Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso

સલ્તનતકાલીન સ્થાપત્યકળા

Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso – સલ્તનતકાલીન સ્થાપત્ય – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

સલ્તનતકાલીન સ્થાપત્ય

અહમદશાહ પ્રથમ

  • ભદ્રનો કિલ્લો
  • જામા મસ્જિદ
  • બાદશાહનો રોજો અને રાણીનો હજીરો
  • હૈબતખાનની મસ્જિદ (જમાલપુર)
  • સૈયદ આલમની મસ્જિદ (ખાનપુર)
  • ત્રણ દરવાજા

કુતુબુદ્દીન અહમદશાહ (અહમદશાહ બીજો)

  • હોજ-એ-કુતુબ
  • બાગ-એ-નગીના
  • ઘટામંડળ
  • શાહઆલમ નો રોજો
  • મલેક શાબાનની મસ્જિદ અને રોજો

મહમુદ શાહ બેગડો

  • અમદાવાદ શહેરને ફરતે કોટ
  • સરખેજનો રોજો
  • રાણી રૂપમતીની મસ્જિદ
  • દાદા હરિની વાવ
  • અડાલજની વાવ
  • રાણી સિપ્રીની મસ્જિદ
  • ઝૂલતા મિનારા
  • સીદી બસીરની મસ્જિદ
  • ઉસ્માનપુરા નો રોજો

ભદ્રનો કિલ્લો

  • ઈ.સ. 1411માં સલ્તનત શાસક નાસરુદ્દીન અહમદશાહે (અહમદશાહ પ્રથમે) પોતાની રાજધાની પાટણથી ખસેડી અમદાવાદમાં સ્થાપી.
  • અમદાવાદમાં નિર્માણકાર્યનો પ્રારંભ જે રાજગઢના બાંધકામથી થયો તે “ભદ્રના કિલ્લા” તરીકે ઓળખાય છે.
  • આ કિલ્લામાં 14 બુરજ, શાહી ટકોરખાનું, 8 દરવાજા અને 2 બારીઓ હતી.
  • અહમદશાહે અહીં એક શાહી મસ્જિદ પણ બંધાવી હતી.
  • કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર એટલે “ભદ્રના કિલ્લાનો દરવાજો”.
  • મુઘલકાળમાં સૂબા આઝમખાને કિલ્લાના મુખ્ય દરવાજા પાસે દક્ષિણ તરફનો ભાગ કાઢી નાંખી સરાઈ (ધર્મશાળા) બંધાવી હતી. હાલમાં અહીં સરકારી દફતરો અને માતા ભદ્રકાળીનું સ્થાનક આવેલું છે.
  • ભદ્રના કિલ્લા પર આવેલી મોટી ઘડિયાળ તેના ભવ્ય ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે.

જાણવા જેવું

  • “મિરાતે અહમદી”માં આ કિલ્લાને “અરકનો કિલ્લો” તરીકે ઓળખાવ્યો હતો.
  • તે અમદાવાદની સૌપ્રથમ નિર્માણ પામેલી જાહેર ઈમારત હતી.
  • ભદ્રના કિલ્લાથી નગર તરફ જતાં જે મોટું મેદાન હતું તે “મેદાન-એ-શાહ” અથવા “કારંજના મેદાન” તરીકે ઓળખાતું. જ્યાં લશ્કરી કવાયતો યોજાતી હતી.

જામા મસ્જિદ

  • અમદાવાદમાં આવેલી આ મસ્જિદનું નિર્માણ સુલતાન અહમદશાહ પ્રથમના શાસનકાળમાં થયું હતું.
  • આ મસ્જિદ હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો સુંદર સમન્વય ધરાવે છે.
  • મસ્જિદના નિર્માણમાં પીળા રેતિયા પથ્થરનો ઉપયોગ કરાયો હતો. તેના અંદરના ભાગમાં મંદિરોના મંડપોની રચનાની સ્પષ્ટ ઝલક દેખાય છે. જ્યારે કમાનો અને મિનારાઓ ઈસ્લામી સ્થાપત્યના નમૂના છે.
  • મસ્જિદની વચલી કમાનોના થાંભલા પર હિંદુ મંદિરનું તોરણ સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે.

