PESA Act, 1996 in gujarati – Panchayati Raj

PESA Act, 1996 in gujarati – Panchayati Raj – પેસા અધિનિયમ, 1996 – પંચાયતી રાજ

પેસા એક્ટ,1996

પેસા એક્ટ 1996

Panchayat extension to schedule area act, 1996

  • આપણા દેશના બંધારણમાં 73મા બંધારણીય સુધારા 1992થી પંચાયતોને બંધારણના ભાગ-9માં સ્થાન આપવામાં આવ્યું. પંચાયતોને બંધારણીય દરજ્જો મળી ગયો. 24 એપ્રિલ, 1993થી તેનું અમલીકરણ શરૂ થઈ ગયું. પરંતુ આ ભાગની કલમ 243 (M)ની પેટા કલમ (1)માં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે 5મી અનુસૂચિમાં સૂચવેલ આદિવાસી વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં આ ભાગ લાગુ પડશે નહિ.
  • તેમ છતાં આ ભાગની કલમ 243 (M)ની પેટા કલમ (4) (B)માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે સંસદ એક નવો કાયદો બનાવીને 73મા બંધારણીય સુધારાની જોગવાઈઓને અનુસૂચિત ક્ષેત્ર અને આદિવાસી ક્ષેત્રોમાં લાગુ કરી શકે છે.
  • ભાગ-9ની જોગવાઈઓ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી જેનાથી સમગ્ર દેશમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. પરંતુ અનુસૂચિ 5 અને અનુસૂચિ-6માં સ્થાન ધરાવતા વિસ્તારોમાં આ ભાગની જોગવાઈનો અમલ થયો નહિ. આથી આ અનુસૂચિત વિસ્તારોમાં રાજ્યોના રાજનેતાઓ પ્રધાનો વગેરે દ્વારા પંચાયતી રાજ આ વિસ્તારોમાં લાગુ થાય તે માટે ઉગ્ર માંગ કરવામાં આવી.
  • આ માંગણીઓને ધ્યાને લઈ તત્કાલીન કેન્દ્ર સરકારે બંધારણના ભાગ-9ની જોગવાઈઓનાં લાભોને આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવા માટેની કાયદાની વિશિષ્ટ બાબતોની ભલામણ કરવા માટે સંસદ સભ્યો અને નિષ્ણાંતોની સમિતિની રચના-1994માં કરવામાં આવી.

દિલીપસિંહ ભૂરીયા સમિતિ

  • કેન્દ્ર સરકાર દ્વારા જે સમિતિની રચના કરવામાં આવી તેના અધ્યક્ષ દિલીપસિંહ ભૂરીયા હતા. તેથી આ સમિતિ ભૂરિયા સમિતિના નામે પણ ઓળખાય છે.
  • આ સમિતિમાં કુલ 22 સભ્યો હતો.
  • કેન્દ્ર સરકાર દ્વારા 10જૂન, 1994ના રોજ બંધારણની અનુસૂચિ-5 અને અનુસૂચિ-6ના ક્ષેત્રોમાં ભાગ-9ની જોગવાઈઓ કઈ રીતે લાગુ કરી શકાય તેના માટે આ સમિતિની રચના કરી. આ સમિતિએ તેનો રિપોર્ટ 17 જાન્યુઆરી, 1995ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો.
  • આ સમિતિની ભલામણોના આધારે અનુચ્છેદ 243(M) (4) (B)ના અધિકારથી સંસદે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 (Panchayat Extention to Schedule Area) Act, 1996) (PESA Act, 1996) મંજૂર કર્યો અને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર, 1996ના રોજ તેના પર સહી કરતાં આ અધિનિયમ અમલી બન્યો.
  • આ કાયદાનો પ્રથમ અમલ કરનારું રાજ્ય મધ્યપ્રદેશ હતું.

