Bharatiy bandharanni visheshtao

Table of Contents

ભારતીય બંધારણની વિશેષતાઓ

ભારતીય બંધારણની વિશેષતાઓ

• અલગ અલગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સતત અને અથાક પ્રયત્ન કરી બંધારણના ઘડવૈયાઓએ ભારતીય બંધારણ તૈયાર કર્યું. આ ભારતીય બંધારણની ઘણી વિશેષતાઓ છે.

• ભારતીય બંધારણને પ્રજાના પ્રતિનિધિઓ એટલે બંધારણસભા દ્વારા હસ્તલિખિત સૌથી મોટું બંધારણ મનાય છે.

• ભારતીય બંધારણને અંતિમ સ્વરૂપ આપનાર એટલે મુસદ્દા (Drafting) સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકર હોવાથી ભારતીય બંધારણના પિતા તરીકે બાબાસાહેબ આંબેડકરને ઓળખાય છે તેમ છતાં રાજ્યપાલોની શક્તિ બાબતે ચર્ચા સમયે 2 સપ્ટેમ્બર, 1953ના રોજ જણાવ્યું હતું કે મિત્રો મે બંધારણ બનાવ્યું છે પરંતુ હું પ્રથમ વ્યક્તિ હોઈશ કે જે બંધારણને સળગાવી દેવા માટે તૈયાર થયો છુ.

• ભારતીય બંધારણમાં 66 ટકા એટલે 2/3 જેટલો ભાગ સીધો અને થોડા ફેરફાર સાથે ભારત સરકાર અધિનિયમ, 1935માંથી લેવાયો છે જે અધિનિયમમાં 321 કલમો અને 10 પરિશિષ્ટો હતા.

• અત્રે યાદ રાખવું રહ્યું કે લોકસભાના પિતા તરીકે ગણેશ વાસુદેવ માવળંકરને ઓળખાય છે.

• ભારતીય બંધારણ મૂળ બે ભાષા હિન્દી અને અંગ્રેજીમાં લખાયું હતું.


1. સૌથી લાંબુ અને લેખિત બંધારણ

2. જડ છતાં પરિવર્તનશીલ બંધારણ

3. વિભિન્ન દેશોના બંધારણનો સ્ત્રોત લેવામાં આવ્યો.

4. સમવાયી છતા એકતંત્રી રાષ્ટ્ર

5. સંસદીય શાસન વ્યવસ્થાનો સ્વીકાર

6. એકલ નાગરિકતા

7. પુખ્તવય મતાધિકાર

8. ધર્મ નિરપેક્ષતા

9. મૂળભૂત અધિકારો અને ભૂળભૂત ફરજોનો સમાવેશ

10. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ

11. મજબુત કેન્દ્રવાળી સંઘીય વ્યવસ્થા

12. એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર

13. કટોકટી સંબંધિત જોગવાઈઓ

14. ત્રિસ્તરીય શાસન વ્યવસ્થા

15. સંસદનું સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સુગમ સમન્વય

16. સ્વતંત્ર સંસ્થાઓ

17. સાર્વભૌમત્વ કે સંપ્રભુ


સૌથી લાંબુ અને લેખિત બંધારણ :

• ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. મૂળ બંધારણમાં 22 ભાગો, 8 પરિશિષ્ટો અને 395 અનુચ્છેદો હતા. હાલમાં (2022) ભારતીય બંધારણમાં 25 ભાગો, 12 પરિશિષ્ટો અને 448થી વધુ અનુચ્છેદો છે.

• ભારતીય બંધારણને વિસ્તૃત બનાવવા પાછળના કારણો નીચે મુજબના ગણી શકાય.

• કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ ન થાય તે હેતુસર તેમની વચ્ચે સત્તાની વહેચણી અને ફરજો સંબંધી વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી.

• ભારતના વિવિધ ભાગોની વિવિધતાને ધ્યાને લઈ કોઈ વિસ્તારને અન્યાય ન થાય તેની તકેદારી રાખી વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી.

• બંધારણસભામાં કાયદા નિષ્ણાત સભ્યોની સંખ્યા વધુ હતી, આથી દરેક જોગવાઈને વિસ્તૃત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.


જડ છતાં પરિવર્તનશીલ બંધારણ :

• ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિ ઈંગ્લેન્ડ જેટલી નરમ કે અમેરિકા જેટલી કડક નથી, પરંતુ બંનેની મધ્યમ સ્થિતિ છે.

