Adivasiona Nrutyo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓના નૃત્યો
આદિવાસીઓના નૃત્યો

ધમાલ નૃત્ય
• મૂળ આફ્રિકાની સીદી જનજાતિ, જે વર્તમાનમાં સૌરાષ્ટ્રના જાફરાબાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢના જંબુરમાં વસેલી છે, તેમની આદિસંસ્કૃતિનું વિશેષ તત્ત્વ એટલે “ધમાલ નૃત્ય”.
• તેને “મશીરા નૃત્ય” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નૃત્ય કરતી વખતે સીદીઓ નાળિયેરની કાચલીમાં કોડિયું નાખીને બનાવેલા મશીરા વગાડીને ગોળ ગોળ ફરતા જાય છે અને હાથમાં મોરપીંછનું ઝુંડ હલાવતા-હલાવતાં “હાઉ-હાઉ, હો-હો એવા અવાજ અને ચિચિયારીઓ કરે છે.
• સીદીઓ દર મહિનાની અગિયારસ, ગુરુવારના દિવસે કે પીરના તહેવારે ધમાલ નૃત્ય કરે છે.
• નાની ઢોલકીને “ધમાલ” અને સ્ત્રીઓનાં વાજિંત્રોને “માયમીસરા” અથવા “સેલાની” નામે ઓળખવામાં આવે છે.
• સીદીઓનું ધમાલ નૃત્ય પદ્ધતિસરનું અને તાલીમબદ્ધ હોય છે.
મુરિયા નૃત્ય
• આદિવાસી સમાજમાં લગ્નપ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે.
• વર-કન્યાને પીઠી ચોળ્યા પછી પાટલા પર બેસાડીને ઘરની બહાર ચોરાના ભાગમાં લાવવામાં આવે છે. ત્યાં બધાં સ્ત્રી-પુરુષો વર અને કન્યાની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને વર-કન્યાને નચાવે છે. તેઓ એકબીજાના ખભા પર હાથ રાખીને ગોળ ફરતા જાય છે અને ગીતો ગાતાં જાય છે. આમ, મુરિયા નૃત્ય સુંદર દૃશ્ય ઉભુ કરે છે.
ઠાકર્યા નૃત્ય
• તે ડાંગનાં પ્રસિદ્ધ નૃત્યોમાંનું એક છે. આ નૃત્ય ફક્ત પુરુષો દ્વારા કરાય છે.
• ઠાકર્યા નૃત્યમાં ડાંગના ડુંગરો અને ગાઢ જંગલોમાં વસતાં આદિવાસી સમાજની સહજ અભિવ્યક્તિ જોવા મળે છે.
• આ નૃત્ય અષાઢ મહિનાની અમાસના દિવસે ડાંગમાં ઊજવાતા “તેરા” ઉત્સવ દરમિયાન શરૂ થાય છે અને છેક દિવાળીએ પૂર્ણ થાય છે. આ નૃત્યને વરસાદની વધામણીનું નૃત્ય કહેવાય છે.
ડાંગી નૃત્ય (ચાળો નૃત્ય)
• ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગીનૃત્ય “ચાળો” તરીકે ઓળખાય છે.
• ડાંગી નૃત્યમાં 27 જાતના તાલ છે. ઉદા. “માળીનો ચાળો”, “ઠાકર્યા ચાળો”, “ચકલીનો ચાળો” વગેરે,
• તેમાં આદિવાસીઓ મોર, કાચબો, ચકલી કે મરઘી જેવાં પશુ-પંખીઓનાં મોહરા બનાવીને પહેરે છે. ત્યારબાદ આ પ્રાણી-પંખીઓના સ્વભાવની નકલ (ચાળો) કરીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્ય થાળી, મંજીરા, કે ઢોલક જેવાં વાજિંત્રોના તાલે કરાય છે.
ટીમલી નૃત્ય
• છોટા ઉદેપુરના આદિવાસીઓ લગ્નપ્રસંગે તેમ જ હોળીના તહેવારોમાં ઢોલ, શરણાઈ તેમ જ માદળ વગાડીને ટીમલી નૃત્યનો આનંદ લે છે.
• આદિવાસી મેળાઓમાં પુરુષો માથે લાલ પાઘડી બાંધી, હથિયારો લઈને ટીમલી નૃત્ય કરે છે.
