સિંહાલી અનુશ્રુતિ મુજબ ગૌતમ બુદ્ધનું પરિનિર્વાણ – ઈ.પૂ. 544-543માં થયું અને જૈન અનુશ્રુતિ મુજબ મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ઈ.પૂ 527-26માં થયું. આધુનિક ઐતિહાસિક સંશોધન મુજબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પરિનિર્વાણ અનુક્રમે ઈ.સ.પૂર્વે 483 અને ઈ.સ. પૂર્વે 467 માં થયું હતું. જેથી કહી શકાય કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મગધના હર્યકવંશના સ્થાપક રાજા બિંબિસારના સમકાલીન હતા. ગૌતમ બુદ્ઘના પરિનિર્વાણથી બૌદ્ધમાં બુનિર્વાણ સવંત શરૂ થયું. મહાવીર સ્વામી પરિનિર્વાણથી જૈનમાં વીર નિર્વાણ સર્વત શરૂ થયું
પ્રાચીન ભારતનો પ્રમાણિત ઈતિહાસ ઈ.સ. પૂર્વે પાંચમી સદીથી કડીબધ્ધ રીતે મળી આવતો હોઈ આ કાળને પ્રારંભિક ઐતિહાસિક કાળ કહે છે. મૌર્યકાળથી લિપિને ઉકેલીને ઐતિહાસિક માહિતીઓને પ્રમાણિત કરી શકાય છે.
દા.ત. અશોક તેમજ અન્ય રાજાઓના શિલાલેખો કે લિપિને ઉકેલવામાં આવ્યા.
ગુજરાતના ઈતિહાસનો આરંભિક ઐતિહાસિક કાળ પ્રાગમૌર્ય કાળ (5મી સદી)થી ગણવામાં આવે છે.
પાણિનિનું અષ્ટાધ્યાયી
ઈ.સ. પૂર્વેની 5મી સદીમાં લખાયેલા પાણિનિના અષ્ટાધ્યાયીમાં કચ્છ, આનર્ત, વલભી અને મહી નદીનું વર્ણન જોવા મળે છે.
પાણિનિ પ્રાચીન સંસ્કૃત ભાષાના ભાષા વિજ્ઞાની અને વ્યાકરણના વિદ્વાન હતા. તેઓ ભારતીય “ભાષાવિજ્ઞાનના પિતા” ગણાય છે. તેમનો મહત્વનો ગ્રંથ “અષ્ટાધ્યાયી” છે. પાણિનિ એ તૈયાર કરેલ નિયમોની પદ્ધતિ પાણિનિય તરીકે ઓળખાય છે.
મૌર્યકાળનો ઈતિહાસ કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર“, શ્રીલંકામાંથી મળેલા બૌદ્ધગ્રંથો મહાવંશ અને દિપવંશ, મુદ્રારાક્ષસ તથા જૂનાગઢના શિલાલેખમાંથી જાણવા મળે છે.
મૌર્યકાળમાં ગુજરાતમાં પ્રભાસ, વલભી અને સિંહપુર (શિહોર) પ્રસિદ્ધ શહેરો હતાં અને ભૃગુકચ્છ (ભરૂચ) જાણીતું બંદર હતું.
શ્રીલંકામાંથી મળેલા બૌદ્ધધર્મના દિપવંશ અને મહાવેશ નામના પાલી ભાષામાં લખાયેલા ગ્રંથમાં સિંહલ સંસ્કૃતિના આરંભનો સંદર્ભ મળે છે.
લાટના નિવાસી રાજા સિંહબાહુના પુત્ર વિજયના દેશવટાથી એ પોતાના સાથીઓને લઈ સમુદ્ર માર્ગે સોપારા થઈ લંકાદ્વીપ પહોંચ્યા ત્યાંથી સિંહલ દ્વીપની સંસ્કૃતિ શરૂ થયાનો ઉલ્લેખ મળે છે. વિજયે સિંહલ દ્વીપમાં તામ્રપર્ણી નગર અને તેના અમાત્યોએ અનુરાધા નગર વસાવ્યાનો ઉલ્લેખ છે.
