ચર્ચાપત્ર (Charchapatr) એટલે શું ?
વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની વિવિધ પદ્ધતિઓમાંની એક એટલે ચર્ચાપત્ર (Charchapatr). ચર્ચાપત્રમાં પ્રજાજીવનની જાહેર સમસ્યા વિશેની ચર્ચા કરવામાં આવે છે.
જાહેર સમસ્યા કોને કહેવાય ?
જેમાં પ્રજાના મોટા સમૂહને સ્પર્શતી કોઈ સમસ્યા હોય, કોઈ ગૂંચવતો કોયડો હોય એને જાહેર સમસ્યા કહી શકાય, જેમ કે અતિશય વરસાદને કારણે કોઈ ચોક્કસ વિસ્તાર ગંદકીના અને એ કારણે રોગચાળાના ભરડામાં સપડાયો હોય તો એ સમસ્યા વ્યક્તિગત સમસ્યા નથી. એને સમૂહની, જાહેર સમસ્યા તરીકે ઓળખી શકાય. પ્રજાજીવનને લગતા પ્રશ્ન વિષે પ્રજાના હકારાત્મક કે નકારાત્મક વલણોની ચર્ચા પણ ચર્ચાપત્રમાં અભિપ્રેત છે.
ચર્ચાપત્રનું રૂપ
- ચર્ચાપત્રમાં પ્રજાજીવનની આર્થિક, સામાજિક, રાજકીય કે પછી તત્કાલીન પ્રશ્નને લગતી ચર્ચાને સ્થાન આપી શકાય.
- અરજીલેખન અને અહેવાલ લેખનથી એનું રૂપ કેટલેક અંશે નિરાળું છે. અરજીમાં મોટે ભાગે જાહેરાતના સંદર્ભમાં નોકરી અથવા પ્રજાજીવનના કોઈ પ્રશ્ન સંદર્ભે જે તે ઓથોરિટીની સમક્ષ રજૂઆત કરવાની હોય છે, જ્યારે અહેવાલમાં જે તે પ્રસંગની એના વિવિધ પાસાને આવરી લઈ કરવામાં આવતી વાસ્તવિક રજૂઆત અગત્યની બને છે. ચર્ચાપત્રમાં અરજીની એક પદ્ધતિ પ્રમાણે પ્રજાજીવનના પ્રશ્નની રજૂઆત હોય છે અને અહેવાલ લેખનની જેમ એની રજુઆતમાં વાસ્તવિકતા પણ હોય છે, પણ ચર્ચાપત્રનું રૂપ મુખ્યત્વે કોઈ પણ જાહેર સમસ્યાના ચર્ચારૂપને ઉપસાવવાનું છે.
- ચર્ચાપત્રમાં કોઈ પણ પ્રશ્રના વિધેયાત્મક અને નકારાત્મક પાસાની ચર્ચાને સ્થાન મળતું હોવાથી એમાં રજૂઆત પામતી સામગ્રી પ્રશ્નના બંને પાસાને ઉપસાવતી હોય છે.
- પ્રજાજીવનની સમસ્યાને રજૂ કરતાં ચર્ચાપત્રમાં પ્રશ્નના પક્ષ વિપક્ષની ચર્ચા હોય છે ખરી પણ એમાં તારણ કાઢવાનું કામ ચર્ચાપત્ર નથી કરતું. એ કામ ચર્ચાપત્રને વાંચનાર સમજનાર ઉપર જ છોડી દેવાય છે.
- ચર્ચાપત્રનો એક હેતુ પ્રજાજીવનમાં કોઈ જાહેર પ્રશ્ન સંદર્ભે પ્રજાના માનસને ઘડવાનો પણ હોય છે.
- ચર્ચાપત્રની રજૂઆત પદ્ધતિમાં સરળતા, સ્પષ્ટતા અને લક્ષ્યગામિતા અપેક્ષિત છે. ભાષામાં સાદાઈ હોય ખરી, પણ સાથે સાથે એવી સચોટતા પણ હોવી જોઈએ કે જે તે પ્રશ્ન વિશે વાચકના મનમાં અસરકારક અને સ્પષ્ટ ચિત્ર ખડું થાય.
