Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો


આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો

આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો

• તહેવારો અને ઉત્સવો એ આદિવાસી સમાજની સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે.

• આદિવાસી ઉત્સવો તેમના સામુદાયિક જીવનને ધબકતું રાખે છે, તેમના જીવનને આનંદ-ઉલ્લાસથી સભર બનાવે છે.

• દરેક ધાર્મિક ઉત્સવમાં નૃત્યો, ગીતો અને વાર્તાઓનો સમાવેશ થાય છે, જેમાં આદિવાસીઓની જીવનસંસ્કૃતિ અભિવ્યક્ત થતી જોવા મળે છે. આ તહેવારો અને ઉત્સવો તેમનાં દેવી-દેવતાઓની આરાધના કરવા અને કૃપા મેળવવા સાથે સંબંધ ધરાવે છે.

• આદિવાસી ઉત્સવોમાં ધાર્મિક વિધિવિધાનોની પ્રધાનતા હોવા છતાં તે ધાર્મિક અને બિનસાંપ્રદાયિક પાસાનું મિશ્ર સ્વરૂપ છે.


હોળી

• હોળી એ સમગ્ર આદિવાસી સમાજનો મહત્ત્વનો તહેવાર છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ આ તહેવાર તેમની આગવી શૈલીમાં ઊજવે છે. હોળીની તૈયારીઓ પંદર દિવસથી લઈને એક મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. સમગ્ર સમુદાયમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે છે. ઘણી જગ્યાએ હોળીના આગલા દિવસે મોટા હાટમેળા ભરાય છે.

• આદિવાસીઓમાં નવાં કપડાં ખરીદવાનો અને પહેરવાનો રિવાજ દિવાળીમાં નહિ, પરંતુ હોળીના તહેવારમાં છે.

• હોળીના દિવસે ગામના લોકો એકઠા થઈને હોળીની તૈયારી કરે છે. લાકડાં, છાણાં, વાંસ, કેસૂડાનાં ફૂલ વગેરેથી હોળી શણગારવામાં આવે છે. નાનાં બાળકો લાકડાનો ઘોડો બનાવીને નાચતાં-કૂદતાં હોળીના ગીત ગાય છે.

• ગામનો મુખી હોળી પ્રગટાવે છે. હોળી પ્રગટાવવાને “હોળી જગવવી” તરીકે પણ ઓળખવામાં આવે છે.

• હોળી પ્રગટ્યા પછી “તલવાર નૃત્ય” થાય છે. અને હોળીની ફરતે બધા નાચે છે. હોલિકામાતાને પોતાના અને કુટુંબના દરેક સભ્યના સ્વાસ્થ્ય માટેની કામના કરે છે. ત્યારબાદ યુવાનો “રામઢોલ” લઈને ગામને ગોંદરે આવે છે. અહીં યુવક- યુવતીઓ “તીર નૃત્ય” કરે છે. આદિવાસીઓ આખી રાત ઢોલ, થાળી વગેરે વાજિંત્રોના સંગે નૃત્યો કરે છે. પુરુષો હોળીની રાખ ચોળીને ઘેરૈયા બને છે અને નૃત્યો કરે છે. બાલિકાઓ અને યુવતીઓ મોડી રાત સુધી હોળીનાં ગીતો ગાય છે. કેટલાંક હોળીગીતો “લોલ” તરીકે ઓળખાય છે.

• હોળીગીતોમાં હોળીના તહેવાર સાથે પ્રકૃતિનું વર્ણન કરાય છે. આદિવાસીઓ તેમના દેવીને પ્રસન્ન કરવા હોળીગીતો ગાય છે.

• આમ, આદિવાસી આબાલવૃદ્ધ સૌ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં આનંદ-ઉલ્લાસપૂર્વક હોળીનો ઉત્સવ ઊજવે છે.

જાણવા જેવું

• ડાંગમાં હોળીનો તહેવાર “શિમગા” તરીકે ઓળખાય છે. ડાંગી લોકો હોળી પ્રગટાવવાને “હોળીબાઈનું લગ્ન” કહે છે.

