Gujaratna Janita Chitrakaro

Gujaratna Janita Chitrakaro – ગુજરાતનાં જાણીતા ચિત્રકારો

ગુજરાતનાં જાણીતા ચિત્રકારો

શ્રી રવિશંકર રાવળ :

“ગુજરાતના કલાગુરુ” તરીકે ઓળખાતા રવિશંકર રાવળનો જન્મ ઈ.સ. 1892માં ભાવનગરમાં થયો હતો.

• રવિશંકર રાવળને ચિત્રકળામાં ઊંડો રસ હતો, પરંતુ તે અંગેની સાચી દિશા પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા પ્રાપ્ત થઈ.

• તેમણે ચિત્રકાર બનવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો હતો.

• બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમના ચિત્ર “બીલ્વમંગલ”ને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.

• તેમણે અમદાવાદ ખાતે પોતાના રહેઠાણમાં જ “ગુજરાત કલાસંઘ” ની સ્થાપના કરી. જેમાં ઘણાં ચિત્રકારોને તક આપી.

• તેમણે ઈ.સ. 1924માં બચુભાઈ રાવત સાથે મળીને “કુમાર” સામયિકની શરૂઆત કરી હતી, આ સામાયિકે ગુજરાતમાં કલા પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં તેમજ તેને ગતિશીલ બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે.

• તેમણે અજંતાના ગુફાચિત્રોનો અભ્યાસ કરીને “અજંતાના કલામંડપો” નામનું સચિત્ર પુસ્તક લખ્યું. ઉપરાંત તેમના અન્ય પુસ્તકો “દીઠા મેં નવા માનવી”, “કલાકારની સંસ્કારયાત્રા” અને “આત્મકથાનક” છે.

• રવિશંકર રાવળે અનેક વ્યક્તિચિત્રો, પ્રસંગચિત્રો બનાવીને ગુજરાતની કલાસ્મૃતિમાં બહુમૂલ્ય ઉમેરો કર્યો છે.

• ગુજરાતી ભાષાના સૌપ્રથમ સચિત્ર માસિક “વીસમી સદી” (તંત્રી : હાજી મહંમદ અલ્લારખાં શિવજી) માટે પણ કામ કર્યું હતું.

• રવિશંકર રાવળના પ્રસિદ્ધ ચિત્રો : હેમચંદ્રાચાર્ય, કૃષિ કન્યા, કૈલાસમાં રાત્રિ.

• તેમણે ગુજરાતમાં કળા-સંસ્કૃતિક્ષેત્રે આપેલા યોગદાનને કારણે અમદાવાદમાં આવેલી આર્ટ ગેલેરીને “શ્રી રવિશંકર આર્ટ ગેલેરી” નામ આપવામાં આવ્યું છે.


કનુભાઈ દેસાઈ :

• ઈ.સ. 1907માં અમદાવાદ ખાતે કનુભાઈ દેસાઈનો જન્મ થયો હતો.

• કનુભાઈએ ચિત્રકળાની તાલીમ શ્રી રવિશંકર રાવળ પાસેથી લીધી હતી.

• તેમનો પ્રથમ ચિત્રસંપુટ “સત્તર છાયાચિત્ર” હતો.

• તેમણે ગાંધીજીની દાંડીયાત્રામાં સાથે રહીને દાંડીયાત્રાનું આખું આલ્બમ બનાવ્યું હતું. જે ખૂબ પ્રસિદ્ધ થયું હતું.

• કનુભાઈએ ચિત્રકળામાં છાયાચિત્રો રચીને પોતાની મૌલિક શૈલી વિકસાવી હતી.

• તેમણે દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ સામાયિક “કલ્કિ”માં કામ કર્યું હતું અને પોતાના ચિત્રો પ્રગટ કર્યા હતા.

• તેમણે “રામ રાજ્ય”, “ઝનક ઝનક પાયલ બાજે” જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું.


