Bharatna rashtriy pratiko – Bharatno Rashtradhwaj – ભારતના રાષ્ટ્રીય પ્રતિકો – ભારતનો રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્ર ધ્વજ
- સ્વીકાર : 22 જૂલાઈ, 1947
- ભારતના રાષ્ટ્રધ્વજને તિરંગો કહેવામાં આવે છે જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે અને તિરંગાની વચ્ચે નેવી બ્લ્યુ રંગમાં 24 આરાઓ ધરાવતું અશોકચક્ર આવેલું હોય છે.
- મૌર્ય સમ્રાટ અશોક ના સારનાથ ખાતે આવેલા સિંહસ્તંભ પરથી તે ચક્ર લેવામાં આવેલું હોવાથી તેને અશોકચક્ર કહેવાય છે અને તેમાં 24 આરાઓ પૈકી બે આરા વચ્ચે 15 અંશનો ખૂણો બને છે.
રાષ્ટ્ર ધ્વજનો ઈતિહાસ

- સૌપ્રથમ ડિઝાઈન થયેલો રાષ્ટ્રધ્વજ.
- પ્રથમ રાષ્ટ્રધ્વજને 7 ઓગસ્ટ, 1906ના પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) કોલકાતા ખાતે લહેરાવાયો હતો જે ધ્વજને કોલકાતા ધ્વજ પણ કહેવાય છે.
- જેમાં ઉપર કેસરી, વચ્ચે પીળો અને નીચે લીલો રંગ હતો જ્યારે નીચેના લીલા રંગમાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક તથા વચ્ચે પીળા રંગમાં દેવનાગરી લિપિમાં વંદેમાતરમ્ લખાયુ હતું.
- ઉપરના કેસરી પટ્ટામાં આઠ અડધા ખુલેલા કમળ મુકવામાં આવેલા જ્યારે ઘણા વિદ્વાનોના મતે એક કમળ અને અન્ય સાત સપ્તઋષિઓને સૂચવે છે તેમ જણાવે છે.
- આ રાષ્ટ્રધ્વજ સચિન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કાનુનગોએ તૈયાર કર્યો હતો.
- સ્વામી વિવેકાનંદના શિષ્ય સિસ્ટર નિવેદિતાએ 1904માં એક ધ્વજની ડિઝાઈન કરી હોવાનું મનાય છે.

- ગુજરાતી પારસી મહિલા મેડમ ભીખાઈજી કામા તથા તેઓ સાથે નિર્વાસિત થયેલા ક્રાંતિકારીઓ અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓએ આ ધ્વજ ફરકાવ્યો હતો અને આ ધ્વજને 1907માં જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પણ ફરકાવાયો હતો.
- આ ધ્વજ પણ પહેલાં ધ્વજની સમાન હતો માત્ર આ ધ્વજમાં ઉપર લીલો, વચ્ચે પીળો અને નીચે કેસરી રંગ હતો.
- આ ધ્વજમાં સૌથી ઉપર લીલા રંગના પટ્ટામાં આઠ ખુલેલા કમળ મુકવામાં આવ્યા હતા.
- આ રાષ્ટ્રધ્વજને ઈન્દુલાલ યાજ્ઞિક દરિયાઈ માર્ગે ચોરીછુપીથી ભારત લઈ આવ્યા હતા.

- ભારતનો આ ત્રીજો ધ્વજ 1917માં આવ્યો જ્યારે આપણા રાજકીય સંઘર્ષે એક નિશ્ચિત સ્વરૂપ લઈ લીધુ હતુ, જે ધ્વજને ડૉ.એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે ઘરેલું શાસન આંદોલન સમયે ફરકાવ્યો હતો.
- આ ધ્વજમાં પાંચ (5) લાલ અને ચાર (4) લીલી પટ્ટીઓ તથા સપ્તઋષિને દર્શાવતા સાત તારા તેમાં દર્શાવાયા હતા અને એક ખૂણામાં યુનિયન જેક અને બીજા ખૂણામાં સફેદ અર્ધચંદ્ર અને તારો રાખવામાં આવ્યો હતો.

- અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સત્ર દરમિયાન બેજવાડા (હાલનું વિજયવાડા) ખાતે આ ધ્વજને બિનસત્તાવારરૂપે અપનાવાયો હતો.
- આંધ્ર પ્રદેશના એક યુવકે આ ધ્વજ બનાવી ગાંધીજીને ભેટ આપ્યો હતો. જે બે રંગ દ્વારા બનેલો ધ્વજ હતો, તેમાં ઉપર લીલો અને નીચે લાલ રંગ હતો. જે બંને રંગો મુખ્ય સમુદાય હિન્દુ અને મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે.
- ગાંધીજીએ સુચવ્યું હતું કે આ ધ્વજમાં ભારતના શેષ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપતો એક ચાલતો ચરખો હોવો જોઈએ.

- 1931ના વર્ષે તિરંગાને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો તેથી રાષ્ટ્રધ્વજ માટે 1931ના વર્ષને ઐતિહાસિક અને યાદગાર વર્ષ ગણી શકાય.
- આ ધ્વજને વર્તમાન ભારતીય ધ્વજનો પૂર્વજ માનવામાં આવે છે જેમાં કેસરી, સફેદ અને લીલો રંગ અને ગાંધીજીની ઈચ્છા અનુસારનો ચાલતો ચરખો હતો.
