Sansadna Satra (Session of parliament) – Bharatnu Bandharan

સંસદના સત્ર

  • સંસદના બંને ગૃહોના સભ્યો દેશના અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. તેઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. લોકોના પ્રશ્નો સંસદમાં રજૂ કરવા તેમજ દેશ માટે નિર્ણયો લેવામાં અને કાયદાઓ બનાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય છે.
  • સંસદના બંને ગૃહના સભ્યો સંસદમાં કાર્ય કરવા માટે ભેગા થાય તેને સત્ર યોજાયું તેમ કહેવાય.
  • બંધારણના અનુચ્છેદ 85 મુજબ રાષ્ટ્રપતિ સંસદના દરેક ગૃહની બેઠક પોતાને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે વખતોવખત બોલાવશે, પરંતુ એક સત્રની અંતિમ બેઠક અને પછીના સત્રની પ્રથમ બેઠક વચ્ચે 6 મહિના કરતા વધુ ગાળો પડવો જોઈએ નહીં.
  • સામાન્ય રીતે સત્ર અંગે ગૃહના સભ્યોને 2 અઠવાડિયા અગાઉ નોટિસ આપવામાં આવે છે.
  • વર્ષ દરમિયાન સંસદના ઓછામાં ઓછા બે સત્ર યોજાવા જોઈએ, પરંતુ વધુમાં વધુ કેટલા યોજાવા જોઈએ તે અંગે સ્પષ્ટતા નથી એટલે કે વધુમાં વધુ ગમે તેટલા યોજાઈ શકે.
  • ભારતમાં વર્ષ દરમિયાન ત્રણ સત્ર યોજવામાં આવે છે.
    1. બજેટ સત્ર (ફેબ્રુઆરી-મે)
    2. ચોમાસુ સત્ર (જુલાઈ-સપ્ટેમ્બર)
    3. શિયાળુ સત્ર (નવેમ્બર-ડિસેમ્બર)
  • સત્ર યોજાયું હોય ત્યારે ગૃહની દરરોજ બેઠક હોય છે. કેટલા દિવસ સુધી સત્ર શરૂ રહેશે તે નિશ્ચિત નથી. ગૃહના પીઠાસીન અધિકારી સત્ર દરમિયાન કરવાની કામગીરી નિર્ધારિત કરતા હોય છે. એટલે સત્ર દરમિયાન કેટલી બેઠકો યોજાશે તે કામગીરી પર આધાર રાખે છે.
  • સામાન્ય રીતે શિયાળુ સત્ર સૌથી ટૂંકુ અને બજેટ સત્ર સૌથી લાંબુ સત્ર રહેલું હોય છે.

બજેટ સત્ર (ફેબ્રુઆરી-મે)

  • આ સત્ર સરકાર માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ સત્ર દરમિયાન બજેટ પસાર થાય છે.
  • આ સત્ર દરમિયાન બજેટ પર ચર્ચા થાય છે. સરકારની આર્થિક નીતિઓ તેમજ કરમાળખા પર ચર્ચા થાય છે.
  • બજેટ સત્રમાં બે ભાગ પડે છે, પહેલા ભાગમાં બજેટની રજૂઆત અને ચર્ચા તેમજ મહિનાના અંતર પછીના બીજા ભાગમાં બજેટ પર મતદાન લેવામાં આવે છે.
  • આ સત્ર સામાન્ય રીતે રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થાય છે.

ચોમાસુ સત્ર (જુલાઈ-સાપ્ટેમ્બર)

  • આ સત્રમાં લોકહિતના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે.

શિયાળુ સત્ર (નવેમ્બર-ડિસેમ્બર)

  • આ સત્ર સૌથી ટૂંકું સત્ર છે.
  • વર્ષ દરમિયાન અગાઉના સત્રમાં અધુરા રહેલા કાર્યો આ સત્રમાં પુરાં કરવામાં આવે છે.

સત્ર સ્થગન

  • સત્ર દરમિયાન ગૃહની દરરોજ બેઠક મળે છે. સામાન્ય રીતે દરરોજ સવારે 11 થી 1 અને ત્યારબાદ 2 થી 6 કલાક સુધી કાર્ય ચાલે છે.
  • ગૃહના પીઠાસીન અધિકારી દ્વારા સત્રને નિશ્ચિત સમય માટે કેટલીક કલાક અથવા દિવસો કે અઠવાડિયા સ્થગિત કરવામાં આવે છે, જેને સત્ર સ્થગન કહે છે.
  • સ્થગનથી ગૃહનું અધિવેશન સમાપ્ત થઈ જતું નથી પરંતુ ગૃહની કાર્યવાહી સુચિત સમય સુધી સ્થગિત થઈ જાય છે.
  • સ્થગન દરમિયાન ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવે છે.
  • સ્થગનની અસર પૂરી થયા પછી ગૃહનું અગાઉનું બાકી રહેલું કામ કે ચર્ચા આગળ ચાલે છે.
  • તેનાથી ખરડા પસાર કરવાની પ્રક્રિયા પર કોઈ અસર થતી નથી.

