Gujarat ni Bolio – Dialects of Gujarat

ગુજરાતની બોલીઓ

ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રાદેશિક બોલીઓ બોલવામાં આવે છે.

(1) ઉત્તર ગુજરાતની (પટ્ટણી) બોલી
(2) મધ્ય ગુજરાતની (ચરોતરી) બોલી
(3) દક્ષિણ ગુજરાતની (સુરતી) બોલી
(4) સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી

આ ઉપરાંત ગુજરાતમાં જુદાં-જુદાં વિસ્તારોમાં જુદી જુદી બોલીઓ બોલવામાં આવે છે. જેમ કે, કચ્છમાં કચ્છી બોલી, ડાંગના આદિવાસી વિસ્તારમાં ડાંગી બોલી વગેરે. કચ્છ પ્રદેશમાં બોલાતી કચ્છી બોલી વાસ્તવમાં ‘સિંધી ભાષા’ સાથે સંકળાયેલી છે. ગુજરાતમાં બોલાતી ચાર મુખ્ય પ્રાદેશિક બોલીઓ ઉપરાંત અન્ય જ્ઞાતિઓ દ્વારા જુદી જુદી બોલીઓ બોલવામાં આવે છે. જેમ કે, લીલી, કચ્છી, ચૌધરી, ગામીત, વારલી વગેરે. ગુજરાતના આદિવાસીઓ ‘ભીલ’ બોલી બોલે છે જે બનાસકાંઠાથી માંડી નર્મદા જિલ્લા સુધીના અરવલ્લીની ગિરિમાળા અને સાતપૂડા પર્વતોના ઘણા ખરા વિસ્તારોમાં બોલાય છે.


ઉત્તર ગુજરાતની (પટ્ટણી) બોલી :-

ગુજરાતના ઉત્તર ભાગમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં પટ્ટણી બોલી’ બોલાય છે. પટ્ટણી બોલી શબ્દ પાટણ જિલ્લા પરથી આવ્યો છે. જેની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પટ્ટણી બોલીમાં શબ્દના અંતે આવતા અનુનાસિક શબ્દ નાબૂદ થઈ જાય છે. જેમ કે, આં = આ અને ઉ = ઉ
ઊદા. ઝાડવાં = ઝાડવા, લુંવું દેવું = લેવુ દેવુ

શબ્દમાં રહેલા ક્ ને ચ્ અને સ્ ને હ્ ઉચ્ચારવામાં આવે છે.
ઉદા. કેટલા = ચેટલા, ક્યારે = ચ્યારે. સાસુ = હાહુ

શબ્દના અંતે આવેલા આઈ ને બદલે અઈ અને આઉ ને બદલે અઉ ઉચ્ચારાય છે.
ઉદા. બાઈ = બઈ, ભાઈ = ભઇ

શબ્દને અંતે આવેલ શ્ ને હ ઉચ્ચારવામાં આવે છે.
ઉદા. મારશે = મારહે, આવશે = આવહે

શબ્દમાં માત્રા નો વધારે પડતો પ્રયોગ કરવામાં આવે છે.
ઉદા. પાંચ = પોંચ, પાણી = પોણી

શબ્દના અંતે આવેલા હ્ નો લોપ થયેલો સંભળાય છે.
ઉદા. અહીં = ઐ, નહીં = નૈ

શબ્દના મધ્યમાં રહેલો ઇ લોપાય છે.
ઉદા. દઈશું = દેશું, ખાઇશું = ખાશું

શબ્દમાં રહેલા ળ્ વ્યંજનના બદલે ર વ્યંજન ઉચ્ચારાય છે.
ઉદા. ધોળો = ધોરો, ગોળ = ગોર, ઉતાવળ = ઉતાવર, બળદ = બરદ

ડ્ અને ણ્ પૂર્વેના ર નો ય ઉચ્ચારાય છે.
ઉદા. શેરડી = શેયડી, બારણું = બાયણું

હ્ શ્રુતિનો ઓછો ઉપયોગ થાય છે.
ઉદા. મહીં = મઈ, ઇતિહાસ = ઇતિયાસ, કહાડવુ = કાડવું, વહું = વઉ

