Attorney General – Bharatnu Bandharan

Attorney General / મહાન્યાયવાદી

  • એટર્ની જનરલ અથવા મહાન્યાયવાદી ભારતના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના સર્વોચ્ચ કાનૂની સલાહકાર છે.
  • ભારતીય બંધારણના અનુચ્છેદ 76માં એટર્ની જનરલના પદનું વર્ણન કરવામાં આવ્યું છે.

નિમણૂક

  • બંધારણના અનુચ્છેદ 76(1) મુજબ રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. અહીં નોંધનીય છે કે રાષ્ટ્રપતિને એટર્ની જનરલના નામની ભલામણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.

લાયકાત

  • બંધારણના અનુચ્છેદ 76(1)માં એટર્ની જનરલ બનવા માટેની લાયકાતનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ જે તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બનવા જેટલી લાયકાત ધરાવતી હોય તે વ્યક્તિ એટર્ની જનરલ બનવા માટે લાયક ગણાય છે.
  • એટલે કે જે-તે વ્યક્તિ…
    • ભારતની નાગરિક હોય
    • દેશની કોઈપણ હાઈકોર્ટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો જજ તરીકેનો અનુભવ હોય અથવા
    • દેશની કોઈપણ હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં ઓછામાં ઓછા દસ વર્ષનો વકીલાતનો અનુભવ હોય અથવા
    • રાષ્ટ્રપતિની દૃષ્ટિએ ન્યાયવિદ્ હોય.

કાર્યકાળ

  • અનુચ્છેદ 76(4) મુજબ એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. અહીં નોંધવું રહ્યું કે રાષ્ટ્રપતિની મરજી એટલે વડાપ્રધાનની મરજી સમજવી.
  • બંધારણમાં એટર્ની જનરલને દૂર કરવાની કોઈ પદ્ધતિ દર્શાવવામાં આવી નથી. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કાર્ય કરે છે. સામાન્ય રીતે સરકાર બદલાય એટલે એટર્ની જનરલ બદલાતા હોય છે.
  • બંધારણમાં એટર્ની જનરલના પગાર અને ભથ્થાં અંગે કોઈ ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ નક્કી કરશે તેટલું મહેનતાણુ મળશે.

એટર્ની જનરલના કાર્યો અને સત્તાઓ

  • અનુચ્છેદ 76(2)માં એટર્ની જનરલના કાર્યો અંગેની જોગવાઈ આપવામાં આવી છે.
  • રાષ્ટ્રપતિ દ્વારા વખતોવખત મોકલવામાં આવે કે સોંપવામાં આવે તે કાયદા વિષયક બાબતોમાં ભારત સરકારને સલાહ આપવાની એટર્ની જનરલની ફરજ રહેશે.
  • સંસદ દ્વારા કાયદો બનાવી જે અન્ય ફરજો સોંપવામાં આવે તે ફરજો બજાવવાની રહેશે.
  • એટર્ની જનરલ ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં સુનવણીમાં ભાગ લે છે.
  • બંધારણના અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે.
  • એટર્ની જનરલ દેશની કોઈપણ અદાલતમાં સુનવણીમાં ભાગ લઈ શકે છે.
  • અનુચ્છેદ 88 મુજબ એટર્ની જનરલ સંસદના બેમાંથી કોઈપણ ગૃહમાં ભાગ લેવાનો અધિકાર ધરાવે છે, બોલી શકે છે, ચર્ચા કરી શકે છે, પરંતુ મત આપી શકના નથી. યાદ રહે, એટર્ની જનરલ સંસદની સંયુક્ત બેઠકમાં પણ ભાગ લઈ શકે છે.
  • બંધારણના અનુચ્છેદ 105 મુજબ એટર્ની જનરલને સાંસદ સભ્ય જેટલા વિશેષાધિકારો મળવાપાત્ર છે.

એટર્ની જનરલની મર્યાદાઓ

  • જે વિષય અંતર્ગત તેઓ ભારત સરકાર વતી કોર્ટમાં હાજર થાય, તે વિષય અંતર્ગત ટિપ્પણી આપી શકતા નથી.
  • સરકાર વિરુદ્ધ સલાહ કે વિશ્લેષણ આપી શકતા નથી.
  • રાષ્ટ્રપતિની મંજૂરી લીધા વિના કોઈ અન્ય ફોજદારી કેસ લઈ શકતા નથી.
  • રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી વિના કોઈ ખાનગી પદ લઈ શકતા નથી.

એટર્ની જનરલ અર્ધસરકારી પદ છે

  • એટર્ની જનરલનું પદ અર્ધસરકારી છે, એટલે કે તેની મુદ્દત અંગે નિશ્ચિતતા હોતી નથી. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કાર્ય કરી શકે છે, રાષ્ટ્રપતિ ઈચ્છે એટલો પગાર અને ભથ્થાઓ મળવાપાત્ર થાય છે.
  • એટર્ની જનરલ પદ પરથી નિવૃત્ત થયા પછી ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે.