• ગામિત આદિવાસીઓમાં હોળીમાં સામેલ થતાં હોળૈયા રાત્રે હોળી ગીત (છેલિયા કે ઓલિયા ગીત) ગાય છે.

• ગામિત આદિવાસીઓમાં આંબાના મોરવા હોળી માતાને ધરાવાય છે.

• હોળી પ્રગટાવતા પૂર્વ નાનાં બાળકો ફાગગીતા ગાઈને પૈસા ધરાવે છે, જેને ભીલોમાં “ડૂડલી” કહે છે.

• આદિવાસીઓ ધુળેટીને “પાણા” પર્વ તરીકે ઊજવે છે. કેસૂડાનાં ફૂલોમાંથી તૈયાર કરેલ પાણી એકબીજા પર છાંટે છે.

• ભીલોમાં હોળી પછી “ગોસાણા” કે “ગેરૂયા” તરીકે જાણીતો સમુહનાચ થાય છે, જેમાં પુરુષો પશુપંખીનાં ચિત્રવિચિત્ર મહોરા પહેરીને જે તે પ્રાણીના સ્વભાવને રજૂ કરે છે.


વાઘદેવ

• ગુજરાતમાં વસાવાઓ, વળવી, પડવી, નાઈક વગેરે ભીલો વાઘદેવનો તહેવાર ઊજવે છે.

• આદિવાસીઓ નક્કી કરેલા દિવસે કામકાજ બંધ રાખી ગામની સીમમાં અથવા ડુંગર ઉપર એકત્રિત થાય છે.

• અહીં પૂજા કરીને વાઘ માટે બકરાની બલિ ચઢાવે છે. નાગ માટેનું દૂધ સાગનાં પાંદડામાં મૂકવામાં આવે છે.

• પોતાને તથા પોતાનાં પાલતું પ્રાણીઓને વાઘ-નાગ જેવાં જાનવરો નુકસાન ન પહોંચાડે તેવા હેતુથી આ તહેવાર ઊજવાય છે.


બિહોવો

• આદિવાસીઓ ખેતીનું કામ પૂરું થતાં જ એના આનંદમાં “બિહોવો” ઉત્સવ ઊજવે છે.

• તેમાં લોકો ચાંગી ઢોલ અને ડોવડો (મોટા પાવા) સાથે નાચગાન કરે છે. મોડી રાત સુધી નૃત્ય, ગીતો અને ખાન પાનની મહેફિલ જામે છે.


પચવી

• ડાંગ, વાસંદા, ધરમપુર વિસ્તારના આદિવાસીઓ શ્રાવણ મહિનામાં આ તહેવાર ઊજવે છે. તે નાગપૂજાનો તહેવાર છે.

• ભગત ઘરની ભીંત ઉપર લીંપણ કરીને સાદડ વૃક્ષની રાખ પાણીમાં પલાળી તેનાથી ચિત્રો દોરે છે.

• તેમાં નાગદેવ, વાઘદેવ, વીંછી, હળ હાંકતો ખેડૂત વગેરે ચિત્રો દોરવામાં આવે છે.


હારાદા

પિતૃઓના શ્રાદ્ધને “હારાદા” કહેવામાં આવે છે. આ દિવસે બનાવેલ ભોજન ચૂલાના અગ્નિમાં નાખવામાં આવે છે.

• કાકડી કે ચીભડાનો પાક તૈયાર થઈ ગયો હોવાથી ચીભડાની ચીરી કરીને ભાતના ડોડો લાવી સાગના પાંદડા પર મૂકીને તેને છત ઉપર રાખવામાં આવે છે, જેથી પિતૃઓ જમવા માટે આવે.


ભાદરવી બીજ

• આ તહેવાર દાંતા-ખેડબ્રહ્માના આદિવાસીઓમાં ઊજવાય છે.

• દર વર્ષે ભાદરવા મહિનાની સુદ બીજના રોજ “ધૂળાનો પાઠ” (ઘોડાની મૂર્તિ)ની પૂજાવિધિ કરવામાં આવે છે.

