ભારતીય લિપિઓ (Indian Scripts)

• લિપિનો અર્થ “લખાણ” અથવા “ચિત્રિત કરવું” થાય છે.
• મૌખિક રીતે ઉપયોગમાં લેવાતી ભાષાનાં શબ્દો અને વાક્યોને લખાણરૂપે સંગ્રહિત કરવા માટે અનેક મૂળાક્ષરો, સંખ્યાઓ, પ્રતીકો, ચિહ્નો, ચિત્રો-આકૃતિઓની જરૂર પડે છે. આ રીતે જ્યારે મૌખિક ભાષા લખાણનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે તે “લિપિ” તરીકે ઓળખાય છે.
• સામાન્ય અર્થમાં કોઈ પણ ભાષાને લખાણસ્વરૂપે સંગ્રહિત કરવા માટે “લિપિ” ની જરૂર પડે છે.
• કોઈ એક ભાષાને ઘણી લિપિઓમાં લખી શકાય છે. ઉદા. પંજાબી ભાષાને ગુરમુખી અને શાહમુખી એમ બંને લિપિઓમાં લખવામાં આવે છે.
• ઉપરાંત ઘણી ભાષાઓની કોઈ એક જ લિપિ હોઈ શકે છે. ઉદા. સંસ્કૃત, હિંદી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓ દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે.
• લિપિના ઉદ્ભવનો સ્પષ્ટ સમયગાળાની ખબર નથી, પરંતુ એમ કહી શકાય કે, જ્યારે માનવ સભ્યતાની શરૂઆતમાં વિચારો, ભાવનાઓ વગેરેને સંરક્ષિત કરવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે લિપિ અસ્તિત્વમાં આવી હશે.
• ભારતમાં લિપિની પરિસ્થતિનું સૌપ્રથમ પ્રમાણ સિંધુખીણ સભ્યતાના સ્થળોમાંથી પ્રાપ્ત થાય છે.
• ભારતમાં માનવ સભ્યતાના વિકાસક્ર્મમાં અનેક લિપિઓ અસ્તિત્વમાં આવી, જે નીચે મુજબ છે.
સિંધુ લિપિ :
• તેને ભારતની પ્રાણીનતમ લિપિ કહી શકાય.
• સિંધુખીણ સભ્યતાના સ્થળોએથી પ્રાપ્ત માટીના વાસણો, મોહરો, હાથીદાંત વગેરે પર અંકિત ચિહ્નો, પ્રતીકો ઉપરથી અનુમાન લગાવી શકાય કે સિંધુલિપિ વાસત્મિક નહિ, પરંતુ ભાવચિત્રાત્મક છે. જેમાં ધ્વનિ, વિચારો, ભાવો અને વસ્તુઓને અભિવ્યક્ત કરવા માટે ચિહ્નો પ્રતીકો અને ચિત્રોનો ઉપયોગ કરાતો હતો.
• સિંધુખીણ સભ્યતાનાં સ્થળ ધોળાવીરામાંથી મળી આવેલ અભિલેખ પર અંકિત ચિહ્નો – પ્રતીકો આ લિપિ ભાવનાત્મક હોવાનું સૂચવે છે.
• આ અભિલેખોમાં અંકિત ચિહ્નો-પ્રતીકોનું પ્રમાણ ઓછું હોવાથી એ બાબતનું અનુમાન લગાડવું ખૂબ મુશ્કેલ છે કે, આ પ્રતીકોની મદદથી કોઈ ભાષાનો રેકોર્ડ કરવા માટે કોઈ લિપિ સર્જન કરાયું હતું કે નહીં.
• આમ, સિંધુ લિપિને હજી સુધી સંપૂર્ણ રીતે ઓળખી શકાઈ નથી. સિધુ લિપિ જમણેથી ડાબી તરફ લખાતી હતી.
બ્રાહ્મી લિપિ :
• ભારતની મોટા ભાગની લિપિઓનું મૂળ બ્રાહ્મી લિપિમાં રહેલું છે. જેમ કે, દેવનાગરી, તમિલ, બંગાળી, કન્નડ, મલયાલમ વગેરે લિપિઓનો વિકાસ બ્રાહ્મી લિપિમાંથી થયો છે.
