Gujaratni Hastshilpkala – Handicrafts of Gujarat

ગુજરાતની હસ્તશિલ્પકળા / Handicrafts of Gujarat

અજરખ બ્લોક પ્રિન્ટિંગ :

• અજરખનો શાબ્દિક અર્થ “આજે જ રાખો” થાય છે.
• એ તે કાપડ પર રંગકામ અને છાપકામની એક કળા છે જે કચ્છના ખત્રી સમુદાય દ્વારા સંરક્ષિત છે.
• આ લાકડાના બ્લોક પ્રિન્ટિંગમાં પ્રતિરોધ મુજબ (Resist Printing)ની પદ્ધતિ દ્વારા કાપડની બંને બાજુ બ્લોક પ્રિન્ટ કરવામાં આવે છે. તેના માટે કોતરણીકામ ધરાવતા લાકડાના બ્લોકનો ઉપયોગ થાય છે.
• કાપડ પર બેવડી પેટર્ન બનાવવા માટે બંને બાજુ અલગ-અલગ બ્લોકનો ઉપયોગ થાય છે.
• આ કળામાં રંગકામ માટે કુદરતી રંગોનો ઉપયોગ થાય છે. ઉદા. ગળી, દામડના બીજ, ધાવડીના ફૂલ વગેરે
• તેમાં જટિલ ભૌમિતિક આકૃત્તિઓ અને ફૂલોની છાપ પાડવામાં આવે છે.
• અજરખ બ્લોક પ્રિન્ટિંગમાં કાપડને રંગવાનું અને છાપકામ 14 થી 16 અલગ અલગ ચરણમાં પૂરું થાય છે. આ સમગ્ર કાર્ય પૂરું થવામાં 14-21 દિવસ થાય છે. આ રીતે તૈયાર થયેલ કાપડ ખૂબ મુલાયમ અને આંખોને પ્રસન્ન કરનારું હોય છે.
• હેન્ડબ્લોક પ્રિન્ટિંગથી સાડી, દુપટ્ટા, ડ્રેસ, કુર્તી શર્ટ, તક્રિયા કવર, પડદા જેવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.

અજરખ બ્લોક પ્રિન્ટીંગ

સૌદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર :

• સૌદાગીરી એ ગુજરાતની એક પરંપરાગત હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ કળા છે.
• આ કળાથી તૈયાર થતુ વસ્ત્ર 20મી સદીમાં અમદાવાદથી દક્ષિણ એશિયા (ખાસ કરીને થાઇલેન્ડ)માં નિકાસ કરવામાં આવતુ હતું.
• આ પરંપરાગત કળાથી તૈયાર થતા વસ્ત્ર પર થાઇલેન્ડની મંદિર સ્થાપત્યકળ અને ગુજરાતમાં મુઘલકાલીન સ્થાપત્યકળાના જાળીકામનો પ્રભાવ જોવા મળે છે. જેમાં ગ્રીક આધારિત જટિલ ડિઝાઇનો બ્લોક પ્રિન્ટ કરવામાં આવે છે.
• તેમાં ફુલ, પશુ અને ભૌમિતિક આકૃતિઓની છાપ બનાવાય છે. હાલમાં આ કળા લુપ્ત થવાની સ્થિતિમાં છે.
• સૌદાગીરી બ્લોક પ્રિન્ટ કળાને અમદાવાદ નજીકના લીમડા ખાતેના એકમાત્ર વ્યકિત દ્વારા પુનર્જિવિત કરવાની કોશિશો થઇ રહી છે.


રોગન કળા :

• તે કપડા પર કરવામાં આવતી એકજાતની ચિત્રાંકિત કળા છે.
• “રોગન” નો પર્શિયન ભાષમાં અર્થ “તેલ” થાય છે.
• એવું માનવામાં આવે છે કે આ કળાનો ઉદભવ 300 વર્ષ પહેલા પર્શિયા ( ઈરાન )માં થયો હતો અને તેનો પરંપરાગત રીતે ઉપયોગ લગ્ન સમારંભમાં સજાવટ માટે કરવામાં આવતો હતો.
• રોગન કળામાં એરંડિયાના તેલને એક વાસણમાં ગરમ કરવામાં આવે છે ત્યારબાદ તેને ઠંડુ કરવામાં આવે છે. તેને ઠંડા પાણીમાં મિશ્ર કરીને ગુંદર જેવી એક પેસ્ટ (ડાઇ) તૈયાર કરવામાં આવે છે. જેને “રોગન” કહે છે.
• આ રોગનકળામાં લાકડાની પાતળી સળીની મદદથી કાપડ પર ફૂલો, ભૌમિતિક આકૃતિઓ વગેરે ભાત પાડવામાં આવે છે.
• હાલમાં આ કળાને ફક્ત કચ્છના “નિરોણા” ગામના ખત્રી પરિવાર દ્વારા સંરક્ષિત કરાઈ છે.
• વડા પ્રધાન મોદીએ તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાની ભારત મુલાકાત વખતે તેમને રોંગન કળાની તૈયાર થયેલ હસ્તશિલ્પ ભેટમાં આપ્યું હતું.
• રોગન કળાને સુરક્ષિત રાખવાનો શ્રેય કચ્છના ખત્રી પરિવારના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અબ્દુલ ગફુર ખત્રી ને મળે છે.

