Adivasiona mela – Gujaratno Sanskrutik varso

Adivasiona mela – Gujaratno Sanskrutik varso – આદિવાસીઓના મેળા

આદિવાસીઓનાં મેળા

આદિવાસીઓના મેળા

• આદિવાસી એ ઉત્સવપ્રિય પ્રજા છે. તેમનામાં મેળાઓનું ખૂબ મહત્વ છે.

• આદિવાસી વિસ્તારોમાં નાના-મોટા અસંખ્ય મેળા યોજાય છે. આ મેળા આદિવાસીઓના સીધા, સાદા અને પરિશ્રમથી ભરેલા જીવનમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે.

• આ મેળાઓ ઊજવવા પાછળ કેટલાક હેતુ અને રીતિરિવાજો જોડાયેલા છે.

• આદિવાસીઓનાં ઘર, જંગલ અને પહાડી વિસ્તારોમાં છૂટાછવાયાં અને દૂર-દૂર આવેલાં હોય છે. જ્યાં વેપારની સવલત હોતી નથી. આથી આવા મેળા તેમના માટે ખરીદી કરવાનું સ્થળ બને છે, જેને આદિવાસી હાટ-મેળા કહે છે. ઉપરાંત મેળામાં મળતાં કુટુંબીજનો એકબીજાના ખબરઅંતર પૂછે છે અને સારા-નરસાં સમાચારોની આપ-લે કરે છે.

• ખેડબ્રહ્મા તાલુકાના પોશીના વિસ્તારના આદિવાસીઓ પોતાના દિવંગત સગાઓનું શ્રાદ્ધ પણ આવા મેળાઓમાં જ કરે છે.

• આદિવાસી યુવાનો મેળામાંથી જ પોતાની જીવનસાથીની પસંદગી કરે છે. મેળામાંથી કન્યાને તેના પ્રેમી દ્વારા ઉપાડી જવા માટે “લાડી ખેંચવી” જેવી શબ્દપ્રયોગ થાય છે.


ગાય ગૌહરીનો મેળો

દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે બેસતા વર્ષના દિવસે આ મેળો ભરાય છે.

• આ દિવસે ગામની ભાગોળે કે મેદાનમાં ગામના બધા ગાય બળદ એકત્રિત કરવામાં આવે છે.

• ત્યારબાદ ઘંટનાદ, ઢોલ અને ફટાકડાના અવાજ સાથે ગાય બળદને દોડાવવામાં આવે છે. આ દરમિયાન જે કોઈ ભીલે “ગૌહરી” પાડવાની બાધા લીધી હોય, તે આ દોડતાં પશુઓના ટોળાના રસ્તામાં ઊંધો સૂઈ જાય છે અને ગાય-બળદનું ટોળું પસાર થયા બાદ ઊઠે છે.

• ગામનો પ્રતિષ્ઠિત માણસ કે ગામનો મુખી તે યુવાનને પાઘડી બંધાવે છે. આ પ્રથા પરથી મેળાનું નામ “ગાય-ગૌહરી” પડ્યું.


સંતરામપુરનો રવેડીનો મેળો

• મહીસાગર જિલ્લામાં સંતરામપુર ખાતે સુકી નદીના કિનારે ભાદરવી પૂનમથી ત્રિદિવસીય રવેડીનો મેળો યોજાય છે.

• આ રવેડીમેળો દિગંબર જૈન સમાજ અને આદિવાસી સમાજની સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી કરે છે.

• આ મેળાની વિશિષ્ટતા એ છે કે, સંતરામપુર નગરની મધ્યે આવેલ આદિનાથ દિગંબર જૈન મંદિરથી ચાંદીની રવેડી તથા કલાત્મક કોતરણીવાળો લાકડાનો રથ કાઢવામાં આવે છે અને વાજતેગાજતે પ્રતાપપુરા મંદિર ખાતે લાવવામાં આવે છે.

