Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso

ભારતીય સંસ્કૃતિનો વિદેશોમાં પ્રસાર

Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso – સાંસ્કૃતિક વારસો

ભારતીય સંસ્કૃતિનો વિદેશોમાં પ્રસાર

પ્રાચીન કાળથી જ ભારતના લોકોએ વિશ્વના અન્ય ભાગો સાથે ગહન સંબંધો સ્થાપ્યા છે જેના પરિણામે લાંબા સમય ગાળાથી ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના વિદેશોમાં પ્રસાર માટે ભારતનું ભૌગોલિક સ્થાન, સામાજિક-વ્યવસ્થા, રાજકીય ઉદ્દેશો, ધર્મપ્રચારકો અને આર્થિક ગતિવિધિઓ જેવા કારકો જવાબદાર રહ્યાં છે. મેસોપોટેમિયા ખાતે ઉત્ખનન દરમિયાન સિંધુખીણ સભ્યતાની મોહરો અને કલાત્મક વસ્તુઓ મળી આવી છે, જે તત્કાલીન સમયમાં આ ક્ષેત્ર સાથે સામાજિક-આર્થિક સંબંધો હોવાનું સૂચવે છે. પ્રાચીન કાળથી જ ભારતીય વ્યાપારીઓ વ્યાપારના નવા અવસરોની શોધમાં વિશ્વના અનેક દેશોમાં ગયા. તેઓ પશ્ચિમમાં રોમથી લઈને પૂર્વમાં ચીન સુધી વ્યાપાર કરતા હતા. આ વ્યાપારીઓએ દુનિયાના દેશો સાથે વ્યાપારિક સંબંધો સ્થાપવાની સાથે-સાથે સાંસ્કૃતિક દૂતની ભૂમિકા પણ નિભાવી. સંસ્કૃતિના આદાન-પ્રદાનમાં પ્રાચીન વિશ્વવિદ્યાલયોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહી છે. અહીંની નાલંદા, તક્ષશિલા, વલ્લમી, વિક્રમશીલા જેવી વિશ્વવિદ્યાલયોમાં વિશ્વભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવતા હતા. તેઓ ધર્મ અને વિદ્યાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને પણ વિદેશોમાં લઈ ગયા. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે નાલંદા અને વલ્લભી વિશ્વવિદ્યાલયની મુલાકાત લઈને તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે.

મધ્ય એશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર

  • મધ્ય એશિયાના ક્ષેત્રોમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં રેશમ માર્ગ (સિલ્ક ફુટ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
  • આ માર્ગ પરથી પસાર થયેલાં વેપારીઓ, ભિક્ષુકો, ધર્મઉપદેશકો, વિદ્વાનો યાત્રા દરમિયાન જે સ્થળોએ રોકાયા, તે સ્થળો પર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.
  • ઉદાહરણ : યારકંદ, ખોતાન, મીરાન જેવાં સ્થળોથી પ્રાચીન સ્તૂપો, મઠો, મૂર્તિઓના પ્રમાણ મળી આવ્યાં છે.
  • ઈ.સ. પૂર્વેની બીજી-ત્રીજી સદીમાં અફઘાનિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ખરોષ્ઠી અને અરમાઈક લિપિમાં લખાયેલ અશોકના અભિલેખો મળી આવ્યા છે.
  • ઈ.સ.ની શરૂઆતની સદીઓમાં અફઘાનિસ્તાનનું કંદહાર ક્ષેત્ર બૌદ્ધ ધર્મનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું.
  • અફઘાનિસ્તાનના બામિયાન ખાતે ખડકોને કાપીને વિશ્વની સૌથી મોટી બુદ્ધની મૂર્તિ બનાવવામાં આવી હતી.
  • આમ કહી શકાય કે સિલ્ક રૂટ થકી ધર્મ અને દર્શન, આસ્થા અને વિશ્વાસ, ભાષા અને સાહિત્ય તથા કળા અને સંસ્કૃતિનો પ્રસાર થયો.

