ગુજરાતનાં લોકનૃત્યો

• લોકનૃત્ય એ ગુજરાતની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
• લોકનૃત્યો જેટલા સામાજિક ઉત્સવ સાથે સંકળાયેલા છે તેટલા જ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા છે.
• ગુજરાતના દરેક પંથકના વિવિધ જાતિઓના લોકનૃત્યોમાં મૂળભૂત રીતે સમાનતા હોવા છતાં દરેક પંથકની બોલી, ઉત્સવો, વાદ્યો અને વસ્ત્રાભૂષણોને કારણે સ્થાનિક રંગોની છાંટ સાથે આ લોકનૃત્યોમાં વિવિધતા જોવા મળે છે,
રાસ :
• તે સૌરાષ્ટ્રનો લોકપ્રિય પુરુષપ્રધાન નૃત્યપ્રકાર છે.
• રાસમાં નૃત્યનું તત્ત્વ આગળ પડતું હોય છે.
• રાસના બે પ્રકાર હતા : હલ્લિસક રાસ અને દાંડિયા રાસ. વર્તમાનમાં ફક્ત દાંડિયા રાસ પ્રચલિત છે.
• “રાસ રમવો” એટલે દાંડિયાના અવાજ અને પગના ઠેકા સાથે ગીતનો તાલ લઈને ગોળાકારમાં ફરતાં ફરતા ગાવું. તેનો કેન્દ્રીય વિષય શ્રીકૃષ્ણ લીલા અને કાન ગોપીની રાસલીલા છે.
• દાંડિયા રાસમાં દોઢિયા, પંચિયા, અઠિયા, બારિયા, ભેટિયા, નમન, મંડલ વગેરે લેવાય છે,
• મહાભારતકાળમાં રાસ નૃત્યને “હલ્લિસક ક્રીડા” તરીકે વર્ણવાયું છે.
• મુસ્લિમ શાસનકાળમાં રાસ નૃત્ય પ્રકાર લુપ્ત થયો હતો, જે નરસિંહ-મીરાંની ભક્તિ અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રભાવે પુનર્જીવિત થયો.
• કવિ નાન્હાલાલ એ વિવિધ “રાસ” ની રચનાઓ કરી છે.
રાસડા :
• સૌરાષ્ટ્રનું લોકજીવન રાસડા નૃત્યમાં ઝિલાયું છે, તેમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે. “રાસડા” નારીપ્રધાન નૃત્ય છે.
• તેમાં સ્ત્રીઓ દાંડીયા વગર કેવળ તાળીના તાલ સાથે, ગોળાકારમાં ફરતાં ફરતાં ગાય છે.
• કોળી અને ભરવાડ કોમમાં સ્ત્રી-પુરુષો સાથે રાસડા લે છે.
• રાસડામાં મોરલી, પાવો, શરણાઈ, મંજીરા જેવાં વાધો ઉપયોગમાં લેવાય છે.
• રાસડાના કેન્દ્રમાં સામાજિક વિષય આલેખાયો છે. આત્મબલિદાન આપનાર શૂરવીરોની પ્રશસ્તિ, બહારવટિયાઓ, દાનવીરો, સ્ત્રીઓના સબળ ચારિત્ર્ય માટે રાસડા રચાય છે.
• સોરઠના જોગીદાસ ખુમાણ, રામવાળા વગેરેના રાસડા પ્રચલિત છે,
ગરબો :
• ગુજરાતનો લોકપ્રિય નૃત્યપ્રકાર એટલે “ગરબો”
• ગરબા નો અર્થ “ગર્ભદીપ” ( છિદ્રોવાળા માટીના ઘડામાં દીવો પ્રગટાવવો )
• ઘડો એ બ્રહ્માંડની કલ્પના છે. તેમાં પ્રગટાવેલ દીપકની જ્યોત જીવનના સાતત્યની ઝાંખી કરાવે છે.
