મૂળભૂત ફરજો – Fundamental Duties

• ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફ૨જો જોડવામાં આવી ન હતી. બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારો જોડવામાં આવ્યા હતા. બંધારણના ઘડવૈયાઓને એ જરૂરી નહોતું લાગ્યું કે મૂળભૂત અધિકારો સાથે મૂળભૂત ફરજો જોડવામાં આવે.
• નોંધનીય છે કે, બંધારણના ઘડવૈયાઓએ રાજ્ય (સરકાર) માટેની ફરજો માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખી હતી, પરંતુ નાગરિકો માટે ફ૨જો લખી ન હતી.
• સરદાર સ્વર્ણસિંહની સમિતિની ભલામણોના આધારે ઈન્દિરા ગાંધી સરકારે 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા મૂળભૂત ફરજોને બંધારણમાં ભાગ 4(ક) અથવા 4(A)માં અનુચ્છેદ 51(ક) અથવા 51(A) અંતર્ગત શામેલ કરી. તે સમયે બંધારણમાં દસ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ 86માં બંધારણીય સુધારા, 2002 દ્વારા અગિયારમી ફરજ ઉમેરવામાં આવી હતી.
• ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો પૂર્વ રશિયાના બંધારણમાંથી પ્રેરણા લઈ શામેલ કરવામાં આવી. નોંધનીય છે કે, લોકતાંત્રિક દેશોના બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જોવા મળતો નથી. જેમ કે અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, કેનેડા જેવા દેશોના બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નથી. ભારત સિવાય લોકતાંત્રિક દેશ જાપાનના બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જોવા મળે છે.
• મૂળભૂત ફરજોનો ખ્યાલ સમાજવાદી-સામ્યવાદી દેશોમાંથી વિકસ્યો છે. આ દેશોમાં શાસકની ફરજો લોકો માટે અધિકારો બને છે. તેના બદલામાં લોકોએ શાસક પ્રત્યે કેટલીક ફરજો નીભાવવાની હોય છે.
• મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફ૨જોનું સહઅસ્તિત્ત્વ હોય છે એટલે કે અધિકારો ભોગવતા નાગરિકોએ સામે કેટલીક ફરજો નીભાવવાની હોય છે. આ સંબંધમાં મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજમાં કહ્યું હતું કે “સાચા અધિકારો, નીભાવેલી ફરજોનું પરિણામ હોય છે”.
• રાજ્યની ફરજ હોય છે, તેમના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું, સામે નાગરિકોની ફરજ હોય છે રાજ્ય પ્રત્યે વફાદારી દાખવવી.
શા માટે મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી ?
• મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોને શામેલ કરવી બંધારણના ઘડવૈયાઓને અનિવાર્ય નહોતું લાગ્યું, પરંતુ બંધારણ લાગુ થયાના 26 વર્ષો બાદ એટલે કે 1976માં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી, તેના કારણો નીચે મુજબ હોઈ શકે.
1. મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી તે સમયના કાયદામંત્રી એચ.આર.ગોખલેના મતે મૂળભૂત ફરજો એટલા માટે ઉમેરવામાં આવી કારણ કે જૂન 1975માં (આંતરિક અશાંતિના બહાના હેઠળ કટોકટી લગાડવામાં આવી તે પહેલા) ચોક્કસ લોકોના સમૂહે કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા પ્રત્યે વફાદારી ન દાખવી, રાષ્ટ્ર વિરોધી આંદોલનો કર્યા હતા. જેથી નાગરિકો માટે મૂળભૂત ફરજોની આવશ્યકતા ઊભી થઈ હતી.
2. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મતે મૂળભૂત ફરજો લોકતાંત્રિક વ્યવસ્થાને વધુ મજબૂત કરવા ખુબ આવશ્યક હોવાથી બંધારણમાં શામેલ કરવામાં આવી હતી.
• 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં દસ ફરજો ઉમેરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના તત્કાલીન અધ્યક્ષ ડી.કે.બરૂઆએ ભારતના નાગરિકો માટેની દસ ફરજોને, યહુદી આદિ પુરુષ મોઝીઝની દિવ્ય વાણીથી પ્રાપ્ત થયેલા દસ આદેશો સાથે સરખાવી હતી.
• બંધારણમાં ઉમેરવામાં આવેલી મૂળભૂત ફરજોનો સંસદમાં રહેલા વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે એ પણ નોંધવા યોગ્ય છે કે આંતરિક કટોકટી સમાપ્ત થયા બાદ નવી રચાયેલી મોરારજી દેસાઈની સરકારે 43માં અને 44મા બંધારણીય સુધારા દ્વારા ઈન્દિરા ગાંધીના સમયમાં થયેલા 42માં બંધારણીય સુધારાની ઘણી જોગવાઈઓ રદ્દ કરી હતી, પરંતુ મૂળભૂત ફરજોને રદ્દ કરી ન હતી.