સિલ્ક રૂટ (રેશમ માર્ગ)

  • સિલ્ક રૂટનો વિકાસ ઈ.સ. પૂર્વેની બીજી સદીમાં ચીનના હાન વંશના શાસનમાં થયો હતો. ચીને મધ્ય એશિયા સાથે વ્યાપારિક ગતિવિધિઓને ઝડપી અને સરળ બનાવવા માટે આ માર્ગ વિકસાવ્યો હતો.
  • આ માર્ગથી ચીનમાંથી રેશમનો વ્યાપાર થતો હોવાથી તે સિલ્ક રૂટ તરીકે ઓળખાયો.
  • રેશમ માર્ગ ચીન, મધ્ય એશિયા, ઉત્તર ભારત, ઈરાન, ઈરાક અને સીરિયા થઈને રોમ સુધી પહોંચતો હતો. બૌદ્ધ ધર્મને વૈશ્વિક ઓળખ આપવામાં તેનું મુખ્ય યોગદાન છે.
  • ભારતમાં પણ ઈ.સની શરૂઆત સદીઓમાં કુષાણ વંશના શાસકોએ આ માર્ગ પર નિયંત્રણ સ્થાપીને ભારતના આર્થિક-સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપ્યું હતું.
  • આ માર્ગ પૂર્વ અને પશ્ચિમ વિશ્વ વચ્ચે આર્થિક-સંસ્કૃિતિક આદાન-પ્રદાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
  • ઈ.સ. 2014માં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું છે.

રોમમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર

  • ભારત અને રોમ વચ્ચેના વ્યાપારિક સંપર્કોની વાસ્તવિક શરૂઆત ઈ.સ. પૂર્વે 20માં રોમન સમ્રાટ ઓગસ્ટ્સના સમયમાં થઇ હતી.
  • પાડ્ય વંશના એક રાજાએ “ઓગસ્ટ્સ”ના દરબારમાં પોતાના દૂત મોકલ્યા હતા.
  • ભારત-રોમ વચ્ચેના વ્યાપારની માહિતી મેગસ્થનીઝની “ઈન્ડિકા“, પ્લિનીની “નેચરલ હિસ્ટ્રી” અને ટોલેમીના “જ્યોગ્રાફી” જેવા ગ્રંથોમાંથી મળી આવે છે.
  • રોમ સાથેના વેપારને અવરોધમુક્ત બનાવવા માટે ભારતના પશ્ચિમી તટ પર “બારીગાઝા” (ભરૂચ) અને “સોપારા” (મુંબઈ) જેવાં બંદરો વિકસાવવામાં આવ્યાં હતાં.
  • ઈ.સ.ની પ્રથમ ત્રણ સદીઓમાં ભારતનો રોમ સાથે લાભપ્રદ વેપાર ચાલતો હતો. જેના પ્રમાણ કોઈમ્બતુર અને મદુરાઈમાંથી પ્રાપ્ત રોમન સિક્કાઓ પરથી મળી આવે છે.
  • રોમનક્ષેત્રમાં હાથીદાંત, મલમલ કાપડ, કાળામરી, લાકડુ, ચંદન, તાંબા-લોખંડની વસ્તુઓ, સુતરાઉ કાપડ વગેરે જેવી ભારતીય વસ્તુઓની માગ હતી.
  • જ્યારે ભારત સોનું, આલ્કોહોલ, રોમન સિક્કા વગેરેની આયાત કરતું હતું.
  • રોમન અને મધ્યએશિયા સાથે સંપર્ક થકી ભારતમાં મૂર્તિકળાની એક નવી રીતીનો જન્મ થયો, ગાંધારકળા મિશ્રિત આ શૈલી “ભારતીય-યુનાની” કળા શૈલી તરીકે ઓળખાઈ. આ શૈલીમાં બુદ્ધની અનેક મૂર્તિઓ બનાવાઈ.

પૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર

ચીન

  • ઈ.સ.ની બીજી સદીમાં ભારત અને ચીનના પરસ્પર સંપર્કની શરૂઆત થઈ.
  • ચીનના સમ્રાટ મિંગ તિના આમંત્રણ પર ભારતના બે ધર્માચાર્યો ધર્મરક્ષિત અને કશ્યપ માતંગ ચીન પહોંચ્યા હતા. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે વિદ્વાનો નો પ્રવાસ સતત ચાલતો રહ્યો.
  • ભારતના પ્રવાસે આવેલા ચીની યાત્રીઓએ ભારતીય સંસ્કૃતિનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
  • ચીન પહોંચેલા આચાર્ય કુમારજીવને ચીની સમ્રાટે સંસ્કૃત ગ્રંચીનો ચીની ભાષામાં અનુવાદ કરવાનો અનુરોધ કર્યો હતો.
  • કાજીપુરમના વિદ્વાન “બોધિધર્મ” નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ ચીન ગયા. તેઓ પોતાની સાથે “યોગ દર્શન” લઈ ગયા. તેમણે ચીનમાં “ધ્યાન” (મનન)નો પ્રચાર કર્યો, જે પાછળથી “ચાન્‘ તરીકે ઓળખાયું.
  • ચોથી સદીમાં ચીનના “વેઈ” વંશના પ્રથમ રાજા બૌદ્ધ ધર્મને રાજાધર્મ ઘોષિત કર્યો હતો. આ સમય ગાળામાં અનેક સંસ્કૃત ગ્રંથાનો ચીની ભાષામાં અનુવાદ કરાયો હતો.
  • હ્યુ-એન-ત્સાંગ, ફાહિયાન અને ઈત્સિંગ જેવા ચીની મુસાફરો ભારતના પ્રવાસ દરમિયાન બૌદ્ધ ધર્મ સંબંધિત ગ્રંથો, પાંડુલિપિ (હસ્તપ્રતો)નો સંગ્રહ કરીને ચીન લઈ ગયા હતા.

કોરિયા

  • કોરિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રવેશ ચીન મારફ્તે થયો.
  • સૌપ્રથમ સુન્દો નામના એક બૌદ્ધ ભિક્ષુ બુદ્ધની મૂર્તિ અને સૂત્ર લઈને ઈ.સ. 352માં કોરિયા પહોંચ્યા. ઉપરાંત ઈ.સ. 384માં આચાર્ય મલ્લાનંદ કોરિયા પહોંચ્યા.
  • ત્યારબાદ અનેક ભારતીય વિદ્વાનો અને શિક્ષકો પહોંચ્યા. તેઓ પોતાની સાથે ધર્મ, દર્શન, મૂર્તિકળા, ચિત્રકળા, ધાતુવિજ્ઞાન વગેરે વિષયોનું જ્ઞાન પણ લઈ ગયા.
  • કોરિયામાં બનેલાં મંદિર અને બૌદ્ધ ધર્મના વિહારો જ્ઞાનના કેદ્ર બન્યાં. અહીં મોટી સંખ્યામાં બૌદ્ધ ગ્રંથોનો કોરિયાની ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. ઈ.સ. 8-9મી સદીમાં ભારતનું “યોગ” દર્શન કોરિયા પહોંચ્યું

જાપાન

  • ઈ.સ. છઠ્ઠી સદીમાં ભારતીય સંસ્કૃતિનો જાપાનમાં પ્રવેશ થયો.
  • તત્કાલીન કોરિયાના સમ્રાટે જાપાનના સમ્રાટને બૌદ્ધ મૂર્તિઓ, સૂત્ર, કલાકૃતિ, વગેરે જેવી ચીજવસ્તુઓ સોંપી, ઉપરાંત અનેક મૂર્તિકારો, સ્થાપત્યકારોને પણ જાપાન મોકલ્યા
  • તત્કાલીન જાપાનમાં બૌદ્ધ ધર્મએ રાજધર્મ ઘોષિત કરાયો.
  • જાપાનમાં સંસ્કૃતને પવિત્ર ભાષાનું સ્થાન પ્રાપ્ત થયું. ભિક્ષુકો સંસ્કૃત શબ્દો-મંત્રો લખવા માટે જે લિપિ પ્રયોગ કરતા હતા, તે જાપાનીમાં “શિતન્” તરીકે ઓળખાઈ.

તિબેટ

  • તિબેટ સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધો પ્રાચીન કાળથી જ જોડાયેલા હતા.
  • તિબેટના રાજા નરદેવે પોતાના મંત્રી “થોન્મી સંભોટ” સાથે 16 વિદ્વાનોને મગધ મોકલ્યા હતા.
  • થોન્મી સંભોટે ભારતીય લિપિના આધારે તિબેટમાં એક નવી લિપિ પ્રચલિત કરી
  • થોન્મી સંભોટે તિબેટના લોકો માટે નવા વ્યાકરણની રચના કરી. જે પાણિની દ્વારા લિખિત સંસ્કૃત વ્યાકરણ પર આધારિત મનાય છે.
  • આચાર્ય અતીશ (ઉપનામ : દિપંકર શ્રીજ્ઞાન, વિક્રમશીલા વિદ્યાપીઠના આચાર્ય), 11મી સદીમાં તિબેટ ગયા હતા તથા ત્યાં બૌદ્ધ ધર્મનો સશક્ત પાયો નાખ્યો.
  • પરિણામે તિબેટમાં બૌદ્ધ ધર્મની વ્રજયાન અથવા લામાવાદ શાખાનો વિકાસ થયો.

