Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso – સોલંકીકાલીન સ્થાપત્યકળા – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

સોલંકીકાલીન સ્થાપત્યકળા
- સોલંકી યુગ ને ગુજરાતના “કળા સંસ્કૃતિ ક્ષેત્ર”નો સુવર્ણયુગ કહેવાય છે.
- તો ચાલો સોલંકી કાલીન સ્થાપત્યોનો વિગતવાર અભ્યાસ કરીએ.
અણહિલપુર પાટણ
- ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાની નવી રાજધાની અણહિલપુર પાટણ (અણહિલ્લ પાટક)ની સ્થાપના કરી હતી.
- આ નામ તેના બાળમિત્ર અને સહાયક અણહિલ ભરવાડના નામ પરથી રાખ્યું હતું.
- વનરાજ ચાવડાએ પાટણના પંચાસરમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથનું પંચાસરા પાર્શ્વનાથ દેરાસર બંધાવ્યું હતું.
ચાંપાનેર (પંચમહાલ)
- વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપા વાણિયાની યાદમાં પાવાગઢની તળેટી (તા. હાલોલ, જિ. પંચમહાલ)માં ચાંપાનેર નગર વસાવ્યું હતું.
- ઈ.સ. 1484માં સલ્તનત શાસક મહંમદ શાહ (મહમૂદ શાહ) બેગડાએ ચાંપાનેરના ચૌહાણ રાજા જયસિંહ રાવલ (પતઈ રાવળ)ને હરાવીને ચાંપાનેરને પોતાની બીજી રાજધાની જાહેર કરી. તે સમયે જયસિંહના રાણી અને અન્ય સ્ત્રીઓએ જૌહર કર્યું હતું.
- મહંમદશાહ બેગડાએ ચાંપાનેરને “મુહમ્મદાબાદ” નામ આપ્યું તથા ચાંપાનેરના કિલ્લાનું નામ “જહાંપનાહ” રાખ્યું.
- તેણે ચાંપાનેર ખાતે ટંકશાળ સ્થાપી હતી.
- પાવાગઢની ટોચ પર 51 શક્તિપીઠોમાંની એક એવા કાલિકા માતાનું આદ્યસ્થાન છે તથા પહાડ પર “દૂધિયું”, “છાશિયું”, “તેલિયું” તળાવો આવેલાં છે. ઉપરાંત અહીં સદનશાહ પીરની દરગાહ આવેલી છે.
- ઈ.સ. 2004માં યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી. આમ, તે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ બની.
- ગુજરાત સરકાર દ્વારા ચાંપાનેર અને પાવાગઢના ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક મહત્ત્વને ધ્યાનમાં રાખી તથા પ્રવાસનને વેગ આપવા અહીં દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
યાદ રાખો
- મહમૂદ બેગડાએ અહીં સ્થાપેલી મસ્જિદો : કેવડા મસ્જિદ, ખજૂરી મસ્જિદ, નગીના મસ્જિદ, જુમ્મા મસ્જિદ
- ચાંપાનેરમાં આવેલા જાણીતા દરવાજાઓ : બુઢિયો દરવાજો, અટક દરવાજો, સદનશાહ દરવાજો, મકાઈ દરવાજો, બુલંદ દરવાજો, તારાપોર દરવાજો.
- ચાંપાનેર એ સૂરસમ્રાટ બૈજુ બાવરાનું જન્મસ્થળ છે.
રુદ્રમહાલય (સિદ્ધપુર)
- સોલંકી વંશના સ્થાપક મૂળરાજે પ્રથમે સિદ્ધપુર (પાટણ જિલ્લો)માં સરસ્વતી નદીના કાંઠે રુદ્રમહાલયનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. પરંતુ તેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂર્ણ થયું હતું.
- રુદ્રમહાલય, ગુજરાતની પ્રથમ બહુમાળી ઈમારત તરીકે ઓળખાય છે.
- તેની પર ચારેબાજુ મંદિરો હતાં તથા શિખરો પર સુંદર કોતરણીવાળા સુવર્ણકળશો પર ધજાઓ ફરકતી હતી.
- રુદ્રમહાલય બે માળની ઈમારત છે તથા તેની ઊંચાઈ લગભગ 150 ફૂટ છે. ઈમારતમાં પ્રવેશવા માટે ચારેબાજુ દરવાજા હતા તથા વિશાળ સભામંડપ હતો.
- અહીં આવેલ તોરણ અને સ્તંભોના અવશેષ હજી સચવાયેલા છે.