સ્વર્ણસિંહ સમિતિ :
• વર્ષ 1976માં કોંગ્રેસ પાર્ટી દ્વારા સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિનું કાર્ય હતું ભૂતકાળના અનુભવોના આધારે બંધારણમા ક્યા પ્રકારના ફેરફારો કરવાની જરૂરિયાતો છે, તે અંગેની ભલામણો કરવાનું હતું.
• સ્વર્ણસિંહની અધ્યક્ષતાવાળી સમિતિએ ભારતીય બંધારણમાં ઘણાં ફેરફારો કરવા અંગેની ભલામણો કરી હતી. જેમાં આમુખમાં ફેરફાર, રાષ્ટ્રપતિની સત્તામાં ફેરફાર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ફેરફાર, કટોકટી સંબંધી ફેરફાર, કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંબંધોમાં ફેરફાર વગેરેનો સમાવેશ થતો હતો. નોંધનીય છે કે, સ્વર્ણસિંહ સમિતિની ભલામણોના આધારે જ ઈન્દિરા ગાંધીની સરકારે 42મો બંધારણીય સુધારો કર્યો હતો જે લઘુ બંધારણ તરીકે જાણીતો બન્યો !
• સ્વર્ણસિંહની સમિતિએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો જોડવાનું અને તેના માટે અલગથી ભાગ ઉમેરવાની ભલામણ કરી હતી. જેના આધારે બંધારણમાં ભાગ 4(A) અંતર્ગત અનુચ્છેદ 51(A) ઉમેરવામાં આવ્યો હતો.
• સ્વર્ણસિંહની સમિતિએ આઠ ફરજો ઉમેરવાની ભલામણો કરી હતી, પરંતુ કોંગ્રેસ પક્ષની સરકારે 42માં બંધારણીય સુધારા દ્વારા દસ ફરજો ઉમેરી હતી.
• નોંધનીય છે કે સમિતિએ ભલામણ કરેલી કેટલીક ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી નહોતી. જેમ કે,
1. કર ભરવો એ દરેક નાગરિકની ફરજ બનાવવી
2. જો કોઈ વ્યક્તિ ફરજોનું પાલન ન કરે તો સંસદ કાયદા દ્વારા નાણાકીય દંડ અથવા અન્ય સજા કરી શકે.
મૂળભૂત ફરજોની યાદી (અનુચ્છેદ 51(A) / 51(ક)) :
• 51(A) / (a/ક) : બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગાનનો આદર કરવાની.
• 51(A) / (b/ખ) : આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને તેને અનુસરવાની.
• 51(A) / (c/ગ) : ભારતના સાર્વભૌમત્ત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની.
• 51(A) / (d/ઘ) : દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની.
• 51(A) / (e/ચ) : ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્ત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની.
• 51(A) / (f/છ) : આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મુલ્ય સમજી તે જાળવી રાખવાની.
• 51(A) / (g/જ) : જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની.
• 51(A) / (h/ઝ) : વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની.
• 51(A) / (i/ટ) : જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની.
• 51(A) / (j/ઠ) : રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
• 51(A) / (k/ડ) : માતા-પિતા અથવા વાલીએ, 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળકને શિક્ષણની તકો પુરી પાડવાની.
• નોંધઃ આ ફરજ 86માં બંધારણીય સુધારા, 2002 દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી છે.
વર્મા સમિતિ :
• મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવા છતા તેનો ખાસ પ્રભાવ જોવા મળતો ન હતો. તે માત્ર નૈતિક સિદ્ધાંતો બનીને રહી ગયા હતા. મૂળભૂત ફરજોનું એના એ જ સ્વરૂપમાં પાલન કરાવવું જરૂરી ન હતું. સંસદે કે રાજ્યના વિધાનમંડળે તેના માટે કાયદાઓ ઘડવા જરૂરી હતા.
• વર્ષ 1998માં જસ્ટિસ વર્માની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિનો ઉદ્દેશ હતો કે મૂળભૂત ફરજો અંગેનું શિક્ષણ ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં કઈ રીતે આપી શકાય તે અંગે ભલામણો કરવાનું હતું.
• વર્મા સમિતિએ 1999માં પોતાની ભલામણો સરકારને સુપ્રત કરી. સમિતિએ પોતાની ભલામણોમાં જણાવ્યું કે મૂળભૂત ફરજોને લાગુ કરવા માટે કાયદાઓ અસ્તિત્ત્વમાં છે જ, માત્ર એ કાયદાઓનો મૂળભૂત ફરજોમાં અમલ માટે ઉપયોગ કરવામાં નથી આવ્યો.
• વર્મા સમિતિએ પોતાના અહેવાલમાં નીચેના કાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો.
1. રાષ્ટ્રીય ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન, બંધારણનું અપમાન થતું અટકાવવા માટે “પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971” નો અમલ કરાવી શકાય.
