એકતંત્રી ન્યાય પ્રણાલીકામાં સુપ્રીમ કોર્ટ પછી રાજ્ય સ્તરે હાઈકોર્ટ (વડી અદાલત) આવેલી હોય છે. વડી અદાલત, સુપ્રીમ કોર્ટથી નીચે અને તાબાની અદાલતોથી ઉપરની સ્થિતિએ હોય છે. રાજ્ય કક્ષાએ વડી અદાલતનું મહત્ત્વ વિશેષ છે. દેશના દરેક નાગરિકો માટે સુપ્રીમ કોર્ટની પહોંચ સરળ બનતી નથી, તેના સ્થાને હાઈકોર્ટ સુધીની પહોંચ વધુ સરળ બને છે.
ભારતમાં સૌથી જૂની હાઈકોર્ટ કલકત્તા હાઈકોર્ટ છે, જેની સ્થાપના 2 જુલાઈ, 1862ના રોજ ઈન્ડિયન હાઈકોર્ટ એક્ટ, 1861 અંતર્ગત કરવામાં આવી. આ અધિનિયમ અંતર્ગત મુંબઈ અને મદ્રાસ ખાતે હાઈકોર્ટની રચના કરવામાં આવી હતી.
ચોથી હાઈકોર્ટ તરીકે અલ્લાહાબાદ (પ્રયાગરાજ) હાઈકોર્ટની રચના 17 માર્ચ, 1866ના રોજ કરવામાં આવી અલ્લાહાબાદ (પ્રયાગરાજ) હાઈકોર્ટ ભારતની સૌથી મોટી હાઈકોર્ટ છે.
હાલમાં દેશમાં 25 હાઈકોર્ટ આવેલી છે. વર્ષ 2013માં મણિપુર, મેઘાલય અને ત્રિપુરા માટે હાઈકોર્ટની રચના થતા હાઈકોર્ટની સંખ્યા 24 થઈ હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 2019ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્ય માટે હાઈકોર્ટની રચના થતા કુલ સંખ્યા 25 થઈ.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી પાસે પોતાની હાઈકોર્ટ છે, જેની રચના 1966માં થઈ, જમ્મુ-કાશ્મીરની હાઈકોર્ટ અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને કેન્દ્રશાસિત પ્રદેશોના ન્યાયિક અધિકારક્ષેત્રનો સમાવેશ થાય છે.
પંજાબ અને હરિયાણા વચ્ચે સંયુક્ત હાઈકોર્ટ આવેલી છે, જે ચંદીગઢ ખાતે છે.
આસામના ગૌહાટી ખાતે આવેલ હાઈકોર્ટ આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યનું ન્યાયિક અધિકારક્ષેત્ર ધરાવે છે.
ગુજરાત હાઈકોર્ટની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી, જે અમદાવાદ ખાતે સ્થિત છે.
બંધારણના ભાગ-6માં અનુચ્છેદ 214થી 231માં હાઈકોર્ટ સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે.
અનુચ્છેદ 226 : અમુક રિટ કાઢવાની ઉચ્ચ ન્યાયલયોની સત્તા
અનુચ્છેદ 227 : તમામ ન્યાયાલયો ઉપર દેખરેખ રાખવાની ઉચ્ચ ન્યાયાલયની સત્તા
અનુચ્છેદ 228 : ઉચ્ચ ન્યાયાલયને અમુક કેસો તબદીલ કરવા બાબત
અનુચ્છેદ 229 : ઉચ્ચ ન્યાયાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ અને તેનું ખર્ચ
અનુચ્છેદ 230 : સંઘ રાજ્યક્ષેત્રો સુધી ઉચ્ચ ન્યાયાલયોની હકૂમતની વ્યાપ્તિ બે કે વધુ રાજ્યો માટે એક જ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના
અનુચ્છેદ 231 : (રદ કર્યો છે.)
અનુચ્છેદ 214 મુજબ દરેક રાજ્ય માટે એક હાઈકોર્ટ રહેશે. પરંતુ અનુચ્છેદ 231ની જોગવાઈ મુજબ સંસદ કાયદા દ્વારા બે કે તેથી વધુ રાજ્યો અથવા બે કે તેથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટની સ્થાપના કરી શકશે.
ઉદાહરણ :
બોમ્બે હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર રાજ્ય, ગોવા રાજ્ય અને દીવ-દમણ તથા દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશનું સંયુક્ત ન્યાયિક અધિકાર ક્ષેત્ર આવેલું છે.
