Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso

ભારતીય સંસ્કૃતિ સંબંધિત સંસ્થાઓ

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો

ભારતીય સંસ્કૃતિ સંબંધિત સંસ્થાઓ

કોઈ પણ દેશનો સાંસ્કૃતિક વારસો તેની સામાજિક, આર્થિક, રાજકીય પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આથી દરેક દેશ પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવતો હોય છે અને તેનાં સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે પ્રયત્નશીલ હોય છે. તેમનો ઉદ્દેશ આવનારી પેઢીઓ અને સમાજ તેનું મહત્ત્વ સમજીને સંરક્ષણ-સંવર્ધન કરે અને આ પ્રક્રિયાને ક્રમશઃ આગળ ધપાવે. ભારતના બંધારણમાં સાંસ્કૃતિક વારસાના જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે-સાથે નાગરિકોને પણ જવાબદાર બનાવ્યા છે. ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે ઘણી કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવે છે. ઉપરાંત અનેક સરકારી અને ગેર-સરકારી સંસ્થાઓ આ ક્ષેત્રે કાર્યરત છે. આ સંદર્ભમાં ભારતનું “સંસ્કૃતિ મંત્રાલય” સર્વોચ્ચ એકમ છે.

લલિત કલા એકેડમી

  • ભારત સરકાર દ્વારા ઈ.સ. 1954માં લલિત કલા એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી.
  • મુખ્યાલય : નવી દિલ્હી
  • તે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ સ્થપાયેલ છે.
  • તે એક સ્વાયત્ત સંસ્થા છે, જે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા પૂર્ણ રીતે વિત્તપોષિત છે.
  • ભારતમાં દ્રશ્ય કળાઓના સંદર્ભમાં લલિત કલા એકેડમી સર્વોચ્ય સાંસ્કૃતિક સંસ્થા છે. તે ચિત્રકળા, મૂર્તિકળા, ગ્રાફિક્સકળા, જનજાતીય કળા વગેરે ક્ષેત્રમાં શોધ-સંશોધનને પ્રોત્સાહન આપે છે.
  • એકેડમીનો ઉદ્દેશ દેશ-વિદેશમાં ભારતીય કળાનો પ્રચાર પ્રચાર કરવાનો છે. તેના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનોનું આયોજન કરે છે.
  • એકેડમી, કળા સંસ્થાઓ / સંગઠનોને માન્યતા આપે છે અને આ સંસ્થાઓની સાથે-સાથે રાજ્યોની એકેડમીને આર્થિક સહાયતા આપે છે.
  • લલિત કલા એકેડમીના લખનૌ, ચેન્નાઈ, કોલકાતા, શિલોંગ શિમલા, ભુવનેશ્વરમાં ક્ષેત્રીય કેન્દ્ર આવેલ છે.
  • તે ક્લાકારોને સ્કોલરશિપ અને કળા સંગઠનોને અનુદાન (ગ્રાન્ટ) આપીને દૃશ્યકળાને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)

  • ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા ASI) એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. તેની સ્થાપના ઈ.સ. 1861માં “એલેક્ઝાન્ડર કનિંઘમ” દ્વારા કરવામાં આવી હતી.
  • ASI નું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય મહત્ત્વનાં પ્રાચીન સ્મારકોનું સંરક્ષણ અને પુરાતાત્ત્વિક સ્થળોનું શોધ-સંશોધન કરવાનું છે, તે મુખ્યત્વે ભૌતિક અને મૂર્ત સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પ્રત્યે કેન્દ્રિત છે.
  • પ્રાચીન સ્મારક તથા પુરાતાત્વિક સ્થળ અને અવશેષ અધિનિયમ, 1958 હેઠળ ASI દ્વારા સમગ્ર દેશમાં થતી પુરાતાત્વિક ગતિવિધિઓનું નિયમન કરવામાં આવે છે.
  • પુરાવશેષ તથા બહુમૂલ્ય ક્લાકૃતિ અધિનિયમ, 1972 હેઠળ ASI ભારતની પ્રાચીન વસ્તુઓના ગેરકાયદેસર નિકાસ પર પ્રતિબંધ માટે કાર્યરત છે.
  • ASI રાષ્ટ્રીય મહત્ત્વનાં પ્રાચીન સ્મારકો તથા પુરાતત્ત્વિક સ્થળો અને અવશેષોની દેખરેખ માટે દેશભરમાં 24 મંડળોમાં વહેંચાયેલ છે.
  • ASI હેઠળ સંગ્રહાલયો, ઉત્ખન્ન શાખા, ભવન સર્વેક્ષણ પરિયોજના, શિલાલેખ શાખા, અંતરજલીય શાખા વગેરે સંસ્થા કાર્યરત છે. જેના માધ્યમથી તે પુરાતાત્ત્વિક સર્વેક્ષણનું કાર્ય હાથ ધરે છે.
  • તેની મુખ્ય ગતિવિધિઓ : પુરાતાત્ત્વિક વિજ્ઞાનમાં તાલીમ, પ્રાચીન સ્મારકો અને પુરાવશેષોનું સર્વેક્ષણ, દેખરેખ, જાળવણી અને બચાવકામગીરી, શોધ-સંશોધન કાર્યોનું પ્રકાશન, સંગ્રહાલયોની સ્થાપના કરવી વગેરે.

સંગીત નાટક એકેડમી

  • તે ભારત સરકાર દ્વારા નૃત્ય, નાટક જેવી કળાઓ માટે સ્થાપેલી પ્રથમ રાષ્ટ્રીય એકેડમી છે.
  • તેની સ્થાપના ભારત સરકારના તત્કાલીન શિક્ષણમંત્રાલયના એક પ્રસ્તાવ દ્વારા ઈ.સ. 1952માં કરવામાં આવ્યું હતું.
  • ઈ.સ. 1961માં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ સંગીત-નાટક એકેડમીનું એક સોસાયટી તરીકે પુનર્ગઠન કરવામાં આવ્યું.
  • સંગીત નાટક એકેડમી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ પૂર્ણરૂપી વિત્તપોષિત સ્વાયત્ત સંસ્થા છે.
  • એકેડમી સંગીત, નૃત્ય, નાટક જેવાં કળાનાં વિવિધ સ્વરૂપોના માધ્યમથી દેશના સાંસ્કૃતિક વારસાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત છે.
  • તે સંગીત, નૃત્ય, નાટકનાં ક્ષેત્રોમાં શોધ-સંશોધન, પ્રદર્શનો અને તેના સંબંધિત સાહિત્યને પ્રોત્સાહન આપે છે તથા વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક સંસ્થાઓ વચ્ચે સંકલન સાધે છે.
  • એકેડમી સંગીત, નૃત્ય, નાટકના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
  • ઈ.સ. 1959માં એકેડમી હેઠળ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ની સ્થાપના કરાઈ હતી, જે એક સ્વાયત્ત સંસ્થા છે.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)

  • નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના ઈ.સ. 1959માં સંગીત નાટક એકેડમીના એક એકમ તરીકે કરવામાં આવી હતી.
  • ઈ.સ. 1975માં તે એક સ્વતંત્ર સંસ્થા બની અને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ સોસાયટી તરીકે તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું.
  • NSD એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ પૂર્ણરૂપથી વિત્તપોષિત સંસ્થા છે.
  • NSD નાટક ક્ષેત્ર તાલીમ આપનારી સંસ્થા છે, ઉપરાંત નાટક સાથે જોડાયેલ કાર્યશાળાઓનું આયોજન પણ કરે છે.
  • તેના દ્વારા “બાલ સંગમ“, “ભારત રંગમહોત્સવ“, “જન-એ બચપન“, “પૂર્વોત્તર નાટ્ય સમારોહ“નું નિયમિતરૂપે આયોજન કરવામાં આવે છે.

