Visheshan – Gujarati Vyakaran

Visheshan – Gujarati Vyakaran – વિશેષણ – ગુજરાતી વ્યાકરણ

વિશેષણ અને તેના પ્રકારો

વિશેષણ અને તેના પ્રકારો

• વિશેષણ શબ્દ વિશેષ્ + અણ પરથી બનેલો શબ્દ છે. “અણ” એટલે વધારો કરનાર. અહીં અર્થમાં વધારો કરનારું એવો અર્થ થાય છે.

વિશેષણ :

• વાક્યમાં વપરાયેલાં જે પદો નામ કે સર્વનામની વિશેષતા પ્રગટ કરે તે વિશેષણ અથવા નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તે વિશેષણ.

ઉદાહરણ :
• અનિરુદ્ધ શાંત છોકરો છે.
• બંસી સુંદર છોકરી છે.
• રુદ્ર પરિશ્રમી વિદ્યાર્થી છે.

• ઉપરોક્ત વાક્યોમાં “શાંત”, “સુંદર” અને “પરિશ્રમી” વિશેષણ છે.

વિશેષ્ય :

• વિશેષણ જે પદ સાથે જોડાયેલું હોય તે પદને વિશેષ્ય તરીકે ઓળખવામાં આવે છે.

ઉદાહરણ :
• અનિરુદ્ધ શાંત છોકરો છે.
• બંસી સુંદર છોકરી છે.
• રુદ્ર પરિશ્રમી વિદ્યાર્થી છે.

• ઉપરોક્ત વાક્યમાં “છોકરો”, “છોકરી”, “વિદ્યાર્થી” વિશેષ્ય છે.

વિશેષણના પ્રકાર

વિશેષણના પ્રકાર

સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો :

• સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના મુખ્ય બે પ્રકારો પડે છે.

  1. વિકારી વિશેષણ
  2. અવિકારી વિશેષણ

વિકારી વિશેષણ :

• નામના લિંગ અને વચનાદિના ફેરફારના લીધે જેનું સ્વરૂપ બદલાય તે વિકારી વિશેષણ કહેવાય.

• ઉદાહરણ :
• મોટો ડુંગર
• મોટી નદી
• મોટું વૃક્ષ

• નબળો બળદ
• નબળી ગાય
• નબળું વાછરડું

• ભરેલો કુવો
• ભરેલી ડોલ
• ભરેલું ખાબોચિયું


• વિકારી વિશેષણ : સારો, ઊંચો, નીચો, લૂલો, ડાહ્યો, ખારું, તીખું, કડવો પહોળી, સાંકડી, પીળો, લીલો, નબળો, જાડી, પાતળી, ઘરડી, ભલી, કાણું, હલકો, ગાંડો,ભણેલો, વગેરે…

અવિકારી વિશેષણ :

• નામના લિંગ અને વચનાવાદીમાં ફેરફાર થાય પણ જેનું સ્વરૂપ ન બદલાય તે અવિકારી વિશેષણ કહેવાય.

• ઉદાહરણ :
• સુંદર પર્વત
• સુંદર નદી
• સુંદર ફૂલ

• હોશિયાર છોકરો
• હોશિયાર છોકરી
• હોશિયાર છોકરૂ

• સફેદ રંગ
• સફેદ દિવાલ
• સફેદ કપડું.


• અવિકારી વિશેષણ : ખરાબ, દુઃખી, સુખી, ક્રોધી, પાણીદાર, કિંમતી, ખાલી, ભારે, જુવાન, નરમ, આળસુ, એક, બે, ત્રણ, ગંભીર, બીકણ, શાંત, આજ્ઞાંકિત, સંતોષી, નમ્ર, વ્યવસ્થિત, વગેરે…

અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો :

  • ગુણવાચક વિશેષણ
  • સંખ્યાવાચક વિશેષણ
  • સાર્વનામિક વિશેષણ
  • પરિમાણ વાચક વિશેષણ
  • વિશેષણ નું વિશેષણ

ગુણવાચક વિશેષણ :

• નામ કે સર્વનામના કોઈ ગુણ નો બોધ કરનાર વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય છે.

