Sangna (Naam) – Gujarati vyakaran

સંજ્ઞા ( નામ )

પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે.

દર્શ, હાર્દિક, આર્યન, હિમાંશુ, સિંહ, વાઘ, હાથી, મોર, પોપટ, ચકલી, પંખો, ટેબલ, ખુરશી વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ.

જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ. જેમ કે, પ્રેમ, ક્રોધ, ડહાપણ, ઊંડાણ, ધીરજ, શાંતિ, મીઠાશ, સ્નેહ, કોમળ વગેરે.

એ જ પ્રમાણે જુદી જુદી જાતની ક્રિયાઓને પણ આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જેમ કે, વાંચન, લેખન, ભણતર, ગણતરી, સફાઈ, કાર્ય, ચણતર વગેરે.

આમ, કોઈ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખાવતા પદોને સંજ્ઞા કહેવામાં આવે છે.

ગુજરાતી ભાષામાં આવા નામ કે સંજ્ઞાના પ્રકારો નીચે પ્રમાણે છે.

(1) વ્યક્તિવાચક સંજ્ઞા
(2) જાતિવાચક સંજ્ઞા
(3) સમૂહવાચક સંજ્ઞા
(4) દ્રવ્યવાચક સંજ્ઞા
(5) ભાવવાચક સંજ્ઞા


(1) વ્યક્તિવાચક સંજ્ઞા :

વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું વિશેષ નામ તે વ્યક્તિવાચક સંજ્ઞા છે. જેમ કે, હિમાલય, ગંગા, સાબરમતી, ભારત, ગીર સોમનાથ, ઉના, સૂર્ય, ચન્દ્ર, કારતક, શનિવાર, વગેરે. આમ, જે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિને કે પદાર્થને દર્શાવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.

ઉદાહરણો :

મુંબઈ દરિયાકાંઠે વસેલું શહેર છે.
ધીરજકાકા હંમેશા રમૂજી ટૂચકાઓ કહીને બધાંને હસાવતાં.
દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે.
મુંજાલ મનોમન અટ્ટહાસ્ય કરતો હોય એમ લાગી રહ્યું હતું.

ઉપરના વાક્યોમાં મુંબઈ, ધીરજકાકા, દિવાળી, મુંજાલ વગેરે પદો વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે.

અન્ય ઉદાહરણો :

ગાંધીજી સત્ય અને અહિંસાના સાધક હતા.
કલ્યાણની શહીદીને કા૨ણે યુદ્ધમાં વિજય થયો.
રાધવન ઓફિસમાં સતત કામમાં રહેતો.
સુષમા એટલે પરમ શોભા એવો અર્થ પણ થાય.
શ્રાવણ માસ ધાર્મિક ઉત્સવોથી ભરપૂર હોય છે.
• શહેરમાં જઈ ગોવિંદ કારખાનામાં કામ કરવા લાગ્યો.
સ્વર્ગમાં શાશ્વત વસંત ખીલી ઊઠતી.
મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબંધણું બાંધેલું.
• રાત્રે ખાઈ-પીને મંગળકાકાના ઘર પાસે બેસી જવાનું.
લીમડો આરોગ્ય માટે ઘણું મહત્વનું વૃક્ષ છે.
ફાગણ અવનવાં રંગો લઈને હાજર થઈ જાય છે.


(2) જાતિવાચક સંજ્ઞા :

વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે, નદી, વૃક્ષ, પર્વત, ફૂલ, શિક્ષક, વકીલ, વિદ્યાર્થી, બાળક, પુરુષ, સ્ત્રી, પ્રાણી, પશુ, પક્ષી, શહેર, ગામ, રાજ્ય, દેશ, જિલ્લો, તળાવ, સમુદ્ર વગેરે જાતિવાચક સંજ્ઞા સૂચવે છે. આમ, જે સંજ્ઞાઓ આખા વર્ગને કે જાતિને સૂચવવાનું કાર્ય કરે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.

