Gujarat na prajavatsal rajvio Part 2 – Gujaratno itihas – ગુજરાતના પ્રજાવત્સલ રાજવીઓ ભાગ 2 – ગુજરાતનો ઈતિહાસ

ગોંડલના રાજવી

ભગવતસિંહજી
- તેમનો જન્મ 24 ઓકટોબર, 1865ના રોજ ધોરાજી ખાતે થયો હતો.
- તેમણે પ્રારંભિક શિક્ષણ રાજકોટની રાજકુમાર કૉલેજમાં લીધું. ઈ.સ. 1887માં મહારાણી વિકટોરિયાનાં શાસનકાળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના બધાં જ રાજાઓનાં પ્રતિનિધિ તરીકે તેઓ ઈંગ્લેન્ડ ગયા હતા. તેમણે “હિસ્ટ્રી ઓફ આયર્ન મેડિકલ સાયન્સ” શોધનિબંધ લખ્યો, ઈંગ્લેન્ડની એડિનબરો યુનિવર્સિટીમાં મેડિકલ (તબીબીશાસ્ત્ર) નો અભ્યાસ કરી M.B.B.S. ની પદવી હાંસલ કરી.
- સૌરાષ્ટ્રમાં તમામ રાજવીઓમાં ભગવતસિંહજી સૌથી વધુ શિક્ષણ અને વધુ ડીગ્રીઓ ધરાવનારા રાજવી હતા. કન્યાઓને મફત-ફરજિયાત શિક્ષણની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી. તેમણે સંસ્કૃત પાઠશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયને આર્થિક મદદ કરેલી.
- ઈ.સ. 1896માં રશિયાના શાસક ઝાર નિકોલસ બીજાનાં રાજ્યાભિષેકમાં ભાગ લીધો. પ્રજા કલ્યાણના એકમાત્ર હેતુથી શાસકે પોતાના રાજ્યકાળમાં 50% કર ઘટાડયો અને કસ્ટમ ડયુટી પણ નાબૂદ કરી હતી. છપ્પનિયા દુકાળ દરમિયાન મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો હતો. વૃદ્ધો, અપંગો કે ગરીબો માટે ગરીબ ઘરની વ્યવસ્થા કરી હતી. માટે ગોંડલના લોકોને પીવા માટે અને સિંચાઈ માટે “વેરી તળાવ” બંધાવ્યું.
- તેમણે રાજ્યમાં વિઘોટી (મહેસૂલ) ની રીત દાખલ કરી ખેતીનો વિકાસ કર્યો.
- ઈ.સ. 1919 માં ગોંડલ રાજ્યમાં સૌ પ્રથમ કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરાવી.
- સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં ધોરાજીમાં ટ્રામ અને ગોંડલમાં વીજળીની શરૂઆત કરાવી.
- જેતપુરની અદ્યતન બાંધણી તેમની ભેટ છે.
- પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં રૂપિયા 22500 નું દાન આપી પોતાના રાજ્યના વિદ્યાર્થીઓ માટે 10 સીટ અનામત રખાવી હતી. જેનો લાભ હજુ સ્વતંત્રતા પછી પણ જૂના ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ લઈ શકે છે.
- તેમનાં પત્ની નંદકુંવરબા સમગ્ર ભારતની મહારાણીઓમાં સમુદ્ર પાર કરીને વિદેશમાં જનાર પ્રથમ મહિલા રાજવી હતા. તેઓ પ્રજા માટે હરતીફરતી ડિસ્પેન્સરી (દવાખાનું) શરૂ કરનાર ભારતના પ્રથમ રાજવી હતા.
- ધરમપુરના કુંવરી નંદકુંવરબા અને વાંકાનેરના કુંવરી માજીરાજબા સાથે એક જ દિવસે પરણ્યા હતા. તેમના સમયમાં ગોંડલમાં ગરાસિયા કૉલેજ, કૈલાસબાગ, બાલાશ્રમ, નિરાશ્રિત ગૃહ, રાજકોટ સ્ટેટનો ઉતારો, ગોંડલના નવામહેલ, ભાદર નદી ઉપર સુપેડી પાસે પુલ વગેરે બંધાવ્યા હતાં. તેમણે રાજ્યમાં દરેક ગામે દરવાજા અને સ્કૂલો બનાવી હતી.
- રાજ્યમાં તેણે વિઘોટીની રીત દાખલ કરી ખેતીનો વિકાસ કર્યો. તેમણે માલની જકાત પણ નાબૂદ કરી, ધોળાથી ધોરાજી સુધીની રેલવે લાઈન તેમના સમયમાં ખુલ્લી મુકાઈ તે આખી લાઈનમાં સાડા ચૌદ માઈલ જેટલો જ ભાગ બાદ કરતા બાકી બધી ગોંડલના ખર્ચે બંધાઈ હતી.
- ઈ.સ. 1932માં કવિ ન્હાનાલાલએ ગોંડલ રાજ્યના એક ખેડૂત સંમેલનમાં જણાવેલું કે “બીજા રાજ્યો ક્યો વેરો નાંખવો તેનો વિચાર કરે છે, જ્યારે ગોંડલનો રાજા ક્યો વેરો કાઢી નાંખવો તેનો વિચાર કરતા રહે છે.” અંગ્રેજી વર્તમાનપત્ર Times of India એ ગોંડલના પાકા મકાનો અને સડકોની પ્રશંસા કરી હતી.
- ઈ.સ. 1924માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વીજળી ગોંડલમાં આવી.
- તેમને સૌથી વધુ કીર્તિ અપાવનાર તેમણે તૈયાર કરાવેલ “ભગવદ્ગોમંડલ” નામનો ગુજરાતીમાં શબ્દકોષ છે. જે 9 ભાગમાં ઈ.સ. 1928 થી 1954 દરમિયાન ભાષાવિદ્ ચંદુભાઈ બેચરભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ આશરે 2,81,000 શબ્દોનો કોશ તૈયાર કર્યો છે.
- તેઓએ સંગીતમાળાના ભાગ રચ્યા હતા. ઉપરાંત ગ્રીક મહાકાવ્ય ઈલિયડનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.
ધ્રાંગધ્રાના રાજવી