• આ પૂજા ગામમાં બીમારી, દુ:ખ, આફ્તો ન આવે તે માટે કરાય છે તથા ગુરુ-શિષ્ય બનાવવાની વિધિ આ પ્રસંગે યોજાય છે.


પિતરા

• તે પૂર્વજોની પૂજા કરવાનો આસો મહિનામાં આવતો તહેવાર છે. આ દિવસે કુંકણા લોકો ખેતરે જઈ તૈયાર થયેલો નવો પાક લાવે છે અને તેની રસોઈ બનાવે છે.

• આ રસોઈની અગાઉ કુટુંબમાં જેટલા માણસો ગુજરી ગયા હોય, તે બધાનાં નામ લઈ ચૂલાના અગ્નિમાં તેમના નામની આહુતિ આપે છે. ડાંગના દરેક કુંકણા પરિવારોમાં મોટા ભાગે આ વિધિ કરવામાં આવે છે.


મેઘલો

• ઘણી વખત ચોમાસાની ઋતુમાં વરસાદ ન આવે તો આદિવાસીઓમાં “મેઘલો” નચાવવાની પ્રથા છે. તેમાં મેઘરાજાની મૂર્તિ તૈયાર કરીને તેને પાટલા ઉપર મૂકીને દરેક ઘરે નાચતાં કૂદતાં લઈને ફરે છે સાથે મેઘલાનાં ગીતો ગવાય છે.

• દરેક ઘરેથી એક એક માટલું પાણી આ મેઘલા પર નાખવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે.

• આ તહેવારમાં “ટાંપણી” નામનું વાદ્ય પણ વગાડવામાં આવે છે.


મહા માસ (મહિનો)

• મહા માસ એ ભીલોના કોબરિયા ઠાકોર અને દેવરાના ઠાકોરની મૂર્તિઓ લાવીને તેની સ્થાપના કરવાનો અને તેઓને વિવિધ ભોગ ધરાવવાનો મહિનો છે.

• આ ઉપરાંત “માતાનાં વધામણાં” પણ આ માસમાં જ ચડાવવામાં આવે છે.


ગોર (ગણગોર)

• ગોરનો ઉત્સવ એ આદિવાસી સમાજના હોળી પછીનો બીજો મોટો તહેવાર ગણવામાં આવે છે. ભગવાન શંકર અને પાર્વતીની યાદમાં ગોરનો તહેવાર ઊજવવામાં આવે છે.

• મનુષ્યોની સુખાકારી માટે “ગોર”ની સ્થાપનાવિધિ કરાય છે.

કુંવારી કન્યા અને કુમારો 15 દિવસ સુધી “ગોર” ની સેવા કરે છે અને પછી ગોરની મૂર્તિને મૂળ સ્થાનકે મૂકવામાં આવે છે.


ડુંગરદેવ પૂજાઉત્સવ

• આદિવાસીઓ મુખ્યત્વે ડુંગરાળ પ્રદેશો કે જંગલવિસ્તારમાં વસેલા છે. આમ, ડુંગરો એ આદિવાસીઓનું આશ્રયસ્થાન હોવાથી તેને જ તેઓ દેવ ગણીને પૂજા કરે છે.

ભીલ, કુંકણા જેવી આદિવાસી જાતિઓમાં ડુંગરદેવની પૂજાનું ખૂબ મહત્ત્વ છે.


માવલીદેવીનો ઉત્સવ

• આદિવાસીઓ ડુંગર પર વસતા દેવીને “માવલીદેવી” તરીકે ઓળખાવે છે. કુંકણા જાતિના લોકો નવરાત્રિ દરમિયાન “માવલીદેવી”ની પૂજા કરે છે.

• ખેતીની બરકત માટે, ઢોર-ઢાંખરના રક્ષણ, સંતાનસુખ અને કુદરતી આફતોથી રક્ષણ માટે આ ઉત્સવ ઊજવાય છે.


બળવો

• “બળેવ”ના તહેવારને ગામિત સમાજમાં “બળવો” કહેવામાં આવે છે. રક્ષાબંધન એક જ દિવસનો તહેવાર છે, પરંતુ “બળવો” ત્રણ દિવસ સુધી ઊજવાય છે.

