Nyay panchayat ane gram nyayalay – Panchayati Raj

ન્યાય પંચાયત અને ગ્રામ ન્યાયાલય

Nyay panchayat ane gram nyayalay – Panchayati Raj – પંચાયતી રાજ

ન્યાય પંચાયત અને ગ્રામ ન્યાયાલય

  • ગ્રામ પંચાયતની જેમ તેને સમાંતર ન્યાય પંચાયતનું મહત્વ પણ વૈદિક કાળથી તેવા મળે છે. ન્યાય પંચાયતોનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં જોવા મળે છે. તે સમયે ન્યાય પંચાયતને કુળ, શ્રેણી, યુવા વગેરે નામથી ઓળખતા હતાં.
  • ન્યાય પંચાયતનો ઉલ્લેખ બંધારણમાં જોવા મળતો નથી. તેની રચના કરવી ફરજિયાત નથી. પરંતુ ઈસ. 1974ના અંત સુધીમાં ભારતનાં મોટાભાગના રાજ્યોમાં ન્યાય પંચાયતની કાયદાકીય રીતે સ્થાપના થઈ ચૂકી હતી.
  • ન્યાય પંચાયતનું કાર્યક્ષેત્ર ઘણું જ મર્યાદિત હતું. ન્યાય પંચાયત ફક્ત નાના-દિવાની તથા ફોજદારી કેસો જ ચલાવી શક્તી જેમાં અપરાધીને ફક્ત નાણાકીય દંડ જ કરવામાં આવતો. ફક્ત બિહાર એક જ એવું રાજ્ય હતું જયાં અપરાધીને શારીરિક દંડ આપવામાં આવતો હતો.
  • ન્યાય પંચાયત ગામનાં લોકોને શિક્ષણ આપતું. સૌથી ઉત્તમ માધ્યમ હતું. ન્યાય પંચાયતને અદાલતી પંચાયત પણ કહેવામાં આવે છે. ગામમાં થતાં નાના ઝઘડાઓના ઝડપી સમાધાન કરવા માટે તેની સ્થાપના કરવામાં આવે છે.

ન્યાય પંચાયત નિષ્ફળ જવાનાં કારણો

  • ન્યાય પંચાયતમાં ન્યાયનું કાર્ય કરી શકે તેવા કાયદાનાં સિદ્ધાંત અને પ્રબંધોની જાણકારી ધરાવતાં સભ્યો હોવા જોઈએ, પરંતુ તેનાથી વિરૂદ્ધ ન્યાય પંચાયતમાં સૂઝબૂઝ વગરની વ્યક્તિઓ ચૂંટાતી હતી.
  • ગામડાઓમાં જૂથો, જાતિ, જ્ઞાતિ, ધર્મ થઈ ગયા હોવાથી ન્યાય પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો યોગ્ય ન્યાય કરી શક્તા નથી.
  • ન્યાય પંચાયતના ચૂંટાયેલા સભ્યો સામાન્ય માણસોને પૂરતો ન્યાય આપી શક્તા નથી. જેથી ન્યાય પંચાયત નિષ્ફળ રહી.

ન્યાય પંચાયતની સમિતિનાં અહેવાલો

  • અશોક મહેતા સમિતિ મુજબ ન્યાયપંચાયતો લગભગ નિષ્ફળ નીવડી હતી.
  • ઝીણાભાઈ દરજી સમિતિએ પણ ન્યાય પંચાયતનો અભ્યાસ કર્યો. આ સમિતિ અનુસાર ન્યાયપંચાયત લોકપ્રિય અને ગતિશીલ થઈ શકી ન હતી.

ન્યાય પંચાયતમાં સુધારા

  • ન્યાય પંચાયતની ત્રુટિઓ દૂર કરવા માટે ઝીણાભાઈ દરજી સમિતિએ, ઈસ. 1972માં નીચે મુજબનાં સુધારા સૂચવ્યા હતા.
    • દરેક ગામ માટે ન્યાય પંચાયતની રચના કરવી.
    • ન્યાય પંચાયતમાં એક વ્યક્તિ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) નો હોવો જોઈએ.
    • ન્યાય પંચાયતમાં એક સભ્ય તાલુકા પંચાયતનો અને એક સભ્ય ગ્રામ પંચાયતનો હોવો જેઈએ.
    • તાલુકા પંચાયતનો સભ્ય ઓછામાં ઓછું ધોરણ ૧૦ સુધી ભણેલો હોવો જોઈએ.
    • ગ્રામ પંચાયતનો સભ્ય ઓછામાં ઓછું વાંચી-લખી શક્તો હોવો જોઈએ.
    • સમાધાન પંચની નિમણૂક વૈધાનિક રીતે થવી જોઈએ.
  • નોંધ : અશોક મહેતા સમિતિએ ન્યાય પંચાયતનું નવનિર્માણ કરવાની ભલામણ કરી.
  • બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ રાજ્યમાં 73મો બંધારણીય સુધારો, 1992 બાદ ન્યાય પંચાયત અસ્તિત્વમાં છે.
  • ગુજરાતમાં ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ના અમલ સાથે ન્યાય પંચાયતની સંસ્થાને રદ કરવામાં આવી.