• બ્રાહ્મી લિપિના ઉદ્ભવને લઈને અનેક મત પ્રચલિત છે. કેટલાક વિદ્વાનો માને છે કે, તે સિંધુ લિપિમાંથી ઉદ્ભવી છે, તો અન્ય કેટલાક માને છે કે તેના પર અરમાઈક લિપિનો પ્રભાવ છે.
• મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં સૌપ્રથમ વખત બ્રાહ્મી લિપિમાં અભિલેખ લખાયા હતા.
• અશોકના મોટા ભાગના અભિલેખો (ઉત્તર-પશ્ચિમ ભારતને બાદ કરતા) બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે.
• બ્રાહ્મી લિપિ ડાબેથી જમણી તરફ લખાતી હતી.
• સૌપ્રથમ ઈ.સ. 1838માં જેમ્સ પ્રિન્સેપને આ લિપિને ઉકેલવામાં સફ્ળતા મળી.
• આગળ જતાં, બ્રાહ્મી લિપિ બે ભાગમાં વહેંચાઈ.
(1) ઉત્તરી શાખા : તેનો સંબંધ ઉત્તર ભારતની દેવનાગરી, ગુપ્ત, કુટિલ, શારદા વગેરે લિપિઓથી છે.
(2) દક્ષિણી શાખા : તેનો સંબંધ દક્ષિણ ભારતની ગ્રંથ, વઢેલુત્તુ, તમિલ, કદંબ વગેરે લિપિઓથી છે.
ખરોષ્ઠી લિપિ :
• તે બ્રાહ્મી લિપિને સમકાલીન હતી. જેમ્સ પ્રિન્સેપને જ સૌપ્રથમ આ લિપિને વાંચવામાં સફ્ળતા મળી હતી.
• ઈ.સ. પૂર્વે ૩ સદીથી ઈ.સ. ૩ સદી દરમિયાન ભારતીય ઉપખંડના ઉત્તર-પશ્ચિમ ભાગ ( વર્તમાન પાકિસ્તાન-અઘાનિસ્તાન )માં આ લિપિનો ઉપયોગ કરાતો હતો. આ ક્ષેત્ર ગાંધાર સંસ્કૃતિ સાથે જોડાયેલું હોવાથી તેને “ગાંધારી લિપિ” પણ કહે છે.
• સમ્રાટ અશોકના શાહબાજગઢી અને માનસેહરા ( વર્તમાન પાકિસ્તાન )માં આવેલા અભિલેખોમાં ખરોષ્ઠી લિપિનો ઉપયોગ કરાયો છે.
• આ લિપિના પ્રમાણો, સિક્કાઓ, મૂર્તિઓ, પથ્થરનાં શિલ્પો વગેરે પર પ્રાપ્ત થયા છે.
• મોટા ભાગે આ લિપિ જમણેથી ડાબી તરફ લખાતી હતી, પરંતુ કેટલાક અભિલેખોમાં તેને ડાબેથી જમણી તરફ પણ લખવામાં આવી હતી.
• કુલ 37 અક્ષરો ( વર્ણો ) ધરાવતી ખરોષ્ઠી લિપિમાં સ્વરોનો અભાવ છે, ઉપરાંત તેમાં માત્રાઓ અને સંયુક્તાક્ષરો પણ વપરાયા નથી.
ગુપ્ત લિપિ :
• તેનો ઉદ્ભવ બ્રાહ્મી લિપિમાંથી થયો છે.
• આ લિપિનો ઉપયોગ ગુપ્ત યુગમાં સંસ્કૃત લેખનકાર્ય માટે કરાતો હતો.
• ગુપ્તલિપિમાંથી જ દેવનાગરી, શારદા, ગુરુમુખી, બંગાળી જેવી લિપિઓનો ઉદ્ભવ થયો છે.