અન્ય શબ્દો –
તાણે = ત્યારે, હેંડ = ચાલ, વાખ = બંધ કર, આલ = આપ, સઇ રાખ = પકડી રાખ, છોડી = છોકરી


મધ્ય ગુજરાતની (ચરોતરી) બોલી :-

મધ્ય ગુજરાતમાં તમાકુ માટેનો જાણીતો પ્રદેશ એટલે ચરોતર પ્રદેશ.ખેડા, નડિયાદ તથા આણંદમાં ચરોતરી બોલી બોલવામાં આવે છે. જેની વિશેષતાઓ નીચે મુજબ છે.

શ્ કે સ’ નો ઉચ્ચારણ હ વડે કરવામાં આવે‌‌‍‌‌‍‍ છે.
ઉદા. સાણશી = હાણસી, પાસે = પાહે

શ્રુતિના બહોળો ઉપયોગ થતો જોવા મળે છે.
ઉદા. મ્હારાં, ન્હાના, ત્હારુ

‘ચ’, ‘છ’, ‘જ’, ‘ઝ’ જેવા વ્યંજનોનું સંઘર્ષી વ્યંજનો સાથે ઉચ્ચારવમાં આવે છે.
ઉદા. છોકરો = ત્શોકરો, છે = ત્સે

શબ્દને અંતે આવતા ઈશ ને બદલ એશ ઉચ્ચારવામાં આવે છે.
ઉદા. મારીશ = મારેશ, જમીશ = જમેશ

આઈ નું સ્વર જોડકું ઐ રૂપે ઉચ્ચારવામાં આવે છે.
ઉદા. બાઇ = બૈ, ભાઇ = ભૈ

કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગ
જેમ કે,‘સારું છે નું ‘હારુ છે’, ‘ત્યારે’નું ‘તાણે’, ‘ત્યાં’નું ‘તાં’, ‘ચાલો’નું ‘હેંડો’

અન્ય શબ્દો
અગાડી = અગાળ, વઢવું = લડવું, ઘાગડી = ગોદડી, જેમણા = છાણાં, ગમ = બાજુ


દક્ષિણ ગુજરાતની (સુરતી) બોલી :-

સુરતી બોલી ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, દમણ પ્રદેશમાં બોલવામાં આવે છે. સુરતી બોલી પર મહારાષ્ટ્રની કોંકણી બોલીની અસર જોવા મળે છે. જેની વિશેષતા નીચે મુજબ છે.

શબ્દના આરંભમાં આવતા ન ને બદલે લ ઉચ્ચારણ કરાય છે.
ઉદા. નાખ = લાખ

શબ્દમાં રહેલા ળ ની જગ્યાએ લ નો ઉચ્ચારણ કરાય છે.
ઉદા. ધૂળ = ધૂલ, નળ = નલ, ગળ્યું = ગલ્યુ

ચાલુ વર્તમાનકાળ હોય તેવી સ્થિતિમાં વર્તમાનકૃદંત મૂકવામાં આવે છે.
ઉદા. હું ખાઉં છું = હું ખાતો છું

દંત્ય વ્યંજનની જગ્યાએ મુર્ધન્ય વ્યંજનનો ઉચ્ચાર કરવમાં આવે છે.
ઉદા. તમને = ટમને, તારું = ટારુ, તલવાર = ટલવાર, પંદર = પંડર, થડ = ઠડ

શબ્દમાં ક્યારેક શ કે સ નો હ તરીકે ઉચ્ચાર થાય છે.
ઉદા. શેર = હેર, જાશુ = જાહુ, શાક = હાક