ન્યાય અદાલત અને ન્યાય પંચાયત

  • લોકશાહીના વિકેન્દ્રીકરણ તથા પંચાયતીરાજની સંસ્થામાં પાયામાં ફેરફાર કરવા ગુજરાતમાં રસીકલાલ પરીખ સમિતિની રચના કરવામાં આવી હતી.
  • આ સમિતિ મુજબ ન્યાય અદાલત અને ન્યાય પંચાયતમાં નીચે મુજબનો તફાવત છે.

ન્યાય અદાલત

  1. ન્યાય અદાલત બંને પક્ષકારોને, એના સાક્ષીઓને તથા વકીલોને સાંભળી અદાલત પાસે રજૂ થતી માહિતી તથા પુરાવાના આધારે ન્યાય આપશે.
  2. પક્ષકારો માટે ખર્ચાળ છે કેમ કે તેઓ ન્યાય મેળવવા માટે વધુને વધુ ખર્ચ ક૨શે
  3. બેમાંથી એક જ પક્ષને ન્યાય મળશે તેથી સમાધાન થશે નહિ અને વેરઝેર ઉત્પન્ન થશે.

ન્યાય પંચાયત

  1. ન્યાય પંચાયત કેવળ સાંભળેલી કે રજૂ થયેલી માહિતી પર જ આધાર નહિ રાખે. ઝઘડાના ગુણદોષની વિગતો અને સ્થાનિક માહિતીના આધારે ઝઘડાનું નિરાકરણ લાવશે.
  2. પક્ષકારો માટે બિનખર્ચાળ છે કેમ કે ભૌગોલિક સ્થળે જ ન્યાય આપવામાં આવશે.
  3. ન્યાય પંચાયતનું મહત્વનું તથા વિશિષ્ટપાસું એ છે કે બંને પક્ષકારોની વચ્ચે સમાધાન લાવશે.
ન્યાય અદાલત અને ન્યાય પંચાયત વચ્ચેનો તફાવત

ગ્રામ ન્યાયાલય

  • ગ્રામ ન્યાયાલયની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને પોતાના ઘર પાસે ઝડપી ન્યાય પ્રદાન કરવાનો છે. ગ્રામ ન્યાયાલયનું પ્રાથમિક કામ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનું છે.
  • ભારતમાં ગ્રામ ન્યાયાલય અધિનિયમ, 2008 મુજબ ગ્રામ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી.
  • કોઈપણ નાગરિકને સામાજિક, આર્થિક અથવા કોઈ કારણોસર ન્યાયથી વંચિત રહી ન જાય તે માટેનું ધ્યાન ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008માં રાખવામાં આવ્યું છે.

ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008

  • ગ્રામ ન્યાયાલય અધિનિયમ, 2008ને સંસદ દ્વારા 7 જાન્યુઆરી, 2009ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. તથા તે જ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂર કરવામાં આવ્યો. પરંતુ તેની અમલવારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ તારીખ 2 ઓકટોબર, 2009થી કરવામાં આવી.

ગ્રામ ન્યાયાલયની સ્થાપના

  • રાજ્ય સરકાર રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ) ની સલાહ લઈ વિધાનમંડળમાં એક પ્રસ્તાવ મંજૂર કરશે. જેના આધારે જિલ્લામાં મધ્યવર્તી સ્તરે એટલે કે તાલુકા પંચાયત સ્તરે એક અથવા વધુ તથા ગ્રામ પંચાયત માટે એક અથવા જૂથ ગ્રામ પંચાયતો માટે ગ્રામ ન્યાયાલયની રચના-સ્થાપના કરશે.
  • રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને તે વિસ્તારની સ્થાનિક મર્યાદાઓને આધીન રહીને ગ્રામ ન્યાયાલયના અધિકારક્ષેત્રમાં વધારો-ઘટાડો કે અન્ય ફેરફાર કરી શકે.

ગ્રામ ન્યાયાલયનું મુખ્ય મથક

  • દરેક ગામ ન્યાયાલયનું મુખ્ય મથક તાલુકા પંચાયત ખાતે રહેશે અથવા રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવે તેવી જગ્યાએ મુખ્યમથક સ્થાપવામાં આવશે.