• જેમ કે,

  • દયાળુ રાજા
  • ચાલક ચોર
  • ચળકતું મોતી
  • બોલતો છોકરો
  • ગરમ પાણી
  • ભલો છોકરો
  • રંગીન ટી.વી.
  • કઠોર સ્ત્રી
  • લોખંડી પુરુષ
  • કડવી દવા
  • ઝેરી સાપ
  • ચોખ્ખું પાણી
  • આંધળો ભિખારી
  • મધુર રાગ
  • પારદર્શક કાચ

• ગુણવાચક વિશેષણ ના પેટા પ્રકારો નીચે મુજબ છે.

  • રંગવાચક વિશેષણ
  • સ્વાદવાચક વિશેષણ
  • આકારવાચક વિશેષણ
  • કર્તૃવાચક વિશેષણ

રંગવાચક વિશેષણ :

  • શ્યામ રંગ સમીપે ન જાવું
  • કાળુ પાટિયું છે.
  • પીળું પતંગિયું ઉડી રહ્યું છે.
  • લીલો લીમડો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
  • લાલ ઓઢણીમાં સુંદર લાગી રહ્યા છો.

નોંધ : આસમાની, સોનેરી, બદામી, કથ્થાઈ, દુધીયો, રતુંબડો – રંગવાચક વિશેષણ છે.

સ્વાદવાચક વિશેષણ :

  • સૌને સ્વાદિષ્ટ ભોજન કરવું ગમે.
  • ખાટી દ્રાક્ષ આપણને ન ભાવે.
  • તાજી છાશ સૌને ભાવશે.
  • ઘરે ગળ્યો કંસાર બનાવ્યો છે.
  • મારા માટે મોળી ચા બનાવજે.

નોંધ : તીખો, ખાટું, તુરો – સ્વાદવાચક વિશેષણ છે.

આકારવાચક વિશેષણ :

  • કાગળ પર ચોરસ પાસો મુકેલો છે.
  • લાંબી દીવાલને ફરતે પરિક્રમા કરી.
  • ગોળ ટેબલ મારા માટે લઈ આવજો.
  • લંબચોરસ બેંચ પર વિદ્યાર્થી બેસે છે.
  • સાપુતારા જવાનો રસ્તો વાંકોચૂકો છે.

કર્તૃવાચક વિશેષણ :

  • મારકણું ઢોર ગામમાં ફરી રહ્યું છે.
  • બોલકો છોકરો સૌને ગમે છે.
  • બોલનાર વ્યક્તિથી ચૂપ રહી શકાય નહિ.
  • ખોદનાર મજૂર સાંજે આવશે.
  • સાંભળનાર કોઈ હતું જ નહિ.

• પ્રત્યય લાગીને બનેલા વિશેષણો : પ્રામાણિક, શરમાળ, વાચાળ, ધનવાન, ત્યાગી વગેરે…

સંખ્યાવાચક વિશેષણ :

• નામ કે સર્વનામની સંખ્યા કે ક્રમનો બોધ થાય તેવા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે.

• સંખ્યાવાચક વિશેષણના બે પ્રકારો

  • નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ
  • અનિશ્ચિત સંખ્યાવચક વિશેષણ

નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ :

• એક, દસ, પંદરમું, પા, અર્ધું, દોઢું, લિટર, કિલો … .

• નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના ઉપભેદ :

1. પૂર્ણ સંખ્યાદર્શક :
• એક, પાંસઠ, બસો, હજાર, લાખ, કરોડ … .


2. સંખ્યા- ક્રમપૂરક :
• પહેલું, ચોથું, બારમું, ચોવીસમું … .
• પહેલો, બીજો, ત્રીજો, ચોથો … .
• પ્રથમ, દ્વિતીય, તૃતીય … .


3. સંખ્યા- સમૂહ સૂચક :
• દશક, શતક, સદી, ડઝન … .


4. સંખ્યાશસૂચક :
• પા, અર્ધું, પોણુ, સવા, દોઢ, અઢી … .


5. સંખ્યાવૃત્તિસૂચક :
• એકવડું, બેવડું, બમણું, સવાયું, દસગણું … .

• ઉદાહરણ :

  • અહીં વીસ બેઠક ખાલી છે.
  • પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 દરમિયાન થયું હતું.
  • પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓ ગેરહાજર હતા.
  • પરીક્ષામાં મારો બીજો નંબર આવ્યો.
  • અઢી કિલો ખાંડ લેતા આવજો.

અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ :

• થોડું, ઘણું, ઓછું, વધારે, કેટલું, અનેક, ઘણાં, ઘણી, કેટલાંક, થોડાક, પુષ્કળ

• ઉદાહરણ :

  • કેટલાક લોકો વરસાદની રાહ જોતા હતા.
  • ઘણા યુવાનો મનહર ઉદાસની ગઝલના ચાહકો છે.
  • ઘણી છોકરીઓ રંગોળી પૂરે છે.
  • અમુક લોકો કાયદાનું પાલન કરતા નથી.
  • અનેક શ્રોતાઓ સભા છોડીને ચાલ્યા ગયા.
  • થોડાક યાત્રાળુઓ સમયસર પહોંચી ગયા હતાં.
  • ઘણા વિદ્યાર્થીઓએ સાચાં જવાબ આપ્યા હતાં.
  • નોકરીની અનંત સંભાવનાઓ રહેલી છે.
  • અનેક લોકો રેલીમાં જોડાવાના છે.

સાર્વનામિક વિશેષણ :

• સર્વનામ વિશેષણ તરીકે પ્રયોજાયું હોય તેને સાર્વનામિક વિશેષણ કહેવાય.

• ઉદાહરણ :

  • હું તેમની પાટની સામે બેઠો.
  • અમારી પરાધીનતા અમને સાલવા લાગી.
  • વહાલાજીનું રૂપ રૂદેમાં વસિયું, મનડું તે ધસિયું મારું.
  • તમારી પડખેના દીપડા ન રંજાડે તો યે ઘણું
  • ટાઢે ધ્રુજે આપણી દેહ, મને કેમ વીસરે ?
  • તેમનું સરનામું ખોટું છે.
  • તેમની પરીક્ષા ઘણી સારી ગઈ છે.

• સર્વનામિક વિશેષણના ત્રણ પ્રકાર નીચે મુજબ છે.

  • દર્શક વિશેષણ
  • પ્રશ્નવાચક વિશેષણ
  • સાપેક્ષ / શરતવાચક વિશેષણ

દર્શક વિશેષણ :

• જે વિશેષણ દ્વારા નજીક કે દૂરના પ્રાણી, પદાર્થ કે વસ્તુને દર્શાવાય છે તે દર્શક વિશેષણ.

• જેમ કે, આ, એ, તે, પેલું દર્શક સર્વનામો ગણાય છે.

• ઉદાહરણ :

  • તે ગાયનું ચિત્ર છે.
  • પેલી છોકરી રંગોળી પૂરે છે.
  • વિદ્યાર્થી પાસ થયેલ છે.
  • પુસ્તક મારું છે.
  • પેલો ભાવેશને ખીજવાય છે.
  • તે પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો.
  • પેલું સસલું કૂદકો મારે છે.
  • દૃશ્ય રમણીય છે.
  • ઉપહાર મારા મોટા ભાઈ માટે છે.

પ્રશ્નવાચક વિશેષણ :

• પ્રશ્નવાચક સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાતા હોય ત્યારે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે.

• ઉદાહરણ

  • ક્યો દેશ લોકશાહી દેશ તરીકે ઓળખાયો છે ?
  • દેવેન્દ્રભાઈ એ ચૂંટણી બાબતે શી ચર્ચા કરી ?
  • મહાદેવનું મંદિર કયા સ્થળે છે ?
  • ક્યો યુવાન દિલ ચોરી કરી ગયો ?
  • કાલે કોણ વક્તવ્ય આપવાનું છે ?
  • તમે મારા માટે શું લઈને આવ્યા છો ?
  • પછી તમે શો નિર્ણય લીધો છે ?
  • ક્યો પ્રશ્ન મહત્ત્વનો છે ?
  • કેવા પુસ્તકો વાંચવું તમને ગમશે ?
  • તમે કોને યાદ કરો છો ?

સાપેક્ષ / શરતવાચક વિશેષણ :

• સાપેક્ષ સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાયા હોય ત્યારે તેને સાપેક્ષ વિશેષણ કહેવાય છે. આ વિશેષણને સંબંધક વિશેષણ પણ કહેવાય છે.

