Vidhansabha – Bharatnu Bandharan

Vidhansabha – Bharatnu Bandharan – વિધાનસભા – ભારતનું બંધારણ

પ્રસ્તાવના

  • વિધાનસભા “નીચલું ગૃહ” કે “પ્રથમ ગૃહ” તરીકે ઓળખાય છે. દરેક રાજ્યની વિધાનસભા, રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી પસંદ કરાયેલ વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60 સભ્યોથી બનેલ હશે. અને જેના માટે દરેક રાજ્યનું પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજન એવી રીતે કરવામાં આવશે કે જેથી દરેક મતદાર મંડળની વસ્તી અને તેને ફાળવવામાં આવેલ બેઠકોની સંખ્યા વચ્ચેનું પ્રમાણ, શકય હોય ત્યાં સુધી રાજ્યમાં દરેક જગ્યાએ સમાન રહે (અનુચ્છેદ-170) પરંતુ અનુચ્છેદ 371 મુજબ વિશેષ રાજ્યનો દરજજો આપીને ગોવા (40), મિઝોરમ (40), સિક્કિમ (32) અને પુંડુચેરી (30) ની સંખ્યા અપવાદ રખાય છે.
  • અનુચ્છેદ-170 (3) અનુસાર દરેક વસ્તી ગણતરી પૂરી થયેથી, દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોની કુલ સંખ્યાનું અને દરેક રાજ્યની પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની સંસદ કાયદાથી નિયત કરે તેવા સત્તાધિકારી દ્વારા અને તે રીતે પુનઃવ્યવસ્થા કરવામાં આવશે. બંધારણ પ્રમાણે 75,000 ની વસ્તીદીઠ વધુમાં વધુ એક પ્રતિનિધિ એવું ધોરણ સ્વીકારેલું છે.
  • જો કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો મત હોય કે એંગ્લો ઈન્ડિયન જાતિનું રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળેલ નથી તો તે અનુચ્છેદ-333 મુજબ એક વ્યકિતની નિમણૂક સદસ્ય તરીકે કરી શકે છે.
  • રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે તેમની વસ્તીને આધારે લોકસભા અને વિધાનસભાની બેઠકો અનામત આપવામાં આવી છે.(95મો બંધારણીય સુધારો, 2010-અનુચ્છેદ 334). જે 25 જાન્યુઆરી, 2020નાં રોજ સમાપ્ત થઈ. તાજેતરમાં 104માં બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને આદિજાતિને લોકસભા અને વિધાનસભામાં અનામત 25 જાન્યુઆરી, 2030 સુધી લંબાવવામાં આવી છે.

લાયકાત (Qualification)

  • ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • જે તે રાજ્યના વતની હોવા જોઈએ.
  • કેન્દ્ર કે રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ.

ચૂંટણી (Election)

  • વિધાનસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ મતદાનથી થાય છે. રાજ્યની મતદાર યાદીમાં નામ ધરાવતા લોકો દ્વારા વિધાનસભાના સભ્યોની પ્રત્યક્ષ ચૂંટણી કરવામાં આવે છે.
  • વિધાનસભામાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા 10,000 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે રૂપિયા 5,000 ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે.કોઈ પણ ઉમેદવાર જે મતદાન પ્રક્રિયામાં કુલ માન્ય મતોના છઠ્ઠા ભાગના મત મેળવી ન શકે તો આ રાશિ જપ્ત થશે.
  • જમા રાશિ :
  • સામાન્ય વર્ગ
    • લોકસભા : 25,000 રૂપિયા
    • વિધાનસભા : 10,000 રૂપિયા
  • અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ
    • લોકસભા : 12,500 રૂપિયા
    • વિધાનસભા : 5,000 રૂપિયા
જમા રાશિ (Security Deposit)

શપથ (Oath)

  • રાજયપાલ અથવા તેમના દ્વારા નિમાયેલ વ્યકિત બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવે છે.
  • અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પોતાના હોદ્દાના શપથ લેવાના હોતા નથી પરંતુ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેવાના હોય છે.
  • કોઈપણ સભ્ય શપથ લે નહી ત્યાં સુધી વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહી. જો કોઈ સભ્ય દ્વારા શપથ લીધા વગર ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવામાં આવે તે સભ્યને 500 રૂપિયા પ્રતિદિન દંડ કરવામાં આવે છે.

