
Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
ગુજરાતના મુખ્ય લોકસમુદાયો
ગુજરાતના મુખ્ય લોક્સમુદાયોની વાત કરીએ તો મેર લોકોની શૂરવીરતા અને ખમીર, ચારણોનું આખાબોલાપણું, વાઘેરોની વીરતા, આહીરોની “ગોપસંસ્કૃતિ”, કણબીઓની કૃષિ અને વેપાર પ્રવૃત્તિ, સાગરખેડુ ખારવાઓની સાહસિકતા, રબારી અને ભરવાડ સમુદાયનાં આગવા પહેરવેશ-આભૂષણ વગેરે જેવી વિશિષ્ટતાઓ જોવા મળે છે.
મેર સમુદાય
- “મેર” કે “મહેર” શબ્દનો પરંપરાગત અર્થ “મુખી” કે “આગેવાન” થાય છે. કાળક્રમે આ શબ્દનો પ્રયોગ કોઈ વિશેષ સમુદાય કે જાતિ માટે થયો.
- લોક્માન્યતા મુજબ “મેર” કોમ પહેલાં પંજાબ અને રજપૂતાના (રાજસ્થાનક્ષેત્ર)માં વસતી હતી.
- ત્યાંથી ગુજરાત તરફ આવ્યા ત્યારે મૈત્રક-મહિર-મહેર અને મેર વગેરે નામોથી ઓળખાવા લાગ્યા અને બરડા વિસ્તારમાં આવ્યા ત્યારથી તેઓ “મેર” તરીકે ઓળખાય છે.
- તેમનો મુખ્ય વ્યવસાય ખેતીકામ છે.
- તેમની ભાષામાં મારવાડી અને હિંદી ભાષાની અસર જોવા મળે છે.
પહેરવેશ અને આભૂષણ
- મેર સમાજના પુરુષોના પોશાકમાં ઓછી ઘેરવાળું કેડિયું, માથે “દરબારી પાઘડી” અથવા “ઊનની ઊંચી ટોપી” ખભા પર ખેસ અને કમરે ભેટ હોય છે.
- મૈર સ્ત્રીઓના પોશાકમાં, કુંવારી કન્યાઓ સફેદ રંગનો ઢાંસિયો પહેરે છે, જ્યારે પરણિત સ્ત્રીઓ ઘેરા રાતા રંગનો ઢાંસિયો પહેરે છે.
- આમ, ગામની વહુ કે દીકરી કોણ છે તે તેમના પોશાક પરથી તરત જ જણાઈ આવે છે તથા ઓઢણું હમેશા કાળા રંગનું જ પહેરે છે.
- સ્ત્રીઓ તહેવારો કે કોઈ શુભપ્રસંગે સોના-ચાંદીનાં ઘરેણાં અને બલોયાં પહેરે છે.
રીતિરિવાજો અને લગ્નપરંપરા
- સૌરાષ્ટ્રની અન્ય કોમોની જેમ મેર કોમમાં સ્ત્રીઓમાં લાજ કાઢવાની કે ઘૂમટાની પ્રથા જોવા મળતી નથી. મેર સમાજમાં સ્ત્રી અને પુરુષોને સમાન સ્થાન છે. તેમનામાં એક જ ગોત્રમાં લગ્નની મંજૂરી નથી, પરંતુ મામા-ફોઈના દીકરા દીકરીને પરણાવવામાં બાધ નથી.
- તેમના લગ્નપ્રસંગોમાં રાજપૂત પરંપરા જોવા મળે છે, જેમાં લગ્નવિધિમાં વરરાજા હાજર હોવા છતાં “ખાંડા” સાથે ફેરા ફેરવીને લગ્ન કરાવવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અને ઉત્સવો
- મેર સમુદાયમાં દરેક કુટુંબના અલગ-અલગ કુળદેવી હોય છે. જેમાં ખોડિયારમાં, રાંદલમાં, ચામુંડામા, વાઘેશ્વરીદેવી વગેરે મુખ્ય છે તથા દરેક કુળદેવીના આગવા ભૂવા હોય છે.
