Aamukh (Preamble) – Bharatnu bandharan aamukh in gujarati

Aamukh (Preamble) / આમુખ

આમુખ

• આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે.

• આમુખ એટલે પ્રસ્તાવના, જેમ દરેક પુસ્તકની શરૂઆત પ્રસ્તાવનાથી થાય છે તેમ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. પુસ્તકનો સારાંશ જેમ પ્રસ્તાવનાથી મળે છે તેમ બંધારણનો સારાંશ આમુખથી પ્રાપ્ત થાય છે.

• ભારતીય બંધારણનું આમુખ માત્ર એક વાક્યનું બનેલું છે.

• 13 ડિસેમ્બર, 1946ના રોજ જવાહરલાલ નેહરુ દ્વારા બંધારણસભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આમુખ એ ઉદ્દેશ પ્રસ્તાવ પર આધારિત છે.

• બંધારણસભા દ્વારા 22 જાન્યુઆરી, 1950ના રોજ આમુખનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

• આમુખને ભારતીય બંધારણના સિદ્ધાંતો અને આદર્શોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આમુખ સમગ્ર ભારતીય બંધારણનું દર્શન કરાવે છે.

• આમુખમાં અત્યાર સુધીમાં (2020) એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. 42માં બંધારણીય સુધારા, 1976 દ્વારા આમુખમાં ત્રણ નવા શબ્દો સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા ઉમેરવામાં આવ્યા.


આમુખમાં જોવા મળતા મુખ્ય ચાર તત્ત્વો :

1. બંધારણસભાના અધિકારનો સ્રોત :

• આમુખની શરૂઆત “અમે ભારતના લોકો…”થી થાય છે, એનો અર્થ એ થાય કે બંધારણસભાને ભારતના લોકો તરફથી અધિકાર પ્રાપ્ત થયો હતો.



2. ભારતની પ્રકૃતિ :

• આમુખ પરથી સ્પષ્ટ થાય છે કે ભારત સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક પ્રજાસત્તાક રહેશે.



3. બંધારણનો ઉદ્દેશ :

• આમુખ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતના નાગરિકોને ન્યાય, સમાનતા, સ્વતંત્રતા આપવા ઉપરાંત લોકો વચ્ચે બંધુત્વની ભાવનાનો વિકાસ થાય એ ઉદ્દેશ છે.



4. બંધારણ સ્વીકાર થવાની તારીખ :

• આમુખમાં બંધારણનો બંધારણસભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકાર થયાનો ઉલ્લેખ છે. (બંધારણ સભાએ માગશર સુદ સાતમ, વિક્રમ સવંત 2006ના રોજ બંધારણનો સ્વીકાર કર્યો હતો)


આમુખમાં ઉપયોગમાં લેવાયેલા મુખ્ય શબ્દો :

સાર્વભૌમત્ત્વ (સંપ્રભુતા) :

• સાર્વભૌમત્ત્વનો અર્થ છે કે ભારત પોતાની આંતરિક અથવા બાહ્ય બાબતોમાં સ્વતંત્ર રહેશે. એટલે કે ભારત પોતાની આંતરિક બાબતો અથવા બાહ્ય બાબતો અંગે નિર્ણયો લેવા માટે અન્ય કોઈ સત્તાને આધીન નહીં રહે પોતાની જાતે નિર્ણય કરી શકશે.

• ભારત સંપ્રભુ દેશ હોવાથી વિદેશી જમીન અધિગ્રહણ કરી શકે છે અથવા પોતાની જમીન અન્ય દેશના પક્ષમાં છોડી શકે છે.

• વૈશ્વિકીકરણના યુગમાં દરેક દેશ કોઈને કોઈ સંગઠનનો હિસ્સો બનેલો હોય છે. સંગઠન ચોક્કસ સમજૂતી તેમજ માપદંડોના આધારે ચાલતું હોય છે. આથી કોઈ દેશ સંપ્રભુ હોવા છતાં માત્ર પોતાના દેશને જ ધ્યાને લઈ નિર્ણયો કરી શકતો નથી.