અનુચ્છેદ 216 મુજબ, દરેક હાઈકોર્ટમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ અને રાષ્ટ્રપતિ નિર્ધારિત કરે તેટલા જજો આવેલા હશે.
ઉદાહરણ :
ગુજરાત હાઈકોર્ટમાં 52 જજોની સંખ્યા મંજૂર થયેલી છે.
હાઈકોર્ટમાં જજની નિમણૂક (અનુચ્છેદ-217)
અનુચ્છેદ 217(1) મુજબ હાઈકોર્ટમાં જજની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે, રાજ્યના રાજ્યપાલ સાથે અને મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના બીજા ન્યાયાધીશની નિમણૂક બાબતમાં તે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર વિનિમય કર્યા બાદ કરવામાં આવશે.
બે કે વધુ રાજ્યો માટે સંયુક્ત હાઈકોર્ટ આવેલી હોય ત્યારે સંબંધિત દરેક રાજ્યના રાજ્યપાલ સાથે રાષ્ટ્રપતિ વિચારવિમર્શ કરશે.
તૃતીય જજ કેસ (1998)માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં જજની નિમણૂક કરતી વખતે સુપ્રીમ કોર્ટના જજે અન્ય બે વરિષ્ઠ જજ સાથે વિચાર વિમર્શ કરવો જરૂરી છે.
99માં બંધારણીય સુધારા, 2014 અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂક કરવા માટે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચના કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે NJACની રચનાને રદ્દ કરી છે.
લાયકાત (અનુચ્છેદ 217 (2))
હાઈકોર્ટમાં જજ બનવા માટે…
વ્યક્તિ ભારતની નાગરિક હોય.
ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધારણ કર્યો હોય.
કોઈ એક હાઈકોર્ટમાં અથવા બે કે તેથી વધુ હાઈકોર્ટ થઈને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એડવોકેટ (વકીલાત)નો અનુભવ ધરાવતી હોય.
સ્પષ્ટતા :
44માં બંધારણીય સુધારા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે કાનૂની ક્ષેત્રમાં કોઈપણ ખાસ જવાબદારી સંભાળી હોય અથવા ટ્રિબ્યુનલના સભ્ય તરીકેનો અનુભવ હોય તો તેવા વ્યક્તિને પણ હાઈકોર્ટમાં જજ બનવા માટે લાયક ગણવામાં આવશે.
હાઈકોર્ટમાં જજ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર નિર્ધારિત કરવામાં આવી નથી.
શપથ
હાઈકોર્ટના જજ તરીકે પદ સંભાળતા પહેલા જે-તે વ્યક્તિએ રાજ્યપાલ અથવા તેના દ્વારા નિયુક્ત વ્યક્તિ સમક્ષ હોદ્દાના શપથ અને પ્રતિજ્ઞા લેવાની રહે છે.
કાર્યકાળ
હાઈકોર્ટના જજ 62 વર્ષની ઉંમર સુધી પદ પર રહી શકે છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જજ 65 વર્ષ સુધી પદ પર રહી શકે છે. કાર્યકાળમાં તફાવત એટલા માટે છે કે હાઈકોર્ટના જજ 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ સુપ્રીમ કોર્ટમાં પણ ફરજ બજાવી શકે.
ઉદાહરણ :
ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય જજ રહી ચુકેલા આર.સુભાષ રેડ્ડીની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. હાઈકોર્ટના જજની ઉંમર સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાષ્ટ્રપતિ નો નિર્ણય આખરી ગણાશે.
હાઈકોર્ટના જજ રાષ્ટ્રપતિને સંબોધીને પદ પરથી રાજીનામુ આપી શકે છે.
રાષ્ટ્રપતિએ કોઈ ન્યાયધીશને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે અથવા અન્ય હાઈકોર્ટમાં જજ તરીકે બદલી કરવાથી હાઈકોર્ટમાં જજનો હોદ્દો ખાલી પડશે.
સંસદના બંને ગૃહો બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી હાઈકોર્ટના જજને પદ પરથી દૂર કરી શકે છે.
હાઈકોર્ટના જજને પદ પરથી દૂર કરવાની પદ્ધતિ
સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના જજને પદ પરથી હટાવવાની પ્રક્રિયા એક સમાન છે.