• ઉદાહરણ :

  • જેવી મહેનત તેવી સફળતા.
  • જો કૂવામાં હોય તો હવાડામાં આવે.
  • જેવું વાવો તેવું લણશો.
  • જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે.
  • જે માણસે કદી પાપ ન કર્યું હોય તે પહેલો પથરો ફેંકે.
  • જેટલું ધન કમાઈશું તેટલું બચાવીશું.
  • જેવું કામ કરીએ તેવું ફળ મળે.
  • જે કામ કરો તે વિચાર કરીને કરો.
  • જેવા કર્મ કરો તેવા ફ્ળ મળે.
  • જ્યાં સુધી સત્ય છે ત્યાં સુધી જીત છે.

પરિમાણવાચક વિશેષણ :

• પરિમાણ એટલે જથ્થો કે માપ. નામ કે સર્વનામનાં માપ-પ્રમાણને સૂચવે તે પરિમાણવાચક વિશેષણ કહેવાય છે.

• જેમ કે, અડધી પળ, વિશાળ, અપાર, અપરંપાર, અનહદ, અસીમ, અસંખ્ય, ખૂબ, વિપુલ, ઘણો, અલ્પ, અતિ, અતિશય, અનેક, અઘિક, જૂજ, જરાક, સહેજ, સર્વ, સમસ્ત, ભરપૂર, ભરચક, અઢળક વગેરે … .

• ઉદાહરણ :

  • અસીમ કૃપા કરી પ્રભુ ને મુજ પર.
  • હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
  • નદીમાં ભરપૂર પાણી આવ્યું છે.
  • અતિશય દુઃખ માણસને અકળાવે છે.
  • અજયભાઈ પાસે અઢળક ધન છે.
  • બહેન ભાઈને ખૂબ વહાલ કરે છે.
  • મારો સઘળો પરિશ્રમ એળે જશે.
  • ઘણા સમયથી હું વિચાર કરતો હતો.
  • ખોબો પાણી પીને સંતોષ થયો.
  • લીટર દૂધ લઈને આવજો.

વિશેષણનું વિશેષણ :

• ગુજરાતી ભાષામાં અમુક વખતે વિશેષણને પણ વિશેષણ લગાડવામાં આવે છે. આ વિશેષણ ઉપર દર્શાવેલા પ્રકારમાંથી એકાદ પ્રકારનો હોય છે.

• ઉદાહરણ :

  • તે સૌથી ઊંચું શિખર છે.
  • એક મહાન પુરુષને ઝેર પાઈને આ જગતમાંથી વિદાય આપી દીધી.
  • ખૂબ ઠંડું પાણી પીવું શરીર માટે નુકસાનકારક છે.
  • સુંદ૨માં સુંદર છોકરી છે.
  • સ્વયંવરમાં એકથી એક ચડિયાતા રાજકુમારો હાજર હતાં.
  • વ્રજ અતિ ઉત્સાહી કર્મચારી છે.

સ્થાનની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો :

• વિશેષણનો પ્રયોગ નામ પહેલાં કે પછી એમ બંને સ્થાને થઈ શકે છે. તેથી સ્થાનની દ્રષ્ટિએ વિશેષણના બે પ્રકારો પાડવામાં આવ્યા છે.

  • અનુવાદ્ય વિશેષણ
  • વિધેય વિશેષણ

અનુવાદ્ય વિશેષણ :

• વિશેષણ વિશેષ્યની પહેલાં પ્રયોજાય છે ત્યારે તેને અનુવાદ્ય વિશેષણ કહેવાય છે.

• ઉદાહરણ :

  • હોશિયાર વિદ્યાર્થી સફળ થાય છે.
  • રૂપાળી છોકરી આવી રહી છે.
  • ઈમાનદાર માણસ સમાજમાં ટકી રહે છે.
  • કમાઉ દીકરો પરિવારમાં વ્હાલો હોય છે.
  • સુંદર મૂર્તિ છે.

વિધેય વિશેષણ :

• વિશેષણ વિશેષ્યની પાછળ પ્રયોજાય છે. તેને વિધેય વિશેષણ કહેવાય છે.

• ઉદાહરણ :

  • આ ઈમારત મજબૂત છે.
  • તે છોકરી રૂપાળી છે.
  • આ માણસ ઈમાનદાર છે.
  • આ ચોપડી દળદાર છે.
  • મૂર્તિ સુંદર છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!