- આ ધ્વજમાં સ્પષ્ટરૂપે દર્શાવવામાં આવ્યું હતું તેમાં સાંપ્રદાયિક બાબતોનું કોઈ મહત્ત્વ નથી.
- આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય સેનાનું સંગ્રામ ચિહ્ન પણ હતું.
- 31 ડિસેમ્બર, 1929ના રાવી નદીના કિનારે લાહોર ખાતે પણ જવાહરલાલ નેહરુએ આ ધ્વજ ફરકાવ્યો હતો.

- બંધારણ સભાએ 22 જુલાઈ, 1947ના રોજ તેને ભારતીય રાષ્ટ્રીય ધ્વજના રૂપે સ્વીકાર્યો હતો. સ્વતંત્રતા મળ્યા પછી રંગોનું મહત્ત્વ જળવાઈ રહ્યું હતું કારણ કે અગાઉના ધ્વજથી માત્ર તેમાં ચરખાના સ્થાને અશોકના ધર્મચક્રને સ્થાન આપવામાં આવ્યું હતું. ચરખાના સ્થાને અશોકચક્ર બાબાસાહેબ આંબેડકરે મૂકાવ્યું હતું.
- આમ કોંગ્રેસ પક્ષનો તિરંગો ધ્વજ સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ બની ગયો.
- રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ બંધારણસભામાં જવાહરલાલ નેહરુએ રજૂ કર્યો હતો તથા બંધારણસભામાં મુખ્યત્વે ઠરાવો જવાહરલાલ નેહરુ દ્વારા જ પ્રસ્તુત થયા હતા.
- બંધારણસભા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન માટે ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી જેનું અધ્યક્ષસ્થાન જે.બી. કૃપલાણીએ શોભાવ્યું હતું.
- 1947માં રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ધ્વજની પસંદગી માટે એક સમિતિ રચાઈ હતી.
- પીંગલી વેકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન બનાવવામાં આવી હતી અને ભારતના બીજા રાષ્ટ્રપતિ એસ.રાધાકૃષ્ણને તેની વ્યાખ્યા કરી હતી.
- મહિલાઓ વતી હંસાબહેન મહેતા દ્વારા ભારતીય બંધારણસભાને ઝંડો ભેટ અપાયો હતો.
- કાનૂની ધો૨ણે ભારતનો રાષ્ટ્રધ્વજ ખાદીમાંથી બનાવવો જોઈએ.
- ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનો અધિકાર ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ આયોગનો છે.
- ભારતમાં બેંગલુરુથી થોડે દૂર ડુબલી આવેલું છે જ્યાં એકમાત્ર લાઈસન્સ પ્રાપ્ત સંસ્થા છે જે ઝંડા બનાવવાનું અને સપ્લાયનું કાર્ય કરે છે.
- 14 નવેમ્બર, 2008ના રોજ ભારતના પ્રથમ માનવરહિત ચંદ્રયાન પ્રથમ દ્વારા ભારતનો રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર સ્થાપિત (ચોથો દેશ) કરવામાં આવ્યો હતો. અમેરિકા સૌપ્રથમ દેશ છે જેણે તેનો રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર સ્થાપિત કર્યો હોય.
- આ પહેલાં વર્ષ 1971માં અમેરિકાના એપોલો-15 દ્વારા ભારતનો રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર ફરકાવવામાં આવ્યો હતો.
- 29 મે, 1953ના રોજ તેનઝિંગ નોર્ગેએ ભારતનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ પર ફરકાવ્યો હતો.
- ભારતની સ્વતંત્રતા પશ્ચાત સૌપ્રથમ વિદેશી ધરતી ઉપર એટલે કે ઓસ્ટ્રેલિયામાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો.
- ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ 21 એપ્રિલ, 1996ના રોજ ભારતીય તિરંગો લહેરાવનાર વિંગ કમાન્ડર સંજય થાપર હતા.
- ખાનગી લોકોને ભારતનો રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ સિવાય ફરકાવવાનો અધિકાર નહોતો જેથી ઉદ્યોગપતિ નવીન જિંદાલે દિલ્હી હાઈકોર્ટમાં PIL (જાહેર હિતની અરજી) દાખલ કરી હતી જેથી ધ્વજ સંહિતામાં સુધારો કરતા સામાન્ય દિવસોમાં પણ ખાનગી લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર મળ્યો.
- અનુચ્છેદ-19(1)(a) હેઠળ ધ્વજ ફરકાવવાનો મૂળભૂત અધિકાર
- ઉદ્યોગપતિ નવીન જિંદાલ ના કારણે સુપ્રીમ કોર્ટે 23 જાન્યુઆરી 2004 ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવાને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં મુખ્ય ન્યાયાધીશ વી. એન.ખેર, બ્રિજેશ કુમાર અને એસ. બી. સિંહનો સમાવેશ ક્રમશઃ થતો હતો.
- 2014માં ચેન્નાઈના YMCA ગ્રાઉન્ડમાં 50,000 લોકોએ માનવ ધ્વજ રચી ઈતિહાસ રચ્યો હતો જે વિક્રમ ગીનીસ બુકમાં નોંધાયો હતો.
ધ્વજનો અભ્યાસ
- ધ્વજના અભ્યાસની શાખા – વેક્સિલોલોજી
- ધ્વજનો અભ્યાસ કરનાર – વેક્સિલોલોજિસ્ટ
- ધ્વજના સમુહને બંટિંગ કહેવાય.
