Bharatna rashtriy pratiko – Bharatnu Bandharan

Bharatna rashtriy pratiko – Bharatnu Bandharan – ભારતના રાષ્ટ્રીય પ્રતીકો – ભારતનું બંધારણ

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

Table of Contents

રાષ્ટ્રીય ચિહ્ન (National Emblem)

રાષ્ટ્રીય ચિહ્ન
  • સ્વીકૃતિ – 26 જાન્યુઆરી, 1950
  • ઉત્તર પ્રદેશના વારાણસી નજીક આવેલા સારનાથના મૌર્ય સમ્રાટ અશોકના સિંહ સ્તંભના શિર્ષ ભાગને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવેલું છે.
  • ભારતીય સંસદ, રાષ્ટ્રપતિ ભવન, રાજ્યોની વિધાનસભાઓ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ વગેરે સ્થાનો પર રાષ્ટ્ર ચિહ્ન અંકિત કરેલા જોવા મળે છે.
  • સારનાથના આ સિંહસ્તંભને હાલમાં પણ સારનાથ ખાતે આવેલા સંગ્રહાલયમાં સચવાયેલો છે.
  • સારનાથના સિંહસ્તંભ પર ચારેય બાજુએ એક-એક સિંહ દર્શાવાયેલો છે તથા આપણને એક સાથે ત્રણ સિંહ દ્રશ્યમાન થાય છે. જે ઘંટાકાર પદ્મકમળ પર એકબીજાની પીઠને અડીને ઊભા છે પરંતુ તે કમળને ચિહ્નમાં સ્થાન અપાયું નથી.
  • આ ચારેય સિંહ શક્તિ, હિંમત, ગર્વ અને વિશ્વાસના પ્રતિક છે.
  • ચારેય સિંહની નીચે એક ધર્મચક્ર રાખવામાં આવ્યું છે તથા ચોકડી ભરતો ધોડો સંઘર્ષના સમયમાં આપણી વફાદારી, ઊર્જા અને ગતિને દર્શાવે છે, જ્યારે બળશાળી સાંઢ પ્રતિક છે દેશની તાકાતનું અને કઠિન પરિશ્રમનું.
  • રાષ્ટ્ર ચિહ્નમાં ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો અને સિંહ તથા જમણી બાજુએ હાથી અને સાંઢનું ચિહ્ન આવેલું છે.
  • આ સિંહસ્તંભ એક જ પથ્થરમાંથી કાપી બનાવાયો હતો, જેને બનાવવામાં અંદાજિત 3,50,000 લોકોનો ઉપયોગ થયો હતો.
  • લાલ બલુઆ પથ્થરમાંથી અશોકના સિંહસ્તંભની રચના થઈ હતી.
  • સારનાથના મ્યુઝિયમમાં રખાયેલો સિંહ સ્તંભ 7 ફૂટ લાંબો છે.
  • જે ચાર સિંહ દર્શાવેલા છે તેને એશિયાટિક સિંહ કહેવામાં આવે છે.
  • ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં સપાટીની હેઠળ દેવનાગરી લિપિમાં सत्यमेव जयते લખાયેલું છે. જેનો અર્થ છે “સત્યનો જ વિજય થાય છે”.
  • સત્યમેવ જયતે મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે અને તેને ભારતનો મુદ્રાલેખ પણ કહેવાય છે.
  • ભારતીય બંધારણના પ્રથમ પૃષ્ઠ ઉપર હાથથી ચિત્રિત રાષ્ટ્રીય ચિહ્ન દિનાનાથ ભાર્ગવ દ્વારા બનાવાયું હતું.
  • ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓ સત્તાવારરૂપે રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ કરી શકતા નથી તથા રાષ્ટ્રચિહ્નના ઉપયોગને નિયંત્રિત કરવા માટે State Emblem of India (Prohibition of Improper use) Act, 2005 લાવવામાં આવ્યો હતો.

વહીવટી કાર્યો માટે વિવિધ રંગના રાષ્ટ્ર ચિહ્નનો ઉપયોગ

  • ભૂરો રંગ : મંત્રીઓ દ્વારા
  • લાલ રંગ : રાજ્યસભાના સભ્યો તથા અધિકારીઓ દ્વારા
  • લીલો રંગ : લોકસભાના સભ્યો દ્વારા

સારનાથના સ્તંભ વિશે

સારનાથ ખાતે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌમત બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. જેથી આ સારનાથ ધર્મચક્ર પ્રવર્તનનું સ્થળ છે તથા બૌદ્ધ ધર્મમાં સિંહને તથાગત બુદ્ધનો પર્યાય મનાયો છે, બુદ્ધના પર્યાયવાચી શબ્દોમાં શાક્યસિંહ અને નરસિંહનો પણ સમાવેશ થાય છે. આથી બુદ્ધ દ્વારા થયેલા આ ઉપદેશને બુદ્ધની સિંહગર્જના માનવામાં આવે છે. સારનાથથી ગૌતમ બુદ્ધે ભિક્ષુઓને ચારેય દિશામાં લોકકલ્યાણ હેતુથી મોકલ્યા હતા. જેથી મૌર્ય સમ્રાટ અશોકે ચારેય દિશાઓમાં સિંહ કોતરાવ્યા હતા. સારનાથ મ્યુઝિયમમાં રખાયેલા વાસ્તવિક અશોકસિંહ સ્તંભનું વજન 50 ટન છે. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું તથા તેઓનો જન્મ શાક્ય નામના ક્ષત્રિય કુળમાં રાજા શુદ્ધોયન અને માતા મહામાયાને ત્યાં થયો હતો. ગૌતમ બુદ્ધના જન્મ પહેલા માતા મહામાયાને છ દાંતવાળા સફેદ હાથીએ તેમને કમળ ધર્યું હોય તેવું સ્વપ્ન આવ્યું હતું તથા ગૌતમ બુદ્ધે તેના કન્થક નામના ઘોડા પર સવારી કરી અડધી રાત્રે ગૃહત્યાગ કરી કપિલવસ્તુ નગર છોડ્યું હતું જે બુદ્ધના ગૃહત્યાગને ઈતિહાસમાં “મહાભિનિષ્ક્રમણ” કહેવામાં આવે છે. આથી હાથી, ઘોડો, કમળ વગેરે બુદ્ધ ધર્મમાં અગત્યના પ્રતિકો છે.