પિરાજી સાગર :

• પિરાજી સાગરનો જન્મ ઈ.સ. 1931માં અમદાવાદ ખાતે થયો હતો. તેઓ ચિત્રકળામાં કુદરતી બક્ષિસ ધરાવતા હતા. કોઈપણ પ્રકારની તાલીમ વગર તેમણે એક ચિત્રકાર તરીકે નામના મેળવી હતી.

• તેમણે શરૂઆતમાં વાસ્તવદર્શી ચિત્રો તૈયાર કર્યા હતા, પરંતુ આગળ જતાં સંવેદના અને અનુભૂતિઓ આધારિત રેખાચિત્રો, તૈયાર કર્યાં. તેઓ પોતાના ચિત્રોમાં રેતી અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરતા હતા.

• પિરાજી સાગરાનાં દેશ, વિદેશમાં અનેક ચિત્ર પ્રદર્શનો યોજાઈ ચૂક્યા છે. અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે “રિટ્રોસ્પેક્ટિવ” નામે તેમના ચિત્ર પ્રદર્શનો યોજાતા હતા. તેઓ પ્રગતિશીલ ચિત્રકાર સમૂહ (ઈ.સ. 1960)નાં સ્થાપક સભ્ય હતાં.

• તેમને લલિતકલા એકેડેમીનાં નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.


સોમાલાલ શાહ :

• તેમણે રવિશંકર રાવળના માર્ગદર્શનથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કોલકાતાની શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોરના સાંનિધ્યમાં કળાનું વિશેષ શિક્ષણ મેળવ્યું.

• તેઓ ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયા હતા અને નિવૃત્ત સુધી ત્યાં સેવાઓ આપી. તેમણે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગ્રામ્યજીવનને પોતાની શૈલીમાં આલેખ્યું છે. તેમના ચિત્રોના વિષયોમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રનું લોકજીવન, પૌરાણિક કથાનકો, ઐતિહાસિક ઘટનાઓ, કૃષ્ણજીવન હતા.

• ભાવનગર નરેશ માટે તૈયાર કરેલ પક્ષીચિત્રોનો સંપુટ તેમની સિદ્ધિ છે.

• સોમાલાલ શાહના પ્રસિદ્ધ ચિત્રો : વીણાનો મૃગ, મારગને કાંઠે, ભયગ્રસ્ત હરણાં, ગોવાલણો, યક્ષકાન્તા વગેરે.

• તેમણે રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ” માટે સુંદર અને જીવંત લાગતા પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતાં.


ખોડીદાસ પરમાર :

• તેમનો જન્મ ઈ.સ. 1930માં ભાવનગરમાં થયો હતો. તેમણે કલાશિક્ષણની તાલીમ સોમાલાલ શાહ પાસેથી લીધી હતી.

• તેઓ માનવ અંતરમનમાંથી પ્રગટતા ભાવોને ચિત્રો સ્વરૂપે રજૂ કરવા માટે સિદ્ધહસ્ત હતા.

• તેમણે ચિત્રકળાની લોકશૈલી પર હાથ અજમાવ્યો હતો, તેમના ચિત્રોનો વિષય સૌરાષ્ટ્ર, કચ્છનું લોકજીવન હતા. તેમજ ચિત્રોમાં ગોપજીવન, રામકથા, રાંદલ, લગ્ન, કૃષ્ણલીલા અને કાલિદાસની રચનાઓના પાત્રો મુખ્ય રહ્યા છે. દેશભરની આર્ટ ગેલેરી અને મ્યુઝિયમમાં તેમના ચિત્રો સંગ્રહાયેલા છે. તેમને જૂના મૂલ્યવાન ચિત્રોની જાળવણી કરવાનો શોખ હતો.

• ખોડીદાસ પરમારે લોકકળા અને લોક સાહિત્યનો અભ્યાસ કરી લગભગ 18 પુસ્તકો લખ્યા છે.

• તેમણે “ધરતીના ચિત્રકાર” નામના પુસ્તકમાં પોતાના સંસ્મરણો આલેખ્યા છે.