વ્યંજનોને બેવડાવી ઉચ્ચારણ કરવામાં આવે છે.
ઉદા. સાચું = સાચ્ચું, ખોટું = ખોટ્ટુ

ભૂતકૃદંતના નો વારેવારે ઉચ્ચાર થાય છે, સાથે ક્યાંક સ્વર પણ મુકાય છે.
ઉદા. ચાલ્યો = ચાયલો, પડયો = પયડો, ભાગી = ભાઇગી

કેટલાક વિશિષ્ટ શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવે છે.
જેમ કે, છોકરાનું પોયરો, છોકરીનું પોરી, ‘ત્યારે’ નું ‘તી વારે’, ચાલને નું ‘ચાલની’, ચાલ્યો નુ ‘ચાઇલો


સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી :-

સૌરાષ્ટ્રની બોલીનું ચાર ઉપબોલીમાં વર્ગીકરણ કરવમાં આવે છે.
(1) હાલારી
(2) સોરઠી
(3) ગોહિલવાડી
(4) ઝાલાવાડી

હાલારી :-

હાલારી : જે પોરબંદર, રાજકોટ, જામનગર વિસ્તારમાં બોલાય છે. હાલારી બોલી પર સૌથી વધુ પ્રભાવ કચ્છી બોલીનો જોવા મળે છે. જેની વિશેષતા નીચે મુજબ છે.

શબ્દના ધ્યમાં આવતાં ર, ડ નું ય વડે ઉચ્ચારણ કરવામાં આવે છે.
ઉદા. દરણું = દયણું, ચારણી = ચાયણી

ળ ના બદલે ર નો ઉચ્ચારણ કરવામાં આવે છે.
ઉદા. નળીયું = નરિયું, ગોળ = ગોર

ચ, ષ, શ, છ ની જગ્યાએ સ ઉચ્ચારણ કરાય છે.
ઉદા. શરણાઈ = સરણાઈ, ચમચી = સમસી

દર્શક સર્વનામના રૂપોમાં એ ના સ્થાને ઈ ઉચ્ચારણ થાય છે.
ઉદા. તેમ = તિમ, જેમ = જીમ, એમને = ઇમને, તેઓ = તિઓ

શ ના બદલે સ નું ઉચ્ચારણ કરાય છે.
ઉદા. આવીશ = આવીસ, ખાઈશ = ખાઇસ, થશે = થસે, ભાગશે = ભાગસે, કરશું = કરસું, લખીશ = લખીસ

સોરઠી :-

સોરઠી : જૂનાગઢ અને ગીર સોમનાથમાં બોલાય છે. ક્રિયાપદો કે કૃદંતોમાં વ્યંજનનું ઉચ્ચારણ કરાય છે.
જેમ કે, ભાગ્યુ = ભાયગુ, માર્યુ = માયરું, લખ્યું = લયખું

ઉચ્ચારણોમાં અનુસ્વારોનો વધારે ઉપયોગ થાય છે.
જેમ કે,
ઉદા. તયેં, એમ, ભાંગે, જાગે, જેથી, અમે

ગોહિલવાડી :-

ગોહિલવાડી : ભાવનગર, બોટાદ, અમરેલીમાં બોલાય છે. ની આગળનો અનુસ્વાર વિનાનો વ્યંજન અનુસ્વાર સાથે ઉચ્ચારાય છે.
ઉદા. પાસે = પાંહે

સ અને શ નો અઘોષ હ ઉચ્ચારાય છે.
ઉદા. થાશે = થાહે, સાવરણી = હાવરણી, સાચું = હાચુ

ઝાલાવાડી :-

ઝાલાવાડી : સુરેન્દ્રનગર અને મોરબીમાં બોલાય છે. ઝાલાવાડી બોલી પર રાજસ્થાની બોલીનો પ્રભાવ જોવા મળે છે. ઝાલાવાડી બોલીમાં ક, ખ, ગ વ્યંજનોને બદલે ચ, છ, જ માં ઉચ્ચારણ કરવામાં આવે છે.
ઉદા. ગયો = જ્યો, ખેતર = છેતર, ક્યારે = ચ્યારે


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલ સુધારી શકીએ.

Leave a Comment

error: Content is protected !!