રાષ્ટ્રગાન (National Anthem)

રાષ્ટ્રગાન (National Anthem)
  • રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર : 24 જાન્યુઆરી, 1950
  • રચયિતા : ગુરુદેવ, કવિવર તથા વિશ્વકવિ એવા રવીન્દ્રનાથ ટાગોર
  • જન-ગણ-મન મૂળ રીતે બંગાળી ભાષામાં લખાયેલું હતું અને મૂળ કવિતામાં પાંચ પદો હતા જેમાંથી જન-ગણ-મન એક હિન્દી પદને રાષ્ટ્ર ગાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
  • રાષ્ટ્રગાનને સૌ પ્રથમવાર વર્ષ 1912માં “તત્ત્વબોધિની” નામની પત્રિકામાં “ભારત ભાગ્ય વિધાતા” શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
  • 27 ડિસેમ્બર ના રોજ કોંગ્રેસના કોલકાતા ખાતે યોજાયેલા અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરના સંબંધી સરલાદેવી ચૌધરાનીએ જન-ગણ-મનનું ગાયન કર્યું હતું કે રજૂ કર્યું હતું. આ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ પંડિત બિશન નારાયણ ધર હતા.
  • રાષ્ટ્રગાન ગાવાનો પ્રમાણિત સમય 52 સેકન્ડ છે તેમ છતાં ઘણી વખત પ્રથમ અને અંતિમ પંક્તિ ગાવામાં આવે છે તેનો સમય 20 સેકન્ડ છે.
  • જન-ગણ-મન મૂળ બંગાળીમાં લખાયેલું હોવાથી નેતાજી સુભાષચંદ્ર બોઝના કહેવાથી ઈન્ડિયન નેશનલ આર્મીના કેપ્ટન આબીલ અલી હસન દ્વારા તેનું હિન્દી અને ઉર્દૂમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. તેને રામસિંહ ઠાકુર દ્વારા કોમ્પોસ્ડ કરવામાં આવ્યું હતું. તેને હિન્દીમાં “શુભ ચેન સુખ” શીર્ષક સાથે રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.
  • રવીન્દ્રનાથ ટાગોરે માર્ગરેટ કૌસીન્સની મદદથી જન-ગણ-મનની અંગ્રેજી આવૃત્તિ 1919માં તૈયાર કરી હતી અને તેને “મોર્નિંગ સોંગ ઓફ ઈન્ડિયા” કહેવામાં આવે છે તથા જન-ગણ-મન માટે સંગીતનું નોટેશન પણ માર્ગરેટ કૌસિન્સે તૈયાર કરી આપ્યું હતું. જે માર્ગારેટ બેસન્ટ થીયોસોફિલ કોલેજના આચાર્ય અને કવિ જેમ્સ એચ. કૌસિન્સના પત્ની હતા.
  • 11 સપ્ટેમ્બર, 1942ના રોજ જર્મનીના હમ્બર્ગ ખાતે જન-ગણ-મન સાથે સૌપ્રથમ વખત સંગીત જોડવામાં આવ્યું હતું.
  • 1942માં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા જન-ગણ-મનને આઝાદ ભારતનું રાષ્ટ્રગાન જાહેર કરવામાં આવ્યું હતું.
  • સંસદનું સત્ર રાષ્ટ્રગાન જન-ગણ-મનથી શરૂ થાય છે અને સત્રાવસાન રાષ્ટ્રગીત વંદે માતરમ્ થી થાય છે.
  • રવીન્દ્રનાથ ટાગોરે ભારત સાથે બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની રચના કરેલી છે અને શ્રીલંકાના રાષ્ટ્રગાન પર પણ તેઓની અસર છે. આમ ત્રણ દેશોના રાષ્ટ્રગાન સાથે સંબંધ ધરાવતા તેઓ એકમાત્ર વ્યક્તિ છે.

વિવાદ – 1

  • “જન ગન મન અધિનાયક…” રાષ્ટ્રગાન પર એવા આરોપ મુકવામાં આવ્યા છે કે તેમાં ઉલ્લેખિત શબ્દ “અધિનાયક” ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમને સંબોધીને લખવામાં આવ્યો હતો. 1911માં દિલ્હી દરબારનું આયોજન થયું હતું. જેમાં ઈંગ્લેન્ડના રાજાએ પ્રથમ વખત ભારતની મુલાકાત લીધી હતી. રવીન્દ્રનાથ ટાગોર પર એવા આરોપ મુકવામાં આવ્યા હતા કે તેઓએ ઈંગ્લેન્ડના રાજાને ખુશ કરવા માટે ગીત તૈયાર હતું.
  • 1937માં રવીન્દ્રનાથ ટાગોરે સ્પષ્ટતા કરી હતી કે “જન ગન મન…” ઈંગ્લેન્ડના રાજાને સંબોધીને તૈયાર કરવામાં આવ્યું ન હતું.
  • 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણસભા દ્વારા “જન ગન મન…” નો રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે ડૉ.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગળ જતા રાષ્ટ્રગાનના શબ્દોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો સરકાર એના માટે સક્ષમ રહેશે. (સ્રોત : ટાઈમ્સ ઓફ ઈન્ડિયા)
  • રાજસ્થાનના રાજ્યપાલ રહેલા કલ્યાણસિંહે 7 જુલાઈ, 2015ના રોજ યુનિવર્સિટીના કાર્યક્રમમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે રાષ્ટ્રગાનમાં રહેલ “અધિનાયક” શબ્દ વિદેશી સત્તાને રજૂ કરે છે. તેના સ્થાને “જન ગન મંગલ ગાયે” શબ્દ હોવો જોઈએ.

