સાંસ્કૃતિક વનો
વન મહોત્સવએ ગુજરાતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે. જેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950 / 51 માં કરવામાં આવી હતી.
વન મહોત્સવ 1 જુલાઈ થી 7 જુલાઈ વચ્ચે મનાવવામાં આવે છે.
ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજવણી ચાલુ કરવામાં આવી છે.
સાંસ્કૃતિક વનોના હેતુઓ
- ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને માહિતગાર કરવા.
- વૃક્ષ આચ્છાદન હેઠળનો વિસ્તાર વધારવામાં લોકોની સક્રિય ભાગીદારી.
- વૃક્ષો થકી લોક કલ્યાણ.
- વધુ વૃક્ષો વાવો અને જતન કરો.
- વૃક્ષો પ્રત્યે લોકોમાં પ્રેમભાવના જાગૃત કરવી.
- જૈવિક વિવિધતા અને પર્યાવરણમાં સુધારો.
- ધાર્મિક સ્થળોનો વિકાસ.
- ઉજાણી (પીકનીક) સ્થળો વધારવા.
- રોજગારી ઉત્પન્ન કરવી.
- આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવા.
સાંસ્કૃતિક વન
ભારતીય સંસ્કૃતિના કે વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ વૃક્ષો તથા વેલાઓના સાનિધ્યમાં રહેતો હતો. પૂર્વજોએ પ્રાચીન સમયથી આ વિષયોનો ગહન અભ્યાસ કરી આ અંગેની માહિતી સંગ્રહીત કરેલ છે. પૂર્વજોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે વૃક્ષોની અગત્યતા સમજાયેલ હતી, તેથી જ તેઓ વૃક્ષોની પૂજા કરતા હતા. હાલમાં પણ આપણા મોટાભાગના ધાર્મિક તહેવારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષોની પૂજા થાય છે.
વૃક્ષોની માનવ સમાજ પર સીધી અસર થાય છે. તેવા ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તેમજ ખાસ કરીને ચિકિત્સામાં છે. આજનો માનવ જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ, આયુર્વેદ વગેરે વિષયોમાં વધુ વિશ્વાસ રાખતો થયો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, એલોપેથીક, હોમીયોપેથીક તેમજ બાયોકેમીકલ દવાઓ બનાવવામાં વૃક્ષો, વેલા, વનસ્પતિના મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ ઉપયોગી થાય છે, તે સર્વાદિત હકીકત છે. કેટલાક વૃક્ષોનું વાવેતર કરવાથી અનિષ્ટ તત્વો દૂર થાય છે અને વ્યક્તિના જીવન ઉપર તેની હકારાત્મક અસર થતી હોવાની પણ માન્યતા છે.
વૃક્ષોની આવી અસરો વિશે આધુનિક વિજ્ઞાન કદાચ સંમત ન પણ થાય. પરંતુ આપણી પરંપરાથી ચાલી આવતી માન્યતાઓ તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ વર્ણવેલું છે. ગ્રહ, નક્ષત્ર, રાશિ, ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્ર બિંદુમાં રાખી કરેલ વૃક્ષ વાવેતર અને વૃક્ષ સરક્ષણથી માનવ સમાજ ઉપર તેની હકારાત્મક અસર થાય છે.
ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ વૃક્ષ વાવેતરોને સામાન્ય રીતે સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે.
નવગ્રહ વન
અવકાશમાં ખડકાળ કે વાયુમય પીંડો કે જે સૂર્યપ્રકાશના સ્થિર પ્રકાશે ચમકે છે અને તારાઓ કરતાં ઘણાં નજીકના અંતરે છે. તેવા ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગતિ કરતાં પીંડોને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. આપણા સૂર્યમંડળમાં ખગોળશાસ્ત્ર મુજબ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ (પ્રજાપતિ), નેપ્ચ્યુન (વરૂણ) અને પ્લુટો (યમ) એમ કુલ નવ ગ્રહો છે. સૂર્ય એક તારો છે. અને ચંદ્ર આપણી પૃથ્વી ફરતે ભ્રમણ કરતો ઉપગ્રહ છે.
જયોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એમ નવ ગ્રહો ગણવામાં આવ્યા છે. રાહુ-કેતુ ખરેખર કાલ્પનિક બિંદુઓ છે, જેને છાયા ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવી માન્યતા છે કે, ગ્રહોના જુદા જુદા નક્ષત્રોમાં ભ્રમણનો માનવજીવન પર પ્રભાવ પડે છે. આ પ્રભાવ અનુકૂળ અને પ્રતિકૂળ હોઇ શકે છે. ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવના નિવારણના અનેક ઉપાયો શાસ્ત્રોમાં દર્શાવેલ છે, જેમાં વૃક્ષ ઉપાસના પણ એક મહત્વનો ઉપાય છે.
ગ્રહ – આરાધ્ય વૃક્ષ
સુર્ય – આકડો
ચંદ્ર – ખાખરો
મંગળ – ખેર
બુધ – અધેડો
ગુરુ – પીપળો
શુક્ર – ઉમેરો
શનિ – ખીજડો
રાહુ – ધરો
કેતુ – દર્ભ

નક્ષત્ર વન
બ્રહ્માંડમાં વાયુથી બનેલા સ્વયંપ્રકાશિત, અનંત અંતરે આવેલા, સ્થિર અને બિંદુ જેવા દેખાતા પીંડોને આપણે તારાઓ તરીકે ઓળખીએ છીએ. અમુક તારાઓના જૂથને તારામંડળ તરીકે નામકરણ કરવામાં આવેલ છે. ગ્રહમાર્ગ કે સૂર્યમાર્ગ પર સ્થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને 27 ભાગમાં વિભાજીત કરીને ‘નક્ષત્રો’ તરીકે નામ આપી ઓળખવામાં આવે છે. 3600° ના વૃત્ત (વર્તુળ) ના 27 નક્ષત્રના ભાગ પડતાં દરેક નક્ષત્ર લગભગ 13°20′ ના અંતરે સ્થિત છે. અવકાશમાં ગ્રહો અને સૂર્ય જે એક ચોક્કસ માર્ગ પર ભ્રમણ કરતાં જોવાય છે. તેને અનુક્રમે ગ્રહમાર્ગ અને ક્રાંતિવૃત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન તેમજ અર્વાચીન કાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે, જેને આપણે વિવિધ સ્વરૂપે અને વિવિધ પદ્ધતિઓ વડે અનુસરતાં રહ્યા છીએ. તેમાં વૃક્ષ ઉપાસના પદ્ધતિનો સમાવેશ થઇ જાય છે. આપણી રાશિ, નક્ષત્ર અને દરેક ગ્રહોનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવેલ છે. તે મુજબ આપણને અનુકૂળ વૃક્ષો વાવવા જોઇએ તેમજ તેની રક્ષા કરવી જોઇએ.
