Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso

Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો

ભારતીય શાસ્ત્રીય નૃત્ય

Table of Contents

ભારતીય શાસ્ત્રીય નૃત્ય

  • સંગીત નાટક અકાદમીએ 8 નૃત્યોને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપ્યો છે જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિશી, મણિપુરી, કથક અને સત્રિય નૃત્યનો સમાવેશ થાય છે. તેમાં સૌથી છેલ્લે સમિપ નૃત્ય (અસમ, 2000માં) ને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો અપાયો.
  • ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય ઉપરોક્ત 8 શાસ્ત્રીય નૃત્યો ઉપરાંત “છઉં” નૃત્યને પણ શાસ્ત્રીય નૃત્ય તરીકેની માન્યતા આપે છે.
  • ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ગુરુ શિષ્ય પરંપરાનું પાલન થતું જોવા મળે છે. જેમાં ગુરુ દ્વારા નૃત્યના નિયમો-સ્વરૂપો-પરંપરાઓનું જ્ઞાન શિષ્યને આપવામાં આવે છે.

ભરતનાટ્યમ નૃત્ય (તામિલનાડુ)

  • ભરતનાટ્યમ્“ને સૌથી પ્રાચીન નૃત્ય માનવામાં આવે છે. આ નૃત્યશૈલી ભરતમુનિના “નાટ્યશાસ્ત્ર” પર આધારિત છે.
  • આ નૃત્યશૈલીનો ઉદ્ભવ અને વિકાસ તામિલનાડુના તાંજોર (તંજાવુર) જિલ્લામાં થયેલો મનાય છે.
  • પ્રાચીન સમયમાં મંદિરોમાં દેવદાસીઓ અથવા નર્તકીઓ દ્વારા ભગવાનની મૂર્તિ સમક્ષ આ નૃત્ય કરવામાં આવતું. આથી તેને “દાશીઅટ્ટમ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • દેવદાસીપ્રથાનો અંત થતાં, આ નૃત્યકળા લગભગ લુપ્ત થઈ ગઈ, પરંતુ સ્વાતંત્ર્યસેનાની ઈ.કૃષ્ણ ઐયરના પ્રયાસોથી તે પુનર્જીવિત થઈ. જ્યારે રુક્મણિ દેવી અરુન્ડેલે ભરતનાટ્યમ્ ને વૈશ્વિક ઓળખ અપાવી. 19મી સદીની શરૂઆતમાં રાજા સરફોજીના સંરક્ષણમાં તાંજોરના પ્રસિદ્ધ ચાર ભાઈઓએ ભરતનાટ્યમના જે રંગમંચનું નિર્માણ કર્યું તે આજે આપણને જોવા મળે છે.

ભરતનાટ્યમ નૃત્યની વિશેષતાઓ

  • ભરતનાટ્યમાં શારીરિક પ્રક્રિયાને 3 ભાગમાં વહેંચી શકાય : સમભંગ, અભંગ અને ત્રિભંગ
  • તેમાં મોટા ભાગની મુદ્રાઓ અગ્નિની લહેરો સમાન છે. તે માનવશરીરમાં અગ્નિની અભિવ્યક્તિ કરતું હોવાથી “અગ્નિ નૃત્ય” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ નૃત્યમાં નર્તકી એકલ પ્રસ્તુતિમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવતી હોવાથી તે “એકચર્ય લાસ્યમ” શૈલી તરીકે પણ ઓળખાય છે.
  • ભરતનાટ્યમમાં નૃત્ય અને અભિનયનો સમાવેશ થાય છે. તેમાં નૃત્યનાં બે અંગો “તાંડવ” અને “લાસ્ય” બંને પર સમાન ભાર અપાય છે. નૃત્યની શરૂઆત “આલારિપુ” / “સ્તુતિ“થી અને અંત “તિલ્લાના“થી થાય છે.
  • આ નૃત્યનો ક્રમ : આલારિપુ, જાતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદ્મ અને તિલ્લાના છે.
  • આ નૃત્યની પ્રસ્તુતિ દરમિયાન ઘૂંટણ મોટા ભાગે વળેલા હોય છે તથા શરીરનો ભાર બંને પગ પર સમાન રીતે અપાય છે.

