Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso – ગુજરાતના પુરાતત્વીય સ્થળો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

ગુજરાતના પુરાતત્વીય સ્થળો

ગુજરાતના પુરાતત્વીય સ્થળો / ગુજરાતના પુરાતાત્વિક સ્થળો

આ પોસ્ટમાં આજે આપણે ગુજરાતમાં આવેલ પુરાતત્વીય સ્થળોનો વિગતવાર અભ્યાસ કરીશું.

સુદર્શન તળાવ

  • મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. તે સમયે સૌરાષ્ટ્રની રાજધાની ગિરનાર (ગિરિનગર) હતી.
  • પુષ્યગુપ્ત વૈશ્યએ ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણસિકતા (સોનરેખા) અને પલાસિની નદીઓના સંગમ આગળ બંધ બાંધ્યો હતો અને તેનાથી રચાયેલ સરોવર “સુદર્શન તળાવ” તરીકે ઓળખાયું.
  • સમ્રાટ અશોકના સૌરાષ્ટ્રના સૂબા તુષાસ્ફે / યવનરાજે ખેતીવાડીને પ્રોત્સાહન આપવા આ તળાવમાંથી નહેરોનું નિર્માણ કરાવ્યું.
  • ગુજરાતના શક-ક્ષત્રપ રાજવી રુદ્રદામાના સમયમાં બંધ તૂટી જવાથી તેના સૂબા સુવિશાખે સ્વખર્ચે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું.
  • ગુપ્તશાસક સ્કંદગુપ્તના સૂબા પર્ણદત્તના પુત્ર ચક્રપાણિતે સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવી વધુ મોટા અને સુંદર તળાવની રચના કરી અને તેને કાંઠે “ચક્રધારી વિષ્ણુ”નું મંદિર બંધાવ્યું.
સુદર્શન તળાવ

શિલાલેખ

  • સૌરાષ્ટ્રમાં ગિરનારની તળેટીમાં શિલાલેખો આવેલ છે દામોદર કુંડ પાસે મૌર્ય સમ્રાટ અશોક તથા રુદ્રદામા અને સ્કંદગુપ્તે પણ શિલાલેખ કોતરાવેલ છે.
  • સમ્રાટ અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પાલિ ભાષામાં છે તથા તેમાં 14 ધર્માજ્ઞાઓ કોતરવામાં આવી છે.
  • અશોકના શિલાલેખમાં તેનું સંબોધન “દેવનામ પ્રિયદર્શી” રાજા તરીકે થયેલ છે.
  • અહીં આવેલા રુદ્રદામાનો શિલાલેખ સંસ્કૃત ભાષામાં ઉત્કીર્ણ ભારતનો સૌપ્રથમ શિલાલેખ છે.
  • સ્કંદગુપ્તના શિલાલેખમાંથી સુદર્શન તળાવ વિશેની માહિતી મળે છે.
  • આ શિલાલેખોની સૌપ્રથમ શોધ જેમ્સ ટોડ દ્વારા (ઈ.સ. 1822) કરાઈ હતી તથા ઈ.સ. 1838માં જેમ્સ પ્રિન્સેપે તેની લિપિ ઉકેલી હતી. આ લિપિને સંપૂર્ણ રીતે ઉકેલનાર પંડિત ડો. ભગવાનલાલ ઈન્દ્રજી હતા.

પિંડારા મંદિર સમૂહ

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પિંડારા મંદિર સમૂહ આવેલો છે, જેને સ્થાનિકો દુર્વાસા ઋષિ આશ્રમ તરીકે ઓળખે છે.
  • નાગર અને મહા-ગુર્જર સ્થાપત્યશૈલીમાં બનેલા આ મંદિરો મૈત્રક – સૈંધવ સમય ગાળા (7-10 મી સદી)ના હોવાનું મનાય છે.
  • આ મંદિરમાં ફ્રાંસના (પિરામિડ આકારનું શિખર) શૈલીમાં બનેલું છે. અહીંથી મોટી સંખ્યામાં શિલ્પો અને સૈંધવકાલીન સિક્કા મળી આવ્યા છે. મંદિરમાનું સૌથી પ્રસિદ્ધ શિલ્પ શિવ અને પાર્વતીનું લગ્ન દર્શાવતું પટ્ટી શિલ્પ છે.
  • મંદિરો પૂર્વ અને પશ્ચિમ મુખી છે તથા મંદિરના ગર્ભગૃહની ફરતે છતવાળો અને દીવાલોવાળો પરિક્રમા માર્ગ છે.

