Paliya Sanskruti – Gujaratno sanskrutik varso

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso – પાળિયા સંસ્કૃતિ – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

પાળિયાના પ્રકાર

“પાળિયા” શું છે ?

  • “પાળિયા”, “પાળિયો” અથવા “ખાંભી”એ પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતાં સ્મારકનો એક પ્રકાર છે
  • પાળિયો શબ્દ, મૂળ સંસ્કૃત શબ્દ “પાલ” (રક્ષણ કરવું) માંથી ઉદ્ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ “લડતાં સૈનિકોનું એક જૂથ” થાય છે.
  • ગુજરાતીમાં “પાળિયા”નો અર્થ ધર્મ, સંસ્કૃતિ અને સમાજની રક્ષાકાજે લડતાં લડતાં બલિદાન આપનાર તેમ જ યુદ્ધમાં શહીદ થયેલાં યોદ્ધાઓની યાદમાં બનાવવામાં આવતાં સ્મારક કે ખાંભી.
  • આ પ્રકારના સ્મારકો સમગ્ર ભારતમાં જોવા મળે છે. તેમાં મોટાભાગે પથ્થર પર વિવિધ શિલાલેખો અને આકૃતિઓ કોતરવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં તે પાળિયા કે ખાંભી તરીકે ઓળખાય છે.
  • સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવા હજારો સ્મારકો આવેલા છે.
  • આ સ્મારકો યોદ્ધાઓ, શૂરવીરો, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે.
  • પાળિયા મોટા ભાગે ગામ અને નગરના પાદરે બનાવવામાં આવે છે. કેટલાક પાળિયા યુદ્ધભૂમિ અને યોદ્ધાઓનાં મૃત્યુસ્થળ નજીક સ્થાપવામાં આવે છે. ઉપરાત મંદિરો અને પૂજા સ્થળોની નજીક પણ બનાવવામાં આવે છે.
  • પાળિયા, કોઈ પણ સ્થળનો ઈતિહાસ, જે-તે પ્રદેશની સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક સ્થિતિનું દર્શન કરાવે છે. તે સાંસ્કૃતિક જીવન અને ઈતિહાસનો અધ્યયન કરવાનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે.
  • પાળિયાના પથ્થરોનો દૃશ્યમાન ભાગ લગભગ ત્રણ ફૂટ ઊંચાઈ અને બે ફૂટ પહોળાઈ ધરાવે છે. શરૂઆતના પાળિયાઓમાં ટોચની કિનારી અર્ધવર્તુળાકાર હતી અને પછીના પાળિયાઓમાં તે ત્રિકોણ હતી. કોતરવામાં સરળતા પડતી હોવાથી તે મોટા ભાગે રેતિયા પથ્થરોના બનેલા હોય છે. જો પાળિયાનો રાજવીકુળ સાથે સંબંધ હોય, તો તેના પર છત્ર પણ બાંધવામાં આવે છે.
  • પાળિયારૂપી સ્મારકળાના ત્રણ ભાગ હોય છે.
  1. ટોચના ભાગે વિવિધ પ્રકારનાં પ્રતીકો.
  2. મધ્યમાં પાળિયો જેના માટે બંધાયો છે. તે વ્યક્તિનું પ્રતીક.
  3. નીચેના ભાગમાં પાળિયા વિશે નામ, સ્થળ, ઘટના અને સમય સંબંધિત માહિતી કોતરાયેલી હોય છે.
  • સ્મારકના ટોચના ભાગે સૂર્ય અને ચંદ્રના પ્રતીકો અમરકીર્તિ સૂચવે છે. શૂરવીરના પાળિયામાં અશ્વ પર આરૂઢ થયેલ યોદ્ધાનું પ્રતીક હોય છે અને સતીના પાળિયામાં સૌભાગ્યવતી સ્ત્રીનો હાથ દર્શાવવામાં આવે છે. 17મી સદી પછી બાંધવામાં આવેલ. પાળિયાઓમાં સ્વસ્તિક, દીપક અને અન્ય શણગારના પ્રતીકો જોવા મળે છે.
  • સ્મારકના મધ્ય ભાગમાં, જેતે વ્યક્તિ માટે પાળિયો બાંધ્યો હોય છે : જેમ કે વિરમગામના માંડલ ગામે સતી દેવળના પાળિયો, વઢવાણમાં રાણકદેવીનો પાળિયો, સોમનાથ મંદિરમાં હમીરાજી ગોહિલનો પાળિયો, બરડા પ્રદેશમાં મહેર બહારવટિયાની ખાંભી, મુદ્રામાં ગૌધનની વહારે ખપી જનાર વીર શિવુભાનો પાળિયો, ભૂચર મોરીના યુદ્ધમાં મુઘલ સૈન્ય સામે લડવા ઊતરેલ જામ અજાજી અને તેમના સાથીદારના પાળિયા, કેશોદના કેવયા ગામે કૂતરીની ખાંભી વગેરે.
  • સ્મારકના નીચેના ભાગે યોદ્ધાનું નામ, ગામ, તિથિ-સંવત અને ઘણામાં તેની સાથે સંકળાયેલ ઘટના અને કથા ટૂંકમાં લખેલી હોય છે.
  • ગુજરાતમાં ગામેગામ પાળિયા જોવા મળે છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી જૂનાં સ્મારકો ખાવડાના ઔંધ ગામમાં જોવા મળ્યા છે, જે લગભગ ઈ.સ. બીજી સદીના છે. 15મી સદીમાં પાળિયા બનાવવાની પ્રથા લોકપ્રિય બની અને મોટી સંખ્યામાં પાળિયા બનાવવાયા. તત્કાલીન લોકસમાજ તેના પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હતો અને તેમને “લોક દેવી-દેવતા” તરીકે પૂજતા.

