Central election commission (kendriya chutani panch) – Bharatnu Bandharan

Central election commission (kendriya chutani panch) – Bharatnu Bandharan – કેન્દ્રીય ચૂંટણી પંચ – ભારતનું બંધારણ

ચૂંટણી સંબંધી બંધારણીય જોગવાઈ

  • ભારત દેશ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ઢબની શાસન વ્યવસ્થા ધરાવે છે, લોકશાહી શાસન વ્યવસ્થાનો મુખ્ય આધાર નિષ્પક્ષ અને તટસ્થતાના સિદ્ધાંત મુજબ ચૂંટણીઓ યોજાય તે છે.
  • ભારતીય બંધારણના ભાગ 15માં અનુચ્છેદ 324થી 329માં કેન્દ્રીય ચૂંટણી પંચ સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે.
  • બંધારણના અનુચ્છેદ 326(1)માં ચૂંટણી પંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સંસદની, દરેક રાજ્યના વિધાનમંડળની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા, ચૂંટણીઓના સંચાલનના દેખરેખ, દોરવણી અને નિયંત્રણ તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના સંચાલન, દોરવણી અને દેખરેખ માટે “ચૂંટણી પંચ” રહેશે.
  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (પંચાયત, મ્યુનિસિપાલિટી)ની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ થઈ, આથી 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

ચૂંટણી પંચનું માળખું

  • અનુચ્છેદ 324(2) મુજબ ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર અને રાષ્ટ્રપતિ વખતોવખત નક્કી કરે એટલા બીજા ચૂંટણી કમિશનરોનું બનેલું રહેશે.
  • બીજા કોઈ ચૂંટણી કમિશનર નિમાય ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.
  • મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
  • બંધારણનો અમલ થયો (1950) ત્યારથી 15 ઓક્ટોબર, 1989 સુધી ચૂંટણી પંચ એક જ ચૂંટણી અધિકારીનું બનેલું હતું. પરંતુ 61માં બંધારણીય સુધારા, 1989 દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષમાંથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવતા ચૂંટણી પંચના કાર્યમાં વધારો થયો. આથી કામના ભારણને પહોંચી વળવા ચૂંટણી પંચમાં અન્ય બે ચૂંટણી કમિશનરોને નિયુક્ત કરવામાં આવ્યા. જો કે, 1990માં અન્ય બે કમિશનરોના પદને સમાપ્ત કરવામાં આવ્યા હતા. વળી, ઓક્ટોબર, 1993માં ફરી અન્ય બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી. હાલમાં ભારતનું ચૂંટણી પંચ ત્રણ કમિશનરોનું બનેલું છે.
  • મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની પાસે સમાન સત્તા હોય છે આથી નિર્ણય પ્રક્રિયા બહુમતીના આધારે કરવામાં આવે છે.

કાર્યકાળ

  • સંસદે કરેલા કોઈ કાયદાની જોગવાઈને આધીન રહીને, ચૂંટણી કમિશનરોની અને પ્રાદેશિક ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ નક્કી કરે છે.
  • ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ (જે વહેલુ તે) હોય છે.
  • ચૂંટણી પંચના કમિશનરને સુપ્રીમ કોર્ટના જજને મળતા પગાર અને ભથ્થાઓ મળે છે.

દૂર કરવાની પ્રક્રિયા

  • મુખ્ય ચૂંટણી કમિશનરને એ જ રીતે અને એ જ કારણે પદ પરથી હટાવી શકાય જે રીતે અને જે કારણે સુપ્રીમ કોર્ટના જજને પદ પરથી હટાવી શકાય.
  • અન્ય ચૂંટણી કમિશનરને અથવા પ્રાદેશિક કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરવામાં આવે છે.

રાજીનામું

  • ચૂંટણી પંચના કમિશનર રાષ્ટ્રપતિને સંબોધીને પદ પરથી રાજીનામું આપી શકે છે.