• ભારતીય બંધારણમાં અનુચ્છેદ 368માં બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે.

• બંધારણની ઘણી એવી જોગવાઈઓ છે, જેમાં સંસદ સાદી બહુમતીથી ફેરફાર કરી શકે છે. કેટલીક જોગવાઈઓ એવી છે જેમાં સંસદની વિશેષ બહુમતીની જરૂર છે. તેમજ બહુ જ ઓછી એવી જોગવાઈઓ છે જેમાં રાજ્યોના વિધાનમંડળની જરૂર હોય.

• જે પ્રકારની જોગવાઈઓમાં ફેરફાર કરવા રાજ્યોની વિધાનમંડળની જરૂર હોય તેમાં અડધા રાજ્યોની વિધાનસભાની મંજૂરી મળતા બંધારણમાં ફેરફાર કરી શકાય છે. (અમેરિકામાં 75% રાજ્યોના વિધાનમંડળની મંજૂરીની જરૂર પડે છે!)


વિભિન્ન દેશોના બંધારણનો સ્ત્રોત લેવામાં આવ્યો :

• ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ ભારત શાસન અધિનિયમ, 1935નો રહ્યો છે. એ ઉપરાંત વિભિન્ન દેશોના બંધારણનો અભ્યાસ કર્યા બાદ જે જોગવાઈઓ ભારત અને તેના લોકોને લાગુ થઈ શકે તેમ હતી તે લેવામાં આવી.

• ડૉ.બી.આર. આંબેડકરે બંધારણ સભામાં ઘોષિત કર્યું હતું કે “ભારતનું બંધારણ વિભિન્ન દેશોના બંધારણનો અભ્યાસ કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યું છે.”

• વિભિન્ન દેશોમાંથી અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, જાપાન જેવા દેશોના બંધારણનો પ્રભાવ વિશેષ રહ્યો.

• ક્યા દેશના બંધારણમાંથી કઈ જોગવાઈ લેવામાં આવી તે અલગથી પ્રકરણમાં આપવામાં આવ્યું છે.


સમવાયી છતા એકતંત્રી રાષ્ટ્ર :

• ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે. સત્તાઓની વહેચણી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંયુક્ત રીતે થયેલી છે.

• રાજ્ય પોતાના વિષયો અંતર્ગત અને સીમાઓમાં રહીને પોતાના અધિકારની રૂએ સ્વતંત્ર પક્ષે પોતાની સત્તાઓનો ઉપયોગ કરી શકે છે.

• આમ છતાં એકતંત્રી વ્યવસ્થાને લગતી જોગવાઈઓ પણ છે જેમ કે એકલ નાગરિકત્વ, સંસદ અનુચ્છેદ-249 અન્વયે રાજ્ય સૂચિની બાબતો અંગે કાયદાઓ ઘડી શકે, સંઘ યાદીના વિષયોનું પ્રભુત્વ, સંરક્ષણ, વિદેશી સંબંધો, રાજ્યમાં બંધારણીય કટોકટી વખતે કેન્દ્ર પાસે સત્તાનું હસ્તાંતરણ, રાજ્યોમાં કેન્દ્રના પ્રતિનિધિ તરીકે ગવર્નરની નિયુક્તિ વગેરે.

• કટોકટી કે યુદ્ધ દરમિયાન રાષ્ટ્ર એકતંત્રી સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે.


સંસદીય શાસન વ્યવસ્થાનો સ્વીકાર :

• ભારતે બ્રિટન આધારિત સંસદીય શાસન પ્રણાલી અપનાવી છે. બ્રિટનમાં સંસદીય શાસન વ્યવસ્થા “વેસ્ટ મિન્સ્ટર” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત સંસદીય વ્યવસ્થાને “જવાબદાર સરકાર” તેમજ “મંત્રી મંડળીય સરકાર” તરીકે પણ ઓળખવામાં આવે છે.

• સંસદીય શાસન વ્યવસ્થા ધારાસભા અને કારોબારી વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કરે છે, જ્યારે અમેરિકામાં પ્રચલિત રાષ્ટ્રપતિ શાસન ધારાસભા અને કારોબારી વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરે છે.