• આ મેળામાં સ્થાનિક જૈન સમાજના લોકો ઢોલ-સંગીતના તાલે દાંડિયા રાસ રમે છે અને ત્યાંથી રથ અને રવેડીને પરત વાળવામાં આવે છે.


ડાંગ દરબારનો મેળો

• ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળીના દિવસોમાં જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે યોજાય છે. આ મેળાનું આયોજન ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે.

• ઈ.સ 1947 સુધી ડાંગ જિલ્લાના વહીવટી ભીલ રાજાઓ અને નાયકો કરતા હતા. તે જ વર્ષમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા.

• ભીલ રાજા અને નાયકોને પટ્ટાઓના હક્ક બદલ અને પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે ડાંગ દરબાર ભરીને સોંપવામાં આવતી. આઝાદી પછી પણ આ પરંપરા જાળવવામાં આવી છે.

• હોળીના એક અઠવાડિયા પહેલાં ડાંગી રાજાઓ, નાયકો અને આદિવાસી સમુદાય પરંપરાગત રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને હોળી પ્રગટાવીને ડાંગ દરબાની શરૂઆત કરાવે છે.

• પરંપરાગત આદિવાસી નૃત્યો આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે. ડાંગ દરબારના અંતિમ દિવસે આદિવાસીઓ હોળીના-અગ્નિને શમાવી હાજર રહેલાં સમુદાય ઉપર રંગીન પાણી છાંટી ધુળેટીનો પ્રારંભ કરે છે.


ઢોલ મેળો

• દાહોદ ભીલ સુધારણા મંડળ દ્વારા દાહોદમાં છેલ્લાં પાંચ-છ વર્ષથી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.

• તેના અંતર્ગત જુદા-જુદા વિસ્તારમાંથી આદિવાસીઓ પરંપરાગત ઢોલ, થાળી, ઘૂઘરા જેવાં વાદ્યો વગાડતાં વગાડતાં દાહોદમાં ભેગા થાય છે.

• આ મેળાનો ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય અને ઢોલની પરંપરાને લુપ્ત થતી બચાવવાનો છે.


રંગપંચમીનો મેળો

પંચમહાલ જિલ્લાના આદિવાસીઓમાં નવા વર્ષે રંગપંચમીનો મેળો ભરાય છે. આ દિવસે આદિવાસી લોકો પોતાની ગાયોની પૂજા અને શણગાર કરીને ગામની ભાગોળે લઈ જાય છે.

• અહીં ગાયોના ધણને દોડાવવામાં આવે છે, ત્યારે યુવાનો માર્ગમાં આડા સૂઈ જાય છે.

• ગાયોનું ધણ આ સૂતેલા યુવાનો ઉપરથી પસાર થઈ જાય છે તેમ છતાં યુવાનોને કોઈ ઈજા થતી નથી.


ગોળ ગધેડાનો મેળો

હોળી પછીના પાંચમા-સાતમા કે બારમા દિવસે દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો યોજાય છે.

• આ પ્રસંગે મેદાનની મધ્યમાં 20-25 ફૂટ ઊંચો લાકડાનો સ્તંભ ઊભો કરવામાં આવે છે, અને તેની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે.

• આ સ્તંભને ફરતે કુંવારી કન્યાઓ હાથમાં વાંસનાં ડંડિકા લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે.

• તે વખતે આદિવાસી જુવાનિયા તે કન્યાઓનાં ટોળાંની વચમાં થઈને થાંભલા પર ચડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે કન્યાઓ ડંડિકાથી જુવાનિયાને મારીને નીચે પાડે છે. પણ કોઈ ચપળ જુવાન થાંભલા પર ચડી જાય છે અને પોટલી છોડીને ગોળ ચારેબાજુ ઊડાડે છે.

• આ પોટલીનો ગોળ લેવા ગધેડાની જેમ માર ખાવો પડે છે, તેથી જ આ મેળો “ગોળ ગધેડા”ના નામે ઓળખાય છે.