વિવાદ – 2

  • ઓક્ટોબર 2016માં શ્યામ નારાયણ ચોક્સી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ (Writ) અરજી દાખલ કરી રાષ્ટ્રગાનની ગરિમા જાળવવા અંગે માર્ગદર્શન આપવા અને રાષ્ટ્રગાનનો વ્યાવસાયિક ઉપયોગ ન કરવાની માંગ કરવામાં આવી હતી.
  • ભારતીય ગૃહ મંત્રાલયે સિનેમા ગૃહોમાં ફરજિયાત રાષ્ટ્રગાન વગાડવા સંબંધી વિવાદનો ઉકેલ લાવવા બી.આર. શર્મા (અધિક સચિવ, બોર્ડર મેનેજમેન્ટ)ની અધ્યક્ષતામાં 12 સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિનું મુખ્ય કાર્ય એ બાબતો પર દિશા નિર્દેશ આપવાનું હતું કે કેવા પ્રસંગો વખતે રાષ્ટ્રગાન ગવડાવવું જોઈએ અને જ્યારે રાષ્ટ્રગાન શરૂ હોય ત્યારે લોકોની વર્તણૂક કેવી હોવી જોઈએ.
  • ઉપરોક્ત સમિતિની ભલામણોના આધારે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2018માં ચુકાદો આપ્યો કે સિનેમાગૃહોમાં રાષ્ટ્રગાન ગવડાવવું ફરજિયાત નથી. રાષ્ટ્રગાન ગવડાવવું કે નહિ તે અંગેનો નિર્ણય સિનેમાગૃહના માલિકની વિવેકબુદ્ધિ પર છોડવામાં આવ્યો. પરંતુ જો સિનેમાગૃહમાં રાષ્ટ્રગાન ગવડાવવામાં આવે તો પ્રેક્ષકોએ ઊભા થવું એ દરેક પ્રેક્ષક માટે ફરજિયાત રહેશે તેવો દિશા નિર્દેશ આપવામાં આવ્યો.

રાષ્ટ્રગીત (National Song)

રાષ્ટ્રગીત (National Song)
  • સ્વીકૃતિ : 24 જાન્યુઆરી, 1950
  • રચયિતા : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (આનંદમઠ નવલકથામાં)
  • બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે (અથવા ચેટરજી) વર્ષ 1882માં “આનંદમઠ” નવલકથામાં સંસ્કૃત કવિતા સ્વરૂપે “વંદે માતરમ્”નો ઉલ્લેખ કર્યો હતો જે વંદે માતરમ્ કવિતાને ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
  • આનંદમઠ નવલકથામાં સંન્યાસી બળવા અંગેની વિગતો દર્શાવાયેલી છે.
  • રાષ્ટ્રગીતમાં વંદે માતરમ્ કવિતાના છ પદોમાંથી બે પદો લેવામાં આવ્યા છે. જેના બે પદો સંસ્કૃતમાં અને બાકીના પદો બંગાળી ભાષામાં લખાયેલા હતા.
  • 1896માં રહીમતુલ્લા સયાનીની અધ્યક્ષતામાં કોલકાતા ખાતે યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સૌપ્રથમ વંદે માતરમ્ ગાવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ તેને ગ્રામોફોન દ્વારા રેકોર્ડ પણ કરવામાં આવ્યું હતું.
  • 1905માં બનારસ કોંગ્રેસ અધિવેશનમાં કવયિત્રી સરલાદેવી ચૌધરાની દ્વારા વંદે માતરમનું ગાયન કરવામાં આવ્યું હતું.
  • જદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા “વંદે માતરમ્”કવિતાને સંગીતબદ્ધ કરવામાં આવ્યું હતું.
  • 1937માં કોંગ્રેસની કાર્યકારી સમિતિએ વંદે માતરમ્ નો ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર કર્યો હતો તથા ભારતની સ્વતંત્રતામાં પણ “વંદે માતરમ્” ગીતની અગત્યની ભૂમિકા રહી હતી.
  • રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ગાવાનો પ્રમાણિત સમય 1 મિનિટ અને 5 સેકન્ડ એટલે 65 સેકન્ડ છે.
  • બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા “આનંદમઠ” નું વંદે માતરમ્ સહિત અંગ્રેજીમાં સૌપ્રથમ ભાષાંતર “The Abbey of Bliss” કૃતિ તરીકે નારેસચંદ્ર સેન ગુતા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે 1909માં શ્રી અરવિંદ ઘોષ દ્વારા “કર્મયોગી” પુસ્તકમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપે વંદે માતરમનું હિન્દી અને અંગ્રેજીમાં રૂપાંતરણ કર્યું હતું.
  • વંદે માતરમ્ નું ઉર્દૂમાં ભાષાંતર આરિફ મોહમ્મદ ખાને કર્યું હતું.
  • આજે જે વંદે માતરમ રાષ્ટ્રીય ગીત આપણા ધ્યાને આવે છે તે આધુનિક રાષ્ટ્રીય ગીતને વ્યવસ્થિત રૂપે કરવાનો શ્રેય ગાંધર્વ મહાવિદ્યાલયના સ્થાપક વિષ્ણુ દિગંબર પલુસ્કરના ફાળે જાય છે.
  • આનંદમઠ નવલકથાની દૃષ્ટિએ વંદે માતરમ્ ગીત ભવાનંદ નામના એક સંન્યાસી વિદ્રોહી દ્વારા ઉચ્ચારવામાં આવે છે.
  • રાષ્ટ્રીયગીત વંદે માતરમ્ માં દેવી દુર્ગાની સ્તુતિ કરવામાં આવેલી છે.
  • આઝાદી સમયે પંડિત ઓમકારનાથ ઠાકુર દ્વારા વંદે માતરમ્ નું ગાયન કરવામાં આવ્યું હતું જ્યારે 14 ઓગસ્ટ, 1947ના રાત્રીના 11 વાગ્યે ભારતીય બંધારણ સભાનું તે દિવસનું પાંચમું સેશન શરૂ થયું જેમાં સુચેતા કૃપલાણીએ વંદે માતરમ્ નું ગાયન કર્યું હતું અને વડાપ્રધાન નેહરુ દ્વારા ટ્રસ્ટ વીથ ડેસ્ટિની નામે ઐતિહાસિક ભાષણ કરવામાં આવ્યું હતું.
  • બંકીમચંદ્રએ હુગલી નદી પાસે (મલિક ઘાટ) ચીનસુરા (ચુચુરા) ખાતે વંદે માતરમ્ ની રચના કરી હતી.
  • એમ.એસ.સુબ્બુલક્ષ્મી અને દિલિપકુમાર રોય તથા લતા મંગેશકર અને પંડિત ભીમસેન જોષી જેવા અનેક સંગીતજ્ઞોએ વંદે માતરમ્ ને સ્વર આપી તેની ભક્તિ કરેલી છે.
  • ઈ.સ.1949માં માસ્ટર કૃષ્ણરાવ દ્વારા વંદે માતરમ્ ને બેન્ડ પર વગાડવાની ધુન બનાવી હતી અને તેઓના નિર્દેશન હેઠળ માસ્ટર ગણપતસિંહે વંદે માતરમ્ ને બેન્ડ પર વગાડ્યું હતું.
  • BBC દ્વારા વર્ષ 2003માં થયેલા આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં વંદે માતરમ્ ને વિશ્વના મુખ્ય 10 રાષ્ટ્રીય ગીતોમાં બીજા ક્રમે રખાયું હતું.
  • સૌપ્રથમ 1927માં ફાંસીના ફન્દા ઉપર ઝુલતા હોવા સાથે વંદે માતરમ્ ને અશફાક ઉલ્લાહ ખાને ઉચ્ચાર્યું હતું.

