મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતા અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો તદ્દન અલગ છે. અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારોની માહિતી નીચે મુજબ છે.
કવિતા
- કવિતા એટલે 15મી સદીના શબ્દો “પોએટ્રી” અથવા “પોએમ”, જે મૂળ અંગ્રેજીમાંથી ઊતરી આવેલ સાહિત્ય પ્રકાર છે. છે. આ શબ્દ મૂળ ગ્રીક ભાષાના શબ્દ Poieo ૫૨થી ઊતરી આવ્યો છે જેનો અર્થ “સર્જન ક૨વું” થાય છે. અંગ્રેજી કવિતાના પિતા ચોસરને ગણવામાં આવે છે.
- સર્જક પોતાની તેમજ માનવીના હૃદયની સંવેદના, પ્રણય, લાગણી, પ્રકૃતિ, સમષ્ટિભાવ, સમાજમાં બનતા બનાવો તથા રિવાજો, કટાક્ષો સાંપ્રત પ્રવાહો વગેરે કવિતાના માધ્યમ દ્વારા સ૨ળ અને આકર્ષક રીતે રજૂ કરે છે.
- આ કાવ્યસ્વરૂપે સુધારકયુગથી શરૂ થઈને કાળક્રમે સતત વિકાસ સાધી રહ્યું છે.
- અર્વાચીન કાળનો પ્રારંભ કવિતાથી થાય છે. ઈ.સ. 1845માં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ ગુજરાતી કવિતા “બાપાની પીપર” છે. પ્રથમ કરુણ કવિતા દલપતરામ દ્વારા રચિત “ફાર્બસ વિરહ” છે.
- ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રેમ અને પ્રકૃત્તિની કવિતાઓ નર્મદ પાસેથી મળે છે. નર્મદનો “નર્મ કવિતા” કાવ્યસંગ્રહ મુખ્ય છે. સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય દલપતરામ દ્વારા રચિત “હુન્નરખાનની ચઢાઈ” છે.
- કવિતાઓનો સંગ્રહ કરીને “કાવ્યસંગ્રહ” બહાર પાડવામાં આવે છે. ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ “ગુજરાતી કાવ્યદોહન” છે.
- દર વર્ષે 21 માર્ચના દિવસે “વિશ્વ કવિતા દિવસ” ઊજવવામાં આવે છે.
ગઝલ
- ગઝલ એટલે “પ્રેમીજન સાથેની વાત”. ગઝલ શબ્દ મુગઝેલત અથવા તગઝઝુલ ૫૨થી આવ્યો છે. મુગાઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠિ કરવી એવો છે. ગઝલના સંગ્રહને “દીવાન” કહેવામાં આવે છે અને દીવાનમાં ગઝલોને રદીફનો આધાર લઈને કક્કાવારી પ્રમાણે ગોઠવેલ સમગ્ર ગઝલસંગ્રહને “બયાજ” અથવા “કુલિયાત” કહેવામાં આવે છે.
- ગઝલનું મૂળ અરબી ભાષામાં છે. ગુજરાતમાં ગઝલ પહેલાં ફારસી, ઉર્દૂ અને ગુજરાતીમાં લખાયાનો ઈતિહાસ છે. ગઝલ એ સ્વતંત્ર સાહિત્યપ્રકાર છે.
- ગઝલના મુખ્ય બે પ્રકાર છે ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઈશ્કે હકીકીમાં આધ્યાત્મભાવ કેન્દ્રસ્થાને હોય છે જ્યારે ઈશ્કે મિજાજીમાં પ્રેમભાવ કેન્દ્રસ્થાને હોય છે.
- ગીત, સોનેટ અને મુત્તકની જેમ ગઝલ પણ ઊર્મિકાવ્યનો જ એક પ્રકાર ગણાય છે. ગઝલ પ્રેમની અનુભૂતિને વાચા આપે છે. તેથી તેને “પ્રેમની જબાન” પણ કહેવાય છે.
- ગઝલમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 19 કે તેથી વધુ શેર હોય છે. ગઝલના શેરમાં બે પંકિતઓ હોય છે. આવા અનેક શેરની ગઝલ બને છે.
- ગઝલનો પહેલો શેર “મત્લા” કહેવાય છે. અંતિમ શેર “મકતા” કહેવાય છે. મકતામાં કવિ પોતાનું તખલ્લુસ, ઉપનામ કે નામ રાખે છે
- શેરની પહેલી પંક્તિને “ઉલા મિસરી” અને બીજી પંકિતને “સાની મિસરો” કહેવાય છે.
- કાફિયા – રદીફ શેરના આવશ્યક અંગ ગણાય છે. પરંતુ ગઝલ રદીફ વગરની પણ હોઈ શકે છે. મત્લાના શેરમાં કાફિયા હોવા જ જોઈએ. અન્ય શેરોમાં માત્ર સાની મિસરામાં કાફિયા-રદીફનું અનુસંધાન જળવાવું જોઈએ. ગઝલમાં આવતા પ્રાસરૂપ શબ્દોને કાફિયા કહે છે. જ્યારે અંતે આવતાં એક્સ૨ખાં શબ્દોને રદીફ કહે છે. રદીફ હંમેશા કાફિયા પછી આવે છે.
- ગુજરાતી ગઝલના પિતા તરીકે બાલાશંકર કંથારિયા (કલાન્ત કવિ) ઓળખાય છે. તેમણે આપેલી “બોધ” નામની ગઝલ ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલ ગણાય છે. શેખાદમ આબુવાલા જેવા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોમાં સરળ રીતે ગઝલો લખી છે.
- વર્ષ 2005થી રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા ગુજરાતના અને ઉર્દૂ ભાષાના પ્રથમ સૂફી શાયર “વલી ગુજરાતી” (વલી મોહમ્મદ)ની સ્મૃતિમાં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2005માં સૌપ્રથમ આ પુરસ્કાર આસિમ રાંદેરીને તથા છેલ્લે વર્ષ 2014માં રાજેશ જટાશંકર વ્યાસ (મિસ્કિન) ને એનાયત કરવામાં આવ્યો છે.
