Gujaratna pavitra tirth sthalo – Bhag 1

Gujaratna pavitra tirth sthalo – Bhag 1 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 1

ગુજરાતનાં પવિત્ર તીર્થસ્થળો – ભાગ 1

Table of Contents

સોમનાથ મંદિર (ગીર સોમનાથ)

સોમનાથ મંદિર (ગીર સોમનાથ)
  • ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે.
  • આ મંદિર “હિરણ”, “કપિલા” અને “સરસ્વતી” નદીના સંગમસ્થાને આવેલું છે.
  • એવું મનાય છે કે, સોમનાથ મંદિરને ચંદ્રએ સોનાનું, રાવણે ચાંદીનું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પ્રથમે પથ્થરથી બનાવડાવ્યું હતું.
  • ઈ.સ. 1026માં સોલંકી વંશના ભીમદેવ પ્રથમના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેનો નાશ કર્યો હતો. ત્યારબાદ ભીમદેવ પ્રથમે પથ્થરથી નવા સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું.
  • ભીમદેવ બીજાએ આ મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ બંધાવ્યો હતો.
  • વિભિન્ન સમયમાં આક્રમણખોરો દ્વારા 17 વખત સોમનાથ મંદિરનો નાશ કરાયો હતો.
  • આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું સ્વપ્ન સેવ્યું હતું.
  • ઈ.સ. 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
  • સોમનાથ મંદિરના મુખ્ય સ્થપતિ તરીકે “પ્રભાશંકર સોમપુરા” હતા.
  • આ મંદિરનું નિર્માણ વેસર શૈલી (પશ્ચિમી ચાલુક્ય શૈલી) અને નાગર શૈલીમાં થયેલું છે.
  • સોમનાથ મંદિરના રક્ષણ અર્થે શહીદ થયેલા હમીરજી ગોહિલ (લાઠીના રાજવી), વેગડા ભીલ અને તેના મિત્રોની પ્રતિમાઓ સોમનાથ મંદિરના પરિસરમાં મૂકવામાં આવેલ છે.
  • આ મંદિરનો મુખ્ય દરવાજો દિગ્વિજય દ્વાર (જામનગરના રાજવીના નામ પરથી) તરીકે ઓળખાય છે.

યાદ રાખો

  • મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું છે.
  • સોમનાથ મંદિરની આસપાસનો વિસ્તાર પ્રાચીનકાળમાં પ્રભાસ પાટણ તરીકે ઓળખાતો હતો.
  • અહીં વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યની બેઠક આવેલી છે.
  • સોમનાથ મંદિરને “કૈલાસ મહામેરુ પ્રાસાદ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ઈ.સ. 2007માં ગુજરાત સરકાર દ્વારા અહીં “હરિહર વન”નું નિર્માણ કરાયું છે.

અંબાજી મંદિર (બનાસકાંઠા)

અંબાજી મંદિર (બનાસકાંઠા)
  • બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીના ડુંગરોમાં પ્રકૃતિના સૌંદર્યમાં બિરાજતા આદ્યશક્તિમા માં અંબાનું સ્થાનક અંબાજી મંદિર બહુ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે.
  • અંબાજી મંદિર ભારતની 51 શક્તિપીઠો પૈકીનું એક છે.
  • અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની નહીં, પરંતુ “શ્રી વીસાયંત્ર”ની પૂજા થાય છે.
  • પુરાણોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે દેવી સતીના હૃદયનો ભાગ અંબાજીમાં પડ્યો હતો અને માતાજી પ્રગટ થયા હતાં. અંબાજી માતાનું મૂળ પ્રાગટ્ય સ્થાન પશ્ચિમ દિશામાં આવેલ ગબ્બર પર્વત છે. ભગવાન શ્રીકૃષ્ણની ચૌલક્રિયા પણ અંબાજીમાં થઈ હોવાનું મનાય છે.
  • અંબાજી નજીક આવેલું કોટેશ્વર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે.
  • ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી અહીં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજીમાં આવે છે.
  • અંબાજીમાં જોવાલાયક સ્થળો : કુંભારિયા જૈન દેરાસર, પ્રાચીન તપોભૂમિ કોટેશ્વર, કૈલાશ ટેકરી, માંગલ્યવન, માનસરોવર, કામાક્ષી મંદિર
  • તાજેતરમાં ગુજરાત સરકારે પવિત્ર યાત્રાધામ અંબાજીના એકીકૃત વિકાસ અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસી સત્તામંડળની રચના કરી છે.