રાષ્ટ્રીય પંચાંગ (National Calendar)

  • સ્વીકૃતિ – 22 માર્ચ, 1957
  • રાષ્ટ્રીય કેલેન્ડર શક સવંત પર આધારિત છે અને શક સવંત આધારિત પ્રથમ મહિનો ચૈત્ર હોવાથી રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ ગુજરાતી મહિનો પણ ચૈત્ર છે અને અંતિમ માસ ફાગણ છે.
  • ગ્રેગોરિયન કેલેન્ડર સાથે રાષ્ટ્રીય પંચાંગને 22 માર્ચ, 1957ના સ્વીકાર કરવામાં આવ્યો છે અને સામાન્ય રીતે 365 દિવસને નીચેના સરકારી આયોજનો માટે સ્વીકારવામાં આવ્યું છે.
  1. ભારતનું રાજપત્ર
  2. આકાશવાણી દ્વારા સમાચાર પ્રસારણ
  3. ભારત સરકાર દ્વારા જાહેર થયેલા કેલેન્ડર
  4. જાહેર સેવકો / સભ્યોને સરકારી માહિતીઓ આપવા
  • રાષ્ટ્રીય કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડરની તારીખો સાથે કાયમી ધોરણે હળતુ મળતું આવે છે અને ચૈત્ર માસનો પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે અને લીપ વર્ષ હોય તો તે દિવસ 21 માર્ચ હોય છે. તેથી એમ કહી શકાય કે શક સવંત મુજબ પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે.
  • ભારતે સ્વતંત્ર થયા પછી શાલીવાહન શક પંચાંગનો સ્વીકાર કરેલો છે અને ઈ.સ.78માં કુષાણ શાસક કનિષ્ક શક સંવતની શરૂઆત કરાવી હતી.
  • ગુજરાતીઓ વિક્રમ સંવતને અનુસરતા હોય છે તેથી વિક્રમ સવંત અનુસાર પ્રથમ ગુજરાતી માસ કારતક હોય છે.
શક સવંત અનુસાર માસ

રાષ્ટ્રીય પ્રાણી (National Animal)

  • ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પેન્થરા ટાઈગ્રીસ લિનાયસ છે એટલે કે તે વાઘની પ્રજાતિ છે જેના પર પીળી ચામડીમાં ઘાટા રંગની પટ્ટીઓ આવેલી હોય છે.
  • લચીલાપણું, તાકાત, સ્ફૂર્તિલાપણુ અને અમાપ શક્તિના કારણે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
  • વાઘની આઠ પ્રજાતિઓમાંથી શાહી બંગાળ વાઘ ઉત્તર-પૂર્વી ક્ષેત્રને બાદ કરતા દેશભરમાં જોવા મળે છે અને પાડોશી દેશો નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે.
  • ભારતમાં વાઘની ઘટતી સંખ્યાની તપાસ માટે એપ્રિલ 1973માં “પ્રોજેકટ ટાઈગર”ની શરૂઆત કરવામાં આવી હતી નહિતર 1972 પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. 1972થી તે સિંહના સ્થાને વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે.
  • ભારતમાં એશિયાટિક લાયન (સિંહ) માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે જ્યારે વાઘ સમગ્ર દેશમાં ફેલાયેલા હોવાથી તેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાયેલા છે.
  • મૈસૂરના શાસક ટીપુ સુલતાનને શેર-એ-મૈસૂર પણ કહેવાતું હતું તથા તેઓએ વાઘને પોતાના પ્રતીક ચિહ્ન તરીકે સ્વીકારેલો હતો.
  • બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પ્રાણી પણ રોયલ બેંગાલ ટાઈગર છે.
  • સિંહના સ્થાને 1972માં જ વાઘની રાષ્ટ્રીય પ્રાણી તરીકે પસંદગી થઈ હતી.