સોનેટ
- સોનેટ એ મૂળ ઈટાલિયન સાહિત્ય પ્રકાર છે. ઈટાલિયન શબ્દ “Souno” (અવાજ)ના લઘુતાવાચક શબ્દ Sonnettoo (સહેજ અવાજ) ૫૨થી “સોનેટ” શબ્દ બન્યો છે. ભારતમાં સૌપ્રથમ બંગાળી સાહિત્યમાં ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ થયું.
- સોનેટની વિશિષ્ટતા એ છે કે, તેમાં લાગણીઓના આરોહને પરિષ્કૃત કરી, ભાવનાને સઘન બનાવી અભિવ્ય કરવામાં આવે છે.
- તે શરૂઆતમાં કોઈ વાદ્ય સાથે કે તે વિના ગવાતી ટૂંકી પદ્યરચના હતી. સમય જતાં તેનો વિકાસ સોનેટ સ્વરૂપે થયો.
- સોનેટની રચના છંદમાં જ થાય છે. સોનેટને વધુ મર્મસ્પર્શી બનાવવા માટે તેનો ભાવ અને વિચારોના વળાંકને આધારે વિભાગ પાડવામાં આવે છે. સોનેટને અક્ષરમેળ છંદો વધુ અનુકૂળ આવે છે. સોનેટની અંતિમ બે પંક્તિમાં ભાવાની પરાકાષ્ઠા હોય છે.
- સોનેટ એ 14 પંક્તિનું કાવ્ય છે. સોનેટને ત્રણ વિભાગમાં વિભાજિત ક૨વામાં
- શેક્સપિયરશાહી સોનેટ (4+4+4+2)
- મિલ્ટનશાહી સોનેટ (અનિયમિત)
- પેટ્રાર્કશાહી સોનેટ (8+6)
- ઉમાશંકર જોષીના મત મુજબ સોનેટના કથાયિત્વમાં વળાંક, મરઠ, પલટો, ગુલાંટ, છેવટે કંઈ નહીં તો આછો લહેકો પણ હોવો આવશ્યક છે.
- ગુજરાતી ભાષામાં પ્રથમ સોનેટની રચના બળવતંરાય કલ્યાણરાય ઠાકોર દ્વારા વર્ષ 1887માં પૃથ્વી છંદમાં રચવામાં આવેલ “ભણકાર” થી થઈ હોવાનું મનાય છે. બળવતંરાય કલ્યાણરાય ઠાકોરને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
ખંડકાવ્ય
- ખંડકાવ્યએ સંસ્કૃતમાંથી આવેલો ભારતીય સાહિત્ય પ્રકાર છે. લાગણીની પ્રબળતા એ ખંડકાવ્યનું મુખ્ય લક્ષા છે.
- ખંડકાવ્ય મહાકાવ્યનો એક પેટાપ્રકાર છે જેમાં ઊર્મિકાવ્યો તથા પ્રાસંગિક ઘટનાને ધ્યાનમાં રાખી ખંડકાવ્યની રચના કરવામાં આવે છે.
- મહાકાવ્યમાં મહાન માનવ ઈતિહાસનું, માનવસમાજનું, વ્યક્તિના સમગ્ર જીવનનું અને ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોનું નિરૂપણ થાય છે, જ્યારે ખંડકાવ્યમાં માનવજીવનના કોઈ એકાદ પ્રસંગનું આલેખન હોય છે. તે ઐતિહાસિક, પૌરાણિક કે કાલ્પનિક હોઈ શકે છે. ખંડકાવ્ય કરુણાંત નાટક જેવું છે. તેનો ક્રમ નીચે મુજબ છે
- વસ્તુ વિસ્ફોટ થાય
- તેમાંથી વસ્તુ વિકાસ પામે
- તેની પરાકાષ્ઠા આવે
- પરિણામ તરફ ઢળે અને
- પરિણામ આવે.
- તેમાં વસ્તુનું સુશ્લિષ્ટ ગઠન હોય છે. તેનું વસ્તુ રહસ્યમય અને માનવજીવન પર વેધક પ્રકાશ પાડે તેવું હોય છે. ખંડકાવ્યમાં જીવનનું કોઈ દ્રષ્ટિબિંદુ, કોઈ આદર્શ બતાવવાનો ઉદ્દેશ્ય હોય છે.
- તેમાં મુખ્ય પાત્રની સાથેસાથે એકાદ બે ગૌણ પાત્રોનું પણ નિરૂપણ થાય છે.
- ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમવાર મણિશંકર રત્નજી ભટ્ટે (કવિ કાન્ત) “પૂર્વાલાપ” નામનો પ્રથમ ખંડકાવ્ય સંગ્રહ આપ્યો. આ કાવ્યસંગ્રહમાં સાત ખંડકાવ્ય આપવામાં આવ્યા છે એમાં આવેલું “વસંતવિજય” એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય છે.
- આ ઉપરાંત “રમા”, “મૃગતૃષ્ણા”, “અતિજ્ઞાન”, “ચક્રવાક મિથુન”, “દેવયાની”, “ભરત સારસી”, “વીણાનો મૃગ” વગેરેનો સમાવેશ થાય છે.
મહાકાવ્ય
- મહાકાવ્ય એ વિશ્વસાહિત્ય તથા સંસ્કૃત સાહિત્યનું અતિ પ્રાચીન, મોટામાં મોટું સમૃદ્ધ સાહિત્ય સ્વરૂપ છે જેનું વિપુલ પ્રમાણમાં ખેડાણ થયું છે.
- ગુજરાતી ભાષામાં મહાકાવ્ય ઓછાં જોવા મળે છે. ગુજરાતીમાં નર્મદે મહાકાવ્ય લખવાનો આરંભ “વીરસિંહ” કાવ્યથી કર્યો હતો, પરંતુ એ અધૂરું જ રહ્યું. બ.ક. ઠાકોરે મહાકાવ્ય લખવાનો આરંભ કરેલો, પરંતુ પ્રથમ 44 પંક્તિઓથી એ આગળ વધ્યું નહિ. પાછળથી તે 44 પંક્તિઓ “એક તોડેલી ડાળ” શીર્ષકથી પ્રકટ થયેલી. ગોવર્ધન૨ામ ત્રિપાઠીની “સસ્વતીચંદ્ર” નવલકથા અર્વાચીન ગદ્ય મહાકાવ્ય કહેવાય છે.