બંધારણ અનુસાર જજને પદ પરથી હટાવવાની પ્રક્રિયા સંસદ કાયદા દ્વારા નક્કી કરી શકે છે, જેના ભાગરૂપે સંસદે ન્યાયધીશ તપાસ અધિનિયમ, 1968 બનાવ્યો છે.
ન્યાયાધીશને પદ પરથી હટાવવા અંગેના કારણો
ગેરવર્તણુક
અપાત્રતા
જજને દૂર કરવાની પહેલ સંસદના બેમાંથી કોઈપણ ગૃહ કરી શકે છે. લોકસભામાં પ્રક્રિયા શરૂ કરવા માટે ઓછામાં ઓછાં 100 સભ્યોની સહીવાળો પ્રસ્તાવ લોકસભાના અધ્યક્ષને રજૂ કરવામાં આવે છે, રાજ્યસભામાં પહેલ કરવા માટે ઓછામાં ઓછાં 50 સભ્યોની સહીવાળો પ્રસ્તાવ રાજ્યસભાના સભાપતિને આપવામાં આવે છે.
નોંધનીય છે કે, લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ પ્રસ્તાવનો અસ્વીકાર કરી શકે છે.
જે ગૃહમાં પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે તે ગૃહમાં ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવે છે. સમિતિના સભ્યો…
સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અથવા અન્ય જજ (જે જજને દૂર કરવાના હોય તેનો સમાવેશ ન થાય !)
કોઈ હાઇકોર્ટના જજ
પ્રતિષ્ઠિત ન્યાયવિદ્
જો સમિતિ જજની ગેરવર્તણૂક અથવા અપાત્રતા અંગેનો અહેવાલ ગૃહને સોંપે ત્યારબાદ ગૃહ આગળની કાર્યવાહી હાથ ધરે છે. (અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવા ગૃહ બંધાયેલુ નથી)
ગૃહમાં હાજર રહીને મત આપતા સભ્યોની 2/3 બહુમતી સાથે બંને ગૃહોમાંથી જજને દૂર કરવા અંગેનો ઠરાવ પસાર થાય તો તે પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.
રાષ્ટ્રપતિ જજને દૂર કરવા અંગેનો આદેશ જાહેર કરી શકે છે.
જજને દૂર કરવા અંગેનો પ્રસ્તાવ બંને ગૃહમાંથી એક જ સત્રમાં પસાર થવો જરૂરી છે.
અત્યારસુધીમાં હાઈકોર્ટના એકપણ જજને ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યા નથી. પરંતુ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ન્યાયાધીશના પગાર અને ભથ્થાંઓ
અનુચ્છેદ 21 મુજબ, હાઈકોર્ટના જજને સંસદે કાયદાથી નક્કી કરેલા પગાર અને ભથ્થાંઓ મળવાપાત્ર થાય છે.
વર્ષ 2018માં સંસદે કાયદામાં ફેરફાર કરી હાઈકોર્ટના જજના પગારમાં વધારો કર્યો. નવા ફેરફાર મુજબ હાઈકોર્ટના મુખ્ય જજનો પગાર પ્રતિમાસ રૂપિયા 2.50 લાખ જ્યારે અન્ય જજનો પગાર પ્રતિમાસ રૂપિયા 2.25 લાખ છે.
પગાર ઉપરાંત અન્ય ભથ્થાઓ, નિઃશુલ્ક આવાસ, હેલ્થ, ટેલિફોન, કાર-પરિવહનની સુવિધા મળવાપાત્ર છે.
નિવૃત્ત જજ નોકરીના અંતિમ માસના પગારથી અડધુ પેન્શન મેળવે છે.
ન્યાયધીશના પગાર, ભથ્થાં, ૨જા અંગેના નિયમોમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાય નહીં.
જજની બદલી (અનુચ્છેદ-222)
બંધારણના અનુચ્છેદ 222 મુજબ રાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિમર્શ કર્યા પછી કોઈ ન્યાયાધીશની એક હાઈકોર્ટમાંથી અન્ય હાઈકોર્ટમાં બદલી કરી શકશે.
તૃતીય જજ કેસ (1998)માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જજની બદલી કરતી વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ અન્ય ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ સાથે તેમજ જે હાઈકોર્ટમાંથી બદલી થવાની છે તેના તેમજ જે હાઈકોર્ટમાં બદલી થવાની છે. તેના મુખ્ય ન્યાયમૂર્તિઓ સાથે વિચારવિમર્શ કરવો જરૂરી છે.