સાહિત્ય અકાદમી

  • ભારત સરકારે ઈ.સ. 1954માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે સાહિત્ય અકાદમીની સ્થાપના કરી હતી.
  • ઈ.સ. 1956માં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1960 હેઠળ સોસાયટી તરીકે તેને રજિસ્ટર કરાઈ.
  • તે ભારતની સાહિત્યિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે.
  • ભારતની વિભિન્ન ભાષાઓમાં સાહિત્યસર્જનને પ્રોત્સાહન આપવું અને તેમના સમન્વયનું કામ સાહિત્ય અકાદમી કરે છે.
  • તે માટે સાહિત્ય અકાદમી દ્વારા સેમિનાર, વર્કશોપ, અનુવાદ, પ્રકાશન વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
  • સાહિત્ય અકાદમી દર વર્ષે ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત 22 ભાષાઓ ઉપરાંત અંગ્રેજી અને રાજસ્થાની એમ કુલ 24 ભાષાઓમાં શ્રેષ્ઠ સાહિત્ય સર્જકને પુરસ્કાર આપે છે.
  • જે ભાષાઓ સાહિત્ય અકાદમી દ્વારા માન્યતા પ્રાપ્ત નથી તેવી ભાષામાં સાહિત્યસર્જન કરનારને “ભાષા સન્માન” આપવામાં આવે છે.
  • સાહિત્ય અકાદમી દ્વારા હિંદી સાહિત્યમાં યોગદાન આપનારને “પ્રેમચંદ ફેલોશિપ” અને પ્રાચીન ભારતીય કળા ક્ષેત્રમાં યોગદાન આપનારને “ડો. આનંદ ફેલોશિપ” આપવામાં આવે છે.

સાહિત્ય અકાદમીની પત્રિકાઓ

  • હિંદીમાં દ્વિ-માસિક “સમકાલીન ભારતીય સાહિત્ય
  • હિંદીમાં અર્ધવાર્ષિક “આલોક
  • અંગ્રેજીમાં “ઈન્ડિયન લિટરેચર
  • સંસ્કૃતમાં “સંસ્કૃત પ્રતિભા
સાહિત્ય અકાદમીની પત્રિકાઓ

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR)

  • ભારતીય સાસ્કૃતિક સંબંધ પરિષદ (Indian Council of Cultural Relation, ICCR)ની સ્થાપના ઈ.સ. 1950માં મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા કરવામાં આવી હતી.
  • તે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત છે તથા સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ રજિસ્ટર છે.
  • ICCRની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ ભારત અને અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. તે સંબંધિત નીતિઓ અને કાર્યક્રમ તૈયાર કરવા છે અને તેના અમલીકરણમાં ભાગીદાર બનવું.
  • ICCR દ્વારા સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, સ્ટુડન્ટ ફેલોશિપ અને દેશ-વિદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
  • ICCRના ભારતભરમાં ક્ષેત્રીય કાર્યલયો ઉપરાંત વિદેશોમાં પણ મિશન કાર્યલય અને સાંસ્કૃતિક કેન્દ્રો કાર્યરત છે.
  • ઈ.સ. 2015થી વિદેશોમાં ભારતીય દૂતાવાસા / પોસ્ટો / મિશનો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન) ઉજવવાની જવાબદારી ICCR ને સોંપાઈ છે.

સાંસ્કૃતિક સંસાધન અને પ્રશિક્ષણ કેન્દ્ર (CCRT)

  • ભારત સરકાર દ્વારા સંસ્કૃતિ મંત્રાલય હેઠળ ઈ.સ. 1979માં સાંસ્કૃતિક સંસાધન અને પ્રશિક્ષણ કેન્દ્ર (CCRT)ની સ્થાપના કરાઈ હતી.
  • CCRTનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણને સંસ્કૃતિ સાથે જોડવાનો છે. તે શિક્ષણ માટે સર્વાંગી દ્રષ્ટિકોણ ધરાવે છે અને બાળકોના ભાવનાત્મક, આધ્યાત્મિક અને સંજ્ઞાનાત્મક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરાંત તે શિક્ષકો, પ્રોફેસરોને પણ ભારતની વિભિન્ન સંસ્કૃતિ અને ભાષાઓથી માહિતગાર કરવા માગે છે તથા શૈક્ષણિક અભ્યાસક્રમમાં તેના સમાવેશ માટે પ્રયત્નશીલ છે.
  • CCRT ભારતીય યુવાનોમાં સામાજિક મૂલ્યો અને સામુદાયિક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપે છે. તેના માટે સાસ્કૃતિક વારસો યુવા નેતૃત્વ કાર્યક્રમનું સંચાલન કરવામ આવે છે.
  • CCRTનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે તથા ત્રણ ક્ષેત્રીય કાર્યાલયો (ઉદયપુર, હૈદરાબાદ, ગુવાહાટી) ધરાવે છે.

