Gujarat no dariya kinaro

ગુજરાતનો દરિયા કિનારો

ભારતના સૌથી લાંબો દરિયાકિનારા પૈકી ગુજરાતને (1600 કિ.મી.) દરિયાકિનારો મળ્યો છે. [(990 માઇલ) જ્યાં 1 માઇલ = 1.609 કિ.મી.છે.] ગુજરાતનો દરિયાકિનારો ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો તેમજ ખાંચા-ખૂંચીવાળો અને કાદવ- કિચડવાળો છે.

ગુજરાતના દરિયાકિનારે બે અખાતો આવેલા છે.

(i) કચ્છનો અખાત
(ii) ખંભાતનો અખાત

ગુજરાતને આટલો વિશાળ દરિયાકિનારો મળ્યો હોવાથી ગુજરાતમાં મત્સ્યઉઘોગ, સમુદ્રિ પરિવહન, મીઠાનો ઉદ્યોગ, જહાજ ભાગવાનો ઉધોગ મોટા પાયે વિકાસ પામેલો છે. ગુજરાતના દરિયા કિનારે નાના-મોટા કુલ 42 (આશરે) બંદરો આવેલા છે.

ગુજરાતના દરિયાકિનારાને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય છે.

Gujaratno dariya kinaro

કચ્છનો દરિયાકિનારો :

ગુજરાતના કચ્છ જિલ્લાને વિશાળ દરિયાકિનારો મળેલ છે. કચ્છના દરિયાકિનારાનો પ્રદેશ ગળામાં પહેરવાની કંઠીના આકારનો હોવાથી તેને “કંઠીના મેદાન” તરીકે ઓળખવામાં આવે છે. કચ્છનો દરિયાકિનારો સમુદ્રમાંથી ખંડીય છાજલીમાં ઉચકાવાથી રચાયેલો છે.

કચ્છના દરિયાકિનારાને નીચે પ્રમાણે વહેંચી શકાય.

કોટેશ્વરથી પશ્ચિમી કિનારો :

ગુજરાતના પશ્ચિમમાં આવેલી કોરીનાળ જેને આપણે સિરક્રીક ખાડી તરીકે પણ ઓળખીએ છીએ તે સિંધુ નદીનું લુપ્ત મુખાવશેષ છે, જે હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કારણ રહ્યું છે. કોરીનાળ (સિરક્રિક) એ ભારત તેમજ ગુજરાતનું પશ્ચિમી અંતિમ બિંદુ છે. સિરક્રિક એ ભારતનું છેલ્લું સૂર્યાસ્ત કેન્દ્ર છે.સિરક્રિકનો પ્રદેશ એક સમયે બાણગંગા તરીકે જાણીતો હતો.આ પ્રદેશને અંગ્રેજ સેનાપતિ ચાર્લ્સ નેપિયરે ઇ.સ.1842માં જીતીને ભારતમાં ઉમેર્યું હતું.

કોટેશ્વરથી જખૌ સુધી :

આ દરિયાકિનારો 10 – 13 કિ.મી. પહોળો અને કાદવ – કીચડવાળો સપાટી મેદાન વિસ્તાર ધરાવે છે. જખૌની ખાડીમાં નાના-નાના બેટ આવેલા છે. તેમજ કોટેશ્વર ખાતે ભગવાન શિવનું મંદિર આવેલ છે.

જખૌથી માંડવી સુધી :

આ દરિયાકિનારો રેતાળ ટેકરીઓથી બનેલો છે. તેથી ત્યાં લગૂન સરોવરો જોવા મળે છે. લગૂન સરોવર એટલે દરિયાકિનારે રેતીના નિમ્ન તટ દ્વારા સમુદ્રથી અલગ થયેલા ખારા પાણીના ક્ષેત્રને લગૂન સરોવર કહેવાય છે. સુથરીથી માંડવી સુધીનો દરિયાકિનારો સીધો તેમજ રેતાળ અને ચૂનાયુકત ટેકરીઓથી બનેલો છે.

માંડવીથી કંડલા સુધી :

આ વિસ્તાર થોડો કાદવ – કિચડવાળો અને રેતીના ઢુવા જોવા મળે છે.


સૌરાષ્ટ્રનો દરિયાકિનારો :

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો એ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાને વિવિધતા સભર દરિયાકિનારો માનવામાં આવે છે.

કંડલાથી દ્વારકા સુધી :

આ દરિયાકિનારો સૌરાષ્ટ્રના ઉતર દરિયાકિનારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અનેક નદીઓના મુખ ખૂલતાં હોવાથી નાની ખાડીઓ અને ખાંચાખૂંચીવાળો છે. આથી બંદરો માટે અનુકૂળ સાબિત થાય છે. ઉતર તરફ સમુદ્રમાં ડુબેલા ટાપુઓ, નદીઓ, ખીણો અને પરવાળાના ટાપુઓ આવેલા છે. જામનગર પાસેના પરવાળાના પિરોટન ટાપુઓ તેની મુખ્ય વિશેષતા છે જયાં મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય આવેલા છે. તેમજ વિશેષ અહિં મોતી આપતી કાલુ માછલી મળી આવે છે. આ દરિયાકિનારો મેન્ગ્રુવ્ઝના જંગલો પણ જોવા મળે છે.