કાર્યકાળ (Duration)

  • દરેક રાજ્યની વિધાનસભાનું વહેલું વિસર્જન કરાયેલ હોય તે સિવાય, તેની પ્રથમ બેઠક માટે નિયત તારીખથી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે પરંતુ તેનાથી વધુ નહીં, અને તે મુદત પૂરી થયે તે સભાનું વિસર્જન કરવામાં આવશે.
  • પરંતુ કટોકટીનું જાહેરનામું જ્યારે અમલમાં હોય ત્યારે સંસદ કાયદો કરીને તે મુદત એક સાથે વધુમાં વધુ એક વર્ષ સુધી લંબાવી શકે પરંતુ જાહેરનામાનો અમલ પૂરો થયેથી, તે મુદત કોઈપણ સંજોગોમાં વધુમાં વધુ છ માસ કરતા વધારે લંબાવી શકાશે નહીં.
  • વિધાનસભાના બે સત્ર વચ્ચેનો સમયગાળો 6 માસથી વધુ ન હોવો જોઈએ.
  • વિધાનસભાનો કાર્યકાળ 42 માં બંધારણીય સુધારા 1976 દ્વારા 5 વર્ષથી બદલીને 6 વર્ષ કરવામાં આવેલ. જે 1978 માં 44 માં બંધારણીય સુધારા દ્વારા 6 વર્ષને બદલદે ફરીથી 5 વર્ષ કરવામાં આવેલ હતો.

સભ્યપદ માટેની ગેરલાયકાતો (Disqualifications of Membership)

  • અનુચ્છેદ-191 માં સભ્યોની ગેરલાયકાતો વિશે જણાવવામાં આવેલ છે. તે અનુસાર કોઈ વ્યકિત
    1. જો ભારત સરકાર અથવા રાજય સરકાર હેઠળ કોઈ નફાનો હોદ્દો (office of profit) ધરાવતી હોય,
    2. જો તેને સક્ષમ અદાલતે અસ્થિર મગજની જાહેર કરેલ હોય,
    3. જો તે નાદાર ઠરાવાયેલ હોય,
    4. જો તે ભારતનો નાગરિક ન હોય અથવા તેણે વિદેશી રાજ્યનું નાગરિકત્વ સ્વૈચ્છાએ પ્રાપ્ત કરેલ હોય અથવા કોઈ વિદેશી રાજ્ય પરત્વે નિષ્ઠા અથવા વફાદારી સ્વીકારેલ હોય,
    5. જો તેને સંસદે કરેલા કોઈ કાયદાથી અથવા તે હેઠળ ગેરલાયક ઠરાવવામાં આવેલ હોય; તો તે રાજ્ય વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે.
  • લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ વિધાનમંડળમાં સભ્યપદ માટેની ગેરલાયકાત અંગેનો નિર્ણય રાજ્યપાલ કરે છે.
  • 10 મી અનુસૂચિની કોઈ જોગવાઈ હેઠળ કોઈ સભ્ય ગેરલાયક બનેલ છે કે કેમ તે નક્કી કરવાની સત્તા વિધાનસભા અધ્યક્ષ (Speaker) કે વિધાન પરિષદ અધ્યક્ષ (Chairman) ને છે.

લાભનું પદ (Office of Profit)