કાયાવરોહણ (વડોદરા)

કાયાવરોહણ (વડોદરા)
  • વડોદરાથી 35 કિમી દૂર આવેલું કાયાવરોહણ શિવજીના 28મા અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થાન છે.
  • લકુલીશજીને પાશુપત સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે.
  • ઈ.સ. 1965માં સ્વામી કૃપાલાનંદજીએ અહીં લીધેલી સમાધિ બાદ આ સ્થળનું નામ “કાયાવરોહણ” પડ્યું.

ગઢડા સ્વામીનારાયણ (બોટાદ)

  • બોટાદ જિલ્લામાં આવેલું સ્વામીનારાયણ સંપ્રદાયનું તીર્થ ગઢડા સ્વામીનારાયણ મંદિર આવેલું છે.
  • અહીં દાદા ખાચરના ઢોલિયા પર બેસીને સહજાનંદ સ્વામીએ ઉપદેશ આપેલો. અહીં સાળંગપુરના હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
  • પ્રમુખ સ્વામી મહારાજનું નિધન અહીં થયું હતું.

શામળાજી મંદિર (અરવલ્લી)

  • અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર વૈષ્ણવોનું મહત્ત્વનું તીર્થસ્થળ છે.
  • આ મંદિરનું બાંધકામ ચાલુક્ય શૈલીમાં થયેલું છે. મંદિરની અતિસુંદર શિલ્પ-સ્થાપત્યયુક્ત રચનાઓમાં ગદાધર વિષ્ણુની મૂર્તિ ખૂબ આકર્ષક છે.
  • મંદિરમાં કાળા સંગેમરમરમાંથી બનાવેલી ચતુર્ભુજ વિષ્ણુપ્રતિમા સ્થાપિત છે. જેથી શ્રદ્ધાળુઓ તેને “કાળિયા ઠાકોર” તરીકે ઓળખે છે. આ મૂર્તિ સમક્ષ કાળા આરસની ગરુડની સુંદર મૂર્તિ છે.
  • સ્થાનિક લોકો દ્વારા ચતુર્ભુજ વિષ્ણુપ્રતિમાને “કળશી છોકરાની મા”ને નામે ઓળખે છે.
  • ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં ચક્રની જગ્યાએ ગદા હોવાથી તેઓ “ગદાધારી વિષ્ણુ” તરીકે પણ ઓળખાય છે.
  • ઉત્તર તરફ મુખ ધરાવતા મંદિરનું પ્રવેશદ્વાર તોરણોવાળું છે તથા મંદિરની બહાર દીવાલો પર ચારેબાજુ દેવીદેવતાઓની મૂર્તિઓ, માનવ-પ્રાણી-ભૌમિતિક ફૂલવેલની આકૃતિઓ કંડારેલી છે.
  • શામળાજીના મંદિર પાસેથી પસાર થતી મેશ્વો નદી પર બંધ બાંધીને શ્યામ સરોવરની રચના કરાયેલી છે. અહીં ગુજરાત સરકાર દ્વારા નિર્મિત “શ્યામલ સાંસ્કૃતિક વન” આવેલું છે.
  • અહીં કારતક પૂર્ણિમાએ યોજાતા શામળાજીના મેળામાં આદિવાસી સમુદાય મોટી સંખ્યામાં જોડાય છે.

ઉમિયા માતાજીનું મંદિર (ઊંઝા)

  • ઊંઝામાં કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયામાતાનું સ્થાનક આવેલું છે.
  • શ્રી ઉમિયા માતાનું વાહન બળદ છે.

ખોડિયાર માતાજીનું મંદિર (કાગવડ)

  • રાજકોટ હાઈવે પર કાગવડ ખાતે લેઉવા પાટીદારોના કુળદેવી શ્રી ખોડિયાર ખાતાનું સ્થાનક (ખોડલધામ) આવેલું છે.
  • શ્રી ખોડિયાર માતાનું વાહન મગર છે.