- પશ્ચિમમાં મહાકાવ્યને સૌથી પ્રાચીન કાવ્યપ્રકાર ગણવામાં આવે છે. અંગ્રેજીમાં તે “એપિક” સંજ્ઞાથી ઓળખાય છે. આ “એપિક” શબ્દ ગ્રીક ભાષાના “એપોસ” શબ્દ પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે શબ્દ, વાર્તા, ગીત. યુરોપમાં મહાકાવ્યનો આરંભ ઈ.સ.પૂર્વે 850ની આસપાસ થયેલા ગ્રીક કવિ હોમરના 2 મહાકાવ્યો – “ઈલિયડ” અને “ઓડિસી” થી થયાનું માનવામાં આવે છે.
ઊર્મિકાવ્ય
- ઊર્મિકાવ્ય સ્વરસંવેદનને વ્યક્ત કરતું આત્મલક્ષી કાવ્ય છે. ઊર્મિકાવ્યમાં ભાવનો આવેગ તીવ્રતાથી પ્રગટ થાય છે. તેમાં વિચાર, ચિંતન કે કલ્પનાને અવકાશ છે. એની ભાષા વર્તમાનકાળની તેમજ ઝીલાયેલુ સ્પંદન કે સ્મરણ ભૂતકાળ કે ભવિષ્યનું હોઈ શકે.
- મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos ૫૨થી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાય છે. લાઈર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગાવામાં આવતી.
- ઊર્મિકાવ્યનું સ્વરૂપ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિવિધ સ્વરૂપે પુષ્કળ પ્રમાણમાં ખેડાયું હતું. આ સમયમાં નરસિંહ મહેતાએ ભક્તિની ઉત્કટ ઊર્મિથી રચાયેલાં અમૂર્ત ભાવોને સર્જક-કલ્પનાથી મૂર્ત કરતાં સંખ્યાબંધ કાવ્યોની રચના કરી હતી. આથી તેઓને ગુજરાતના પ્રથમ ઊર્મિકવિ તરીકે ઓળખવામાં આવે છે.
- પ્રેમલક્ષાભક્તિના ગાનરૂપે ઉત્કટ વિરહ-મિલનના વિવિધ ભાવોની હૃદયંગમ અભિવ્યક્તિ સમી દયારામની ગરબીઓમાં ઊર્મિકાવ્યનું મોહક સ્વરૂપ જોવા મળે છે.
- અર્વાચીન યુગના શ્રેષ્ઠ ઊર્મિકવિ તરીકે ન્હાનાલાલની ગણના થાય છે. અર્વાચીન યુગમાં અંગત પ્રેમનાં ઊર્મિકાવ્યો સૌપ્રથમ નર્મદે આપ્યાં હતાં. આ ઉપરાંત, તેમણે સ્વદેશપ્રેમ, પ્રકૃતિપ્રેમ અને ગુજરાત ભક્તિ જેવા નવતર વિષયો ઊર્મિકાવ્યમાં આલેખ્યા હતાં. દલપતરામ દ્વારા રચવામાં આવેલા કાવ્યોમાં “ફાર્બસવિરહ” ઊર્મિપ્રધાન શોકકાવ્ય તરીકે જાણીતી કાવ્ય રચના છે.
હાઈકુ
- ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્યપ્રકાર હાઈકુ માત્ર 17 અક્ષરનું (બંધારણ : 5-7-5) બોધપાઠ આપતો મૂળ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. જાપાનમાં રેંગામાંથી તાંકા થયું, તાંકામાંથી હાઈકુ થયું. તાંકામાં 5 પંક્તિઓ હતી જેમાં અક્ષરોની ગોઠવણી 5-7-5-7-7 = 31 ની હતી.
- મૂળ “હોક્કુ” શબ્દમાંથી હાઈકુ શબ્દ બન્યો છે.
- હાઈકુનું કદ ટૂંકુ પરંતુ ઊર્મિસભર જોવા મળે છે, હાઈકુમાં ચિત્રાત્મક શૈલીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. તેમાં કલ્પનાનો વિનિયોગ થયેલો હોય છે.
- હાઈકુની ખૂબી એ છે કે જે ક્રમમાં પ્રકૃતિની અંદર ગોઠવાયું હોય તે જ ક્રમમાં હાઈકુનો કવિ તેને કાવ્યમાં ગોઠવે છે. હાઈકુમાં વર્ણન નહિ, પણ રજૂઆત તેનાં કવિનું લક્ષ્ય હોય છે. હાઈકુ સંપૂર્ણપણે વસ્તુલક્ષી હોય છે. તેમાં કવિના અંગત ભાવ કે ચિંતનને ભાગ્યે જ અવકાશ હોય છે. કવિ વસ્તુને બોલવા દે છે.
- હાઈકુમાંથી ઉપસતું ચિત્ર વાચકના ચિત્તમાં સંવેદન ધ્વનિત કરે છે. તેનો એક એક શબ્દ અર્થસભર હોય છે. હાઈકુની ઊર્મિસભરતાને કા૨ણે એમ કહેવાય છે કે હાઈકુ બોલે છે પણ કવિ બોલતો નથી.
- હાઈકુમાં શબ્દની બળકટતાથી મૂર્ત થતો ધ્વનિ છેલ્લી પંક્તિમાં સ્ફોટક બની અર્થ ચમત્કૃતિનો આનંદ આપે છે.
- ગુજરાતીમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના નામ મોખરે છે. આ પ્રકારને સંકલ્પપૂર્વક ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં કવિ સ્નેહરસ્મિનો ફાળો ખૂબ જ મહત્વનો છે.
- ગુજરાતીમાં સ્નેહરશ્મિએ પ્રથમ હાઈકુ “સોનેરી ચાંદ રૂપેરી સૂરજ”ની રચના કરી.
- કવિશ્રી સ્નેહરશ્મિએ હાઈકુના સ્વરૂપને “મુક્તકલ્પ” કે “સત્તરાક્ષરી” તરીકે ઓળખાવ્યું છે. કવિશ્રી ઉશનસે તેને મુક્તકમાં બોધડહાપણની ઉટ્ટકત હોઈ શકે” એવું કહ્યું છે.
