Sarvnam – Gujarati Vyakaran – સર્વનામ અને તેના પ્રકારો – ગુજરાતી વ્યાકરણ
સર્વનામ

• ગુજરાતી ભાષામાં વાતચીતમાં કે વર્ણનમાં એકવાર “નામ” કે “સંજ્ઞા” પ્રયોજાયા પછી વારંવાર એ “સંજ્ઞા” નો પ્રયોગ અર્થઘટનને મુશ્કેલ બનાવે છે, તેથી એ નામ કે સંજ્ઞાને સ્થાને પ્રયોજાતા શબ્દને “સર્વનામ” કહેવાય છે.
જેમ કે, “તે હોશિયાર છે”, “તું કાલે ચોક્કસ મળજે”, “તમે મને ઓળખો છો”, “એમને મોકલજો” .
• આ વાક્યોમાં “તે”, “તું “, “તમે” , “મને”, “એમને” વગેરે સર્વનામ છે, તેમનો પ્રયોગ નામના સ્થાને થયો છે. સર્વનામ નામ અને વિશેષણથી ભિન્ન હોય છે. સર્વનામને નામની જેમ સંબોધનને સ્થાને વાપરી શકાય નહિ. વળી વિશેષણથી એટલા માટે જુદું પડે છે કે તે નામ પહેલાં વિશેષણરૂપે પ્રયોજી શકાતું નથી.
• ગુજરાતી ભાષામાં પ્રયોગાનુસાર સર્વનામના સાત પ્રકારો પાડવામાં આવ્યા છે.
• પુરુષવાચક
• સાપેક્ષવાચક
• પ્રશ્નવાચક
• નિશ્ચિતવાચક / દર્શકવાચક
• અનિશ્ચિતવાચક
• સ્વ / નિજવાચક
• અન્યોન્યવાચક
પુરુષવાચક સર્વનામ
• જે સર્વનામ પુરૂષનો બોધ કરાવે છે તે પુરૂષવાચક સર્વનામ કહેવાય. ગુજરાતી વ્યાકરણમાં ત્રણ પુરુષ મળે છે.
• પ્રથમ પુરુષ – ઉત્તમ – હું – બોલનાર
એકવચન – હું, મારું, મારાથી, મારામાં, મને, મારો, મારી, મેં
બહુવચન – અમે, અમારું, અમારાથી, અમારામાં, અમને, અમારો, અમારી
• બીજો પુરુષ – મધ્યમ – તું – સાંભળનાર
એકવચન – હું, તારું, તારાથી, તારામાં, તને
બહુવચન – તમે, તમારું, તમારાથી, તમારામાં, તમને
• ત્રીજો પુરુષ – અન્ય – તે – વક્તા શ્રોતાને ત્રીજા વ્યકિતની વાત કરે છે તે.
એકવચન – તે, તેને, તેનું, તેનાથી, તેનામાં, તેનો, તેની, એમને, એને
બહુવચન – તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેમનામાં
• “આપણે” સર્વનામનો સમાવેશ પુરુષવાચક સર્વનામમાં થાય છે.
ઉદાહરણ
• અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.
• તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
• મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
• અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડયા.
• તું તારા ઘર ભેગો થઈ જા.
• તેઓએ કોર્ટમાં જોરદાર દલીલો કરી.
• તને મારા પર ભરોસો નથી ?
• મેં ભાગ્યે જ બાને રાજી થતી જોઈ છે.
• અમોએ તમોને બહુ સંભાર્યા.
• તમારા અહીં આજ પગલાં થવાના.
• તમને છોડીને જવું ગમતું નથી.
• એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.
સાપેક્ષ / સંબંધવાચક સર્વનામ
• એક શબ્દની સાથે બીજા શબ્દોને વાપરવાની અપેક્ષા રહે છે તેને સાપેક્ષ સર્વનામ કહે છે.
• બે ભિન્ન-ભિન્ન અર્થવાળી વાતોનો સંબંધ પ્રગટ થાય તેથી તેને સંબંધવાચક સર્વનામ પણ કહેવાય.
• જેમ કે : જે – તે, જેવું – તેવું, જેવી – તેવી , જેમ – તેમ, જેટલું – તેટલું, જેણે – તેણે વગેરે.
ઉદાહરણ
• જે ફરે તે ચરે.
• જેવું કરે તેવું પામે.
• જેણે મહેનત કરી તેણે ફળ મેળવ્યું.
• જેટલું સાચવશો તેટલું કામ લાગશે.
• જેમ રામ તેમ શ્યામ.
• જો વાંચશો તો સફળ થશો.
• જ્યાં ભીડ હોય ત્યાં ઊભા ન રહેવું.
• જેવી સંગત તેવી રંગત.
• જેમ તમે કરશો તેમ તમારું બાળક પણ કરશે.
• જેટલું ખરીદશો તેટલું વહેંચશો.