શું એટર્ની જનરલ ભારત બહારની કોઈ કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્ત્વ કરવા બંધાયેલા હોય છે ?

  • એટર્ની જનરલ ભારત બહારની કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્ત્વ કરવા બંધાયેલા હોતા નથી. તેઓ ભારતની સીમામાં કોઈપણ અદાલતમાં સુનવણીમાં ભાગ લેવા બંધાયેલા હોય છે.
  • ઉદાહરણ :
  • પાકિસ્તાને ભારતના કુલભૂષણ જાધવને જાસૂસ તરીકે પકડી ન્યાયિક કાર્યવાહી કરી ફાંસીની સજા સંભળાવી. ભારતે તે કેસને આંતરરાષ્ટ્રીય કોર્ટ ધ હેગ ખાતે પડકાર્યો. ભારત સરકાર વતી તે કેસનું પ્રતિનિધિત્ત્વ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કર્યું. (માત્ર 1 રૂપિયા ફી લઈને!) તે સમયે ભારતના એટર્ની જનરલ મુકુલ રોહતગી હતા, પરંતુ તેમના સ્થાને હરીશ સાલ્વે કેસના પ્રતિનિધિત્ત્વ માટે ગયા હતા.

ભારતના એટર્ની જનરલની યાદી

  • એમ.સી.સેતલવાડ : 1950-1963
  • સી.કે. ડેફ્ટરી : 1963-1968
  • નિરેન દે : 1968-1977
  • એસ.વી.ગુપ્ત : 1977-1979
  • એલ.એન.સિંહા : 1979-1983
  • કે.પારાસરન : 1983-1989
  • સોલી સોરાબજી : 1989-1990
  • જી.રામાસ્વામી : 1990-1992
  • મીલોન કે.બેનરજી : 1992-1996
  • અશોક દેસાઈ : 1996-1998
  • સોલી સોરાબજી : 1998-2004
  • મીલોન કે. બેનરજી : 2004-2009
  • ગુલામ ઈસાજી વહાણવટી : 2009-2014
  • મુકુલ રોહતગી : 2014-2017
  • કે.કે.વેણુગોપાલ : 2017-વર્તમાન
ભારતના એટર્ની જનરલની યાદી

એમ.સી.સેતલવાડ

  • મોતીલાલ ચીમનલાલ સેતલવાડ ભારતના જાણીતા કાયદાવિદ્ હતા.
  • તેઓ અત્યારસુધીના એટર્ની જનરલમાં સૌથી લાંબા સમય સુધી એટર્ની જનરલ રહેનાર વ્યક્તિ છે.
  • ભારતમાં પ્રવર્તમાન કાયદાઓમાં જરૂરી સુધારણા કરવા રચવામાં આવેલા આઝાદ ભારતના પ્રથમ કાયદા પંચ (1955-1958)ના અધ્યક્ષ હતા.
  • તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રથમ અધ્યક્ષ હતા.
  • વર્ષ 1957માં ભારતના દ્વિતીય સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવમાં આવ્યા હતા.

સોલીસીટર જનરલ

  • સોલીસીટર જનરલ એટર્ની જનરલ બાદ દેશના બીજા ક્રમના કાયદાકીય અધિકારી છે, જે એટર્ની જનરલને મદદ કરવાનું કાર્ય કરે છે.
  • સોલીસીટર જનરલની મદદ માટે ચાર એડિશનલ સોલીસીટર જનરલની નિમણૂક કરવામાં આવે છે.
  • સોલીસીટર જનરલ અને એડીશનલ સોલીસીટર જનરલ બંધારણીય પદ નથી. તેઓ લૉ ઓફિસર (કંડીશન ઓફ સર્વિસ) રૂલ્સ, 1987 અંતર્ગત કાર્ય કરે છે.
  • સોલીસીટર જનરલ અને એડીશનલ સોલીસીટર જનરલની નિમણૂક વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટ સમિતિની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
  • સોલીસીટર જનરલનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે.
  • સોલીસીટર જનરલ અને એડીશનલ સોલીસીટર જનરલ કેન્દ્ર સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ સૂચન આપવાનું કાર્ય કરે છે. કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
  • સોલીસીટર જનરલ કે એડીશનલ સોલીસીટર જનરલને એટર્ની જનરલ જેવા વિશેષાધિકારો પ્રાપ્ત હોતા નથી. એટલે કે તેઓ સંસદના ગૃહમાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા નથી.

અગત્યના તથ્યો

  • ભારતના પ્રથમ એટર્ની જનરલ તથા ભારતના પ્રથમ કાયદાપંચના અધ્યક્ષ પણ એમ. સી. સેતલવાડ હતા.
  • ભારતના હાલના સોલિસીટર જનરલ તુષાર મહેતા છે.

અગત્યના અનુચ્છેદો

  • અનુચ્છેદ – 76 : ભારતના એટર્ની જનરલ
  • અનુચ્છેદ – 88 : સંસદની બાબતોમાં મંત્રીઓ તથા એટર્ની જનરલના અધિકાર
અગત્યના અનુચ્છેદો

Leave a Comment

error: Content is protected !!