- નવલકથાકાર અને કવિશ્રી કિશોરસિંહ સોલંકીએ પણ હાઈકુ અને તાંકાના મિશ્રણથી “હાઈકા” નો પ્રયોગ કર્યો છે.
- બાશો અને બસોન જાપાનના શ્રેષ્ઠ હાઈકુ કવિઓ છે.
નવલકથા
- નવલકથા એટલે ગદ્યમાં લખવામાં આવેલી કલ્પિત વાર્તા. તેમાં માનવજીવનની કથા હોય છે. વાસ્તવિકતાનું મહત્વ છે છતાં કલ્પનાને પણ સ્થાન છે. જીવનના ઉચ્ચ મૂલ્યોનું અને સનાતન સત્યનું દર્શન કરાવે છે.
- નવલકથા મૂળ યુરોપિયન સાહિત્યપ્રકાર છે જેનો ઉદ્ભવ 300 વર્ષ પૂર્વે યુરોપમાં થયો હતો.
- અંગ્રેજી શબ્દ “NOVEL” ૫૨થી આવેલા “નવલ” શબ્દ ૫૨થી નવલકથા શબ્દ બન્યો છે. નવલકથા એ વિશાળ ફલક ધરાવતો સાહિત્યિક પ્રકાર છે.
- નવલકથામાં તેની કથાવસ્તુ, તેમાં આવતું જીવનદર્શન, પાત્રાલેખન, વાતાવરણ, સંવાદોનું નિરૂપણ વગેરે જેવાં ઘટકો મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતી સાહિત્યમાં કલ્પનામય, ઐતિહાસિક, સામાજિક, જાનપદી નવલકથા વગેરે લખાયેલી છે.
- નવલકથા એ લેખકો અને વાચકોનું માનીતું સાહિત્ય સ્વરૂપ હોવાથી તેનું વિપુલ પ્રમાણમાં સર્જન થયેલું છે.
- ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ઈ.સ. 1866માં લગભગ ત્રીસ વર્ષની ઉમરે નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખાયેલી “કરણઘેલો” છે. જેમાં વાઘેલા વંશના અંતિમ રાજા કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતના શાસક અલ્લાઉદીન ખિલજીનું વર્ણન છે તેમજ ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર કનૈયાલાલ મુનશીએ સૌપ્રથમ ગુજરાતની અસ્મિતાને નવલક્થામાં ઉતારી.
- ધૂમકેતુએ ભારતના મૌર્યવંશ, ગુપ્તવંશ, ગુજરાતના સોલંકીવંશને ધ્યાનમાં રાખી ઐતિહાસિક નવલકથાઓ લખેલી છે. ગાંધીયુગના સાહિત્યકારોએ સમાજના પછાતવર્ગો કે તરછોડાયેલા વર્ગને સાહિત્યમાં સ્થાન આપ્યું. અને જાનપદી નવલકથાઓના યુગની શરૂઆત થઈ.
- પ્રથમ ઐતિહાસિક નવલકથા : કરણઘેલો (નંદશંકર મહેતા)
- પ્રથમ સામાજિક નવલકથા : સાસુ વહુની લડાઈ (મહિપતરામ નીલકંઠ)
- પ્રથમ જાનપદી નવલકથા : સોરઠ, તારાં વહેતાં પાણી (ઝવેરચંદ મેઘાણી)
- પ્રથમ હાસ્ય નવલકથા : ભદ્રંભદ્ર (રમણભાઈ નીલકંઠ)
- પ્રથમ દલિત નવલકથા : આંગળિયાત (જોસેફ મેકવાન)
- પ્રથમ રાજકીય નવલકથા : હિન્દ અને બ્રિટાનિકા
- “અમે બધાં” નવલકથા ગુજરાતી સાહિત્યના બે સર્જકો ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે મળીને સંયુક્ત પ્રયાસથી લખવામાં આવેલી પ્રથમ નવલકથા છે.
મહાનવલકથા
- નવલકથાનો જ એક ભાગ કે જેમાં કોઈ એક ઘટના કે પ્રસંગનું વિસ્તૃત રીતે આલેખન ક૨વામાં આવે છે. ઈ.સ. 1887માં ગોવર્ધરામ ત્રિપાઠીએ “સરસ્વતીચંદ્ર ભાગ– 1” ત્યારબાદ તેમણે “સરસ્વતીચંદ્ર” ના બીજા ત્રણ ભાગ મળી કુલ ચાર ભાગ આપ્યા છે, જેનો ચોથો ભાગ ઈ.સ.1901માં પ્રકાશિત થયો હતો. જે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા ગણાય છે. આ ઉપરાંત રઘુવીર ચૌધરી કૃત “ઉપ૨વાસ કથાત્રયી” નો પણ સમાવેશ થાય છે.
- આ કથાત્રયીના “ઉપરવાસ”, “અંતરવાસ” અને “સહવાસ” એવાં ત્રણ ભાગ પાડવામાં આવ્યાં છે.
નવલિકા (ટૂંકીવાર્તા)
- નવલિકા એ વિદેશી સાહિત્ય પ્રકાર છે. નવલિકા એટલે ઓછા પાત્રો, ઓછા બનાવો, ઓછા શબ્દો દ્વારા જીવનરહસ્યને સમજાવવું. ઘટના ઔચિત્ય, વસ્તુલાઘવ, પાત્રોચિત્ય, વર્ણન, સંવાદ એ પાંચ અંગોથી નવલિકાનો પિંડ બંધાય છે.
- નવલકથા કરતા નાનો સાહિત્ય પ્રકાર એટલે નવલિકા. જેમાં કોઈ એક વિષયવસ્તુને ધ્યાનમાં રાખી તેનું વર્ણન કરવામાં આવે છે.
- વિશ્વનાથ ભટ્ટે નવલિકા (ટૂંકીવાર્તા)ને “ગદ્યદેહે વિચરતું મનોરમ ઊર્મિકાવ્ય કહ્યું છે”. આ ઉપરાંત ઉમાશંકર જોશીએ તેને “અનુભૂતિકણ” કહ્યું છે.