જે જજની ટ્રાન્સફર કરવામાં આવે તેની સહમતી લેવામાં આવતી નથી. એનો અર્થ એવો નથી કે રાષ્ટ્રપતિ મનમાની રીતે જજની ટ્રાન્સફર કરી શકે, આંતરિક કટોકટી દરમિયાન સરકારને અનુકૂળ નહિ તેવા ચુકાદાઓ આપનારા 16 જેટલા જજોની 1975માં સજાના સ્વરૂપે બદલીઓ કરવામાં આવી હતી.
1977માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ન્યાયમૂર્તિની બદલી લોકકલ્યાણના હિતમાં પૂરતા વિચારવિમર્શ બાદ થવી જોઈએ.
1994માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જજની બદલીને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે, પરંતુ તે જ જજ પડકારી શકે જેની બદલી કરવામાં આવી હોય.
સામાન્ય રીતે જજોની બદલીની બાબત ચર્ચામાં રહેતી હોય છે. મોટી હાઈકોર્ટમાંથી જ્યારે કોઈ જજને નાની હાઈકોર્ટમાં બદલી કરવામાં આવે ત્યારે જજને તે પસંદ આવતુ હોતું નથી.
કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક (અનુચ્છેદ-223)
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે અથવા મુખ્ય ન્યાયમૂર્તિ ગેરહાજર હોય અથવા મુખ્ય ન્યાયમૂર્તિ કાર્ય કરવા અસક્ષમ હોય તેવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ હાઈકોર્ટના અન્ય જજમાંથી કોઈ એક જજની કાર્યકારી જજ તરીકે નિમણૂક કરશે.
વધારાના તેમજ કાર્યકારી ન્યાયાધીશની નિમણૂક (અનુચ્છેદ-224)
કોઈ હાઈકોર્ટમાં કામકાજમાં થોડાં સમય પુરતો વધારો થવાના અથવા કામ ચડી ગયાના કારણે રાષ્ટ્રપતિને એમ લાગે કે ન્યાયધીશોની સંખ્યા તે સમય પૂરતી વધારવી જોઈએ, તો યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓને રાષ્ટ્રપતિ વધુમાં વધુ બે વર્ષની મુદ્દત સુધી કોર્ટના વધારાના ન્યાયધીશ તરીકે નિમણૂક કરશે.
હાઈકોર્ટના કોઈ ન્યાયધીશ ગેરહાજર હોય અથવા કાર્ય કરી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ તે ન્યાયધીશના સ્થાને હંગામી ધોરણે વધારાના ન્યાયધીશની નિમણૂક કરશે.
હાઈકોર્ટના વધારાના એવા કાર્યકારી ન્યાયધીશ તરીકે નીમાયેલી કોઈ વ્યક્તિ 62 વર્ષની ઉંમર થયા પછી હોદ્દો ધરાવી શકી નહી.
કોર્ટમાં કામનું ભારણ સતત વધતું જાય છે, આ એક કાયમી સ્થિતિ બની ગઈ છે. આથી કાયમી ધોરણે સંખ્યા વધારવાના બદલે ત્રીજા ભાગના ન્યાયધીશો આ રીતે હંગામી ધોરણે નિયુક્ત થયેલા હોય છે. જેમકે ગુજરાત હાઈકોર્ટમાં મંજૂર થયેલી ન્યાયધીશની સંખ્યા 52 છે. જેમાંથી 39 કાયમી ધોરણે જ્યારે 13 હંગામી ધોરણે વધારાના જજ તરીકે નિમણુક પામેલા છે.
નિવૃત્ત જજની નિમણૂક (અનુચ્છેદ-224 A)
કોઈ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોઈપણ સાથે રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી લઈ તે હાઈકોર્ટના અથવા અન્ય હાઈકોર્ટના નિવૃત્ત જજને હાઈકોર્ટમાં જજ તરીકે બેસવાની તથા કાર્ય કરવાની વિનંતી કરી શકશે.
આ રીતે વિનંતી કરવામાં આવેલ જજ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્ય કરે ત્યારે રાષ્ટ્રપતિ હુકમ કરીને નક્કી કરે તે પગાર અને ભથ્થાંઓ મળવાપાત્ર થશે.
જયારે નિવૃત્ત જજ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્ય કરતા હોય ત્યારે તેમને જજ તરીકેના વિશેષાધિકારો, સત્તાઓ મળવાપાત્ર થશે, પરંતુ અન્ય કોઈ કારણે જજ કહેવાશે નહીં.