ભારતીય રાષ્ટ્રીય કળા અને સાંસ્કૃતિક વિરાસત ટ્રસ્ટ (INTAC)

  • તેની સ્થાપના ઈ.સ. 1984માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી.
  • તે એક ગેરલાભકારી સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ આપણા સાંસ્કૃતિક વારસાને લઈને લોકોમાં જાગૃતતા લાવવી અને તેને સંરક્ષિત કરવાની યોજના બનાવવી.
  • INTACH દેશનાં લગભગ 170 શહેરોમાં તેની શાખાઓ ધરાવે છે, જેને “ચેપ્ટર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ (ICHR)

  • ICHRની સ્થાપના ઈ.સ. 1972માં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ કરવામાં આવી હતી.
  • તે એક સ્વાયત્ત સંગઠન છે, જે UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) પાસેથી ગ્રાન્ટ મેળવે છે.
  • ICHRનો ઉદ્દેશ ઈતિહાસકારો વસ્તુનિષ્ઠ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે ઈતિહાસ લખે તે માટે પ્રોત્સાહન આપવાનો છે.
  • તે ઈતિહાસના અત્યાર સુધી ઉપેક્ષિત થયેલાં ક્ષેત્રોમાં શોધ-અભ્યાસને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
  • ICHR બે પત્રિકાઓ પ્રકાશિત કરે છે : અંગ્રેજીમાં “ઈન્ડિયન હિસ્ટોરિકલ રિવ્યૂ” અને હિન્દીમાં “ઈતિહાસ“.

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા (FTII)

  • ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા (Film and Televison Institute of India, FTII)એ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.
  • તેની સ્થાપના ઈ.સ. 1960માં કરવામાં આવી હતી તથા તેનું મુખ્યાલય પુણે ખાતે આવેલું છે.
  • તે ફિલ્મનિર્માણ માટે તાલીમ આપવા માટેની ભારતની એક અગ્રણી સંસ્થા છે.

ભારતીય માનવ વિજ્ઞાન સર્વેક્ષણ

  • તેની સ્થાપના ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કરાયેલ છે. તેનું મુખ્યાલય કોલકાતા ખાતે આવેલું છે.
  • તે ભારતમાં વંશીય વિવિધતા સંબંધિત બાબતો પર શોધ-સંશોધન કરે છે અને વંશીય સમૂહો, જનજાતિઓના સાંસ્કૃતિક-જૈવિક નમૂનાને એકત્રિત કરવાનું કાર્ય કરે છે. જે તે માનવ વિજ્ઞાન સર્વેક્ષણ માટે તાલીમ આપે છે અને આ ક્ષેત્રમાં થયેલ શોધ-સંશોધનોનું પ્રકાશન કરે છે.

એશિયાટિક સોસાયટી

  • ઈ.સ. 1784માં કોલકાતામાં “એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ” નામની સંસ્થાની સ્થાપના કરાઈ. (જે આગળ જતાં એશિયાટિક સોસાયટી તરીકે ઓળખાઈ). તેની સ્થાપના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી “સર વિલિયમ જોન્સ” દ્વારા કરાઈ હતી.
  • આ સોસાયટીની સ્થાપનાનો ઉદ્દેશ એશિયાઈ ઈતિહાસ, ભાષા, સાહિત્ય અને વિજ્ઞાન જેવાં ક્ષેત્રોમાં શોધ-સંશોધન અને તેને લગતી માહિતીને સંગ્રહિત કરવાનો હતો.

