Bharatma sikkaono itihas – sanskrutik varso – સાંસ્કૃતિક વારસો

ભારતમાં સિક્કાઓનો ઈતિહાસ
- માનવ સભ્યતાના વિકાસના પ્રારંભિક ચરણમાં વિવિધ આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓ માટે વસ્તુવિનિમય પ્રણાલી અસ્તિત્વમાં હતી, પરંતુ જેમ-જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકોની જરૂરિયાતો અને ગતિવિધિઓમાં વિસ્તાર થતો ગયો, જેના લીધે વસ્તુ વિનિમય પ્રણાલીમાં મુશ્કેલી આવવા લાગી. પરિણામે કોડીઓથી વેપાર કરવાની શરૂઆત થઈ.
- આગળ જતાં, કોડીઓનું સ્થાન સિક્કાઓએ લીધું. સિક્કાઓના પ્રચલને પ્રાચીન કાળથી લઈને વર્તમાન સુધી વેપાર પ્રવૃત્તિમાં મહત્ત્વપૂર્ણ સ્થાન જાળવી રાખ્યું છે.
- આમ, માનવ ઈતિહારાની ઘણી શોધોમાંથી એક મહત્ત્વની શોધ એટલે “સિક્કા અથવા નોટ (Paper Currency)ની શોધ”.
- એવું માનવામાં આવે છે કે સિક્કાનો સૌપ્રથમ ઉપયોગ ચીન (ઈ.સ. પૂર્વેની 7મી સદી)માં શરૂ થયો હતો.
- ભારતમાં સિક્કાનું પ્રચલન ઈ.સ. પૂર્વની 5મી સદીમાં શરૂ થયું હોવાનાં પ્રમાણ મળી આવે છે. શરૂઆતમાં સિક્કા હાથથી બનાવવામાં આવતા હતા તથા તે કોઈ પ્રમાણિત આકાર કે ડિઝાઈન ધરાવતા નહોતા.
સિક્કાઓનું મહત્ત્વ
- સિક્કાઓ પરથી વિવિધ રાજવંશોનો ઈતિહાસ જાણી શકાય છે.
- તેનો ઉપયોગ દાન-દક્ષિણા આપવા, વેતન ચૂકવવા, ચીજવસ્તુઓના ખરીદ વેચાણ માટે કરવામાં આવતો હતો. આમ, આ સિક્કાઓ આર્થિક ઈતિહાસ પર પણ પ્રકાશ પાડે છે.
- શાસકોની સંમતિથી ઘણા વ્યાપારી સંઘોએ પણ પોતાના સિક્કા ચલણમાં મૂકયા હતા. આમ, તે વ્યાપારિક પ્રવૃત્તિઓની ઉન્નત અવસ્થાને દર્શાવે છે.
- સિક્કાઓ પર રાજવંશો અને દેવતાઓના ચિત્ર, ધાર્મિક પ્રતિકો અને લેખ અંકિત થયેલ છે, જે તત્કાલીન સમયની કલા-સંસ્કૃતિ અને ધાર્મિક સ્થિતિની જાણકારી આપે છે.
જાણવા જેવું
“સિક્કા” (coin) શબ્દ લેટિન ભાષાના શબ્દ “ક્યૂનસ” પરથી ઊતરી આવ્યો છે.
“રૂપિયા” (Rupee) શબ્દ સંસ્કૃત ભાષાના શબ્દ “રુપ્યા” પરથી ઊતરી આવ્યો છે.
સિક્કા, નોટ (પેપર મની) વગેરેના સંગ્રહ અને અભ્યાસને “સિક્કા શાસ્ત્ર” કે “મુદ્રાશાસ્ર” (Nunismatics) કહે છે.
પંચમાર્ક સિક્કા
- ભારતમાં ધાતુના સિક્કાઓનું સૌપ્રથમ ચલાણ ઈ.સ. પૂર્વેની 5-6 સદી દરમિયાન જોવા મળે છે, જે ઈ.સ. પૂર્વેની 2જી સદી સુધી ચલણમાં રહ્યા.
- “મહાજનપદ“ના સમયમાં આ સિક્કાઓ શરૂઆતમાં વ્યાપારી સંધો દ્વારા અને આગળ જતા શાસકો દ્વારા ચલણમાં લેવામાં આવ્યા હતા.