પ્રશ્નવાચક સર્વનામ
• નામને સ્થાને પ્રયોજાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે.
• જેમ કે : કોણ, ક્યો, કઈ, કયું, શો, શું, કેવું, શી વગેરે પ્રશ્નવાચક સર્વનામ છે.
ઉદાહરણ
• તમે કયું પાત્ર પસંદ કરશો ?
• કોણ મધુમય છંદે આજે ગાય, તારે પગલે, તારે પગલે….
• તમને હવે શું જોઈએ છે ?
• સુરતમાં ક્યાં આગ લાગી હતી ?
• તમે કયું પુસ્તક વાંચો છો ?
• આપને શી વાત કરવી છે ?
• તમે ક્યારે આવશો ?
• આપ શા કારણે અહીં આવ્યા છો ?
• તમને કોનો ડર છે ?
• આ બૅન્કના સ્થાપક કોણ હતા ?
દર્શકવાચક સર્વનામ / નિશ્ચિત સર્વનામ
• જે સર્વનામ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવામાં આવે તેને દર્શક સર્વનામ કહેવાય છે.
• દર્શાવાતી વ્યક્તિ કે વસ્તુ ચોક્કસ હોય નિશ્ચિત સર્વનામ પણ કહેવાય. આ સર્વનામ પાસેની કે દૂરની વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે છે.
• આ, આણે – પાસેની વ્યક્તિ કે વસ્તુને દર્શાવે છે.
• તે, પેલો, પેલું, પેલી – દૂરની વ્યક્તિ કે વસ્તુને દર્શાવે છે.
ઉદાહરણ
• આ કામ તો બહુ સરળ છે.
• તે વિદ્યાર્થી બહુ તોફાની છે.
• પેલું કેવું સુંદર છે.
• જુઓ, એ દેખાય.
• પેલી કયાં જાય છે ?
• જુઓ, જુઓ પેલો નાસી જાય છે.
• આ ચોપડી કોની છે ?
• આણે પરીક્ષા આપી નથી.
• પેલાને આજે મજા નથી.
• તે વસ્તુ બહુ ભારે છે.
અનિશ્ચિતવાચક સર્વનામ
• જે સર્વનામ દ્વારા કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત ન થાય તેને અનિશ્ચિતવાચક સર્વનામ કહેવાય છે. “અનિશ્ચિત” એટલે “નિશ્ચિત નહિ તે” અર્થાત્ અનિશ્ચિતતાનો ભાવ પ્રગટ / વ્યક્ત કરનાર.
• જેમ કે, કોઈ, કોઈક, કોક, કોઈની, કંઈક, કશું, કાંઈ, કેટલાંક, ઘણા, બીજા, દરેક, પ્રત્યેક, અમુક, સૌ, ઈતર, હરકોઈ વગેરે અનિશ્ચિતવાચક સર્વનામ છે.
ઉદાહરણ
• તમે કાંઈક લખો.
• કેટલાક ચાર રસ્તે ઉભા છે.
• મારે કશુંક કહેવું છે.
• ફલાણાને ત્યાં જવું જરૂરી છે ?
• સૌ ભણે સૌ આગળ વધે.
• દરેકને માટે બાગ ખુલ્લો છે.
• કોઈક યાદ કરી રહ્યું છે.
• ઈતર પ્રવૃત્તિમાં ધ્યાન ન આપો.
• ઈશ્વર સૌનું કલ્યાણ કરે.
• કયાંક પંખી ટહુકયું ને તમે યાદ આવ્યા.
સ્વ / નિજવાચક સર્વનામ
• પુરુષવાચક સર્વનામની સાથે આવે સ્વયંનો બોધ કરાવે તેને સ્વવાચક કે નિજવાચક સર્વનામ કહેવાય. (નામ કે સર્વનામ પોતાના પર ભાર દઈને ઓળખાવે છે.)
• જેમ કે – પોતે, જાતે, ખુદ, મેળે, નિજ, સ્વયં વગેરે.
ઉદાહરણ
• અમે પોતે ખાતરી કરીને આવીશું.
• મે મારી મેળે અનુભવ્યું છે
• પ્રભુતામાં પગલાં પાડી જાતે જવાબદારી સંભાળીશ.
• કડક શિક્ષા વિના આપોઆપ નિયમોનું પાલન કોણ કરે ?
• હું પોતાનું ખરાબ કયારેય નહિ થવા દઉં.
• દરેકે પોતાનું કાર્ય જાતે જ કરવું જોઈએ.
• ગાંધીજી સ્વયંશિસ્તને માન આપતા હતા.
• દાદાજી સ્વયં વાર્તા કહેતા.
• ખુદ તમે જ આવજો.
અન્યોન્યવાચક સર્વનામ
• એકબીજા, પરસ્પર એવા અર્થમાં વપરાયેલ સર્વનામને અન્યોન્યવાચક સર્વનામ કહેવાય છે. અન્યોન્ય એટલે એકબીજા, એકમેક, પરસ્પર.
