Gujarat sarkar dwara ujavata utsavo

Gujarat sarkar dwara ujavata utsav – ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા ઉત્સવો

ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા ઉત્સવો

ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ (મોઢેરા, મહેસાણા)

• “ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એટલે નૃત્ય, સંગીત અને સ્થાપત્યનો ત્રિવેણી સંગમ.”

• ઉત્તર ગુજરાતના મોઢેરામાં આવેલા વિશ્વવિખ્યાત સૂર્યમંદિર ખાતે દર વર્ષે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

• ગુજરાત સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કળાને જીવંત રાખવાના પ્રયાસરૂપે ઈ. સ. 1992થી દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઈ રહ્યો છે.

• આ મહોત્સવમાં મોઢેરા સૂર્યમંદિરનાં શિલ્પોરૂપી કોતરાયેલી કવિતાને નૃત્યાંગના દ્વારા સંગીતના તાલે રજૂ કરવામાં આવે છે.

• આ મહોત્સવમાં દેશભરના કલાકારો ભાગ લે છે અને ભારતના શાસ્ત્રીય નૃત્યોની રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરે છે.

• ઉત્તરાર્ધ મહોત્સવ, સૂર્યની પૂજા સાથે સંકળાયેલો ઉત્સવ છે.

• મોઢેરાનું પ્રાચીન નામ “ભગવદ ગામ” છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.

• મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ‚ 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી પ્રથમે કરાવ્યુ હતું.

• પાટણમાં કી વાવ ખાતે રાજ્ય સરકાર દ્વારા “વિરાસત સંગીત” સમારોહ યોજાય છે.


ધોરડો રણોત્સવ (કચ્છ)

• “પ્રવાસનક્ષેત્રે ગુજરાતનું એક અવિસ્મરણીય નજરાણું એટલે કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ”

• ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઈ.સ. 2006-07થી આ રણોત્સવનું આયોજન કરવામાં આવે છે.

• આ રણોત્સવ દર વર્ષે 1 નવેમ્બરથી શરૂ થઈને ત્રણ મહિના સુધી ચાલે છે. જેમાં ફક્ત કચ્છની સંસ્કૃતિ જ નહી, પરંતુ ગુજરાતની લોકકળા, લોકસંસ્કૃતિની પણ ઝાંખી જોવા મળે છે.

• કચ્છના સફેદ રણને જોવા અને અહીં યોજાતાં વિવિધ કાર્યક્રમોને માણવા દેશ-વિદેશના સહેલાણીઓ આવે છે.

• કચ્છનું રણ એ સંસ્કૃતિ, સંસ્કારો, શિલ્પ-કળા અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ છે.

• આ રણોત્સવમાં કાઈટ ફેસ્ટિવલ, ટેન્ટસિટીમાં રાતવાસો, રણમાં ઊંટસવારી, કચ્છી પહેરવેશ, કચ્છી કલાકારોની ક્લાકસબ, કચ્છનું સોના-ચાંદી કામ, માટીનાં વાસણો પરનું આર્ટવર્ક, બાંધણી, રોગન પેઈન્ટિંગ વગેરે જેવા આકર્ષણો રહેલાં છે.

હમીરસર તળાવના કાંઠે યોજાતાં કચ્છ કાર્નિવલ સાથે આ રણોત્સવનું સમાપન થાય છે.

• ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” પંચલાઈન આપી હતી.

• ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેની એડ (જાહેરાત) પિયુષ પાંડેએ બનાવી હતી.

• કચ્છનું “નીરોણા” ગામ કોપર (તાંબા)નાં વાસણો માટે પ્રસિદ્ધ છે. આ ગામમાં ફુલવીરદાદાનો મેળો યોજાય છે.

• કચ્છના નાના રણમાં ઘુડખર (જંગલી ગધેડા) માટેનું અભયારણ્ય આવેલું છે તથા મોટા રણમાં “સુરખાબ” માટેનું અભયારણ્ય આવેલું છે.