- મોટા ભાગના સિક્કાઓ ચાંદીમાંથી બનાવવામાં આવ્યા હતા તથા તેના પર વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, માછલી, આખલો, ભૌમિતિક આકારો, હાથી વગેરે જેવાં પ્રતીકો અંક્તિ કરવામાં આવતાં હતા. આ પ્રતીકો અંકિત કરવા માટે સિક્કાઓ પર અલગ-અલગ પંચ (થપ્પા) લગાવવામાં આવતા હતા. આથી તે “પંચમાર્ક” અથવા “આહત” સિક્કા તરીકે ઓળખાયા. આ સિક્કાઓ આકાર અને વજનમાં અનિયમિત હતા.
- સૌપ્રથમ આ સિક્કાઓનું પ્રચલન પૂર્વી ઉત્તર પ્રદેશ અને મગધ (બિહાર)માં શરૂ થયું, જેનાથી વેપાર-વાણિજિયક ગતિવિધિઓન પ્રોત્સાહન મળ્યું.
- મનુસ્મૃતિ બૌદ્ધ જાતકકથાઓ અને અનેક પાલિ ગ્રંથોમાં આ સિક્કાઓ વિશેનો ઉલ્લેખ મળી આવે છે.
- મૌર્યકાળ દરમિયાન ચાણક્યના ગ્રંથ, અર્થશાસ્ત્રમાં સોનું, ચાંદી, તાંબું અને સીસું એમ ચાર ધાતુના મિશ્રણથી બનાવેલા સિક્કાઓનો ઉલ્લેખ કરાયો છે. આ સિક્કાઓ “કાર્ષાપણ” તરીકે ઓળખાતા હતા.
જાણવા જેવું
- વૈદિક ગ્રંથોમાં “નિષ્ક” અને “શતમાન” શબ્દ સિક્કાના નામ તરીકે પ્રચલિત હતા.
- ધાતુના સૌપ્રથમ સિક્કા ગૌતમ બુદ્ધના સમયમાં ચલણમાં આવ્યા, જે “પંચમાર્ક” કે “આહત સિક્કા” તરીકે ઓળખાયા.
હિંદ-યુનાની (ઈન્ડો-બેક્ટ્રેરિયન) સિક્કા
- હિંદ-યુનાની એ ભારતમાં આવનાર સૌપ્રથમ વિદેશીઓ હતા. તેમણે ઈ.સ. પૂર્વેની 2જી સદીમાં હિંદુકુશ પર્વતને પાર કરીને પશ્ચિમોતર ભારતના વિશાળ ક્ષેત્રને પોતાના નિયંત્રણમાં લીધું.
- તેમનો શાસનકાળ ઈ.સ.પૂર્વેની 2જી સદીથી ઈ.સ. 10મી સદી સુધીનો હતો. હિંદ-યુનાની સિક્કાઓ પર શરૂઆતમાં યુનાની (ગ્રીક) દેવી-દેવતાઓની અને આગળ જતા ભારતીય દેવી-દેવતાઓની આકૃતિઓ જોવા મળે છે.
- આ સિક્કાઓ પર રાજાનું ચિત્ર, તેમના સંબંધિત માહિતી ઉપરાંત સિક્કા ચલણમાં આવ્યાનું વર્ષ વગેરે જેવી માહિતી અંકિત કરવામાં આવતી.
- હિંદ-યુનાની સિક્કાઓમાં સામેની બાજુએ યુનાની ભાષા અને પાછળની બાજુએ પાલી ભાષા (ખરોષ્ઠી લિપિ)નો ઉપયોગ થતો.
જાણવા જેવું
- ભારતમાં સૌથી પહેલાં સોનાના સિક્કા હિંદ યુનાનીઓએ જ શરૂ કર્યા હતા.
- આ ઉપરાંત તેમણે ચાંદી, તાંબું, નિકલ, સીસાના સિક્કા પણ બનાવ્યા હતા.
કુષાણકાલીન સિક્કા
- કુષાણકાલીન સિક્કાઓ પર યુનાની, મેસોપોટેમિયન, જોરાસ્ટ્રિયન ઉપરાંત ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત આકૃતિઓ જોવા મળે છે.
- ભારતીય દેવતાઓમાં મુખ્યરૂપથી શિવ, વાસુદેવ, બુદ્ધ અને કાર્તિકેયનાં ચિત્રો કુષાણવંશના સિક્કાઓ પર જોવા મળે છે.
- કુષાણોએ પ્રચલિત કરેલ સિક્કાઓ પર એક બાજુએ રાજાનું ધડ સુધીનું શરીર અને બીજી બાજુએ રાજાના ઈષ્ટદેવતાનું ચિત્ર અંકિત કરાયેલ હતું.