સમાજવાદી :

• 42માં બંધારણીય સુધારા, 1976 દ્વારા “સમાજવાદી” શબ્દ આમુખમાં શામેલ કરવામાં આવ્યો. સમાજવાદી વ્યવસ્થાનો સિદ્ધાંત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં પહેલેથી જોવા મળતો હતો પરંતુ બંધારણીય સુધારા દ્વારા સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું.

• સામાન્ય રીતે સમાજવાદના બે પ્રકારો હોય છે.

1. સામ્યવાદી સમાજવાદ

2. લોકતાંત્રિક સમાજવાદ

• સામ્યવાદી સમાજવાદમાં (કાર્લ માર્ક્સ પ્રેરિત) ઉત્પાદનના તમામ સાધનોનું રાષ્ટ્રીયકરણ થયેલું હોય છે. એટલે કે ખાનગી એકમોનું અસ્તિત્ત્વ નહીંવત હોય છે.

• લોકતાંત્રિક સમાજવાદમાં મિશ્રિત વ્યવસ્થા જોવા મળતી હોય છે. એટલે કે ઉત્પાદનના સાધનો પર સરકાર અને ખાનગી એકમોનો અધિકાર હોય છે. ચોક્કસ પ્રકારના ઉત્પાદન એકમો અને સેવા એકમોને બાદ કરતા અન્ય એકમો પર સરકારનો એકાધિકાર હોતો નથી.

• લોકતાંત્રિક સમાજવાદનો ઉદ્દેશ ગરીબી, બેરોજગારી, આર્થિક અસમાનતા, બેરોજગારી ઘટાડવાનો છે.

• ભારતીય સમાજવાદ, માર્ક્સવાદ અને ગાંધીવાદનું મિશ્ર સ્વરૂપ જોવા મળે છે. જો કે ભારતીય સમાજવાદ ગાંધીવાદ તરફ વધારે ઝુકેલો છે.

• ભારતમાં 1991માં થયેલા આર્થિક સુધારાઓના કારણે ખાનગીકરણના પ્રમાણમાં વધારો થયો છે.


ધર્મનિરપેક્ષ :

• “ધર્મનિરપેક્ષ” શબ્દ 42માં બંધારણીય સુધારા, 1976 દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો. જો કે, શબ્દ ઉમેર્યો તે પહેલા પણ ભારતમાં ધર્મ નિરપેક્ષતાનો સિદ્ધાંત જોવા મળતો હતો. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 25થી 28મા ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે

• ધર્મ નિરપેક્ષ રાજ્યનો અર્થ થાય, ભારતમાં તમામ ધર્મ એક સમાન છે અને સરકાર તમામ ધર્મનું સમાન સમર્થન કરે છે.


લોકતાંત્રિક :

• અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એબ્રાહિમ લિંકનના મત મુજબ લોકશાહી એટલે “લોકોનું, લોકો દ્વારા અને લોકો થકી ચાલતું શાસન.”

• લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થામાં સરકાર પોતાની સત્તા પ્રજાની ઈચ્છામાંથી પ્રાપ્ત કરે છે. પ્રજા જ શાસકોને પસંદ કરે છે. શાસકોએ પ્રજાને જવાબદાર રહેવાનું હોય છે.

• લોકશાહીના બે પ્રકારો છે.

1. પ્રત્યક્ષ લોકશાહી
2. પરોક્ષ લોકશાહી


1. પ્રત્યક્ષ લોકશાહી

• આ પ્રકારની લોકશાહીમાં લોકો પોતાની શક્તિનો પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરે છે. સ્વિત્ઝર્લેન્ડની લોકશાહી ઢબની શાસન વ્યવસ્થા પ્રત્યક્ષ લોકશાહીનું આદર્શ ઉદાહરણ છે.

• પ્રત્યક્ષ લોકશાહીમાં લોકો પાસે નીચે મુજબના હથિયારો હોય છે.