કુટિલ લિપિ :
• ગુપ્તલિપિનું જ પરિવર્તિત સ્વરૂપ મનાતી લિપિને આ “ન્યૂનકોણીય લિપિ” તથા “સિદ્ધ માતૃકા” લિપિ પણ કહેવામાં આવે છે.
• તેને “ઉત્તરી લિચ્છવી લિપિ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
• આ લિપિમાં અક્ષરો આડા-અવળા, અવ્યવસ્થિત રીતે લખાતા હોવાથી તેને “કુટિલ (જટિલ) લિપિ” કહે છે.
• આ લિપિ ઈ.સ. છઠ્ઠી સદીથી નવમી સદી સુધી પ્રચલનમાં રહી.
દેવનાગરી લિપિ :
• તેનો સંબંધ પ્રાચીન બ્રાહ્મી લિપિથી છે.
• સંસ્કૃત, હિંદી, પાલિ, ભોજપુરી, મૈથિલી, સંથાલી, કાશ્મીરી, ડોગરી, સિંધી, કોંકણી, મરાઠી, ગુજરાતી, નેપાળી, ગઢવાલી, બોડો જેવી અનેક ભાષાઓને વર્તમાનમાં દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે.
• તે વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી લિપિઓમાંની એક છે.
• આ લિપિ, ડાબેથી જમણી તરફ લખવામાં આવે છે.
• દેવનાગરી લિપિમાં ધ્વનિ અને અક્ષરોનો શ્રેષ્ઠ સમન્વય થયો હોવાથી તેને ખૂબ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક લિપિ કહી શકાય.
શારદા લિપિ :
• તેનો ઉદ્ભવ 8મી સદીમાં “ગુપ્ત લિપિ”માંથી થયો છે, જ્યારે તેનું મૂળ પ્રાચીન બ્રાહ્મી લિપિમાં રહેલું છે.
• કાશ્મીરી પંડિતોની કુળદેવી “શારદા”ના નામ પરથી આ લિપિ “શારદા લિપિ” તરીકે ઓળખાઈ.
• કાશ્મીરી પંડિતો, સંસ્કૃત અને કાશ્મીરી ભાષામાં લેખનકાર્ય માટે આ લિપિનો ઉપયોગ કરતા હતા.
• હાલમાં આ લિપિનો ઉપયોગ ખૂબ સીમિત છે, પરંતુ 8મી થી 10મી સદી દરમિયાન કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશના અનેક અભિલેખોમાં આ લિપિ પ્રચલનમાં હતી.
લન્ડા (Landa) લિપિ :
• તેનો ઉદ્ભવ 10મી સદીમાં શારદા લિપિમાંથી થયો છે. પંજાબી કાશ્મીરી સિંધી મોલુધ વગેરે ભાષાઓ લેખનકાર્ય લન્ડા લિપિમાં થાય છે.
ખોજકી લિપિ :
• વ્યાપારી સમુદાય ખોજા ઈસ્માલીઓ દ્વારા આ લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો ઉદ્ભવ લન્ડા લિપિ માંથી થયો છે.
ખુદબાદી લિપિ :
• આ લિપિનો સંબંધ બ્રાહ્મી લિપિ થી છે. તેનો ઉપયોગ સિંધી ભાષામાં લેખનકાર્ય માટે થાય છે. તેનો ઉદભવ ખુદાબાદ ( વર્તમાન પાકિસ્તાન ) માં થયો હોવાથી “ખુદાબાદી લિપિ” તરીકે ઓળખાય છે.
કલિંગ લિપિ :
• 7મી સદી થી 12મી સદી દરમિયાન કલિંગ પ્રદેશ ( આધુનિક ઓડિશા )માં જે લિપિનો ઉપયોગ થતો હતો તે “કલિંગ લિપ” તરીકે ઓળખાઈ.
• આ લિપિનો ઉપયોગ ઓડિશી (ઉડિયા) ભાષાના પ્રાચીન સ્વરૂપને લખવા માટે કરવામાં આવતો હતો.