જાણીતા ભરતનાટ્યમ નૃત્યકારો

  • પદ્મા સુબ્રમણ્યમ્
  • યામિની કૃષ્ણમૂર્તિ
  • સોનલ માનસિંહ
  • મૃણાલિની સારાભાઈ
  • મલ્લિકા સારાભાઈ
  • મીનાક્ષી સંદરમ્
  • ટી. બાલસરસ્વતી વગેરે.

કુચીપુડી નૃત્ય (આંધ્રપ્રદેશ)

  • કુચીપુડી આંધ્રપ્રદેશની પ્રચલિત નૃત્યશૈલી છે. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કુચેલપુરમ ગામમાં તેનો ઉદ્ભવ થયો હોવાથી તે “કુચીપુડી” તરીકે ઓળખાય છે. પરંપરાગત રીતે આ નૃત્ય ફક્ત બ્રાહ્મણ સંપ્રદાયના પુરુષો દ્વારા જ કરવામાં આવતું હતું. જેઓ “ભાગવતથાલૂ” તરીકે ઓળખાતા હતા.
  • ગોલકુંડા અને વિજયનગરના શાસકોએ આ નૃત્યને સંરક્ષણ આપ્યું.
  • આ નૃત્યના પુનરુદ્ધારમાં 17મી સદીના વૈષ્ણવ સંત સિદ્ધેન્દ્ર યોગીનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

કુચીપુડી નૃત્યની વિશેષતાઓ

  • કુચીપુડીમાં ગીત અને નૃત્યનો સમન્વય છે. તેનું મુખ્ય વિષયવસ્તુ ભાગવતપુરાણની કથાઓ છે, પરંતુ તેનો કેન્દ્રીય ભાવ ધર્મનિરપેક્ષ છે. તેમાં શૃંગાર રસની પ્રધાનતા હોય છે.
  • કુચીપુડીની પ્રસ્તુતિમાં નૃત્યકાર પોતે જ ગાયકની ભૂમિકા ભજવી શકતો હોવાથી તે નૃત્ય-નાટક પ્રસ્તુતિ બની જાય છે. તેમાં લાસ્ય અને તાંડવ બંને તત્ત્વોનું મહત્ત્વ રહેલું છે.
  • કુચીપુડી નૃત્યનું સૌથી લોકપ્રિય સ્વરૂપ મટકા નૃત્ય, જેમાં એક નર્તકી પાણી ભરેલા માટલાને માથા પર મૂકીને, પિત્તળની થાળીમાં પગ મૂકીને નૃત્ય કરે છે.
  • આ નૃત્યની અન્ય એક વિશેષતા કલાકાર નૃત્ય દરમિયાન પોતાના પગના અંગૂઠાથી જમીન પર એક આકૃતિ બનાવે છે આ નૃત્યવિદ્યા સાથે કર્ણાટક સંગીત જોડાયેલ છે, મુખ્ય વાદ્યયંત્ર તેમાં મૃદંગળ, વીણા, વાયોલિન, ઝાંઝ, બાંસૂરી અને તંબૂરો છે.

જાણીતા કુચીપુડી નૃત્યકારો

  • ગુરુ વેદાંતમ્
  • લક્ષ્મીનારાયણ
  • યામિની કૃષ્ણામૂર્તિ
  • રાધા રેડ્ડી
  • રાજા રેડ્ડી
  • ભાવના રેડ્ડી
  • શોભા નાયડુ
  • ઈન્દ્રાણી રહેમાન વગેરે.

મોહિનીઅટ્ટમ નૃત્ય (કેરળ)

  • તે કેરળનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે.
  • તેની પ્રસ્તુતિ એકલ મહિલા દ્વારા થાય છે.
  • પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ સમુદ્ર-મંથન વખતે અને ભસ્માસુરના વધની ઘટનાના સંદર્ભમાં “મોહિની“નો વેશ ધારણ કર્યો હતો તેની સાથે આ નૃત્ય જોડાયેલ છે.
  • 19મી સદીમાં ત્રાવણકોરના શાસકો (વિશેષ રાજા સ્વાતિ તિરુનલ રામ વર્મા) એ આ નૃત્યને સંરક્ષણ આપ્યું.
  • આ નૃત્યમાં ભરતનાટ્યમ્ ના મનોહરતા અને લાલિત્ય તથા કથકલીની વીરતાનું સંયોજન થાય છે.
  • ભરતનાટ્યમ્, ઓડિશી અને મોહિનીઅટ્ટમ નૃત્યની એક સમાન પ્રવૃતિ છે અને આ ત્રણેયનો ઉદ્ભવ “દેવદાસી” નૃત્યમાંથી થયો છે.