નક્ષત્ર : આરાધ્ય વૃક્ષ
અશ્વિની : ઝેર કોચલું
ભરણી : આમળા
કૃતિકા : ઉમરો
રોહીણી : જાંબુ
મૃગશીર્ષ : ખેર
આદ્રા : કૃષ્ણાર્જુન (અગર), શીશુ
પુનર્વસુ : વાંસ
પુષ્ય : પીપળો
આશ્લેષા : નાગકેસર, નાગચંપો
મઘા : વડ
પૂ. ફાલ્ગુની : ખાખરો
ઉ. ફાલ્ગુની : પીપળી
હસ્ત : જુઇ, પીળી જુઇ, અરીઠા
ચિત્રા : બીલી
સ્વાતિ : અર્જુન સાદડ
વિશાખા : નાગકેશર, વિકળો
અનુરાધા : બોરસલ્લી, નાગકેસર
જયેષ્ઠા : સીમળો
મૂળ : ગરમાળો, સાલ
પુર્વાષાઢા : પાણીની નેતર
ઉત્તરાષાઢા : ફણસ, જમીનનું નેતર
શ્રવણ : આકડો (સફેદ આકડો)
ઘનિષ્ઠા : ખીજડો
શત તારાકા : કંદમ્બ
પૂર્વ ભાદ્રપદ : આંખો
ઉ.ભાદ્રપદ : લીમડો, અરીઠા
રેવતી : મહુડો

રાશી વન
પૌરાણિક શાસ્ત્રોમાં સમગ્ર નભો મંડળને 12 રાશિઓમાં વિભાજીત કરવામાં આવેલ છે. દરેક રાશિના 21/4 નક્ષત્ર એટલે કે, કુલ 9 ચરણનો સમાવેશ થાય છે. ગ્રહમાર્ગ કે ક્રાંતિવૃતના 3600ના 12 ભાગ કરતાં દરેક રાશિનો વિસ્તાર લગભગ 300 જેટલો થાય છે.
રાશિમાં રહેલ નક્ષત્રો કે તારાઓના કાલ્પનિક બિંદુઓ દ્વારા જે આકારો રચાય છે. તેના આધારે રાશિઓના નામ આપવામાં આવ્યા છે. જે મોટા ભાગે પ્રાણીઓના આકાર પ્રમાણે છે. શાસ્ત્રોમાં દરેક રાશિના આરાધ્ય વૃક્ષો પણ સૂચવેલ છે. જે તે વ્યકિતની જન્મ રાશિ પ્રમાણે વૃક્ષની વાવણી, સંવર્ધન અને રક્ષણ શુભ ગણાય છે.

પંચવટી
પાંચ પવિત્ર, છાંયાવાળા, ઘટાદાર વૃક્ષોના સમૂહને પંચવટી કહેવામાં આવે છે. પંચવટીની સ્થાપના સામાન્ય રીતે વર્તુળ આકારમાં કરવામાં આવે છે. વર્તુળના કેન્દ્રથી 5 મીટરની ત્રિજયાના વર્તુળના પરિઘ ઉપર ચાર દિશામાં 4 (ચાર) બીલીના વૃક્ષ વાવવામાં આવે છે. કેન્દ્રથી 10 મીટર ત્રિજયાના વર્તુળના પરિઘ ઉપર ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખૂણે વડના 4 (ચાર) વૃક્ષો વાવવામાં આવે છે. કેન્દ્રથી 20 મીટર ત્રિજયાના વર્તુળના પરિઘ ઉપર 5 મીટરના અંતરે 25 (પચ્ચીસ) અશોકના વૃક્ષો વાવવામાં આવે છે. કેન્દ્રથી 25 મીટરની ત્રિજયાના વર્તુળના પરિઘ ઉપર દક્ષિણ દિશાથી 5 મીટરના અંતરે બન્ને તરફ 2 (બે) આમળાના વૃક્ષો વાવવામાં આવે છે જયારે કેન્દ્રથી 30 મીટરની ત્રિજયાના પરિઘ ઉપર ચારેય દિશામાં એક-એક એમ 4 (ચાર) પીપળાના વૃક્ષો વાવવામાં આવે છે. આમ, ઉપર મુજબ વાવણી કરવાથી કુલ – 39 વૃક્ષોની પંચવટીની રચના થઇ શકે છે.

તીર્થંકર વન
જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોએ વૃક્ષ નીચે કૈવલજ્ઞાન પ્રાપ્ત કરેલ અને આ બધા વૃક્ષો કૈવલી વૃક્ષો તરીકે જૈનોમાં આદર ધરાવે છે. તીર્થંકર વનમાં કલ્પવૃક્ષ યંત્ર પ્રમાણે તેની સ્થળ પર રચના કરવામાં આવે છે. આ યંત્રમાં તીર્થંકરોનું ચોક્કસ સ્થાન નક્કી છે. તે પ્રમાણે 24 તીર્થંકરોના કેવલી વૃક્ષો ધરાવતું તીર્થંકર વન તૈયાર કરવામાં આવે છે.