સિંહબાહુના વંશજો સિંહલ કહેવાયા તેના પરથી સિંહલ દ્વીપ (શ્રીલંકા) ઓળખાયા હોવાનો વિદ્વાનોનો મત છે. બીજા એક મત મુજબ, સૌરાષ્ટ્રનું શિહોર સિંહબાહુ કે તેના વંશજ દ્વારા વસાવાયું હશે. રાજપુત્ર વિજયની સોપારા થઈને સિંહલ દ્વીપ સુધીની યાત્રા આ મતનું સમર્થન કરે છે.
ગુજરાતી કહેવત “લંકાની લાડીને ઘોઘાનો વર” ગુજરાતના સિંહલ દ્વીપ સાથેના સંબંધોને ઉજાગર કરે છે.
વિષ્ણુગુપ્ત,ચાણક્ય (કૌટિલ્ય)
તેઓ રાજનીતિશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા.
તેમના પિતાનું નામ ચણક હતું.
“વિષ્ણુગુપ્ત” ચાણક્યનું બાળપણનું નામ હતું તેઓ તક્ષશિલાના વત્ની હતા. તેઓ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા.
મૌર્ય સામ્રાજ્યની સ્થાપનામાં મુખ્ય ફાળો ચાણક્યનો હતો ધનાનંદના દરબારમાં અપમાનિત થતાં તેમણે નંદ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેને પૂર્ણ કરવા ચંદ્રગુપ્ત મૌર્યને એક સામાન્ય બાળકમાંથી તક્ષશિલામાં લઈ જઈ રાજા તરીકેની તાલીમ આપી.
ચાણક્યએ “અર્થશાસ્ત્ર” નામનો ગ્રંથ લખ્યો, જે રાજનીતિક ગ્રંથ છે.
તેઓ ચંદ્રગુપ્ત મૌર્ય તથા બિંદુસાર ના પ્રધાનમંત્રી રહ્યા હતા.
ચંદ્રગુપ્ત મૌર્ય એ તેને “દ્વિજર્ષભ “અર્થાત શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે ઓળખાવ્યા છે.
ચાણક્યને “ભારતના મેકિયાવલી” કહેવાય છે.
ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ.પૂ. 322-298)
મૌર્ય વંશનું સુરાષ્ટ્ર ખાતેનું વહીવટી મથક ગિરિનગર એટલે કે આજનું ગિરનાર હતું. આ ગુજરાતની પ્રથમ પ્રમાણિત રાજધાની હતી. ગિરનારનું પ્રાચીન નામ ઉજ્જયંત હતું.
મૌર્યકાળના આરંભથી અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ શરૂ થાય છે.
મેગેસ્થનીઝના ઈન્ડિકા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે જેમાં મેગેસ્થનીઝે ભારતીય સમાજને સાત ભાગમાં વર્ગીકૃત કર્યો હતો.
ચંદ્રગુપ્ત મૌર્યવંશી ક્ષત્રિય હતો. પુરાણ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય શુદ્ર જ્ઞાતિના હતા. નંદવંશનું પતન કરીને ચંદ્રગુપ્તને ગાદી અપાવનાર ચાણક્યએ “કૌટિલ્યનું અર્થશાસ્ત્ર” નામનો ગ્રંથ લખ્યો હતો એમાં કુલ 15 પ્રકરણો અને 180 જેટલા વિષયોની ચર્ચા કરવામાં આવી છે. ભારતીય ગ્રંથ કૌટિલ્યના અર્થશાસ્ત્રની તુલના એરિસ્ટોટલના “પોલિટિકસ” અને મૈકિયાવલીના “પ્રિન્સ” સાથે કરવામાં આવે છે.
ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરેલી જેણે જૂનાગઢમાં સુવર્ણસિકતા નદી પર સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. આ ભારતનો પ્રથમ બંધ ગણી શકાય.
તેના સમયમાં મગધમાં 12 વર્ષનો દુષ્કાળ પડયો એટલે વ્યથિત થઈને ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ. પૂર્વે 298માં ગાદી ત્યાગ કરી દિગંબર પંથના સ્થાપક ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી અને શ્રવણબેલગોડા જઈને સલ્લેખના (ઉપવાસ) પદ્ધતિ દ્વારા શરીરનો ત્યાગ કર્યો. તેના જ સમયમાં જૈન ધર્મની પ્રથમ સભા (ઈ.સ. પૂર્વે 298) નું પાટલીપુત્રમાં આયોજન થયું હતું.
ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ્ય દક્ષિણમાં તાપી નદી સુધી વિસ્તરેલું હતું.
જસ્ટિન દ્વારા ચંદ્રગુપ્તનું સેન્ડ્રોકેટ્સના નામથી વર્ણન કરવામાં આવેલ છે.
બિંદુસાર (ઈ.સ.પૂર્વે 298-269)
બિંદુસાર ચંદ્રગુપ્તનો પુત્ર હતો.
યુનાનીઓ (યવન-ગ્રીક) તેમને “અમિત્રચેટ્સ” કહેતાં જેનુ સંસ્કૃતમાં “અમિત્રઘાત” થયું. તેનો અર્થ શત્રુઓનો નાશ કરનાર થાય છે.
જૈન ગ્રંથોમાં તેને “સિંહસેન” તરીકે ઓળખાવે છે.
વાયુપુરાણમાં “મદ્રસાર” કહ્યા છે.
બિંદુસાર આજીવક સંપ્રદાયના અનુયાયી હતા.
ઈ.પૂ.272 માં અવસાન પામ્યા.
બિંદુસારે એક્ટીઓક્સ પાસે ત્રણ વસ્તુની માંગણી કરી
મીઠી મદિરા
સુખી અંજીર
એક દાર્શનિક
પરંતુ એન્ટીઓક્સે પ્રથમ બે વસ્તુમાંથી અને દાર્શનિક આપવાની પ્રથા નથી એમ કહી ઈન્કાર કર્યો.
બિંદુસારના દરબારમાં પણ ચાણક્ય મુખ્ય પ્રધાન હતા.
સિરિયાના રાજા એન્ટીઓક્સે બિંદુસારના દરબારમાં ડાયમેક્સ નામના રાજદૂત તથા મિસરના રાજા ટોલેમી બીજો ફિલાડેન્લફસે તેના દૂત ડાયોનિસસને મોકલ્યા હતા.
સમ્રાટ અશોક (ઈ.સ.પૂ. 269-235)
સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર અને બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક હતો. જેને “દેવનામપ્રિય” અને “પ્રિયદર્શી” તરીકે ઓળખવામાં આવે છે. સમ્રાટ અશોક બિંદુસારના સમયમાં ઉજ્જૈનના રાજયપાલ હતા. જૂનાગઢ-ગિરનારના એક શિલાલેખ પર દેવોને પ્રિય (દેવનામપ્રિય) પ્રિયદર્શી સમ્રાટ અશોકે કોતરાવેલી ધર્મઆજ્ઞાઓ વિશે જાણવા મળે છે.
ઈ.સ.પૂર્વે 261માં કલિંગના યુદ્ધ બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ત્યારબાદ તેમણે બૌદ્ધ ભિક્ષુક ઉપગુપ્તના કહેવાથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. અશોક શિવનો ઉપાસક હતો.
અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અભિલેખોનું નિર્માણ કરાવ્યું હતું. જેને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાલેખો. જે બ્રાહ્મી, ખરોષ્ઠી, ગ્રીક અને એર્માઈક ભાષાઓમાં કોતરવામાં આવ્યા છે.
અશોકના સમયે પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન (ઈ.સ. પૂર્વ 255) કરવામાં આવ્યું. આ સભામાં “અભિધમ્મ પિટક“ની રચના થઈ. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે પોતાના રાજ્યમાં શિકાર અને પશુ હિંસા બંધ કરાવી હતી.
અશોકે કશ્મીરમાં વિતસ્તા (ઝેલમ) નદીના કિનારે “શ્રીનગર” નામનું નગર વસાવ્યું.
જૂનાગઢ શિલાલેખ
અશોકના શિલાલેખો પૈકીનો એક શિલાલેખ ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક આવેલો છે. આ શિલાલેખ બારેક ફૂટ ઊંચો છે.
અશોકના લેખો પૂર્વ બાજુ પર બે ઊભી હરોળમાં છે. ઉત્તર બાજુ પર ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો લેખ છે જ્યારે પશ્ચિમ બાજુ પર મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ કોતરેલો છે.