બહુચરાજી મંદિર (મહેસાણા)

  • દેશમાં કુલ 51 શક્તિપીઠ આવેલાં છે, જેમાં ગુજરાતમાં અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં શક્તિપીઠ આવેલાં છે.
  • બહુચરાજી માતાજીનું ચુંવાળ પંથકમાં ઈ.સ. 1783માં કડીના ગાયકવાડ મહારાજ શ્રી માનાજીરાવ ગાયકવાડે બંધાવ્યું હતું. બહુચરાજી માતાજીનું પ્રાગટ્ય વરખડી વૃક્ષ નીચે થયું છે.
  • ગુજરાતમાં બાળકોને ચૌલકર્મ (પહેલી વાર વાળ ઉતરાવવા) માટે અહીં લાવવામાં આવે છે.
  • મંદિરનું જૂનું સ્થળ શંખલપુર, જે બહુચરાજીથી 5 કિમી દૂર છે.
  • બહુચરાજીમાં “આનંદનો ગરબો” રચનાર વલ્લભ મેવાડાનું વતન છે.
  • નવરાત્રિમાં અહીં મેળો ભરાય છે તથા સંતાનવિહોણી સ્ત્રીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.
  • અહીં કિન્નરોની ગાદી આવેલી છે.

ગોપનાથ (ભાવનગર)

  • તળાજા નજીક સમુદ્રકિનારે 15-16મી સદીમાં બંધાયેલ ગોપનાથ શિવમંદિર આવેલું છે.
  • નરસિંહ મહેતાએ આ સ્થળે જ શિવ આરાધના કરતાં ભગવાન શિવે તેમને કૃષ્ણલીલાનાં દર્શન કરાવ્યાં હતાં.
  • અહીં શ્રાવણી પૂનમે મેળો ભરાય છે.
  • તળાજા નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે.

ખોડિયાર મંદિર (ભાવનગર)

  • રાજપરા ગામ પાસે આવેલું ખોડિયાર માતાનું મંદિર એ સ્થાનિક ગોહિલ રાજવીઓની કુળદેવી છે.
  • અહીં આવેલો “તાંતણિયો ધરો” જાણીતો છે, જ્યાં દુષ્કાળ દરમિયાન પણ પાણી ખૂટતું નથી.

સતાધાર

  • સતાધાર એ જુનાગઢ જિલ્લા ના વિસાવદર તાલુકામાં આવેલું એક તીર્થ સ્થળ છે.
  • સત્તાધાર એ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત આપાગીગાનું સમાધિ સ્થળ છે.

વડનગર

  • વડનગર પ્રાચીનકાળમાં આનર્તપુર, ચમત્કારપુર કે આનંદપુર નામે ઓળખાતું હતું.
  • વડનગરમાં નાગર જ્ઞાતિના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું વિશાળ મંદિર આવેલું છે. તેની ફરતે વિષ્ણુના દશાવતારો અને પૌરાણિક કથાઓની શિલ્પાકૃતિઓ છે.
  • વડનગરની મધ્યમાં શર્મિષ્ઠા તળાવ આવેલું છે. ત્યાંથી થોડે દૂર શામળશાની ચોરી તરીકે ઓળખાતાં બે તોરણો આવેલાં છે.
  • વડનગરમાં 14 મીટરની ઊંચાઈનો કીર્તિસ્તંભ, કુમારપાળે શહેરની ફરતે બંધાવેલો કોટ, અર્જુનબારી દરવાજામાં આવેલો શિલાલેખ, તાનારીરીની સમાધિ, હાટકેશ્વર મહાદેવનું મંદિર, શર્મિષ્ઠા તળાવ વગેરે આ શહેરના ભવ્ય ભૂતકાળની ઝાંખી પ્રસ્તુત કરે છે.
  • ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ મૈત્રકવંશના રાજા ધ્રુવસેન-2ના સમયમાં વડનગરની મુલાકાત લીધી હતી.