દક્ષિણ પૂર્વ રશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર

શ્રીલંકા

  • ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોની શરૂઆત મૌર્ય યુગમાં શરૂ થઈ.
  • મૌર્ય યુગના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર મહેન્દ્ર વર્મન અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોક્લ્યાં હતાં.
  • આગળ જતાં શ્રીલંકા બૌદ્ધ ધર્મનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું, શ્રીલંકામાં સાહિત્યિક રચનાઓમાં પાલી ભાષાનો પ્રયોગ થવા લાગ્યો. “દીપવંશ” અને “મહાવંશ” એ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના જાણીતા સ્રોત છે.
  • બૌદ્ધ ધર્મની દક્ષિણી અનુશ્રુતિ તરીકે “સિંહાલી સાહિત્ય“ને માનવામાં આવે છે.
  • બૌદ્ધ ધર્મની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિના અન્ય પક્ષો (જેમ કે ચિત્રકળા, નૃત્યકળા, લોકગીતો, સ્થાપત્યકળા) પણ શ્રીલંકા પહોંચ્યા. શ્રીલંકામાં “સિગીરિયા” નામની ગુફાવિહારમાં ચિત્રકળાના શ્રેષ્ઠ નમૂના પ્રાપ્ત થયા છે. અહીં બનેલાં ભીતચિત્રો પર ભારતની અમરાવતી કળા શૈલીનો પ્રભાવ જોવા મળે છે.
  • નવમી સદીમાં દક્ષિણ ભારતમાં ચોલ શાસનની સ્થાપનાને કારણે શ્રીલંકાના ઉત્તર ભાગમાં હિંદુ ધર્મ-સંસ્કૃતિ અને તમિલ ભાષાનો પ્રચાર થયો, જ્યારે દક્ષિણ શ્રીલંકામાં સિંહાલી ભાષા અને બૌદ્ધ ધર્મની પ્રધાનતા રહી.

ઈન્ડોનેશિયા

  • ઈ.સ.ની શરૂઆતથી જ ભારતીય વ્યાપારી મસાલા અને સોનાના ભંડારો માટે જાણીતા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વ્યાપાર કરતા હતા.
  • ભારત-ઈન્ડોનેશિયાના ઐતિહાસિક-સાંસ્કૃતિક સંબંધોમાં જાવા, સુમાત્રા, બાલી વગેરે દ્વીપોનું વિશેષ મહત્ત્વ છે.
  • ઈ.સ. 4-5મી સદીના લેખોમાંથી પ્રમાણ મળે છે કે, તત્કાલીન જાવામાં તારુમાં નામના હિંદુ રાજવંશનું શાસન હતું.
  • શૈલેન્દ્રવંશ સુમાત્રા શાસનકાળને ઈન્ડોનેશિયાનો સુવર્ણયુગ માનવામાં આવે છે. આ વંશના રાજાઓએ પોતાના સામ્રાજ્યમાં બૌદ્ધ વિહાર અને મંદિરો બંધાવ્યાં હતાં. સાતમી સદીમાં ચીની યાત્રી ઈત્સિંગ શ્રીવિજય સામ્રાજ્ય (સુમાત્રા)માં થઈને ભારત આવ્યા હતા. તેમણે પોતાની પ્રવાસ નોંધમાં આ સામ્રાજ્યની સમૃદ્ધતા તથા બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન વિશેનો ઉલ્લેખ કર્યો છે.
  • ઈ.સ. 8-9મી સદીમાં ઈન્ડોનેશિયાના જાવા દ્વીપના બોરોબુદુરમાં વિશ્વના સૌથી વિશાળ બૌદ્ધ સ્તૂપનું નિર્માણ થયું હતું. પિરામિડ આકારના આ બૌદ્ધ સ્તૂપ પર ભારતીય સ્થાપત્યકળાનો પ્રભાવ જોવા મળે છે.
  • 9મી સદીમાં જાવા દ્વીપ પર સૌથી મોટા શિવમંદિરનું નિર્માણ થયું હતું, તેને “પંબન” તરીકે ઓળખવામાં આવે છે.
  • જ્યાં દ્વીપ ખાતેથી તાડપત્રો પર લખાયેલી પાંડુલિપિઓ મળી આવી છે, જે જાવાની પ્રાચીનલિપિ “કાવિ“માં લખાયેલી છે. આ “કાવિ” લિપિનો મૂળ આધાર ભારતની બ્રાહ્મી લિપિ જ છે.