• તેમાં ત્રણ શૈલી જોવા મળે છે. શરૂઆતના લેખોમાં મધ્યદેશીય અને દક્ષિણી પ્રભાવ જોવા મળે છે. જેમાં ચોરસ અક્ષરો (વર્ણ) છે, પરંતુ બાદમાં કન્નડ-તેલુગુ લિપિના પ્રભાવ હેઠળ ગોળાકાર અક્ષરો (વર્ણ) છે.
સંથાલી લિપિ :
• સંથાલી ભાષા એ ઓસ્ટ્રોએશિયાટિક ભાષા સમૂહના મુંડા ઉપ-પરિવારમાંની એક ભાષા છે.
• 19મી સદી સુધી સંથાલી એક મૌખિક ભાષા જ હતી.
• પરંતુ તાજેતરમાં પ્રોફેસર રઘુરામ મૂર્મુ દ્વારા સંથાલી ભાષા માટે એક “ઓલ ચિકી” લિપિની રચના કરાઈ હતી.
• સંથાલી ભાષા ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં વસતાં સંથાલી લોકો દ્વારા બોલવામાં આવે છે.
ગુરુમુખી લિપિ :
• આ લિપિનો ઉપયોગ પંજાબી ભાષામાં લેખનકાર્ય માટે થાય છે.
• શીખોના બીજા ધર્મગુરુ “ગુરુ અંગદ” દ્વારા આ લિપિનો વિકાસ કરાયો હતો.
• શીખ ધર્મના પવિત્ર ગ્રંથ “ગુરુ ગ્રંથ સાહિબ” (આદિગ્રંથ)ની રચના ગુરુમુખી લિપિમાં જ કરાયેલી છે.
શાહમુખી લિપિ :
• આ લિપિનો સૌપ્રથમ પ્રયોગ પંજાબમાં સૂફીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
• શાહમુખી લિપિને ઈરાની લિપિના પંજાબી સંસ્કરણ (આવૃત્તિ) તરીકે ઓળખવામાં આવે છે.
મોડી લિપિ :
• યદુવંશી મંત્રી હેમાદ્રી પંડિતે આ લિપિની શરૂઆત કરી હતી.
• આ લિપિનાં લેખનકાર્યમાં અક્ષરોના તોડ-મરોડના કારણે મોડી લિપિ કહેવામાં આવે છે.
• ઈ.સ. 1950 પહેલાં “મોડી લિપિ”નો ઉપયોગ મરાઠી ભાષાનાં લેખનકાર્યમાં થતો હતો.
• મરાઠા યુગમાં આ લિપિ પ્રચલનમાં હતી.
ગ્રંથ લિપિ :
• તે દક્ષિણ ભારતની પ્રાચીન લિપિઓમાંથી એક છે.
• તે બ્રાહ્મી મૂળની લિપિ છે.
• આ લિપિ ઈ.સ. છઠ્ઠી સદીથી વીસમી સદી દરમિયાન દક્ષિણ ભારતમાં વ્યાપકરૂપે ઉપયોગમાં લેવાતી હતી.
• દક્ષિણ ભારતના પાંડ્ય, પલ્લવ અને ચોલ શાસકોએ પોતાના અભિલેખોમાં આ લિપિનો ઉપયોગ કર્યો હતો.
• પલ્લવ શાસક નરસિંહ વર્મન પ્રથમના સમયમાં નિર્મિત મહાબલીપુરમના ધર્મરાજ રથ પર ગ્રંથ લિપિનું અંકન જોવા મળે છે.
• ઉપરાંત રાજસિંહના સમયમાં નિર્મિત કૈલાસ મંદિરમાં કોતરેલ શિલાલેખ પણ ગ્રંથ લિપિમાં છે.
• વર્તમાનમાં આ લિપિનો ઉપયોગ કેટલાક પરંપરાગત તમિલ હિંદુઓ દ્વારા કરવામાં આવે છે.
જાણવા જેવું
• મલયાલમ, તુલુ અને સિંહલ (શ્રીલંકા) લિપિ પર ગ્રંથ લિપિનો પ્રભાવ જોવા મળે છે.
• બર્માની મોનલિપિ, ઈન્ડોનેશિયાની જાવાઈ લિપિ અને ખ્મેર લિપિ પણ ગ્રંથ લિપિમાંથી જ ઉદ્ભવેલી છે.