• આમ, ગરબો એ માતાજીની આરાધનાનું પ્રતીક છે. તે સ્ત્રીપ્રધાન નૃત્ય છે. નવરાત્રિમાં ચોકમાં માતાજીની માંડવી મૂકીને તેને ફરતે સ્ત્રીઓ ગરબા ગાય છે.
• વલ્લભ મેવાડાના “ગરબા” ( ઉદા. – આનંદનો ગરબો ) પ્રખ્યાત છે.
• ગરબામાં રાસની જેમ વાદ્યોનો ઉપયોગ ઓછો થાય છે.
• ગરબામાં મ્હાડ, કાકી, પીલું, ધનાશ્રી, કાલિંગડો અને સારંગ જેવા રાગનું મિશ્રણ જોવા મળે છે.
ગરબી :
• ગરબી એટલે “લાકડાની માંડવી”. તે પુરુષપ્રધાન નૃત્ય છે.
• જેમાં પુરુષો સમૂહમાં તાળીઓના તાલે ગીત ગાતાં ગાતાં વર્તુળમાં નૃત્ય કરે છે.
• રાસડાની જેમ ગરબીમાં નર્તનની વિવિધતા ઓછી જોવા મળે છે.
• ભક્ત કવિ દયારામે શ્રીકૃષ્ણને ઉદ્દેશીને “ગરબી”ઓની રચના કરી છે.
ઢોલો રાણો :
• તે ગોહિલવાડ પંથકના કોળી સમુદાયનું લોકનૃત્ય છે. ચોમાસામાં અનાજ પાકે છે ત્યારે કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલા, ડાલાં, સાંબેલું વગેરે લઈ અનાજ ઊપણતાં ઊપણતાં, સોઇને ઝાટકતાં-ઝાટકતાં ને ખાંડતાં-ખાંડતાં વર્તુળાકાર ફરીને નૃત્ય કરે છે, સાથે મંજીરા, કાંસીજોડા અને તબલાંના તાલે ગાય છે.
• ભાવનગરની “ઘોઘા સર્કલ મંડળી” આ નૃત્ય માટે જાણીતી છે.
ટિપ્પણી નૃત્ય :
• આ નૃત્ય સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકમાં રહેતી કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય છે.
• “ટિપ્પણી” એક પ્રકારની લાકડી છે, જેના છેડે વજનવાળો ચોરસ કે ગોળ લાકડાના ટુકડો લગાડ્યો હોય છે. કોઈ ઘર ચણાતું હોય ત્યાં જમીન પર છો બેસાડવા માટે આ ટિપ્પણીથી ટીપવાનું હોય છે.
• સ્ત્રી શ્રમિકો આ કામ કરતી વખતે ઢોલના અવાજ સાથે સાથે ગાઈ તાલબદ્ધ રીતે પોતાની ટિપ્પણી પછાડતી નૃત્ય કરે છે.
• ગીતોના શબ્દો, સ્વરનું ગુંજન, બહેનોના ગળાની હલક, શરણાઈની સાથે ટિપ્પણીના ટપ ટપ એકધારા તાલમાં નૃત્યકારો અને દર્શકો પરોવાઈ જાય છે.
સનેડો :
• સનેડો એ ગુજરાતનું લોકપ્રિય ગીત અને નૃત્ય છે. આ ભાતીગળ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પ્રચલિત છે.
• તેની રચના પટ્ટણી બોલી ( ઉત્તર ગુજરાતની લોકબોલી ) માં થયેલ છે. સનેડો નૃત્ય ડાકલીના તાલે ગવાય છે.
• ગુજરાતી સમાજમાં લગ્નપ્રસંગ કે ગરબામાં સનેડો ખૂબ લોકપ્રિય છે.
• ગુજરાતના જાણીતા લોકકલાકાર મણિરાજ બારોટે સનેડાને પ્રચલિત કરવામાં યોગદાન આપ્યું હતું.
ગોફ ગૂંથણ-સોળંગા રાસ :
• તે સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે.