- મલયાનીલ (ક્ચનલાલ મહેતા) દ્વારા રચિત “ગોવાલણી” એ પ્રથમ ગુજરાતી સાહિત્યની નવલિકા છે, જે વર્ષ 1918માં “વીસમી સદી” નામના સામયિકમાં પ્રકાશિત થઈ હતી. વર્ષ 2018માં આ નવલિકાના સર્જનને સો (100) વર્ષ પૂરાં થતાં “ગુજરાત સમાચાર” નામના અખબારે આ વર્ષને ગુજરાતી વાર્તાનું જન્મ શતાબ્દિ વર્ષ તરીકેની ઊજવણી કરી હતી. આ ઉપરાંત રામનારાયણ વિશ્વનાથ પાઠક “દ્વિરેફ”ના ઉપનામથી વાર્તા લખેલી છે.
- નવલિકા ક્ષેત્રની ઉત્તમ કૃતિ ધૂમકેતુ દ્વા૨ા લખાયેલ “તણખા મંડળ ભાગ 1 થી 4” ઈ.સ. 1926 માં પ્રકાશિત થઈ હતી. તેમણે નવલિકાને “તણખો” કહ્યું છે.
- ધૂમકેતુની “પોસ્ટ ઓફિસ” નામની વાર્તાનો “ધ લેટર” નામે થયેલા અનુવાદને વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહ “વિશ્વ વાર્તા સંચય” માં સ્થાન મળ્યું છે, જે તેમની અનેરી સિદ્ધિ છે.
નાટક
- નાટક એ સાહિત્યનો સર્વશ્રેષ્ઠ પ્રકાર છે.
- પ્રાચીન નાટક એ મૂળ ભારતીય સંસ્કૃત પ્રકાર છે. વસ્તુ, પાત્ર, ચરિત્રચિત્રણ, સંવાદો, વાતાવરણ અને ઉદ્દેશ એ છ તત્વોનો એમાં સમાવેશ થાય છે. નાટક દ્રશ્યકલા છે. અભિનય અને રંગમંચ પણ નાટ્યરચનાનાં અંગો છે. નાટકમાં અભિનય મહત્વનું અંગ હોવાથી નાટ્યકારે ચોક્કસ સમય મર્યાદામાં વસ્તુગૂંફન કરવું પડે છે. નાટક વેશભૂષા અને રંગભૂષા દ્વારા નીપજે છે.
- નાટકને પ્રેક્ષકો સમૂહમાં માણતા હોવાથી તે “સમૂહભોગ્ય” કલા છે. એમાં અભિનય ઉપરાંત નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ વગેરે ક્લાઓનો સમન્વય થતો હોવાથી તે સર્વ કલાઓનું પિયર ગણાય છે.
- નાટક એ પાત્રો દ્વારા ભજવી શકાય તેવો સાહિત્ય પ્રકાર છે. નાટકમાં અભિયન કરનાર પાત્રને “નટ” કહેવામાં આવે છે. આ ઉપરાંત તેમાં નાયિકા, વિદૂષક, ખલનાયક તેમજ ગૌણ પાત્રોનો સમાવેશ થાય છે.
- નાટકના આધારભૂત તત્વોમાં તેનું “વાતાવરણ”, પાત્ર, તેમની વચ્ચેના સંવાદો, રંગમંચ ક્ષમતા, કથાવસ્તુ, ભાષાશૈલી આ બધી બાબતો મહત્વની છે.
- નાટકનું વિષયવસ્તુ કોઈપણ ઘટના પર આધારિત હોઈ શકે છે. જેમ કે, ઐતિહાસિક, રાજકીય, સામાજિક, સમસ્યા, વિચાર, ભાવ, રહસ્ય તથા જે તે સાંપ્રત ઘટના વગેરે.
- એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, નૃત્યનાટિકા, રેડિયોનાટિકા તથા એબ્સર્ડ પ્રકારના નાટકો ઉપરાંત પદ્યમાં રચાયેલા પદ્યનાટક પણ ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાય છે.
- પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક “મિથ્યાભિમાન” દલપતરામ દ્વારા રચવામાં આવ્યું છે.
- નાટકને અંકમાં (પેટાપ્રકાર તરીકે દ્રશ્યમાં) વિભાજિત કરવામાં આવે છે. આધુનિક નાટકનું મૂળ યુરોપિયન સાહિત્ય પ્રકા૨માં ૨હેલું છે. વિલિયમ શેક્સપિયર અને જ્યોર્જ બર્નાડ શો ઉત્તમ નાટયકાર છે.
- ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક “ગુલાબ” વર્ષ 1862માં પ્રગટ થયું હતું પણ તેમાં કેટલીક ક્ષતિ હોવાથી દલપતરામનું “લક્ષ્મી” નાટક એ પ્રથમ નાટક ગણાય છે.
- ગુજરાતી ભાષાનું પ્રથમ તખ્તાલાયકી ધરાવતું નાટક રમણભાઈ નીલકંઠ દ્વા૨ા લખાયેલું “રાઈનો પર્વત” છે.
- પ્રથમ કરુણ નાટક ૨ણછોડરામ દ્વારા લખવામાં આવેલ “લલિતા દુઃખદર્શક” (1866) છે.
- ગુજરાતી ભાષામાં નાટક ક્ષેત્રે ચંદ્રવદન મહેતા અને ચિનુ મોદીનું યોગદાન મહત્વપૂર્ણ રહેલું છે. નાટકને અનુરૂપ રંગમંચની ભૂમિ સાથે સંકળાયેલા ગુજરાતી રંગમંચના પિતા રણછોડરામ ઉદયરામ દવેને ગણવામાં આવે છે. પરંતુ ગુજરાતી રંગમંચ ક્ષેત્રે આગળ પડતું નામ જયશંકર સુંદરીનું ગણી શકાય.
એકાંકી
- સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ એકાંકી એટલે એક અંકનું નાટક. તે પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપ છે. એકાંકીમાં મુખ્યત્વે જીવનની કોઈ એક ઘટના, પરિસ્થિતિ કે સમસ્યા હોવી જોઈએ અને તેનો વિકાસ કુતૂહલજનક નાટયાત્મક શૈલીમાં થવો જોઈએ, ચરમસીમા સુધી પહોંચતા જ એકાંકી સમાપ્ત થવું જોઈએ. એકાંકી પસંદ કરવામાં આવેલ પ્રસંગ આપણા રોજિંદા જીવનના હોવા જોઈએ, જેથી તેમાં મનોરંજન અને વાસ્તવિકતા આવી શકે.