• પરિપૃચ્છા (Referendum)

• જ્યારે સરકાર કોઈ બાબત અંગે લોકોનો મત જાણવા માંગે ત્યારે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે.

• પરિપૃચ્છા અંતર્ગત સરકાર કોઈ ચોક્કસ બાબત વિશે મતદાન કરાવે છે. મતદાનના પરિણામના આધારે સરકાર નિર્ણય કરે છે.



• પહેલ (Initiative)

• પ્રત્યક્ષ લોકશાહીમાં આ એક એવું સાધન છે. જેની મદદથી જે તે દેશના લોકો કાયદો બનાવવા માટે પહેલ કરી શકે છે. જેના પર ત્યાની વિધાનસભાએ કાયદો બનાવવો પડે છે.

• દક્ષિણ દાકોટા દેશે સૌપ્રથમ 1898માં “પહેલ”ને અપનાવ્યું હતું. 1992માં મિસીસીપીએ “પહેલ”ને અપનાવ્યું હતું. દરેક દેશમાં “પહેલ”ની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળે છે.



• પ્રતિનિધિને પાછા બોલાવવાનો અધિકાર (Right to Recall)

• આ પ્રકારના સાધન દ્વારા નાગરિકો ચૂંટાયેલા પ્રતિનિધિના કાર્યથી નાખુશ તો તેને તેની મુદત પુરી થાય એ પહેલા પાછા બોલાવી શકે છે.

• ભારતમાં સચિન્દ્રનાથ સાન્યાલ દ્વારા 1924માં સૌપ્રથમ પ્રતિનિધિને પાછા બોલાવવાના અધિકારની માંગ કરવામાં આવી હતી.

• બંધારણસભામાં પણ આ પ્રકારના અધિકારને બંધારણમાં શામેલ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ ચર્ચાના અંતે તેને શામેલ કરવામાં ન આવ્યો.

• ભારતમાં પંચાયત સ્તરે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં સરપંચને પાછા બોલાવવાના અધિકારનો ઉપયોગ જોવા મળે છે.

• નગરપાલિકા અથવા મહાનગરપાલિકા સ્તરે આ પ્રકારના અધિકારનો ઉપયોગ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં થઈ રહ્યો છે.

• સાંસદ સભ્ય અને ધારાસભ્યોને પાછા બોલાવવા અંગે નાગરિકોને અધિકાર આપવા સી.કે. ચંદ્રપ્પન નામના લોકસભાના સભ્યે વર્ષ 1974માં ખાનગી વિધેયક રજૂ કર્યું હતું. જેને અટલ બિહારી વાજપેયીએ સમર્થન આપ્યું હતું. પરંતુ આ વિધેયક પસાર થઈ શક્યુ ન હતું.

• ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ 2016માં સાંસદ સભ્યો અને ધારાસભ્યોને જે તે મત વિસ્તારના નાગરિકો દ્વારા પાછા બોલાવી શકાય તે માટે લોકસભામાં એક ખાનગી બિલ રજૂ કર્યું હતું.



• જનમત સંગ્રહ (Plebicite)

• પ્રત્યક્ષ લોકશાહીનું આ એક એવું સાધન છે, જેની મદદથી શાસક અથવા સરકારની પસંદગી કરવામાં આવે છે. નાગરિકોના મતદાન દ્વારા નિર્ણય કરવામાં આવે છે કે તેમના શાસક કોણ રહેશે.




2. પરોક્ષ લોકશાહી

• પરોક્ષ લોકશાહીમાં લોકો પ્રત્યક્ષ રીતે શાસન સાથે જોડાતા નથી, પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન પ્રક્રિયામાં ભાગ લે છે.

• ભારતમાં સંસદીય લોકશાહી ઢબની શાસન વ્યવસ્થા છે. જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો વતી સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ દેશ માટે નિર્ણયો કરે છે. આ પ્રકારની વ્યવસ્થામાં કારોબારી સંસદને જવાબદાર હોય છે.

• ભારતમાં રાજકીય લોકશાહીની સાથોસાથ સામાજિક આર્થિક લોકશાહી જોવા મળે છે.