- ભારતમાં સૌપ્રથમ કુષાણોએ જ મોટા પ્રમાણમાં “સોનાના સિક્કા” પ્રચલિત કર્યા હતા તથા આ સિક્કાઓની ગુણવત્તા શ્રેષ્ઠ હતી. આ સિક્કા પર રોમન પ્રભાવ જોવા મળે છે.
શકકાલીન સિક્કા
- હિંદ-યુનાનીઓ પછી શકો ભારતમાં આવ્યા હતા, પરંતુ તેમણે યુનાનીઓ કરતાં પણ વિશાળ ભાગ પર પોતાનું નિયંત્રણ સ્થાપ્યું.
- શકોએ પશ્ચિમ ભારતમાં સૌથી લાંબા સમય સુધી સત્તા સ્થાપી હતી. અહીં સ્થાનિક રીતે તેઓ “શક-ક્ષત્રપ“તરીકે ઓળખાયા.
- સૌથી વિખ્યાત શક-ક્ષત્રપ રાજા રુદ્રદામન પ્રથમ(ગુજરાત) હતો.
- શક-ક્ષત્રપોને ગુજરાતના દરિયાકિનારેથી થતાં સમુદ્ર વેપારથી સારો લાભ મળ્યો હતો અને મોટા પ્રમાણમાં ચાંદીના સિક્કા ઉપરાંત તાંબાના સિક્કા ચલણમાં મૂક્યા હતા.
- આ સિક્કાઓ પર પ્રાકૃત ભાષાનો અને બ્રાહ્મી, ખરોષ્ઠી, ગ્રીક લિપિનો ઉપયોગ કરાયો હતો.
સાતવાહનોના સિક્કા
- મૌર્ય સામ્રાજ્યના ઉત્તરાધિકારી તરીકે દખ્ખણ અને મધ્ય ભારતમાં સાતવાહન વંશની સત્તા સ્થપાઈ તેમના શાસનકાળ ઈ.સ. પૂર્વે 275 થી ઈ.સ.ની 2જી સદી સુધીનો હતો.
- સાતવાહન રાજાઓએ સોનું અને ચાંદીનો ઉપયોગ બહુમૂલ્ય ધાતુ તરીકે કર્યો હોવાથી આ ધાતુના સિક્કા ઓછા પ્રમાણમાં ચલણમાં મૂક્યા.
- તેમણે મોટા ભાગે સિક્કા બનાવવા માટે સીસાનો ઉપયોગ કર્યો હતો.
- તેમણે “પોટીન” (ચાંદી-તાંબાનું મિશ્રણ ધરાવતાં) તરીકે ઓળખાતા સિક્કા પણ ચલણમાં મૂક્યા. આ સિક્કાઓ પર હાથી, સિંહ, ઘોડા, રૂપનાં પ્રતીકો અંકિત કરાયા હતાં.
- સાતવાહન શાસકોના સિક્કા આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાંથી મળી આવ્યા છે, જે તેમની વ્યાપારિક પ્રવૃત્તિઓના વિસ્તારને દર્શાવે છે.
- સાતવાહન શાસકો ભારતીય મૂળના એવા પ્રથમ શાસકો હતા જેમણે શાસકોનાં ચિત્રો સાથેના પોતાના સિક્કા જારી કર્યા હતા. આ પ્રથાની શરૂઆત ગૌતમીપુત્ર શાતકર્ણીએ કરી હતી. તેણે આ પ્રથા પશ્ચિમી ક્ષેત્રો (શકો)ને પરાજિત કર્યા બાદ તેમની પાસેથી મેળવી હતી.
- સાતવાહનના સિક્કા કોઈ પણ પ્રકારની સૌંદર્યતા કે ક્લાત્મકતા ધરાવતા નહોતા.
જાણવા જેવું
- રાજા યજ્ઞ શ્રીશાતકર્ણીએ પ્રચલિત કરેલ સિક્કાઓ પર જહાજનાં ચિત્રો અંકિત છે.
- સાતવાહન શાસકોના સિક્કાઓ પર મોટા ભાગે પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો છે. તે સિવાય કન્નડ, તમિલ, તેલુગુનો ઉપયોગ પણ થયો છે.
- ઉપરાંત કેટલાક સિક્કાઓ પર “ઉજ્જૈન પ્રતીક” (ચાર રેખાઓના પરસ્પર છેદથી બનતાં ક્રોસ અને તેને ચાર છેડે ચાર ચક્રો)નો ઉપયોગ પણ કર્યો છે.
- વશિષ્ઠપત્ર પુલુમોવીને “દક્ષિણા પથનો સ્વામી” પણ કહે છે.