રોગન કળા

બેલા પ્રિન્ટિંગ :

• કચ્છ તેના બેલા-સ્ટાઈલના કપડાં બનાવવા માટે પ્રખ્યાત છે.
• તેમાં સફેદ રંગની પૃષ્ઠભૂમિ ધરાવતા કાપડ પર રંગીન પ્રિન્ટેડ બ્લોકની મદદથી છાપ પાડવામાં આવે છે.
• બેલા પ્રિન્ટમાં મોટાભાગે કાળા અને લાલ રંગનો જ ઉપયોગ થાય છે.
• આ પ્રકારે તૈયાર થતા કાપડ પરની ડિઝાઇન લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

બેલા પ્રિન્ટિંગ

નામદા (નમુદા) આર્ટ :

• કચ્છની કાપડ પરની નામદા હસ્તકળા પ્રચલિત છે. તે એક પ્રકારનું વણાટકામ છે.
• તેમાં ઘેટાં કે બકરાંના ઊનમાંથી વણાટકામ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર રંગીન અને જટીલ ડિઝાઈન ધરાવતું ભરતકામ કરવામાં આવે છે.
• આ કળા સાથે કચ્છના પિંજારા અને મન્સૂરી સમુદાય સંકળાયેલા છે. નામદા આર્ટ થકી ગરમ વસ્ત્રો, ચટ્ટાઈ, ગાલીચા, ગૃહસુશોભનની ચીજવસ્તુઓ બનાવાય છે.
• સ્થાનિક વણજારા સમુદાયોમાં ઘોડાઓ અને ઊંટ માટે કઠણ ધાબળા બનાવવા માટે નામદા કળાનો ઉપયોગ થાય છે તથા મુસ્લિમ સમુદાયમાં નમાજ પઢવા માટે પાથરવામાં આવતા કાપડ ‘મુસલ્લાહ’ ની બનાવટમાં પણ નામદા કળાનો ઉપયોગ થાય છે.
• આ કળા, ‘ખરડવણાટ કળા’ તરીકે પણ ઓળખાય છે.


જાણવા જેવું :

• નામદા કળા, ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં પણ પ્રચલિત છે.
• તાજેતરમાં ‘નામદા હેન્ડીક્રાફ્ટ'(કાશ્મીર) ના સ્થાપક આરિફા જાનને નારીશક્તિ પુરસ્કાર એનાયત થયો.

નામદા (નામુદા) આર્ટ

માતાજીની પછેડી :

• મધ્યકાળમાં શક્તિ સંપ્રદાયની લોકદેવીઓ (ઉદા, ખોડિયારમાં, મેલડીમાં, શિકોતરમાં વગેરેના મઢ કે ઓરડાની ભીંતોના સુશોભન માટે ચિત્રિત વેષ્ટનપટ શરૂઆત થઈ હતી. • હાલમાં અમદાવાદના ખાનપુર અને વાસણા વિસ્તારમાં તથા વિરમગામ અને ખાખરિયા ટપ્પાના દેવીપૂજકો દ્વારા માતાજીની પછેડી તૈયાર કરવામાં આવે છે.
• માતાજીની પછેડી તૈયાર કરવા માટે એના સિતારાઓ માદર પાટ (એક પ્રકારનું જાડુ કાપડ) પર વચ્ચે માતાજીનું ચિત્ર દોરે છે. ત્યારબાદ આ ચિત્રની આજુબાજુની જગ્યા ભરવા માટે રામાયણ-મહાભારતના કથાનકો, રાધાકૃષ્ણની રાસલીલા, ઘોડેસવાર, રાજાની સવારી, પશુપ્રાણીઓ સૃષ્ટિ વગેરેનું ચિત્રણ કરવામાં આવે છે.