Sine die (સિને ડાઈ)

  • જ્યારે ગૃહના પીઠાસીન અધિકારી દ્વારા સત્રને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે છે તેને Sine die કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગૃહના સભ્યોને પછીની બેઠક ક્યારે યોજાશે તે જણાવ્યા વિના ગૃહની બેઠક અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે તેને Sine die કહે છે.
  • અંગ્રેજીમાં સાઈન ડાઈનો અર્થ થાય છે કે “આગામી બેઠકનો દિવસ નક્કી કર્યા વગર”
  • સામાન્ય રીતે ગૃહના અંતિમ દિવસે ગૃહને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવે છે.

સત્રાવસાન

  • ગૃહના પીઠાસીન અધિકારી સત્રની કામગીરી પૂર્ણ થતા ગૃહને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરે છે.
  • ગૃહને સ્થગિત કર્યાના કેટલાક દિવસોમાં રાષ્ટ્રપતિ સત્રની સમાપ્તિની ઘોષણા કરે છે.
  • જો કે, રાષ્ટ્રપતિ સત્રની કામગીરી શરૂ હોય ત્યારે પણ સત્રાવસાન કરાવી શકે છે. કલમ – 85(2)(ક) મુજબ રાષ્ટ્રપતિ ગૃહની સત્ર સમાપ્તિ કરી શકશે.
  • રાષ્ટ્રપતિ સત્ર બોલાવવાની અને સત્રાવસાન કરાવવાની કામગીરી વડાપ્રધાનની ભલામણને આધીન રહીને કરે છે.

ગૃહનું વિસર્જન

  • સંસદના બંને ગૃહોમાંથી રાજ્યસભા કાયમી ગૃહ છે, એટલે કે તેનું વિસર્જન થઈ શકતું નથી, પરંતુ લોકસભાનું વિસર્જન થઈ શકે છે.
  • અનુચ્છેદ 85(2)(ખ) મુજબ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે.
  • નીચેના કારણોસર લોકસભાનું વિસર્જન થઈ શકે છે.
  • લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થતાં તેનું વિસર્જન
  • વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ લોકસભાનો કાર્યકાળ પૂર્ણ ન થયો હોય તો પણ વિસર્જન કરી શકે છે.

ગૃહના સ્થગન અને સત્રાવસાન વચ્ચેનો તફાવત

  • સ્થગન :
    1. સ્થગન એટલે સત્ર દરમિયાન નિશ્ચિત સમય માટે ગૃહની કામગીરી મુલતવી રાખવામાં આવે.
    2. સ્થગન ગૃહના પીઠાસીન અધિકારી દ્વારા કરવામાં આવે છે.
    3. સ્થગનથી ગૃહની કામગીરી પર કોઈ અસર થતી નથી, નવી બેઠકથી કામગીરી શરૂ કરવામાં આવે છે.
  • સત્રાવસાન :
    1. સત્રાવસાન એટલે સત્ર દરમિયાન કારીગરી પૂર્ણ થતા સત્ર સમાપ્ત કરવામાં આવે.
    2. સત્રાવસાન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
    3. સત્રાવસાનથી ગૃહમાં ચર્ચામાં રહેલા વિધેયક અથવા કામગીરી પર અસર થતી નથી. નવા સત્રથી કામગીરી શરૂ કરવામાં આવે છે. (બ્રિટનમાં સત્ર પૂર્ણ થતા વિચારાધીન વિધેયકો સમાપ્ત થાય છે)
સ્થગન અને સત્રાવસાન વચ્ચેનો તફાવત

સંસદમાં મતદાન

  • મતદાન માટે ખાસ કરીને ધ્વનિમત લેવામાં આવે છે. ગૃહમાં કોઈ ખરડા કે કોઈ પ્રશ્ન બાબતે વિવાદ થાય ત્યારે સહમતિ આપનાર સભ્યો “Aye” શબ્દ ઉપયોગ કરે છે અને વિરોધી મત માટે “No” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
  • તે બાબતે કોઈ વાંધો ઉઠાવે ત્યારે અધ્યક્ષ તેઓને લોબી ખાલી કરવાનો આદેશ આપે છે. 3.5 મિનિટ પછી ફરીથી ધ્વનીમત લેવામાં આવે છે. જો કે આ પરંપરા બંધ થઈ ગઈ છે. ફરીથી વાંધો હોય ત્યારે “ના” માટે લાલ રંગ તથા “હા” માટે લીલા રંગની ચિઠ્ઠીઓ વહેંચવામાં આવે છે અને તેના પર સહી કરવાની હોય છે.
  • હાલના સમયમાં હવે સીટ પર 3 બટનો હોય છે. “ના” માટે લાલ, “હા” માટે લીલો અને “મત આપવા ન ઈચ્છતા હોય” તો કાળા રંગનું બટન દબાવી શકાય છે. પરંતુ ટેકનીકલ ખામી હોય તો ઉપરની ચિઠ્ઠીવાળી પદ્ધતિ અપનાવવામાં આવે છે.