- એકાંકી પાંચ મિનિટથી લઈને એકાદ કલાકના સમયગાળામાં ભજવી શકાય છે.
- એકાંકીને એકથી વધુ દ્રશ્યો કે પ્રવેશોમાં વિભાજિત કરી શકાય છે.
- બે વિરોધી પાત્રો કે વર્ગોના વિરોધી ભાવો વચ્ચેનો સંઘર્ષ એ એકાંકીનો પ્રાણ છે. પાત્રસૃષ્ટિ મર્યાદિત હોય છે. પાત્રો એકલક્ષી હોય છે. એકાંકીના સંવાદો ટૂંકા, પાત્રોચિત અને મર્મગામી હોય છે.
- “વાતાવ૨ણ” એકાંકીનું અત્યંત મહત્વપૂર્ણ અંગ ગણાય છે.
- સંસ્કૃત સાહિત્યમાં પણ એક અંકી નાટ્ય પ્રકાર છે. જેનું સ્વરૂપ ગુજરાતી એકાંકી કરતા ભિન્ન પ્રકારનું જણાયું છે. આજનો એકાંકી પ્રકાર મોટેભાગે પશ્ચિમના પ્રભાવ નીચે ઉદ્ભવ પામીને વિકાસ પામ્યો છે.
- એકાંકીને વ્યાખ્યાબદ્ધ કરતા શ્રી ઉમાશંકર જોષી કહે છે કે, “એકાંકી એક એવી કૃતિ છે જે પ્રેક્ષકોએ એક બેઠક – એકી સાથે ગ્રહણ કરવાની હોય છે. જેમાં ઘણું ખરું તો એક દ્રશ્ય હોય છે. આ ઉપરાંત જુદાં જુદાં દ્રશ્યોમાં વહેંચાયેલું પણ હોય.”
- ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી એકાંકી ઈ.સ. 1922માં બટુભાઈ ઉમરવાડિયા દ્વારા રચિત “લોમહર્ષિણી” છે.
- બટુભાઈ ઉમરવાડિયાની જેમ આદ્ય એકાંકીકાર ગણાતા યશવંત પંડ્યાએ ઈ.સ.1925માં “ઝાંઝવા લે છે” નામનું ગુજરાતી ભાષાનું પ્રથમ શુદ્ધ એકાંકી આપ્યું
નિબંધ
- નિબંધ એટલે કોઈપણ પ્રકારના બંધન વિના અવિરત વહેતો ગદ્યનો પ્રવાહ. તે એક વિદેશી સાહિત્ય પ્રકાર છે. જે અંગ્રેજીમાં “ESSAY” તરીકે ઓળખાય છે.
- નિબંધ હંમેશા ગદ્ય સ્વરૂપમાં જ લખાય છે. જેનું પ્રચલન અર્વાચીન યુગમાં વધુ પ્રમાણમાં થયું હોવાથી તેને “ગદ્યનો યુગ” કહેવાય છે.
- નિબંધમાં વિચારો કેન્દ્રસ્થાને હોવા જરૂરી છે. તેના વિષયવસ્તુની રસ શરૂઆતથી લઈને અંત સુધી જળવાઈ રહેવો જોઈએ તેમજ નિબંધકારે નિબંધ લખતી વખતે ભાવકનો રસ જળવાઈ રહે એ માટે રોચક નિબંધ સર્જાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. નિબંધની ભાષાશૈલી તેનું એક મહત્વનું લક્ષણ છે. આથી નિબંધની ભાષાશૈલી સરળ અને સુવ્યવસ્થિત હોવી જોઈએ. નિબંધને ત્રણ ખંડમાં વહેંચવામાં આવે છે. પ્રારંભ, મધ્ય અને અંત.
- કાકાસાહેબ કાલેલકરે વ્યુત્પત્તિ, વ્યાખ્યા, દાખલા દલીલ, લાભ-ગેરલાભની ચર્ચા, સિદ્ધાંત અને ઉપસંહાર વગેરેને નિબંધના મહત્વપૂર્ણ ઘટકો ગણાવ્યા છે.
- સ્વરૂપની દ્રષ્ટિએ નિબંધના બે પ્રકાર પડે છે.
- લલિત નિબંધ
- લલિતેત્તર નિબંધ
- (1) લલિત નિબંધ : જે નિબંધમાં સર્જકતા અને લાલિત્ય હોય તેવા નિબંધને લલિત નિબંધ કહે છે. આ પ્રકારના નિબંધ મુખ્યત્વે ભાવ, આનંદ અને વ્યક્તિ પર કેન્દ્રિત હોય છે. તેમાં સાદાઈ, સરસતા, નૈસર્ગિકતા, આત્મીયતા, કલ્પના, ઊર્મિ અને હૃદયના સ્પંદનો હોય છે. સર્જક પોતાના જીવનની અંગત લાગણી કે અનુભવો પ્રગટ કરે છે.
- (2) લલિતેત્તર નિબંધ : લલિતેત્તર નિબંધમાં એક ચોક્કસ વિષયની પસંદગી કરી પછી તે અંગે વિચારણા કરવામાં આવે છે. જેના વિષયવસ્તુમાં વિચારોની પ્રધાનતા જ તેનું મુખ્ય કેન્દ્ર હોય છે. તેમાં ગંભીરતા હોય છે તેમજ જ્ઞાન સભાનતાની સાથે તર્ક અને દલીલો પણ હોય છે. તે ઉપરાંત તેમાં ચિંતન, મનન, જ્ઞાન, ઉપદેશ જેવા વિદ્વતાપૂર્ણ વિચારોને મહત્વ આપવામાં આવે છે.
- આ બંને પ્રકારો ઉપરાંત પણ અમુક નિબંધોમાં વર્ણનાત્મક, વિવરણાત્મક, ભાવાત્મક, આલોચનાત્મક, આત્મકથાત્મક, ઘટનાત્મક અને ચિંતનાત્મક જેવા પ્રકારો પણ જોવા મળે છે.