- આ કોમમાં અનેક સાધુ-સંતો થઈ ગયા છે. મેર કોમની સતીઓમાં માતા લીરબાઈ અને માતા રામબાઈ પ્રખ્યાત થઈ ગયેલ છે.
- તેમનામાં હોળી અને શીતળા-સાતમના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. તહેવારો દરમિયાન પરંપરાગત મર્દાનગીભરી રમતોની પ્રથા તેમણે જાળવી રાખી છે.
- મેર કોમમાં બળેવના દિવસે “હિરડી” નામની પ્રથા યોજાય છે. જેમાં લાકડાનું નાનું હળ બનાવવામાં આવે છે, જેને “હિરડી” કહે છે. આ “હિરડી”ને ગામનો ગોર પકડી રાખે છે. ગામના મેર જુવાનિયાઓ દૂરના કોઈ એક સ્થળેથી દોડવાની હરીફાઈ કરે છે અને જે પહેલો આવીને ગોરના હાથમાંથી હિરડી લઈ લે તેને વિજયી જાહેર કરાય છે.
- હોળીના દિવસોમાં તેઓ નાળિયેરની રમત રમે છે. જેમાં મેર યુવાનો પોતાની બે હથેળીની વચ્ચે નાળિયેર અને સોપારી રાખીને જોરથી ભીંસે છે, કે જેથી સોપારી નાળિયેરની અંદર પેસી જાય છે.
કલા-કસબ
- મેર કોમના “દાડિયારાસ” પ્રખ્યાત છે, પરંતુ તેમના દાંડિયારાસમાં ગીતો નથી ગવાતાં, ફક્ત ઢોલ કે શરણાઈના તાલે જ રાસ રમે છે.
- મેર રાસમાં યુદ્ધના મૂલ્યો જોવા મળે છે.
- “મણિયારો રાસ” એ મેર કોમનું પ્રસિદ્ધ નૃત્ય છે. આ રાસમાં ખેલૈયા સફેદ કપડાં પહેરે છે, કમરે લાલ દુપટ્ટો અને માથે પાઘડી બાંધે છે.
- લગ્ન અને શુભપ્રસંગોએ આ સમુદાયની સ્ત્રીઓ ભીંત અને ઘરના ગોખલામાં પશુપંખીનાં ચિત્રો દોરે છે.
આહીર સમુદાય
- સંસ્કૃતમાં “આહીર” શબ્દનો અર્થ “ગાયોનું ધણ” એવો થાય છે.
- આ સમુદાયનો મુખ્ય વ્યવસાય ગોપાલનનો હોવાથી તેઓ “આહીર” તરીકે ઓળખાયા.
- સૌરાષ્ટ્રમાં આહીરને “આયર” તરીકે સંબોધવામાં આવે છે, જે આર્ય શબ્દનો અપભ્રંશ છે.
- આહીરો પોતાને ચંદ્રવંશી યદુકુળના હોવાનું માને છે.
- આ સમુદાયમાં ગોપસંસ્કૃતિનાં દર્શન થાય છે.
- ગુજરાતમાં આહીરોની લગભગ 16 પેટાજ્ઞાતિઓ છે. સોરઠિયા, મચ્છોયા, નાઘેરા, પંચોળી, બોરીચા, વાગડિયા, વણાર, ચોરડા, કામળિયા (કાંબળિયા), ભુંગર, હરકટ, પ્રાંથળીયા, ગુર્જર આયર, વારાડિયા અને નેસક (નેસમાં વસતાં)
પહેરવેશ અને આભૂષણો
- આહીર પુરુષો પાસાબંધ કેડિયું, નીચી નાળીવાળી ચોરણી, માથે ભરાવદાર પાઘડી અને પગમાં દેશી ઘાટનાં ફુદડીવાળાં જોડાં પહેરે છે. વડીલો સફેદ અને જુવાનિયાઓ રંગીન પાઘડી પહેરે છે.
- આહીર સ્ત્રીઓમાં ઓઢણું, કાપડી, પહેરણુ (જીમી) એ મુખ્ય પોશાક છે.
રીતિરિવાજો અને ધાર્મિક માન્યતાઓ
- આહીરો વૈષ્ણવ, શૈવ અને શક્તિ એમ ત્રણેય સંપ્રદાયમાં આસ્થા ધરાવે છે.