ચૂંટણી સંબંધી અન્ય બંધારણીય જોગવાઈઓ

  • બંધારણના અનુચ્છેદ 325 મુજબ કોઈ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગભેદના આધારે મતદારયાદીમાં નામ નોંધાવા માટે અયોગ્ય ગણાશે નહિ. એટલે કે ઉપરોક્ત ભેદભાવો રાખ્યા વિના ભારતનો કોઈપણ નાગરિક પ્રત્યક્ષ પદ્ધતિની ચૂંટણીમાં મત આપી શકશે.
  • અનુચ્છેદ 326 મુજબ લોકસભાની અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પુખ્ત વય મતાધિકારના ધોરણે કરવામાં આવશે. એટલે કે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ હોય તે વ્યક્તિ ચૂંટણીમાં મત આપી શકે છે.
  • બંધારણના અમલ સમયે 21 વર્ષે મતાધિકાર આપવામાં આવતો હતો, પરંતુ તારુકુંડે સમિતિની ભલામણના આધારે 61માં બંધારણીય સુધારા, 1988 દ્વારા મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી.
  • કોઈ વ્યક્તિના 18 વર્ષ પૂર્ણ થયા હોય પરંતુ કાયદા દ્વારા નિર્ધારિત નિવાસી ન હોવાના કે ભ્રષ્ટ અથવા ગેરકાયદેસર આચરણના કારણે ગેરલાયક ઠેરવવામાં આવેલી વ્યક્તિ ચૂંટણીમાં મત આપી શકે નહિ.
  • અનુચ્છેદ 327 મુજબ સંસદના બેમાંથી કોઈ ગૃહની અથવા રાજ્યના વિધાનમંડળના કોઈ ગૃહની ચૂંટણી સંબંધી બાબતો જેમકે, મતદારયાદી તૈયાર કરવી, મતદાન યંત્રનું સીમાંકન કરવું જેવી બાબતો અંગે કાળી બનાવવાની સત્તા સંસદ પાસે રહેશે. જે સંસદ વિધાનમંડળના કંઈ પૃષ્ઠની ચૂંટણી સંબંધી કાપદી ન બનાવે તો રાજ્યનું વિધાનમંડળ કાયદો બનાવી શકે.
  • મતદારમંડળના સીમાંકન સંબંધી અથવા મતદારમંડળોને બેઠકોની ફાળવણી સંબંધી વિવાદને કોર્ટમાં પડકારી શકાશે નહિ.
  • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે.

ચૂંટણી પંચના કાર્યો અને સત્તાઓ

  • કેન્દ્રીય ચૂંટણી પંચ નીચે મુજબની ચૂંટણીઓનું સંચાલન, દોરવણી અને દેખરેખ રાખવાનું કાર્ય કરે છે.
    • સંસદના બંને ગૃહોની ચૂંટણી
    • રાજ્યના વિધાનમંડળના બંને ગૃહોની ચૂંટણી
    • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
  • લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતદાનક્ષેત્ર નિર્ધારિત કરવા.
  • મતદાર યાદી તૈયાર કરવી અને સમયાંતરે તેમાં ફેરફાર કરવા.
  • ચૂંટણી માટેની તારીખ નક્કી કરવી.
  • ઉમેદવારી પત્રકો ચકાસવા.
  • રાજકીય પક્ષોને માન્યતા આપવાના કે તેમને ચિહ્નો ફાળવવાની બાબતમાં વિવાદ ઊભો થાય તો તેનો ઉકેલ લાવવો.
  • ચૂંટણી સંબંધી વિવાદોના ઉકેલ લાવવો. (રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સિવાય)
  • ચૂંટણી સમયે આચારસંહિતાનો અમલ કરાવવો.
  • ચૂંટણી સમયે રાજકીય પક્ષોના પ્રચાર માટે રેડિયો અને ટી.વી. કાર્યક્રમ માટે યાદી તૈયાર કરવી.
  • સંસદ સભ્યોની ગેરલાયકાત અંગે રાષ્ટ્રપતિને અને વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાત અંગે રાજ્યપાલને સલાહ આપવી.
  • ગેરરીતિના કારણે કોઈ બેઠક પરની ચૂંટણી રદ્દ કરવી.
  • સમગ્ર ભારતમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવા માટે ચૂંટણી સાથે સંકળાયેલા તંત્રની સમીક્ષા કરવી.
  • ચૂંટણી સંબંધી કર્મચારીઓની જરૂરિયાત અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સાથે ચર્ચા કરવી.
  • કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત એક વર્ષ થઈ હોય ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ શકે તેમ છે કે કેમ તે અંગે સલાહ આપવી.

ચૂંટણી પંચ સ્વતંત્ર અને તટસ્થ રહીને કાર્ય કરી શકે તે માટેની બંધારણીય જોગવાઈઓ

  • મુખ્ય ચૂંટણી કમિશનરને પદની સુરક્ષા આપવામાં આવી છે એટલે કે તેઓએ સુપ્રીમ કોર્ટના જજને જે રીતે અને જે કારણોસર દૂર કરી શકાય તે રીતે અને તે કારણોસર દૂર કરી શકાય છે. (અન્ય ચૂંટણી કમિશનરોને પદની સુરક્ષા આપવામાં આવી નથી.)
  • મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ શરૂ હોય ત્યારે તેઓને નુકસાન થાય તે રીતે તેની સેવાની શરતોમાં કે વિશેષાધિકારોમાં ફેરફાર કરી શકતો નથી.