મ્યાનમાર (બર્મા)

  • ભારતમાંથી માનમાર જઈને વસેલા વ્યાપારીઓ, બ્રાહ્મણ, કલાકારો અને વિદ્વાનોએ મ્યાનમારમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં યોગદાન આપ્યું.
  • અહીંના “પ્યુ” નગરમાંથી ઉત્ખનન દરમિયાન ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ધરાવતા સિક્કાઓ, હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તથા બુદ્ધની મૂર્તિઓ મળી આવી છે.
  • બર્માનું “પગાન” 11-12મી સદી સુધી બીદ્ધ સંસ્કૃતિનું મહાન કેન્દ્ર બન્યું હતું. અહીંનો પ્રતાપી રાજા અનિરુદ્ધ હતો. તેણે પાલી ભાષાને પ્રોત્સાહન આપ્યું તથા બૌદ્ધ અને હિંદુ ધાર્મિક ગ્રંથોનો પાલી ભાષામાં અનુવાદ પણ કરાવ્યો હતો.

કમ્બોડિયા (કંબોજ)

  • કમ્બોડિયા (પ્રાચીન કુઆન અને કંબોજ ક્ષેત્ર)ને “કંપૂચિયા” નામથી પણ ઓળખવામાં આવે છે.
  • ઈ.સ.ની પ્રથમ સદીમાં કંબોજમાં ભારતીય મૂળના “કૌન્ડિન્ચ” વંશનું શાસન હતું.
  • ઈ.સ.ની 12મી સદીમાં કમ્બોડિયાની રાજધાનીમાં ભગવાન વિષ્ણુને સમર્પિત વિશ્વનું સૌથી મોટું “અંકોરવાટ“નું મંદિર બંધાવ્યું. ઊંચા ચબૂતરા પર નિર્મિત આ મંદિરની દીવાલો પર રામાયણ અને મહાભારતનાં ચિત્ર કોતરાયેલા છે. તેમાં સૌથી મોટું ચિત્ર સમુદ્રમંથનનું છે.
  • કમ્બોડિયાના યશોધરપુરમાં એક ભવ્ય મંદિર “બાહુઓન“નું નિર્માણ કરાયું હતું. આ મંદિરની દીવાલો પર મહાકાવ્યો આધારિત ચિત્રો કોતરાયેલાં છે.
  • પ્રાચીન કંબોજમાં બધાં જ વહીવટી કાર્યો હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર થતાં હતાં તથા બ્રાહ્મણોને ઊંચાં પદો પર નિયુક્ત કરવામાં આવતા. 14મી સદી સુધી આ ક્ષેત્રમાં સંસ્કૃત ભાષાએ રાજભાષા તરીકેનું સ્થાન શોભાવ્યું.
  • આજે પણ કમ્બોડિયામાં મહિનાઓનાં નામ ચેત (ચૈત્ર), વિસાક (વૈશાખ), જેશ (જેઠ) વગેરે પ્રચલનમાં છે, જે ભારતીય મહિનાઓનાં જ અપભ્રંશ નામો છે.