ગોપ મંદિર

  • વર્તમાન જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં મૈત્રકકાલીન ભગવાન શિવજીનું આ મંદિર આવેલું છે.
  • આ મંદિર ભારતના પથ્થરમાંથી બનેલાં સૌથી જૂના મંદિરોમાંનું એક છે.આ મંદિરનિર્માણમાં પથ્થરોને જોડવા માટે કોઈ સામગ્રી વપરાઈ નથી. આ મંદિર બે આંગણા ધરાવે છે.
  • તે મંદિર નિર્માણની “નાગર શૈલી”માં બનેલ છે. તેના પર ગાંધાર સ્થાપત્યકળાનો પ્રભાવ પણ જોવા મળે છે.
  • આ મંદિર “બરડાની ગોપ” તરીકે ઓળખાતી ટેકરી પર આવેલું હોવાથી તેને ગોપ મંદિર કહે છે.

લાંઘણજ

  • ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ લાંઘણજ ખાતેથી પાષાણયુગની ત્રણેય અવસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે.
  • સૌપ્રથમ આ સ્થળેથી રોબર્ટ બ્રુસફૂટ નામના ભૂસ્તરશાસ્ત્રીએ પ્રાગઐતિહાસિક કાળના અવશેષો શોધ્યા હતા.
  • અહીંથી ઉત્ખનન દરમિયાન માનવ કબરો અને દટાયેલા હાડપિંજરો મળી આવ્યા છે.
  • ઉપરાંત મત્સ્યપ્રવૃત્તિને લગતા સાધનો અને કૃષિકાર્યને લગતા ઓજારો પણ મળી આવ્યા છે.

ગોહિલવાડનો ટીંબો

  • અમરેલી જિલ્લામાં આવેલ આ ટીંબો ઈ.સ.ની શરૂઆતની સદીઓમાં અસ્તિત્વમાં આવેલ છે.
  • અહીંથી ઉત્ખનન દરમિયાન ઈંટોના ચણતરવાળી દીવાલો, શંખની બંગડીઓ, આભૂષણો વગેરે અવશેષો પ્રાપ્ત થયા છે.
  • ઉપરાંત રોમનકાળશૈલીનો પ્રભાવ ધરાવતી પકવેલી માટીની મૂર્તિઓ, પથ્થરની ઘંટી, માટીના વાસણો જેવી પુરાતન વસ્તુઓ પણ મળી આવી છે.

શાણા વાંકીયાની ગુફાઓ

  • ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકીયા ગામે આ પૌરાણિક ગુફાઓ આવેલી છે. એક દંતકથા પ્રમાણે પાંડવોએ વનવાસ દરમિયાન આ સ્થળની મુલાકાત લીધી હતી. જેની સાક્ષીરૂપે અહીં ભીમની ચોરી જોવા મળે છે.
  • બૌદ્ધ ભિક્ષુઓએ પણ આ ગુફાઓમાં તપસાધના કરી હોવાનું મનાય છે.
  • અહીં રબારી સમાજના ચાર મઢવાળા માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. પુરાતત્ત્વ ખાતાએ આ ડુંગરને રક્ષિત જાહેર કર્યો છે.

દેવની મોરી

  • “દેવની મોરી” નો શાબ્દીક અર્થ “ભગવાનની સન્મુખ (ભગવાન સમક્ષ મોં રાખવું)” થાય છે.
  • અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળોથી બૌદ્ધ સ્તૂપ અને વિહારોના અવશેષો મળી આવ્યા છે.
  • ઈ.સ. 3જી સદી દરમિયાન આ સ્થળ બૌદ્ધ ધર્મનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું. અહીંથી માટીના વાસણો, ક્ષત્રપકાલીન સિક્કાઓ, બુદ્ધની ધ્યાન મુદ્રામાં મૂર્તિઓ ઉપરાંત અન્ય કલાત્મક શિલ્પો મળી આવ્યા છે.