• કચ્છમાં આવેલી ઝૂંપડીઓ, ઘરોને “ભૂંગા” કરે છે તથા આ ઘરોના જૂથને “વાંઢ” કહે છે.

• કચ્છમાં જળચર પક્ષીઓના સંરક્ષણ માટે “છારીઢાંઢ” કન્ઝર્વેશન રિઝર્વ આવેલું છે.

• કચ્છમાં બોલાતી કચ્છી ભાષા ને ગુજરાતી અને સિંધી ભાષાનું મિશ્રણ છે.


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (અમદાવાદ)

• આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવ (ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ)ની શરૂઆત ઈ.સ. 1989માં થઈ હતી.

• 31મો આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવ (2020)નું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થયું હતું. જાન્યુઆરી માસમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે યોજાતા આ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ઉત્સાહભેર ભાગ લે છે. આ મહોત્સવ દરમિયાન અનેકવિધ આકારના રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ ભરાઈ જાય છે.

• આ મહોત્સવનું આયોજન ગુજરાત સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવે છે.


પંચમહોત્સવ (ચાંપાનેર, પંચમહાલ)

• પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ-ચાંપાનેર ધાર્મિક અને ભવ્ય ઐતિહાસિક વારસા સાથે રમણીય પ્રકૃતિનો સુગમ સમન્વય ધરાવે છે.

• પાવાગઢ પર્વત પર “મા મહાકાળી”નું પવિત્ર સ્થાનક છે, જ્યારે તળેટીમાં આવેલ ચાપાનેરમાં ઐતિહાસિક સ્થાપત્યો આવેલાં છે.

• આ વિસ્તાર ડુંગરમાળાઓ, અભયારણ્ય, જંગલોથી ઘેરાયેલ છે.

• ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા અહીં આવેલાં સાંસ્કૃતિક-પ્રાકૃતિક વારસાનું જતન કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા ઈ.સ. 2015થી “પંચમહોત્સવ” (ચાંપાનેર ફેસ્ટિવલ) નું આયોજન કરવામાં આવે છે.

• પંચમહોત્સવ અંતર્ગત પાંચ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો, હેરિટેજ ટૂર, એડવેન્ચર સ્પોર્ટસ્, બર્ડ વોચિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક, નેચર ફોટોગ્રાફી, ટેન્ટ સિટી જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે.

• ભારતમાં 51 શક્તિપીઠ આવેલી છે. ઉપરાંત ભારતની બહાર એકમાત્ર શક્તિપીઠ હિંગળાજ માતાનું મંદિર કરાચી (પાકિસ્તાન)માં આવેલ છે.

• ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ આવેલી છે : અંબાજી (અંબે માતા), પાવાગઢ (મહાકાળી માતા) બહુચરાજી (બહુચર માતા).

• ચાંપાનેરની સ્થાપના વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપાના નામ પરથી કરી હતી.

• મહંમદ બેગડાએ ચાંપાનેરને પોતાની બીજી રાજધાની બનાવી હતી અને તેનું નામ “મુસ્તફાબાદ” રાખ્યું.

• ચાંપાનેરને યુનેસ્કો દ્વારા ઈ.સ. 2004માં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો હતો.


સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ

• દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ ડાંગ જિલ્લામાં ગુજરાતનું એકમાત્ર હવાખાવાનું સ્થળ અને ગીરીમથક તરીકે ઓળખાતું “સાપુતારા” આવેલું છે.

• “સાપુતારા” હિલસ્ટેશન સહ્યાદ્રી પર્વતમાળામાં ડાંગના ગાઢ જંગલ વિસ્તારમાં લગભગ 1100 મી. ની ઊંચાઈએ આવેલું સ્થળ છે.

• ચોમાસાની ઋતુ દરમિયાન સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. અહીંનું આહ્લાદક અને નયનરમ્ય વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે.

• ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને ડાંગ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે 1 મહિનાનો “સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ” યોજવામાં આવે છે.