શ્રી ઋષભદેવ સ્વામી : વડ
શ્રી અજિતનાથ સ્વામી : સપ્તપર્ણી
શ્રી સંભવનાથ સ્વામી : સાલ
શ્રી અભિનંદન સ્વામી : ચારોલી
શ્રી સુમતીનાથ સ્વામી : દહિયા ; સપ્તપર્ણી
શ્રી પદ્મપ્રભ સ્વામી : વડ
શ્રી સુપાર્શ્વનાથ સ્વામી : સીરસ
શ્રી ચંદ્રપ્રભ સ્વામી : સુલતાના ચંપો
શ્રી સુવિધિનાથ સ્વામી : બિલી
શ્રી શીતલનાથ સ્વામી : પીપર
શ્રી શ્રેયાંસનાથ સ્વામી : અશોક
શ્રી વાસુપુજય સ્વામી : લોદ્ર
શ્રી વિમલનાથ સ્વામી : જાંબુ
શ્રી અનંતનાથ સ્વામી : અશોક
શ્રી ધર્મનાથ સ્વામી : ખાખરો
શ્રી શાંતિનાથ સ્વામી : દેવદાર
શ્રી કાન્ઘુનાથ સ્વામી : લોદ્ર
શ્રી અરનાથ સ્વામી : આંબો
શ્રી મલ્લિનાથ સ્વામી : અશોક
શ્રી સુવ્રત સ્વામી : સોન ચંપો
શ્રી નામીનાથ સ્વામી : બોરસલી
શ્રી નેમીનાથ સ્વામી : નેતર
શ્રી પાર્શ્વનાથ સ્વામી : ધાવડી
શ્રી મહાવીર સ્વામી : સાલ

સપ્તર્ષિ વન
પૌરાણિક કથાઓ મુજબ ભારતના મુખ્ય સાત ઋષિઓના નામો સપ્તર્ષિના તારા સાથે સંકળાયેલ છે. ઉત્તર દિશામાં ધ્રુવના તારાની નજીક સાત તારાઓનો સમુહ ઇશાન દિશામાં ઉગીને વાયવ્ય દિશામાં અસ્ત પામતો જણાય છે. જે સપ્તર્ષિ તરીકે ઓળખાય છે. તેનું ધાર્મિક ગ્રંથોમાં વિગતવાર વર્ણન ઈષ્ટ વનસ્પતિ સહિત નીચે મુજબ છે.
(1) કશ્યપ – તુલસી અને અળસી
(2) અત્રિ – અગથીયો અને કમળ
(3) ભારદ્વાજ – અધેડો અને સોપારી,
(4) વિશ્વમિત્ર – બૌલી અને અનંતમૂળ
(5) ચૈતમ – ધતુરો અને ચમેલી
(6) વશિષ્ઠ – શમી અને તુલસી
(7) જમદગ્નિ – દુર્વા અને માલતી,
આકાશમાં દ્રષ્ટિમાન થતાં સાત તારાઓની કૃતિમાં સપ્તર્ષિ વન કરવામાં આવે છે.
શ્રીપર્ણી વન
હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ‘શ્રીપર્ણી’ ના વૃક્ષમાં ‘દેવી લક્ષ્મી’ નો વાસ છે. આ વૃક્ષના સ્થળે પવિત્ર વાતાવરણ સર્જાય છે. તેથી દેવી લક્ષ્મીનો ભગવાન વિષ્ણુ સાથે આવા સ્થળે નિવાસ થાય છે. આ વૃક્ષ વાવનાર તથા તેની પૂજા કરનારની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો થતો હોવાની માન્યતા છે.