પ્રજાસત્તાક :

જે દેશમાં સર્વોચ્ચ પદ પ્રજા માટે ખુલ્લુ હોય, કોઈપણ યોગ્યતા ધરાવતી વ્યક્તિ સર્વોચ્ચ પદ હાંસલ કરી શકતી હોય તેને પ્રજાસત્તાક કહે છે.

• બ્રિટનમાં સર્વોચ્ચ પદ બ્રિટિશ તાજનું હોય છે. જે ત્યાંના રાજા અથવા રાણી બની શકે છે. આ પદ પ્રજા માટે ખુલ્લુ નથી હોતુ પરંતુ વંશપરંપરાગત ચાલે છે. આથી બ્રિટન લોકતંત્ર ધરાવે છે, પરંતુ પ્રજાસત્તાક નથી.

• ભારતમાં સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિનું છે, જે યોગ્યતા ધરાવતી કોઈપણ વ્યક્તિ ધારણ કરી શકે છે. એટલે કે એ પદ વંશપરંપરાગત ચાલતુ નથી. આથી ભારત લોકતાંત્રિકની સાથે પ્રજાસત્તાક પણ છે.


ન્યાય :

• આમુખમાં ત્રણ પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાજિક, આર્થિક અને રાજકીય.

• સામાજિક ન્યાયનો અર્થ થાય કે સમાજના તમામ વર્ગના લોકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે. જાતિ, જ્ઞાતિ, રંગ, લિંગના આધારે તેઓની સાથે ભેદભાવ ન કરવામાં આવે. કોઈ વર્ગને વિશેષાધિકારો મળેલા ન હોય તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો અને મહિલાઓની સ્થિતિમાં સુધારો થાય.

• આર્થિક ન્યાયનો અર્થ થાય કે આર્થિક બાબતોના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરવામાં આવે. સમાજમાં સંપત્તિ અને આવકની બાબતમાં સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો.

• રાજકીય ન્યાયનો અર્થ થાય કે તમામ લોકોને રાજકીય બાબતોમાં સમાન તક મળે એ જ રીતે તમામ લોકોને સમાન રાજકીય અધિકારો પ્રાપ્ત થાય.

• ભારતીય બંધારણમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાયના તત્ત્વો 1917ની રશિયાની બોલ્શેવિક ક્રાંતિમાંથી લીધા છે.


સ્વતંત્રતા :

• સ્વતંત્રતાનો અર્થ થાય લોકોને વિકાસ માટે તક પ્રાપ્ત થાય તેમજ પોતાના કાર્યોમાં બિનજરૂરી રોકટોક ન હોય.

• આમુખમાં ભારતીય લોકોને પાંચ પ્રકારની સ્વતંત્રતા વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, માન્યતા અને ઉપાસનાની સ્વતંત્રતા આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

• સ્વતંત્રતાનો અર્થ લોકો મનફાવે તેમ જીવન જીવે એવો નથી. વાજબી નિયંત્રણ સાથે બંધારણની મર્યાદામાં રહી જીવન જીવે તેવો તેનો અર્થ થાય છે.

• બંધારણમાં અનુચ્છેદ 19થી 22માં સ્વતંત્રતા અંગે બૃહદ જોગવાઈઓ કરવામાં આવી છે.

• આમુખમાં ઉલ્લેખિત સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્ત્વના આદર્શો ફ્રાન્સની ક્રાંતિમાંથી લેવામાં આવ્યા છે.


સમાનતા :

• સમાનતાનો અર્થ થાય સમાજના તમામ વર્ગને સમાન તક પુરી પાડવી. સમાજના કોઈ વર્ગ માટે વિશેષાધિકારો ઉપલબ્ધ ન હોય.

• આમુખમાં દરજ્જા અને તકની સમાનતાનો ઉલ્લેખ છે. એટલે કે ભારત દેશમાં લાયકાત ધરાવતા તમામ લોકોને કોઈપણ દરજ્જો પ્રાપ્ત થઈ શકે અને તે માટે તેઓને યોગ્ય તક પણ આપવામાં આવે.