  • વર્ષ 2018 માં દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યો લાભનું પદ (Office of Profit) ધરાવતા હોવાથી તેમને સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા પરંતુ 23 માર્ચ, 2018 ના રોજ દિલ્હી હાઈકોર્ટ દ્વારા ચૂંટણીપંચને આ કેસની પુનઃતપાસ કરવા માટે આદેશ આપ્યો. ગેરલાયક ઠેરવવામાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભાનું સભ્યપદ ઉપરાંત સંસદીય સચિવનું પદ ધરાવતા હતા, જેમાં સંસદીય સચિવનું એ લાભનું પદ ગણવામાં આવે છે.
  • ચૂંટણી પંચની ભલામણથી રાષ્ટ્રપતિ બંધારણની કલમ 102(1)(ક) મુજબ સંસદ સભ્યો અને 191(1)(ક) મુજબ ધારાસભ્યોને વિધાનસભામાં લાભના પદ હેઠળ ગેરલાયક ઠેરવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાભના પદને બંધારણમાં કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ (Representation of People Act) 1951 માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રદ્યુત બોરદોલોઈ વિરુદ્ધ સ્વપ્ન રોય (2001)ના કેસમાં આપેલા ચુકાદા પ્રમાણે નીચે મુજબની પરિસ્થિતિને લાભના પદ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
    • તેમની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવેલી હોય
    • નિયુકત વ્યક્તિને પદ પરથી દૂર કરવાનો અધિકાર સરકાર પાસે હોય
    • સરકાર તેમને પગારભથ્થાં આપતી હોય
    • નિયુકત વ્યકિત સરકાર માટે કામ કરતી હોય
    • નિયુકત વ્યકિતના કાર્ય પર સરકારનું નિયંત્રણ હોય
    • જે સરકાર દ્વારા નાણાકીય કે સત્તાકીય લાભ ધરાવતો હોય
  • અનુચ્છેદ 103 : આ અનુચ્છેદ અંતર્ગત જોગવાઈ છે કે સંસદનો કોઈ સભ્ય અયોગ્ય / ગેરલાયક સંબધીત પ્રશ્ન રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે જેમાં તેનો નિર્ણય અંતિમ રહેશે પરંતુ અનુચ્છેદ 103(2) મુજબ રાષ્ટ્રપતિ પોતાનો નિર્ણય ચૂંટણીપંચ સાથે ચર્ચા કર્યા પછી જ આપશે.
  • દિલ્હી સંબંધિત જોગવાઈ : દિલ્હી પૂર્ણ રાજ્ય ન હોવાથી લાભના પદ સંબધિત જોગવાઈ “રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એકટ-1991” માં છે. દિલ્હી MLA એકટ, 1997માં વિવિધ પદ / હોદ્દાનો ઉલ્લેખ છે કે જેને લાભનું પદ ગણવામાં નહિ આવે. જે મુજબ સંસદીય સચિવનું પદ આ યાદીમાં નથી. આથી સંસદીય સચિવનું પદ ગેરલાયક ઠરાવવામાં આવ્યું.
  • ઉદાહરણ : જયા બચ્ચન વિરુદ્ધ ભારત સંઘ કેસમાં જયા બચ્ચન રાજ્યસભાના સભ્ય હતા અને તેમને ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા તેથી તેઓને લાભના પદ (Office of Profit) અંતર્ગત ગેરલાયક ઠેરવ્યા હતા અને તેમણે રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામુ આપવું પડયું હતું.

સંસદીય સચિવ એટલે શું ?

  • બંધારણમાં નિર્ધારીત જોગવાઈ મુજબ મંત્રીમંડળનું કદ વધે નહીં એ માટે અલગ અલગ રાજ્યોમાં વિવિધ કાયદાઓ દ્વારા સંસદીય સચિવોની નિમણૂક કરવામાં આવે છે. સંસદીય સચિવને સૈદ્ધાંતિક રૂપથી મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવતા નથી અને અલગ અલગ રાજ્યોમાં તેમને અલગ અલગ પ્રકારની જવાબદારીઓ આપવામાં આવે છે.
  • કર્ણાટકમાં સરકારને પ્રશાસનિક કાર્યોમાં મદદરૂપ થવા માટે સંસદીય સચિવની નિમણૂક 1967 થી કરવામાં આવે છે અને તેમને રાજ્યમંત્રીની સમકક્ષ માનવામાં આવે છે. સાથે જ 1963 ના કાયદા પ્રમાણે વેતન પણ આપવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં આ પદને કાયદાકીય રીતે બનાવવા માટે 2012માં એક વિધેયક પસાર કરવામાં આવ્યું હતું પરંતુ કલકત્તા હાઈકોર્ટ દ્વારા જૂન 2016માં આ કાયદાને અનુચ્છેદ-164(1)(A)નું ઉલ્લંઘન ગણતા તેને રદ કરવામાં આવ્યું હતું. રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, તમિલનાડુ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, ગોવા જેવા રાજ્યોમાં સંસદીય સચિવની જરૂરિયાત પ્રમાણે નિમણૂક કરવામાં આવે છે પરંતુ તે સંબંધિત કાયદાઓ પણ બનાવવામાં આવે છે.