• ભારતીય સંસદીય વ્યવસ્થાની વિશેષતાઓ નીચે મુજબ છે.
• સ્પષ્ટ બહુમતી ધરાવતા પક્ષનું શાસન.
• વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય સરકારનું વાસ્તવિક નેતૃત્ત્વ
• સંસદને જવાબદાર કારોબારી તંત્ર
• કારોબારીમાં મંત્રી રહેલા વ્યક્તિ સંસદના બેમાંથી કોઈ ગૃહના સભ્ય હોય છે.

• સંસદના નીચલા ગૃહનું વિસર્જન થઈ શકે છે.


એકલ નાગરિકતા :

• ભારતે મજબૂત કેન્દ્ર સરકાર ધરાવતી સંઘીય શાસન વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે, પરંતુ અમેરિકાની જેમ બેવડી નાગરિકતાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

• અમેરિકામાં દરેક વ્યક્તિ પાસે દેશની નાગરિકતા ઉપરાંત જે-તે રાજ્યમાં રહેતો હોય તેની પણ નાગરિકતા ધરાવે છે.

• ભારતમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપી જમ્મુ કાશ્મીરના નાગરિકો માટે બેવડી નાગરિકતા આપવામાં આવી હતી, પરંતુ જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલો ખાસ રાજ્યનો દરજ્જો હટાવી દેતા સમગ્ર દેશમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત લાગુ થયો છે.


પુખ્તવય મતાધિકાર :

• ભારતીય બંધારણમાં સાર્વત્રિક ધોરણે પુખ્તવય મતાધિકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, ધર્મ, સંપત્તિ, શિક્ષણ વગેરે જેવી બાબતોના આધારે કોઈ વ્યક્તિને મતાધિકારથી વંચિત રાખી શકાશે નહીં.

• બંધારણના પ્રારંભ સમયે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ 61માં બંધારણીય સુધારા, 1988 દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી.


ધર્મ નિરપેક્ષતા :

• ભારતીય બંધારણમાં કોઈ ધર્મ વિશેષનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. 42માં બંધારણીય સુધારા, 1976 દ્વારા ભારતીય બંધારણમાં “ધર્મ નિરપેક્ષતા” શબ્દ ઉમેરવામાં આવ્યો.

• ભારતીય બંધારણમાં રહેલી કેટલીક જોગવાઈઓ પરથી ધર્મ નિરપેક્ષતા સ્પષ્ટ થાય છે.
• અનુચ્છેદ 14 મુજબ દરેક વ્યક્તિ કાયદાની બાબતમાં સમાન છે.
• અનુચ્છેદ 15 મુજબ ધર્મના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકાય.
• અનુચ્છેદ 16 મુજબ ધર્મના આધારે જાહેર નોકરીઓમાં કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય.
• ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો (અનુચ્છેદ 25 થી 28)
• લઘુમતી માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર (અનુચ્છેદ 29, 30)

• અનુચ્છેદ 44માં કરવામાં આવેલી સમાન દીવાની કાયદા અંગેની જોગવાઈ તમામ ધર્મ માટે દીવાની કાયદાઓ સમાન કરવાનો પ્રયાસ દર્શાવે છે.


મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજોનો સમાવેશ :

• મૂળ બંધારણમાં 7 (હાલમાં 6) મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળભૂત અધિકારો એટલે જીવન જીવવા અંગેની જરૂરી પરિસ્થિતિઓ સરકાર નાગરિકો માટે ઊભી કરશે. જો મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો તેવી સ્થિતિમાં જે-તે નાગરિક સીધો જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે તેવી વ્યવસ્થા પણ બંધારણમાં કરવામાં આવી છે.

• 42માં બંધારણીય સુધારા, 1976 દ્વારા ભારતીય બંધારણમાં મૂળભૂત ફ૨જો ઉમેરવામાં આવી છે એટલે કે નાગરિકોએ દેશ પ્રત્યે કેવી વફાદારી રાખવી અને કઈ રીતે વર્તન કરવું તે અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે.


રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ :

• ડૉ.બી.આર.આંબેડકરે રાજ્યની રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણની અનોખી વિશેષતા દર્શાવી છે.

• રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ ભારતમાં સામાજિક અને આર્થિક લોકતંત્રનો વિકાસ કરવાનો તેમજ કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે.