ગુપ્તયુગના સિક્કા
- ગુપ્તયુગનો સમયગાળો ઈ.સ. 335 થી ઈ.સ. 455 સુધીનો હતો.
- પ્રાચીન ભારતમાં ગુપ્ત શાસકોએ સૌથી વધુ સોનાના સિક્કા જારી કર્યાં હતા. આ સિક્કાઓ કલાત્મકતાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હતા, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ કુષાણકાલીન સિક્કાઓ કરતાં ઊતરતા હતા. ગુપ્ત શાસકોએ તાંબા-ચાંદીના સિક્કા પણ ચલણમાં મૂક્યા હતા.
- 5મી સદીના અંતમાં ગુપ્ત શાસનમાં સામંતશાહી પ્રણાલી, ધાર્મિક અને અન્ય ઉદેશોથી ગ્રામધન-ભૂમિદાનની પ્રણાલી અને હુણોના આક્રમણને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી પડી હતી. પરિણામે સિક્કાઓમાં શુદ્ધ ધાત્વિક સામગ્રી અને ક્લાત્મકતા ઘટી હતી.
- ગુપ્તશાસકો, કુષાણ વંશની પરંપરાને અનુસરતા સિક્કાની એક તરફ રાજાનું પ્રતીક (જેમાં રાજા-રાણી, રાજા દ્વારા અશ્વમેધ યજ્ઞ કરતા, ઘોડા-હાથીની સવારી, વીણાવાદન, વાઘનો શિકાર કરતાં વગેરે) અને બીજી તરફ તેમના ઈષ્ટદેવતા (જેમકે કાર્તિકેય, સૂર્ય, ગરુડ, વિષ્ણુ, દુર્ગા વગેરે)નાં પ્રતીકો અંકિત થયેલ જોવા મળે છે.
જાણવા જેવું
- ગુપ્તકાલીન સોનાના સિક્કા “દીનાર” તરીકે ઓળખાતા હતા.
- ગુપ્તયુગમાં જ સૌપ્રથમ સિક્કાઓ પર સંસ્કૃત (બ્રાહ્મીલિપિ)માં લેખ અંકિત થયેલ છે.
- ચંદ્રગુપ્ત દ્વિતીયએ પશ્ચિમી ક્ષત્રપોને હરાવ્યા બાદ સૌપ્રથમ ચાંદીના સિક્કા જારી કર્યા હતા.
દિલ્હી સલ્તનતના સિક્કા
- દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશના ઈલ્તુતત્મિશે સૌપ્રથમ ચાંદીના “ટંકા” અને તાંબાના “જીતલ” સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું. તેણે શુદ્ધ અરબી સિક્કા પણ ચલણમાં મૂક્યા હતા.
- અલાઉદ્દીન ખિલજીએ પોતાની પ્રશંસા કરતી હોય તે પ્રકારે સિક્કાઓની ડિઝાઈનમાં ફેરફાર કર્યા.
- અલાઉદ્દીનએ સૌપ્રથમ એક સ્થાયી અને મોટી સેના તૈયાર કરી હતી. આથી સૈન્ય અધિકારીઓ અને ઈક્તેદારોને રોકડમાં વેતન આપનાર સૌપ્રથમ શાસક બન્યો હતો.
- મુહમ્મદ બિન તુઘલકે કાંસા અને તાંબાના સિક્કા ચલણમાં મૂક્યા હતા. તેણે પોતાના સિક્કાઓ પર અલ સુલતાન જિલ્લી ઈલાહ (સુલતાન ઈશ્વરની છાયા છે) અંકિત કરાવ્યું હતું.
- મુહમ્મદ બિન તુઘલકે ચાંદીના સિક્કાની જગ્યાએ પ્રતીક મુદ્રા તરીકે કાગળની મુદ્રા શરૂ કરી હતી, પરંતુ તેનો આ પ્રયોગ સફળ થયો ન હતો.
- ફિરોજશાહ તુઘલકે “અદ્દા” અને “બીખ” નામના ચાંદી અને તાંબાનું મિશ્રણ ધરાવતા સિક્કાનું ચલણ શરૂ કર્યું હતું.
- ફિરોજશાહે “શશગની” અને “હસ્તગની” નામના ચાંદીના સિક્કા પણ ચલણમાં મૂક્યા હતા.
- શેરશાહ સૂરીએ મુદ્રા સંબંધિત મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા, જેનાથી તે સમયમાં વ્યાપાર અને શિલ્પ ગતિવિધિઓને પ્રોત્સાહન મળ્યું.