છગનલાલ જાદવ :

• છગનલાલ જાદવ ગુજરાત વિદ્યાપીઠની રાત્રિશાળામાં અભ્યાસ કરીને ત્યાં જ ચિત્રશિક્ષક તરીકે જોડાયા હતા.

• તેમણે ચિત્રકામની દીક્ષા રવિશંકર રાવળ પાસેથી લીધી હતી અને ચિત્રકાર તરીકેની શરૂઆત કનુભાઈ દેસાઈના છાયાચિત્રોના પ્રભાવે કરી હતી. ઈ.સ. 1944માં છગનભાઈએ હિમાલયા યાત્રા આરંભી હતી, આ યાત્રા દરમિયાન નિસર્ગ ચિત્રો “લેન્ડ સ્કેપ્સ” દોર્યા.

• પાછળથી તેઓ આધ્યાત્મિક માર્ગે વળતાં ઈ.સ. 1949 પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં રોકાયા. ત્યારબાદના ચિત્રસર્જનમાં આધ્યાત્મિક ભાવના જોવા મળે છે.

• છગનલાલ જાદવના પ્રસિદ્ધ ચિત્રો : બે બહેનો, વસંત વૈભવ, ભારતની અન્નપુર્ણા ધી મધર્સ, સમર્પણ.


ચંદ્ર ત્રિવેદી :

• તેમણે ચિત્રકળાની તાલીમ રવિશંકર રાવળ પાસેથી લીધી હતી.

• તેમનું ઉપનામ “રાયજી” હતું.

• કાર્ટૂન ક્ષેત્રે તેમનું તેમનું આગવું પ્રદાન રહ્યું છે.

• “ઝગમગ” સાપ્તાહક થકી બાળકો માટે ચિત્રસર્જન કરેલું છે.


ગુલામ મોહમ્મદ શેખ :

• તેમનો જન્મ ઈ.સ.1937માં સુરેન્દ્રનગરમાં થયો હતો.

• તેમણે ચિત્રકળા સાથે કાવ્યસર્જન પણ કર્યું હતું.

• તેમણે “અમેરિકન ચિત્રકળા” નો અનુવાદ કર્યો હતો અને “અથવ” કાવ્ય સંગ્રહ લખ્યો હતો.


રસિકલાલ પરીખ :

• રસિકલાલ પરીખનો જન્મ ઈ.સ. 1910માં વાલિયા (જિ.નર્મદા) ખાતે થયો હતો.

• તેઓ નાનપણથી જ ચિત્રકળા ક્ષેત્રે ઊંડો રસ ધરાવતા હતા. તેમણે ચિત્રકળાની તાલીમ રવિશંકર રાવળ પાસેથી લીધી હતી.

• અમદાવાદમાં તેમણે શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સની સ્થાપના કરી હતી.

• રસિકલાલ પરીખના પ્રસિદ્ધ ચિત્રો : દેવદાસી, ઢીંગલી, ઘરનો પોપટ, ઝરુખો, ગરીબોનું સ્વર્ગ.

• તેમણે પાઠ્યપુસ્તકોમાં પણ ચિત્રો દોર્યા છે.


ભૂપેન ખખ્ખર :

• તેમનો જન્મ ઈ.સ. 1934માં મુંબઈ ખાતે થયો હતો.

• નવતર શૈલીની ચિત્રકળા માટે ભૂપેન ખખ્ખરે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી હતી.

• તેમની પ્રથમ કૃતિ “ત્રિનાલે” 1968માં પ્રદર્શિત થઈ.

• તેમણે ચિત્રકાર્ય સાથે સાહિત્ય સર્જન પણ કર્યું હતું.


બંસીલાલ વર્મા :

• બંસીલાલ વર્માનો જન્મ ઈ.સ. 1917માં ઉત્તર ગુજરાતના તારંગા હિલ પાસેના ચોટિયા ગામમાં થયો હતો.

• તેમણે કાર્ટુન ક્ષેત્રે ખૂબ નામના મેળવી હતી. તેમનું ઉપનામ “ચકોર” હતું.

• તેમણે રવિશંકર રાવળના “ગુજરાત ક્લાસંઘ”માંથી ચિત્ર સાધના આરંભી હતી.