રાષ્ટ્રીય પક્ષી (National Birds)

  • ભારત સરકારે 26 જાન્યુઆરી, 1963માં મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું હતું.
  • ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે તથા તેને લેટિનમાં અથવા તેનું વૈજ્ઞાનિક નામ પાવો ક્રિસ્ટેટ્સ છે.
  • વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ, 1972 હેઠળ મોરને રક્ષિત પક્ષી જાહેર કરવામાં આવ્યું છે એટલે કે તેના શિકાર પર પ્રતિબંધ ફરમાવાયેલો છે અને તેની સાથે કોઈપણ પ્રકારની હિંસા થઈ શકતી નથી.
  • હંસના આકારનું આ રંગીન પક્ષીની ડોક લાંબી, આંખ નીચે સફેદ નિશાન અને માથા પર પાંખ જેવી કલગી જોવા મળે છે.
  • માદા મોરનો રંગ ભૂરો હોય છે અને માદા મોર કરતા નર મોર વધુ સુંદર હોય છે.
  • નર મોર તેના પીંછાને ફેલાવી નૃત્ય કરે તેને આકર્ષણનું કેન્દ્ર મનાય છે જેને મોરનું કળા કરવું પણ કહેવાય છે.
  • સિકંદર ધ ગ્રેટ (એલેકઝાન્ડર) ભારત વિજયની યાદમાં મોરની સુંદરતાથી પ્રભાવિત થઈ નિશાનીના રૂપે મોરને પોતાની સાથે લઈ ગયા હતા. ભારતીય પુરાણો મુજબ શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયનું વાહન મોર છે.
  • ભારત પહેલા મ્યાનમારે (જૂનું નામ – બર્મા) મોર (મયુર)ને રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું હતું.
  • અંગ્રેજી ભાષામાં મોરને બ્લ્યૂ પીફાઉલ કે પીકોક કહેવામાં આવે છે.
  • મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે સિક્કાઓ ચલણમાં હતા ત્યારે સિક્કાની એકબાજુ મોરની છાપ જોવા મળતી હતી અને મુઘલ બાદશાહ શાહજહાંએ તેની બેઠક માટે મયુરાસન બનાવ્યું હતું.
  • હિન્દુ ધર્મમાં કલા, શિક્ષણ અને સંગીતના દેવી સરસ્વતીનું વાહન પણ મોર છે.
  • નરમોરમાં 200 જેટલા પીંછાઓનો સમૂહ જોવા મળે છે.

રાષ્ટ્રીય વૃક્ષ (National Tree)

  • ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વટવૃક્ષ (વડ) છે અને જેને લેનિટમાં ફાઈક્સ બેન્ગાલેન્સિસ (Ficus Bengalensis) તરીકે ઓળખવામાં આવે છે.
  • વડની શાખાઓ અને વડવાઈઓ એક મોટા હિસ્સામાં એક નવા વૃક્ષની સમાન લાગે છે તથા વડના લાંબા જીવનના કારણે આ વૃક્ષને અનશ્વર માનવામાં આવે છે.
  • ભારતના ઈતિહાસ અને લોકકથાઓમાં વડને એક અવિભાજ્ય અંગ ગણવામાં આવ્યું છે.
  • હાલમાં પણ વડને ગ્રામ્ય જીવનનું કેન્દ્ર બિંદુ મનાય છે અને ગામ પરિષદ વડના વૃક્ષની છાયામાં જ મળે છે.
  • જાન્યુઆરીથી માર્ચના સમયગાળાને વડનો પુષ્પકાળ માનવામાં આવે છે તથા તે રાત્રે પણ ઓક્સિજન છોડે છે અને વડ જેટલા ઉંડાણ ધરાવતા મૂળ અન્ય કોઈ વૃક્ષના હોતા નથી.

રાષ્ટ્રીય પુષ્પ (ફૂલ) (National Flower)

  • પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનું માંગલિક પ્રતિક મનાતા એવા કમળને ભારતનું રાષ્ટ્રીય પુષ્પ જાહેર કરવામાં આવેલું છે.
  • કમળને લેટિનમાં અથવા તેનું વૈજ્ઞાનિક નામ નિલમ્બો નૂસીપેરા ગેર્ટન છે.
  • વિષ્ણુ પુરાણ અને પદ્મપુરાણમાં મળતા ઉલ્લેખ અનુસાર બ્રહ્મા, સરસ્વતી અને લક્ષ્મી જેવા દેવી-દેવતાઓનું સ્થાન કમળ ઉપર છે.
  • ભારતના રાષ્ટ્રીય પુષ્પ સાથે હરિયાણા, જમ્મુકાશ્મીર અને કર્ણાટક જેવા રાજ્યોના રાજ્ય પુષ્પ તરીકે પણ કમળને સ્થાન આપવામાં આવેલું છે.
  • ભારતમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન જેવા ધર્મમાં કમળને ધ્યાને લેવામાં આવતું હોય છે.
  • વિયેતનામ, મકાઉ અને મીશ્ર એટલે ઈજિપ્તના રાષ્ટ્રીય પુષ્પ તરીકે પણ કમળ છે.
  • દિલ્હી શહેરમાં બહાઈ ધર્મ સાથે સંબંધિત લોટ્સ ટેમ્પલ (મંદિર) આવેલું છે.
  • હાલમાં ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પાર્ટી (BJP)નું ચૂંટણી ચિહ્ન કમળ છે.
  • કમળને દેવત્વ, પ્રજનન, ધન અને જ્ઞાનનું પ્રતિક મનાય છે.
  • ગુજરાતમાં પ્રથમ અને દેશનું બીજું લોટ્સ ટેમ્પલ પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે છે જેને પુષ્ટિધામ નામ આપવામાં આવ્યું છે, જ્યાં ત્રણ કમલાકારમાં વચ્ચે ભગવાન શ્રીનાથજી બિરાજમાન છે.