દ્વારકાથી વેરાવળ સુધી :

આ દરિયાકિનારો તદ્દન સીધો અને વિકસિત રેતાળ બીચનો બનેલો છે. જેને આપણે ચોરવાડ બીચ તરીકે ઓળખીએ છીએ. આ દરિયાકિનારો સીધો હોવાથી ત્યાં રેતાળ પ્રદેશ જોવા મળે છે અને ચૂનાયુકત ટેકરીઓ પણ જોવા મળે છે. જ્યાં લગૂન સરોવરોની રચના થાય છે. ચૂનાયુકત ટેકરીઓ એટલે કે મિલિયોલાઇટ લાઇમ સ્ટોનની ટેકરીઓ આવેલી હોવાથી પોરબંદર અને દેવભૂમિ દ્ધારકામાં સિમેન્ટ ઉધોગ વિકાસ પામ્યો છે.

વેરાવળથી ગોપનાથ સુધી :

આ દરિયાકિનારો કરાડવાળો એટલે કે ભેખડવાળો મનાય છે. આ દરિયાકિનારો સપાટ મેદાનો અને મિલિયોલાઈટ લાઈમસ્ટોનથી બનેલો છે. જેથી કોડીનાર, સુત્રાપાડા, ઉનામાં સિમેન્ટના તેમજ સોડા એશના ઉધોગનો વિકાસ થવા લાગ્યો છે. આ દરિયાકિનારે કેન્દ્રશાસિત પ્રદેશ દિવ આવેલ છે. જ્યાં નાગવા બીચ રમણીય સ્થળ આવેલ છે.

ગોપનાથથી ભાવનગર સુધી :

આ દરિયાકિનારો ખડકાળ અને રેતાળ બીચનો બનેલો છે. આ દરિયાકિનારે તળાજા પાસે અલંગ જ્યાં જહાજ ભાંગવા માટેનું વિશ્વનું સૌથી મોટું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે. આ દરિયાકિનારે પ્રાચીન સમયમાં તાલધ્વજપુરી તરીકે ઓળખાતું તળાજા તેમજ જાણીતું ઘોઘા પણ આવેલું છે. આ દરિયાકિનારે ગોપનાથ પાસે રમણીય ઝાંઝરીનો બીચ પણ આવેલો છે. ગોપનાથથી ખંભાતના અખાત અને અરબ સાગરના ભાગ પડે છે.

ખંભાતનો અખાત :

આ દરિયાકિનારો અનિયમિત કાદવકીચડ અને બેટથી ઘેરાયેલો છે. ખંભાતનો કિનારો સમુન્દ્રમાંથી ઉચકાયેલ ભાગથી બનેલો હોય તેવા અવશેષો મળે છે. ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એક બીજા સાથે જોડાયેલો હોય તેવા અવશેષો મળે છે.


તળગુજરાતનો દરિયાકિનારો :

તળગુજરાતનો દરિયાકિનારો 351 કિ.મી. મળેલ છે. જે છિછરો દરિયાકિનારો છે જે સાબરમતીના મુખથી લઇને વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી ફેલાયેલો છે. આ દરિયાકિનારો અનેક નદીઓના મુખના કારણે ખાંચાખૂંચીવાળો જોવા મળે છે. જ્યા દરિયાનાં ભરતીનાં પાણી ફરી વળતાં ત્યાંની જમીનની અફળદ્રુપતા તથા ખરાબાના ક્ષારીય મેદાનોની રચના કરે છે. જેને આપણે “ખારાપાટનાં મેદાનો” તરીકે ઓળખીએ છીએ.

મહી અને ઢાઢર નદીના મુખ વચ્ચેનો દરિયાકિનારો :

આ દરિયાકિનારે 30 મીટર ઉંચી એવી કાંપની રચાયેલી કરાડો આવેલી છે. જે ‘સુવાલીની ટેકરીઓ’ તરીકે ઓળખાય છે. આ દરિયાકિનારે સાબરમતી ખંભાતના અખાતને મળે છે. ત્યાં તેમનું નદી મુખ 7 કી.મી. પહોળું બને છે. તેને આપણે “કોપાલીની ખાડી” તરીકે ઓળખીએ છીએ. નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે અને “આલિયા બેટ”ની રચના કરે છે. તાપીની દક્ષિણમાં છેક ઉમરગામ સુધીનો કિનારો પ્રમાણમાં વધુ સીધો છે. આ કિનારો સાંકડો રેતાળ બીચ અને રેતીની લાંબી ટેકરીઓ આવેલી છે. આથી આ વિસ્તારમાં રમણીય બીચનું નિર્માણ થાય છે.

દહેજથી હજીરા સુધી :

ખંભાતના અખાતની પૂર્વમાં આવેલું દહેજ એક ગ્રીન ફ઼િલ્ડ બંદર છે. નર્મદા અને તાપી જેવી નદીઓ પોતાનું મુખ ખોલે છે તથા તેમના મુખ પ્રદેશમાં ખરાબાની જમીન જે ખારાપાટનાં મેદાન” કહેવાય છે. અહિ નર્મદાના મુખપ્રદેશમાં “આલિયાબેટ ટાપુ” આવેલા છે. દહેજ અને હજીરા જેવા બંદરોનો વિકાસ થવા પાછળનું મુળ કારણ અંકલેશ્વરના તેલક્ષેત્ર છે.

હજીરાથી ઉમરગામ સુધી :

આ દરિયાકિનારો ખૂબ જ સાંકળો તેમજ ત્યાં રેતાળ બીચનો વિકાસ થયો છે. આ દરિયાકિનારે સંજાણ બંદર, દાંડી, તીથલ, ઉમરગામ જેવા બંદરો જોવા મળે છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવ છે.


ઉપરની પોસ્ટમાં કોઈ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.


Leave a Comment

error: Content is protected !!