મોહિનીઅટ્ટમ નૃત્યની વિશેષતાઓ

  • તે નૃત્યની “લાસ્ય” શૈલીથી સંબંધિત છે.
  • આ નૃત્યમાં નૃત્યાંગનાઓ સોનેરી કિનારા ધરાવતી સફેદ રંગની કાસાવુ સાડી પહેરે છે તથા માથે એક તરફ અંબોળો વાળીને તેના પર સફેદ જાસ્મીન ફૂલોની વેણી પહેરે છે.
  • નૃત્ય દરમિયાન નૃત્યાંગનાઓ પગના પંજા ઉપર-નીચે કરતી જાય છે જે સમુદ્રની લહેરોને સમાન હોય છે.
  • આ નૃત્યમાં ચહેરાના હાવ-ભાવ અને હાથની મુદ્રાઓને વધુ મહત્ત્વ અપાય છે.

જાણીતા મોહિનીઅટ્ટમ નૃત્યકારો

  • વૈજયંતી માલા
  • પલ્લવી કૃષ્ણન
  • હેમા માલિની
  • જયપ્રભા મેનન
  • સુનંદા નાયર
  • ગોપિકા વર્મા
  • માધુરી અમ્મા વગેરે.

કથકલી નૃત્ય (કેરળ)

  • કથા” એટલે વાર્તા અને “કલી” એટલે નાટક
  • આ શાસ્ત્રીય નૃત્યનો વિકાસ કેરળનાં મંદિરોમાં સામંતોના સંરક્ષણ હેઠળ થયો.
  • બે લોકનાટ્યો “રામાનટ્ટમ્” (રામાયણની કથાઓ) અને “કૃષ્ણાટમ્” (મહાભારતની કથાઓ) તેના ઉદ્ભવ સ્રોત મનાય છે.
  • કથકલી નૃત્યના પુનરુત્થાન મુકુંદ રાજાના સંરક્ષણમાં પ્રસિદ્ધ મલયાલી કવિ વી. એન. મેનન દ્વારા થયું.
  • આ નૃત્યની મોટા ભાગની પ્રસ્તુતિઓ સારી અને ખરાબ બાબતો વચ્ચેના શાશ્વત સંઘર્ષનું નિરૂપણ કરે છે.
  • તેમાં રામાયણ, મહાભારત, પુરાણોમાંથી લેવાયેલાં ચરિત્રોનો અભિનય થાય છે. તેને પૂર્વનું “ગાથાગીત” તરીકે પણ ઓળખવામાં આવે છે.

કથકલી નૃત્યની વિશેષતાઓ

  • આંખો અને ભમ્મરની ગતિ ઉપરાંત ચહેરાના હાવભાવ છે. નર્તકો એક વિશેષ પ્રકારની ટોપી પહેરે છે.
  • વિભિન્ન પાત્રો માટે મુકટ સાથે ચહેરા પર વિસ્તૃત શૃંગાર કરવામાં આવે છે. ચહેરા પરના રંગોનું પોતાનું મહત્ત્વ છે. જેમાં લીલો રંગ સદગુણ, દિવ્યતા અને મર્યાદા, પીળો રંગ સાત્ત્વિકતા, કાળો રંગ તામસી સ્વભાવ અને લાલ રંગ પ્રભુત્વ સૂચવે છે.
  • તેની પ્રસ્તુતિઓ ખુલ્લા આકાશ નીચે રંગમંચ પર અથવા મંદિર પરિસરમાં થાય છે તથા પ્રકાશ માટે પિત્તળના લેમ્પનો ઉપયોગ થાય છે.
  • કથકલી નૃત્ય આકાશ તત્ત્વને દર્શાવે છે.
  • તે એક પુરુષપ્રધાન નૃત્ય હોવાથી સ્ત્રી પાત્રનો અભિનય પણ પુરુષ જ કરે છે.