મયુરધ્વજસિંહજી
- તેઓ ધ્રાંગધ્રાના છેલ્લા રાજવી હતા.
- તેમણે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર બનાવી વધુ નિષ્પક્ષ બનાવ્યું હતું.
- શહેરી પંચાયત અને ગ્રામપંચાયતનો કાયદો પસાર કરીને સ્વશાસન માટેની ભૂમિકા તૈયાર કરી હતી.
- આઝાદી સમયે તેમના રાજ્યને તેમણે ભારત સંઘમાં જોડ્યું હતું અને સૌરાષ્ટ્રની પ્રથમ ચૂંટણીઓ તેમના અધ્યક્ષપદે થઈ હતી.
- સૌરાષ્ટ્રના આ રાજ્યમાંથી ભારત સંઘ સાથે જોડાણ વખતે સૌપ્રથમ જનમત લેવાયો હતો.
પોરબંદરના રાજવી

નટવરસિંહજી
- તેઓ ઈ.સ. 1932 માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિદેશ રમવા જનાર પ્રથમ રાજવી હતા.
- ઈ.સ. 1928 માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેશન અમૃતલાલ ઠક્કરના અધ્યક્ષપણા હેઠળ તેમના સમયમાં યોજાયું હતું.
- પોરબંદર રાજ્યનો ન્યાય વખણાતો હતો તેમના રાજ્યમાં છ ફોજદારી કોર્ટ, ચાર દિવાની કોર્ટ અને એક હજૂર કોર્ટ હતી.
રાજકોટના રાજવી