તેલાવ માતાનો મેળો

• વડોદરા જિલ્લાના આદિવાસી પ્રદેશમાં ભરાતા ફાગણ સુદ અગિયારસના મેળો તેલાવ માતાના મેળો તરીકે ઓળખાય છે.

• આ તેલાવ માતા એ આદિવાસીઓની દેવી છે.

• મહા અને ફાગણ માસમાં નવું અન્ન ખાવાથી તથા ઋતુ બદલાવાથી આદિવાસીઓમાં આંખ અને કાનનાં દર્દો જોવા મળે છે. આ દર્દો માટે તે હોળી માતાની બાધા રાખે છે તથા દર્દો મટી ગયા બાદ તેલાવ માતાને તેલ ચડાવે છે.


કડિયા ડુંગરનો મેળો

ભરૂચ જિલ્લાના ઝાઝપુર ગામે ભાદરવા સુદ પાંચમના દિવસે કડિયા ડુંગર પર એક પ્રાચીન અને ઐતિહાસિક મેળાનું આયોજન થાય છે.

• દંતકથા મુજબ, પાંડવો વનવાસ દરમિયાન આ સ્થળે રોકાયા હતા અને ભીમ-હિડિંબાનાં લગ્ન પણ અહીં જ થયાં હતાં.

• ઉપરાંત કડિયો ડુંગર તેની પ્રાચીન ક્ષત્રપકાલીન બૌદ્ધ ગુફાઓ અને સિંહ સ્તંભ માટે પણ જાણીતો છે.


ચુલનો મેળો

• પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે ચુલનો મેળો ભરાય છે.

• આ મેળામાં ગામની બહાર એક લંબચોરસ ખાડો કરીને તેમાં બાવળનાં લાકડાં સળગાવી ધગધગતા અંગારા પાડવામાં આવે છે. ત્યારબાદ આદિવાસી સ્ત્રી-પુરુષો હાથમાં નાળિયેર અને પાણીનો લોટો લઈ ઉઘાડા પગે સળગતાં અંગારા પર સાત વખત એક છેડેથી બીજા છેડે જાય છે અને પછી અગ્નિદેવને પગે લાગી નાળિયેર ફોડે છે.

• આ પ્રસંગે આદિવાસીઓ પોતાનાં બાળકો અને ઢોરઢાંખરના રક્ષણ માટે અગ્નિદેવની બાધા રાખે છે.


આદાપીરનો મેળો

• પોરબંદરના માંગરોળ તાલુકામાં રામપરા ગામે માગશર વદ પાંચમથી સાતમ સુધી ત્રિદિવસીય આદાપીરનો મેળો ભરાય છે.

• અહીં આદાપીરની દરગાહ અને હનુમાનજીનું મંદિર પાસ-પાસે આવેલાં છે અને બંનેની પૂજા પણ સાથે જ થાય છે.

• આ મેળો મુસ્લિમ ધર્મને લગતો હોવા છતાં તેમાં મોટા પ્રમાણમાં ભીલ, વસાવા, ગામિત અને ચૌધરી જેવા આદિવાસીઓ ભાગ લે છે.


કેસરવાનો મેળો

• ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કેસરવા ગામે મહાશિવરાત્રીના દિવસે દેવી-દેવતાઓનાં લગ્નોત્સવનો એક અનોખો મેળો ભરાય છે. આદિવાસીઓ દ્વારા ઉત્સાહપૂર્વક આ લગ્નવિધિ કરવામાં આવે છે.

• એક માન્યતા મુજબ જ્યાં સુધી દેવ-દેવી પરણે નહીં ત્યાં સુધી આદિવાસીઓમાં લગ્નો થઈ શક્તાં નથી, એટલે આ લગ્નવિધિ બાદ જ આદિવાસી સમાજમાં સત્તાવાર લગ્નો શરૂ થાય છે.


ભાદરવા દેવનો મેળો

• નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ભાદરવાના ડુંગર ઉપર ભાદરદેવનું સ્થાન આવેલું છે.

ભાદરવા મહિનામાં સર્પદંશને નિવારનાર દેવ એટલે ભાદરવા દેવ.