માતાજીની પછેડી

સુજની :

• ભરૂચ શહેરની રૂની રજાઇ ભરવાની એક પરંપરાગત હસ્તકળા એટલે “સુજની”
• ભરૂચની આસપાસના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા કપાસનું ઉત્પાદન થાય છે. આથી કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે.
• ભરૂચમાં સુજની કળાનો વિકાસ અંગ્રેજોના શાસનકાળ (18મી-19મી સદી)માં થયો હોવાનું મનાય છે.
• સુજનીએ રેશમના કે સુતરના દોરાથી તાણાવાણાના તાંતણે કરાયેલી નકશીદાર કામગીરી છે.
• સુજની કળાથી એક્પણ ટાંકો લીધા વગર ફની રજાઇ તૈયાર કરવામાં આવે છે. આ રજાઇ પર ધાર્મિક પ્રસંગો અને લોકવાર્તાના ચિત્રો આલેખ્યા હોય છે.
• આ પ્રકારે તૈયાર થતી રજાઇ (ગોદડી) નો ઉપયોગ ધાર્મિક-સામાજિક પ્રસંગો પર કરવામાં આવે છે.

સુજની

બાંધણી :

• ગુજરાત તેની કલાત્મક અને રંગીન બાંધણીઓ માટે વિશ્વભરમાં જાણીતું છે.
• મલમલના સુતરાઉ કાપડમાંથી બાંધણી બનાવવામાં આવે છે.
• ગુજરાતમાં લગ્નપ્રસંગે નવવધુ દ્વારા પહેરાતા ‘ઘરચોળા’ માં બાંધણી નો ઉપયોગ થાય છે.
• ગુજરાતમાં ભુજ, માંડવી અને જામનગરની બાંધણી વખણાય છે.
• બાંધણીમાં કરવામાં આવતા જરીકામને ‘બંધેજ’ કહે છે.

બાંધણી

મશરૂ કળા :

• આ પ્રકારના કાપડની બનાવટમાં કૃત્રિમ રેશમનો તાણો અને સુતરનો વાણો વપરાય છે.
• જેમાં કાપડની બહારની બાજુએ રેશમના દોરાથી અને શરીરને અડકતા કાપડની અંદરની બાજુએ સુતરાઉ દોરાનો ઉપયોગ થાય છે.
• મશરૂના વણાટકામમાં સોનેરી, લાલ, પીળો, લીલો જેવા રંગોનો ઉપયોગ થાય છે.
• હાલમાં મશરૂ કાપડ પાટણના ખત્રી તેમજ શેખ મુસ્લિમ કારીગરો અને મહેસાણાના ઊંઝા તાલુકાના પટેલો દ્વારા તૈયાર કરવામાં આવે છે.
• ધાર્મિક દ્રષ્ટિએ વપરાતા મશરૂનો હાલમાં ફેશન ક્ષેત્રે પણ ઉપયોગ વધી રહ્યો છે.
• કંકણી, કમખી, કંટારિયો, સોદાગરી અને અરબી વગેરે મશરૂની પ્રચલિત ડિઝાઇનો છે.


પટોળા :

• ગુજરાતનું પાટણ શહેર તેના પટોળા માટે જાણીતું છે.
• તે એક પ્રકારની વિશિષ્ટ સાડી કે ઓઢણી છે.
• પટોળાની બનાવટમા ‘બેવડી ઈક્ત શૈલી’નો ઉપયોગ થાય છે.
• તેમાં બંને બાજુ ગૂંથણ કરવામાં આવે છે. તેની સુંદરતા માટે ભરતકામમાં રેશમ અને સુતરાઉ દોરાથી ભૌમિતિક આકૃતિઓ અને પશુ-પક્ષીની વિશિષ્ટ ભાત તૈયાર કરાય છે.
• પટોળાની એક સાડી તૈયાર કરવામાં 4થી 6 મહિના જેટલો સમય લાગે છે. પટોળાને બંને બાજુથી પહેરી શકાય છે.
• પટોળાનું કાપડ મજબૂત અને તેના પર તૈયાર કરેલી ભાત ખૂબ સુંદર અને ટકાઉ હોય છે. આથી જ કહેવત પડી છે કે “પડી પટોડે ભાત ફટે પણ ફિટે નહિ”.


જાણવા જેવું :

• પટોળા બનાવવાની શરૂઆત સોલંકી યુગમાં કુમારપાળના સમયમાં થઇ હતી.
• આ કળા GI (જ્યોગ્રાફિકસ ઇન્ડિકેશન) ટેગ ધરાવે છે.
• હાલમાં ફક્ત કસ્તુરચંદનો પરિવાર અને શાળવી-કુટુંબો આ વ્યવસાયને સંરક્ષિત કરી રહ્યા છે.શાળવીઓએ મહારાષ્ટ્રના સાલ્વી જ્ઞાતિ સાથે સંબંધિત છે.
• “નારીકુંજ” એ પટોળામાં બનતી ભાતનું નામ છે.