લાખાજીરાજ
- રાજકોટમાં બાવાજીરાજના અવસાન બાદ લાખાજીરાજ બાળ વયે ગાદીએ આવ્યા એટલે વહીવટ માટે મેનેજમેન્ટ નિમાયું.
- લાખાજીરાજે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અને દહેરાદૂનની લશ્કરી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
- ગાંધીજીને ઈ.સ.1921 માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની પ્રથમ બેઠક ભરવા દેવાની પરવાનગી આપી હતી.
- ઈ.સ.1924 માં રાજકોટ ખાતે રવિન્દ્રનાથ ટાગોરે અને ઈ.સ.1925 માં ગાંધીજીએ રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી હતી. ભાવનગરની ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં લાખાજીરાજ સન્માનિત થયા હતા.
- તેમણે રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ મુકાવ્યો.
- ખેડૂતોના શિક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરી મફત પુસ્તકો પૂરા પાડવા અને ખેડૂતો માટે “ગ્રામ્ય ખેડૂત બેંકો“શરૂ કરાવી તેમજ વૈજ્ઞાનિક ઢબે કૃષિ વિકાસ થાય તે માટે કૃષિ ખાતું ખોલાવ્યું અને શિક્ષણમાં ખેતી વિષય દાખલ કર્યો હતો.
- દુષ્કાળ વખતે રાજ્યમાં નવા કૂવાઓ ગળાવ્યા અને ચાર મોટા તળાવો બંધાવ્યા હતા,ઈ.સ.1895 માં લાલપરી તળાવ બંધાવ્યું, ખેડૂતોને તગાવીના પૈસા આપ્યા અને પ્રજાને દુષ્કાળમાં રાહત આપી.
- તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ આપી અને દિવ્યાંગો માટે અનાથાશ્રમો બનાવ્યા હતા.
- ગુણવત્તાવાળા ઉમેદવારોને નોકરીમાં રાખવા પરીક્ષા લેવાની પ્રથા શરૂ કરાવી તેમજ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મહિલા લાઈબ્રેરી અને શિક્ષણ માટે રાત્રિ શાળાની શરૂઆત કરાવી હતી તેમજ મફત કેળવણીની વ્યવસ્થા કરી.
- ઈ.સ.1910 માં સ્ટેટ બેંક અને ઈ.સ.1915 માં ખેડૂત બેંકો, સ્પીનીંગ તથા વીવીંગ મીલ તથા લાખાજીરાજ રોલર ફલોર મીલ ખોલવામાં આવ્યા.
- ઈ.સ. 1920માં રાજકોટ–આટકોટ વચ્ચે રાજ્યમાં મોટર સર્વિસ શરૂ કરી. ઈ.સ. 1921 માં ધર્મેન્દ્રસિંહજી શાકમાર્કેટ ખોલી, ઈ.સ. 1923 માં રાજકોટ બેડી ટ્રામ વે શરૂ કરી
- ઈ.સ. 1923 માં પ્રજાને મતાધિકાર આપી પ્રજા પ્રતિનિધિ સભા, અખિલ ધર્મ સભા, મજૂર મહામંડળ, ખેડૂત મહામંડળ, ધારાસભા સ્થાપીને લોકોને વહીવટમાં ભાગ લેતા કર્યા એ તેમની ઉદારતા હતી.
- ઈ.સ. 1924માં પાવર હાઉસ બંધાવ્યું. ઈ.સ. 1925માં પોસ્ટ ઑફિસોનો વિસ્તાર કર્યો.
- ઈ.સ.1924, 25માં પ્લેગ અને ઈન્ફલુએન્ઝાના રોગચાળા વખતે ખાસ રસ લઈને લોકોને રાહત આપી.
- રાજકોટ, સરધાર અને કુવાડવાનો વહીવટ મ્યુનિસિપાલિટીને સોંપી દીધો હતો.
- તેમણે લશ્કરી તાલીમ માટે “ગોબલર્સ” તાલીમ વર્ગો તેમજ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સ્કાઉટીંગના વર્ગો શરૂ કર્યા હતા.
- 2 ફેબ્રુઆરી 1930 ના રોજ તેમનું અવસાન થયું.
મોરબીના રાજવીઓ