ઉદાહરણો :

વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં.
• કોર્ટમાં વકીલો મોટેમોટેથી દલીલો કરવા લાગ્યાં.
• પાલતું પશુઓ રોજીંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે.
દાદાજી સરસ મજાની વાર્તાઓ કહી અમને આનંદિત કરી દેતાં.
વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે.

ઉપરના વાક્યોમાં વિદ્યાર્થીઓ, વકીલો, પશુઓ, દાદાજી, વૃક્ષો વગેરે પદો જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે.

અન્ય ઉદાહરણો :

• ભારતમાં અનેક રાજ્યો આવેલાં છે.
• આપણો દેશ મોસમી ઋતુ ધરાવતો દેશ છે.
• ચોમાસામાં નદીઓ પાણીથી ભરપૂર હોય છે.
મનુષ્ય પોતાના સ્વાર્થ માટે વધુ વિચારે છે.
• બન્ને બહેનો ઊછળતી-કૂદતી રમવાં જતી રહી.
• આપણો દેશ બિનસાંપ્રદાયિકતાને વરેલો છે.
રસ્તો ઓળંગી અમે ઘરે પહોંચ્યા.
• હું ત્યાંની શાળામાં બરાબર ગોઠવાઈ ગયો હતો.
• તેમનું મુખ લાલચોળ થઈ ગયું હતું.
બાળકની માતા એ એનો સાચો ગુરુ છે.
બાએ મને નાછૂટકે વિદાય આપી.
• વહેલી સવારે પંખીઓ કલરવ કરતાં દેખાય છે.


(3) સમૂહવાચક સંજ્ઞા :

કોઈપણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થોના સમૂહને દર્શાવે તે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે, સૈન્ય, પ્રજા, ટોળું, સમુદાય, ભંડોળ, ઘણ, ઢગલો, ટુકડી, જંગલ, ઝૂમખું, ફોજ, ગણ, જૂથ વગેરે સમૂહવાચક સંજ્ઞા દર્શાવે છે. આમ, સમૂહ દર્શાવતી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞા કહે છે.

ઉદાહરણો :

• મારે એક પ્રબળ સૈન્ય પેદા કરવું છે.
• તેણે ઓછા સમયમાં મોટું ભંડોળ એકઠું કરી લીધું.
• સાંજ પડતાં ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું.
• લોકોના ટોળામાં હર્ષનાદ થયો અને તાળીઓ પડવા લાગી.
• બાએ નાનાંમોટાં નવા વસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો.

ઉપરના ઉદાહરણોમાં સૈન્ય, ભંડોળ, ઘણ, ટોળા, ઢગલો વગેરે પદો સમૂહવાચક સંજ્ઞા દર્શાવે છે.

અન્ય ઉદાહરણો :

• એક મોટો સમુદાય ગરીબોને સહાય કરવા આગળ આવવા માંડ્યો.
• ત્રણ ટૂકડીઓમાં તેઓ વહેંચાઈને કામ કરવાં લાગ્યાં.
• આકાશમાં પ્રકાશિત તારાઓનું ઝૂમખું દેખાઈ રહ્યું હતું.
• તેણે અનાજની ગાંસડીઓ અને ઘરનાં માનવીઓનો હિસાબ ગણ્યો.
• ઘટાદાર જંગલો પ્રાણીઓનું નિવાસસ્થાન છે.
• વિદ્યાર્થીઓ જૂથ પાડી ભણી રહ્યાં હતા.
• રવિશંકર મહારાજે રાજ્ય માટે ઘણું ભંડોળ એકઠું કર્યું હતું.
• આકાશગંગામાં અનેક તારાઓનાં ઝૂમખાંઓ છે.


