Kriyavisheshan – Gujarati Vyakaran – ક્રિયાવિશેષણ – ગુજરાતી વ્યાકરણ
ક્રિયાવિશેષણ
- ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયાવિશેષણ કહેવાય.
- વિશેષણ નામના અર્થમાં વધારો કરનાર પદ હોય છે તો ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર પદ હોય છે.
- ક્રિયાવિશેષણ અવ્યયનો જ એક પ્રકાર છે. ઉ.દા. “તે જલદી દોડયો”, “તે જલદી દોડી”, “તે જલદી દોડયું” – આ ઉદાહરણોમાં “જલદી” ક્રિયાવિશેષણ છે. “જલદી” પદનું રૂપ પરિવર્તન પામ્યા વિના જેમનું તેમ રહે છે. તેનું રૂપ જાતિ, વિભકિત, વચન, કાળદર્શક પ્રત્યયો સ્વીકારતું નથી માટે ક્રિયાવિશેષણ અવ્યય કહેવાય.
- “છોકરો ધીમો ચાલ્યો”, “છોકરી ધીમી ચાલી”, “છોકરું ધીમું ચાલ્યું” – આ ઉદાહરણોમાં “ધીમો”, “ધીમી”,“ધીમું”-તેમજ તેના જેવા બીજા કેટલાક શબ્દો માત્ર ક્રિયાવિશેષણ જ બની રહે છે, કેમ કે તેના રૂપો ક્રિયાનાથની જાતિ પ્રમાણે પરિવર્તન પામે છે.
- ક્રિયાનો સમય, સ્થળ, રીત, કારણ, પરિમાણ, ક્રમ, અભિગમ વગેરેના આધારે ક્રિયાવિશેષણના પ્રકારો પાડવામાં આવે છે.
ક્રિયાવિશેષણ ના પ્રકાર
• ક્રિયાવિશેષણનુ નામ અને તેને દર્શાવતા શબ્દો :
1. સમાયવાચક / કાળવાચક ક્રિયાવિશેષણ :
પાંચ કલાક, દસ મિનિટ, તે દિવસે, ક્યારે, તત્કાળ, સદા, સર્વદા, હંમેશા, વારંવાર, રોજ-રોજ, હાલ, હમણાં, આજે, કાલે, અત્યારે, ઝટ, ઝટપટ, નિત્ય વગેરે
2. સ્થળવાચક ક્રિયાવિશેષણ :
હેઠળ, મેદાનમાં, નજીક, બાજુમાં, ઉપર, નીચે, ત્યાં, અહીં, તહી, આગળ, પાછળ, આસપાસ, અંદર, તળે, પાસે, બહાર, સાથે, સુરત વગેરે
3. રીતિવાચક ક્રિયાવિશેષણ :
ધીમે, ઝડપ, ઝડપી, ફટાફટ, એકદમ, નિરાંતે, ઉપરાઉપરી, પૂરેપૂરી, જેમ, તેમ, હળવે વગેરે.
4. હેતુ / કારણવાચક ક્રિયાવિશેષણ :
માટે, થી, લીધે, કારણે, ખાતર, આથી, તેથી, થકી વગેરે
5. પરિમાણવાચક ક્રિયાવિશેષણ :
જરાક, વિપુલ, ખૂબ, વધારે, કેટલું, ભરપૂર, ભારે, થોડો, બહુ, અતિશય, સહેજ, પુષ્કળ, બિલકુલ, આટલું બધું વગેરે
6. ક્રમવાચક ક્રિયાવિશેષણ :
આગળ, પાછળ, પહેલા, પછી, અગાઉ વગેરે
7. અભિગમવાચક ક્રિયાવિશેષણ :
7.1 નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ :
અવશ્ય, ખચીત, ખરેખર, મક્કમ, ચોક્કસ, નિઃશંક, વગેરે
7.2 સ્વીકારવાચક ક્રિયાવિશેષણ :
ભલે, છો, હા, વારુ, સારું, ઠીક વગેરે
7.3 નકારવાચક ક્રિયાવિશેષણ :
નહીં, નથી, ના, ન, મા વગેરે
7.4 સંભાવનાવાચક ક્રિયાવિશેષણ :
બરાબર, કદાચચિત, કદી, રખે, જાણે, બસ, ભાગ્યે જ વગેરે
સમયવાચક / કાળવાચક ક્રિયાવિશેષણ :
• ક્રિયા ક્યારે થઈ ? – એટલે કે ક્રિયાનો સમય દર્શાવે તે સમયવાચક / કાળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે.