બે ભાગમાં વહેંચાયેલા આ શિલાલેખ પર પાંચ લેખ જમણી બાજુ અને સાત લેખ ડાબી બાજુ પર આવેલા છે. તેરમો લેખ તેની નીચે છે જ્યારે તેની જમણી બાજુ ચૌદમો લેખ છે.
આ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે. ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખની શોધ સૌપ્રથમ શોધ કર્નલ જેમ્સટોડે ઈ.સ. 1822માં કરી અને તેને ઉકેલવાનું કાર્ય ઈ.સ 1837માં જેમ્સ પ્રિન્સેપે કર્યું. ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજીતએ સુધારા-વધારા સાથેની તેની શુદ્ધ પ્રત તૈયાર કરી આપી હતી.
જેમ્સ પ્રિન્સેપે સર્વપ્રથમ બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિમાં કોતરાયેલા ગિરીનગર શિલાલેખને ઉકેલવામાં સફળતા મેળવી કે જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં અધિકારી અને બંગાળની એશિયાટીક સોસાયટી ઓફ બંગાળની જનરલના સંસ્થાપક અને સંપાદક હતા. તેમણે ઉકેલી આપેલી આ લિપિનો ઉપયોગ મૌર્યકાળના અભિલેખો અને સિક્કાઓ પર કરવામાં આવતો હતો.
અશોક્ના પુત્ર કૃણાલ અને તેના પુત્ર રાજા સંપ્રતિનું ગુજરાતમાં શાસન હોવાનું જૈન અનુશ્રુતિઓ પરથી જાણવા મળે છે. સંપ્રતિ ઉજ્જૈનનો શાસક બનેલો અને સૌરાષ્ટ્ર સુધી પોતાનું શાસન વિસ્તાર્યુ હતું. ગુજરાતમાં આ કાળના આહતના સિક્કાઓ પરથી રાજા સંપ્રતિ પોતે જૈન ધર્મથી પ્રભાવિત હોવાનું જણાય છે.
બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન રાજા અશોકનું છે તે પ્રમાણે જૈન ધર્મના અભ્યુદયમાં રાજા સંપ્રતિનું છે.
ગિરનાર પરના મહાવીર મંદિરનું સ્થળ “સંપ્રતિની ટૂંક” તરીકે ઓળખાય છે.
ગિરનારમાંથી પ્રાપ્ત શિલાલેખ પર ત્રણ પ્રતાપી સમ્રાટો – મોર્ય રાજા અશોક, મહાક્ષત્રપ રુદ્રદામા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ના લેખો કોતરાયેલા છે.
રુદ્રદામા નો શિલાલેખ ભારતનો પ્રથમ શિલાલેખ છે. જેશુદ્ધ સંસ્કૃત કાવ્ય શૈલીમાં લખવામાં આવ્યો હતો.
સ્કંદગુપ્તનો શિલાલેખ સંસ્કૃત ભાષામાં અને પદ્યમાં છે જે એક ભાવવાહી કાવ્ય છે.
ગુજરાતના શાસકો અને તેમના દ્વારા કોતરવામાં આવેલા શિલાલેખો વિશે માહિતી
શાસક : અશોક
લિપિ : બ્રાહ્મી
ભાષા : પાલિ
શાસક : રુદ્રદામા
લિપિ : બ્રાહ્મી
ભાષા : સંસ્કૃત
શાસક : સ્કંદગુપ્ત
લિપિ : બ્રાહ્મી
ભાષા : સંસ્કૃત
ગુજરાતના શાસકો અને તેમના દ્વારા કોતરવામાં આવેલા શિલાલેખો વિશે માહિતી
સુદર્શન તળાવના બાંધકામ વિશે માહિતી
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
સૂબો : પુષ્યગુપ્ત વૈશ્ય
કાર્ય : સુદર્શન તળાવ નું નિર્માણ કરાવ્યું.
શાસક : અશોક
સૂબો : તુષાષ્ફ
કાર્ય : તળાવનું સમારકામ કરાવી નહેર નું નિર્માણ કરાવ્યું હતું અને તેને સ્મૃતિમાં અશોકે સરોવરની પાળે 14 ધર્મ શાસનનો કોતરાવ્યા.
શાસક : રુદ્રદામા
સૂબો : સુવિશાખ
કાર્ય : બંધ તૂટી જવાથી સમારકામ કરાવ્યું.