• લગ્નપ્રસંગે થતાં આ નૃત્યમાં સ્ત્રી-પુરુષો મનગમતા જૂથમાં જોડાઈને ઢોલીને ફરતે નાચે છે. નૃત્ય દરમિયાન તેઓ એકબીજાની કેડે હાથ દઈને ગોળ-ગોળ ફરતાં જાય છે.
• આ નૃત્યમાં કોઈ ગીત ગવાતાં નથી.
ભીલ નૃત્ય (યુદ્ધ નૃત્ય)
• તે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલોનું નૃત્ય છે.
• આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે. તેઓ હાથમાં તલવાર રાખીને ઉન્માદમાં આવીને ચિચિયારીઓ પાડીને કૂદકા મારે છે. તેમાં યુદ્ધનું કારણ પ્રેમપ્રસંગ હોય છે.
• નૃત્ય દરમિયાન તલવાર ઉપરાંત ભાલા, તીર-કામઠાં પણ સાથે રાખવામાં આવે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે.
• ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં ઢોલ, મંજીરા, શરણાઈ જેવાં વાદ્યોનો ઉપયોગ થાય છે.
માદળ નૃત્ય
• “માદળ” એક વાજિંત્રનું નામ છે, જે “સેવન” કે “ચંદન”ના વૃક્ષમાંથી બનાવાય છે.
• ડાંગમાં આ નૃત્ય “માદળ” કે “માદળ્યા” તરીકે ઓળખાય છે.
• “માદળ” એ આદિવાસીઓના જીવનની ખૂબી અને ખામીઓને કલાત્મક રીતે રજૂ કરતી સંસ્કૃતિની એક અણમોલ ભેટ છે. એમાં સંગીત-નૃત્ય અને નાટકનો ત્રિવેણીસંગમ જોવા મળે છે.
• જૂના સમયમાં માદળ નૃત્ય દ્વારા લગ્ન કરાવવાની અનોખી રીત ડાંગનાં અનેક ગામડાંઓમાં પ્રચલિત હતી.
• આધુનિક મનોરંજનનાં સાધનો વચ્ચે પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખતું આ લોકનૃત્ય કે લોકનાટય એ ડાંગનું ગૌરવ છે.
• માદળ નૃત્યના તાલે ભજવાતાં લઘુનાટકોને “સોહોંગ” કહે છે.
હાલી નૃત્ય
• સુરત અને તાપી જિલ્લાના દૂબળા હળપતી જાતિના લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
• તેમાં સ્ત્રી-પુરુષો દ્વારા જોડી બનાવીને ગોળાકારમાં ગોઠવાઈને કમર પર હાથ રાખીને નૃત્ય કરવામાં આવે છે.
• આ નૃત્યમાં ગીત ગવડાવનારને “કવિયો” કહે છે.
• આ નૃત્યમાં ઢોલ અને થાળી વાદ્ય તરીકે વપરાય છે.
ઘેર (ઘેરૈયા) નૃત્ય
• તે દક્ષિણ ગુજરાતમાં વસતા દૂબળા આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે.
• “ઘેર” એટલે માતાજીની મૂર્તિ ફરતે ઘેરો કરાતું નૃત્ય. આ સમયે માતાજીના ગરબા કે પારણું ગવાય છે.
• ઘેર નૃત્યમાં પુરુષો સ્ત્રીઓનો પહેરવેશ ધારણ કરે છે અને કેડ પર પિત્તળની ઘૂઘરીઓ બાંધેલો ચામડાનો પટ્ટો પહેરે છે.
તારવા-પાવરી નૃત્ય
• ડાંગનું પ્રસિદ્ધ “પિરામિડ નૃત્ય” એટલે “તારવા-પાવરી નૃત્ય”.
• આ નૃત્ય શરણાઈ “કાહવ્યા” પર પણ થાય છે.
• આ નૃત્યમાં આદિવાસી સ્ત્રી-પુરુષો માત્ર તારપા-પાવરીના સૂરે અને ઢોલકના તાલે મનમૂકીને નાચે છે. તેમાં પાવરી કે શરણાઈના સૂર બદલાય તેમ ચાળા બદલાય છે. મોટા ભાગના ચાળા પશુ પ્રાણીઓના સ્વભાવ સાથે સંકળાયેલા હોય છે.
• લગ્નપ્રસંગે થતું આ નૃત્ય થોડું અલગ હોય છે. તેમાં વર કે કન્યાને ખભે બેસાડીને નચાવવામાં આવે છે.