મજબૂત કેન્દ્રવાળી સંઘીય વ્યવસ્થા :

• ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા અને ફરજોની સ્પષ્ટ વહેંચણી થયેલી છે. ભારતે અમેરિકાની જેમ સંપૂર્ણપણે સંઘીય વ્યવસ્થા નથી અપનાવી પરંતુ મજબૂત કેન્દ્રવાળી સંઘીય વ્યવસ્થા અપનાવી છે એટલે કે કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારની સરખામણીમાં વધુ સત્તાઓ અને ફ૨જો રહેલી છે.


એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર :

• ભારતીય શાસન પ્રણાલી મજબૂત કેન્દ્રવાળી સંઘીય વ્યવસ્થા છે, પરંતુ ન્યાયપ્રણાલિકા એકીકૃત છે. જેમાં સર્વોચ્ચ સ્થાન પર સુપ્રીમ કોર્ટ, તેની નીચે હાઈકોર્ટ અને તેની નીચે તાબાની અદાલતો.

• ન્યાય પ્રણાલિકા, ધારાસભા તેમજ કારોબારીના નિયંત્રણમાં આવ્યા વિના સ્વતંત્ર રહી કાર્ય કરી શકે તે માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 50માં જોગવાઈ કરવામાં આવી છે કે કારોબારી અને ન્યાયતંત્ર હંમેશા સ્વતંત્ર રહેશે.


કટોકટી સંબંધી જોગવાઈઓ :

• દેશમાં આવેલી કટોકટી સમયની સ્થિતિને પહોંચી વળવા માટે બંધારણમાં કટોકટી સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે.

• ભારતીય બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈઓ છે. રાષ્ટ્રીય, બંધારણીય અને નાણાકીય કટોકટી.


ત્રિસ્તરીય શાસન વ્યવસ્થા :

• દેશમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરથી શાસન ચલાવવા ઉપરાંત સ્થાનિક કક્ષાએથી શાસન ચલાવવા માટે સ્થાનિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે.

• બંધારણમાં 73માં અને 74માં બંધારણીય સુધારા દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક શાસનની સંસ્થાઓને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે.


સંસદનું સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સુગમ સમન્વય :

• ભારતીય બંધારણમાં કાયદા બનાવવાનો કે ભારતીય બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે રહેલી છે તેમ છતાં તે દરેક બંધારણીય સુધારા સુપ્રીમ કોર્ટને સમીક્ષાને આધીન છે એટલે કે તે સુધારામાં સુપ્રીમ કોર્ટને કોઈ મુશ્કેલી જણાય તો તે સુધારાને સુપ્રીમ કોર્ટને રદ્દ કરવાનો અધિકાર છે આથી એમ કહી શકાય કે ભારતીય બંધારણમાં સંસદનું સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સુગમ સમન્વય જોવા મળે છે.


સ્વતંત્ર સંસ્થાઓ :

• ભારતીય બંધારણમાં ચૂંટણી પંચ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ જેવી સ્વંતત્ર સંસ્થાઓ પણ જોવા મળે છે.


સાર્વભૌમત્વ કે સંપ્રભુ :

• કોઈપણ રાષ્ટ્ર માટે સાર્વભૌમત્વ સૌથી અગત્યની બાબત છે કારણ કે તે રાષ્ટ્રને પોતાના વિસ્તારમાં અને વસતીની સીમામાં કોઈપણ નિર્ણયો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા પૂરી પાડે છે તથા પોતાના રાષ્ટ્ર માટે નિર્ણયો કરવા માટે કોઈ બાહ્ય શક્તિ કે દબાણને ત્યાં સ્થાન નથી.


બંધારણ અને બંધારણ સભા અંગેની ટીપ્પણી :

• કેટલાક ટીકાકારોએ બંધારણસભાની અને તેની કામગીરીની ટીપ્પણી નીચેની બાબતોના આધારે કરી છે.


1. બંધારણસભાએ સમયનો વ્યય કર્યો :

• બંધારણસભાએ બંધારણ ઘડવા માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લીધો. કેટલાક ટીકાકારોનું માનવું હતું કે બંધારણસભાએ જરૂરિયાતથી વધુ સમય લીધો. બંધારણસભાના સભ્ય નીરાજુદ્દીન અહેમદે ડ્રાફ્ટિંગ કમિટીને ડ્રિન્ટિંગ કમિટી (સમયનો બગાડ કરનાર કમિટી) તરીકે ઓળખાવી.