વડનગર

  • વડનગર એ નાગર બ્રાહ્મણોનું આદ્યસ્થાન ગણાય છે. અહીંથી જ નાગરો વિવિધ સ્થળોએ વિસ્તર્યાં.
  • તે એક સાંસ્કૃતિ, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય નગર છે.
  • પ્રાચીનકાળમાં ગુજરાત “આનર્તપ્રદેશ” તરીકે ઓળખાતો હતો ત્યારે તેની રાજધાની વડનગર હતી. જે “આનંતપુર” તરીકે ઓળખાતી હતી.
  • વડનગરને આનંદપુર, ચમત્કારપુર, યુદ્ધનગર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ નગર તેની સમૃદ્ધ સ્થાપત્યકળા, સંગીત-નૃત્યકળા માટે જાણીતું છે.
  • ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે પણ વડનગરની મુલાકાત લીધી હતી તથા પોતાના પ્રવાસગ્રંથમાં આ સ્થળ વિશે માહિતી આપી છે.
  • અહીં આવેલા મુખ્ય સ્થાપત્યોમાં કીર્તિતોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, બૌદ્ધધર્મ સંબંધિત અવશેષો, તાનારીરી સમાધિ સ્થળનો સમાવેશ થાય છે.
  • કીર્તિતોરણ સોલંકીકાલીન સ્થાપત્ય છે. આ તોરણો પીળા પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. જેના પર ઉત્તમ પ્રકારનું બારીક કોતરણીકામ કરવામાં આવ્યું છે. થાંભલાઓ સુંદર ફૂલ, છોડ, વેલની કોતરણીથી શોભાવાય છે. કીર્તિતોરણનું શિલ્પકામ અને સજાવટ સિદ્ધપુરના રુદ્રમહાલયની કોતરણીને મળતા આવે છે. આ તોરણો ગુજરાતની સંસ્કૃતિના પ્રતિક સમાન છે.
  • કીર્તિતોરણને શામળશાની ચોરી નામે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે નરસિંહ મહેતાના પુત્ર શામળદાસના લગ્ન અહીં થયા હતા અને આ તેમના લગ્નની ચોરીઓ છે.
  • વડનગરની મધ્યમાં શર્મિષ્ઠા તળાવ આવેલું છે. આ તળાવ અનેક ઓવારાવાળું અને પથ્થરબંધ છે. આ પથ્થરો સુંદર કોતરણીકામ ધરાવે છે. ભૂતકાળમાં આ તળાવની ફરતે સુંદર મહાલયો અને દેવાલયો આવેલા હતા. આજે ફક્ત તેના અવશેષો જોવા મળે છે.
  • અહીં નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન હાટકેશ્વરનું મંદિર આવેલું છે. આ મંદિરમાં નવગ્રહો, હિંદુ દેવી-દેવતાઓ, રામાયણ અને મહાભારતનાં પ્રેરકપ્રસંગો, પશુ-પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે.
  • સોલંકીરાજા કુમારપાળના સમયમાં વડનગરની ફરતે કોટ તથા નગરમાં પ્રવેશવા માટે દરવાજાઓનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં અર્જુનબારી દરવાજો ઉલ્લેખનીય છે.
  • અર્જુનબારી દરવાજામાં એક શિલાલેખ આવેલો છે જેમાં વડનગરની ઐતિહાસિક ભવ્યતાનું વર્ણન મળી આવે છે.
  • અહીંના આમથેર દરવાજા પાસે આમથેર (અંબાજી માતાના મંદિર સહિત કુલ પાંચ મંદિર) મંદિર સમૂહ આવેલ છે. આ મંદિર સમૂહ સોલંકીકાળના શિલ્પ-સ્થાપત્યના મહત્ત્વના નમૂના છે.
  • વર્તમાનમાં પણ વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનન અને સંશોધનકાર્ય દરમિયાન મળી આવતી બુદ્ધની મૂર્તિઓ, વાસણો, સિક્કા વગેરે આ શહેરની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્ત્વીય ઉપલબ્ધિઓની સાક્ષી પૂરે છે.

તોરણ સ્થાપત્ય

  • તોરણ સ્થાપત્યએ પ્રાચીનકાળમાં પ્રવેશમાર્ગ નિર્ધારિત કરવાના હેતુથી સર્જાયા હતા. શરૂઆતમાં આવાં તોરણો લાકડામાંથી બનાવવાની પ્રથા હતી. આગળ જતાં પથ્થરમાંથી બનાવવામાં આવતાં.
  • પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણો બનતાં.
  • હિન્દુ સ્થાપત્યમાં પ્રવેશદ્વાર ઉપરાંત વિજયની સ્મૃતિમાં પણ તોરણ બનાવવામાં આવતા.

જાણવા જેવું

  • ગુજરાતના 14માં મુખ્યમંત્રી અને ભારતના 15માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નો જન્મ વડનગરમાં થયો હતો.
  • ગુજરાતના પુરાતત્વો વિશેનું પ્રથમ પુસ્તક “The Archaeology of Gujarat”ના લેખક હસમુખ સાંકળિયા છે કે જે પદ્મ ભૂષણ પુરસ્કાર થી સન્માનિત છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!