• ભારતીય બંધારણમાં અનુચ્છેદ 14થી 18માં સમાનતાના અધિકારો આપવામાં આવ્યા છે.


બંધુત્ત્વ :

• “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે જરૂરી છે કે ભારતના દરેક લોકો વચ્ચે બંધુત્ત્વની ભાવના હોય. વિશાળ ભારત દેશમાં ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ, ભૂપૃષ્ઠના આધારે વિવિધતા જોવા મળે છે. વિવિધતામાં એકતા લાવવાના ભાગરૂપે બંધુત્ત્વની ભાવના જરૂરી છે.

• ભારતીય બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત ફરજોમાં 51(A)(e) ફરજમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા વર્ગ આધારિત ભેદભાવોથી ઉપર ઊઠી એકબીજા પ્રત્યે ભાઈચારાની ભાવના કેળવવી.


આમુખ બંધારણનો ભાગ ગણાય કે નહીં ?

• આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે, જે બંધારણનો હાર્દ રજૂ કરે છે. આમુખ એ બંધારણના કોઈ ભાગમાં ઉલ્લેખિત નથી. આથી ભારતના કાયદાકીય ઈતિહાસમાં પ્રશ્ન એ ઉપસ્થિત થયો હતો કે આમુખ એ બંધારણનો ભાગ ગણવો કે કેમ ?

• આમુખનો બંધારણસભા દ્વારા સૌથી છેલ્લે સ્વીકાર કરવામાં આવ્યો. જો કે તે સમયે પણ બંધારણસભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા એ વાત રજૂ કરાઈ હતી કે “અહીં પ્રશ્ન એ ઉપસ્થિત છે કે આમુખને બંધારણનો ભાગ ગણવો કે કેમ ?” જો કે તે સમયે બંધારણસભા દ્વારા આમુખનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો.

• આમુખને બંધારણનો ભાગ ગણવો કે નહિ તે અંગે સુપ્રીમ કોર્ટે અલગ-અલગ કેસોમાં ચુકાદામાં જણાવ્યું છે. આઝાદ ભારતના શરૂઆતના વર્ષોમાં આવેલા કેસોમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ ન હોવાનું ગણાવ્યું. પરંતુ પછીના કેસોમાં આમુખને બંધારણનો ભાગ ગણાવ્યો.

• બેરૂબારી કેસ (1960)માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આમુખ બંધારણનો ભાગ નથી.

• કેશવાનંદ ભારતી કેસ (1973) તેમજ ત્યારબાદ આવેલા એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા કેસ (1995)માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આમુખ બંધારણનો ભાગ છે.


આમુખમાં સુધારો :

• સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ ગણાવ્યો. જેનો અર્થ એ થાય કે આમુખમાં અનુચ્છેદ 368 મુજબ ફેરફાર કરી શકાય. પરંતુ બંધારણના મૂળભૂત ઢાંચાને અસર ન થવી જોઈએ.

• અત્યારસુધીમાં આમુખમાં એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે. સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતાવાળી સમિતિની ભલમણોના આધારે 18 ડિસેમ્બર, 1976ના રોજ 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ત્રણ નવા શબ્દો “સમાજવાદી”, “બિનસાંપ્રદાયિક” અને “અખંડિતતા” ઉમેરવામાં આવ્યા.

42મા બંધારણીય સુધારો (1976) દ્વારા આમુખમાં ઉમેરાયેલા શબ્દો
• સમાજવાદી
• બિનસાંપ્રદાયિક
• અખંડિતતા

• આમુખ અને ભારતીય બંધારણની અન્ય બાબતોની ડિઝાઈન મધ્ય પ્રદેશના જબલપુરના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર બેઓહર રામમનોહર સિન્હા દ્વારા થઈ હતી.

• જે કારણોસર ભારતીય બંધારણના આમુખના પાનાના જમણા ખુણામાં તેઓની ટૂંકી સહી राम જોવા મળે છે.