રાષ્ટ્રધ્વજ વિશે
- દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનો એક ધ્વજ હોય છે તથા તે સ્વતંત્ર દેશ હોવાનો સંકેત છે.
- રાષ્ટ્રધ્વજ એક પ્રકારની પૂજા છે તથા તેને નષ્ટ કરવો તે પાપ ગણાશે. યુનિયન જેક અંગ્રેજોના મનમાં ભાવનાઓ પેદા કરે છે જ્યારે અમેરિકાના ધ્વજ પર રહેલા નારા અને પટ્ટીઓનો અર્થ તેની દુનિયા છે. ઈસ્લામધર્મમાં તારા અને અર્ધચંદ્રનું હોવું તે સર્વોત્તમ વીરતા ગણાય છે.
- સૌથી લાંબા ધ્વજ ભારતમાં માત્ર ત્રણ સ્થળોએ ફરકાવવામાં આવે છે જેમાં મધ્યપ્રદેશનો ગ્વાલિયર કિલ્લો, કર્ણાટકનો નારગુંડ કિલ્લો અને મહારાષ્ટ્રના પનકાલા કિલ્લાનો સમાવેશ થાય છે.
- વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા તે આપણું ઝંડા ગીત કે ધ્વજ ગીત છે જેની રચના શ્યામલાલ ગુપ્તે “પાર્ષદ” કરી હતી. સાત પદના મૂળ ગીતના ત્રણ પદોમાં સંશોધન કરી કોંગ્રેસે તેને ધ્વજ ગીતના રૂપે માન્યતા આપી હતી.
“આપણા માટે જરૂરી છે કે આપણે ભારતીય મુસ્લિમ, ઈસાઈ, જ્યુસ, પારસી અને અન્ય તમામ જેના માટે ભારત એક ઘર છે, તેઓ એક ધ્વજને માન્યતા આપે અને તેના પર જાન ન્યોછાવર કરીએ”
મહાત્મા ગાંધી
રાષ્ટ્રધ્વજ સંહિતા, 2002
- 26 જાન્યુઆરી, 2002ના રોજ ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરવામાં આવ્યો અને સ્વતંત્રતાના અનેક વર્ષો પછી ભારતીય નાગરિકોને તેના ઘર, કાર્યાલય, ફેક્ટરી ઉપર ન માત્ર રાષ્ટ્રીય દિવસોએ જ પરંતુ સામાન્ય દિવસોમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મંજૂરી મળી ગઈ. આથી હવે ભારતીય નાગરિક રાષ્ટ્રીય ઝંડાને શાનથી કોઈપણ જગ્યાએ, કોઈપણ સમયે ફરકાવી શકે છે.
- ભારતીય નાગરિક રાષ્ટ્રધ્વજને ફરકાવી શકે છે પરંતુ તેણે ધ્વજ સંહિતાનું સખતપણે પાલન કરવું પડશે અને તિરંગાની શાનમાં કોઈપણ ઉણપ સર્જાવી જોઈએ નહીં.
- સુવિધા માટે ભારતીય ધ્વજ સંહિતાનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે.
- પ્રથમ ભાગમાં રાષ્ટ્રધ્વજની સામાન્ય માહિતીઓ છે.
- લોકો, ખાનગી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો માટે રાષ્ટ્રધ્વજના પ્રદર્શન માટેની વિગતો દર્શાવેલી છે.
- ત્રીજા ભાગમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારો તથા તેની સંસ્થાઓ અને ઑથોરિટી દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શનના વિષયની માહિતી અપાયેલી છે.
ભાગ – 1
રાષ્ટ્રધ્વજની સામાન્ય માહિતી
- રાષ્ટ્રીય ઝંડા પર ત્રણ અલગ અલગ રંગોની પટ્ટીઓ હશે જે સમાન પહોળાઈ ધરાવતી ત્રણ લંબચોરસ પટ્ટીઓ હશે. સૌથી ઉપર ભારતીય કેસરી રંગની પટ્ટી હશે અને સૌથી નીચે લીલા રંગની પટ્ટી હશે. વચ્ચેની પટ્ટી સફેદ રંગની હશે અને તેની બરાબર વચ્ચે નેવી બ્લુ રંગનું 24 આંકાવાળુ અશોકચક્ર હશે.
- અશોકચક્ર સ્કીનથી પ્રિન્ટ કરેલું કે છાપેલું કે સ્ટેન્સિલ કરેલું હોવું જોઈએ અથવા યોગ્યરૂપે બનાવેલું હોવું જોઈએ. જે ઝંડાની બંને બાજુએથી સ્પષ્ટરૂપે દેખાતું હોવું જોઈએ.
- રાષ્ટ્રધ્વજ હાથથી કતાયેલા અથવા હાથથી વણવામાં આવેલા ઉન / સુતરાઉ / સિલ્ક કે ખાદીના કપડાનો બનેલો હોવો જોઈએ.
- રાષ્ટ્રધ્વજ નો આકાર લંબચોરસ હશે અને તેની લંબાઈ અને પહોળાઈ નો રેશિયો 3:2 હશે.
- ફરકાવવા માટે યોગ્ય આકારના ઝંડાની પસંદગી થવી જરૂરી છે જેમકે 450 × 300 મીમીનો ઝંડો અતિગણમાન્ય વ્યક્તિઓને લઈ જનારા હવાઈ જહાજ માટે, 225 × 150 મીમી આકારનો ઝંડો મોટરકાર માટે તથા 150 × 100 મીમીનો ઝંડો ટેબલ માટે હોય છે.