આરોગ્ય વન
પૌરાણિક શાસ્ત્રો મુજબ માનવ શરીરનાં જુદા જુદા અંગો માટે ઔષધીય વનસ્પતિનો ઉપયોગ આડ અસર વગર થાય છે, જે માનવ માટે કલ્યાણકારી હોય છે. શરીરના વિવિધ અંગોમાં થતી બિમારીઓમાં વપરાતી ઔષધીય વનસ્પતિઓ જેવી કે, બ્રાહ્મી : સ્મરણ શકિત માટે, સર્પગંધા અને અશોક : હૃદય રોગો તેમજ તણાવ દુર કરવા માટે, આમળા અને સોનામુખી : અપચા માટે, ગુગળ અને ગળો : હાથ અને પગના સાંધાના રોગો દૂર કરવા માટે ઉપયોગી છે. આવી વિવિધ વનસ્પતિઓનું વાવેતર આરોગ્ય વનમાં કરવામાં આવે છે.
સાંસ્કૃતિક વન
પુનિત વન
સ્થાપના : 55 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2004
સ્થળ : ગાંધીનગર
માંગલ્ય વન
સ્થાપના : 56 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2005
સ્થળ: અંબાજી ( બનાસકાંઠા )
તીર્થંકર વન
સ્થાપના : 57 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2006
સ્થળ : તારંગા ( મહેસાણા )
હરિહર વન
સ્થાપના : 58 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2007
સ્થળ : સોમનાથ ( ગીર સોમનાથ )
ભક્તિ વન
સ્થાપના : 59 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2008
સ્થળ : ચોટીલા ( સુરેન્દ્રનગર )
શ્યામલ વન
સ્થાપના : 60 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2009
સ્થળ : શામળાજી ( અરવલ્લી )
પાવક વન
સ્થાપના : 61 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2010
સ્થળ : પાલીતાણા ( ભાવનગર )
વિરાસત વન
સ્થાપના : 62 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2011
સ્થળ : પાવાગઢ ( પંચમહાલ )
ગોવિંદ ગુરુ સ્મૃતિ વન
સ્થાપના : 63 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2012
સ્થળ : માનગઢ ( મહીસાગર )
નાગેશ વન
સ્થાપના : 64 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2013
સ્થળ : દેવભૂમિ દ્વારકા
શક્તિ વન
સ્થાપના : 65 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2014
સ્થળ : કાગવડ ( જેતપુર , રાજકોટ )
જાનકી વન
સ્થાપના : 66 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2015
સ્થળ : વાસંદા ( નવસારી )
આમ્ર વન
સ્થાપના : 67 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2016
સ્થળ : ધરમપુર ( વલસાડ )
એકતા વન
સ્થાપના : 67 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2016
સ્થળ : બારડોલી ( સુરત )
મહીસાગર વન
સ્થાપના : 67 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2016
સ્થળ : વહેરાની ખાડી ( આણંદ )
શહીદ વન
સ્થાપના : 67 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2016
સ્થળ : ભૂચર મોરી ( ધ્રોલ,જામનગર )
વિરાંજલિ વન
સ્થાપના : 68 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2017
સ્થળ : પાલ દઢવાવ (સાબરકાંઠા)
રક્ષક વન
સ્થાપના : 69 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2018
સ્થળ : રુદ્રમાતા ડેમની બાજુમાં ( કચ્છ )
જડેશ્વર વન
સ્થાપના : 70 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2019
સ્થળ : અમદાવાદ
રામ વન
સ્થાપના : 71 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2020
સ્થળ : રાજકોટ
મારુતિનંદન વન
સ્થાપના : 72 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2021
સ્થળ : કલગામ ( વલસાડ )
વટેશ્વર વન
સ્થાપના : 73 માં વન મહોત્સવ દરમિયાન
વર્ષ : 2022
સ્થળ : દુધરેજ (સુરેન્દ્રનગર)