આમુખ નો વિવાદ

આમુખ નો વિવાદ

બંધારણના મૂળ સ્વરૂપના રક્ષણના કેસથી જાણિતા સ્વામી કેશવાનંદ ભારતીનું વર્ષ 2020માં નિધન

• સ્વામી કેશવાનંદ ભારતીને “કેરળના શંકરાચાર્ય” તરીકે ઓળખવામાં આવે છે.

• તેઓ કેરળના કાસરગોડના ઈડનીર મઠના વડા હતા. તેમને બંધારણ બચાવનારા વ્યક્તિ તરીકે યાદ કરાય છે. કેમકે 47 વર્ષ પૂર્વે તેમણે ઈડનીર મઠની સંપત્તિ મામલે કેરળ સરકારને સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક લડત આપી હતી.

• સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એમ. સિકરીના વડપણ હેઠળની 13 જજની બેન્ચે 68 દિવસ લાંબી સુનાવણી બાદ 24 એપ્રિલ, 1971માં સ્વામી કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્યના કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે સંસદને દેશના બંધારણમાં સુધારો કરવાનો અધિકાર ભલે હોય પરંતુ આ સુધારો બંધારણના મૂળભૂત ઢાંચાને તો નથી બદલી નાખતોને તેની ખાતરી કરવા એ સુધારાની સમીક્ષા કરવાનો ન્યાયતંત્રને અધિકાર છે.

• ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં આ ચુકાદાને સૌથી મહત્ત્વનો ગણવામાં આવે છે અને દેશભરની લૉ કોલેજો કે બંધારણ અંગેની ચર્ચાઓમાં કેશવાનંદ ભારતી કેસનો હંમેશા ઉલ્લેખ થાય છે.

• કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્ય કેસ (1973માં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પૈકીનો એક ગણવામાં આવે છે. કેમ કે તેના માધ્યમથી ભારતીય બંધારણના એ મૂળભૂત માળખા (બેઝિક સ્ટ્રક્ચર) ને નિર્ધારિત કરાયું જેમાં સંસદ દ્વારા સુધારો કરી શકાય નહી.

• ઈડનીર શૈવ મઠ 1200 વર્ષ પ્રાચીન છે તેને આદિ શંકરાચાર્યની પીઠ પણ કહે છે. ગુરુના નિધન બાદ કેશવાનંદ માત્ર 2 વર્ષની વયે તેના વડા બન્યા હતા. 1970ના દાયકામાં કાસરગોડમાં આ મઠની હજારો એકર જમીન પણ હતી. 1969માં ઈ.એમ.એસ. નંબુદિરીપાદત્ના નેતૃત્વ હેઠળ કેરળની તત્કાલીન ડાબેરી સરકારે કેરળ લેન્ડ રિફોર્મ્સ (એમેન્ડમેન્ટ) એકટ પસાર કર્યો હતો જે અન્વયે રાજ્ય સરકારને ધાર્મિક સંસ્થાનોની સંપત્તિ તેના અંકુશ હેઠળ લેવાનો અધિકાર મળતો હતો.

• સ્વામી કેશવાનંદ ભારતીએ 1971માં કેરળ સરકારના આ કાયદાને પડકાર્યો હતો. કેરળ હાઈકોર્ટમાં સફળતા ન મળી તો બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ નાની પાલખીવાલા સાથે પરામર્શ કરીને સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.

• તેમની દલીલ હતી કે આ કાયદા ઉપરાંત બંધારણના 24, 25, 26મા અને 29મા સુધારાથી તેમના પોતાના ધર્મનું પાલન કરવાના મૂળભૂત અધિકાર પોતાની સંપત્તિ ધરાવવા તથા જાળવવાના અધિકાર તથા ધાર્મિક સંપત્તિના વ્યવસ્થાપનના અધિકારોનો ભંગ થાય છે. આ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોટના ઇતિહાસની સૌથી મોટી 13 ન્યાયમૂર્તિઓની બેન્ચ બેઠી હતી.