જાણીતા કથકલી નૃત્યકારો

  • ગુરુ કુછુ કુરુપ
  • કનક રેલે
  • રીટા ગાંગુલી
  • મૃણાલિની સારાભાઈ
  • શાંતા રાવ
  • ગોપીનાથ
  • ઉદયશંકર વગેરે.

ઓડિશી નૃત્ય (ઓડિશા)

  • ઓડિશી નૃત્યનું પ્રાચીનકાળથી અસ્તિત્વ હોવાના પ્રમાણ ખંડગિરિ-ઉદયગિરિની ગુફાઓમાંથી મળી આવે છે.
  • ઈ.સ. પૂર્વે 2 સદીમાં “મહરિસ” નામના સંપ્રદાયના લોકો શિવ મંદિરોમાં જે નૃત્ય કરતા હતા, કાળક્રમે તેમાંથી ઓડિશી નૃત્ય કળાનો વિકાસ થયો.
  • આ નૃત્યને જૈન રાજા ખારવેલ દ્વારા સંરક્ષણ મળ્યું હતું.
  • નાની વયના પુરુષો દ્વારા મહિલાઓના વેશમાં આ નૃત્ય કરવામાં આવતું, જેઓ “ગોતિપુઆ“ના નામથી ઓળખાતા.
  • 12મી સદીમાં ઓડિશી નૃત્ય પર વૈષ્ણવ સંપ્રદાયનો વ્યાપક પ્રભાવ પડ્યો.
  • આ નૃત્યનો ઉલ્લેખ શિલાલેખોમાં પણ મળી આવે છે. ઉદાહરણ : કોર્ણાકના સૂર્યમંદિરના કેન્દ્રીય કક્ષમાં તેનો ઉલ્લેખ છે.
  • ઓડિશી નૃત્ય સાથે કર્ણાટકી અને હિંદુસ્તાની સંગીત પરંપરાઓનું સંયોજન થયેલું છે.

ઓડિશી નૃત્યની વિશેષતાઓ

  • આ નૃત્યમાં થતી અભિવ્યક્તિઓ અને મુદ્રાઓ ભરતનાટ્યમ્ સાથે સામ્યતા ધરાવે છે.
  • આ નૃત્યની વિશેષતા શરીરનો ત્રણ સ્થાનેથી વળાંક એટલે કે ત્રિભંગ મુદ્રા છે.
  • તેમાં લાલિત્ય, વિષયાશક્તિ અને સૌંદર્યનું નિરૂપણ થાય છે.
  • ઓડિશી નૃત્યમાં નૃત્યાંગનાઓ પોતાના શરીર વડે જટિલ ભૌમિતિક આકૃતિઓ બનાવે છે. આથી આ નૃત્ય ગતિશીલ શિલ્પાકૃતિ (Mobile Sculpture) તરીકે પણ ઓળખાય છે.
  • આ નૃત્યમાં પ્રયોગ થતાં છંદ સંસ્કૃત નાટક “ગીતગોવિંદ” (જયદેવ રચિત) માંથી લીધેલાં છે. ઓડિશી નૃત્ય “જળ” તત્ત્વને દર્શાવે છે.

જાણીતા ઓડિશી નૃત્યકારો

  • ગુરુ પંકજચરણ દાસ
  • ગુરુ કેલુ ચરણ મહાપાત્ર
  • મોહન મહાપાત્ર
  • સોનલ માનસિંહ
  • માધવી મુદ્ગલ
  • કુમકુમ મોહંતી
  • અરુણ મોહંતી વગેરે.