• આ નૃત્યમાં રંગીન દોરીઓનો ગુચ્છ છત ઉપરની કોઈ એક કડીમાંથી પસાર કરી નીચે સમૂહમાં ગોળ ઊભેલા નૃત્યકારો એક હાથમાં પકડી બીજા હાથમાં દાંડિયો પકડી વેલ આકારમાં એક અંદર અને એક બહાર જઈ ગોળ ફરતાં ફરતાં ગીત ગાતાં ગાતાં નૃત્ય કરે છે.
• તેની સાથે સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગુંથાતી જાય છે. ફરી નૃત્ય કરતાં ઊંધી દિશામાં વળી નૃત્ય કરતાં કરતાં ગૂંથણી છોડતા જાય છે.
મેર (ચાબખી) નૃત્ય :
• તે સૌરાષ્ટ્રમાં વસતાં મેર જાતિના લોકોનું નૃત્ય છે.
• મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્યમાં આગવું સ્વરૂપ ધારણ કરે છે, ઢોલ અને શરણાઈ તેમના શૂરાતનને બિરદાવતાં હોય છે.
• મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ધ હોવા છતાં તરલતા ઓછી હોય છે.
• ક્યારે તેઓ એક થી દોઢ મીટર જેટલા ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રોદ્રરસની છટા ઊભી કરી છે.
ભરવાડોના ડોકા અને હુડા રાસ :
• તે સૌરાષ્ટ્રના ભરવાડ સમુદાય સાથે સંકળાયેલું નૃત્ય છે.
• ભરવાડો ઢોલના તાલે પરોણિયું લઈને ડોકા રાસ કરે છે. તે સમયે શરીરનું હલનચલન, પગના તાલ લયબદ્ધ હોય છે.
• હુડા રાસમાં ભરવાડ સમુદાયના સ્ત્રી-પુરુષો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસ રમે છે.
• ડોકા રાસમાં ગીત જરૂરી નથી, જ્યારે હુડા રાસમાં “કાનગોપી”નાં ગીતો ગવાય છે.
• તેમાં પુરુષોનો પોશાક સફેદ અને સ્ત્રીઓનો પોશાક ઘેરો શ્યામ હોય છે.
મંજીરા નૃત્ય :
• “મંજીરા નૃત્ય” એ ભાલપ્રદેશના નળકાંઠા વિસ્તારમાં રહેતી પઢાર આદિજાતિ નું વિશિષ્ટ લોકનૃત્ય છે.
• પઢાર યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરતાં બે પગ પહોળા કરી બેસી હલેસાં મારતા હોય એવો અભિનય કરે છે, કોઈ વાર અડધા ઘૂંટણ પર ઊભા રહી પગથી મંજીરા વગાડતા આ નૃત્ય પુરુષો કરે છે અને સમૂહમાં ગાતા પણ હોય છે. આથી તેને “હલેસા નૃત્ય” પણ કહે છે.
• “મંજીરા નૃત્ય” પઢાર યુવાનોના જોમ-જુસ્સાને આબાદ પ્રગટ કરે છે.
• તેમાં દરિયાકાંઠે વસનારાઓની જિંદગીનું આબેહૂબ વર્ણન જોવા મળે છે.
જાગ (માંડવી) નૃત્યુ :
• અમદાવાદના ઠાકોર સમાજની સ્ત્રીઓ અને બનાસકાંઠાના રાધનપુરની કોળી સમાજની સ્ત્રીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
• તેમાં નવરાત્રિ, લગ્ન, જનોઈ કે સીમંત પ્રસંગે માતાજીના જાગ તેડવામાં આવે છે.
• માતાજીના સ્થાપન બાદ પાંચમા કે સાતમા દિવસે માતાજીને વળાવતી વખતે બાજોના ચાર ખૂણે ખપાટું બાંધી દેવામાં આવે છે. જેના ઘરે આ ઉત્સવ હોય તે સ્ત્રી આ જાગ માથે મૂકીને વાજતે-ગાજતે માતાજીના મઢે જાય છે.