• આ મેળો કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે, તેમાં નૃત્ય, સંગીત, રંગબેરંગી પોશાકને બદલે આદિવાસીઓની શ્રદ્ધાનાં દર્શન થાય છે.


ચિત્રવિચિત્ર મેળો

હોળી પછીના 14મા દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પાસેના ગુણભાખરી ગામે સાબરમતી, આકળ અને વાકળ નદીઓના સંગમસ્થાને ચિત્રવિચિત્ર મેળો યોજાય છે.

• મહાભારતકાળમાં હસ્તિનાપુરના રાજા શાંતુના બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યએ આ સ્થળે પ્રાયશ્ચિત કર્યું હતું, જેની સ્મૃતિમાં દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે.

• જે આ સ્થળે શ્રદ્ધાળુ આદિવાસીઓ પોતાનાં દિવંગત સ્વજનોના અસ્થિઓનું વિસર્જન કરવા આવે છે તથા પોતાના પરિવારને રોગપીડામાંથી મુક્ત કરવાની માનતા માને છે.


આમલી અગિયારસનો મેળો

• મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આમલી અગિયારસનું ખાસ મહત્ત્વ જોવા મળે છે.

• આદિવાસીઓ ફાગણ સુદ અગિયારસને આમલી અગિયારસ તરીકે ઓળખે છે.

• આ દિવસે મધ્ય ગુજરાતમાં વિવિધ જગ્યાએ મેળો ભરાય છે.


મઠકોટલનો મેળો

• મહીસાગર જિલ્લામાં સંતરામ તાલુકાના કડાણા મુકામે મહા સુદ ચૌદસથી મહાવદ પડવા સુધી “મઠકોટલ”નો મેળો ભરાય છે.

• અહીં આવેલા નેમીનાથ મહાદેવના મંદિર પાસે આ મેળો ભરાય છે, જેમાં આદિવાસી સમુદાય સાથે અન્ય જાતિના લોકો પણ ભાગ લે છે.


શામળાજીનો મેળો

• અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજીના મંદિર ખાતે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી મેળો યોજાય છે.

• સમગ્ર આદિવાસી સમાજ ઉત્સાહ-ઉમંગ સાથે આ મેળામાં જોડાય છે. આદિવાસીઓ પરંપરાગત રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈને મેળાને માણવા નીકળી પડે છે.

• મેળામાં અનેક ચીજવસ્તુઓની હાટડીઓ લાગેલી હોય છે તથા આ મેળામાં મંત્રતંત્રનું વિશેષ મહત્ત્વ છે.

• આ મેળામાં ગવાતું ગીત “રણઝણિયુ વાગે, પેજણિયું વાગે” ખૂબ જાણીતું છે.

• અહીં મેશ્વો અને પીંગળા નદીના સંગમસ્થાને આવેલ શામળાજીના મંદિરમાં ચતુર્ભુજ વિષ્ણુની કાળા સંગેમરમરમાંથી બનાવેલી મૂર્તિ સ્થાપિત છે.

• શ્રીકૃષ્ણએ ચક્રના સ્થાને ગદા ધારણ કરેલી હોવાથી લોકોમાં “ગદાધારી વિષ્ણુ” તરીકે પણ પ્રખ્યાત છે.


દીતિયા બાપાનો મેળો

• વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાં વિરવલ ગામમાં શ્રી દીતિયા બાપા થઈ ગયા.

• શ્રી દીતિયાબાપાએ આ ક્ષેત્રની આદિવાસી પ્રજાને સારા સંસ્કારો મળે, તેમનામાં ધર્મભાવના કેળવાય, લોકોનું કલ્યાણ થાય તેવી ભાવનાથી અનેક રામમંદિરો બંધાવ્યાં હતાં.

• તેમની સ્મૃતિમાં દર વર્ષે દેવદિવાળીના દિવસે તેમની જન્મજયંતીને ધામધૂમથી ઊજવવામાં આવે છે.