હાઈકોર્ટના કાર્યો અને સત્તાઓ
રાજ્ય સ્તર પર હાઈકોર્ટનું ઘણુ મહત્ત્વ રહેલું છે. ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સરળ પહોંચ છે, હાઈકોર્ટ લોકોના મૂળભૂત અધિકારોના ભંગ અંગેની ફરિયાદ સાંભળે છે, બંધારણનું અર્થઘટન કરી શકે છે તેમજ સરકારના કાયદાની સમીક્ષા પણ કરી શકે છે.
હાઈકોર્ટ પાસે નીચેની બાબતોમાં કાર્યો અને સત્તાઓ રહેલી છે
પ્રારંભિક ક્ષેત્રાધિકાર
ન્યાયાદેશ (રીટ) ક્ષેત્રાધિકાર
અપીલીય ક્ષેત્રાધિકાર
તાબાની અદાલતો પર દેખરેખ રાખવાની સત્તા
તાબાની અદાલતો પર હાઈકોર્ટનું નિયંત્રણ
કોર્ટ ઓફ રેકોર્ડ
પોતાના નિર્ણયની ફેરવિચારણા કરવાની સત્તા
ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા
હાઈકોર્ટના કાર્યો અને સત્તાઓ
પ્રારંભિક ક્ષેત્રાધિકાર
પ્રારંભિક ક્ષેત્રાધિકારનો અર્થ થાય હાઈકોર્ટ કોઈ કેસ અથવા વિવાદ અંગે અપીલ વગર સુનવણી કરે, નીચેની બાબતોમાં હાઈકોર્ટ પ્રારંભિક ક્ષેત્રાધિકાર ધરાવે છે.
રાજ્યક્ષેત્રમાં નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ બદલ હાઈકોર્ટ ન્યાય આપવાનું કાર્ય કરે છે.
નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ બદલ જે-તે વ્યક્તિ હાઈકોર્ટમાં પાંચ પ્રકારની રીટ (WRIT) અરજી કરી શકે છે, જેમાં બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેક્ષણ તેમજ અધિકાર પૃચ્છાનો સમાવેશ થાય છે.
હાઈકોર્ટે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સરકારને આદેશ આપી શકે છે, નોંધનીય છે કે હાઈકોર્ટે રાજ્યક્ષેત્રની બહારની વ્યક્તિ, સંસ્થા કે સરકારને આદેશ આપી શકે છે.
અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ રીટ અધિકાર ક્ષેત્ર ધરાવે છે, પરંતુ અનુચ્છેદ 12 મુજબ નાગરિક પોતાના મૂળભૂત અધિકાર ભંગ બદલ સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી કરી શકે છે, જ્યારે અનુચ્છેદ 226 મુજબ નાગરિક મૂળભૂત અધિકાર સિવાય કોઈ સામાન્ય કાયદા અંતર્ગત અન્યાય થયો હોય તો પણ રીટ અરજી કરી શકે છે.
વિધાનમંડળ, હાઈકોર્ટના રીટ અધિકાર ક્ષેત્રમાં ઘટાડો કરી શકતું નથી.
અપીલીય ક્ષેત્રાધિકાર
તાબાની અદાલતોએ આપેલા ચુકાદાની વિરુદ્ધમાં દીવાની તેમજ ફોજદારી બાબતોમાં હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે.
દીવાની બાબતોમાં રૂપિયા 5000 કે તેથી વધુ કિંમતના દાવા હોય તો હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે.
ફોજદારી કેસમાં હાઈકોર્ટમાં અપીલ કરવા અંગેની શરત એ છે કે જિલ્લા સેશન્સ જજે આરોપીને 7 વર્ષ કે તેથી વધુની સજા કરી હોય.
જિલ્લા સેશન્સ કોર્ટ તરફથી કોઈ વ્યક્તિને ફાંસીની સજા કરવામાં આવે તો સજા પર હાઈકોર્ટની સમીક્ષા વિના અમલ કરી શકાતો નથી. નોંધનીય છે કે સજા પામેલ વ્યક્તિએ અપીલ ન કરી હોય તો પણ હાઈકોર્ટની સમીક્ષા જરૂરી છે.