• અહીં ઢોલના તાલે અને પગનાં ઠેકા સાથે સ્ત્રીઓ “જાગ નૃત્ય” કરે છે.
રૂમાલ નૃત્ય :
• મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોમાં હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરતા હોય છે.
• આ નૃત્ય કરતી વખતે તેઓ ઘોડા કે અન્ય પશુના મહોરા પણ પહેરે છે.
ઠાગા નૃત્ય :
• તે ઉત્તર ગુજરાતના ઠાકોરોનું લોકનૃત્ય છે.
• વારતહેવારે ઠાકોર સમુદાયના લોકો ઊંચી એડીના બૂટ, ગળે હાંસડી, કાનમાં મરકી અને પગમાં તોડો પહેરી હાથમાં ઉઘાડી તલવાર લઈને ઠાગા લેવા નીકળે છે.
મેરાયો નૃત્ય :
• બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે.
• “સરખડ” અથવા “ઝુંઝાળી” નામના ઘાસના તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને મેરાયો બનાવવામાં આવે છે.
• નૃત્યમાં દ્વંદ્વ થાય છે અને છેલ્લે શૌર્યગીત “હુડીલા” ગવાય છે.
• બનાસકાંઠા જિલ્લાના અન્ય પ્રચલિત લોકનૃત્યો “કાનુડો” અને “સાંઢણી” છે.
હીંચ (હમચી) નૃત્ય :
• ભાલપ્રદેશ અને કાઠિયાવાડમાં આ નૃત્ય જોવા મળે છે.
• આ નૃત્ય સીમંત, લગ્ન કે જનોઈના પ્રસંગે રાંદલ માતાને તેડવા માટે કરવામાં આવે છે.
• તેમાં સ્ત્રીઓ રાંદલ માતાની સ્તુતિ કરતાં કરતાં હીંચ લે છે કે હમચી ખૂંદે છે.
• આ નૃત્યમાં ગીતો ગવાતા નથી.
• ભાલપ્રદેશમાં “ગાગર હીંચ” ખૂબ પ્રચલિત છે.
મરચી નૃત્ય :
• તુરી સમાજની બહેનો દ્વારા લગ્નપ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે. તેઓ તાળી પાડયા વગર હાથની અંગચેષ્ટાઓથી આ નૃત્ય કરે છે.
અશ્વ નૃત્ય :
• આ નૃત્ય ઉત્તર ગુજરાતના કોળી સમુદાયમાં ખૂબ પ્રચલિત છે.
• કારતક મહિનાની પૂનમના દિવસે કોળી પુરુષો હાથમાં ઉઘાડી તલવાર લઈને ઘોડા પર બેસીને ઘોડા દોડાવે છે.
• આ પ્રસંગે શૌર્યરસનું પ્રદર્શન જોવા મળે છે.
ટીટોડો નૃત્ય :
• ભાલ અને સૌરાષ્ટ્રમાં વસતી કુવારી કન્યાઓ લગ્ન કે અન્ય ઉત્સવ પ્રસંગે ઢોલના તાલે તાલે ટીટોડો લે છે.
• તેમાં બે છોકરીઓ સામાસામે હાથની તાળી દઈને કેડેથી નીચે નીચે આગળ પાછળ હાથ લઈ જઈને ગાતી જાય છે.
માટલી નૃત્ય :
• તે આદિવાસી અને અન્ય સમાજમાં લગ્ન પ્રસંગે કરવામાં આવતું નૃત્ય છે.
ડોવળા નૃત્ય :
• ચૌધરી આદિવાસીઓનું નૃત્ય.
• ચૌધરી લોકો દેવપૂજા કે લગ્ન પ્રસંગે આ નૃત્ય કરે છે.
• ડોવળુ એક વાદ્ય છે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.
– Education Vala