• ઉદાહરણ :
- સદાય ઊંચે ચડવા વિચારો.
- તમે અત્યારે જશો કે પછી જશો ?
- રાજીવ કચેરીમાંથી હમણાં આવ્યો.
- આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ?
- થોડીવાર, અનિકેત જોઈ રહ્યો ?
- નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદ કુમાર રે !
- અમે દસ મિનિટમાં આવી પહોંચીશું.
- તે દિવસે બાપુ સાથે ઘણી વાતો થઈ.
- એ રોજ મંદિરે દર્શન કરવા જાય છે.
- થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી.
- તમે આવશો ત્યાં સુધી હું રાહ જોઈશ.
સ્થળવાચક ક્રિયાવિશેષણ :
• ક્રિયા ક્યાં થઈ ? – એટલે કે ક્રિયાનું સ્થળ દર્શાવે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે.
• ઉદાહરણ :
- ઉપર મહાજળની ઝકઝોળ હેઠળ ગોપ કરે કલ્લોલ.
- હસીને હરિ હેઠા બેઠા રામ અશરણશર્ણ.
- અતિ સર્વત્ર વર્જયતે.
- અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા.
- બાળકો મેદાનમાં રમવા ગયા.
- ઘરની લગોલગ મહાદેવનું મંદિર હતું.
- આપણી સંસ્થામાં સત્કાર સમારંભ યોજાયો.
- તમે જ્યાં બોલાવશો ત્યાં તે હાજર થઈ જશે.
- સાગરે જાનકીવન નજીક ગાડી રોકી.
- એણે દૂર નવી દુનિયા વસાવી હતી.
- તું આર્યન ને અહીં મોકલીશ ?
રીતિવાચક ક્રિયાવિશેષણ :
• ક્રિયા કેવી રીતે થઈ ? – એટલે કે ક્રિયા થવાની રીત દર્શાવે છે. ક્રિયાપદના અર્થમાં રીતનો અર્થ ઉમેરે તેને રીતિવાચક ક્રિયાવિશેષણ કહેવાય.
• ઉદાહરણ :
- સચીન ઉતાવળો દોડે છે.
- ચક્રવ્યૂહમાં અભિમન્યુ પર ઉપરાઉપરી પ્રહાર કરવામાં આવ્યા.
- હું ઝડપથી ત્યાં પહોંચી ગયો.
- અપમાન થતાં નિર્વેશ રીતસર ઝઘડી બેઠા.
- ભારે વરસાદમાં નીરજભાઈ માંડમાંડ ઑફિસે પહોંચ્યા.
- જાન રવાના થઈ જ હતી કે એકાએક બહારવટિયા આવી ચડયા.
- સનનન કરતું તીર છૂટયું.
- દડબડ દડબડ દોડત હૈ !
- કાચબાભાઈ ધીમેધીમે ચાલ્યા ને સસલાભાઈ તો ઘસઘસાટ ઊંઘી ગયા.
- સાહેબ કંઈ પૂછે તો ફટાફટ જવાબ આપજે.
- એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ.
હેતુ / કારણવાચક ક્રિયા વિશેષણ :
• ક્રિયાનો હેતુ અથવા ક્રિયાનું કારણ દર્શાવે તેવા પદોને અનુક્રમે હેતુવાચક તથા કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય.
• ઉદાહરણ :
- લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનતનો કોઈ પર્યાય નથી.
- વાંચવા માટે પુસ્તકાલયમાં જવું પડે.
- ઘોડો કેમ દોડયો.
- મા–બાપ બાળકના ભલા માટે ચિંતિત છે.
- પેટ માટે વેઠ કરવી પડે.
- તમારા માટે આ વેબસાઈટ બનાવી છે.