ભાગ-2
લોકો, ખાનગી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સભ્યો માટે રાષ્ટ્રધ્વજના પ્રદર્શનની વિગતો
2.1
- સામાન્ય લોકો, બિન સરકારી સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓને રાષ્ટ્રધ્વજના પ્રદર્શન પર કોઈ પ્રતિબંધ નથી સિવાય કે સંપ્રતીક અને નામ અધિનિયમ, 1950 અથવા રાષ્ટ્રીય ગૌરવને અસર કરતી બાબત હોય.
- ભારતમાં જે કાયદાઓ લાગુ હોય તે અનુસાર કોઈપણ વ્યાપાર, પેટન્ટ, ટ્રેડમાર્ક વગેરેમાં રાષ્ટ્રધ્વજને મળતી આવતી આકૃતિ કે તેની નકલનો ઉપયોગ કરી શકાશે નહીં.
- અપમાન નિવારણ અધિનિયમ, 1971 તથા તેની સાથે સંબંધિત કાયદાઓ મુજબ નીચેની રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં.
- ઝંડાનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે નહીં કરી શકાય નહિં તો સંપ્રતિક અને નામ અધિનિયમ, 1950નું ઉલ્લંઘન ગણાશે.
- કોઈપણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા માટે ઝંડાને ઝુકાવવામાં આવશે નહીં.
- ઝંડાને અડધો નમાવેલો ફરકાવાશે નહીં સિવાય કે જ્યારે સરકારી ભવનો પર ઝંડાને અડધો નમેલો ફરકાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હોય.
- વ્યક્તિગત શબયાત્રા લપેટવા માટે ઝંડાનો ઉપયોગ થશે નહીં.
- કોઈપણ પ્રકારના કપડા, યુનિફોર્મ તરીકે ઝંડાનો ઉપયોગ થશે નહીં તથા તકિયા, રૂમાલ, નેપકીન અને કોઈપણ વસ્તુને ઢાંકવા કે વસ્તુ પર તેને મુદ્રીત કરી શકાશે નહીં.
- ઝંડા ઉપર કોઈપણ પ્રકારના અક્ષર લખી શકાશે નહીં.
- કોઈપણ વસ્તુ મેળવવા, આપ-લે કરવાના પાત્ર તરીકે ઝંડાનો ઉપયોગ થશે નહીં તેમ છતાં રાષ્ટ્રીય પ્રસંગો પર ફરકાવવામાં આવતા ધ્વજ સમયે તેમાં ફુલોની પાંદડીઓ રાખવામાં કોઈ મુશ્કેલી નથી.
- પ્રતિમાના અનાવરણ સમયે ઝંડાને સન્માન સાથે જુદી રીતે પ્રદર્શિત કરવામાં આવશે, તેનો પ્રયોગ પ્રતિમા અથવા સ્મારકને ઢાકવા માટે થશે નહીં.
- વક્તાના ટેબલને ઢાંકવા અથવા વક્તાના મંચને સુશોભિત કરવા માટે ઝંડાનો ઉપયોગ કરી શકાશે નહીં.
- જાણી જોઈને ઝંડાને જમીન કે ફર્શ ઉપર પાડવો કે પાણીમાં નાખી શકાશે નહીં.
- વાહન, રેલ કે નૌકા કે પ્લેનને કોઈપણ બાજુથી ઢાંકવા માટે ઝંડાનો ઉપયોગ નહીં કરી શકાય.
- કોઈપણ ભવનમાં પડદા તરીકે ઝંડાનો ઉપયોગ નહીં કરી શકાય.
- જાણી જોઈને કેસરી રંગને નીચેની બાજુએ પ્રદર્શિત નહીં કરી શકાય.
2.2
સામાન્ય લોકો, બિન-સરકારી સંગઠનો તથા શૈક્ષણિક સંસ્થાઓએ ધ્વજને ફરકાવવા માટે મર્યાદામાં રહી તથા તેને સન્માન આપવા નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડશે.
- જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેની સ્થિતિ સન્માનજનક અને અલગ હોવી જોઈએ.
- ફાટેલો, મેલો કે કરચલી પડેલો ધ્વજ પ્રદર્શિત ન કરવામાં આવે.
- ઝંડાને અન્ય ઝંડાઓ સાથે એક જ ધ્વજદંડ પર ન ફરકાવવામાં આવે.
- માન્યતા પ્રાપ્ત વ્યક્તિઓ સિવાય કોઈપણ વ્યક્તિ વાહન પર તેનો ઉપયોગ નહી કરી શકે.
- જો સભા મંચ પર ઝંડાનું પ્રદર્શન થયું હોય તો જ્યારે વક્તાનો ચહેરો શ્રોતાઓ બાજુએ હોય ત્યારે ઝંડો તેની જમની બાજુએ હોવો જોઈએ અથવા વક્તાની પાછળની દીવાલ પર પ્રદર્શિત કરવો જોઈએ.
- ઝંડાને દીવાલના સહારે સમતલ સ્થિતિમાં લગાવ્યો હોય તો કેસરી રંગ સૌથી ઉપર હોવો જોઈએ તથા ઝંડાની સુતેલી પરિસ્થિતિમાં સામેથી જોનારા લોકોને ડાબી બાજુએ સૌપ્રથમ કેસરી રંગ ધ્યાને પડવો જોઈએ.