વાઘજી ઠાકોર બીજા
- મોરબીના ઠાકોર રવોજી જાડેજા બીજાનું અવસાન થતાં 1870માં વાઘજી બીજા ગાદીએ આવ્યા. પિતાના અવસાન સમયે તેમની સગીર વય હોવાથી મેનેજમેન્ટ સ્થપાયું.
- રાજકોટની રાજકુમાર કૉલેજમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે વખાણાયા હતા, રમત-ગમતમાં પણ હોંશિયાર હતા, અને કૉલેજમાંથી નીકળ્યા બાદ કેપ્ટન હૈફી સાથે હિન્દુસ્તાનના પ્રવાસે નીકળ્યા હતા.
- તેમણે પત્ની મણિબાની યાદમાં “મણિમંદિર” નું નિર્માણ કરાવ્યું હતું. જે ગુજરાતના “તાજમહેલ” તરીકે ઓળખાય છે. આથી વાઘજી ઠાકોરને ગુજરાતના શાહજહાં તરીકેની ઉપમા મળેલી છે.
- ઈ.સ. 1879 માં રાજ્યની પૂર્ણ સત્તા મળ્યા બાદ વાઘજી ઠાકોરે મોરબીને શણગારીને આધુનિક બનાવવાના પ્રયત્નો કર્યા.
- ઈ.સ. 1880 માં મોરબીની એકસરખી બાંધણીવાળી આધુનિક બજારનો પાયો નાંખ્યો.
- ઈ.સ.1879 માં મચ્છુ નદી પર પુલનો પાયો નાંખ્યો અને 4 લાખના ખર્ચે પુલનું નિર્માણ કરાવ્યું. પુલનું નામ “કેસર-એ-હિંદ” રાખી યુરોપમાં બનેલા કાંસાના આખલા ઘોડાના પૂતળાઓ બન્ને છેડે મૂકાવ્યા.
- ઈ.સ. 1880 માં મોરબીમાં સૌરાષ્ટ્રનું પ્રથમ છાપખાનું શરૂ કરાવ્યું. સૌરાષ્ટ્રમાં પ્રથમ વિમાન, વીજળી, ફોર્ડ મોટર, ટેલિફોન, આર્યસુબોધ નાટક મંડળી શરૂ કરાવી.
- ઈ.સ. 1884 ના રોજ મોરબીથી વઢવાણ રેલવેનું કામ શરૂ કરાવ્યું.
- ઈ.સ. 1888માં બજારનો મોટો દરવાજો બંધાવ્યો અને તેને વુડહાઉસ ગેટ નામ આપવાનું નક્કી કર્યું.
- મચ્છુ નદી ઉપર “ઝૂલતો પુલ” બનાવડાવ્યો.
- ઈ.સ. 1879 ના દુષ્કાળ વખતે રાહતકામો શરૂ કરાવ્યા હતા. તેઓ ચારણો, સાહિત્યકારોને ઉત્તેજન આપનારા હતા. સ્વભાવે સારા અને સાદા અને ખુશામતથી દૂર રહેનારા હતા. તેમને સૌરાષ્ટ્રના “શાહજહાં” કહેવામાં આવે છે.
- તેમણે ખેડૂતો માટે ઋણસહાય કરવા ખેડૂત બેંકની સ્થાપના કરી હતી.
- વાઘજી ઠાકોરના સમયમાં એટલે કે ઈ.સ. 1892માં માળિયામિયાણાના વાલો નામોરી નામના બહારવિટયાનો ખૂબ જ ત્રાસ હતો. આથી તેના ત્રાસને ડામવા માટે રાજ્યના પોલિસવડા કાળુભા રાજમલ અને બ્રિટીશ અમલદાર લેફટનન્ટ ગોર્ડન દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં ગોર્ડનનું મૃત્યું થયું અને વાલો નામોરી કાળુભાના હાથે મરાયો. આમ, મોરબી સહિતના આજુબાજુના વિસ્તારમાં શાંતિ સ્થપાઈ.
- નોંધ :
- વાલો નામોરીનાં નામ પરથી ગુજરાતી ફિલ્મ બનેલ છે. જેમાં વાલો નામોરીનું પાત્ર દારાસિંહએ ભજવેલું છે. આ ઉપરાંત, તેમાં અરવિંદ પંડયા, પદ્મા રાણી અને રમેશ મહેતાએ અભિનય કરેલ છે.
- આ પ્રજા વત્સલ રાજવીના નામે મોરબીમાં વાઘપરા વિસ્તાર છે ત્યાં પ્રજાજનોએ પોતાના ખર્ચે વાઘજી ઠાકોરનું એક આરસનું પૂતળુ મૂક્યું છે.
લખધીરજી જાડેજા
- તેમણે મણિમંદિરનું નિર્માણ પૂર્ણ કરાવ્યું.
- તેમણે નવલખી બંદરનું નિર્માણ કરાવ્યું.
- તેમણે મર્કન્ટાઈલ બેંકની શરૂઆત કરાવી.
- તેમણે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત મોરબીમાં સિમેન્ટના રસ્તા બનાવ્યા.
- તેમણે મોરબીમાં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ એન્જિનિયરીંગ કૉલેજ “લખધીરસિંહ એન્જિનિયરીંગ કૉલેજ” બંધાવી હતી.
વડોદરાના રાજવી