પાંડુરી માતાનો મેળો (દેવમોગરાનો મેળો)

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે પાંડુરી માતા (પાંડવોની માતા કુંતી)નું સ્થાનક આવેલું છે.

• અહીં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે આદિવાસીઓનો મેળો ભરાય છે.

• આ વિસ્તારના આદિવાસીઓ પાંડુરી માતાને પોતાની કુળદેવી માને છે. તેને “યાહામોગીમાતા” અથવા “મોગરીમાતા” તરીકે પણ ઓળખે છે.

• આખા ભારતમાં પાંડુરી માતાનાં બે જ મંદિરો છે. એક મહેસાણા જિલ્લાના આસજોલમાં અને બીજું નર્મદા જિલ્લાના દેવમોગરામાં.


ઉનાઈ માતાજીનો મેળો

• નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં આવેલ ઉનાઈ ખાતે ચૈત્ર સુદ અગિયારસથી પાંચમ સુધીનો મેળો ભરાય છે. અહીં ગરમ પાણીનાં કુંડ તથા ઉનાઈ માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે.

• આદિવાસીઓમાં માન્યતા છે કે, અહીંના ગરમ પાણીમાં સ્નાન કરવાથી ચામડીનાં દર્દો, કોઢ વગેરે દૂર થાય છે.

• આ ઉપરાંત ઉનાઈમાતા જાગતા દેવી છે અને ભક્તોની માનતા પૂરી કરે છે.


ઘોડનો મેળો

• તાપી જિલ્લાના વ્યારામાં દર વર્ષે પોષ સુદ પૂનમે 15 દિવસનો ખતાલશા પીરનો મેળો ભરાય છે. આ મેળો “ઘોડજાત્રા” તરીકે જાણીતો છે.

• રાજા-રજવાડાંના સમયમાં આ વિસ્તારમાં લશ્કરી છાવણીઓનો પડાવ રહેતો, ત્યારે આ પડાવ દરમિયાન ઘોડાઓને આકસ્મિક રોગ લાગતા મૃત્યુ પામતા હતા. તેથી આ ઘોડાઓને બચાવવા બાધા-માનતાની શરૂઆત થઈ.

• આ મેળાની શરૂઆત ખંડેરાવ ગાયકવાડના સમયમાં થઈ હતી. તેમના ઘોડા આ પીરની માનતાથી બચ્યા હતા, આથી તેમણે મેળાની શરૂઆત કરાવી.


ક્વાંટનો મેળો

• છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે રાઠવા સમુદાયના લોકોમાં ક્વાંટનો મેળો ભરાય છે.

હોળી પછીના પાંચમા દિવસે યોજાતા આ મેળાને “ઘેરનો મેળો” તરીકે પણ ઓળખવામાં આવે છે.

• ઘેર એટલે દરેક ગામમાંથી આદિવાસી સ્ત્રી-પુરુષો અલગ-અલગ જૂથ બનાવીને મેળામાં આવે છે. દરેક જૂથનાં સ્ત્રી-પુરુષોએ એક સમાન રંગનાં જ કપડાં પહેર્યાં હોય છે અને તે દરેક જૂથમાંથી એક પુરુષ “ઘેરિયો” બને છે.


કુકરમંડાનો મેળો

• તાપીના કુકરમુંડા તાલુકાના પાટી ગામે હનુમાન જયંતીના દિવસે પાટીમાતાના મેળાનું આયોજન કરવામાં આવે છે.

• આ મેળાનું મુખ્ય આકર્ષણ અહીં થતાં બળદોનો વેપાર છે. ઉપરાંત ખેતીવાડીને લગતાં સાધનોનું ખરીદ-વેચાણ થાય છે.

• આ મેળામાં ભાગ લેવા ગુજરાતભરના આદિવાસીઓ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ લોકો આવે છે.


ભાંગુરિયાનો મેળો

• છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આ મેળો યોજાય છે.