- શક્ય હોય ત્યાં સુધી ઝંડાનો આકાર આગળના ભાગમાં દર્શાવ્યા મુજબ હોવો જોઈએ.
- કોઈપણ અન્ય ઝંડાને રાષ્ટ્ર ધ્વજથી ઊંચો કે તેની ઉપર કે તેની બરાબર નહીં લગાવવામાં આવે તથા અન્ય કોઈ વસ્તુ ધ્વજ દંડ પર નહીં રાખવામાં આવે.
- લોકો દ્વારા કાગળના ઝંડાને રાષ્ટ્રીય, સાંસ્કૃતિક કે રમતગમતના પ્રસંગોએ હાથમાં રાખી પ્રદર્શિત કરી શકાય છે પરંતુ કાર્યક્રમની સમાપ્તિના અંતે ન તો તેને વિકૃત કરવામાં આવે તથા ન તો તેને જમીન પર ફેંકવામાં આવે. શક્ય હોય ત્યાં સુધી ઝંડાનો નિકાલ તેની મર્યાદાને અનુરૂપ એકાંતમાં થવો જોઈએ.
- જ્યાં ઝંડાનું પ્રદર્શન ખુલ્લામાં થતું હોય ત્યાં મૌસમને ધ્યાનમાં રાખી તેને સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયમાં ફરકાવો જોઈએ.
- ઝંડો ફાટી જાય તે રીતે તેનું બાંધીને પ્રદર્શન ન કરવામાં આવે.
- જ્યારે ઝંડો ફાટી જાય અથવા મેલો થઈ જાય ત્યારે તેને એકાંતમાં નષ્ટ કરી દેવો જોઈએ. યોગ્ય રહેશે કે તેનો અગ્નિ વડે નિકાલ કરવામાં આવે અથવા મર્યાદાનુસાર અન્યરૂપે તેનો નિકાલ કરવામાં આવે.
2.3
- શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાય અને મનથી ઝંડાને સન્માન આપવાની પ્રેરણા અપાય.
- શાળાની ખુલ્લી જગ્યામાં ત્રણ બાજુએ વિદ્યાર્થીઓ ઊભા રહે અને ચોથી બાજુએ ધ્વજ ફરકાવવામાં આવે તથા ઝંડો ફરકાવનાર મુખ્ય વિદ્યાર્થી કે શિક્ષક ઝંડાથી ત્રણ ડગલા પાછળ ઊભા રહે.
- શાળામાં વરિષ્ઠતા ક્રમ અનુસાર લાઈન બનાવવામાં આવે.
- શાળામાં દરેક લાઈન વચ્ચે એક ડગલું (30 ઈંચ)નું અંતર હોવું જોઈએ અને દરેક લાઈન વચ્ચે સમાન અંતર હોવું જોઈએ.
- શાળામાં મુખ્ય વિદ્યાર્થી આચાર્યનું અભિવાદન કરશે, આચાર્ય તેનો જવાબ આપશે અને પછી રાષ્ટ્રધ્વજ ફરકાવશે.
- શાળામાં જે વિદ્યાર્થીને પરેડનું કાર્ય સોંપાયું હોય તે ઝંડો ફરકાવવા પહેલા સાવધાનનો આદેશ આપશે અને પછી સલામીનો આદેશ આપશે. પરેડ થોડીવાર સલામીની સ્થિતિમાં રહેશે અને ફરી પછી કમાન આદેશથી સાવધાનની સ્થિતિમાં આવી જશે.
- ઝંડાને સલામી આપ્યા પછી રાષ્ટ્રગાન થશે અને તે સમયે પરેડ સાવધાનીની સ્થિતિમાં રહેશે.
- રાષ્ટ્રગાન પછી શપથ લેવાશે અને આચાર્ય શપથ વાંચશે અને વિદ્યાર્થીઓ તેને દોહરાવશે.
- શાળામાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે નિષ્ઠાની શપથ લેતા સમયે દરેક લોકો હાથ જોડીને ઊભા રહેશે અને કહેશે…
- “હું રાષ્ટ્રીય ઝંડા અને લોકતંત્રાત્મક સંપૂર્ણ પ્રભુત્વસંપન્ન સમાજવાદી પથ-નિરપેક્ષ ગણરાજ્ય પ્રતિ નિષ્ઠાની શપથ લઉ છું જેનું આ ઝંડો પ્રતીક છે.”
ભાગ – 3
કેન્દ્રીય અને રાજ્ય સરકારો તથા તેની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન.
3.1
- સંરક્ષણ સંસ્થાઓ, દૂતાવાસ / કાર્યાલયોના પ્રમુખ દ્વારા
- રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે જે સંરક્ષણ સંસ્થાઓના પોતાના નિયમો છે તેને આ ભાગની વ્યવસ્થાઓ લાગુ નહીં પડે.
- વિદેશમાં આવેલા દૂતાવાસો / કાર્યાલયોના વડામથકે કે તેના પ્રમુખોના ઘરો પર પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકાય છે જ્યાં આ પ્રકારની બાબતોનું ચલણ હોય.
3.2
- ઝંડાને સરકારીરૂપે ફરકાવવો.
- દરેક સરકાર તથા તેની સંસ્થાઓ કે એજન્સીઓએ આ ભાગમાં કરવામાં આવેલી વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી છે.