- કચ્છી આહીરોમાં હિંગળાજ માતાની (વર્તમાન પાકિસ્તાનમાં) યાત્રાનું ખૂબ મહત્ત્વ છે.
આહીર ભરતકામ
આહીરોમાં ભરતકામ એ તેમની વિશિષ્ટ પરંપરા છે. તેમના પહેરવેશોમાં, ગૃહસુશોભનની ચીજવસ્તુઓમાં અને શુભપ્રસંગો પર શણગાર માટે ભરતકામ કરવામાં આવે છે. તેમનું આભલા ભરત અને હીરભરત ખૂબ જાણીતું છે.

રબારી સમુદાય
- રબારી શબ્દ મૂળ “રેવડ” શબ્દ પરથી ઊતરી આવ્યો છે.
- રેવડ અર્થ “ઢોર કે પશુનું ટોળું” આ પશુઓના ટોળાને સાચવનાર “રેવાડી” અને તેનું અપભ્રંશ થતા “રબારી” શબ્દ પ્રચલિત થયો.
- રબારી સમુદાયનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે.
- એક માન્યતા મુજબ તેઓ નંદના વંશજો છે અને શ્રીકૃષ્ણ સાથે નાતો છે. આથી તેમનામાં ગોપ સંસ્કૃતિનાં લક્ષણો જોવા મળે છે.
- ગુજરાતમાં રબારી સમાજ લગભગ ચાલીસ પંથકોમાં વિસ્તરેલાં છે, જેમાં ભોપા, રાયકા, મારુ, પાટણવાડિયા, દેસાઈ, વિણોયા, સોરઠિયા, મારવાડી, દેવાંશી અને કચ્છી (કાછી) રબારીનો સમાવેશ થાય છે.
- રબારી સમુદાયની મુખ્ય માતા “મા મોમાઈ” છે. તેઓ મા મોમાઈની મૂર્તિ પૂજા નથી કરતા, પરંતુ માતાના પ્રતીક સમા મોરપીંછની જુડીઓ, હંસ અને શંખ દ્વારા માતાના મઢમાં આભ સર્જીને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
- દર બે-ત્રણ વર્ષે આ મઢામાંથી કોઈ એક મઢે નવરાત્રી દરમિયાન માતાની “પૂજા” થાય છે. આ “પુંજ” ના દિવસે બધા રબારીઓ ભેગા થઈને હોમ-હવન કરે છે.
- કચ્છના રબારીઓમાં જ્ઞાતિપંચના વડાને “ચીનાઈ” અથવા “જામોતર” કહે છે
- કેટલીક રબારી જ્ઞાતિઓમાં લગ્નના મુહૂર્ત પક્ષીના અવાજ પરથી નક્કી કરવામાં આવે છે.
- “ભોપા” જાતિના રબારીઓ દર 12 વર્ષે ભાદરવા મહિનામાં “જંગ” (જાતર) કરે છે. જેમાં બધા ભોપા કુટુંબો ભેગાં થાય છે અને ધાર્મિક ઉત્સવ ઉજવે છે.
- રબારી સ્ત્રીઓએ ભરતગૂંથણ, મોતીકામ, મકાનની દીવાલ પર માટીનું લીપણ કરીને પશુ-પંખીના ચિત્રો દોરવા વગેરે જેવી કળાઓ વિકસાવી છે.
ચારણ સમુદાય
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસતાં આ સમુદાયનો ઉલ્લેખ વેદો, પુરાણો, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાંથી પણ મળી આવે છે.
- ચારણોને તેમની બુદ્ધિમત્તા તથા વીરતાભર્યાં કાવ્યો અને દુહાઓની રચનાને કારણે રાજાઓના દરબારમાં સ્થાન મળતું હતું.
- ચારણોને “દેવીપુત્રો” ગણવામાં આવે છે. તેઓ સ્વમાની, નીડર, અને આખાબોલા હોય છે.
- વર્તમાનમાં ચારણો પશુપાલન અને ખેતી વ્યયસાય સાથે જોડાયેલા છે. માલધારી ચારણ તરીકે ઓળખાતો સમુદાય જંગલ અને પર્વતીય વિસ્તારોમાં પશુચરાણ અને પશુપાલન સાથે સંકળાયેલો છે.