• રાઠવા જનજાતિ દ્વારા હોળી પૂર્વે આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

• તેમાં રાઠવા જાતિનાં સ્ત્રી-પુરુષો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગામના મધ્ય ભાગમાં એકઠાં થઈને સંગીતનાં સાધનોની તાલે નાચતાં-કૂદતાં ગીતો ગાય છે.


સિદીઓનો નગારશાપીરનો ઉર્સ

• સિદી જનજાતિ મૂળ આફ્રિકાથી આવીને ગુજરાતમાં વસી છે, તેથી ત્યાની ધાર્મિક અને સામાજિક જીવનશૈલીને પણ સાથે લાવેલા છે.

• તેઓ મુસ્લિમ ધર્મ પાળતા હોવા છતાં હિંદુ રીતિરિવાજોને પણ અનુસરે છે. ગુજરાતના સિદી સમાજમાં “નગારચીબાવા” નામે સૂફીસંત થઈ ગયા.

• જૂનાગઢ જિલ્લાના તલાલા તાલુકાના જાંબુર ગામમાં નગારચી બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ સિદી સમાજમાં ઐતિહાસિક ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. આ દરગાહ પર રમઝાન મહિનામાં સોળમી રજબના દિવસે ઉર્સ ભરાય છે. તે દિવસે સિદીઓ અહીં આવીને બાધા રાખે છે તથા આ ઉર્સનો લાહવો લે છે.


ચાડિયા મેળો

• પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં “ચાડિયા મેળો” યોજાય છે,

હોળી પછી તરત જ યોજાતાં આ મેળામાં આદિવાસીઓ લાકડાનો ચાડિયો બનાવી, નાળિયેરનું માથું અને કોડિયાની આંખો બનાવી તેના માથે કપડું બાંધે છે અને તેને નવાં કપડાં પહેરાવી ઊંચા ઝાડની ટોચે બાંધે છે.

• આ પ્રસંગે ઝાડ નીચે સ્ત્રીઓ નૃત્ય કરે છે તથા ઝાડ પરથી ચાડિયો ઉતારવા માટે જુવાનિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે.

• જો કોઈ જુવાનિયો, નૃત્ય કરતી આદિવાસી સ્ત્રીઓનો માર ખાઈને પણ ચાડિયો છોડાવી લાવે તો ચાડિયાનાં કપડા એને આપી દેવામાં આવે છે.


માનગઢનો મેળો

• મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ ડુંગર ખાતે ભાદરવા મહિનામાં એક મેળો ભરાય છે. જેમાં આદિવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

• આ માનગઢ ડુંગર આદિવાસી પ્રજાજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. અહીં ગુરુ ગોવિંદસિંહ તથા વાલ્મીકિ ઋષિની પ્રતિમાઓ સ્થાપિત કરેલ છે.

• એક માન્યતા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી ગુરુ ગોવિંદસિંહ પછાત ગણાતા આદિવાસી ભીલોને નૈતિક બળ પૂરું પાડવાની સાથે, દુર્વ્યસનોમાંથી છોડાવી ધાર્મિકવૃત્તિ તરફ વાળવાના કાર્યમાં જોડાયા.

ગુરુ ગોવિંદસિંહ માનગઢ ડુંગરને “દુણિયા” ધર્મના પ્રચારનું કેન્દ્ર બનાવ્યું હતું.

• ગુરુ ગોવિંદસિંહની વાણી અને ઉપદેશોથી પ્રેરાઈને મોટા પ્રમાણમાં આદિવાસી ભીલો તેમની સાથે જોડાયા.

• ધર્મપ્રચારકમાંથી રાજકીય નેતા તરીકે ઊભરી આવેલા ગુરુ ગોવિંદસિંહના નેતૃત્વમાં ઈ.સ. 1933માં અહીં ભીલ રાજની સ્થાપનાના સંદર્ભમાં ભીલોનો બ્રિટિશ પોલીસ સાથે સશસ્ત્ર સંઘર્ષ થયો હતો. આ સશસ્ત્ર સંઘર્ષમાં ઘણા નિર્દોષ આદિવાસીઓ મૃત્યુ પામ્યા. આથી માનગઢને “ગુજરાતનો જલીયાવાલા બાગ” પણ કહે છે.