- સરકારી ધોરણે ધ્વજ ફરકાવવાનો હોય ત્યારે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા નિર્ધારિત માપદંડોને અનુરૂપ હોય અને BISનો સિમ્બોલ હોય માત્ર તેવા જ ઝંડાને ફરકાવી શકાશે.
3.3
- ઝંડો ફરકાવવાની યોગ્ય રીત
- જ્યારે ઝંડો ફરકાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ જગ્યા મળવી જોઈએ અને તે જગ્યાએથી ઝંડો સ્પષ્ટરૂપે દેખાવો જોઈએ.
- જો કોઈ સરકારી ભવન પર ઝંડો ફરકાવવાનું ચલણ હોય તો રવિવાર અને રજાના દિવસોમાં પણ ત્યાં ઝંડો ફરકાવી શકાય છે પરંતુ તેનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હોવો જોઈએ. આ ભવનો પર રાત્રે પણ ઝંડો ફરકાવી શકાય છે પરંતુ આવું માત્ર વિશેષ સંજોગોમાં જ થવું જોઈએ.
- ઝંડાને કાયમ સ્ફૂર્તિ સાથે ફરકાવવો જોઈએ અને ધીરે-ધીરે આદર સાથે ઉતારવો જોઈએ. જો ઝંડાને ચડાવતા-ઉતારતા સમયે બિગુલ વગાડવામાં આવતું હો તો તેને ચડાવતા-ઉતારતા બિગુલનું ધ્યાન રાખવું જોઈએ.
- જ્યારે મોટરકાર પર ઝંડો લગાવવામાં આવે તો બોનેટની આગળ એકદમ મધ્યમા અથવા મોટરકારની આગળ જમણી બાજુએ લગાવેલા ડંડ (સ્ટાફ) પર લગાવવો જોઈએ.
- જ્યારે ઝંડો કોઈ જુલુસ કે પરેડમાં ઉપયોગમાં લેવાતો હોય તો તે માર્ચ કરનારની જમણી બાજુએ અને તેમાં બીજા ઝંડાની કોઈ લાઈન હોય તો રાષ્ટ્ર ધ્વજ મધ્ય લાઈનમાં આગળ રહેશે.
3.4
- રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રોના કે સંયુક્ત રાષ્ટ્રના ઝંડાઓ સાથે ફરકાવવો.
- જ્યારે ભારતીય ધ્વજને અન્ય દેશોના કે સંયુક્ત રાષ્ટ્રના ઝંડાઓ સાથે ફરકારવવામાં આવતો હોય ત્યારે રાષ્ટ્રધ્વજ સૌથી જમણી બાજુએ હોવો જોઈએ. (ઉદા. જમણી બાજુ એટલે કોઈ વક્તા-શ્રોતાઓને સંબોધતો હોય તે વક્તાની જમણી બાજુ ગણાશે અને શ્રોતાની ડાબી બાજુ ગણાશે)
- રાષ્ટ્રધ્વજ પછી અન્ય દેશોના ઝંડાઓ સંબંધિત દેશોના નામોના અંગ્રેજી આલ્ફાબેટ અનુસાર લગાવાશે તેમ છતાં આપણો રાષ્ટ્રધ્વજ સૌથી પહેલા ફરકાવાશે અને સૌથી છેલ્લે ઉતારાશે.
- જ્યારે ગોળાકાર એટલે કે અર્ધગોળાકારમાં ઝંડા લગાવવાના હોય ત્યારે આરંભમાં એટલે કે શરૂઆતમાં આપણો રાષ્ટ્રધ્વજ રખાશે અને ઘડિયાળના કાંટાની દિશામાં અન્ય દેશોના ઝંડાઓ રખાશે.
- જ્યારે રાષ્ટ્રધ્વજ અન્ય કોઈ ધ્વજ સાથે એક દીવાલ પર બે ડંડો પર રાખવામાં આવતો હોય અને તે એકબીજાને ક્રોસ કરતા હોય ત્યારે આપણો રાષ્ટ્રધ્વજ જમણી બાજુએ એટલે ધ્વજની પોતાની જમણી બાજુએ રહેશે અને તેનો ડંડ અન્ય ડંડ થી થોડો ઉપર રહેશે.
- જ્યારે રાષ્ટ્રધ્વજ સાથે સંયુક્ત રાષ્ટ્રનો ઝંડો રાખવાનો હોય ત્યારે તે રાષ્ટ્ર ધ્વજની કોઈપણ બાજુએ લગાવી શકાય છે તેમછતાં જમણી બાજુએ એટલે કે ધ્વજની સામે મુખ કરીને ઊભા રહેલા વ્યક્તિની ડાબી બાજુએ હોય તે આગ્રહવાળી વસ્તુ છે.
- જ્યારે રાષ્ટ્રીય ઝંડાને અન્ય ઝંડાઓ સાથે ફરકાવવામાં આવે ત્યારે દરેક ઝંડાના દંડ સમાન આકારના હશે અને કોઈપણ દેશના ઝંડાને અન્ય દેશોના ઝંડાથી ઉપર-નીચે નહીં ફરકાવવામાં આવે.
- અલગ-અલગ ધ્વજને માત્ર એક દંડ પર નહીં ફરકાવી શકાય અને દરેક ધ્વજ માટે અલગ દંડ હશે.