મણિપુરી નૃત્ય (મણિપુર)

  • તે પૂર્વોત્તર ભારતના મણિપુર રાજ્યની નૃત્યશૈલી છે.
  • આ નૃત્યનો ઉદ્ભવ શિવ અને પાર્વતીના અન્ય દેવી-દેવતાઓ સાથેના નૃત્યોમાંથી થયો હોવાનું મનાય છે.
  • વૈષ્ણવ સંપ્રદાયના ઉદ્ભવ સાથે આ નૃત્યનો વિકાસ થયો.
  • તેમાં વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ તથા જયદેવના “ગીત ગોવિંદ“માંથી લીધેલ કથા તત્ત્વોને નૃત્યના માધ્યમથી રજૂ કરાય છે.

મણિપુરી નૃત્યની વિશેષતાઓ

  • આ નૃત્યને “જગાઈ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તે એક સામૂહિક નૃત્ય છે, જેમાં ગોળ-ગોળ ઘૂમવા પર વધારે ભાર હોય છે.
  • તેમાં શરીર ધીમી ગતિ સાથે ચાલે છે તથા નર્તક ધીરે-ધીરે જમીન પર પગ રાખે છે.
  • નૃત્યાંગનાઓના ચહેરા પારદર્શી ઘૂંઘટથી ઢંકાયેલ હોય છે તથા ચહેરાના હાવ-ભાવ (મુખ-અભિનય)ને ઓછું મહત્ત્વ અપાય છે.
  • મણિપુરી નૃત્યમાં વિષયવસ્તુ કરતાં ભક્તિ પર વધુ ભાર અપાય છે.
  • આ નૃત્યમાં લાસ્ય અને તાંડવ બંનેનો સમન્વય હોવા છતાં લાસ્ય તત્ત્વ પર વધુ ભાર અપાય છે.
  • જયદેવ અને ચંડીદાસની ભક્તિપ્રેરક રચનાઓનો પ્રયોગ થાય છે.
  • મણિપુરી નૃત્યકળામાં એક મહત્ત્વપૂર્ણ મુદ્રા “નાગભંદા મુદ્રા” છે, જેમાં શરીરને 8ની આકૃતિમાં બનેલા વક્રોના માધ્યમથી સંયોજિત કરવામાં આવે છે.
  • રાસલીલા, થાંગ-તા અને સંકીર્તન પર મણિપુરી નૃત્યનો પ્રભાવ રહેલો છે.

જાણીતા મણિપુરી નૃત્યકારો

  • ગુરુ બિપિન સિંહ
  • ગુરુ નભકુમાર
  • ચારુ માથુર
  • સાધોની બોઝ
  • સવિતા મહેતા
  • ઝવેરી બહેનો (દર્શના, રંજના, નયના, સુવર્ણા) વગેરે.

કથક નૃત્ય (ઉત્તરપ્રદેશ)

  • કથ્થકની ઉત્પત્તિને પરંપરાગત રીતે પ્રાચીનકાળમાં કથાકાર તરીકે ઓળખાતા ઘૂમન્તુ (પ્રવાસી) વ્યક્તિઓ સાથે સાંકળી શકાય છે.
  • કથક ઉત્તરપ્રદેશની વ્રજભૂમિની રાસલીલા પરંપરા સાથે જોડાયેલું નૃત્ય છે. તેમાં મોટા ભાગે રાધા-કૃષ્ણની કથા હોય છે.
  • મુઘલકાળમાં કથક નૃત્ય દરબારી નૃત્ય બન્યું, જેના પર ફારસી વેશભૂષા અને નૃત્યશૈલીનો પ્રભાવ પડ્યો.
  • તેમાં હિન્દુ ધાર્મિક કથાઓ સાથે ફારસી, ઉર્દૂ કવિતાઓમાંથી લેવાયેલાં તત્ત્વોનું મિશ્રણ છે.
  • અવધના નવાબ વાજિદ અલી શાહે કથક નૃત્યને સંરક્ષણ આપ્યું.
  • તે એક માત્ર શાસ્ત્રીય નૃત્ય છે જે ઈસ્લામિક સંસ્કૃતિ સાથે જોડાયેલ છે તથા કથ્થક અને ઓડિશી નૃત્યમાં જ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો પ્રયોગ થાય છે.