ત્રણ દરવાજા

  • ત્રણ દરવાજાનું નિર્માણ સુલતાન અહમદશાહ પ્રથમ કરાવ્યું હતું.
  • ભદ્રના કિલ્લા સામેના મેદાનનાં છેડે આવેલી જામા મસ્જિદમાં જવા માટેના માર્ગ પર ત્રણ દરવાજા આવેલા છે. આ દરવાજાને ત્રણ કમાનો છે. તેની કમાનો ઘાટીલી અને કલાત્મક છે. વચલા દરવાજાની બંને બાજુ મિનારાની બાંધણી જેવા સુંદર બુરજો આવેલા છે.
  • ત્રણ દરવાજા આજે પણ અમદાવાદની શાન છે.

દરિયાખાનનો મકબરો

  • દરિયાખાનનો ઘુમ્મટ તરીકે ઓળખાતા આ સ્થાપત્યનું નિર્માણ કુતુબુદ્દીન અહમદશાહે કરાવ્યું હતું.
  • અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ આ સ્થાપત્ય ગુજરાતનો હયાત સૌથી મોટો ગુંબજ છે.
  • તેના નિર્માણમાં ઈરાની સ્થાપત્યશૈલીનો પ્રભાવ જેવા મળે છે.

બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો

  • અહમદશાહ પ્રથમે પોતાના અને બેગમના મૃત્યુ બાદ દફ્ન માટે આ સુંદર રોજાઓ બંધાવ્યા હતા.
  • અમદાવાદના માણેકચોકમાં આવેલી આ ઐતિહાસિક ઈમારતનું જાળીકામ કલાત્મક છે.
  • “રાણીનો હજીરો” સ્ત્રી સન્માનની આદર્શ ભાવનાનું પ્રતીક છે.
  • તે ઈસ્લામિક સ્થાપત્ય હોવા છતાં હિન્દુ અને જૈન સ્થાપત્યકળાનો પ્રભાવ ધરાવે છે.
  • સ્થાપત્યમાં પથ્થરોની કોતરણીમાં હિન્દુ ધર્મના પ્રતીકો પણ જોવા મળે છે.

કાંકરિયા તળાવ

  • સુલતાન કુતુબુદ્દીન અહમદશાહે અમદાવાદમાં “હોજ-એ-કુતુબ” નામનું તળાવ બંધાવ્યું હતું જે પાછળથી કાંકરિયા તળાવ નામે પ્રચલિત થયું.
  • આ તળાવની મધ્યમાં “બાગ-એ-નગીના” (નગીનાવાડી) આવેલી છે. તળાવની બાજુમાં સુલતાને ઘટામંડળ નામનો મહેલ બંધાવ્યો હતો.
  • કાંકરિયાને સંપૂર્ણ નવીનીકરણ કરીને ઈ.સ. 2007થી દર વર્ષે ડિસેમ્બર માસના અંતિમ અઠવાડિયામાં અહીં “કાંકરિયા કાર્નિવલ” નામનો ઉત્સવ ઊજવાય છે.

ઝૂલતા મિનારા

  • અમદાવાદના ગોમતીપુર-સારંગપુર વિસ્તારમાં આવેલા ઝૂલતા મિનારાનું નિર્માણ મહમૂદ બેગડાના સમયમાં થયું હતું. આ ઝૂલતા મિનારા સિદી બશીરની મસ્જિદમાં આવેલ છે.
  • મલિક સારંગ નામના ઉમરાવે ઝૂલતા મિનારા અને મિનારવાળી બીબીજી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
  • વિશ્વભરમાં આ પ્રકારના એકમાત્ર મિનારા છે.
  • દરેક મિનારાની બાલ્કનીમાં બારીક કોતરણીકામ કરાયેલું છે.
  • આ મિનારાની રચના એ રીતે થયેલી હતી કે જેથી એક મિનારા પર થતાં વિશિષ્ટ કંપનથી બીજા મિનારા આપમેળે કંપન કરવા લાગતા હતા.
  • બાંધકામની આ ખાસિયત જાણવા માટે અંગ્રેજો સહિત કરાયેલા પ્રયાસોને આજ સુધી સફળતા મળી નથી.