વિયેતનામ (ચમ્પા)

વિયેતનામ (ચમ્પા)

મલેશિયા

  • રામાયણ, જાતકકથાઓ, મિલિન્દપન્હો, શિલપ્પાદિકારમ્ જેવા ગ્રંથોમાં મલેશિયાનો ઉલ્લેખ મળી આવે છે. અહીં કેદાહ પ્રાંતમાં શૈવ ધર્મ પ્રચલિત હતો.
  • ઉપરાંત અહીંથી ત્રિશૂળ ધારણ કરેલ દેવીઓની મૂર્તિ, દુર્ગામૂર્તિ, ગણેશ વગેરે અહીંથી મળી આવ્યા છે.
  • ભારત-મલેશિયાના સાંસ્કૃતિક સંબંધોને દર્શાવતું સૌથી પ્રાચીન પ્રમાણ અહીંથી પ્રાપ્ત “લિગોર“નો શિલાલેખ છે, જે સંસ્કૃતમાં લિખિત છે.
  • પ્રાચીન કાળમાં મલેશિયામાં બ્રાહ્મીલિપિના જ એક અન્ય સ્વરૂપનો લેખનકાર્ય પ્રયોગ થતો હતો.
  • આજે પણ અહીં બોલાતી ભાષાના ઘણા ખરા શબ્દો સંસ્કૃતભાષામાંથી લીધેલા છે.

થાઈલેન્ડ (સિયામ)

  • થાઈલેન્ડનું પ્રાચીન નામ “સિયામ” હતું. આ દેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રવેશ ઈ.સ.ની શરૂઆતની સદીઓમાં થયો. અનેક વ્યાપારીઓ, ધર્મપ્રચારકો અને વિદ્વાનો મારફ્તે ભારતીય સંસ્કૃતિ અહીં પહોંચી.
  • થાઈલેન્ડના અનેક નગરોનાં નામ પર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રભાવ જોવા મળે છે.
  • ઉદાહરણ : કાંચનબુરી, રાજગુરી, લોબપુરી વગેરે.
  • ઈ.સ.3-4થી સદીમાં અહીં અનેક હિંદુ મંદિરો અને બૌદ્ધ મંદિરોનું નિર્માણ થયું. આજે પણ બેંગકોકમાં 400થી વધુ મંદિરો આવેલાં છે. વર્તમાનમાં પણ થાઈલેન્ડના શાસકની રાજ્યાભિષેકવિધિ બ્રાહ્મણ પુરોહિત દ્વારા જ કરવામાં આવે છે.

પશ્ચિમ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર

  • પ્રાચીન કાળથી જ સ્થળ અને સમુદ્ર માર્ગ દ્વારા પશ્ચિમ એશિયા સાથે ભારતનો સંપર્ક જળવાઈ રહેલો છે.
  • ઈ.સ. નવમી સદીના મધ્યમાં અનેક અરબ વ્યાપારીઓ તથા યાત્રીઓ (જેમ કે સુલેમાન, અલ-મસૂદી, અલ ઈદરિસી) ભારતમાં આવ્યા હતા, જેમણે પોતાના યાત્રાવૃત્તાંતોમાં બંને ક્ષેત્રો વચ્ચેના સાંસ્કૃતિક-આર્થિક આદાન-પ્રદાનનો ઉલ્લેખ કર્યો છે.
  • બ્રહ્મસ્કુટ સિદ્ધાંત” (અરબીમાં “સિંધિન“), “ખંડનખાદ્ય” (અરબીમાં “અરકંદ“) તથા આર્યભટ્ટ અને વરાહમિહિરના ખગોળવિજ્ઞાન સંબંધિત ગ્રંથોનો આરબના વૈજ્ઞાનિક સાહિત્યમાં સમાવેશ કરાયો.
  • અરબ સભ્યતાને ભારતનું એક અન્ય મહત્ત્વપૂર્ણ યોગદાન ગણિતક્ષેત્રનું હતું. આરબ વિદ્વાનો ગણિતશાસ્ત્રને “હિંદિસા“(ભારતથી સંબંધિત) તરીકે ઓળખાવતા હતા.
  • 10-13મી સદીના અનેક અરબી સ્ત્રોતો પરથી પ્રમાણ મળે છે કે ચિકિત્સા અને ઔષધિ વિજ્ઞાનક્ષેત્રના અનેક ભારતીય ગ્રંથોનો અરબીમાં અનુવાદ કરાયો.
  • ઉદાહરણ : “સુશ્રુતસંહિતા“નો અરબી અનુવાદ “મંખ” તરીકે થયો હતો.
  • ઉપરાંત આજે પ્રચલનમાં રહેલા અનેક અરબી શબ્દો ભારતીય મૂળના છે.
  • ઉદાહરણ : બનવી (બનિયા કે વણિક), હૂર્તિ (નાની હોડી), ડોબીજ (ડોંગી) વગેરે.

www.educationvala.com

Leave a Comment

error: Content is protected !!