રાષ્ટ્રીય ફળ (National Fruit)

  • ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે તથા તેનું વૈજ્ઞાનિક નામ મેંજીફેરા ઈન્ડિકા છે.
  • ભારતમાં કેરીને ફળોનો રાજા મનાય છે તથા અંદાજિત ચાર હજાર વર્ષો પૂર્વે ભારતમાં કેરીનું ઉત્પાદન શરૂ થયું હશે તેમ માનવામાં આવે છે.
  • ફળોની ખેતીને બાગાયત કહેવાય છે તથા વેદોમાં કેરીને વિલાસિતાનું પ્રતીક ગણાવ્યું છે.
  • ભારતમાં પર્વતીય વિસ્તારોને બાદ કરતા દરેક વિસ્તારોમાં આંબાના વૃક્ષ જોવા મળે છે તેથી ભારતમાં કેરીની 500થી વધુ જાતો જોવા મળે છે તથા કેરી (મેંગો)ને વિટામિન A, C અને Dથી ભરપુર મનાય છે.
  • પાકિસ્તાન અને ફિલિપાઇન્સ ના રાષ્ટ્રીય ફળ તરીકે પણ કેરીને ધ્યાને લેવાય છે.
  • ઈલોરાની ગુફામાં જૈન ધર્મના દેવી અંબિકા નું આસન આંબાના વૃક્ષ નીચે દર્શાવવામાં આવ્યું છે.
  • ભારતમાં સૌપ્રથમ કલમકેરી તરીકે માલગોવા ને ઓળખવામાં આવે છે.

કેરીની વિવિધ જાત

  • આલ્ફાનસો-હાફુસ : રત્નાગીરી, મહારાષ્ટ્ર
  • કેસર : જુનાગઢ, ગીર સોમનાથ, ગુજરાત
  • દશેરી : લખનઉ, મલીહાબાદ, ઉત્તર પ્રદેશ
  • હિમસાગર, કિશનભોગ : મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ
  • બદામી : ઉત્તર કર્ણાટક
  • સફેદા : આંધ્ર પ્રદેશ
  • લંગડા : વારાણસી ઉત્તર પ્રદેશ
  • તોતાપુરી : બેંગલુરુ, કર્ણાટક
  • નીલમ : આંધ્રપ્રદેશ, તેલંગણા
  • લક્ષ્મણભોગ : માલ્દા, પશ્ચિમ બંગાળ
  • વનરાજ : ગુજરાત
  • જમાદાર : મહુવા, ભાવનગર, ગુજરાત
  • રૂમાની : ચેન્નાઈ, તમિલનાડુ

રાષ્ટ્રીય રમત (National Game)

  • રાષ્ટ્રીય રમતની વાત આવે ત્યારે હોકી અને ક્રિકેટમાં ગડમથલ થતી હોય છે તેમ છતાં જાણવા જેવી વાત છે કે ભારત સરકારે હોકી કે ક્રિકેટ એમ બેમાંથી એકપણ રમતને રાષ્ટ્રીય રમત તરીકે સત્તાવાર રૂપે જાહેર કરેલી નથી તેમ છતાં ભારતે હોકીમાં ઓલમ્પિકમાં સારુ પ્રદર્શન કર્યું હોવાથી ફિલ્ડ હોકીને આપણે રાષ્ટ્રીય રમત તરીકે ધ્યાને લઈએ છીએ.
  • ભારત સરકારની વિવિધ માહિતીઓ અનુસાર હોકીને રાષ્ટ્રીય રમત દર્શાવતી હોવાથી માત્ર 10 વર્ષની વિદ્યાર્થીની ઐશ્વર્યા પરાશરે RTI દ્વારા PMO પાસે વિગત માંગી હોવાથી કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયે જવાબમાં જણાવ્યું હતું કે સત્તાવાર રૂપે ભારતની રાષ્ટ્રીય રમત તરીકે કોઈ રમતને સ્થાન આપવામાં આવેલું નથી.
  • ભારતે ઓલમ્પિક હોકીમાં કુલ 8 વખત ગોલ્ડ મેડલ જીતેલો છે, ભારતે 1928માં નેધરલેન્ડને 3-0થી પરાજિત કરી એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો, આમ 1956 સુધી છ વખત અને 1964 અને 1980માં ગોલ્ડ પ્રાપ્ત કર્યા હતા.
  • હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદ ઓલિમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેળવનાર ટીમના સભ્ય હતા.
  • હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઑગસ્ટને રાષ્ટ્રીય રમત-ગમત દિવસ તરીકે મનાવાય છે.
  • હોકીમાં 11-11 ખેલાડીઓની બે ટીમ ભાગ લે છે તથા સફેદ દડાનું વજન 155 ગ્રામ અને હોકી સ્ટીકની લંબાઈ 91 સેન્ટિમીટર હોય છે.
  • 23 જુલાઈ, 2009માં રોજ હોકી ઈન્ડિયાએ નવો લોગો સ્વીકારેલો છે જે રાષ્ટ્રધ્વજના અશોક ચક્રથી પ્રેરિત છે અને તેમાં 24 હોકી સ્ટીકને એક વર્તુળમાં દર્શાવાયેલી છે.