• 68 દિવસ સુનાવણી ચાલી હતી એ પણ એક વિક્રમ છે. કુલ 73 પાનાનો ચુકાદો અપાયો હતો. આ ચુકાદો સર્વાનુમતે નહોતો અપાયો, એક મૂળ ચુકાદા ઉપરાંત દરેક ન્યાયમૂર્તિએ પોતપોતાના નિરીક્ષણો સાથે અલગ ચુકાદા પણ આપ્યા હતા.

• સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંસદની પાસે બંધારણની ક્લમ 368 હેઠળ સુધારો કરવાનો અધિકાર છે, પરંતુ બંધારણની મૂળભૂત સંરચના સાથે છેડછાડ કરી શકાય નહીં.

• સ્વતંત્રતાના પ્રારંભિક વર્ષોમાં સુપ્રીમ કોર્ટે શંકરી પ્રસાદ વિ. ભારત સરકાર કેસ (1951) અને સજ્જનસિંહ વિ. રાજસ્થાન સરકાર કેસ (1965)માં ચુકાદો આપતા સંસદને બંધારણમાં સુધારા કરવાની પૂર્ણ શક્તિ પ્રદાન કરી.

• પછીના વર્ષોમાં જ્યારે સત્તારૂઢ સરકારે પોતાના રાજકીય હિતો સાધવા માટે બંધારણ સુધારા ચાલુ રાખ્યા ત્યારે ગોલકનાથ વિ. પંજાબ સરકાર કેસ (1967)માં પોતાના જૂના ચુકાદા બદલતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સંસદ પાસે મૂળભૂત અધિકારોમાં સુધારાઓ કરવાની સત્તા નથી.

• 1970ના દશકની શરૂઆતમાં તત્કાલીન સરકારે આર.સી. કૂપર વિ. ભારત સંઘ (1970), માધવરાવ સિંધિયા વિ. ભારત સંઘ (1970) અને પૂર્વ ઉલ્લેખિત ગોલકનાથ વિ. પંજાબ સરકાર કેસ (1967) માં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓ બદલવાના ઉદ્દેશથી બંધારણમાં કેટલાય મહત્ત્વપૂર્ણ સુધારાઓ (24મો, 25મો, 26મો અને 29મો) કરાયા હતા.


બંધારણના મૂળ ઢાંચાનો સિદ્ધાંત :

• “મૂળ ઢાંચા”ના સિદ્ધાંતની ઉત્પત્તિ વાસ્તવમાં જર્મનીના બંધારણમાં મળી આવે છે, જેને નાઝી શાસન પછી કેટલાક બુનિયાદી કાનૂનોની રક્ષા માટે સુધારવામાં આવ્યું હતું. જર્મનીમાં નાઝી શાસનના પૂર્વના બંધારણમાં સંસદને 2/3 બહુમતી સાથે બંધારણ સુધારાની શક્તિ અપાઈ હતી અને એ જોગવાઈઓનો ઉપયોગ હિટલર દ્વારા કેટલાય મહત્ત્વપૂર્ણ બદલાવો કરવા માટે કરાયો હતો.

• આ અનુભવોમાંથી શીખ મેળવી જર્મનીના નવા બંધારણમાં તેના અમુક વિશિષ્ટ માગોમાં સુધારા કરવા માટે સંસદની શક્તિઓ પર પૂરતી સીમાઓ લાગુ કરાઈ હતી.

• ભારતમાં મૂળ ઢાંચાના સિદ્ધાંતના માધ્યમથી સંસદ દ્વારા પસાર બધા જ કાયદાઓની ન્યાયિક સમીક્ષાનો આધાર પ્રસ્તુત કરાયો છે.