- તેણે અગાઉથી ચલણમાં રહેલાં મિશ્રિત ધાતુના અને ઊતરતી ગુણવત્તા ધરાવતા સિક્કાની જગ્યાએ સોના-ચાંદી અને તાંબાના સુંદર અને પ્રમાણભૂત સિક્કા ચલણમાં મૂક્યા, તેમાં ચાંદીના સિક્કા “રૂપિયો” અને તાંબાના સિક્કા “દામ” તરીકે ઓળખાયા.
જાણવા જેવું
- ઈસ્લામમાં મૂર્તિપૂજા પર પ્રતિબંધ હોવાથી કોઈ પણ સલ્તનત શાસકનું ચિત્ર સિક્કા પર જોવા મળતું નથી.
- સલ્તનતયુગમાં સિક્કાઓ પર સૌપ્રથમ ટંકશાળનું નામ પણ અંકિત કરવામાં આવ્યું.
- ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થતાં બાદશાહ અહમદશાહ પ્રથમે અમદાવાદમાં સૌપ્રથમ પદ્ધતિસરની ટંકશાળ શરૂ કરી હતી તથા બીજી ટંકશાળ હાથમતી નદીના કિનારે આવેલ અહમદનગર (વર્તમાન હિંમતનગર)માં શરૂ કરી હતી.
મુઘલકાળના સિક્કા
- મુઘલકાલીન અર્થવ્યવસ્થાનો આધાર ચાંદીના સિક્કા હતા. શેરશાહ સૂરીએ શરૂ કરેલ ચાંદીનો સિક્કો “રૂપિયો” મુઘલકાળમાં પણ થોડા ઘણા ફેરફાર સાથે લાંબા સમય સુધી ચલણમાં રહ્યો હતો.
- અક્બરે ચોરસ અને ગોળાકાર સિક્કા શરૂ કર્યા હતા. તેણે દીન–એ–ઈલાહી (પોતાના નવા ધાર્મિક પંથ)ના પ્રચાર-પ્રસાર માટે “ઈલાહી” નામના સોનાના સિક્કા ચલણમાં મૂક્યા. આ સિક્કાઓ પર ફારસી મહિનાઓનાં નામ અંક્તિ કરાવ્યા હતા.
- જહાંગીરે તેના અને પત્ની નૂરજહાનાં નામ સિક્કા પર અંકિત કરાવ્યા હતા. ઉપરાંત ઘણા સિક્કાઓ પર રાશિચક્રના ચિહ્નો પણ અંકિત કરાવ્યાં હતાં.
- મુઘલકાળમાં ઔરંગઝેબના સમયમાં સૌથી વધુ રૂપિયા ચલણમાં મૂકવામાં આવ્યા
જાણવા જેવું
- “શંસબ” અથવા “શહંશાહ“એ મુઘલકાળનો સૌથી મોટો સોનાનો સિક્કો હતો, જ્યારે “ઈલાહી સિક્કા” સૌથી પ્રચલિત સોનાનો સિક્કો હતો.
- જહાંગીરે “નિસાર” નામના સિક્કા ચલણમાં મૂક્યા હતા.
- શાહજહાંએ “આના” નામના સિક્કા ચલણમાં મૂક્યા હતા.
દક્ષિણ ભારતના સિક્કા
- વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચલણમાં સોના અને ચાંદીના સિક્કા પ્રચલિત હતા. તેમાં “વરાહ” (સુવર્ણ સિક્કા), “તાર અથવા તારસ” (ચાંદીના સિક્કા) અને “જીતલ” (તાંબાના સિક્કા) ચલણમાં હતા.
- કૃષ્ણદેવરાયના સમયમાં ચલણમાં મૂકેલા સુવર્ણના “વારાહ” સિક્કા પર એક તરફ વિષ્ણુ ભગવાન અને બીજી તરફ સંસ્કૃતમાં લેખ લખેલ છે.
જાણવા જેવું
- પાંડ્ય શાસકોએ માછલીનું ચિત્ર ધરાવતાં સિક્કા પ્રચલિત કર્યા હતા.
- આ ઉપરાંત તેમણે હાથીનું ચિત્ર ધરાવતા ચોરસ સિક્કા પણ ચલણમાં મૂક્યા હતા.
- ચોલ શાસકોએ પ્રચલિત કરેલા સિક્કાઓમાં એક તરફ રાજાનું ચિત્ર અને બીજી તરફ સંસ્કૃતમાં લેખ કોતરેલ છે.