2. ભાષા, ધર્મ, વંશ, જન્મ સ્થળ વગેરેના આધારે સમૂહો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરતા વ્યક્તિઓ કે સંસ્થાઓને સજા કરતા ઘણા કાયદાઓ અસ્તિત્ત્વમાં છે, ઈન્ડિયન પીનલ કોડ (IPC)માં પણ આ અંગેની જોગવાઈ છે.
3. જાતિ અને ધર્મ આધારિત ગુનાઓને અટકાવવા માટે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 (The Protection of Civil Right act)માં જોગવાઈઓ છે.
4. દેશની એકતા અને અખંડિતતાને હાનિ પહોંચાડતા ગુના સંબંધી કાર્ય કરવા અંગે ઘણા કાયદાઓ અમલમાં છે જેમકે ઈન્ડિયન પીનલ કોડ (1860), ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત અધિનિયમ 1967 વગેરે.
5. ચૂંટણી સમયે જાતિ કે ધર્મના આધારે મત માંગવા અથવા જાતિ, ધર્મ, જન્મસ્થળ, ભાષાના આધારે લોકોના સમૂહો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા બદલ સાંસદ સભ્ય કે રાજ્ય વિધાનમંડળના સભ્ય સામે લોકપ્રતિનિધિત્ત્વ અધિનિયમ 1951માં જોગવાઈ છે.
6. વન્યજીવોના સંરક્ષણ માટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અમલમાં છે. એ જ રીતે જંગલો, પાણી, હવા સહિતના પર્યાવરણના રક્ષણ માટે અલગ અલગ કાયદાઓ પ્રવર્તમાન છે.
મૂળભૂત ફરજોની વિશેષતા :
1. મૂળભૂત ફરજો માત્ર ભારતના નાગરિકોને લાગુ પડે છે, વિદેશી વ્યક્તિઓને લાગુ પડતી નથી. નોંધનીય છે કે મૂળભૂત અધિકારો (કેટલાક) વિદેશી વ્યક્તિઓને પણ મળવાપાત્ર થાય છે.
2. મૂળભૂત ફરજોને લાગુ કરવા માટે કાયદો બનાવવો જરૂરી છે. કાયદો અમલમાં લાવ્યા સિવાય તેને લાગુ કરી શકાતી નથી.
3. કેટલીક ફરજો નૈતિક છે જ્યારે કેટલીક ફરજોનું પાલન કરવું કાયદાની દ્રષ્ટિએ ફરજિયાત છે.
4. કેટલીક ફરજો એવી છે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ જોવા મળે છે, જેમકે પર્યાવરણનું જતન કરવી, રાષ્ટ્રીય સંપત્તિનું સંરક્ષણ કરવું, વન્યજીવોનું સંરક્ષણ કરવું.
મૂળભૂત ફરજોનું મહત્ત્વ :
• બંધારણ લાગુ થવાના 26 વર્ષો બાદ તેના મહત્ત્વને ધ્યાને રાખી બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. મૂળભૂત ફરજોનું મહત્ત્વ નીચે મુજબ ગણી શકાય.
1. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
2. મૂળભૂત અધિકારીના ઉપયોગ કરતા નાગરિકોને જાગૃત બનાવે છે.
3. નાગરિકોમાં દેશ પ્રત્યેની વફાદારી અને રાષ્ટ્રભક્તિ ભાવના કેળવે છે.
4. નાગરિકોમાં અનુશાસન અને શિસ્તતા આવે છે.
5. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે છે.
મૂળભૂત ફરજોની આલોચના :
1. મૂળભૂત ફરજોમાં હજુ ઘણી ફરજો ખૂટે છે જેમ કે ફરજિયાત મતદાન કરવું, સ્વચ્છતા સંબંધી ફરજ, કરપાત્ર આવક પર કર ભરવો, કુટુંબ નિયોજન સંબંધી જોગવાઈ વગેરે.
(સ્પષ્ટતા : સ્વર્ણસિંહ સમિતિએ કર ભરવાની ફરજ અને કુટુંબ નિયોજન સંબંધી ફરજ બંધારણમાં દાખલ કરવાની ભલામણ કરી હતી)
2. મૂળભૂત ફરજો નૈતિક સિદ્ધાંતો વધુ લાગે છે, તેનું કડકપણે પાલન થઈ શકતું નથી.
3. મૂળભૂત ફરજોમાં ઉલ્લેખિત કેટલાક શબ્દોની ચીક્કસ વ્યાખ્યાઓ આપવામાં આવી નથી, જેમ કે ‘વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ’, ‘ઉચ્ચ આદર્શ’, ‘સમન્વિત સંસ્કૃતિ’.
4. કેટલાક ટીકાકારો ને એવું લાગે છે કે મૂળભૂત ફરજોને મૂળભૂત અધિકારોના પ્રકરણમાં જોડવાની જરૂર હતી જેથી બંને વચ્ચે સમાનતા અને સહઅસ્તિત્ત્વ સ્થાપિત કરી શકાત.
5. ફરજો માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડે છે. ભારતમાં વસતા વિદેશીઓને લાગુ પડતી નથી. (કેટલીક ફરજો લાગુ કરાવી શકાય)