દિલીપસિંહ ભૂરીયા સમિતિની મહત્ત્વની ભલામણો

  • અનુસૂચિત ક્ષેત્રોમાં પરંપરાગત સંસ્થાઓ અને આધુનિક પંચાયતી રાજની સંસ્થાનું સંગઠન કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્થાપવી જોઈએ.
  • ભારતના બંધારણની અનુસૂચિ-5માં સમાવિષ્ટ રાજયોમાં “જનજાતિ સલાહકાર પરિષદ“ની રચના કરવી જોઈએ તેના અધ્યક્ષ મુખ્યમંત્રી રહેશે અને દર ત્રણ મહિને બેઠકનું આયોજન કરવું જોઈએ. આ જ રીતે કેન્દ્રમાં વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને જનજાતિ સલાહકાર પરિષદ રચવી જોઈએ.
  • આદિજાતિ વિસ્તારોમાં પંચાયતના દરેક સ્તરે આદિજાતિ માટે 50 ટકાથી વધુ નહીં તેટલી બેઠકો અનામત રાખવી જોઈએ.
  • પંચાયતના દરેક સ્તરે અધ્યક્ષનું પદ આદિજાતિ માટે અનામત રાખવું જોઈએ.
  • તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોના સ્તરમાં આદિજાતિનું પ્રતિનિધિત્વ ન હોય તો રાજ્ય સરકાર દ્વારા પંચાયતની કુલ બેઠકના મહત્તમ 1/10 જેટલા આદિજાતિના સભ્યોની નિમણૂક કરશે.
  • આ અધિનિયમ PESA(Panchayat Extention to Schedule Area) Act, 1996 તરીકે ઓળખાશે અને ભારતના બંધારણની અનુસૂચિ-5 પ્રમાણેના અનુસૂચિત ક્ષેત્રનાં રાજ્યોને લાગુ પડશે.

અનુસૂચિ-5માં દર્શાવેલ અનુસૂચિત વિસ્તાર ધરાવતા રાજ્યો

  1. આંધ્રપ્રદેશ
  2. ગુજરાત
  3. હિમાચલ પ્રદેશ
  4. મહારાષ્ટ્ર
  5. ઓડિશા
  6. ઝારખંડ
  7. તેલંગાણા
  8. છત્તીસગઢ
  9. રાજસ્થાન
  10. મધ્યપ્રદેશ
    • આ રાજ્યોએ પોતાના પંચાયતી રાજ કાયદાઓમાં સંશોધન કરી અપેક્ષિત જોગવાઈઓ લાગુ કરેલ છે.

અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં ગ્રામસભાની સત્તા અને કાર્યો

  • PESA Act 1996માં ગ્રામસભાને વધુ મહત્ત્વ આપી તેને વિશેષ અધિકારો આપવામાં આવ્યા. જેમાનાં કેટલાક અધિકારો નીચે મુજબ છે :
    1. ગરીબી નિવારણના કાર્યક્રમ માટે લાભાર્થીઓની પ્રાથમિકતાની પસંદગી ગ્રામસભા દ્વારા થશે.
    2. ખનિજનું ખનન કરવા માટેનાં લાઈસન્સ (પરવાનો) આપતાં પહેલાં ગ્રામસભાની મંજૂરી લેવી આવશ્યક છે.
    3. ગ્રામસભા પાસેથી જમીનની તબદીલી લેતાં પહેલાં મંજૂરી લેવી પડશે.
    4. ગામની બજાર વ્યવસ્થાનું સંચાલન પણ ગ્રામસભા કરશે.
    5. સામાજિક કે આર્થિક વિકાસના કાર્યક્રમો કરવા માટે ગ્રામ પંચાયતે ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી છે.
    6. કૈફી અથવા નશીલા પદાર્થોનાં વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ.
    7. સ્થાનિક યોજનાઓ માટેના ભંડોળ પર ગ્રામસભાનું નિયંત્રણ રહેશે. ગામની અંદર આવતી ગૌણ વનપેદાશો પર પણ ગ્રામસભાની માલિકી રહેશે. (અપવાદ : રાષ્ટ્રીય વન અભ્યારણ્યો)
    8. આદિવાસીઓને નાણાં ધીરતાં પહેલાં ગ્રામસભા પાસેથી મંજૂરી લેવી પડશે.