(4) દ્રવ્યવાચક સંજ્ઞા :

જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્યરૂપે રહેલી છે, જેમનું વજન થઈ શકે છે, જેમનું માપ લઈ શકાય છે તેવી સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. જેમ કે, માટી, હવા, કાપડ, રૂ, ઘઉં, ચોખા, દાળ, લોટ, ઘી, દૂધ, તેલ, પાણી, અમૃત, ઝેર, લોખંડ, સોનું, મધ વગેરે દ્રવ્યવાચક સંજ્ઞા દર્શાવે છે. આમ, જે પદાર્થો દ્રવ્યરૂપે જોવા મળે છે તેમને દર્શાવતી સંજ્ઞા તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય.

ઉદાહરણો :

• ભોજનમાં મેં માત્ર દૂધ જ લીધું.
• ગુજ્જરો ભેંસો પર મસમોટી ઘીની દેગો લાદે છે.
• વરસાદના પાણીથી માટીની સુગંધ આવવા લાગી.
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.
તાંબાના વાસણો જૂના જમાનામાં રસોડાની શોભા વધારતાં.

ઉપરના ઉદાહરણોમાં દૂધ, ઘી, પાણી, અમૃત, તાંબુ વગેરે પદો દ્રવ્યવાચક સંજ્ઞા દર્શાવે છે.

અન્ય ઉદાહરણો :

• ખુલ્લાં વાતાવરણમાં ઠંડી હવા પ્રસરવા માંડી.
• અસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ લોહીથી તરબતર હતી.
• ઘરનું ફિર્નચર લાકડાંમાંથી બનેલું હતું.
• ખેતરમાં ઘઉંનો પાક લહેરાતો હતો.
• તંદુરસ્તી માટે મધ આરોગ્યપ્રદ ગણાય છે.
• નદીના પટમાં જાણે રેતીએ રણ બનાવ્યું હોય.
ઝેર તો પીધાં છે જાણી જાણી.
કંસાર, દાળ, ભાત તૈયાર છે અને રસોઈ ઠરી જાય છે.
• તેમણે સોનાનાં આભૂષણ ધારણ કરેલાં હતાં.


(5) ભાવવાચક સંજ્ઞા :

જે પદાર્થને જોઈ સ્પર્શી ન શકાય, પણ જે કેવળ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને દર્શાવે તે ભાવવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે, વિચાર, ભલાઈ, કાળાશ, મીઠાશ, સેવા, ઉછેર, ઠપકો, શોખ, ઠંડી, ગરમી, જાગૃતિ, વિવાહ, જીવન, મૃત્યુ, દિવસ, રાત, કિલોમીટર, માઈલ, ક્રોધ, સ્નેહ, પ્રામાણિક, ન્યાય, જવાબદારી, ખરાબ, સાચું, વિનય, વિવેક વગેરે.

ઉદાહરણો :

• તેની છાલકો હૈયાને ઉત્સાહથી તરબોળ કરી મૂકતી.
• તેની માંદગી વધુને વધુ ગંભીર બનતી ગઈ.
નિષ્ફળતાએ જાણે તેને હતાશામાં કેદ કરી લીધો હતો.
• જરા વિસ્મય પામી રુદ્રએ પ્રશ્ન પૂછ્યો.
પરિવર્તન આ જગતનું મહત્વનું લક્ષણ છે.

ઉપરના ઉદાહરણોમાં ઉત્સાહ, માંદગી, ગંભીર, નિષ્ફળતા, હતાશા, વિસ્મય, પરિવર્તન વગેરે પદો ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે.