- આ કોમના રીતિરિવાજો બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગ જેવા જ હોય છે.
- ચારણ સમુદાયમાં પુરુષોના નામની પાછળ “દાન” શબ્દ ઉમેરવામાં આવે છે. જેમ કે કીર્તિદાન, ભીખુદાન વગેરે અને સ્ત્રીઓનાં નામની પાછળ “બાઈ” શબ્દ લગાડવામાં આવે છે. જેમ કે રાજબાઈ, માનબાઈ, હીરબાઈ વગેરે.
ભરવાડ સમુદાય
- હિંદી ભાષામાં “ભેડ“નો અર્થ “ઘેટું” થાય છે. ભેડ (ઘેટાં)ને વાડામાં સુરક્ષિત રાખનાર પશુપાલકનો વર્ગ “ભરવાડ” (ભેડવાડ) તરીકે ઓળખાયો. ગુજરાતમાં ભરવાડ અને રબારી સમાજ મુખ્યત્વે પશુપાલન વ્યવસાયમાં જોડાયેલા છે.
- ભરવાડ સમુદાય ભૂતકાળમાં ફક્ત ઘેટાં જ રાખતા હતા, પરંતુ હાલમાં તેઓ ગાય, ભેંસ રાખતા થયા છે અને ગોપાલક પણ બન્યા છે.
- આ સમુદાય ઠાકોર (શ્રીકૃષ્ણ) પ્રત્યે વધુ આસ્થા ધરાવે છે.
ભરવાડ સમુદાયના પેટા વર્ગો
- આ સમાજમાં “નાના ભાઈ” અને “મોટા ભાઈ” એમ બે મુખ્ય વર્ગ છે. મૂળ તો બે સગા ભાઈ (નાના ભાઈ અને મોટા ભાઈ)ના વંશજો જુદા પડતા “નાના ભાઈના ભરવાડ” અને “મોટા ભાઈના ભરવાડ” તરીકે ઓળખાય છે.
- બંને વર્ગોમાં પરસ્પર રોટી (જમવાનો) વ્યવહાર હોય છે, પણ બેટી વ્યવહાર હોતો નથી.
- પાલિતાણા વિસ્તારમાં રહેતાં નાના ભાઈ ભરવાડના લોકો પોતાને “કાબરા ભરવાડ” તરીકે ઓળખાવે છે અને દક્ષિણ ગુજરાતના ભરવાડો પોતાને “દૂધિયા ભરવાડ” તરીકે ઓળખાવે છે.
પહેરવેશ અને આભૂષણો
ભરવાડ પુરુષો ચોરણી / ચોયણી, કેડિયું અને માથે લાલ પાઘડી પહેરે છે તથા ડોકમાં ચાંદીનો કાંઠલો, ડોકમાં કડાં તેમ જ કાનમાં લોળિયાં પહેરે છે. ભરવાડ સ્ત્રીઓ ઊનનાં કપડા પહેરે છે. ચણિયાને બદલે કાળા ધાબળા જેવું કપડું વીંટાળે છે. જેમાં સફેદ અને લાલ રંગની ભાત હોય છે. આ કપડાને “ધુંસી” કહે છે.
કોળી સમુદાય
- કોળી એ ભારતનો એક અતિપ્રાચીન સમુદાય છે.
- આર્યો ભારતમાં આવ્યા એ પૂર્વેથી આ પ્રજા વસવાટ કરે છે.
- તેની મૂળ ઉત્પત્તિ સિંધુ નદીના પ્રદેશમાં થઈ હોવાનું મનાય છે.
- આ પ્રજા પોતાની ઉત્પત્તિ સૂર્યવંશી રાજા યુવનાશ્વરથી દર્શાવે છે.
- ગુજરાતમાં વસતાં કોળી સમુદાયમાં મુખ્યત્વે પાંચ પેટા પ્રકાર જોવા મળે છે. તળપદા કોળી, ઘેડિયા કોળી, ચુવાડિયા કોળી, ખાંટ કોળી, વાળાંકિયા કોળી.