રણછોડરાયનું મંદિર (ડાકોર)

  • ખેડા જિલ્લામાં નડિયાદથી લગભગ 40 કિમીના અંતરે આવેલા ડાકોરમાં રણછોડરાયનું ભવ્ય મંદિર આવેલું છે.
  • એક દંતકથા પ્રમાણે બોડાણા નામના કૃષ્ણભક્ત દ્વારકાથી મૂર્તિને ડાકોરમાં લાવ્યા હતા.
  • રણછોડરાયજીના મંદિરના મુખ્ય દ્વારેથી પ્રવેશતાં અંદર મોટો ચોક છે. તેની મધ્યમાં ઓટલા ઉપર શ્રી રણછોડરાયજીની ચતુર્ભુજ સ્વરૂપની મૂર્તિ સાથેનું મંદિર છે.
  • મંદિર બહારના આક્રમણનો ભોગ ના બને એટલે મંદિરનું સ્થાપત્ય એવું પસંદ કરાયેલ છે કે તે દૂરથી મંદિર નહી પણ મસ્જિદ હોય તેવો ભાસ થાય.
  • ડાકોરમાં શરદ પૂનમ (આસૌ સુદ પૂનમ)ના દિવસે “માણેકઠારી પૂનમ”નો મેળો યોજાય છે. અહીં પ્રસિદ્ધ “ગોમતી તળાવ” આવેલું છે. પ્રાચીનકાળમાં ડાકોર ડંકપુર કે ધનકપુરી તરીકે ઓળખાતું હતું.

ગળતેશ્વર (ડાકોર)

  • ડાકોરથી 16 કિમી દૂર મહી અને ગળતી નદીના સંગમ પર ગળતેશ્વર મહાદેવ (સોલંકી યુગ)નું મંદિર આવેલું છે.
  • આ મંદિર શિલ્પોથી સમૃદ્ધ છે. મંદિરની દીવાલો પર દેવો, ગાંધર્વો, ઘોડેસવારો, હાથીસવારો, મનુષ્યજીવનના દરેક પ્રસંગોને લગતાં શિલ્પો કંડારવામાં આવ્યાં છે.
  • ગળતેશ્વર રમણીય પ્રાકૃતિક સ્થાને આવેલ છે.

વડતાલ (આણંદ)

  • વડતાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થરૂપ ભગવાન સ્વામીનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે.
  • સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયમાં વડતાલની ગાદીનું મોટું મહત્ત્વ છે.
  • ઈ.સ. 1824માં સહજાનંદ સ્વામીએ અહીં લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.

અક્ષરધામ (ગાંધીનગર)

અક્ષરધામ (ગાંધીનગર)
  • ઈ.સ. 1991માં બંધાયેલ અક્ષરધામ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનું સૌથી આધુનિક અને વિશાળ મંદિર છે.
  • આ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણની પ્રતિમાની બાજુમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી અને ગોપાલાનંદસ્વામીની પ્રતિમાઓ આવેલી છે.
  • મંદિરના ભોંયતળિયામાં “મહાભારત” અને “રામાયણ”ના વિવિધ પ્રસંગોને લગતાં ચિત્રો અને શિલ્પો તૈયાર કરવામાં આવેલ છે.
  • ઉપરાંત મીરાં, નરસિંહ, તુલસીદાસ, કબીર, પ્રેમાનંદ જેવાં અનેક ભક્તકવિઓની પ્રતિમાઓ છે.

બોચાસણ (ખેડા)

  • ખેડા જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)નું મુખ્ય મથક છે.

માતૃગયા તીર્થસ્થાન (સિદ્ધપુર)

  • સિદ્ધપુર માતૃગયા અથવા માતૃશ્રાદ્ધ કરવા માટેનું મહત્ત્વનું સ્થાન છે.
  • અહીં આવતાં યાત્રાળુઓ સ્વર્ગીય માતાના શ્રાદ્ધની ક્રિયા કપિલમુનિ આશ્રમમાં કરે છે. આ આશ્રમમાં જ્ઞાનવાટિકા, અલ્પા સરોવર અને બિંદુ સરોવર જેવા ત્રણ કુંડ આવેલા છે.
  • એવું માનવામાં આવે છે કે, ભગવાન પરશુરામે પણ પોતાની માતાનું શ્રાદ્ધ અહીં સ્થિત બિંદુ સરોવર પાસે કર્યું હતું.

ચાંદોદ-કરનાળી (વડોદરા)

  • “દક્ષિણના કાશી” તરીકે ઓળખાતું ચાંદોદ-કરનાળી પૌરાણિક સ્થળ છે તથા શ્રદ્ધાળુઓ પિતૃશ્રાદ્ધ માટે અહીં આવે છે.
  • અહીં નર્મદા, ઓરસંગ અને કરજણ નદીઓનો સંગમ થાય છે.