અન્ય ઉદાહરણો :

• સંતોના મુખની વાતોમાં બહુ મીઠાશ હોય છે.
• તેણે થોડીવાર વિચાર કરીને જવાબ આપ્યો.
• લોકોએ ફરજ અને નિષ્ઠાનું પાલન કરવું જોઈએ.
• તેમનો અભિગમ હંમેશા બીજાને સહાયરૂપ હતો.
• તેણે આવેશમાં આવીને કઠોર નિર્ણય લઈ લીધો હતો.
• શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે.
• તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી.
સંઘર્ષમય જીવન અનુભવનું દ્વાર ગણાય છે.
• આકાશ એકદમ ભૂરું અને સ્વચ્છ હતું.
• રમણલાલને જાણે કોઈએ ગાઢી નિંદ્રામાંથી ઢંઢોળ્યો.
• તેમનું બાળપણ વતનમાં વીતેલું.
• તેમની આંખોમાં આક્રોશ ઠલવાતો હતો.
• મહારાજે તેમની પ્રામાણિક્તા જોઈ પુરસ્કાર અર્પણ કર્યો.
• ગાંધીજી દેશની આઝાદી માટે પ્રયત્નશીલ હતા.


ગુજરાતી ભાષામાં નામના પાંચ પ્રકારો છે. તેની વિશેષતા અનુસાર તેને ઓળખવામાં આવે છે. જેમ કે, સંજ્ઞાવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, અને ભાવવાચક.

આ સઘળાં નામોથી ‘ભાવવાચક’ નામ જુદું પડી જાય છે. ભાવવાચક નામ વડે આપણે પ્રાણીઓને કે પદાર્થોને નહીં પણ એમના ગુણોને કે ક્રિયાને ઓળખીએ છીએ. સંજ્ઞાવાચક, જાતિવાચક, સમૂહવાચક કે દ્રવ્યવાચક નામવાળાં પ્રાણીઓ કે પદાર્થોની આકૃતિઓ એટલે કે એનાં રૂપ, રંગ, આકાર, ઘાટઘૂટ, સ્વાદ વગેરેનો આપણે અનુભવ કરીએ છીએ. ભાવવાચક નામ દ્વારા ઓળખાતા ગુણો કે ક્રિયાઓને એ પ્રમાણે આકાર નથી હોતા એટલે કે એ આંખ, જીભ, નાક, કાન અને શરીરની ચામડીના સ્પર્શ વડે સમજાતાં નથી, માત્ર મન વડે જ સમજાય છે : દયા, કરુણા, પ્રેમ, ક્રૂરતા, પીળાશ, તપાસ, તરસ, ભૂખ, પાલન, પ્રામાણિક ઈત્યાદિ શબ્દો ભાવવાચક નામનાં ઉદાહરણો છે. ભાવવાચક નામ બનાવવા કેટલાક પ્રત્યયોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ‘સુંદર’ શબ્દને ‘તા’ પ્રત્યય, કે પ્રભુ શબ્દને ‘ત્ત્વ’ પ્રત્યય જોડવાથી અનુક્રમે તેમનાં ભાવવાચક નામ ‘સુંદરતા’ તથા ‘પ્રભુત્વ’ બન્યાં.


સંજ્ઞા

(GPSC મુખ્ય પરીક્ષા માટે અગત્યના આદર્શ પ્રશ્નોની યાદી)

1. સંજ્ઞા એટલે શું ? તેના પ્રકારો જણાવો.
2. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું ? ઉદાહરણ સાથે સમજાવો.
3. જાતિવાચક સંજ્ઞા વિશે સમજૂતી આપો.
4. સમૂહવાચક સંજ્ઞા એટલે શું ? સમજાવો.
5. નર્મદા, ક્રોધ, પર્વત, પાણી, સંજ્ઞાના પ્રકારો જણાવી સમજૂતી આપો.
6. દ્રવ્યવાચક સંજ્ઞા વિશે સમજૂતી આપો.
7. ભાવવાચક સંજ્ઞા એટલે શું ? સમજાવો.
8. દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો સંજ્ઞાનો પ્રકાર આપી સમજાવો.
9. ટોળુ, વણઝાર, સભા, મંડળી સંજ્ઞાનો પ્રકાર આપી સમજાવો.
10. ઉછેર, પૂણ્ય, નફરત, શિક્ષણ, સંજ્ઞાનો પ્રકાર આપી સમજાવો.


જો આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.

– Education Vala

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!