- સલ્તનત શાસક અલાઉદ્દીન ખિલજીના સરદારોએ રુદ્રમહાલયનો નાશ કર્યો હતો.
સહસ્ત્રલિંગ સરોવર (પાટણ)
- સોલંકી વંશના રાજા દુર્લભરાજે પાટણમાં સરસ્વતી નદીના કાંઠે દુર્લભ સરોવરની રચના કરાવી હતી.
- પાછળથી સિદ્ધરાજ જયસિંહે આ તળાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો તથા તળાવની ફરતે 1008 જેટલાં શિવાલયો બંધાવ્યાં હતાં. ત્યારબાદ તે “સહસ્ત્રલિંગ સરોવર” તરીકે ઓળખાયું. તેને “મહાસર” પણ કહે છે.
- આ તળાવમાં સરસ્વતી નદીનું પાણી આવતું હતું, જેનાથી તળાવની કુદરતી રીતે સફાઈ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ, આ સરોવર જળવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તળાવની મધ્યે વિંધ્યવાસિની દેવીનું મંદિર આવેલું છે.
- એક માન્યતા પ્રમાણે જસમા ઓડણના અભિશાપથી હજારો વર્ષ પહેલાં જળવિહિન બનેલાં સહસ્ત્રલિંગ સરોવરને વણકર સમાજના વીર મેઘમાયા નામના યુવાને આત્મબલિદાન આપતાં આ સરોવર ફરીથી પાણીથી છલકાયું હતું. આ ઘટનાની સ્મૃતિમાં વીર મેઘમાયા અને સતી જસમા ઓડણની દેરીઓ સહસ્રલિંગ સરોવરના કિનારે આજેય અડીખમ ઊભી છે.
મારું ગુર્જર સ્થાપત્યકળા
- તે 11મી સદી દરમિયાન ગુજરાતના સિંધ અને રાજસ્થાનના ક્ષેત્રોમાં પ્રચલિત વિશિષ્ટ મંદિર સ્થાપત્યકળા હતી.
- આ સ્થાપત્યકળાને ગુજરાતમાં સોલંકી વંશ, મેવાડના ગોહિલ વંશ, ગુર્જરપ્રતિહાર વંશ, મધ્ય પ્રદેશના ૫રમાર વંશ, રાજસ્થાનના ચહમાનવંશે સંરક્ષણ આપ્યું હતું.
- આ સ્થાપત્યકળા જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મથી પ્રભાવિત હતી.
- તેના ઉ.દા. મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રુદ્રમહાલય, માઉન્ટ આબુના દેલવાડાના જૈન મંદિરો, સોમનાથ મંદિર વગેરે.
ગુજરાતમાં મંદિરના પ્રકાર
- ગુજરાતમાં મંદિરોને ગર્ભગૃહના આધારે વિવિધ પ્રકારના ગણી શકાય.
- એકાયતન મંદિર : તે એક ગર્ભગૃહવાળું મંદિર હોય છે.
- દ્રયાયતન મંદિર : તેમાં બે ગર્ભગૃહ ધરાવતાં મંદિર હોય છે. ઉદા. પાવાગઢનું લકુલીશનું, વિસનગરનું ખંડોસણનું મંદિર
- ત્ર્યાયતન મંદિર : આ પ્રકારનાં મંદિરોમાં મંડપની ત્રણ બાજુએ ગર્ભગૃહ હોય છે.
- પંચાયતન મંદિર : પાંચ ગર્ભગૃહ ધરાવતા મંદિરોને પંચાયતન મંદિર કહેવાય છે. ઉદા. અસોડા અને દેલમાલનાં મંદિર
- સપ્તાયતન મંદિર : સાત ગર્ભગૃહ ધરાવતાં મંદિરોને સપ્તાયતન મંદિર કહે છે. ઉદા. : પ્રાસણવેલનું મંદિર.
- ગુજરાતમાં મૈત્રકકાળ અને અનુમૈત્રક કાળનાં મંદિરો ફાંસના ઘાટે બાંધેલાં છે.
- શિખરની દ્રષ્ટિએ આ સમયનાં મંદિરો 4 વર્ગમાં વહેંચી શકાય (1) ફાંસનાકાર, (2) વિમાનાકાર, (3) શિખરાન્વિત અને (4) વલ્લભી-છંદજ
સોમનાથ મંદિર (ગીર સોમનાથ)
- ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. આ મંદિર “હિરણ”, “કપિલા” અને “સરસ્વતી” નદીંના સંગમસ્થાને આવેલું છે.