3.5
- સરકારી ભવનો અને આવાસો ઉપર રાષ્ટ્ર ધ્વજ
- સામાન્ય રીતે હાઈકોર્ટો, સચિવાલયો, કમિશનરોના કાર્યાલયો, જિલ્લા કચેરીઓ, જેલ, જિલ્લા બોર્ડના કાર્યાલયો, નગરપાલિકાઓ, જિલ્લા પરિષદો તથા વિભાગીય સરકારી કાર્યાલયો જેવા મહત્ત્વપૂર્ણ સરકારી ભવનો ઉપર જ ઝંડો ફરકાવવો જોઈએ.
- ચેક પોસ્ટ, આઉટ પોસ્ટ વગેરે જે સ્થળોએ ઝંડો ફરકાવવાનું વિશેષ મહત્ત્વ છે ત્યાં ઝંડો ફરકાવવો જોઈએ અને બોર્ડર પેટ્રોલ શિબિરો પર પણ ઝંડો ફરકાવી શકાય છે.
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ જ્યારે તેના મુખ્યાલયમાં હોય ત્યારે તે સરકારી આવાસ ઉપર અને જ્યારે તેઓ મુખ્યાલયથી બહાર પ્રવાસમાં હોય ત્યારે તેઓ જે-જે ભવનમાં રોકાય છે ત્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો જોઈએ.
- જ્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન કોઈ સંસ્થાની મુલાકાત લે છે ત્યારે તે સંસ્થા દ્વારા તેઓના સન્માનમાં રાષ્ટ્રીય ઝંડો ફરકાવી શકાય છે.
- કોઈ અન્ય દેશના રાષ્ટ્ર પ્રમુખ / ઉપપ્રમુખ, સમ્રાટ, ઉત્તરાધિકારી યુવરાજ, વડાપ્રધાન વગેરે ભારતની યાત્રાએ આવ્યા હોય ત્યારે ભારતનો અને તે દેશનો એમ બંને ઝંડાઓ અગાઉ દર્શાવેલી જોગવાઈઓ અનુસાર ફરકાવાશે.
3.6
- મોટરકાર પર રાષ્ટ્રધ્વજ લગાવવાનો વિશેષાધિકાર
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ-ઉપરાજ્યપાલ, વિદેશમાં નિયુક્ત ભારતીય દૂતાવાસો અને કાર્યાલયોના અધ્યક્ષ, વડાપ્રધાન અને અન્ય કેબિનેટ મંત્રી, કેન્દ્રના રાજ્યમંત્રી અને ઉપમંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને ઉપમંત્રી, લોકસભા અધ્યક્ષ-ઉપાધ્યક્ષ, રાજ્યસભાના ઉપસભાપતિ, રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ, રાજ્યની વિધાન પરિષદના સભાપતિ-ઉપસભાપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો.
- જો કોઈ વિદેશી ગણમાન્ય મહેમાન સરકાર દ્વારા અપાયેલી કારમાં પ્રવાસ કરે તો રાષ્ટ્રધ્વજ કારની જમણી બાજુએ અને સંબંધિત દેશનો ઝંડો કારની ડાબી બાજુએ લગાવવામાં આવશે.
3.7
- રેલ અને વિમાન પર રાષ્ટ્રધ્વજ
- જ્યારે રાષ્ટ્રપતિ રેલ વડે કોઈ પ્રવાસ કરી રહ્યા હોય તો જે સ્ટેશનેથી ગાડી રવાના થઈ હોય ત્યાં રેલગાડીના ડ્રાઈવરની કેબિન પર પ્લેટફોર્મ બાજુએ રાષ્ટ્રધ્વજ લગાવાયેલો હશે.
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જે દેશની વિદેશ યાત્રા પર હોય અને તેઓ જે પ્લેનમાં ગયા હોય તેના પર રાષ્ટ્રધ્વજ લગાવાયેલો હશે અને જે દેશની યાત્રા કરવાના હોય તે દેશનો રાષ્ટ્રધ્વજ પણ વિમાન પર લગાવાશે. તેમ છતાં રસ્તામાં વિમાન જે-જે દેશોમાં ઉતરશે તે દેશનો ઝંડો શિષ્ટાચાર સ્વરૂપે લગાવાશે.
3.8
- ઝંડાને અડધો ઝુકાવવો.
- નીચેનામાંથી કોઈપણ ગણમાન્ય વ્યક્તિઓનું નિધન થશે તો નીચે ઉલ્લેખિત વિસ્તારમાં નિધનના દિવસે ઝંડો અડધો ઝુકાવી દેવામાં આવશે.

- જો કોઈ ગણમાન્ય વ્યક્તિના નિધનની માહિતી બપોર પછીના સમયમાં મળે તો તેઓના નિધનના આગળના દિવસે ઝંડો અડધો ઝુકાવી એટલે કે અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.
- ઉલ્લેખિત ગણમાન્ય વ્યક્તિની અંત્યેષ્ટિના દિવસે તે સ્થળે ઝંડો અડધો ઝુકાવી દેવાશે જ્યાં અંત્યેષ્ટિ થવાની હોય.
- ગણમાન્ય વ્યક્તિના નિધન સમયે રાષ્ટ્રીય શોક મનાવાતો હોય તે સમયે ઝંડો અડધો ઝુકાવી દેવાશે.
- કોઈ વિદેશી ગણમાન્ય વ્યક્તિના સમયે રાષ્ટ્રીય શોક જાહેર કરવો તથા ઝંડાને અડધો ઝુકાવવા વગેરેના આદેશો ગૃહ મંત્રાલય જાહેર કરે છે.