રાષ્ટ્રીય નદી (National River)

  • રાષ્ટ્રીય નદી તરિકે જાહેર – 4 નવેમ્બર, 2008
  • ભારતની રાષ્ટ્રીય નદીનું સન્માન દેશની સૌથી લાંબી અને પવિત્ર નદી ગંગાના ફાળે જાય છે.
  • ગંગા નદી ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લામાં ગંગોત્રી ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે અને બાંગ્લાદેશ પાસે બંગાળની ખાડીમાં અંત પામે છે.
  • ભારતમા ગંગા નદી 2501 કિ.મી.ની લંબાઈ ધરાવે છે.
  • ગંગા નદી ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે.
  • ગંગા નદી કિનારે વસેલા શહેરો : હરિદ્વાર, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, પટના, ભાગલપુર, કોલકત્તા (હુગલી)
  • ગંગા ખરેખર ભગીરથી અને અલકનંદા એમ બે નદી સ્વરૂપે ઉદ્ભવે છે અને દેવપ્રયાગ પાસે બંનેનો સંગમ થાય છે. જ્યાંથી તે સંયુક્ત પ્રવાહ ગંગાના નામે ઓળખાય છે.
  • યમુના (સૌથી મોટી સહાયક નદી) અને તેની સહાયક નદીઓ ચંબલ, બેતવા, કેન, ઘાઘરા (કર્નાલી), કોસી, રામગંગા, ગોમતી, શારઈ (કાલી), ગંડક, શોણ, દામોદર ગંગાની સહાયક નદીઓ છે.
  • ગંગા, ભગીરથી, હુગલી નદી તંત્રમાં હલ્દીયાથી પ્રયાગરાજ સુધી 1620 કિ.મી.ના લંબાઈને નેશનલ વોટર વે-1 (NW-1) જાહેર થયેલો છે.

રાષ્ટ્રીય જળચર (National Aquatic Animal)

  • ડોલ્ફિન રાષ્ટ્રીય જળચર તરીકે જાહેર – 5 ઓક્ટોબર, 2009
  • ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે ગેન્ગટિક ડોલ્ફિન એટલે ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર તરીકે જાહેર કરેલું છે.
  • ગંગા નદીમાં ડોલ્ફિનની સંખ્યા વધારવા પ્રોજેક્ટ ડોલ્ફિન હાથ ધરવામાં આવ્યો છે. ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ પ્લેટનિસ્ટા ગેન્ગટિક (Platanista Gangetika) છે. વિશ્વમાં મળી આવતી ડોલ્ફિનની પાંચ પ્રજાતિઓ પૈકી ગંગા નદીમાં મળી આવતી ડોલ્ફિન એક પ્રજાતિ છે.
  • ભારતમાં ડોલ્ફિન આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં મળી આવે છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી પ્રોજેક્ટ ડોલ્ફિનની જાહેરાત કરી હતી. જે પ્રોજેક્ટ ડોલ્ફિનને રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠક દરમિયાન મંજૂરી અપાઈ હતી.
  • નેશનલ મિશન ફોર ક્લિન ગંગા (NMCG) જે સરકારની પ્રમુખ યોજના નમામિ ગંગેને લાગુ કરે છે તેણે પણ ડોલ્ફિનને બચાવવા માટે અનેક પગલાંઓ લીધા છે.
  • ગંગા નદીમાં મળી આવતી ડોલ્ફિન દ્રષ્ટિહિન હોય છે તેની આંખોમાં લેન્સ હોતા નથી.
  • “મહાભારત” અને “બાબરનામા”માં પણ ડોલ્ફિનનો ઉલ્લેખ મળી રહે છે.
  • વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર રહેલા પ્રો.આર.કે.સિંહાને “ડોલ્ફિન મેન ઓફ ઈન્ડિયા” તરીકે ઓળખાય છે તથા તેમના પ્રયત્નો થકી ગંગા નદીની ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે.

રાષ્ટ્રીય વિરાસત પ્રાણી (National Heritage Animal)

  • હાથી રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે જાહેર – 22 ઓક્ટોબર, 2010
  • ભારત સરકારે ફેબ્રુઆરી 1992માં વન્ય વિસ્તારમાં રહેતા હાથીઓના સંરક્ષણ માટે પ્રોજેક્ટ એલિફન્ટ (હાથી પરિયોજના)ની શરૂઆત કરી હતી.
  • હડપ્પા સભ્યતામાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા રોજડી (શ્રીનાથગઢ) ખાતેથી હાથીના અવશેષો પ્રાપ્ત થયેલા છે એટલે કે હાથીની હજારો વર્ષોથી હાજરી આપણે નોંધી શકીએ છીએ.
  • વૈદિક દેવતા મનાતા ઈન્દ્ર ઐરાવત નામના હાથીનો વાહન તરીકે ઉપયોગ કરતા હતા.
  • કેરળ, કર્ણાટક અને ઝારખંડ રાજ્યના રાજ્ય પ્રાણી તરીકે હાથી છે. વર્ષ 2010માં રાજ્યસ્થાનના જયપુર પાસે આવેલા કુન્ડા ગામને દેશનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું હાથી ગામ જાહેર કરાયેલું છે.