- ઈ.સ. 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેનો નાશ કર્યો હતો. ત્યારબાદ ભીમદેવ પ્રથમે પથ્થરથી નવા સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું.
- ભીમદેવ બીજાએ આ મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ બંધાવ્યો હતો.
- આઝાદી બાદ સરદાર પલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું સ્વપ્ન સેવ્યું હતું.
- ઈ.સ. 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
- સોમનાથ મંદિરના મુખ્ય સ્થપતિ તરીકે પ્રભાશંકર સોમપુરા હતા.
- આ મંદિરનું નિર્માણ વેસર શૈલી અને નાગર શૈલીમાં થયેલું છે.
યાદ રાખો
- પ્રાચીનકાળમાં સોમનાથ મંદિરની આસપાસનો વિસ્તાર પ્રભાસ પાટણ તરીકે ઓળખાતો હતો.
- અહીં મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યની બેઠક આવેલી છે.
- સોમનાથ મંદિરને “કૈલાસ મહામેરુ પ્રાસાદ”તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ઈ.સ. 2007માં ગુજરાત સરકાર દ્વારા અહીં “હરિહર વન”નું નિર્માણ કરાયું છે.
મોઢેરાનું સૂર્યમંદિર (મહેસાણા)
- ઈ.સ. 1026-27માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
- આ મંદિરનું નિર્માણ મારું ગુર્જર (ચાલુક્ય) શૈલીમાં થયેલું છે, જ્યારે તેનું કોતરણીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.
- આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડપ એમ ત્રણ ભાગ ધરાવે છે.
- મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વમુખી છે. તેનું નિર્માણ એ રીતે કરાયેલ છે કે, સૂર્યનાં કિરણો છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મસ્તક પર રહેલ મણિ પર પડતાં મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઊઠે છે.
- મંદિરના પરિસરમાં આવેલ જળકુંડની ચારેબાજુ નાનાં-નાનાં કુલ 108 મંદિર આવેલાં છે.
- અહીં 12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમા, બાવન અઠવાડિયાં પ્રમાણે બાવન સ્તંભ અને સભામંડપ, દિવસ પ્રમાણે 365 હાથી અને 7 દિવસ મુજબ 7 ઘોડા (સૂર્યનો રથ) અને 8 પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટ પ્રતિમા છે, આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે.
- મંદિરનાં દિવાલો પર રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલ પ્રસંગોનું ચિત્રણ કરાયેલું છે.
- મોઢેરાના સૂર્યમંદિર ખાતે દર વર્ષે જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય છે. આ મહોત્સવમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિનું આદાનપ્રદાન, સંગીત અને શાસ્ત્રીય નૃત્યનું પ્રદર્શન થાય છે. આ પ્રસંગે કલાકારોનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે.
- આમ, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્ય, સંગીત અને નૃત્યના ત્રિવેણી સંગમનું સાક્ષી બન્યું છે.
- આ મંદિરની રચના ગુજરાતના સમૃદ્ધ વારસાની પ્રતીતિ કરાવે છે.
યાદ રાખો
- મોઢેરા, દેશનું પ્રથમ સોલર વિલેજ બનશે. ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા મહિન્દ્રા સસ્ટેન પ્રાઈવેટ લિમિટેડની ભાગીદારીથી સોલર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવીને સૌરઊર્જા ઉત્પન્ન કરાશે. જેનાથી મોઢેરા ગામ અને સૂર્યમંદિરને 24 કલાક વીજળી મળી રહેશે.
- આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે સૂર્યમંદિરથી 3 કિમી. દૂર સુજાનપુરા ખાતે 12 એકર જમીન ફાળવી છે તથા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ધરાવતાં આ પ્રોજેક્ટ માટે દક્ષિણ કોરિયાથી ટેક્નોલૉજી આયાત કરી છે.
રાણકી વાવ (પાટણ)
- સોલંકીયુગમાં રાણી ઉદયમતીએ 11મી સદીમાં પોતાના પતિ (ભીમદેવ પ્રથમ)ની યાદમાં પાટણમાં સરસ્વતી નદીના કિનારે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.
- અહીં આવતા પ્રવાસીઓ રાણકી વાવને “જલમંદિર” તથા “બાવડી” (બાવરી) તરીકે ઓળખે છે.