• શ્રાવણી પૂનમના આગળના દિવસે “બળવો” મનાવવામાં આવે છે. તેમાં દેવનું પૂજન થાય છે.

• સાગના વૃક્ષની પાંદડાં સહિતની ડાળીઓ દરેક ખેતરમાં રોપવામાં આવે છે.


નવું વર્ષ

• દિવાળીના બીજા દિવસને નવું વર્ષ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે આદિવાસીઓ દાતરડું, કુડાડો, હળ વગેરે ખેતીનાં સાધનોની સિંદૂરના ચાંદલા કરીને પૂજા કરવામાં આવે છે.

• ઉરમાં પણ ચૂલા, પાલ (વાંસની કોઠીઓ) ઘરના બારણે તથા બળદ-ગાયના કપાળ અને શિંગડાંએ સિંદૂરના ચાંદલા કરવામાં આવે છે.

• ત્યારબાદ ઢોરોને ચરાવવા માટે છોડતી વખતે ઘરની એક વ્યક્તિ બારણા આગળ ઊંધા સૂઈ રહે છે. તેના પરથી ઢોરોને પસાર કરવામાં આવે છે.

• એવી માન્યતા છે કે, ઢોરો તે વ્યક્તિના શરીર પર પગ મૂક્યા વિના પસાર થઈ જાય તો વર્ષભર ઢોરો ઘરની વ્યક્તિને નુક્સાન નહીં કરે. પંચમહાલના પટેલિયા અને ભીલ લોકોમાં નવું વર્ષ “ગોહરી પડવો” તરીકે ઓળખાય છે.


તેરા

• તે અષાઢ માસની અમાસે ડાંગમાં ઊજવાતો તહેવાર છે.

• તેને ખાવાના તહેવાર તરીકે મનાવવામાં આવે છે.

• આ તહેવારમાં આદિવાસીઓ જંગલમાં થતાં અળુ નામના કંદના લીલા રંગના મોટાં પાંદડામાંથી શાક બનાવે છે અને તેનું ભોજન લે છે. તે દિવસે પાંદડાંને દેવ માનવામાં આવે છે.

• આ નવું શાક પ્રથમ ગ્રામદેવતાને ધરાવવામાં આવે છે અને રાત્રે નાચગાનનો કાર્યક્રમ યોજાય છે. ડાંગી યુવાનોનું નાચગાન એ જ “ઠાકર્યા નૃત્ય”.

• તેરાના દિવસથી જ ઠાકર્યા નૃત્ય ચાલુ થાય છે.


ખખોહલો

દિવાળીના તહેવાર દરમિયાન પંચમહાલના આદિવાસીઓમાં “ખખોહલો” વિધિ કરવામાં આવે છે.

• તેમાં ગામના યુવાનો માટીના એક કોડિયામાં અગ્નિ પ્રગટાવી એના ઉપર મીઠું, મરચું નાખીને ધુમાડો કરે છે. પછી આ કોડિયાને સમગ્ર ગામમાં ફેરવીને ધુમાડો ફેલાવે છે. ત્યારબાદ તેને ખેતરમાં લઈ જવામાં આવે છે. અહીં કોડિયું ફેંકીને ગામના યુવાનો પાછા ફરે છે.

• એવી માન્યતા છે કે, આમ કરવાથી આખું વર્ષ ઘર, ગામ, ખેતર અને પશુઓ સુરક્ષિત રહે છે.


વસંતોત્સવ

• આદિવાસી સમુદાયમાં વસંત ઋતુના આગમનને લઈને ઘણો ઉત્સાહ હોય છે.

• ગામિત લોકો વસંત ઋતુના આગમનને નૃત્ય, ગીતો દ્વારા વધાવે છે. આ ઉત્સવનાં ગીતો “લોલ” તરીકે ઓળખાય છે, જે છેક હોળી સુધી ગવાય છે.

• પંચમહાલ અને વડોદરા વિસ્તારની આદિવાસી કન્યાઓ એકબીજાની કેડમાં હાથ પરોવીને “આલેણિયા” ગીતો ગાતી વસંતને વધાવે છે.