પટોળા

ટાંગલિયા શાલ :

• તે ગુજરાતની અનુસૂચિત જાતિ ડાંગસિયા સમુદાય દ્વારા બનાવાતી હાથવણાટની શાલ છે. તે GI ટેગ ધરાવે છે.
• આ 700 વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે.
• આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ઘુંસળુ અને લોબડી જેવા હાથવણાટનાં વસ્ત્રો બનાવવામાં આવે છે. ભા
• આ વણાટની ખાસિયત ઉપસેલા ટપકાંઓની ભાત છે. ઉપરાંત બીજી ભૌમિતિક આકૃતિઓ
• હાલમાં આ વણાટનો ઉપયોગ દુપટ્ટા, પોશાક અને ઘર વપરાશની ચીજવસ્તુઓમાં પણ થાય છે.


જરીકામ :

• મુઘલકાળથી જ ગુજરાત (ખાસ કરીને સુરત) નું જરીકામ વિશ્વભરમાં જાણીતું છે.
• જરી એ ચાંદી તથા સોનાના તારના રૂપમાં બનાવવામાં આવે છે તેને ગૂંથણકળા દ્વારા કિંમતી વસ્ત્રોમાં ગૂંથવામાં આવે છે.
• ‘સલમા’, ‘રાક’, ‘તીકી’, ‘કટોરી” વગેરે જરીકામના પ્રચલિત પ્રકાર છે.
• ઘરચોળા અને પાનેતરમાં ખાસ જરીકામ કરવામાં આવે છે.
• ગુજરાતમાં ધોરાજી (રાજકોટ), સુરત, અમદાવાદ, જામનગર જરીકામ માટેના જાણીતા સ્થળો છે.


કિનખાબ :

• તે સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું એક રેશમી કાપડ છે.
• અંગ્રેજોના શાસનમાં અમદાવાદમાં બનતું બુટ્ટા અને કુલવેલની ભાતવાળું કિનખાબની યુરોપમાં ખૂબ માંગ હતી.
• હાલમાં ઉપેરા (મહેસાણા), નારદીપુર અને રીદ્રોલ (ગાંધીનગર), અમદાવાદ, પાટણ, ખંભાત (આણંદ)નું કિનખાબ જાણીતું છે.


અકીકકામ :

• અકીક એક પ્રકારના રંગીન પથ્થર હોય છે. સમગ્ર ભારતમાં અકીકનું એકમાત્ર ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
• અકીકનો સૌથી વધુ જથ્થો ભરૂચ, કચ્છ અને ભાવનગર જિલ્લામાંથી મળી આવે છે.
• ખંભાત અને જામનગરમાં અકીક પર પાલિશ કરવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
• અકીકનો ઉપયોગ શૃંગારના સાધનો બનાવવા ઉપરાંત ઘર-સજાવટ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ થાય છે.


બીડવર્ક :

• ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ખંભાતમાં પુરુષો દ્વારા પહેરાતા કેડીયામાં બીડવર્કનું કામ જોવા મળે છે.
• બીડવર્કથી તૈયાર થતું કેડિયું એ કલાત્મક ગૂંથણ અને નયનરમ્ય ભરતકામનો સુમેળ ધરાવે છે.
• સૌથી સારું કેડિયું “કાથીસ” દ્વારા બનાવવામાં આવે છે. બીડવર્ક દ્વારા દીવાલો, બારણા, કુંડાઓને પણ શણગારવામાં આવે છે.


રંગાટીકામ :

• કાપડ પર કરાતા રંગકામનો ઉધોગ ગુજરાતમાં સારો વિકસ્યો છે.
• જેતપુર (રાજકોટ) સાડીઓના રંગકામ માટે જાણીતું છે. જેના માટે ભાદર નદીના પાણીનો ઉપયોગ થાય છે.
• કચ્છના ભૂજ, અંજાર, માંડવીમાં ઓઢણી, સાડી, ચાદર, રૂમાલ, સાફા રંગકામ કરવામાં આવે છે.
• ઉપરાંત ગોંડલ, બગસરા (અમરેલી), વલસાડ, જામનગરમાં પણ રંગકામનો ઉદ્યોગ વિકસ્યો છે.


તણછાંઈ :

• તે સુરતના રેશમી કાપડની વિશેષતા છે.
• તેમાં રેશમી કાપડ પર પ્રાણીઓ ( સિંહ, હાથી, વાઘ વગેરે ) ની છાપ ઉપસાવીને તૈયાર કરવામાં આવે છે.


• આ પોસ્ટમાં ક્યાંય પણ ટાઈપિંગ ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.

– Education Vala


Leave a Comment

error: Content is protected !!