સયાજીરાવ ત્રીજા
- ખંડેરાવ ગાયકવાડ બીજાના મૃત્યુ બાદ તેમના વિધવા મહારાણી જમનાબાઈએ ગોપાળરાવ (સયાજીરાવ ત્રીજા)ને દત્તક લઈ શાસનની ગાદી પર બેસાડ્યા.
- તેમની પત્ની ચીમનાબાઈની યાદમાં વડોદરામાં ન્યાયમંદિરનું નિર્માણ કરાવ્યું.
- તેમણે રમેશચંદ્ર દત્તની મદદથી અમરેલીથી સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ પાડયું.
- તેમણે ઈ.સ. 1881 માં “બરોડા કોલેજ ઓફ સાયન્સ” ની સ્થાપના કરી જેને ઈ.સ. 1949 થી “મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ.એસ.યુનિવર્સિટી)” નામ આપવામાં આવ્યું.
- ઈ.સ. 1884 માં બરોડા ખાતે એક સંગ્રહાલયની સ્થાપના કરી હતી.
- તેમણે બાબાસાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જવા માટે શિષ્યવૃત્તિ આપી હતી.
- તેમણે કાપડની મિલો શરૂ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું જેથી વડોદરામાં કાપડઉદ્યોગનો વિકાસ થયો.
- સયાજીરાવ ગાયકવાડે ગુજરાતનો સૌથી મોટો પેલેસ “લક્ષ્મીવિલાસ પેલેસ”નું નિર્માણ કરાવ્યું.
- તેમણે ઈ.સ. 1908 માં “બેંક ઓફ બરોડા”ની સ્થાપના કરી હતી.
- ઈ.સ 1916 માં વડોદરા રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના કરી હતી.
- તેમના નામ પરથી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સયાજીરાવ બાઈબ્રેરી શરૂ કરવામાં આવી.
- તેમણે સંસ્કૃતના પ્રચાર માટે દક્ષિણા પરીક્ષા શરૂ કરાવી હતી.
- તેમના સમયમાં વડોદરા એક માત્ર એવું રાજ્ય હતું જેમાં જાગીરદારો તેમજ ધનવાનો પાસેથી આવકવેરો લેવામાં આવતો હતો. આ ઉપરાંત તેઓએ વિધવા વિવાહને પ્રોત્સાહન આપવાનું, અસ્પૃશ્યતા નિવારણને ટેકો આપવાનું તેમજ નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરવાનું કામ કર્યું હતું.
- 19 મી સદીના મધ્યમાં ગુજરાતના વડોદરા રજવાડાએ જાહેર નોંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી.
- સૌપ્રથમવાર ઈ.સ. 1916 માં વડોદરામાં સંગીત પરિષદનું આયોજન થયું અને વડોદરામાં સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કરાવી હતી.
- વડોદરાના દીવાન ટી. માધવરાવે મહારાજાને શાસન માટે તૈયાર કરી આપેલા વ્યાખ્યાનોનું સંકલન “માઈનર હિન્ટ્સ” અંગ્રેજીમાં અને “શાસન સૂત્રો” શીર્ષક હેઠળ ગુજરાતીમાં પ્રકાશિત થયા છે.
- નરેન્દ્ર મોદીએ તમામ વહીવટી અધિકારીઓ અને પ્રધાનોને આ પુસ્તક વાંચવા માટે આગ્રહ કરેલો.
દેવગઢ બારિયાના રાજવી

જયદીપસિંહ બારિયા
- જયદીપસિંહ બારિયાનો જન્મ ઈ.સ. 1929માં દેવગઢ બારિયામાં રાજવી પરિવારમાં થયો હતો. તેઓએ અજમેરની મેયો કોલેજમાં અને ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.
- દેશની આઝાદી સમયે તેઓ દેવગઢ બારિયાના શાસક હતા. ગુજરાતના પ્રજાવત્સલ શાસકોમાં તેમનું આગવું સ્થાન હતું.
- દેશની આઝાદી પછી બારિયા નગર પંચાયતના પ્રમુખ, દેવગઢ બારિયા મત વિસ્તારના ધારાસભ્ય, ત્રીજી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા, કૃષિ અને આરોગ્ય ખાતાના મંત્રી તથા ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન રહ્યા હતા.
- તેઓએ દેવગઢ બારિયા નગરની છાપ “રમતના સ્વર્ગ” તરીકે વિકસાવી હતી. ગુજરાતમાંથી પ્રતિભા સંપન્ન ખેલાડીઓ અને એથ્લેટિકસમાં કોચને તૈયાર કરવામાં દેવગઢ બારિયા વિસ્તારની અનોખી ઓળખ ઊભી થઈ હતી. આ ઉપરાંત તેઓ ટેનિસ, ક્રિકેટ, પોલો, ચેસના સારા ખેલાડી હતા.
- તેઓ શ્વાન પ્રેમી શાસક તરીકે જાણીતા છે. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ “વર્લ્ડ ડોગ શો” તેમણે નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
- 20 નવેમ્બર, 1987માં દિલ્હી ખાતે તેમનું અવસાન થયું હતું.
પ્રભાવશાળી વહીવટદારો

સર પ્રભાશંકર પટ્ટણી
- સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન હતા.
- તેમની ગણના સૌરાષ્ટ્રના ઉત્તમ દિવાનોમાં થાય છે.
ગૌરીશંકર ઓઝા
- ગૌરીશંકર ઓઝાને ભાવનગરની કાયાપલટ કરનાર દીવાન માનવામાં આવે છે.
- તેમના નામ પરથી ભાવનગર શહેરની મુખ્ય બજારની નજીક “ગૌરીશંકર તળાવ” બનાવવામાં આવેલું છે.
- તેઓ તખ્તસિંહજી રાજાના દીવાન હતા.