• અલબત્ત, મૂળ ઢાંચો શું છે તે નિરંતર વિચારવિમર્સનો વિષય રહ્યો છે. સુપ્રીમ કોર્ટે મૂળ ઢાંચાને વ્યાખ્યાયિત નથી કર્યો તો પણ બંધારણની અમુક વિશેષતાઓ મૂળ ઢાંચાના રૂપમાં નિર્ધારિત કરી છે, જેમાં સંઘવાદ, પંથનિરપેક્ષતા, લોકતંત્ર, મૌલિક અધિકાર, ન્યાયિક સમીક્ષા વગેરે સામેલ છે. ત્યારથી આ સુચિનો સતત વિસ્તાર કરાઈ રહ્યો છે.


આમુખ વિશે જાણવા જેવું


• આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવામાં આવે છે.

• આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઇ છે.

• આમુખમાં આર્થિક ન્યાય શબ્દ સામાજિક-આર્થિક કાંતિની બાબતને દર્શાવે છે.

• ભારતના બંધારણમાં ન્યાયના આદર્શો આમુખમાં થક્ત કરવામાં આવ્યા છે.

• આમુખ બંધારણના મૂળભૂત હેતુઓને વાચા આપે છે.

• આમુખ સરકારની પદ્ધતિઓની નિર્દેશ કરે છે.

• કોઈપણ કાયદાના ઘડતરમાં કે અર્થઘટનમાં આમુખ દ્વારા માર્ગદર્શન મળે છે.

• આમુખ બંધારણનું હાર્દરૂપ તત્વ છે.

• ભારતીય બંધારણે ભારતના લોકોમાં અધિકૃતતા મેળવેલ છે એટલે કે ભારતના નાગરિકોમાંથી બંધારણને સત્તા પ્રાપ્ત થાય છે.

• ભારત પોતાના માટે ચોક્કસ આર્થિક માળખું અપનાવ્યા વિના સમાજવાદના ઉદ્દેશો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

• આમુખ સંસદની સાર્વભૌમત્વતાને સુનિશ્ચિત કરે છે.

• લોકોની અંતિમસતા તે આમુખથી અભિપ્રેત થાય છે.

• ભારતીય સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરવામાં આવેલ છે.

• સંસદ દ્વારા ભારતના સંવિધાનના આમુખમાં સુધારો અનુચ્છેદ 368ની જોગવાઈ અંતર્ગત થઈ શકે પરંતુ તેની મૂળભૂત બાબતોમાં ફેરફાર શક્ય નથી.

• આમુખમાં પંથનિરપેક્ષનો અર્થ બધાજ ધર્મોને સમાન ગણી તેનું મહત્ત્વ સ્વીકારવું તેવો થાય છે.

• બંધારણની ભાવના, સ્વતંત્ર ચળવળનાં ખ્યાલો તથા લોકોની અપેક્ષાઓનો આમુખમાં સમાવેશ થાય છે.


આમુખ વિશે ટૂંકમાં :

• આમુખનું પ્રારુપ તૈયાર કરનાર : સર બી.એન. રાવ (સર બેનેગલ નરસિંહ રાવ)

• ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર : જવાહરલાલ નેહરુ

• ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો 13 ડિસેમ્બર, 1946

• બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર : 22 જાન્યુઆરી, 1947

• બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત : 22 જાન્યુઆરી, 1950

• આમુખનો સ્રોત : અમેરિકા

• આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલિયા

• આમુખમાં સુધારો : 42મો બંધારણીય સુધારો, 1976


આમુખ વિશે કોણે શું કહ્યું ?

“બંધારણ આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણનો આત્મા કહ્યો”

– એમ.હિદાયતુલ્લા

“આમુખ ભારતની રાજકીય જન્મકુંડળી છે”

– ડૉ.કનૈયાલાલ મુનશી

“આમુખ એ બંધારણનો પરિચયપત્ર અને ઓળખપત્ર છે”

– એન. ને. પાલખીવાલા

“બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું અને જેના સ્વપ્નો જોયા હતા તેને અભિવ્યક્ત કરે છે”

– અલ્લાદી ક્રિષ્નનસ્વામી ઐયર

“આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે અને આમુખ બંધારણનો આત્મા છે”

– ઠાકુરદાસ ભાર્ગવ

Leave a Comment

error: Content is protected !!