• ગુરુ ગોવિંદસિંહની ધરપકડ કરી સાબરમતી જેલમાં કેદ કરવામાં આવ્યા.

• ગુજરાત સરકારે ઐતિહાસિક અને ધાર્મિક્સ્થળ એવા માનગઢ ખાતે સાંસ્કૃતિક વન “ગુરુ ગોવિંદસિંહ સ્મૃતિવન”નું નિર્માણ કરાવ્યું છે.


પાલ દઢવાવનો મેળો

• સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલું પાલ દઢવાવ આદિવાસીઓની સામાજિક-રાજકીય ચેતનાનું પ્રતીક છે.

• આઝાદીની લડાઈ વખતે આ ક્ષેત્ર મહીકાંઠા એજન્સી તરીકે ઓળખાતો હતો. અહીં દઢવાવ ખાતે ગાંધીવાદી નેતા મોતીલાલ તેજાવતે અંગ્રેજોએ લાદેલા લગાનનાં વિરોધમાં એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ વિરોધ ક્રાંતિનું મોટું સ્વરૂપ ધારણ કરે તેવા આશયથી અંગ્રેજો અમલદારો દ્વારા સભામાં હાજર નિર્દોષ આદિવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો.

• આ ઘટના ઈતિહાસમાં “પાલ દઢવાવ હત્યાકાંડ” તરીકે ઓળખાય છે. આજે પણ આ ઘટનામાં શહીદ થયેલા લોકોની યાદમાં આદિવાસી સ્ત્રીઓ દ્વારા ગીતો ગવાય છે અને તેમને શ્રદ્ધાંજલિ અપાય છે.

• ગુજરાત સરકારે આ આદિવાસીઓની શહાદતને બિરદાવવા માટે અહીં સાંસ્કૃતિક વન “વીરાંજલિ વન”નું નિર્માણ કરાવ્યું છે.


આદિવાસી સપ્તાહ

જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય હતું, ત્યારે નવસારી પ્રાંતમાં સોનગઢ-મહાલ વિસ્તારમાં ચાર ગામડાનાં ઝૂમખામાં કોઈ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સપ્તાહિક બજાર ભરાતું હતું અને તે બજારના દિવસને તે ગામનાં નામ પ્રમાણે નામો આપ્યાં હતાં, જેથી નીચે મુજબનાં નામો અસ્તિત્વમાં આવ્યાં.

  • બંધારપડિયો, વોડિઓ, રાપચોરિયો : સોમવાર
  • અરોહાર, બાણો, બોરડી : મંગળવાર
  • ઉમાડિયો, માંડવિયો : બુધવાર
  • દેવ ગાડિયો, ઈશરવાડિયો : ગુરુવાર
  • વલોડિયો, રાયપુરિયો, વાલપરિયો : શુક્રવાર
  • વ્યારિયો, થાવરવાર : શનિવાર
  • ઈતવાર કે દીતવાર : રવિવાર

આદિવાસી મહિનાઓ

ડોણ‌ નીતરા : જાન્યુઆરી – ફેબ્રુઆરી
ઉનાઈઓ : ફેબ્રુઆરી – માર્ચ
ખાડી : માર્ચ – એપ્રિલ
દાણી ખાડી : એપ્રિલ – મે
ઈન્દલ દેવિયો : મે – જૂન
ઉમાડિયા જાત્રા : જૂન – જુલાઈ
બોન્ડીપાડા જાત્રા : જુલાઈ – ઓગસ્ટ
હિરા જાત્રા : ઓગસ્ટ – સપ્ટેમ્બર
મારી માવા જાત્રા : સપ્ટેમ્બર – ઓક્ટોબર
કિલ્લા જાત્રા : ઓક્ટોબર – નવેમ્બર
દેવલિયો : નવેમ્બર – ડિસેમ્બર
ઘોડ જાત્રા : ડિસેમ્બર – જાન્યુઆરી


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!