ભમ્મરિયો કૂવો

  • સલ્તનતકાળ દરમિયાન મહમૂદ બેગડાએ વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્યું હતું.
  • અહીં તેણે ભમ્મરિયો કૂવો તથા પોતાની બે બેગમો (ચંદા અને સૂરજ)ની સ્મૃતિમાં ચાંદા-સૂરજનો મહેલ જેવાં સ્થાપત્યોની રચના કરાવી હતી.
  • આ કૂવો અષ્ટકોણાકાર છે. કૂવામાં શૈલગૃહની પદ્ધતિએ થયેલા બાંધકામમાં પથ્થર અને ઈંટોનો સુંદર રીતે ઉપયોગ થયો છે.
  • કૂવામાં નાહવાની વ્યવસ્થા સાથે આરામ કરવાના ખંડો પણ છે.
  • આ વિશાળ કૂવામાં ભોંયતળિયાની નીચે ઓરડાઓના માળ નીચેના માળનું બાંધકામ આશ્ચર્યજનક છે.
  • કૂવામાં અંદર ઊતરવા માટેનાં પગથિયાં ગોળાકારે નીચે તરફ જતાં હોવાથી તેનું નામ “ભમ્મરિયો કૂવો” પડ્યું હતું.

અડાલજની વાવ

  • સલ્તનત શાસક મહમૂદ બેગડાના સમયમાં રાણી રૂડાદેવીએ પોતાના પતિ વીરસંગ વાઘેલાની યાદમાં આ વાવ બંધાવી હતી.
  • આ વાવ પાંચ માળની છે. વાવમાં પ્રવેશવાના ત્રણ દરવાજા હોવાથી તે “જયા” પ્રકારની વાવ છે. તેનું નિર્માણ ચૂનાના પથ્થરોથી થયેલું છે.
  • વાવમાં અંદર જતાં મંડપ આવે છે. તેના પર અષ્ટકોણ ઘુમ્મટ બાંધેલો હતો, જે હાલમાં હયાત નથી.
  • વાવનાં પગથિયાંઓની બંને બાજુ સુંદર કોતરણીવાળા ઝરૂખા છે તથા વાવમાંના ગોખ પણ શણગારેલા છે.
  • તેના એક ગોખમાં મુસ્લિમ ચિરાગની આકૃતિઓ તથા નવગ્રહની પ્રતિમાઓ કંડારેલી છે.
  • વાવમાં સંસ્કૃત ભાષામાં એક લેખ છે, જેના પરથી વાવ વિશેની માહિતી મળે છે.

બીબી અચુત કૂકીની મસ્જિદ

  • આ મસ્જિદ અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં આવેલી છે.
  • તેનું નિર્માણ સુલ્તાન મહમૂદ બેગડાના વજીર મલિક બહાઉદ્દીને કરાવ્યું હતું.
  • મલિક બહાઉદ્દીને પોતાની બેગમ બીબી અચુત કુકીની યાદમાં આ મસ્જિદ બંધાવી હતી.

શાહઆલમનો રોજો

  • શાહઆલમ સાહેબ બુખારી અમદાવાદના સુપ્રસિદ્ધ સંતપુરુષ હતા.
  • શાહઆલમના રોજાનું નિર્માણ કુતુબુદ્દીન અહમદશાહના સમયમાં તાજખાન નરપાલીએ કરાવ્યું હતું.
  • આ રોજાના મેદાનની એક બાજુ મોટી મસ્જિદ આવેલી છે. તે પાટડાને બદલે કમાનો ઉપર બાંધેલી છે.

સરખેજનો રોજો

  • મહમૂદ બેગડાએ સરખેજમાં તળાવને કિનારે પોતાના મૃત્યુ બાદ દફન કરવા માટે રોજાનું નિર્માણ કરાવ્યું હતું.
  • આ રોજાની ભીંતો અને કબર પરનું કોતરણીકામ ખૂબ સુંદર છે. કબરના ખંડની દીવાલો સંગેમરમરની છે તથા તેમાં કોતરણીકામ કરેલ જાળીઓ રોજાની કલાત્મકતામાં વધારો કરે છે.
  • જાળીમાંથી પસાર થતો પ્રકાશ છાયા-પ્રકાશની જે આકૃત્તિઓ રચે છે તે ખૂબ કલાપૂર્ણ અને મનોહર છે.
  • જાળીની રચનાથી અંદર હવાની અવરજવર અને પ્રકાશની હાજરી રહે છે.
  • આમ, સરખેજના રોજાના નિર્માણમાં સ્થપતિઓ અને શિલ્પીઓએ ભૌતિક જરૂરિયાત અને ક્લાનો સમન્વય કરીને ઉપયોગિતા અને સુંદરતા એમ બેવડી સિદ્ધિ એક્સાથે મેળવી છે.
  • મહમૂદ બેગડાના રોજાની પાસે જ તેણે સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષનો વિશાળ રોજાનું નિર્માણ કરાવ્યું હતું.