રાષ્ટ્રીય મુદ્રા (National Currency)

રાષ્ટ્રીય મુદ્રા (National Currency)
  • ભારતીય રૂપિયાનું ચિહ્નનો સ્વીકાર : 15 જુલાઈ, 2010
  • ભારતીય રૂપિયાને અલગ ચિહ્ન આપવા માટે દેવનાગરી લિપિમાં “र” અને અંગ્રેજીના “R” ને મળીને ની ડિઝાઈન બનાવવામાં આવી છે.
  • અમેરિકન ડોલર, બ્રિટિશ પાઉન્ડ, જાપાની યેન અને યુરોપિયન યુનિયન યુરો ચલણના ચિહ્ન હતા તેમ ભારતે પણ રૂપિયાની ઓળખ માટે ચિહ્ન જાહેર કરેલું છે.
  • ભારતીય રૂપિયાના નવા ચિહ્નની ડિઝાઈન IIT મુંબઈના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિઝાઈનર ઉદયકુમારે તૈયાર કરી છે.
  • દેવનાગરી લિપિના અક્ષર “र”ને એક રેખા વચ્ચેથી કાપે છે જે તિરંગાનું પ્રતિનિધિત્વ કરે છે તથા તે સમાનતાને પણ સૂચવે છે.
  • ભારતમાં મુદ્રાઓનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા થાય છે.

રાષ્ટ્રીય સ્મારક (National Monument)

  • દેશની રાજધાની દિલ્હી ખાતે આવેલો ઈન્ડિયા ગેટ ભારતનું રાષ્ટ્રીય સ્મારક છે જેને દેશના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાં પણ સ્થાન મળેલું છે.
  • વર્ષ 1931માં 90,000 જેટલા સૈનિકોની સ્મૃતિમાં ઈન્ડિયા ગેટને બનાવવામાં આવ્યો હતો જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધમાં બ્રિટિશ સેના તરફથી લડ્યા હતા.
  • અફઘાન વિગ્રહ સમયે કચ્છના રાવ દેસળજીએ અંગ્રેજોને ઊંટ પૂરા પાડ્યા હતા.
  • પહેલા ઈન્ડિયા ગેટને ઓલ ઈન્ડિયા વોર મેમોરિયલ કહેવામાં આવતું હતું જેની ડિઝાઈન સર એડવિન લ્યુટેન્સે તૈયાર કરી હતી અને 1921માં ડ્યુક ઓફ કનોટે ઈન્ડિયા ગેટનો પાયાનો પથ્થર મૂક્યો હતો.
  • 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા 26 જાન્યુઆરી, 1972ના રોજ ઈન્ડિયા ગેટ પાસે “અમર જવાન જ્યોતિ” સ્મારક બનાવવામાં આવ્યું હતું જ્યાં શહીદોની યાદમાં હંમેશા માટે જ્યોત પ્રજ્જલિત રાખવામાં આવે છે.

રાષ્ટ્રીય મુદ્રાલેખ (National Motto)

  • સત્યમેવ જયતે ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય છે, જેનો અર્થ સત્યની જીત થાય છે તેવો થાય છે.
  • સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતિકની નીચે દેવનાગરી લિપિમાં લખાયેલું છે.
  • સત્યમેવ જયતેને રાષ્ટ્રીય ફલક પર લાવવાનું તથા તેનો પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય પંડિત મદનમોહન માલવીયના ફાળે જાય છે.
  • સત્યમેવ જયતે મુન્ડક ઉપનિષદમાંથી લેવામાં આવેલો છે.

સત્યમેવ જયતે નામૃતમ સત્યેન પંથા વિગતો દેવયાનઃ યેનાક્રમંત્યૃષયો હયાપ્તકામો યત્ર તત સત્યસ્ય પરમમ્ નિધાનમ્

રાજભાષા (Official Language)

  • ભારતીય બંધારણના અનુચ્છેદ-343 (D) અનુસાર દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દી ભાષાને ભારતની રાજભાષા જાહેર કરવામાં આવી છે.
  • બંધારણમાં વહીવટી કાર્યો માટે અંગ્રેજી ભાષાનો, ઉપયોગ થશે તેવું ઠરાવવામાં આવ્યું છે. જે ખરેખર ભારતની આઝાદીના શરૂઆતના 15 વર્ષો માટે ઠરાવવામાં આવ્યું હતું.
  • ભારતીય બંધારણના આઠમા પરિશિષ્ટમાં કે અનુસૂચિમાં હાલમાં 22 ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે.
  • વર્ષ 1939માં રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર માટે સૌરાષ્ટ્ર હિન્દી પ્રસાર સમિતિ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
  • ભારતીય બંધારણના અનુચ્છેદ-344માં રાજભાષા માટે આયોગ અને સંસદની સમિતિ અંગેની અને અનુચ્છેદ-351માં હિન્દી ભાષાના વિકાસ માટેના આદેશની જોગવાઈ છે.
  • નર્મદે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવવાની ભલામણ કરી હતી જ્યારે સયાજીરાવ ગાયકવાડે સમગ્ર દેશ માટે નાગરી લિપિ રાખવા ભલામણ કરી હતી

જાણવા જેવું

  • રાષ્ટ્રીય પીણું : ચા
  • રાષ્ટ્રીય મીઠાઈ : જલેબી
  • રાષ્ટ્રીય લિપિ : દેવનાગરી
  • રાષ્ટ્રીય મંત્ર : ઓમ
  • રાષ્ટ્રીય વિદેશનીતિ : ગુટ નિરપેક્ષ
  • રાષ્ટ્રીય પર્વ : ગણતંત્ર કે પ્રજાસત્તાક દિવસ
  • રાષ્ટ્રીયતા : ભારતીય
  • સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર : ભારતરત્ન
  • રાષ્ટ્રધ્વજ ગીત : વિજય વિશ્વ તિરંગા પ્યારા
  • ગુજરાતનું રાજ્ય પતંગિયું પ્લેન ટાઈગર છે.

ભારત અને ગુજરાતના પ્રતીકો વિશે

ભારત અને ગુજરાતના પ્રતીકો વિશે

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!