- કોળી સમુદાય ક્ષેત્ર-પ્રદેશોમાં વસ્યા છે અને જે વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેના પરથી પણ ઓળખાય છે.
- ઉત્તર ગુજરાતના પાટણમાં રહેતાં કોળીઓ “પાટણવાડિયા કોળી” કહેવાયા, ચુંવાળ પ્રદેશના કોળી “ચુંવાળિયા કોળી” તરીકે ઓળખાયા.
- તે જ રીતે ખેતીકામ સાથે સંકળાયેલા કોળી “ખેડવાળ કોળી” તરીકે ઓળખાય છે. નવસારી અને ગણદેવી તાલુકાના ડુંગરાળ પ્રદેશોમાં તાડ છેડવાનું કામ કરતા કોળી “તરવાડા કોળી” કહેવાય છે.
દેવીપૂજક સમુદાય
- દેવીપૂજક સમુદાયના મૂળ પ્રાગ ઐતિહાસિક કાળમાં શિકાર પ્રવૃત્તિ પર નભતા વર્ગ સુધી પહોંચે છે.
- કાળક્રમે આ સમુદાય શિકાર પ્રવૃત્તિ છોડીને પશુપાલન તથા અન્ય વ્યવસાયમાં જોડાયો.
- દેવીપૂજક કોમ આજે તો તેમના વ્યવસાય, વિસ્તાર અને પ્રાદેશિકતાના આધાર અનેક પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલ છે.
- જેમ કે ગામેચી, ચારાણિયા, ટોપલિયા, ફૂલમાળી, ચુનારા, ગોદડિયા, લાકડિયા, દાતણિયા, ઢાળિયાવાળા વગેર.
- આ સમુદાય વિશેષ રીતે શાકભાજી, ફળફળાદિની લારી ફેરવવી, કડિયાકામ, છૂટકકામ ( દાતણ પૂરા પાડવા, ફૂલ વેચવા) વગેરે વ્યવસાય સાથે જોડાયેલા છે.
- તેમના મુખ્ય દેવી “મેલડી માતા” છે. અન્ય દેવદેવીઓમાં સંતોષી માં, શિકોતરી માં, બહુચર માં, શેત્રુંજી માં, મોમાઈ માં, કાળભૈરવ દાદા, વાછરા દાદા, હાજીપીર વગેરેનો સમાવેશ થાય છે.
ગોદડીનો ઝઘડો
આ કામમાં લગ્નપ્રસંગે વાજબી કારણ વગર વાદવિવાદ ઊભો કરીને બંને પક્ષના પુરુષો ઝઘડતા રહે છે અને લગ્નવિધિ પૂરી થાય ત્યારે સૌ અચાનક શાંત થઈ જાય છે. આ રીતે ઊભો થયેલો ઝઘડો “ગોદડીનો ઝઘડો” કહેવાય છે.

દિવાસો (શ્રદ્ધાંજલિ)
- દેવીપૂજકોમાં દિવાસાના તહેવારનું ઘણું મહત્ત્વ છે.
- અષાઢ વદ અમાસ (દિવાસો)ના દિવસે તેઓ પોતાના પૂર્વજોને શ્રદ્ધાજલિ આપવા માટે ગામ કે શહેરોનાં સ્મશાનોમાં ભેગા થાય છે.
- અહીં પોતાના પૂર્વજને ભાવતી વસ્તુઓ ધરાવીને તેનો પ્રસાદ લઈ ઉજાણી કરે છે.
જાણવા જેવું
- દેવીપૂજક સ્ત્રીઓમાં વડીલોની લાજ કાઢવાની પ્રથા “આધેંરુ” ઓઢવાની પ્રથા પ્રચલિત છે.
- તેમના કુળદેવી શેત્રુંજી માતા (પાલિતાણા) છે, તેઓમાં “હાથી“ની લાજ કાઢવાનો રિવાજ જોવા મળે છે, કારણકે હાથી તેમની કુળદેવી શેત્રુંજીનું વાહન મનાય છે.
- દેવીપૂજકો દ્વારા પ્રયોજાતી સાંકેતિક બોલી “પારસી” તરીકે ઓળખાય છે.