સિદી સૈયદની જાળી (મસ્જિદ)

  • અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આ મસ્જિદનું નિર્માણ અમદાવાદના અમીર જુહારખાન સિદીના ખાસ મિત્ર સિદી સઈદે કરાવ્યું હતું.
  • આ મસ્જિદ તેની દીવાલ પરનાં પથ્થરની અંદરની કોતરણીવાળી જાળીઓને કારણ વિશ્વવિખ્યાત છે.
  • લાલ પથ્થરમાંથી બનાવેલી આ ત્રણ જાળીઓ પર વૃક્ષની ડાળી, ભૌમિતિક રૂપાંકનો વગેરે આકૃતિઓનું બારીક કોતરણીકામ કરાયું છે.
  • મસ્જિદમાં પ્રકાશ માટે મૂકવામાં આવેલી અતિશય બારીક અને સુંદર કોતરણીવાળી આ જાળીઓ સલ્તનતકાલીન સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે.

રાણી સિપ્રીની મસ્જિદ

  • મહમૂદ બેગડાની હિન્દુ રાણી સિપ્રીના નામ પરથી આ મસ્જિદનું નિર્માણ થયું હતું. જોકે બાંધકામ અંગેના લેખમાં તેની બેગમનું નામ અસની લખેલું છે.
  • અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી આ મસ્જિદ હવેલી જેવી કોતરણી અને પ્રમાણસર ઊંચાઈના બે મિનારાને કારણે સ્થાપત્યકળાનો ઉત્કૃષ્ટ નમૂનો બન્યો છે.
  • અત્યંત બારીક અને કલાત્મક નકશીકામ ધરાવતી આ મસ્જિદને “મસ્જિદ-એ-નગીના” નું ઉપનામ આપવામાં આવ્યું છે.
  • “મિરાતે સિકંદરી”માં તેના વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. આ મસ્જિદને “અમદાવાદનું રત્ન” ની ઓળખ અપાઈ છે.

જાણવા જેવું

  • ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો તાતારખાન હતો.
  • ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ શાસક અહમદશાહ પ્રથમ હતો.
  • અહમદશાહે સૌપ્રથમ સિક્કા બનાવવા માટેની પદ્ધતિસરની ટકશાળ સ્થાપી હતી, જે ક્રમશઃ અમદાવાદ અને અહમદનગર (હિંમતનગર)માં હતી.
  • મહમૂદ બેગડાએ જૂનાગઢને જીતીને તેનું નામ “મુસ્તફાબાદ” પાડ્યું તથા ચાંપાનેરને જીતીને “મુહમ્મદાબાદ” નામ પાડ્યું. આ બે ગઢ જીતતા તે મહમૂદ “બેગડો” તરીકે ઓળખાયો.
  • મહમુદે ચાંપાનેરના કિલ્લાનું નામ “જહાંપનાહ” રાખ્યું હતું.
  • મહમૂદે દ્વારકા જીતીને તેનું નામ “મુસ્તફાનગર” રાખ્યું હતું તથા ઝાફરાબાદ (અમરેલી) નામનું નગર વસાવ્યું હતું.
  • ગુજરાતમાં તોપનો સૌપ્રથમ ઉપયોગ કરનાર સુલતાન મહમૂદ બેગડો હતો.
  • મહમૂદ બેગડાએ પોતાના નામ પરથી “મહમુદી” ચલણી સિક્કા પડાવ્યા હતા.
  • મહમૂદ બેગડાને “મુસલમાનોનો સિદ્ધરાજ” અને “ગુજરાતનો અકબર” તરીકે ઓળખવામાં આવે છે.
  • મુઝફ્ફરશાહ બીજો “સંત સુલતાન” અને “વિદ્વાન બાદશાહ” તરીકે ઓળખાતો હતો.
  • બૈજુ બાવરા સુલતાન બાદશાહનો દરબારી ગાયક હતો.
  • મુઝફ્ફરશાહ ત્રીજો ગુજરાતની સલ્તનતનો અંતિમ શાસક હતો.
  • મુઘલવંશ દરમિયાન જહાંગીરે અમદાવાદના કાલુપુર ખાતે ટંકશાળ સ્થાપી હતી. જેમાં મધ્યકાલીન સાહિત્યકાર અખો (“છપ્પા” માટે પ્રખ્યાત) ઉપરી અધિકારી તરીકે જોડાયો હતો.
  • સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ” માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુદ્ધનું વર્ણન છે.
  • ગંગાધરે રચેલા “ગંગાદાસ પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય” માં ચાંપાનેર અને જૂનાગઢનાં રાજ્યોની માહિતી મળે છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!