પાળીયા ના પ્રકાર

  • મુખ્યત્વે 11 પ્રકારના પાળિયાઓ હોય છે.
  • ચાલો આ પાળિયાના પ્રકાર વિશે વિગતવાર જોઈએ.
  1. ખાંભી
  2. સૂરધન
  3. સતીના પાળિયા
  4. ક્ષેત્રપાળના પાળિયા
  5. યોદ્ધાઓના પાળિયા
  6. ઠેસ / થેસા
  7. ચાગિયો
  8. શૂરાપુરા
  9. ખલાસીઓના પાળિયા
  10. લોકસાહિત્યના પાળિયા
  11. પ્રાણીઓના પાળિયા

ખાંભી

  • ખાંભીનો અર્થ “સ્મૃતિરૂપે કોતરણીકામ કરેલ થાંભલો કે શિલા”.
  • ઉપરાંત ખાંભીમાં આજ્ઞાપત્ર, દાનપત્રો વગેરેનો સમાવેશ થાય છે.
  • ખાંભી ફક્ત મૃત વ્યક્તિના સ્મારકરૂપે જ નથી બનાવાતી, પરંતુ પશુઓ, જાનવરોએ કરેલ માનવતાભર્યું તેમ જ બહાદુરીભર્યાં કામો માટે પણ બનાવાય છે.
  • ઉદાહરણ : તળાજામાં વફાદાર કૂતરાના એક પગના પંજાનું પ્રતીક ખાંભીસ્વરૂપે જોવા મળે છે.

સૂરધન

  • અકસ્માત, અકુદરતી રીતે અને આપઘાત કરીને માણસ મરે છે, ત્યારે તેમની સ્મૃતિરૂપે ઊભી કરેલ ખાંભીઓને “સૂરધન” કહે છે. તેમાંના કેટલાંકને “સતીમાતા” અથવા “ઝુઝાર મસ્તિષ્ક વગરના યોદ્ધાઓ” કહે છે.
  • ઉદાહરણ : કચ્છનાં રાવપ્રાગમલજીનાં કુંવરી ફૂલજીબાની સમાધિ, સત્તાધારના આપાગીગા, અંજારમાં જેસલ-તોરલની સમાધિ વગેરે.