• કેટલાક ટિકાકારોનું માનવું હતું કે અમેરિકાનું બંધારણ તૈયાર કરવામાં માત્ર ચાર મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે ભારતની બંધારણસભાએ વધુ પડતો સમય લીધો.




2. બંધારણસભા માટે પ્રત્યક્ષ ચૂંટણી નહોતી થઈ :

• કેટલાક ટીકાકારોનું માનવું છે કે બંધારણ સભા માટેની ચૂંટણી પુખ્તવય મતાધિકારના ધોરણે પ્રત્યક્ષ પદ્ધતિથી ચૂંટણી નહોતી થઈ, તેના સ્થાને પરોક્ષ પદ્ધતિથી ચૂંટણી કરાવવામાં આવી હતી. આથી બંધારણસભા ભારતના લોકોનું પ્રત્યક્ષ રીતે પ્રતિનિધિત્ત્વ કરતી હતી એવું કહી શકાય નહીં.




3. બંધારણસભા પાસે સાર્વભૌમત્ત્વ ન હતું :

• કેટલાક ટીકાકારોનું માનવું છે કે બંધારણસભાની રચના બ્રિટિશ સરકારની ભલામણથી થઈ હતી તેમજ પ્રારંભિક તબક્કે બંધારણસભાની બેઠક યોજવા માટે બ્રિટિશ સરકારની મંજૂરી લેવી પડતી હતી. આથી બંધારણસભા પાસે સાર્વભૌમત્ત્વ (સંપ્રભુતા) ન હતી.




4. બંધારણસભા પર કોંગ્રેસનું પ્રભુત્ત્વ હતું :

• કેટલાક ટીકાકારોનું માનવું હતું કે બંધારણસભામાં એક જ પક્ષ કોંગ્રેસનું પ્રભુત્ત્વ રહ્યું. એટલે કે બંધારણસભામાં કોંગ્રેસની વિચારસરણીનો પ્રભાવ વધુ જોવા મળ્યો.




5. બંધારણસભા વકીલોની સભા બની રહી :

• કેટલાક ટીકાકારોનું માનવું હતું કે બંધારણસભામાં જે સભ્યો હતા તેમાંથી મોટાભાગના સભ્યો વકીલો અથવા રાજનીતિજ્ઞો હતા. અન્ય ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓનું પ્રમાણ બહુ ઓછું રહ્યું હતું. બંધારણની જટિલ ભાષા પાછળ એ મુખ્ય કારણ જવાબદાર હોઈ શકે.




6. બંધારણસભા પર હિન્દુઓનું પ્રભુત્ત્વ રહ્યું :

• કેટલાક ટીકાકારોનું માનવું રહ્યું કે બંધારણસભામાં હિન્દુ સભ્યોની સંખ્યા વધુ રહી. અન્ય ધર્મના લોકોની સંખ્યા બહુ ઓછી હતી.

• બ્રિટનના વડાપ્રધાન રહેલા વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે “ભારતની બંધારણસભા હિન્દુઓની સંસ્થા બની રહી”.




7. બંધારણ અન્ય દેશો પાસેથી “ઉધાર લીધેલી થેલી” છે

• બંધારણના ઘડવૈયાઓએ અલગ-અલગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. અલગ-અલગ દેશના બંધારણમાંથી ભારતને લાગુ થઈ શકતી જોગવાઈઓનો ભારતીય બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો, આથી કેટલાક ટીકાકારોનો મત એવો છે, કે ભારતના બંધારણમાં વિદેશી બંધારણોનો પ્રભાવ જોવા મળે છે.




અન્ય ટીકાઓ :

8. શેઠ દામોદર સ્વરૂપે બંધારણસભામાં જણાવ્યું હતું કે બંધારણમાં લોકોને અન્ન આપવાની કે રોજગારી આપવાની કોઈ જોગવાઈ નથી, આ બંધારણ લોકોના હિત માટે છે જ નહિં તેને કચરાપેટીમાં નાખી દેવું જોઈએ.

9. શ્રીમતી રેણુકાએ બંધારણસભામાં જણાવ્યું હતું કે બંધારણમાં કેટલીક જોગવાઈઓ એવી છે જેની કોઈ જરૂરિયાત નથી. જેમ કે, ઉચ્ચ પદાધિકારીઓનો પગાર અંગેનો ઉલ્લેખ.


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો તેથી આપણે એને સુધારી શકીએ.

– Education Vala

Leave a Comment

error: Content is protected !!