- ઈ.સ. 1851માં નર્મદે “મંડળી મળવાથી થતાં લાભ” પ્રથમ ગુજરાતી નિબંધ આપ્યો. તેઓ “ગુજરાતી ગદ્યના પિતા” ગણાય છે. આ ઉપરાંત કાકાસાહેબ કાલેલકરે પણ નિબંધક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. તેમના પ્રવાસ નિબંધો ખૂબ પ્રચલિત બન્યા છે તથા આનંદશંકર ધ્રુવે ચિંતનાત્મક નિબંધોનું સર્જન કર્યું છે.
- મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ “પૂર્વ અને પશ્ચિમ”, “નારી પ્રતિષ્ઠા”, “ચારિત્ર્ય”, ઉમાશંકર જોષીએ “ગોષ્ઠિ”, “ઉઘાડી બારી”, પંડિત સુખલાલજીએ “ચિંતન અને દર્શન”, વિજયરાય વૈદ્યએ “વિનોદ કાન્ત” ના ઉપનામથી “નાજુક સવારી”, કાકાસાહેબ કાલેલકરે “જીવનનો આનંદ”, “જીવન વિકાસ”, “જીવન ભારતી”, “જીવન સંસ્કૃતિ”, કિશોરલાલ મશરૂવાલાએ “સમૂળી ક્રાંતિ”, “કેળવણીના પાયા”, “સંસાર અને ધર્મ વગેરે નિબંધ લખ્યા છે.
- રા.વી. પાઠકે “સ્વૈરવિહારી” નામ ધારણ કરીને ઉત્તમ નિંબધો આપ્યા છે.
આત્મકથા (ઓટોબાયોગ્રાફી)
- જીવનકથા, રોજનીશી, રોજપોથી, સ્મૃતિચિત્રો જેવી જીવનસામગ્રી પર નિર્ભર સાહિત્ય સ્વરૂપોમાંનું એક ગદ્ય સાહિત્ય સ્વરૂપ તે આત્મકથા. પ્રથમ પુરુષ એકવચનનું કથન કાલક્રમમાં ગોઠવાયેલું હોય છે. જન્મથી લઈને આત્મકથા લખવાની શરૂઆત કરે ત્યાં સુધીની જીવનની પ્રત્યેક ક્ષણને સ્મૃતિપટ પર લાવીને શબ્દસ્થ ક૨વામાં આવે છે.
- આત્મકથા વિદેશી તેમજ આત્મકેન્દ્રી સાહિત્ય પ્રકાર છે. સાહિત્યકાર સ્વયં પોતાના જીવનના અનુભવોની વાતને સાહિત્યના માધ્યમમાં ઉતારે તેને આત્મકથા કહેવાય છે.
- આત્મકથામાં સર્જકના જીવનના અંત સુધીનું વર્ણન હોતું નથી આથી તે અધૂરો સાહિત્ય પ્રકાર ગણાય છે. તેમાં લેખક અને પાત્ર બંને એક જ હોય છે.
- ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા નર્મદ પાસેથી “મારી હકીકત” મળે છે. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ આત્મકથા : મહાત્મા ગાંધીજીની “સત્યના પ્રયોગો” છે, જેમાં ગાંધીજીએ પોતે અલ્પાત્માથી મહાત્મા કેમ બન્યા તેની સત્ય હકીકત તેમાં દર્શાવેલી છે.
- કનૈયાલાલ મુનશીની “અડધે રસ્તે” અને “સીધાં ચઢાણ”, રમણલાલ વસંતલાલ દેસાઈએ “ગઈકાલ” તથા “મધ્યાહનનાં મૃગજળ”, બળવંતરાય ઠાકોરે “પંચોતેરમે”, ચંદ્રવદન મહેતાએ “ગઠરીયા શ્રેણી” માં આત્મકથા લખેલ છે. નાનાભાઈ ભટ્ટે “ઘડતર અને ચણતર”, ઈન્દુલાલ યાજ્ઞિકે “મારી આત્મકથા” (ભાગ 1 થી 4), જયશંકર સુંદરીએ “થોડાં આંસુ, થોડાં ફૂલ”, સ્નેહરરિમએ “મારી દુનિયા”, “સાફલ્યટાણું”, “ઊઘડે નવી ક્ષિતિજ”, ચંદ્રકાંત બક્ષીની “બક્ષીનામા” વગેરે ગુજરાતી સાહિત્યમાં લખાયેલી શ્રેષ્ઠ આત્મકથાઓ છે.
- આત્મકથાને દુઃસાધ્ય સાહિત્ય ગણાવનાર સ્ટીફન વીગ હતા.
આત્મચરિત્ર (બાયોગ્રાફી)
- કોઈ બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યકિતનું જીવનચરિત્ર એ આત્મચરિત્ર તરીકે ઓળખાય છે. તે આત્મકથા જેવો જ સાહિત્ય પ્રકાર છે. પરંતુ આત્મકથા અપૂર્ણ હોય છે જ્યારે આત્મચરિત્ર પૂર્ણ હોય છે. તેમાં સંસ્મરણો, મિત્રો-સંબંધીઓ સાથેના વાર્તાલાપ, ફોટોગ્રાફસ અને ચિત્રો, બધી આધાર સામગ્રીમાંથી જીવનકથાકાર યોગ્ય ચયન કરી આવશ્યક શિસ્ત સાથે એનું ગ્રંથન કરે છે. આ એક પશ્ચિમી સાહિત્ય પ્રકાર છે.
- આત્મચરિત્રમાં લેખક અને પાત્ર અલગ અલગ હોય છે. આત્મચરિત્ર એ ઉમદા શ્રદ્ધાસભર અને ઋજુ સાહિત્ય સ્વરૂપ છે.
- આત્મચરિત્ર કોઈ શ્રેષ્ઠ વ્યક્તિના જીવન અંગેની આધારભૂત અને વાસ્તવિક માહિતી મેળવવા તેમજ ઈતિહાસને જાણવા માટે મદદરૂપ બને છે.
- આત્મચરિત્ર એ પૂર્ણ સાહિત્ય પ્રકાર છે. તેમાં લેખકે સંપૂર્ણ તટસ્થતા જાળવી આલેખન કરવું જોઈએ.