- જો શોક મનાવાતો હોય અને ઝંડો કોઈ પરેડ અથવા ઝુલુસ દ્વારા લઈ જવાતો હોય ત્યારે આગળ કાળા કપડાની બે પટ્ટીઓ લગાવવામાં આવે છે જે લટકતી હશે. આ પ્રકારે કાળા કપડાનો ઉપયોગ સરકારના આદેશ દ્વારા જ થઈ શકશે.
- જ્યારે ઝંડો ઝુકાવવાનો હોય તે પહેલ તેને પૂર્ણ ઊંચાઈ સુધી ફરકાવવામાં આવે અને પછી તેને ઝુકેલી સ્થિતિમાં લાવવામાં આવે તેમ છતાં દિવસના અંતે એટલે સૂર્યાસ્ત પહેલા ઝંડાને ઉતારતા પૂર્વે ફરી તેને પૂર્ણ ઊંચાઈ સુધી ઉઠાવવામાં આવતો હોય છે.
- ઝંડાને અડધો ઝુકાવવાનોકે અડધી કાઠીએ (હાફ માસ્ટ) ફરકાવવાનું તાત્પર્ય છે કે ઝંડાને ડંડની ઊંચાઈથી તથા ગાઈ લાઈનની વચ્ચે અડધા સુધી નીચે લાવવામાં આવે અને ગાઈ લાઈન ન હોય તેવી સ્થિતિમાં ઝંડાને ડંડ (સ્ટાફ)ના અડધા ભાગ સુધી ઝુકાવવામાં આવે.
- રાજકીય, સૈનિક કે કેન્દ્રીય અર્ધસૈનિક દળોના સન્માનમાં થતી અંત્યેષ્ટિ સમયે શબપેટીને ઝંડાથી ઢાંકી દેવામાં આવે છે તથા ઝંડાનો કેસરીઓ ભાગ અર્થી કે શબપેટીના અગ્રભાગમાં રહેશે. ઝંડાને કબરમાં દફન કે ચિત્તા સાથે સળગાવવામાં આવતો નથી.
રાજ્યોના ધ્વજ સંબંધિત માહિતી
- અનુચ્છેદ-51(A)(a) અનુસાર દરેક વ્યક્તિની ફરજ છે કે તેઓ રાષ્ટ્રધ્વજનું સન્માન કરે તથા તેના પ્રત્યે આદર રાખે તેમ છતાં ભારતમાં તમિલનાડુ (1970) અને કર્ણાટકે (2018) અલગ રાજ્ય ધ્વજની માંગ કરી હતી અને છે પણ તેને બંધારણીય માન્યતા અપાયેલી નથી.
- 1994માં એસ.આર. બોમ્મઈ વિ. ભારત સંઘના કેસમાં ચુકાદો અપાયો હતો કે રાજ્યનો પોતાનો ધ્વજ રાખી શકાય છે પરંતુ તેને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થાય તો ભારતના રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર જળવાઈ રહેવો જોઈએ. સિક્કિમ પણ કિંગ્ડમ તરીકે હતું ત્યારે તેનો સ્વતંત્ર ધ્વજ હતો પરંતુ 1975માં રાજ્ય બની જતા હાલમાં સિક્કિમનો સત્તાવાર ધ્વજ નથી.
પિંગલી વેંકૈયા વિશે
- તેમનો જન્મ 2 ઓગસ્ટ, 1876ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ ગાંધીવાદી વિચારસરણી ધરાવતા હતા.
- તેઓ યુવાવસ્થામાં બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. તેઓએ બ્રિટન વતી આફ્રિકામાં એંગ્લો બોઅર યુદ્ધમાં ભાગ લીધો હતો.
- આફ્રિકાથી પરત ફર્યા બાદ તેઓએ કૃષિ ક્ષેત્રે સંશોધન કાર્યમાં રસ દાખવ્યો હતો. તેઓને “જાપાન વૈંકેયા” “પત્તી(કોટન) વૈંકેયા”, “જહાન્દ્રા વૈંકેયા” જેવા ઉપનામો મળ્યા હતા.
- ભારતીય ધ્વજ માટેની 30 ડિઝાઈનો ધરાવતું પુસ્તક તેમણે 1916માં પ્રકાશિત કર્યું હતું.
ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે ટૂંકમાં
- રાષ્ટ્રધ્વજની ઓળખ : તિરંગો
- અશોક ચક્ર : ધર્મ ચક્ર (ભારત નિરંતર પ્રગતિશીલ છે)
- બંધારણસભામાં રાષ્ટ્રધ્વજનો ઠરાવ પસાર કરનાર : જવાહરલાલ નેહરુ
- બંધારણસભા દ્વારા રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ : 22 જુલાઈ, 1947 રાષ્ટ્રધ્વજની ડિઝાઈન બનાવનાર : પીંગલી વેકૈયા
- રાષ્ટ્રધ્વજની પસંદગી માટેની સમિતિના અધ્યક્ષ : ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
- ઝંડા સમિતિના અધ્યક્ષ : જે.બી. કૃપલાણી
- રાષ્ટ્રધ્વજની લંબાઈ-પહોળાઈનો ગુણોત્તર : 3:2
- BIS દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રધ્વજના નિયમો જાહેર થયા : 1951
- તિરંગાના નિર્માણમાં માપદંડો તૈયાર થયા : 1968માં
ભારતમાતા
કી
જય
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
Education Vala