- શા માટે તમે મારી સાથે આવવાની ના પાડી.
- દર્શિતના કારણે મારે પણ મોડું થઈ ગયું.
- તારી ખુશી કાજે મારે જીવવું છે.
- તારા ભલા વાસ્તે આ કાર્ય કરવું પડશે.
- તારા ભલા માટે હું આવ્યો છું.
પરિમાણવાચક ક્રિયાવિશેષણ :
• પરિમાણ એટલે પ્રમાણ, માપ કે જથ્થો.
• ક્રિયાનું પ્રમાણ માપ કે જથ્થો દર્શાવવામાં આવે ત્યારે તેને પરિમાણવાચક ક્રિયાવિશેષણ કહેવાય
• ઉદાહરણ :
- વરસાદમાં નાહવાનો આનંદ અનહદ છે.
- વરસાદને જઈને કહો કે આટલું ના વરસાય.
- સુરતનો લોચો મને બહુ ભાવે છે.
- મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી.
- જરાક ખંખેરી પીંછી ત્યાં ફૂલને લાગી છાંટ.
- વધારે બોલવાથી કશો ફાયદો થતો નથી.
- બધુ મફતમાં મળે તો કિંમત ન રહે.
- ઘણું વાંચ્યું, ઘણું લખ્યું, તોય ન થયો ઉદ્ઘાર રે!
- તે તદ્દન થાકી ગયો છે.
- ભાઈ રે ! આપણા દુઃખનું કેટલું જોર !
- જીગ્નેશ જયેશને ખૂબ આદર આપે છે.
- આટલું બધું ઘી રેડાય ?
ક્રમવાચક ક્રિયાવિશેષણ :
• જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે તેને ક્રમ વાચક ક્રિયાવિશેષણ કહેવાય.
• ઉદાહરણ :
- સાંભળ્યા પછી લખાયને લખ્યા પછી વંચાય.
- પહેલાં મહેનત કરો પછી સફળતાની વાત કરો.
- અગાઉ આવું નહોતું થયું.
- શિષ્ય ગુરુની પાછળ જાય છે.
- દિપ ઑફિસમાં છેલ્લો આવ્યો.
- શરૂઆતમાં તમારે વકતવ્ય આપવાનું છે.
- વિદ્યાર્થીએ આરંભમાં જ પોતાનું લક્ષ્ય નક્કી કરી નાખવું જોઈએ.
- અંતે ગાંધીજી અંગ્રેજો સામે લડયા.
- રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ
- અગાઉ અમે ગીરાધોધ ફરવા આવ્યા હતા.
- બપોર થયા પછી સખત ગરમીમાં આગળ વધવું અશક્ય હતું.
અભિગમવાચક ક્રિયાવિશેષણ :
• વાક્યના ઉચ્ચારણ પાછળ વક્તા કે ભાષકનો અભિગમ કે દ્રષ્ટિ પણ સૂચવતા હોય છે તેથી અર્થની દ્રષ્ટિએ એમાં વિવિધતા જોવા મળે છે.
નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ :
• ક્રિયાની નિશ્ચિતતા દર્શાવવામાં આવે ત્યારે તેને નિશ્ચય વાચક ક્રિયાવિશેષણ કહેવાય છે ક્રિયાની નિશ્ચિતતા એટલે કે ક્રિયા થવાની ખાતરી દર્શાવે છે.
• ઉદાહરણ :
- 2023માં તે ચોક્કસ સફળ થશે.
- મનીષ મારા જન્મદિવસ પર જરૂર આવશે.
- અનિરુદ્ધભાઈ જી.પી.એસ.સી.ની પરીક્ષા નિઃશંકપણે પાસ કરશે.
- મારું આ કામ તમારે અવશ્ય કરી આપવું પડશે.
- વર્ષા ખરેખર જીવનદાત્રી વિશ્વની
- ખચીત આપનો મુદ્દો ચર્ચિત થશે.
- સરદાર પટેલ પોતાના નિર્ણયમાં મક્કમ હતા.
- અમે પ્રવાસમાં જવાનું નક્કી કર્યુ.