ગુજરાતનાં અનુસૂચિત વિસ્તારો

  • ભારતના બંધારણની 5મી અનુસૂચિ મુજબ 31 ડિસેમ્બર, 1977ના રોજ રાષ્ટ્રપતિનાં હુકમથી કેટલાંક વિસ્તારોને અનુસૂચિત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા.
  • ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તાર રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે :
    1. ડાંગ : આહવા, સુબીર, વઈ
    2. સુરત : બારડોલી, મહુવા, માંગરોળ, માંડવી
    3. વલસાડ : ધરમપુર, પારડી, ઉમરગામ
    4. તાપી : વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, વાલોડ
    5. નવસારી : વાંસદા, ચીખલી
    6. ભરૂચ : વાલિયા, ઝઘડિયા
    7. નર્મદા : તિલકવાડા, નાંદોદ, ડેડિયાપાડા, સાગબારા
    8. છોટા ઉદેપુર : છોટા ઉદેપુર, નસવાડી
    9. દાહોદ : દાહોદ, ઝાલોદ, લીમખેડા, દેવગઢ બારિયા
    10. મહીસાગર : સંતરામપુર
    11. અરવલ્લી : ભિલોડા, મેઘરજ
    12. સાબરકાંઠા : ખેડબ્રહ્મા, વિજયનગર
  • ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોની પંચાયતોને સુધારવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ, 1993માં સુધારો અને 1997નો વટહુકમ બહાર પાડવામાં આવ્યો.
  • 1997ના વટહુકમને લાગુ પાડવા માટે ત્રણ મુખ્ય સુધારા કરવામાં આવ્યા.
    1. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
    2. મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ, 1879
    3. મુંબઈનો નાણાં ધીરનાર કરનારાઓનો અધિનિયમ, 1996
  • રાજ્યના જે વિસ્તારમાં 50 કે તેથી વધુ આદિજાતિ વસતી હોય ત્યાં અલગ ગ્રામ પંચાયતની રચના કરી શકાય છે.
  • ગુજરાત રાજ્યના તત્કાલીન રાજ્યપાલ દ્વારા 23-11-2001ના રોજ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની ક્લમ-9 અને કલમ-51માં બે ફેરફાર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે
    1. આદિવાસી વિસ્તારની ગ્રામ પંચાયતમાં આદિજાતિ વસતી 25 ટકા કે તેથી વધુ હશે ત્યાં કુલ બેઠકના 50 ટકા (1/2) બેઠકો આદિજાતિ લોકો માટે અનામત રાખવામાં આવશે.
    2. જે ગ્રામ પંચાયતમાં આદિજાતિ લોકોની વસતી 75 ટકા કે તેથી વધુ હશે તે પંચાયતમાં સરપંચનો હોદ્દો આદિજાતિ માટે અનામત રખાશે.
  • ઈ.સ. 2017માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેસા એક્ટ (PESA Act)માં કેટલાક સુધારા સાથે ગુજરાત પંચાયતની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ હેઠળના PESA નિયમો, 2017 પસાર કર્યો અને છોટા ઉદેપુર ખાતેથી યોજાયેલા વનબંધુ કલ્યાણ મેળામાં અમલીકરણની જાહેરાત કરી.
PESA Act,1996
  • PESA માં સમાવિષ્ટ તાલુકાની કુલ સંખ્યા : 50
  • PESA માં સમાવિષ્ટ ગ્રામ પંચાયતની કુલ સંખ્યા : 2678
  • PESA માં સમાવિષ્ટ ગામોની કુલ સંખ્યા : 4503

ગૌણ વનપેદાશ

  • ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-108 કેઠળ ગ્રામ પંચાયતોને ગૌચર જમીન, રસ્તા, કૂવા હેન્ડપંપ, નાળા, તળાવ, નહેર ઉપરાંત જંગલ વિસ્તારની ગૌણ વનપેદાશો ઉપર પંચાયતનો અધિકાર રહેશે.
  • ગૌણ વનપેદાશ વ્યાપારરાષ્ટ્રીયકરણ અધિનિયમ, 1979 મુજબ ગુજરાતમાં ગૌણ વનપેદાશનો વેપાર થાય છે તથા આ અધિનિયમ મુજબ ગુજરાતમાં 13 ગૌણ વનપેદાશો આવેલી છે. આ ગૌણ વનપેદાશોની માલિકી પંચાયતની રહેશે.
  • ગ્રામસ્તરે ગાણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ સરપંચ જ્યારે તાલુકા કક્ષાએ અધ્યક્ષનું પદ તાલુકા વિકાસ અધિકારી સંભાળશે.
www.educationvala.com

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!