કથક નૃત્યની વિશેષતાઓ

  • કથક નૃત્યની મુખ્ય વિશેષતા જટિલ પદ-સંચાલન અને ચકરાવો છે.
  • તેમાં અને નૃત્યકાર વચ્ચે જુગલબંધી જોવા મળે છે.
  • કથક સાથે ધ્રુપદ સંગીત જોડાયેલું છે. મુઘલકાળમાં તરાના, ઠુમરી અને ગઝલ જેવાં તત્ત્વોનો પણ સમાવેશ થયો. કથક નૃત્ય હેઠળ વિવિધ ઘરાનાનો વિકાસ થયો.
    • લખનૌ ઘરાના : નવાબ વાજિદ અલી શાહના સમયમાં તે ટોચ પર પહોંચ્યું. તેમાં શૃંગાર સાથે અભિનય પર પણ વિશેષ ભાર. આ ઘરાનાના પ્રસિદ્ધ નૃત્યકારો લચ્છુ મહારાજ, બિરજુ મહારાજ વગેરે.
    • જયપુર ઘરાના : આ ઘરાનાની શરૂઆત ભાનુજી દ્વારા થઈ, જેમાં શરીરની ગતિ અને લાંબી લયબદ્ધ પેટર્ન પર ભાર આપવામાં આવે છે.
    • બનારસ ઘરાના : જાનકીપ્રસાદના સંરક્ષણમાં તેનો વિકાસ થયો. આ ઘરાનાની પ્રસિદ્ધ કથક નૃત્યાંગના સિતારા દેવી છે.
    • રાયગઢ ઘરાના : રાયગઢ ઘરાનાના કથકમાં લખનૌ અને જયપુરની મિશ્રિત શૈલીનો ઉપયોગ થયો છે જેમાં પહેરવેશ જયપુર ઘરાના જેવો અને ભાવપ્રદર્શન લખનૌ ઘરાનાથી પ્રેરિત છે.

જાણીતા કથક નૃત્યકારો

  • બિરજુ મહારાજ
  • લચ્છુ મહારાજ
  • સિતારા દેવી
  • દમયંતી જોશી
  • પંડિત સીતારામ પ્રસાદ
  • પંડિત અચ્છન મહારાજ
  • પંડિત શંભુ મહારાજ
  • શોભના નારાયણ વગેરે.

સત્રિય નૃત્ય (આસામ)

  • તે પૂર્વોત્તર ભારતના આસામની પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યશૈલી છે.
  • આ નૃત્યશૈલીના વિકાસનો શ્રેય 15મી સદીના વૈષ્ણવ સંત શંકરદેવને મળે છે. શંકરદેવે તેને “અંકિયા નાટ” (નાટક)ના પ્રદર્શન માટે વિકસિત કર્યું હતું.
  • આ નૃત્ય શૈલી, પોતાની ધાર્મિક વિશેષતાઓ અને સત્રો તરીકે ઓળખવામાં વૈષ્ણવ મઠો સાથે જોડાણને કારણે “સત્રિય” તરીકે ઓળખાઈ.

સત્રિય નૃત્યની વિશેષતાઓ

આ નૃત્યમાં આસામનાં પ્રચલિત નૃત્યસ્વરૂપો “ઓઝાપાલી” અને “દેવદાસી“નું સંયોજન જોવા મળે છે. તેમાં વૈષ્ણવ મત સંબંધીત કથાઓ પ્રદર્શીત થાય છે.
ભોકોત્સ” નામથી ઓળખાતા પુરુષ સંન્યાસીઓ દ્વારા પોતાના દૈનિક ધાર્મિક અનુષ્ઠાન માટે સમૂહમાં સત્રિય નૃત્ય કરવામાં આવે છે, વર્તમાનમાં મહિલાઓ પણ આ નૃત્ય કરે છે.
આ નૃત્યશૈલીમાં મુખ્ય વાદ્યયંત્રો “ખોલ” (ઢોલ) અને “બાંસુરી” છે તથા શંકરદેવ દ્વારા રચિત “બોર” ગીતનો પ્રયોગ થાય છે.
સત્રિય નૃત્ય હેઠળ બે ધારાઓ “ગાયન-ભયનાર” નાચ અને “ખરમાનર” વિકસિત થઈ.


educationvala

Leave a Comment

error: Content is protected !!