સતીના પાળિયા

  • આ સ્મારકો મોટા ભાગે રાજવી પરિવાર સાથે સંકળાયેલાં હોય છે, જે સતી થયેલ અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે.
  • લોકસમુદાય તેમની દેવી તરીકે પૂજા કરે છે.
  • ઉદાહરણ : ભૂચર મોરીના સૂરજકુંવરબાનો પાળિયો.

ક્ષેત્રપાળના પાળિયા

  • “ક્ષેત્રપાળ”નો અર્થ “જમીનનું રક્ષણ કરનાર દેવ” થાય છે.
  • ક્ષેત્રપાળને જમીન અને પાકનું રક્ષણકર્તા માનીને તેમને લોક-સમુદાય દ્વારા પૂજવામાં આવે છે. કેટલીક કોમોમાં ક્ષેત્રપાળ તરીકે પૂર્વજોની પૂજા કરાય છે.
  • આવા ક્ષેત્રપાળના પાળિયા ગામની બહાર અથવા ખેતરની નજીક સ્થાપવામાં આવે છે. આ પાળિયાઓ પર સાપ અથવા રક્ષણનાં પ્રતીક તરીકે આંખો દર્શાવવામાં આવે છે.

યોદ્ધાઓના પાળિયા

  • આ પાળિયાઓ યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય ત્યાં બાંધવામાં આવે છે.
  • લોકસમુદાય દ્વારા આ પાળિયાઓ થકી લડાઈના નાયકોની પૂજા કરવામાં આવે છે અને તેમને યાદ કરવામાં આવે છે.
  • ઉદાહરણ : સોમનાથ મંદિર ખાતેના વીર હમીરજી ગોહિલનો પાળિયો અને ભૂચર મોરીના પાળિયાઓ.
  • તેને “રણખાંભી” તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઠેસ / થેસા

  • યુદ્ધના મેદાનમાં બલિદાન આપનાર શૂરવીરોની યાદમાં ઘણીવાર કોતરણીકામ વગરના અણઘડ પથ્થર ઊભા કરીને તેને માથે સિંદૂર ચોપડેલા પાળિયા બનાવી દેવાયા. આવા પાળિયા “ઠેસ / થેસા” તરીકે ઓળખાયા.

ચાગિયો

  • વ્યક્તિએ જે સ્થળે શહીદી વહોરી હોય, ત્યાં નજીકમાં મોટા પથ્થરોનો ઢગલો એક કરવામાં આવે છે. જે “ચાગિયો” તરીકે ઓળખાય છે.

શૂરાપુરા

  • ગામ, દેશ, અબળા કે ટેકને ખાતર સામે છાતીએ લડીને વીરગતિ પામનાર શૂરવીરોની યાદમાં ઊભા કરાયેલ પાળિયા “શૂરાપુરા” તરીકે ઓળખાય છે.

ખલાસીઓના પાળિયા

  • ગુજરાત લાંબો દરિયાકાંઠો ધરાવે છે. આ દરિયાકાંઠે રહેતી પ્રજા વેપાર અર્થે દરિયાનું ખેડાણ કરતી હોય છે.
  • ત્યારે દરિયાઈ સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદમાં આવા પાળિયા બનાવાય છે.
  • આ પાળિયાઓ પર ઘણી વખત જહાજોનું ચિત્ર અંકિત થયેલું જોવા મળે છે.

લોકસાહિત્યના પાળિયા

અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમકથાઓ, બલિદાન, મિત્રતા વગેરે માટે કરેલ દેહત્યાગને દર્શાવે છે.
ઉદાહરણ : ભાણવડ નજીક આવેલ વીર માંગડાવાળાનો પાળિયો.