નારેશ્વર (વડોદરા)

  • અહીં નર્મદા નદીને કિનારે શ્રી રંગઅવધૂત મહારાજનો આશ્રમ આવેલો છે.

નારાયણ સરોવર (કચ્છ)

  • કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું નારાયણ સરોવર એ વૈષ્ણવોનું યાત્રાધામ છે.
  • પુરાણોમાં પ્રસિદ્ધ આ તીર્થસ્થાનની ગણના ભારતનાં 5 પ્રસિદ્ધ સરોવરોમાં થાય છે.
  • 68 તીર્થની યાત્રામાં નારાયણ સરોવરનું અગ્રસ્થાન છે. મહારાણી મહાકુંવરબાએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિત્યનારાયણ, રણછોડરાયજી, મહાલક્ષ્મી અને વિજય હનુમાનના મંદિરો બંધાવ્યા હતાં.
  • અહીં મહાપ્રભુ વલ્લભાચાર્યની બેઠક તથા શંકરગુફા, રામગુફા આવેલી છે.
  • નારાયણ સરોવરથી લગભગ બે કિમીના અંતરે સમુદ્રતટે કોટેશ્વરનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

માતાનો મઢ (કચ્છ)

  • માતાનો મઢ એ કચ્છના રાજવીઓનાં કુળદેવી આશાપુરા માતાનું મંદિર છે.
  • અહીંથી મંગળ ગ્રહ પર હોય તેવા પથ્થરોના અવશેષો મળી આવ્યા છે.

કોટયર્ક (ભુજ)

  • કોટાય પાસે આવેલ કોટયર્કમાં કાઠીઓએ બંધાવેલું સૂર્યમંદિર અને શિવમંદિરના અવશેષો છે.
  • આ પ્રાચીન મંદિરોમાં ભારતની ઉત્કૃષ્ટ શિલ્પ – સ્થાપત્યકળાના નમૂના છે.

લખપત (કચ્છ)

  • લખપતમાં ગુરુનાનકની યાદમાં શીખોનું પવિત્ર ગુરુદ્વારા આવેલું છે.
  • ગુરુનાનકે આ સ્થળનો પ્રવાસ કર્યો હતો આથી તેની સ્મૃતિમાં આ ગુરુદ્વારાનું નિર્માણ કરાયું છે.
  • આ ગુરુદ્વારાને “પાતાશાહી ગુરુદ્વારા” પણ કહે છે.

ભૃગુ આશ્રમ (ભરૂચ)

  • ભરૂચ નજીક નર્મદાકાંઠે ઝાડેશ્વર દરવાજા બહાર ભૃગુ ઋષિનો આશ્રમ છે.
  • એમ મનાય છે કે, ભૃગુ ઋષિ અહીં વસ્યા હતા. આથી આ ક્ષેત્રનું નામ ભરૂચ પડ્યું.
  • નર્મદાના કાંઠે કુમારપાળે બંધાવેલો કોટ જે ભરૂચનો કિલ્લો હતો, તે આજેય અડીખમ છે. આથી જ “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ” કહેવત પ્રચલિત બની છે.

નડેશ્વરી માતા (બનાસકાંઠા)

  • બનાસકાંઠામાં વાવ પાસે આવેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલ છે.
  • જ્યાં સરહદની સુરક્ષા માટે સ્થાનિક અને BSF જવાનો નડેશ્વરી માતાની પૂજા-અર્ચના કરે છે.
  • નળાબેટ ખાતે BSF દ્વારા સીમાદર્શન કાર્યક્રમ યોજાય છે.

ખેડબ્રહ્મા (સાબરકાંઠા)

  • ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે.
  • ભારતમાં બ્રહ્માજીના માત્ર બે જ મંદિરો આવેલાં છે : પુષ્કર (રાજસ્થાન) અને ખેડબ્રહ્મા (ગુજરાત)
  • ખેડબ્રહ્મામાં બ્રહ્માજી સિવાય અંબાજી માતાનું મંદિર આવેલું હોવાથી તે “નાના અંબાજી” તરીકે પણ ઓળખાય છે.

જાણવા જેવું

  • બોલુન્દ્ર (સાબરકાંઠા)માં શિવના અવતાર તરીકે પૂજાતા કાળભૈરવનું ગુજરાતનું એકમાત્ર શિખરવાળું ઐતિહાસિક મંદિર આવેલું છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!