આદિવાસીઓના અન્ય નૃત્યો
માંડવા નૃત્ય :
• વડોદરા અને નર્મદા જિલ્લાના તડવી આદિવાસીઓનું નૃત્ય.
ડેરા નૃત્ય :
• ડાંગની વારલી બહેનોનું નૃત્ય.
• વાઘ બારસના દિવસે વાઘ દેવીની પૂજા વખતે કરવામાં આવે છે.
ભાયા નૃત્ય :
• ડાંગ જિલ્લામાં કરવામાં આવતું નૃત્ય.
• માગશર માસ દરમિયાન ડુંગરદેવની પૂજા પ્રસંગે કરવામાં આવે છે.
રમલી નૃત્ય :
• ડાંગ અને વલસાડ જિલ્લાનું નૃત્ય.
• લગ્ન પ્રસંગે કરવામાં આવતું ખૂબ મજાક-મસ્તી ધરાવતું નૃત્ય.
• વાદ્યો : માદળ અને મંજીરા
આગવા નૃત્ય :
• ભરૂચ જિલ્લાના નર્મદાકાંઠ વસતા આદિવાસીઓનું નૃત્ય.
• તેમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘૂઘરા બાંધી લાકડીઓ નો એક છેડો હાથમાં રાખી નૃત્ય કરે છે.
• તેમાં મંજીરા અને પુંગી વાદ્ય તરીકે વપરાય છે.
કાકડા નૃત્ય :
• બળીયાદેવ ને રીઝવવા માટે આ નૃત્ય કરવામાં આવે છે.
• બાળકને ઓરી કે અછબડા નીકળ્યા હોય ત્યારે માતા-પિતા બળીયાદેવ કે શીતળા માતાની બાધા રાખે છે.
હરખી નૃત્ય :
• ચૌધરી સમાજના લોકો ગામની સુખાકારી માટેની માનતા માનવા કે માનતા પૂરી કરવા માટે વર્ષમાં એક વખત હર્ષ અને ઉલ્લાસ સાથે દેવી-દેવતાઓના સ્થાનકે જાય છે તેને “હરખી કહેવામાં” આવે છે.
આંબલી ગોધો :
• મોટાભાગે આદિવાસી પુરુષો દ્વારા લગ્નપ્રસંગે કરવામાં આવતું નૃત્ય.
તૂર નૃત્ય :
• દક્ષિણ ગુજરાતના હળપતિઓનું નૃત્ય.
• હોળી કે લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે.
• ઊંટના ચામડાથી મઢીને માટીનું તૂર વાદ્ય બનાવવામાં આવે છે જેનો આકાર નળાકાર હોય છે.
શિકાર નૃત્ય :
• ધરમપુરના આદિવાસીઓનું નૃત્ય.
• આદિવાસી પુરુષો તીર-કામઠા-ભાલા સાથે પ્રાણીઓનો શિકાર કરતા હોય તે રીતે આ નૃત્ય કરે છે.
ઈન્દ નૃત્ય :
• ઈન્દ એટલે ઈન્દ્ર.
• તે આદિવાસીઓના મોટા દેવ છે.
• ઈન્દમાં નાચવા માટે મોટો ઢોલ લઈને ગામે ગામથી લોકો ઉમટે છે.
• ઈન્દ નૃત્યમાં મુખ્ય વાદ્ય ઢોલ, થાળી અને પીસવી હોય છે.
• મોટાભાગે ભીલો અને રાઠવા લોકોમાં આ નૃત્ય થાય છે.
છેલિયા / છેલૈયા નૃત્ય :
• અંકલેશ્વર, ઝઘડિયા, રાજપીપળા વિસ્તારના આદિવાસીઓ નું નૃત્ય.
• લગ્ન પ્રસંગે કરવામાં આવતું નૃત્ય છે.
આલેણી-હાલેણી નૃત્ય :
• વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની તડવી જાતિની આદિવાસી કન્યાઓ નૃત્ય.
• વસંતઋતુના આગમનને વધાવવા માટે આ નૃત્ય કરવામાં આવે છે.
• આ નૃત્ય સમૂહમાં કરવામાં આવે છે.
તલવાર નૃત્ય :
• તેમાં આદિવાસી પુરુષો માથે ફેટા અને બુકાની પહેરીને તલવાર હાથમાં લઈને નૃત્ય કરે છે.
ડિંડુલ નૃત્ય :
• તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનું નૃત્ય
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.
– Education Vala