પ્રાણીઓના પાળિયા

  • પહેલાના સમયમાં ઘોડા, કુતરા, હાથી, અને ઊંટ જેવા પ્રાણીઓ લઈ અને લડાઈમાં જતા તેથી પ્રાણીઓના પાળિયા પણ ગુજરાતમાં જોવા મળે છે.
  • તેથી પ્રાણીઓના પાળિયાઓમાં શ્વાન, અશ્વ અને ઊંટ ની આકૃતિ જોવા મળે છે.

પાળિયાનું મહત્ત્વ

  • તે આપણી લોકસંસ્કૃતિનું જીવંત પ્રતીક હોવા ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓ, તત્કાલીન સામાજિક વ્યવસ્થા, ભાષાનો વિકાસક્રમ જાણવાનું માધ્યમ પણ છે.
  • પાળિયાઓનું મહત્ત્વ નીચે મુજબ છે :
  1. પાળિયાઓ પર લખાયેલ લેખની મદદથી ગુજરાતની જુદી-જુદી જાતિઓ અને જ્ઞાતિઓ વિશે માહિતી મળે છે. ઉદાહરણ : પરમાર, જાડેજા, આહીર, કાઠી, ચૌહાણ, ચુડાસમા, સોલંકી, વોહરા, કોળી વગેરે.
  2. તે તત્કાલીન સમાજના રીતિ-રિવાજો, સંસ્કૃતિ અને માન્યતાઓ વિશે માહિતી પૂરી પાડે છે. જેમ કે સતીપ્રથા જેવી પરંપરાઓ (વઢવાણમાં સતી થયેલ રાણકદેવીનો પાળિયો સ્થાપિત છે.)
  3. આ પાળિયાની મદદથી ઐતિહાસિક ઘટનાઓનાં પ્રમાણ અને ચોક્કસ સમયગાળો જાણી શકાય છે. ઉદાહરણ : વિક્રમ સંવત 1355માં અલાઉદ્દીન ખિલજીના સરદાર ઉલુઘખાને સોમનાથ પર રાઢાઈ કરી હતી. જેની માહિતી અહીં સ્થિત પાળિયા પરથી મળે છે.
  4. શરૂઆતમાં પાળિયા પરના લેખો સંસ્કૃતમાં લખાતા, જે આગળ જતાં ગુજરાતીમાં લખાતા થયા. આ સ્મારકોમાં ભાષાની ઉત્ક્રાતિ અને સમય દર્શાવવાની પદ્ધતિ જાણવામાં મદદરૂપ થાય છે, જેમ કે વીરગતિને લગતાં પાળિયાના લેખોમાં “સ્વર્ગી થયા”, “સંગ્રામે મૃતઃ”, “દેવગત થયા”, “શરીર પાડ્યું” વગેરે શબ્દો પ્રયોજાયા છે.
  5. ઘણાં પાળિયા ધાર્મિક મહત્ત્વ ધરાવતાં હોવાથી, તેને કોઈ નુકસાન કરતું નથી. આથી આવા પાળિયાઓ ખજાનો છુપાવેલી જગ્યાન અંકિત કરવા માટે પણ વપરાયા છે.

જાણવા જેવુ

  • ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હળવદ શહેર “પાળિયાઓના નગર” તરીકે જાણીતું છે.
  • ગુજરાતનો લોકસમુદાય પાળિયાઓને “લોકદેવતા” તરીકે પૂજે છે.
  • પાળિયાના પ્રકાર : ખાંભી, ઠેસ / થેશા, સુરધન, ચાગિયો, શૂરાપુરા, ખલાસીના પાળિયા, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ક્ષેત્રપાળના પાળિયા, લોકસાહિત્યના પાળિયા વગેરે …
  • દક્ષિણ ભારતમાં આવા સ્મારકો “વીરકલ” અથવા “નડુગલ” તરીકે ઓળખાય છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!