- ભારતમાં નવા સુધારા જરૂર આવશે.
- મારાથી બનતી મહેનત જરૂર કરીશ.
સ્વીકારવાચક ક્રિયાવિશેષણ :
• ક્રિયાના શિકાર નો અર્થ દર્શાવવામાં આવે ત્યારે તેને સ્વીકારવાચક ક્રિયાવિશેષણ કહેવાય છે.
• ઉદાહરણ :
- વારું, તું દોરો પરોવી આપ.
- આ સુધારા અમલમાં મૂકયા તે ઠીક થયું.
- વારું, હું ગૃહકાર્ય લખીને આવીશ.
- છો ને ઓછા માર્કસ આવે પરીક્ષામાં, તૈયારી ચાલુ જ રહેશે.
- સારું, આ અંગે હું નિર્ણય કરીશ.
- ભલે પધાર્યા.
- પછી ભલે બોલતો હોય ભવનોય ભાવ.
- તમારી વાત મને સ્વીકાર્ય છે.
- હા, ભાઈ હા ! તમે સાચાં.
- હા, એ વાત આજે પણ મને યાદ છે.
નકારવાચક ક્રિયાવિશેષણ :
• ક્રિયાને નકારવામાં આવે એટલે કે ક્રિયા થઈ નથી એમ સૂચવાય છે.
• ઉદાહરણ :
- સ્વામી વિવેકાનંદની વાતો કદી ન ભુલાય.
- મા–બાપને ભૂલશો નહિ.
- ખોટું બોલ મા.
- ગંદકી કરવી નહિ, કરનારને સજા થશે.
- કાયદાનું ઉલ્લંઘન કરવું નહિ.
- અસત્ય ન બોલાય.
- અમારા દોષ મનમાં ના ધરશો.
- ભસતાં કૂતરાં કરડે નહિ.
- ગરજતા મેઘ વરસે નહિ.
- કરેલો ઉપકાર ન ભૂલનારને કૃતજ્ઞ કહેવાય.
- તમે કરેલ દલીલમાં કંઈ તથ્ય નથી.
સંભાવનાવાચક ક્રિયાવિશેષણ :
• ક્રિયા થવાની કે ન થવાની સ્થિતિ અંગેની સંભાવના દર્શાવાય છે.
• ઉદાહરણ :
- રખે ને તમે આવું પાપ કરો.
- તમને શું લાગે, આવું થઈ શકે ?
- દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય.
- કદાચિત્ એ પોતાનું કામ કરી નાખશે.
- દેવેન્દ્રના ઘરે ભાગ્યે જ કંસાર બને.
- જાણે કુદરતનો કોપ ઊતર્યો હોય એવું લાગે છે.
- તેઓ કદાચ આવતીકાલે સુરત આવશે.
- રખેને કોઈ આપણને બોલે એવું કાર્ય ન કરો.
- કવચિત જ હું અંગ્રેજી બોલવાની તૈયારી કરું.
- કદાચ આપની વાતને સમર્થન આપવું જોઈએ.
નોંધ : કેટલાક શબ્દો વિશેષણ તરીકે પણ પ્રયોજાય છે અને ક્રિયા વિશેષણ તરીકે પણ પ્રયોજાય છે જેમ કે સુંદર, ધીમું, સરસ, ઘણું, બહુ, ખૂબ વગેરે
વિશેષણ : તે સુંદર ગીત ગાય છે.
ક્રિયાવિશેષણ : તે સુંદર ગાય છે.
વિશેષણ : તે ધીમું કામ કરે છે.
ક્રિયાવિશેષણ : તે ધીમું લખે છે.
વિશેષણ : તે સરસ છોકરી છે.
ક્રિયાવિશેષણ : તે સરસ બોલે છે.
વિશેષણ : હું લાંબો વિચાર કરતો નથી.
ક્રિયાવિશેષણ : હું લાંબુ વિચારતો નથી.
વિશેષણ : જયેશ ચોક્કસ કામ કરશે.
ક્રિયાવિશેષણ : જયેશ કામ ચોક્કસ કરશે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલીને સુધારી શકીએ.
Education Vala