તાબાની અદાલતો પર દેખરેખ રાખવાનો સત્તાધિકાર
બંધારણના અનુચ્છેદ 227 મુજબ હાઈકોર્ટ તેના તાબામાં આવતી અદાલતો પર દેખરેખ રાખે છે. નીચેની બાબતોમાં હાઈકોર્ટ પાસે સત્તા રહેલી છે.
તાબાની અદાલતી પાસેથી પત્રકો મંગાવી શકે.
તાબાની અદાલતોની કાર્યપ્રણાલી અને કાર્યવાહીનું નિયમન કરવા માટે નિયમો બનાવી શકે.
તાબાની અદાલતોએ નોંધ અથવા હિસાબો કઈ રીતે રાખવા તે અંગેના નિયમો બનાવી શકે.
તાબાની અદાલતમાં કાર્ય કરતા અધિકારીઓને તેમજ વકીલાત કરતા વકીલોને આપવાની ફી કે પગાર અંગેના નિયમો બનાવી શકે, પરંતુ એવા નિયમો વર્તમાન નિયમોથી અસંગત ન હોવા જોઈએ.
સ્પષ્ટતા :
હાઈકોર્ટ સૈન્ય અદાલત અથવા સૈન્ય ટ્રિબ્યુનલ પર દેખરેખ રાખવાની સત્તા ધરાવતી નથી.
તાબાની અદાલતો પર હાઈકોર્ટનું નિયંત્રણ
નીચેની બાબતોમાં હાઈકોર્ટનું તાબાની અદાલતો પર નિયંત્રણ રહેલું છે, તેવું કહી શકાય.
જિલ્લા ન્યાયાધીશોની નિયુક્તિ, તેમની બદલીઓ તેમજ પ્રમોશન રાજ્યપાલ હાઈકોર્ટ સાથે વિચારણા કરીને કરે છે.
અનુચ્છેદ 228 મુજબ ઉચ્ચ ન્યાયાલયને ખાતરી થાય કે તાબાની અદાલતમાં વિચારણા હેઠળ રહેલા કેસમાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન છે તો તે કેસને પોતાની પાસે મંગાવી શકે છે.
હાઈકોર્ટના આદેશો તાબાની અદાલતો માનવા માટે બંધાયેલી છે.
કોર્ટ ઓફ રેકોર્ડ (નઝીરી અદાલત) (અનુચ્છેદ-215)
અનુચ્છેદ 215 મુજબ દરેક હાઈકોર્ટ કોર્ટ ઓફ રેકર્ડ રહેશે અને તેના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા કોર્ટ પાસે રહેશે.
કોર્ટ ઓફ રેકોર્ડનો અર્થ થાય કે હાઈકોર્ટની તમામ કાર્યવાહી અંગેનો રેકોર્ડ રાખવામાં આવશે. હાઈકોર્ટના ચુકાદાઓને તાબાની અદાલતોમાં પુરાવા તરીકે રજૂ કરી શકાશે. આ રીતે રજૂ કરવામાં આવતા પુરાવા પર પ્રશ્ન ઉઠાવી શકાશે નહીં તેમજ તેની તથ્યતા અંગે શંકા કરી શકાશે નહી.
કોર્ટ અપમાન અધિનિયમ, 1971 મુજબ કોર્ટનું અપમાન બે પ્રકારે થઈ શકે છે.
ફોજદારી અપમાન : ન્યાયિક કાર્યવાહીની જાણી જોઈને અવગણના કરવી, હાઈકોર્ટ અંગે તેના ગૌરવને હાનિ પહોંચે તે રીતે ટીકા ટિપ્પણી કરવી.
પોતાના નિર્ણયની ફેરવિચારણા કરવાની સત્તા
હાઈકોર્ટે પોતે આપેલા ચુકાદા અથવા આદેશો અથવા નિર્ણયોની ફરીવાર સમીક્ષા કરી તેમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે.
ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા
સુપ્રીમ કોર્ટની જેમ હાઈકોર્ટ પણ ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો કાયદો અથવા સરકારનો નિર્ણય અથવા આદેશ બંધારણીય રીતે યોગ્ય છે કે કેમ તેની સમીક્ષા કરવાની સત્તા હાઈકોર્ટ પાસે રહેલી છે.
કેન્દ્ર અથવા રાજ્ય સરકારના આદેશ અથવા કાયદાને નીચે મુજબના આધારે હાઈકોર્ટમાં પડકારી શકાય છે.
બંધારણીય જોગવાઈની વિરુદ્ધમાં હોય
મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય.