- આ વાવનું બાંધકામ રાજા કર્ણદેવ સોલંકીના સમયમાં થયું હતું.
- તે “મારું ગુર્જર” સ્થાપત્ય શૈલીમાં બંધાયેલી છે તથા “જયા” પ્રકારની વાવ છે.
- આ વાવ જમીન સપાટીથી સાત માળ ઊંડી છે. જમીન સપાટીથી શરૂ થતાં પગથિયાં કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને નીચે કૂવા સુધી પહોંચે છે.
- અહીં સાત ઝરૂખાઓમાં 800થી વધુ સુશોભિત શિલ્પો આવેલા છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. તેમ જ વાવની દીવાલો પર અપ્સરાઓની મૂર્તિઓ છે. આ વાવમાં પ્રસિદ્ધ “મહિસાસુર મર્દિનીનું શિલ્પ” પણ છે.
- મૈરુતુંગસુરી દ્વારા રચિત “પ્રબંધ ચિંતામણી” ગ્રંથમાં રાણકી વાવનો ઉલ્લેખ છે.
યાદ રાખો
- ઈ.સ. 2014 માં યુનેસ્કો દ્વારા “રાણકીવાવ” ને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો ઉપાયો હતો.
- ₹ 100ની નવી નોટ પર “રાણકી વાવ”નું ચિત્ર છપાયેલ છે.
કુંભારિયાનાં દેરાં
- સોલંકી રાજા ભીમદેવ પ્રથમે આબુના દંડનાયક તરીકે વિમલમંત્રીની નિમણૂક કરી હતી.
- વિમલમંત્રીએ અંબાજી નજીક “કુંભારિયાનાં દેરાં” તરીકે ઓળખાતું જૈન દેરાસર બંધાવ્યું હતું.
- આ દેરાસરો 5 જૈન તીર્થંકરોને સમર્પિત છે : નેમિનાથ, મહાવીર સ્વામી, પાર્શ્વનાથ, શાંતિનાથ, સંભવનાથ.
- વિમલમંત્રીએ આબુ પર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ (આદિનાથ)નું આરસનું મંદિર બંધાવ્યું હતું, જે “વિમલવસહિ” તરીકે ઓળખાય છે.
નવલખા મંદિર (ઘૂમલી)
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું ઘૂમલી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં 9-12મી સદીમાં બંધાયેલ મંદિરના અવશેષો મળી આવેલા છે.
- અહીં આવેલું નવલખા મંદિર 11મી કે 12મી સદીમાં નિર્માણ પામેલ હોવાનું મનાય છે.
- આ મંદિર ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું અને પૂર્વાભિમુખ છે.
- જગતીના પ્રવેશસ્થાન પર ભવ્ય કીર્તિતોરણ હતું. ઉપરાંત મંદિરમાં ગર્ભગૃહ, સભામંડપ, છત ધરાવતો પ્રદક્ષિણાપથ આવેલો છે. સભામંડપની મધ્યમાં અષ્ટકોણ સ્તંભ આવેલો છે.
- મંદિરમાં બ્રહ્મા-સાવિત્રી, શિવ-પાર્વતી, લક્ષ્મીનારાયણનાં શિલ્પો કલાત્મકતા ધરાવે છે.
- આ મંદિરનું નિર્માણ “મારું ગુર્જર” સ્થાપત્યશૈલીમાં થયેલું છે તથા તેની રચના મોઢેરાના સૂર્યમંદિરને મળતી આવે છે.
સોલંકીકાલીન અન્ય સ્થાપત્યો
- મીનળદેવીએ મલાવ તળાવ (ધોળકા), મુનસર તળાવ (વિરમગામ) અને કપડવંજમાં તળાવો બંધાવ્યાં હતા.
- જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલ અડી કડીની વાવ અને નવઘણ કૂવો સોલંકીકાલીન સ્થાપત્યો છે
- કુમારપાળના સમયમાં તારંગાની ટેકરી પર જૈન તીર્થંકર અજિતનાથનું દેરાસર બંધાવ્યું હતું. બૌદ્ધ ધર્મની દેવી તારા પરથી આ ટેકરીનું નામ તારંગા પડ્યું હોવાનું મનાય છે. આમ, તારંગા જૈન અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ સ્થળ છે.
- કુમારપાળના સમયમાં જ ગિરનારનાં પગથિયાનો વિકાસ, અનેક જૈન વિહારો અને શિવમંદિરોનું નિર્માણ થયું હતું.