ઉદાહરણ
• આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ.
• પરસ્પર સંપ રાખવો.
• કાળો અને ભૂરો એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં.
• એકબીજા પ્રત્યે આદર ભાવ રાખો.
• એકમેકને વર્ષોથી ઓળખીએ છીએ.
• અન્યોન્ય સુધી વાત પહોંચવી જોઈએ.
• પરસ્પર પ્રેમથી રહેવું જોઈએ.
• એકમેકના દીકરાને છાતીએ વળગાડીને રડી રહી છે.
★ અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ★
• “આપણે” – સર્વનામનો પ્રકાર દર્શાવો.
(PSI મુખ્ય પરીક્ષા ગુજરાતી, 25-08-2012)
(A) પુરુષ વાચક
(B) દર્શક
(C) અનિશ્ચિત વાચક
(D) પ્રશ્ન વાચક
• નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે ?
(PSI મુખ્ય પરીક્ષા ગુજરાતી, 25-08-2012)
(A) વિશેષ
(B) વિશેષણ
(C) સર્વનામ
(D) ક્રિયાવિશેષણ
• “આ ચિત્રો કોણે દોર્યા ?” વાકયમાં “કોણે” કર્તા – પદ નીચે પૈકી શું છે ?
(PSI મુખ્ય પરીક્ષા ગુજરાતી, 25-08-2012)
(A) વિશેષણ
(B) કૃદંત
(C) સર્વનામ
(D) સંજ્ઞા
• “કોઈ આવી રહ્યું છે” વાકયમાં “કોઈ” કયા પ્રકારનું સર્વનામ છે ?
(PSI મુખ્ય પરીક્ષા ગુજરાતી, 25-08-2012)
(A) દર્શક
(B) પુરુષ વાચક
(C) અનિશ્ચિત વાચક
(D) પ્રશ્ન વાચક
• “આણે મને માર્યો” વાકયમાં “આણે” કયા પ્રકારનું સર્વનામ છે ?
(PSI મુખ્ય પરીક્ષા ગુજરાતી, 25-08-2012)
(A) પુરુષ વાચક
(B) અનિશ્ચિત વાચક
(C) દર્શક
(D) પ્રશ્ન વાચક
• “વાવે તે લણે” વાક્યમાં “તે” સર્વનામનો પ્રકાર દર્શાવો.
(રેવન્યુ તલાટી, 16-02-2014 )
(A) દર્શક
(B) સાપેક્ષ
(C) અન્યોન્યવાચક
(D) ત્રીજો પુરુષ
• નીચેના વાક્યમાં કયું એક સર્વનામ નથી.
“તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી”
(તલાટી કમ મંત્રી, સુરત, 23-02-2014)
(A) તેનો
(B) આમાં
(C) તું
(D) તેને
• આપેલ શબ્દોમાંથી “સર્વનામ” દર્શાવતો શબ્દ શોધો.
(PSI, 02-05-2015)
(A) તમે
(B) મૃદુતાથી
(C) સોનું
(D) કજિયાખોર
• “જે કરે સેવા તે પામે મેવા” – “જે – તે” કેવા પ્રકારનું સર્વનામ છે ?
(જુનિયર કલાર્ક, ગાંધીનગર, 05-07-2015)
(A) સાપેક્ષ સર્વનામ
(B) સ્વવાચક સર્વનામ
(C) દર્શક સર્વનામ
(D) અનિશ્ચિત સર્વનામ
• “જુઓ, પેલો ચોર ભાગ્યો !” – “પેલો” કેવા પ્રકારનું સર્વનામ છે ?
(તલાટી કમ મંત્રી, અમરેલી–ભાવનગર, 16-08-2015)
(A) દર્શક સર્વનામ
(B) વ્યક્તિવાચક સર્વનામ
(C) સાપેક્ષ સર્વનામ
(D) સ્વવાચક સર્વનામ
• “આ આપઘાતનું પરિણામ આવ્યું” – વાક્યમાં “આ” શબ્દના સર્વનામનો પ્રકાર જણાવો.
(ગ્રામ સેવક, સુરત, 18-02-2017)
(A) સ્વવાચક
(B) સ્થળવાચક
(C) દર્શકવાચક
(D) પુરુષવાચક
• હું – અમે, તું – ?
(MGVCL વિદ્યુત સહાયક, 10-12-2020)
(A) તમારાથી
(B) તેઓ
(C) તમને
(D) તમે
• નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો.
(TAT, 29-07-2018)

(A) 1-A, 2-C, 3-D, 4-B
(B) 1-B, 2-A, 3-C, 4-D
(C) 1-C, 2-B, 3-D, 4-A
(D) 1-C, 2-A, 3-D, 4-B
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ભૂલ હોય તો કોમેન્ટ કરી અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
– Education Vala