વિધાનમંડળોની સત્તાઓ અને વિશેષાધિકારો (Powers & Privileges of the State Legislature)

  • અનુચ્છેદ 194માં રાજ્ય વિધાનમંડળો અને તેમના સભ્યોની સત્તાઓ, વિશેષાધિકારો અને મુક્તિઓ વિશે જોગવાઈઓ કરવામાં આવેલ છે. જે અનુસાર-દરેક રાજ્ય વિધાનમંડળમાં વાણી સ્વાતંત્ર્ય (Freedon of Speech) રહેશે.
  • વિધાનમંડળનો કોઈ સભ્ય, વિધાનમંડળમાં જે કાંઈ કહે અથવા જે કોઈ બાબતમાં મતદાન કરે તો તે કોઈ અદાલતને આધીન બનતો નથી. અન્ય બાબતોમાં રાજ્ય વિધાનમંડળના કોઈ ગૃહના તેના સભ્યો અને સમિતિઓની સત્તાઓ, વિશેષાધિકારો અને મુક્તિઓ વિધાનમંડળ વખતોવખત કાયદાકીય રીતે નકકી કરે તે મુજબ રહેશે.

ગુજરાતમાં વિધાનસભાની બેઠકો

  • વર્ષ 1960 : 132 બેઠક
  • વર્ષ 1962 : 152 બેઠક
  • વર્ષ 1967 : 168 બેઠક
  • વર્ષ 1975 : 182 બેઠક
ગુજરાત વિધાનસભાની બેઠકો

અગત્યના તથ્યો

  • ગુજરાત રાજ્યમાં હાલમાં 14મી વિધાનસભા કાર્યરત છે. (ડિસેમ્બર 2017)
  • પ્રથમ વિધાનસભાની શરૂઆત 1960માં થઈ.
  • ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી 1962માં યોજવામાં આવી હતી.
  • બીજી વિધાનસભાએ પ્રથમવાર 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો.
  • ઈ.સ. 1925માં વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભા (CLA)ના ચૂંટાયેલા પ્રથમ અધ્યક્ષ બન્યા. જે કેન્દ્રીય વિધાન પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ હતા.
  • ગુજરાત વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ છે. જે ગાંધીનગરમાં આવેલું છે.
  • ગુજરાતમાં વિધાનસભાના નવીનીકરણનો શિલાન્યાસ 15 ડિસેમ્બર, 2016 ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો, જેનું ફેબ્રુઆરી 2018 માં ઉદ્ઘાટન કરી કાર્યરત કરવામાં આવ્યું. જેમાં 220 વિધાનસભ્યોને બેઠકની વ્યવસ્થા છે, આ નવા ગુજરાત વિધાનસભાની ડિઝાઈન રાષ્ટ્રપતિ ભવન અને અમેરિકી સંસદની ઈમારતથી પ્રભાવિત છે.
  • ગુજરાતના કુલ વિધાન સભાની બેઠક સંખ્યા 182 છે જેમાં અનુસૂચિત જાતિ માટે 13 અને અનુસૂચિત જનજાતિ માટે 26 બેઠક અનામત છે.
  • નગરપાલિકાઓ દ્વારા ખાતાની જાળવણી અને તેનું અન્વેષણ કરવા બાબતે રાજ્યની વિધાનસભા જોગવાઈ કરી શકે છે.
  • વિધાનસભાની સૌથી વધુ સભ્યા સંખ્યા ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ (403) છે.
  • વિધાનસભાની સૌથી ઓછી સભ્ય સંખ્યા પુંડુચેરી (30) ધરાવે છે.

Leave a Comment

error: Content is protected !!