- ઠાનગઢમાં મુળીબાવાનું મંદિર, મિયાણાનું હર્ષદ માતાનું મંદિર અને ધૂમલીનું નવલખા મંદિર પણ સોલંકીકાલીન સ્થાપત્યો છે.
- ભોગાવો નદીના કાંઠે વઢવાણ (વર્ધમાનપુરી) શહેર નજીક રાણકદેવીનું મંદિર આવેલું છે. એક લોકવાયકા પ્રમાણે જૂનાગઢના રાજા રા’ખેંગારને હરાવ્યા બાદ સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને પડીને પરત લઈ જતા હતા ત્યારે માર્ગમાં વઢવાણ નજીક ભોગાવો નદીમાં તેણી સતી થઈ હતી. જેની સ્મૃતિમાં આ નદીના દક્ષિણ કાઠે રાણકદેવીનું મંદિર સ્થાપિત છે.
- આ સમયમાં તોરણ પ્રકારના વિશિષ્ટ સ્થાપત્યનો વિકાસ થયો હતો. ગુજરાતમાં કુલ 13 તોરણો આવેલાં છે, જે શામળાજી,વડનગર, કપડવંજ, ધૂમલી, પિલુદ્રા, દેવમાલ, પંચમહાલ, મોઢેરા વગેરે જગ્યાએ છે. કપડવંજ, વડનગર, દેવમાલનાં તોરણો હજી પણ અકબંધ છે.
- વડનગરમાં શર્મિષ્ઠા તળાવને કાંઠે આવેલો કીર્તિસ્તંભ ( ઊંચાઈ 40 ફૂટ ) લાલ-પીળા રેતીના પથ્થરોમાંથી બનાવેલ છે.
જાણવા જેવું
- ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે.
- સોલંકી યુગને ગુજરાતના “કળા સંસ્કૃતિ ક્ષેત્ર”નો સુવર્ણયુગ કહેવાય છે. સોલંકી (ચાલુક્ય વંશના સ્થાપક મુળરાજ પ્રથમ હતા.)
- સોલંકીકાળ દરમિયાન પાટણ સમૃદ્ધતાના ટોચ પર હતું. પાટણનું એક પ્રાચીન નામ “નરસમુદ્ર” છે.
- કર્ણદેવ પ્રથમે મીનળ દેવી (રાણી મયણલ્લા) સાથે લગ્ન કર્યા હતા. જે ચંદ્રપુર (વર્તમાન ગોવા)ની રાજકુંવરી હતા.
- દેવ અને મીનળ દેવીના પુત્રનું નામ સિદ્ધરાજ જયસિંહ હતું.
- સિદ્ધરાજ જયસિંહ ગુજરાતનો મહાન શાસક હતો. તે શૈવધર્મી હોવા છતાં દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુ હતો. તેણે સોમનાથનો યાત્રવેરો નાબૂદ કર્યો હતો તથા ખંભાત ખાતે અગ્નીપૂજકોએ મસ્જિદ સળગાવવાની ફરિયાદ થતાં સિદ્ધરાજે તે મસ્જિદ ફરીથી બંધાવી આપી હતી.


- મીનળ દેવીએ ધોળકામાં બંધાવેલ મલાવ તળાવને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે.
- પ્રજ્ઞાચક્ષુ કવિ “શ્રીપાળ” સિદ્ધરાજના દરબારી કવિ હતાં.
- કુમારપાળ શરૂઆતમાં શૈવ ધર્મી હતો, પરંતુ હેમચંદ્રચાર્યની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો.
- કુમારપાળને મળેલા બિરુદો : ગુજરાતનો અશોક, પ૨મર્હત, ઉત્તમ શ્રાવક, પરમ માહેશ્વર, વિચાર ચતુર્મુખ, ઉમાપતિવરલબ્ધપ્રસાદ
- કુમારપાળે રાજયમાં “અમારિ” ઘોષણા કરી હતી, જેમાં તહેવારો વખતે પશુબલીની મનાઈ ફરમાવવામાં આવી તથા બેકાર થયેલા ખાટડીઓને 3 વર્ષનું ધાન્ય પુરું પડાયું. તેણે રુદતીનું ધન (રડતીનું મન, અપુત્રીકાનું ધન) લેવા પ્રતિબંધ લગાવ્યો, જેમાં વિધવા થયેલ સ્ત્રી કે જેને કોઈ સંતાન ન હોય તેની સંપત્તિ રાજ્ય હસ્તક જતી રહેતી હતી.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
Education Vala