• ડાંગી સ્ત્રી-પુરુષો વસંતના દિવસોમાં નદીના ધરામાં સમૂહસ્નાન કરે છે અને માછલીનો શિકાર કરે છે.


બોલાવો ઉત્સવ

ડાંગના આદિવાસીઓ દિવાળીનો તહેવાર વાઘબારસથી ઊજવવાનું શરૂ કરે છે. આ વિસ્તારમાં ગામનો મુખી ઉપવાસ કરે છે અને સામૂહિક ઉત્સવની શરૂઆત કરાવે છે.

• તેઓ દિવાળીના દિવસે “બોલાવો” નામની એક અનોખી વિધિ કરે છે, જેમાં વાંસની ભારી સાથે બાજુના ગામમાં સંદેશો મોકલવામાં આવે છે. આ સંદેશામાં લખ્યું હોય છે કે, “અડધો જાય, બધ્ધો જાય, જાતી જાય જાયરે ગાંગલી ઘાંચણને ઘેર”.

• આમ, વાંસની ભારી સાથે આ સંદેશાને એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ચોથે ગામ પહોંચાડવામાં આવે છે. અંતે દેવીમાતાની દેરીએ તેનું સમાપન કરવામાં આવે છે.

• આમ, આ સમગ્ર ધાર્મિક પરંપરા (બોલાવો ઉત્સવ)નું ડાંગના આદિવાસીઓમાં ખૂબ મહત્ત્વ છે.


દિવાસો

• આદિવાસીઓ અષાઢ વદ અમાસના દિવસે દિવાસાનો ઉત્સવ ધામધૂમથી ઊજવે છે.

• ખાસ કરીને, દક્ષિણ ગુજરાતનાં દૂબળા અને ધોડિયા જાતિના લોકો આ તહેવાર વિશેષ રીતે ઊજવે છે.

• તેઓ “દિવાસો”ના દિવસે કપડાં કે ચીંથરામાંથી મોટા કદનાં ઢીંગલા-ઢીંગલી બનાવે છે. તેમાં ઢીંગલો હંમેશાં સાહેબશાહી હોય છે. જેણે કોટ, પાટલૂન, ટાઈ, ટોપી પહેરેલી હોય અને મોમાં સિગારેટ પણ હોય.

• આદિવાસી સ્ત્રી-પુરુષો આ ઢીંગલાં-ઢીંગલીને લઈને સરઘસ કાઢે છે જેમાં ગાણાં-ગવાય છે, નાચગાન થાય છે.

• આ સરઘસ નદીકિનારે જાય છે અને ત્યાં “ઢીંગલાં-ઢીંગલી”નું વિસર્જન કરવામાં આવે છે.


પોહોતિયો

• જ્યારે શિયાળામાં વાલના છોડને પાપડી બેસે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેને “પોહોતિયો” કહેવામાં આવે છે.

• તેમાં આદિવાસીઓ પાપડીમાંથી પરંપરાગત વાનગી “ઉંબાડિયું” બનાવે છે અને નજીકનાં સગાં-સંબંધીઓ તથા મિત્રોને બોલાવીને જમાડે છે.


પોળા

• ડાંગમાં પોળાના તહેવાર વખતે ગામના લોકો ગાય, બળદને સાંજે નવડાવીને તિલક કરી તેની પીઠ ઉપર હાથથી છાપ પાડે છે અને શિંગડાં રંગે છે.

• એ જ દિવસે ગામના ચોરા પાસે બધાં લોકો પોતાનાં ગાય-બળદને ભેગાં કરી અને દૂર રસ્તા પર એક જગ્યાએ ઈંડુ રાખી દે છે. ત્યારબાદ બધા ઢોરને એ જગ્યા પરથી દોડાવવામાં આવે છે. ઈંડું ફૂટી જાય કે બચી જાય તેના પરથી આખું વરસ કેવું જશે તેની કુંકણા જાતિના ગ્રામજનો આગાહી કરે છે.


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે આ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!