ન્યાય અધિકારીની નિમણૂક અને લાયકાત

  • રાજય સરકાર હોઈકોર્ટ સાથે સલાહ-મસલત કરીને દરેક ગ્રામ ન્યાયાલય માટે એક ન્યાય અધિકારીની નિમણૂક કરશે.
  • જેઓ પ્રથમ વર્ગનાં ન્યાયિક (જ્યુડીશીયલ) મેજિસ્ટ્રેટ હોવા જોઈએ.
  • ન્યાય અધિકારીની નિમણૂંક કરતી વખતે રાજય સરકારે સમયાંતરે જાહેરનામા દ્વારા સ્પષ્ટ થયેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ અને આવા અન્ય વર્ગ અથવા સમુદાયોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે.
  • ન્યાયાધિકારીને પ્રથમવર્ગનાં જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સમકક્ષ પગાર અને ભથ્થાં મળવાપાત્ર છે.

ગ્રામ ન્યાયાલયનું અધિકાર ક્ષેત્ર

  • ગ્રામ ન્યાયાલયમાં ફોજદારી કેસો તથા દીવાની દાવા ચલાવી શકાય છે. પરંતુ એક વર્ષથી વધુ કેદની સજા કરવાની હોય તો તેવા કેસો ગ્રામ ન્યાયાલયમાં ચલાવી શકાશે નહિ.
  • દીવાની દાવાઓમાં કેટલી નાણાકીય સત્તા સુધીના કેસો ન્યાય અધિકારી ચલાવી શકે તે હાઈકોર્ટ નક્કી કરશે.
  • દીવાની દાવાઓમાં વિવાદના કેસો સમાધાનથી ઉકેલાય તે હેતુથી ગ્રામ ન્યાયાલય સમાધાન પંચને આવા કેસો સોંપી શકશે.
  • ન્યાય અધિકારી તેના અધિકાર ક્ષેત્રમાં આવતા હોય તેવા ગામડાઓમાં સમયાંતરે જશે અને ગ્રામ ન્યાયાલયનું કાર્ય કરશે. જેમકે જે તે ગામમાં બનેલ ઘટના અંગેની સુનાવણી તથા કાર્યવાહી બજાવશે જ્યાં પક્ષકારોને તેમના ગામથી દૂર જવું પડશે નહિ.
  • ગ્રામ ન્યાયાલય તેના મુખ્યમથકની બહાર “મોબાઈલ કોર્ટ” રાખી શકે છે. જ્યારે આ રીતે મોબાઈલ કોર્ટ રાખવામાં આવે ત્યારે તે માટેની તારીખ અને સ્થળની માહિતી ન્યાય અધિકારી આપશે.
  • આમ, ગ્રામ ન્યાયાલયોએ “મોબાઈલ કોર્ટ” છે જે ફોજદારી અને દીવાની અદાલત બંને સત્તાનો ઉપયોગ કરી શકે છે.
  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં અધિકારી હોય, એક પક્ષકાર સગીર વયનો હોય તથા જે કેસો રેવન્યુ કોર્ટનાં અધિકારક્ષેત્રમાં હશે તેવા કેસો ગ્રામ ન્યાયાલય ચલાવી શકશે નહિ.
  • કોઈપણ કેસની સુનવણી ન્યાય અધિકારીએ પક્ષકારોને નોટીસ જારી કર્યાના 15 (પંદર) દિવસમાં પૂરી કરવાની રહેશે.
  • ગ્રામ ન્યાયાલય તેના ચૂકાદાની નકલ તુરંત જ બંને પક્ષોને વિનામૂલ્યે પહોચાડશે.
  • રાજય સરકાર દરેક ન્યાયાલયમાં 2 (બે) વકીલોની નિમણૂક કરશે જે ગ્રામ ન્યાયાલયમાં પક્ષકારોને કેસો લડવામાં મદદ કરશે.તેમ છતાં કોઈપણ પક્ષકારને પોતાના પસંદગીનો વકીલ રાખવાની છૂટ છે.
  • દીવાની દાવાઓના કેસમાં તેના ઉકેલ માટે સમાધાન પંચની નિમણૂક કરવામાં આવે છે. સમાધાન પંચ ત્રણ સભ્યોનું બનશે. સમાધાન પંચના અધ્યક્ષ તરીકે પંચાયતનો એક કાયમી સભ્ય નિમવામાં આવશે અને બીજા બે સભ્યોને વિવાદનો દરેક પક્ષકાર એક-એક સભ્ય નીમશે.
  • તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક ક્લાર્કને સમાધાન પંચના અધ્યક્ષનાં સેક્રેટરી તરીકે નીમશે.
  • આમ ગ્રામ ન્યાયાલય નાગરિકોને ઘરઆંગણે ઝડપી, મફત ન્યાય પ્રદાન કરે છે. મોટેભાગે તેમનો પ્રયાસ બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરવાનો હોય છે. જેથી ગામનાં લોકોમાં વેરઝેર, ઝઘડા ઘટે અને ભાઈચારાની ભાવના વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે. અને ગામના વિકાસમાં સહિયારો પ્રયાસ શક્ય થાય છે.

educationvala

Leave a Comment

error: Content is protected !!