- પ્રાણલાલ મથુરદાસ દ્વારા રચિત ગુજરાતી ભાષાનું પ્રથમ જીવનચરિત્ર “કોલંબસનો વૃતાંત” છે. ના૨ાયણ દેસાઈ દ્વારા લખાયેલું “અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ” પ્રખ્યાત આત્મચરિત્ર છે. તેમાં મહાદેવભાઈ દેસાઈના જીવનનું વર્ણન છે.
પ્રવાસવર્ણન
- લેખકે કરેલા પ્રવાસના વર્ણનને પ્રવાસન વર્ણન કે ભ્રમણવૃત્ત કહે છે. એવું લખાણ કરવા માટે સ્થળ અને પરિસ્થિતિ જોવાની દ્રષ્ટિ, મુલવવાની શક્તિ, તીવ્ર યાદશક્તિ હોવી જોઈએ.
- આ સાહિત્ય પ્રકારમાં લેખક એક જ રૂમમાં બેસીને સમગ્ર વિશ્વનું વર્ણન કરે છે.
- ઈ.સ.1862માં “ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન” નામનું ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પ્રવાસવર્ણન મહિપતરામ નીલકઠે આપ્યું હતું.
- આ સાહિત્ય પ્રકારમાં કાકાસાહેબ કાલેલકરે વધુ સાહિત્ય લખ્યું છે. આ ઉપરાંત પ્રીતિ સેનગુપ્તા તથા ભોળાભાઈ પટેલે પણ પ્રવાસવર્ણન વિશે સર્જન કરેલ છે.
મુક્તક
- મુક્તક એટલે એક જ શ્લોક કે કડીમાં સંપૂર્ણ કાવ્યનો આસ્વાદ બહુ જ અલ્પ ક્ષણોમાં તે કાવ્યનો રસાસ્વાદ કરાવી શકે એ જ મુક્તકની વિશિષ્ટતા છે.
- આમ, મુક્તક એટલે કાવ્યનું મોતી-કાવ્યનું પાણીદાર મોતી જેમાં નાનકડું કાવ્ય રસ, વેગ, ચોટ અને ચમત્કારથી રસિક સરળ, પ્રાસયુક્ત અને પાણીદાર લાગે.
- મોતીનો એક જ દાણો જેમ સુંદર છે, કિંમતી છે અને એ એકલો પણ સ્વતંત્ર ઘરેણા તરીકે વાપરી શકાય છે. તેમ, જે એક જ કડીનું સ્વતંત્ર કાવ્ય હોય, સુંદર હોય અને એકલું જ બોલી શકાય તેવું હોય તેને “મુક્તક” કહે છે.
- સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યમાં મુક્તકોનું સ્થાન મહત્વનું છે.
શબ્દકોશ
- ગુજરાતીમાં કોશનો આરંભ ડો. ડ્રમન્ડ નામના એક પાદરી દ્વારા વર્ષ 1808માં 463 ગુજરાતી શબ્દોની અંગ્રેજી સમજૂતી આપતા “ગ્લોસરી” પુસ્તકથી થયો.
- ગુજરાતી ભાષામાં વ્યાકરણ અને જોડણીના શુદ્ધિકરણ માટે સૌપ્રથમ નર્મદ દ્વારા રચાયેલો “નર્મકોશ” ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ગણાય છે.પરંતુ ગુજરાતી ભાષાના જોડણીકોશનું નિર્માણ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અનેક વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ “સાર્થ જોડણીકોશ” તૈયાર થયો. સાર્થ જોડણીકોશનું પ્રકાશન નવજીવન પ્રકાશન મંડળ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
- ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટા શબ્દકોશનું નિર્માણ વિદ્વાનોની મદદથી કરાવ્યું હતું. વર્ષ 1928 થી 1954 એમ 26 વર્ષ સુધીના સમયગાળામાં તૈયાર થયેલા આ શબ્દકોશને “ભગવદ્ગોમંડલ” તરીકે ઓળખવામાં આવે છે જે 9 ભાગમાં વહેંચાયેલો છે. તેનો 9મો ભાગ 1954માં પૂર્ણ થયો હતો.
- ચંદુભાઈ બહેચ૨લાલ પટેલે ગ્રંથને સંપાદન કરવાનું ભગીરથ કાર્યે નિભાવ્યું હતું. તે સમયે લેટરપ્રેસમાં તૈયાર થયેલા ભગવદ્ગોમંડલની 500 પ્રત પ્રકાશિત કરાઈ હતી. ત્યાર પછી લાંબા સમય સુધી ભગવદ્ગોમંડલ જ્ઞાનકોશ અપ્રાપ્ય રહ્યો.
- 1986-87માં રાજકોટના પ્રવીણ પ્રકાશને 9 વોલ્યુમમાં 10 હજાર પાનાનો આ ગ્રંથ પુનઃપ્રકાશિત કરવાનું બીડું ઝડપ્યુું.વર્ષ 2008માં ભગવદ્ગોમંડલની ત્રીજી આવૃત્તિ પણ પ્રવીણ પ્રકાશને જ પ્રકાશિત કરી. આ સંપૂર્ણ ગ્રંથ પ્રવીણ પ્રકાશન દ્વારા ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યો છે.
- 1940માં પહેલી વાર પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં 2 લાખ 82 હજાર શબ્દોની કુલ 8 લાખ 22 હજાર શબ્દોમાં અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે.
- “ગુજરાતી વિશ્વકોશ” નું આયોજન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા 1985માં થયેલું છે. તેના મુખ્ય સંપાદક ડો. ધીરુભાઈ ઠાકર છે. 1700થી વધુ સર્જકોનાં 23 હજારથી વધુ લખાણોવાળાં 1000 પૃષ્ઠના એક એવા કુલ 25 ગ્રંથો પ્રગટ થયેલા છે, જેમાં માનવવિદ્યાઓ, સમાજવિદ્યાઓ અને વિજ્ઞાન વિષયો છે. સાહિત્ય-કથા સમેત સામાન્ય જ્ઞાન આપતા “ગુજરાતી બાળવિશ્વકોશ” (1 થી 5 ભાગ) નું પ્રકાશન પણ ગુજરાત વિશ્વકોશ દ્વારા થયું છે.