એવા સરકારી તંત્ર દ્વારા આદેશ અથવા કાયદો બનાવ્યો હોય જેના અધિકારક્ષેત્રમાં ન આવતો હોય.
હાઈકોર્ટની કાર્ય કરવા અંગેની સ્વતંત્રતા
હાઈકોર્ટ ધારાસભા કે કારોબારીના દબાણ અથવા પ્રભાવ હેઠળ આવ્યા વિના નિષ્પક્ષ અને તટસ્થ બની કાર્ય કરી શકે તે માટે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.
જજની નિમણૂક પદ્ધતિ
જજની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિમર્શ બાદ કરવામાં આવે છે. એટલે કે નિમણૂક પ્રક્રિયામાં કેન્દ્ર કે રાજ્યની કારોબારીની ભૂમિકા હોતી નથી. જેથી તટસ્થ વ્યક્તિની નિમણૂક થઈ શકે છે.
કાર્યકાળ અંગેની સુરક્ષા
હાઈકોર્ટના જજ ગેરવર્તણૂક અથવા કાર્ય કરવામાં અક્ષમતાના આધારે સંસદના બંને ગૃહોમાં બહુમતી સાથે ઠરાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરવામાં આવે છે. એટલે કે હાઈકોર્ટના જજને સામાન્ય પદ્ધતિ વડે કે કોઈની ભલામણથી દૂર કરી શકાતા નથી. એ જ રીતે હાઈકોર્ટના જજને દૂર કરવામાં રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી.
જજનો પગાર રાજ્યની સંચિત નીધિ પર ઉધારેલો હોય છે
હાઈકોર્ટના જજનો પગાર રાજ્યની સંચિત નીધિ પર ઉધારેલો હોય છે, એટલે કે તેના પર રાજ્યના વિધાનમંડળમાં ચર્ચા થઈ શકે છે. મતદાન થઈ શકતું નથી.
નોંધનીય છે કે હાઈકોર્ટના જજને પેન્શન કેન્દ્રની સચિત નીધિમાંથી આપવામાં આવે છે.
સેવા શરતોમાં નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી
હાઈકોર્ટના જજના પગાર, પેન્શન, અન્ય વિશેષાધિકારોમાં કાર્યકાળ શરૂ હોય ત્યારે તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી.
નિવૃત્તિ બાદ જજ, વકીલાત કરી શકતા નથી
હાઈકોર્ટના જજ નિવૃત્ત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે છે, અથવા કોઈ હાઈકોર્ટમાં નિવૃત્ત જજ તરીકે સેવા આપી શકે છે. પરંતુ એ સિવાય કોઈપણ અદાલતમાં ન્યાયિક પદ ધારણ નથી કરી શકતા તેમજ વકીલાત કરી શકતા નથી. આ પ્રકારની જોગવાઈ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે તેઓ જજના પદ પર હોય ત્યારે નિવૃત્તિ બાદના કોઈ પદની લાલચ તેમને આપી શકતું નથી. (સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની લાલચ થઈ શકે છે!)
જજના કાર્યોની વિધાનમંડળમાં ચર્ચા થઈ શકતી નથી
જજને દૂર કરવાનો ઠરાવ વિચારાધીન હોય ત્યારે સંસદમાં જજના કાર્યો અથવા વર્તણૂકની ચર્ચા થઈ શકે છે.
રાજ્યના વિધાનમંડળમાં કે સંસદમાં હાઈકોર્ટના જજે આપેલા ચુકાદાઓ અથવા કાર્યોની ચર્ચા થઈ શકતી નથી.
રાજ્યનો વિધાનમંડળ દ્વારા અથવા સંસદ દ્વારા હાઈકોર્ટના ન્યાયિક અધિકારક્ષેત્રમાં ઘટાડો કરી શકાતો નથી.
હાઈ કોર્ટની અવમાનના બદલ જે તે વ્યક્તિને હાઈકોર્ટે સજા કરી શકે છે.
હાઈકોર્ટના મુખ્ય જજ હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરી તેની નોકરી અંગેના નિયમો બનાવી શકે છે.
બંધારણના અનુચ્છેદ-50 મુજબ રાજ્ય કારોબારી અને ન્યાયતંત્રને એકબીજાથી સ્વતંત્ર રાખવાનો પ્રયત્ન કરશે. જેથી ન્યાયતંત્રની કામગીરીમાં કારોબારી દરમિયાનગીરી ન કરે.