વટ્ટેલુતુ લિપિ :
• તેનો ઉદ્ભવ બ્રાહ્મી લિપિમાંથી થયો છે.
• દક્ષિણ ભારતમાં તમિલ અને મલયાલમ ભાષા આ લિપિમાં લખવામાં આવે છે.
• વર્તમાનમાં તમિલ અને મલયાલમ બંને ભાષાઓ ગ્રંથ લિપિ પર આધારિત થઈ ગઈ છે.
કંદબ લિપિ :
• તેનો ઉદ્ભવ બ્રાહ્મી લિપિમાંથી થયો છે. ચોથી – છઠ્ઠી સદીમાં કદંબ વંશના શાસનકાળ દરમિયાન આ લિપિનો વિકાસ થયો હતો.
• કન્નડ ભાષાનું લેખનકાર્ય આ લિપિમાં થાય છે.
• કદંબ લિપિમાંથી જ આધુનિક કન્નડ-તેલુગુ લિપિઓનો વિકાસ થયો છે.
ઉર્દૂ લિપિ :
• તેનો ઉદ્ભવ અરેબિયન લિપિમાંથી થયો છે.
• તેનો ઉપયોગ ઉર્દૂ ભાષા ઉપરાંત પંજાબી અને સરખડી જેવી ભાષાઓનાં લેખનકાર્ય માટે પણ થાય છે.
• ઉર્દૂ લિપિ જમણેથી ડાબી તરફ લખાય છે.
ભારતી લિપિ :
• તાજેતરમાં IIT-મદ્રાસના સંશોધનકારોની ટીમે નવા ભારતીય ભાષાઓ માટે એક સામાન્ય લિપિનો વિકાસ કર્યો છે, જેને ભારતી લિપિ નામ અપાયું છે.
• ભારતી લિપિમાં 9 લિપિઓને એકૃત કરવામાં આવી છે. દેવનાગરી, બંગાળી, ગુમુખી, ગુજરાતી, ઉડિયા, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ,
• અંગ્રેજી અને ઉર્દૂ ભાષાની ધ્વનિઓ અલગ હોવાથી તેમનો સમાવેશ કરાયો નથી.
• સંશોધનકર્તાઓએ બહુભાષી ઓપ્ટિકલ અક્ષર ઓળખ (OCR)નો ઉપયોગ કરીને ભારતીય લિપિમાં દસ્તાવેજોને વાંચવા માટે એક પદ્ધતિ પણ શોધી છે.
• OCR માં દસ્તાવેજોને પહેલા ટેક્સ્ટ અને નોન ટેક્સ્ટમાં વિભાજિત કરવામાં આવે છે, પછી ટેક્સ્ટને ફકરો (પેરેગ્રાફ) – વાક્ય – શબ્દ – અક્ષરોમાં વિભાજિત કરવામાં આવે છે.
• IIT મદ્રાસના સંશોધનકર્તાઓએ “ભારતી લિપિ”ના વિકાસની પ્રેરણા યુરોપીયન ભાષાઓમાંથી લીધી છે, જ્યાં ઘણી યુરોપિયન ભાષાઓ માટે રોમન અક્ષર આધારિત એક જ લિપિ પ્રચલનમાં છે.
જાણવા જેવું
• સુલેખન (હસ્તલેખન કળા) એ મધ્યકાલીન ભારતનું એક મહત્ત્વપૂર્ણ કૌશલ હતું. ‘તલીક’, ‘નાલીક’ અને ‘શિક્ત’ એ ફારસી સુલેખનની શૈલીઓ હતી. અક્બરની પ્રિય લેખનશૈલી ‘નાલીક’ હતી.
• ઉત્તર-પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં બોલાતી ‘વાંચો’ ભાષાને સંરક્ષિત કરવાના ભાગરૂપે ભાષાવિદ્ વિદ્યાર્થી બાનવાંગ લોસૂને એક સ્વતંત્ર ‘વાંચો’ લિપિ વિકસિત કરી છે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.
– Education Vala