- ટૂંકમાં, ચર્ચાપત્ર એ પ્રજાજીવનની જાહેર સમસ્યાને શબ્દરૂપ આપતું, વર્તમાનપત્રમાં રજૂ થતું એક પ્રચાર માધ્યમ છે. જેના દ્વારા પ્રજામાનસના આંતરપ્રવાહોનો પરિચય મેળવી શકાય છે અને સાથે સાથે પ્રજામાનસનું ઘડતર પણ થઈ શકે છે.
ચર્ચાપત્ર
વિષય : શું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય ? ચર્ચાપત્ર તૈયાર કરો.
પ્રતિ
તંત્રીશ્રી,
ગુજરાત સમાચાર, ઉના, ગીર સોમનાથ
માનનીયશ્રી,
નીચેની વિગતોને આપના દૈનિકના “ચર્ચાપત્ર” વિભાગમાં પ્રકાશિત કરી યોગ્ય જનમત ઘડવામાં સહકાર આપવા વિનંતી છે.
શું પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય ?
6 થી 14 વર્ષના બાળકોને મફત, ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણને બંધારણના મૂળભૂત અધિકારમાં સમાવવામાં આવ્યો છે અને તેના અનુસંધાને તેમને તે પ્રકારની સુવિધા મળી રહે તે જોવાની માબાપ કે વાલીની, શિક્ષકની અને સરકારની ફરજ છે. આ અંગે સરકારે RTE એક્ટ અમલી બનાવ્યો છે.
RTE એક્ટની વિવિધ જોગવાઈઓમાં 6 થી 14 વર્ષનાં બાળકોને નાપાસ નહીં કરવાની જોગવાઈ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. RTE એક્ટની આ જોગવાઈ ચર્ચાસ્પદ બની છે. એક વર્ગ એવું માની રહ્યો છે કે વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાં જોઈએ, જેનાથી વિદ્યાર્થીનો સમય અને નાણાં બચી જાય છે. નાપાસ કરવાથી વિદ્યાર્થી પર માનસિક રીતે વિપરીત અસર પડે છે, કેટલીક વાર વિદ્યાર્થી અભ્યાસક્રમ છોડી દે છે, તો કેટલીક વાર આત્મહત્યા પણ કરી લે છે.
સામે પક્ષે એવી દલીલ કરવામાં આવે છે કે જો વિદ્યાર્થીને નાપાસ ન કરવામાં આવે તો પાત્રતા ન ધરાવતા વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં પહોંચી જાય છે. ઘણીવાર સાચી રીતે ગુજરાતી ભાષા લખતાં-વાંચતાં ન આવડે તેવા વિદ્યાર્થીઓ નવમા કે દશમા ધોરણમાં પહોંચી જાય છે. જો વિદ્યાર્થીને નાપાસ થવાનો ડર જ ન હોય તો વિદ્યાર્થી અભ્યાસમાં ધ્યાન જ આપશે નહીં, શિક્ષકની વાત માનશે નહીં અને અશિસ્તના પ્રશ્નો ઊભા થશે. વિદ્યાર્થી જે કંઈ ભણ્યો છે તેનું માપન કરવા પરીક્ષા જરૂરી છે. સવાલ એ છે કે માત્ર પાસ કે નાપાસ કરવાથી વિદ્યાર્થીની ક્ષમતાનું સાચું માપ હંમેશાં નીકળે છે તેવું ખરેખર માની લેવાય ?
અ. બ. ક.
તા. 09/06/2023
PDF Download
Charchapatr Video
Join with us on Social Media
Subscribe YouTube Channel | Click Here |
Follow Instagram Page | Click Here |
Join Telegram Channel | Click Here |
ચર્ચાપત્ર (Charchapatr) એટલે શું ?
વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની વિવિધ પદ્ધતિઓમાંની એક એટલે ચર્ચાપત્ર (Charchapatr).
શું આ ચર્ચાપત્ર મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી છે ?
હા, આ ચર્ચાપત્ર મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી છે.
TAT Mains exam date
18/06/2023, Sunday