જીવન ખાતર કળાના સિદ્ધાંતને સાહિત્યમાં અપનાવવામાં આવ્યો. બહોળા પ્રમાણમાં આવેલી આ અસરોને પરિણામે ગાંધીજી યુગવર્તી સાહિત્યકાર બની રહ્યા અને સાહિત્યનો આ યુગ “ગાંઘીયુગ” તરીકે ઓળખાયો.
- આ યુગમાં કાકાસાહેબ કાલેલકરે ઉત્તમ પ્રવાસ સાહિત્ય આપ્યું, મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગ” નો અંગ્રેજી અનુવાદ The Story of My Experiments with Truth કર્યો, કિશોરલાલ મશરૂવાળાએ ધર્મ, તત્વચિંતન અને કેળવણી વિશે મૌલિક વિચારો આપ્યા. ક.મા. મુનશીએ “પાટણની પ્રભુતા“, “ગુજરાતનો નાથ“, “રાજાધિરાજ” જેવી ઉત્તમોત્તમ નવલકથાઓ આપી. યુગમૂર્તિ વાર્તાકાર ર.વ.દેસાઈએ “ભારેલો અગ્નિ” (1857 ના વિપ્લવનું વર્ણન) નામની નવલકથા આપી તેમજ તેમની “ગ્રામલક્ષ્મી” નવલકથાના ચારેય ભાગ દરેક ગુજરાતી માણસના હૈયે વસ્યા. “યુગવંદના“ના કવિ મેઘાણીએ “સિંધુડો” કાવ્યસંગ્રહમાં દેશભક્તિ અને સત્યાગ્રહનાં કાવ્યો આલેખ્યા, “તણખા” નવલિકા સંગ્રહના લેખક ધૂમકેતુએ “પોસ્ટઓફ્સિ” નવલિકા આપી જે વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક છે. “વિશ્વશાંતિના કવિ” એવા ઉમાશંકર જોષીએ “નિશિથ” ઉત્તમ કાવ્યસંગ્રહ આપ્યો.
- આ સમયના મહત્વના સાહિત્યકારોમાં મહાત્મા ગાંધીજી, કિશોરલાલ મશરૂવાલા, કાકાસાહેબ કાલેલકર, કનૈયાલાલ મુનશી, મહાદેવભાઈ દેસાઈ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, રમણલાલ વસંતલાલ દેસાઈ, સુંદરમ્, ઉમાશંકર જોષી, ઝવેરચંદ મેઘાણી, ચંદ્રવદન મહેતા, સ્નેહરશ્મિ, ગુણવંતરાય આચાર્ય, સુનીલાલ શાહ, કરસનદાસ માણેક, કૃષ્ણલાલ શ્રીધરાણી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, દોલતરાય માંકડ, જયંતિ દલાલ વગેરેનો સમાવેશ થાય છે.
અનુગાંધીયુગ
(1940 થી 1960)
- બીજા વિશ્વયુદ્ધ પછી ઊભી થયેલી પરિસ્થિતિની માનવજીવન પર ઘેરી અસર પડી. તેથી માનવી જુદી જ દિશામાં વિચારતો થયો. ત્યારબાદ, ભારત આઝાદ થયું અને ભારત – પાકિસ્તાન એમ બે દેશ અલગ થયા.કોમી રમખાણો થયાં. આ બધા બનાવોને કારણે આઝાદી પાછળ સેવેલી આશાઓ નિરર્થક લાગવા લાગી. નેતાઓ પોતાની સત્તા અને સ્વાર્થમાં ડૂબેલા રહ્યા. આમ ગરીબી, ભૂખમરો, મોંઘવારી, બેકારી, એકલતાપણું, યુદ્ધની તારાજી વગેરે સમસ્યાઓને સાહિત્યના માધ્યમ દ્વારા સ્થાન મળ્યું. સાહિત્યકારોએ આઝાદી પછીની આપણા સમાજની વિડંબણાઓને પોતાના સાહિત્યમાં સાંગોપાંગ વર્ણન કર્યું. પરિણામરૂપ સાહિત્યમાં અસ્તિત્વવાદી વલણ આવ્યું. જમાનાથી ચાલી આવતી ભાવનાઓમાંથી વિશ્વાસ ઊઠી જાય છે અને સૌંદર્યને બદલે કુરૂપતા તરફ ઝોક વધવા લાગે છે.