• બંસીલાલે ગુજરાતના વર્તમાનપત્રોમાં કાર્ટૂન થકી કટાક્ષ કરતા ચિત્રોનો પાયો નાખ્યો.

• તેમણે “નવસૌરાષ્ટ્ર”, “પ્રજાબંધુ”, “સંદેશ” સમાચારપત્ર, “જન્મભૂમિ”, “હિંદુસ્તાન” વગેરેમાં કાર્ટૂનો થકી લોકચાહના મેળવી હતી.

• તેમણે ભારત છોડો આંદોલન (1942-1995) દરમિયાન કટાક્ષ ચિત્રો દોરીને દેશસેવા કરી હતી.

• તેમણે ઈ.સ. 1944માં ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસોસિયેશનની સ્થાપના કરી હતી.

• તેમના “ડ્રેગન કમ્સ ટુ યુનો” કાર્ટૂને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી હતી.

• કાર્ટૂન ઉપરાંત તેમણે પુસ્તકો-સામયિકો માટે હજારો પ્રસંગચિત્રો પણ દોર્યા છે.

“નમસ્તે કરતી સ્ત્રી” નું રેખાચિત્ર તેમનું જાણીતું ચિત્ર છે. ”


હકુભાઈ શાહ :

• તેમનો જન્મ તાપી જિલ્લાના વાલોરમાં થયો હતો.

• તેમનું મૂળ નામ “કિશોર હર્ષદ” હતું.

• તેમણે વર્ષો સુધી ગ્રામ્ય જીવન તેમજ આદિવાસી કલા સંસ્કૃતિ પ્રત્યે ઉંડો અભ્યાસ તેમજ સંશોધનકાર્ય કર્યું અને તેના દસ્તાવેજીકરણમાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો.

• તેમણે ગુજરાત વિધાપીઠમાં “આદિવાસી મ્યુઝિયમ” પણ સ્થાપ્યું હતું.

• હકુભાઈ શાહે ઈ.સ. 1980માં રાજસ્થાનના ઉદયપુરમાં “શિલ્પગ્રામ”ની સ્થાપના કરી હતી.

• ઈ.સ. 2009માં હકુભાઈએ “માનુષ” શીર્ષક હેઠળ પોતાના સંસ્મરણો પ્રકાશિત કર્યા હતા.


જેરામ પટેલ :

• જેરામ પટેલનો જન્મ ઈ.સ. 1930માં સોજિત્રામાં થયો હતો.

• તેમણે શરૂઆતમાં ભારતીય લઘુચિત્રકળાને અનુસરીને ચિત્રો દોર્યા હતા, પરંતુ આગળ જતા તેઓ અર્ધમૂર્ત સ્વરૂપો તરફ વળ્યા હતાં.

• તેમણે માધ્યમો સાથે તોડફોડ કરીને નવી ચિત્રભાષા સર્જવાની કોશિશ કરી.

• તેમણે પાબ્લો પિકાસો અને પોલક્લેની શૈલીને અનુસરીને તરડાયેલા ચહેરાનું નિરૂપણ કર્યું હતું.

• જેરામ પટેલે બ્લો ટોર્ચ વડે લાકડું બાળી, ખીલા ઠોકી, તેલરંગ અને ઇનેમલનો વિનિયોગ કરીને પોતાના ચિત્રોમાં વિદ્રોહની લાગણીને વાચા આપી છે.


ગુજરાતનાં અન્ય ચિત્રકારો

• અમિત અંબાલાલ
• બાલકૃષ્ણ પટેલ
• જેરામ પટેલ
• ભાનુભાઈ શાહ
• જશુભાઈ નાયક
• મગનલાલ ત્રિવેદી
• જ્યોતિ ભટ્ટ,
• મનહર મકવાણા
• વૃંદાવન સોલંકી
• દેવજીભાઇ વાજા


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ તમને ટાઈપિંગ ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો તેથી આપણે એને સુધારી શકીએ.

– Education Vala

Leave a Comment

error: Content is protected !!