દીર્ઘાવકાશ / વિશ્રાંતીકાળ

  • સત્રાવસાન અને નવાસત્રની શરૂઆત વચ્ચેના સમયને દિર્ઘાવકાશ કહે છે.

સંસદમાં ભાષા

  • બંધારણમાં હિન્દી અને અંગ્રેજી ભાષાને ગૃહની કાર્યવાહી માટેની ભાષા ઘોષિત કરી છે. પરંતુ અધ્યક્ષ અને સભાપતિ કોઈપણ સદસ્યને પોતાની માતૃ ભાષામાં બોલવાનો અધિકાર આપી શકે છે.
  • બંધારણ લાગુ થયા સમયે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે બંધારણ લાગુ થયાનાં 15 વર્ષ બાદ અંગ્રેજી સ્વતઃ સમાપ્ત થઈ જશે. (1965) પરંતુ રાજભાષા અધિનિયમ, 1963 હિન્દીની સાથે અંગ્રેજીની અનુમતિને ચાલુ રાખે છે.

મંત્રીઓ અને એટર્ની જનરલના અધિકારો

  • ગૃહના સદસ્ય હોવા ઉપરાંત પ્રત્યેક મંત્રી અને એટર્ની જનરલ પાસે એ અધિકાર હોય છે કે તે ગૃહમાં પોતાનાં વિચાર રજૂ કરી શકે છે, ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, બન્ને ગૃહોની સંયુકત બેઠકમાં ભાગ લઈ શકે છે.
  • તે ગૃહની કોઈપણ સમિતિમાં કે જેનાં તે સદસ્ય હોય તેની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન આપી શકતાં નથી.
  • એક મંત્રી, તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે જેનો તે સદસ્ય નથી.
  • એક મંત્રી, જે કોઈપણ ગૃહનો સદસ્ય નથી તે કોઈપણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. અહીં એ નોંધવું રહ્યું કે કોઈ મંત્રી ગૃહનાં સદસ્ય બન્યાં વગર 6 મહિના સુધી જ મંત્રી પદ પર રહી શકે છે.

લેમ ડક સત્ર / પંગુ સત્ર

  • લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોય તે અગાઉ નવી લોકસભાની સામાન્ય ચૂંટણી કરાવવી આવશ્યક છે.
  • નવી લોકસભા માટેની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ જૂની લોકસભાનું જે સત્ર બોલાવવામાં આવે તેને લેમ ડક સત્ર કહે છે.
  • રાજકીય પરિભાષામાં લેમ ડક એવા સભ્યો માટે ઉપયોગમાં લેવાય છે જેઓ નવી લોકસભાની ચૂંટણી હારી ગયા હોય. આ શબ્દ અમેરિકામાં વધુ ખ્યાતિ પામ્યો છે.

ખાસ સત્ર

  • વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ સંસદનું ખાસ સત્ર બોલાવી શકે છે.
  • ખાસ સત્રનો ઉદ્દેશ સરકારના ખાસ વિધેયકોને પસાર કરાવવાનો અથવા તેના પર ચર્ચા કરવાનો હોય છે. ખાસ સત્ર દરમિયાન ગૃહની અન્ય કામગીરી જેમકે પ્રશ્નોતરી કે ઠરાવ વગેરે થતા નથી.
  • કોઈ કારણસર દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની ઘોષણા કરવામાં આવી હોય અને સભ્યોને કટોકટી અંગેનું કારણ અયોગ્ય જણાય તો ગૃહના દસમાં ભાગના સભ્યો ગૃહના પીઠાસીન અધિકારીને લેખિતમાં આપે તો ગૃહનું ખાસ સત્ર આયોજિત થઈ શકે છે.

  • સત્ર બોલાવવું (Summoning) : રાષ્ટ્રપતિ
  • સ્થગન / સત્ર મોકૂફી (Adjournment) : જે તે ગૃહના અધ્યક્ષ / સભાપતિ
  • અનિશ્ચિતકાળ માટે સ્થગન (Adjournment Sine die) : જે તે ગૃહના અધ્યક્ષ / સભાપતિ
  • સત્રાવાસન / સત્ર સમાપ્તિ (Prorogation) : રાષ્ટ્રપતિ
  • વિઘટન (Dissolution) : રાષ્ટ્રપતિ
સંસદના સત્ર

જાણવા જેવું

  • બંધારણનો અમલ થયાના શરૂઆતના વર્ષોમાં સંસદમાં વર્ષ દરમિયાન 130થી 140 દિવસોની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ હાલના વર્ષોમાં 70થી 80 દિવસોની કામગીરી કરવામાં આવે છે.
  • બ્રિટનમાં વર્ષ દરમિયાન એક જ સત્ર ચાલે છે એટલે કે પાંચ વર્ષમાં પાંચ સત્ર યોજાય છે.

Leave a Comment

error: Content is protected !!