- આ યુગના સાહિત્ય પ્રવાહનાં લક્ષણો :
- ઈશ્વ૨ પ્રત્યેની શ્રદ્ધાનો ઈન્કાર
- ઘટનાનું આધાત પ્રત્યાધાત દ્વા૨ા મનોવિશ્લેષણ
- અભિવ્યક્તિમાં સંકુલ અને નવીન પ્રતીકોનો વપરાશ
- કાવ્ય ક્ષેત્રે હાઈકુ, નવલિકા ક્ષેત્ર હાર્મોનિકા, નાટક ક્ષેત્ર એબ્સર્ડ એકાંકી અને નવલકથા ક્ષેત્રે લઘુનવલ જેવા પ્રયોગો
- આ યુગમાં “સોક્રેટીસ” અને “ઝેર તો પીધાં છે જાણી જાણી” જેવી નવલક્થાઓ મનુભાઈ પંચોળી એ આપી, છપ્પનિયા દુકાળનું વર્ણન કરતી “માનવીની ભવાઈ” નવલકથા પન્નાલાલ પટેલ પાસેથી મળી, “ઈંઘણા વીણવા ગઈ’તી મોરી સૈયર” જેવા લોકગીત આપનાર રાજેન્દ્ર શાહનાં ગીતો મળ્યા, આધુનિક આરણ્યક નિરંજન ભગતે “છંદોલય” અને “પ્રવાલદ્વીપ” જેવા કાવ્યસંગ્રહો આપ્યા, કાઠિયાવાડી વિદુર તરીકે જાણીતા કે. કા. શાસ્ત્રીએ ગુજરાતી સાહિત્યમાં ભાષાશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ઈતિહાસ, સંપાદન અને અનુવાદના પુસ્તકો આપ્યાં તેમજ સુરેશ દલાલ પાસેથી “ઈટ્ટાકીટ્ટા“, “ધીંગામસ્તી“, “ટીંગાટોળી“, “ભિલ્લુ” જેવાં બાળકાવ્યો પ્રાપ્ત થયાં.
- આ યુગના મુખ્ય સાહિત્યકારોમાં મનુભાઈ પંચોળી, પન્નાલાલ પટેલ, કે. કા. શાસ્ત્રી, ઈશ્વર પેટલીકર, શિવકુમાર જોષી, ગુલાબદાસ બ્રોકર, જ્યોતીન્દ્ર દવે, કિશનસિંહ ચાવડા, ડો. જયંત ખત્રી, પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, બાલમુકુંદ દવે, ઉશનસ્, પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર દવે, જયન્ત પાઠક, સુરેશ દલાલ, મકરંદ દવે, હસમુખ પાઠક વગેરેનો સમાવેશ થાય છે.
આધુનિકયુગ
(1960 થી આજ દિન સુધી)
- 1960 પછીનું સાહિત્ય અફડાતફડીવાળું ગણાય છે. કારણ કે યુરોપના સાહિત્ય સ્વરૂપનાં પ્રયોગશીલ વલણોનો આપણા સાહિત્ય ૫૨ વિશેષ પ્રભાવ પડયો છે. આધુનિકયુગમાં પશ્ચિમના વાદોની સવિશેષ અસર થયેલી જોવા મળે છે. આ યુગમાં સાહિત્યકારોએ કવિતાઓને જૂના ઢાળ અને ચિહ્નોને દૂર કર્યા અને તેના સ્થાને નવા વિચારોને સ્થાન આપ્યું. તેથી આ યુગને આધુનિકયુગ ગણવામાં આવે છે. સ્વાતંત્ર્યોત્તરકાળમાં ગુજરાતી સાહિત્યને નવી દિશા આપનાર ડો.સુરેશ જોષી હતા. તેમણે કવિતામાં પ્રાચીન સંદર્ભોને નવીન રીતે પ્રયોજ્યા છે. આથી તેમને ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
- આધુનિક્યુગ પહેલાનું સાહિત્ય જીવનમાં મૂલ્યોનું નિરૂપણ, તેની સંવાદિતા, સમાજાભિમુખ અભિગમ, વાસ્તવિકતા અને આનંદ પ્રેરતું હતું. જ્યારે આધુનિક સાહિત્ય મૂલ્ય નિરપેક્ષ, સ્વરૂપ, વિસંવાદ, સમાજથી વિમુખ, પરાવાસ્તવ અને વિષાદ-વિરતિ પર ભાર મૂકે છે.
- આ યુગમાં ગુલામ મોહંમદ શેખ, જિલાલ દેસાઈ, સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર, ચંદ્રકાંત શેઠ, રમેશ પારેખ, અનિલ જોશી, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી, ગુણવંત શાહ, રાધેશ્યામ શર્મા, મધુરાય, ભગવતીકુમાર શર્મા, ઈશ્વર જાદવ, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ, ધીરૂબેન પટેલ, કુંદનિકા કાપડિયા, ભૂપત વડોદરિયા, રાજેન્દ્ર શુકલ, ચંદ્રકાંત ટોપીવાળા, ચિનુ મોદી, અનિલ જોષી, વેણીભાઈ પુરોહિત, મોહનંદ માંકડ, વર્ષા અડાલજા, સરોજ પાઠક અને આદિલ મન્સૂરી જેવા સાહિત્યકારોનો સમાવેશ થાય છે.