જાણવા જેવું

સર વિલિયમ જોન્સે કાલિદાસના સંસ્કૃત નાટક “અભિજ્ઞાન શાકુંતલ“નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.
વિલ્કિન્સે “શ્રીમદ્ ભગવદગીતા“નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.

ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)

  • ઓલ ઈન્ડિયા રેડિયોની સ્થાપના ઈ.સ. 1936માં કરાઈ હતી. તે સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત છે.
  • તેનો ઉદ્દેશ જાહેર હિતને લગતી બાબતોથી નાગરિકોને પરિચય કરાવવો, શ્રોતાઓને શિક્ષિત કરવા અને તેમને મનોરંજન પૂરું પાડવું.
  • AIR દ્વારા રાષ્ટ્રની અખંડિતાને જાળવી રાખીને, બંધારણીય મૂલ્યોમાં વધારો થાય તેવા કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવે છે.

ભારતીય શિલ્પ પરિષદ

  • ભારતીય શિલ્પ પરિષદ એ ભારતમાં પરંપરાગત હસ્તશિલ્પ ઉદ્યોગનું સંરક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરતું એક ગેરલાભકારી સંગઠન છે.
  • તેની સ્થાપના ઈ.સ. 1976માં “કમલાદેવી ચટ્ટોપાધ્યાય” દ્વારા કરાઈ હતી. તેનું મુખ્યાલય ચૈન્નાઈ ખાતે આવેલું છે.
  • આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ : ભારતની પરંપરાગત શિલ્પકળાનું રક્ષણ કરવાનો, શિલ્પકારનાં હિતોની રક્ષા કરવાનો અને વૈશ્વિક સ્તરે ભારતની આ ક્લાત્મક પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરવું.

ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર

  • ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર (National Archives of India)ની સ્થાપના ઈ.સ. 1899માં અંગ્રેજો દ્વારા કોલકાતા ખાતે કરવામાં આવી હતી.
  • અંગ્રેજોએ તત્કાલીન સમયમાં સરકારી અભિલેખો (દસ્તાવેજો) અને અન્ય બહુમૂલ્ય અભિલેખોના સંરક્ષણ માટે તેની સ્થાપના કરી હતી.
  • તેનો ઉદ્દેશ ભારતના પ્રાચીન અને અમૂલ્ય અભિલેખોનો સંગ્રહ અને આધુનિક પદ્ધતિથી તેનું વ્યવસ્થાપન કરીને આવનારી પેઢીઓને સોંપવાનો છે.

રાષ્ટ્રીય પાંડુલિપિ મિશન

  • ઈ.સ. 2003માં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય પાંડુલિપિ મિશન (National Mission for Manuscripts)ની સ્થાપના કરાઈ હતી. જેથી પ્રાચીન પાંડુલિપિઓ (હસ્તપ્રતો)માં સંરક્ષિત જ્ઞાનનું દસ્તાવેજીકરણ અને જતન થઈ શકે.
  • આ મિશનનો ઉદ્દેશ દુર્લભ અને અપ્રકાશિત પાંડુલિપિઓને પ્રકાશિત કરવી, તેમનો ઈલેક્ટ્રોનિક ડેટાબેઝ તૈયાર કરવો જેથી તેમાં રહેલું જ્ઞાન શોધ-સંશોધનકર્તાઓ, વિદ્વાનો અને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચી શકે

જાણવા જેવું

  • તાજેતરમાં રાષ્ટ્રીય પાંડુલિપિ મિશન દ્વારા “મંગોલિયાઈ કંજુર”(Mongolian Kanjur)ના 108 ખંડોને રીપ્રિન્ટ કરાઈ રહી છે જેથી તેનું સંરક્ષણ થઈ શકે.
  • મંગોલિયાઈ ને મંગોલિયામાં સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક પાઠ માનવામાં આવે છે.
  • ધાર્મિક પ્રસંગો પર બૌદ્ધ મઠમાં કંજૂરની પૂજા કરવામાં આવે છે તથા દૈનિક જીવનમાં કંજૂરમાં ઉલ્લેખિત પંક્તિઓનો પાઠ કરવામાં આવે છે.

www.educationvala.com

Leave a Comment

error: Content is protected !!