• આ ફેસ્ટિવલ દરમિયાન અહીં અનેકવિધ આકર્ષણો અને પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. જેમ કે વોટર સ્પોર્ટ્સ, એડવેન્ચર, લેસર શો, ફોટોગ્રાફી, ફૂડ ફેસ્ટિવલ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે.

• સાપુતારાને “સાપનું નિવાસસ્થાન” અને “ગુજરાત કી આંખો કા તારા” ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.

• સાપુતારા પાસેથી “સર્પગંગા” નદી વહે છે તથા તે સહ્યાદ્રિ પર્વતમાળાનું ગુજરાતમાં આવેલું સૌથી ઊંચું શિખર છે.

• અહીં વિન્ટર અને સમર ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે.


પોળો ઉત્સવ :

• “પોળો” એ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અરવલ્લી ગિરિમાળામાં કુદરતી સૌંદર્ય ધરાવતું એક જંગલ છે.

• શિયાળામાં અહીં ઊજવાતો “પોળો ઉત્સવ” (પોલો ફેસ્ટિવલ) એ ગુજરાતની અસ્મિતાનું આધુનિક પ્રકરણ છે.

• “પોળો” એ કુદરતી પ્રવાસન સ્થળ હોવા ઉપરાંત, એક ઐતિહાસિક વારસો ધરાવતું નગર પણ છે.

ગુર્જર પ્રતિહાર અને મૈત્રક વંશના શાસન દરમિયાન અહીં અનેક હિંદુ અને જૈન સ્થાપત્યોની રચના કરવામાં આવી હતી, જેમાં અભાપુરનું ખંડિત સૂર્યમંદિર, લાખેણાનાં દેરાં, શાર્ણેશ્વરનું પ્રાચીન શિવમંદિર વગેરે મુખ્ય છે. અહીં પથ્થરમાંથી કંડારેલ છત્રાત્મક કલાત્મક છત્રીઓ જોવા મળે છે. આ સ્થાપત્યના અવશેષ આજે પણ જોવા મળે છે.

• આ ઐતિહાસિક વારસો, અહીંનું વાતાવરણ તથા પર્વત, નદી અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ પોળોના જંગલને વિશિષ્ટ બનાવે છે.

• “પોળો” એટલે “ગુજરાતની જંગલ બુક”

• તેને ઉત્તર ગુજરાતના “મીની કાશ્મીર” તરીકે પણ ઓળખવામાં આવે છે.

• “પોળો” હરણાંવ નદીના કાંઠે વસેલું છે તથા અહીં વણજ ડેમ આવેલો છે.


તાના-રીરી મહોત્સવ

• ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ વડનગર ખાતે સંગીત બેલડી (સંગીત સામ્રજ્ઞી) “તાના-રીરી”ની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા “તાના-રીરી મહોત્સવ”નું આયોજન કરવામાં આવે છે.

• આ મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે શર્મિષ્ઠા તળાવને કાંઠે (વડનગર) યોજાય છે.

• આ મહોત્સવ દરમિયાન ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી આવેલા સંગીત કલાકારો પોતાની પ્રસ્તુતિ આપે છે.

• તાના-રીરી મહોત્સવ ત્રણ વર્લ્ડ રેકોર્ડનો સાક્ષી બનેલ છે :

(1) 108 વાંસળીવાદકોએ રાગ ખમાજ પર વૈષ્ણવજન ધૂન અને રાષ્ટ્રગીત વગાડ્યાં.
(2) 30 મિનિટમાં 150 તાલવાદકો દ્વારા 28 અલગ અલગ તાલ વગાડાયા.
(3) એક મિનિટમાં કલાગુરુ શીતલબહેન બારોટે 9 અલગ-અલગ ચહેરાના ભાવો નવરસ પ્રમાણે રજૂ કરેલ.

• આ મહોત્સવમાં સંગીતક્ષેત્રે યોગદાન આપનાર કલાકારને “તાના-રીરી એવોર્ડ” આપવામાં આવે છે.