શાસક : સ્કંદગુપ્ત
સૂબો : પર્ણદત્ત
કાર્ય : બીજીવાર સમારકામ કરાવ્યું અને તેને સ્મૃતિમાં સરોવરની પાળે વિષ્ણુનું મંદિર બંધાવ્યું.
સુદર્શન તળાવના બાંધકામ વિશે માહિતી
અશોક અને સ્કંદગુપ્તના લેખમાંથી શિક્ષણ વિશેની કોઈ માહિતી મળતી નથી પરંતુ રુદ્રદામાના લેખમાં શબ્દવિદ્યા, અર્થવિદ્યા, ગાંધર્વવિદ્યા, ન્યાયવિદ્યા અને યુદ્ધવિદ્યા જેવી મહાવિદ્યાઓ તેમજ શિક્ષણ પદ્ધતિના ચાર તબક્કાઓ જેમાં પારણ (ધ્યાનથી સાંભળવું), ધારણ (યાદ રાખવું), વિજ્ઞાન (જિજ્ઞાસાવૃત્તિ) અને પ્રયોગ (વ્યવહારમાં વિનિયોગ)નો ઉલ્લેખ મળે છે.
અશોકના લખાણ લોકોને નૈતિક ઉપદેશ આપે છે. જેનો ઉદ્દેશ્ય અહિંસા, સર્વધર્મ સમભાવ, ધર્મદાન અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાનો છે. રુદ્રદામાના લેખમાં બ્રાહ્મણોને ગાયોનું દાન આપી ધર્મ અને કીર્તિની વૃદ્ધિ કરવાનો ઉલ્લેખ છે. સ્કંદગુપ્તના લેખમાંથી વૈષ્ણવ સંપ્રદાયના પ્રચારની માહિતી પ્રાપ્ત થાય છે તેમજ સુદર્શન તળાવના કિનારે ચક્રધરનું મંદિર બંધાવ્યું હોવાનો પણ ઉલ્લેખ મળે છે.
રુદ્રદામા અને સ્કંદગુપ્તનાં લખાણોમાંથી વહીવટ સંબંધિત માહિતી મળે છે. જેમાંથી ગુજરાત પ્રાંતના સૂબાઓના નામ અને એમની જાતિ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે.
મૌર્યકાળમાં સૂબાઓ માટે “રાષ્ટ્રીય” શબ્દ, ક્ષત્રપકાળ દરમિયાન “અમાત્ય” અને ગુપ્તકાળમાં “ગોપ્તા” શબ્દનો પ્રયોગ થયો હતો. રુદ્રદામાના લેખમાંથી સૂબાને વહીવટમાં મદદ કરવા “મતિસચિવ” અને “કર્મસચિવ” પ્રકારના અધિકારીઓની નિમણૂક થયેલી હોવાની માહિતી પ્રાપ્ત થાય છે.
બૌદ્ધ ધર્મની મહાસભા
સભા : પ્રથમ બૌદ્ધ સંગિતિ
સમય : ઈ.સ. પૂર્વે 483
સ્થાન : રાજગૃહ (બિહાર)
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસનકાળ : અજાતશત્રુ (હર્યક વંશ)
સભા : દ્વિતીય બૌદ્ધ સંગિતિ
સમય : ઈ.સ. પૂર્વે 383
સ્થાન : વૈશાલી (બિહાર)
અધ્યક્ષ : સબાકામી
શાસનકાળ : કાલાશોક (શિશુનાગ વંશ)
સભા : તૃતીય બૌદ્ધ સંગિતિ
સમય : ઈ.સ. પૂર્વે 255
સ્થાન : પાટલીપુત્ર
અધ્યક્ષ : મોગલીપુત્ત તિસ્સ
શાસનકાળ : અશોક (મૌર્ય વંશ)
સભા : ચતુર્થ બૌદ્ધ સંગિતિ
સમય : ઈ.સ.ની પ્રથમ સદી
સ્થાન : કુંડલવન (કાશ્મીર)
અધ્યક્ષ : વસુમિત્ર / અશ્વઘોષ
શાસનકાળ : કનિષ્ક (કુષાણ વંશ)
ચતુર્થ બુદ્ધ સંગિતિ દરમિયાન બૌદ્ધ ધર્મનું મહાયાન શાખામાં વિભાજન થયું.