કેટલીક ખામીઓ

  • ચૂંટણી કમિશનર સ્વતંત્ર અને નિષ્પક્ષ કાર્ય કરી શકે તે અંગેની બંધારણીય જોગવાઈમાં નીચે મુજબની ખામીઓ છે.
  • ચૂંટણી કમિશનર નિવૃત્ત થયા બાદ કોઈ સરકારી પદ ધારણ ન કરી શકે એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી નથી.
  • અન્ય ચૂંટણી કમિશનરોને પદની સુરક્ષા આપવામાં આવી નથી. તેઓને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ની યાદી

  1. સુકુમારસેન : 1950-58
  2. કલ્યાણ સુંદરમ : 1958-67
  3. એસ.પી.એન. વર્મા : 1967-72
  4. નગેન્દ્રસિંઘ : 1972-73
  5. ટી.સ્વામીનાથન : 1973-77
  6. એસ.એલ.શકધર : 1977-82
  7. આર.કે.ત્રિવેદી : 1982-85
  8. આર.વી.એસ પેરીશાસ્ત્રી : 1986-90
  9. પી.એમ.રમાદેવી : 1990
  10. ટી.એન શેષન : 1990-96
  11. એમ.એસ.ગીલ : 1996-2001
  12. જેમ્સ મિશેલ લીંગડો : 2001-2004
  13. ટી.એસ.ક્રિષ્નામૂર્તિ : 2004-2005
  14. બી.બી.ટંડન : 2005-2006
  15. એન.ગોપાલસ્વામી : 2006-2009
  16. નવીન ચાવલા : 2009-2010
  17. એસ.વાય.કુરેશી : 2010-2012
  18. વી.એસ.સંપથ : 2012-2015
  19. હરીશંકર બ્રહ્મા : 2015
  20. નઝીમ ઝૈદી : 2015-2017
  21. અચલકુમાર જ્યોતિ : 2017-2018
  22. ઓમપ્રકાશ રાવત : 2018
  23. સુનીલ અરોરા : 2018-2021
  24. સુશીલ ચંદ્રા : 2021-વર્તમાન

બાણેજ ખાતે એકમાત્ર મતદાતા માટે મતદાન કેન્દ્ર આપવામાં આવતું હતું

  • ગીરના જંગલમાં 70 કિ.મી. અંદર આવેલા બાણેજ ખાતે મહંત ભરતદાસબાપુ એકમાત્ર મતદાતા માટે ચૂંટણી પંચ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વખતે મતદાનમથક ઊભું કરતા હતા.
  • ચૂંટણી પંચ દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે છે કે મતદાતાને રહેઠાણથી 2 કિલોમીટરમાં મતદાનમથક ઉપલબ્ધ થાય. જેને લઈ એકમાત્ર મતદાતા માટે બાણેજ ખાતે મતદાન મથક ઊભું કરવામાં આવતું હતું.
  • નવેમ્બર 2019માં મહંત ભરતદાસબાપુ બ્રહ્મલીન થયા છે, જેથી હવે બાણેજ ખાતે મતદાનમથક ઊભું કરવાની ચૂંટણી પંચને જરૂરિયાત નહીં રહે.

PPRTMS (Political Parties Registration Tracking Management System)

  • ભારતીય ચૂંટણી પંચે 1 જાન્યુઆરી, 2020ના રોજ PPRTMS નામની ઓનલાઈન પ્રણાલી શરૂ કરી છે, જે અંતર્ગત ચૂંટણી પંચમાં રાજકીય પાર્ટીની નોંધણી (રજિસ્ટ્રેશન) માટેની અરજીને ટ્રેક કરી શકાશે. અરજી પર ચૂંટણી પંચ દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવે તેની જાણ નોંધણીકર્તાને SMS અથવા ઈ-મેઈલ દ્વારા કરવામાં આવે છે.
  • નોંધનીય છે કે રાજકીય પાર્ટીના રજિસ્ટ્રેશન અંગેની પ્રક્રિયાની જોગવાઈ લોકપ્રતિનિધિત્ત્વ ધારો, 1951ના અનુચ્છેદ 29(A)માં આપવામાં આવી છે. જે મુજબ રાજકીય પાર્ટીની રચના થયાના 30 દિવસમાં ચૂંટણી પંચમાં નોંધણી કરાવવી જરૂરી છે.

ચૂંટણી સંબંધિત બંધારણીય અનુચ્છેદો

  • અનુચ્છેદ 324 : ચૂંટણીઓના દેખરેખ, દોરવણી અને નિયંત્રણ ચૂંટણી આયોગમાં નિહિત થવા બાબત
  • અનુચ્છેદ 325 : ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગભેદના કારણે કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે અપાત્ર નહિ થવા બાબત અથવા તે કારણે તેણે ખાસ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે દાવો નહિ કરવા બાબત.
  • અનુચ્છેદ 326 : લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પુખ્તવય મતાધિકારને ધોરણે કરવા બાબત
  • અનુચ્છેદ 327 : વિધાનમંડળોની ચૂંટણીઓ અંગે જોગવાઈ કરવાની સંસદની સત્તા
  • અનુચ્છેદ 328 : રાજ્યના વિધાનમંડળની ચૂંટણીઓ અંગે જોગવાઈ કરવાની તેવા વિધાનમંડળની સત્તા
  • અનુચ્છેદ 329 : ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયોની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ
ચૂંટણી સંબંધિત બંધારણીય જોગવાઈઓ

Leave a Comment

error: Content is protected !!