• આ એવોર્ડની શરૂઆત ઈ.સ. 2010થી કરાઈ હતી તથા સૌપ્રથમ આ એવોર્ડ લતા મંગેશકરને અપાયો હતો.

• “તાના રીરી” એ ગુજરાતના આદ્યકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાની બે પુત્રીઓ હતી.

• અક્બરના દરબારમાં રહેલાં તાનસેને “દીપક રાગ”નું ગાન કર્યું હતું, જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઊઠી હતી. જેને તાના-રીરી બહેનોએ મેઘ મલ્હાર રાગ ગાઈને શાંત કરી હતી. આ બાબતની જાણ અકબરને થતાં તેણે બે બહેનોને દિલ્હી દરબારમાં બોલાવી, પરંતુ બે બહેનો ત્યાં ન જતાં વડનગર ખાતે જળસમાધિ લીધી હતી.


કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ)

• અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. આ કાર્નિવલની શરૂઆત ઈ.સ. 2008માં થઈ હતી.

• કાંકરિયા તળાવ અગાઉ “હોજ-એ-કુતુબ” તરીકે ઓળખાતું હતું, જેની રચના સલ્તનતયુગમાં બાદશાહ કતુબુદીન અહમદશાહે કરાવી હતી.

• આ તળાવની મધ્યમાં “નગીનાવાડી” (બાગ-એ-નગીના) આવેલી છે, જ્યાં દરરોજ સાંજે લેસર શોનું આયોજન થાય છે.

• કાંકરિયા ખાતે ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય “કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક” આવેલ છે.

• જેની સ્થાપના ઈ.સ. 1951માં રૂબિન ડેવિડે કરી હતી.


વસંતોત્સવ (ગાંધીનગર)

• ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દર વર્ષે “સંસ્કૃતિકુંજ” (ગાંધીનગર) ખાતે વસંતોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

• આ ઉત્સવ દ્વારા રાજ્ય સરકાર ગુજરાતની વિવિધ લોકસાંસ્કૃતિક પ્રવૃત્તિઓને એકમંચ પર લાવીને તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. વસંતોત્સવમાં વિવિધ રાજ્યના કલાકારો દ્વારા તેમનાં પરંપરાગત લોકનૃત્ય રજૂ કરવામાં આવે છે.

• આ ઉત્સવમાં તુરી બારોટ સમાજના ક્લાકારો પોતાની લુપ્ત થતી કળાને જીવંત રાખવાના ભાગરૂપે નૃત્ય અને કળાના કાર્યક્રમો રજૂ કરે છે. ઉપરાંત લોકકલાકારો સળગતો ગરબો, વેરાડી, મેવો, કચ્છી ઘોડી, ઝૂલણ, ભવાઈ વગેરેની રજૂઆત કરીને ગુજરાતની લોક્સંસ્કૃતિને સંરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

• વસંતોત્સવમાં વિવિધ રાજ્યની લોકસંસ્કૃતિને લગતી હસ્તકળાની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાય છે, જે આપણા સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવે છે તથા કળાકારીગરોને આવકનો સ્ત્રોત પૂરો પાડવામાં મદદ કરે છે.


વનમહોત્સવ

• તેની શરૂઆત ઈ.સ. 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી.

• વનમહોત્સવની ઉજવણી જુલાઈ માસના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે છે. આ મહોત્સવ, વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે, લોકો વૃક્ષોનું જતન કરે અને ગુજરાતમાં વનઆવરણ વધારો થાય વગેરે જેવા ઉદ્દેશો ધરાવે છે. 2004થી થીમ આધારિત સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવે છે, જેના હેઠળ સૌપ્રથમ “પુનિત વન” (2004, ગાંધીનગર)ની સ્થાપના કરાઈ હતી તથા તાજેતરમાં 72મા રાજ્યકક્ષાના વનમહોત્સવ (2021) દરમિયાન “મારુતિનંદન વન” (કલગામ, ઉમરગામ તાલુકો, વલસાડ)ની સ્થાપના કરાઈ છે.


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.

– Education Vala

Leave a Comment

error: Content is protected !!