- આપણા દેશનું નામ “ભારત” છે.
- ભારતને પ્રાચીનકાળથી અત્યાર સુધી અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે.
- પ્રાચીનકાળમાં ભારતીય ઉપમહાદ્વીપને “ભારતવર્ષ” ના નામથી ઓળખવામાં આવતો હતો.
- ઋગ્વૈદિક કાળના પ્રમુખ જન “ભરત” ના નામ ૫૨થી તેનું નામ “ભારત” રાખવામાં આવ્યું હોઈ શકે છે.
- “ભારત” શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ પુરાણોમાં મળે છે. વાયુ પુરાણના એક સંદર્ભમાં દુષ્યંત અને શકુંતલાના પુત્ર “ભરત” નો ઉલ્લેખ જોવા મળે છે. જેના નામ પરથી આ ભૂમિ ભાગનું નામ “ભારત” પડ્યું હશે તેવુ માનવામાં આવે છે.
- આ ભૂમિમાં આર્યો વસવાટ કરતાં હોવાને કારણે તેને આર્યોની ભૂમિ એટલે કે “આર્યાવર્ત” તરીકે ઓળખવામાં આવે છે. ભારત જંબુ દ્વીપનો દક્ષિણ ભાગ હતો.
- મધ્યકાલીન (પર્શિયન તથા અરબી) ઈતિહાસકારો દ્વારા ભારતને હિંદુની ભૂમિ એટલે કે “હિંદ” અથવા “હિંદુસ્તાન” શબ્દથી સંબોધિત કરવામાં આવ્યો હતો.
- નોંધ : ભારતનો પર્યાયી શબ્દ “ઈન્ડિયા” શબ્દની ઉત્પત્તિ યુનાની શબ્દ “ઈન્ડોઈ” (Indoi) થી થયેલી માનવામાં આવે છે. સિંધુ સભ્યતાની સંસ્કૃતિને પણ “ઈન્ડસ વેલી” (Indus Vally) તરીકે ઓળખવામાં આવે છે. જેનું સમયાંતરે અપભ્રંશ Indus માંથી India થયું હશે.
- “હિંદુ” (Hindu) શબ્દ એ “સિંધુ” (Sindhu) પરથી આવ્યો છે. પર્શિયન લોકો “S” નો ઉચ્ચારણ “H” તરીકે કરે છે, તેથી તેઓ “Sindhu” નું ઉચ્ચારણ “Hindu” કરે છે. સિંધુની પૂર્વ તરફ આવેલી ભૂમિ એટલે સિંધુસ્તાન એટલે કે હિંદુસ્તાન.
- વર્તમાનમાં તો ભારતીય બંધારણ પ્રમાણે માત્ર “ભારત” અને “ઈન્ડિયા” એ બે નામ જ વપરાય છે. આમ છતાં હિંદુસ્તાન નામ પણ પ્રચલિત છે.
ભારત : એક ભૌગોલિક એકમ તરીકે
- India as a Geographical Unit
- ભારત એ પૃથ્વીના ઉત્ત૨-પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. તેનું સ્થાન 8°4′ ઉત્તર અક્ષાંશ થી 37°6′ ઉત્તર અક્ષાંશ વચ્ચે તથા 68°7′ પૂર્વ રેખાંશ થી 97°25′ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે.
- ભારતની આકૃતિ ચતુષ્કોણને મળતી આવે છે.
- ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર તથા પૂર્વ થી પશ્ચિમ લંબાઈ 2933 કિલોમીટર છે.
- ભારતની મુખ્ય ભૂમિ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી તથા પૂર્વમાં અરૂણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં ગુજરાતના કચ્છના રણ સુધી ફેલાયેલી છે.
- ભારતનું કુલ ક્ષેત્રફળ લગભગ 32,87,263 વર્ગ કિલોમીટર છે, જે પૃથ્વીના કુલ ભૌગોલિક ક્ષેત્રફળના માત્ર 2.4% છે. આ ક્ષેત્રફળ ના આધારે રશિયા, કેનેડા, યુ.એસ.એ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા બાદ ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે.
- ભારત એ બ્રિટન કરતા આશરે 13 ગણો મોટો દેશ છે.જેણે ભારત પર 200 વર્ષ સુધી શાસન કર્યુ હતું.
- ભારતના ઘણા રાજ્યો વિશ્વના અનેક દેશો કરતા પણ મોટા છે.
- ભારતનો અક્ષાંશીય વિસ્તાર વિષુવવૃતથી ઉત્તરધ્રુવ સુધીના કોણીય વિસ્તારનો લગભગ 1/3 ભાગ છે, જ્યારે રેખાંશીય વિસ્તાર એ વિષુવવૃતના પરિઘના 1/12 ભાગનો છે.
- ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે આશરે 30 રેખાંશનો તફાવત હોવાથી અંતિમના બંને સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો તફાવત જોવા મળે છે,સમયની આ સમસ્યાના નિવારણ રૂપે 82°30′ પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને દેશના “પ્રમાણ સમય” તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. ભારતની પ્રમાણ સમયરેખા કુલ પાંચ રાજ્યો-ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. છત્તીસગઢ રાજ્યમાં પ્રમાાસમય રેખા, કર્કવૃત રેખાને છેદે છે.
- આવી જ રીતે અક્ષાંશીય વિસ્તારની વરસાદના વિસ્તરણમાં, તાપમાન તથા જૈવ વિવિધતા પર અસર જોવા મળે છે. કેરળમાં સૌથી લાંબા અને સૌથી ટૂંકા દિવસ વચ્ચેનો તફાવત વધુમાં વધુ 45 મિનિટ જેટલો જોવા મળે છે જ્યારે ઉત્તરમાં લેહ-લદ્દાખમાં આ તફાવત 4 કલાક જેટલો જોવા મળે છે. ભારતમાં પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના ડોંગ ગામ ખાતે થાય છે જ્યારે સૌથી છેલ્લે સૂર્યાસ્ત ગુજરાતના કચ્છ જિલ્લામાં થાય છે.
- ભારતની મધ્યમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે જે ભારતને લગભગ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. જેમાં ઉત્તરનો ભાગ વધારે પહોળો છે તથા દક્ષિણનો ભાગ પ્રમાણમાં સાંકડો દક્ષિણના ભાગ કરતા ઉત્તરના ભાગનું ક્ષેત્રફળ લગભગ બે ગણું છે.
- કર્કવૃત્ત ભારતના 8 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમમાંથી પસાર થાય છે તથા તે ભારતના એકમાત્ર રાજ્ય ઝારખંડની રાજધાની રાંચીમાંથી પસાર થાય છે. જ્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગર તથા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ કર્કવૃત્તની નજીક આવેલા છે.
- ભારતના એકમાત્ર મંદિર ઉજ્જૈન મહાકાલ પ૨થી તે પસાર થાય છે.
- કર્કવૃત ગુજરાતના કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાંથી પસાર થાય છે.
- ભારતની લંબાઈ વધુ પ્રચલિત હોવાના કારણે આપણે તેની અગત્યની પહોળાઈને લગભગ અવગણીએ છીએ. જેમ કે આપણે ભારતને કાશ્મીર થી કન્યાકુમારી તરીકે વર્ણવીએ છે, કચ્છના રણથી અરૂણાચલ પ્રદેશ સુધી એવું સામાન્ય રીતે વર્ણન કરવામાં આવતું નથી.
- 22 ઉત્તર અક્ષાંશનો દક્ષિણ ભાગ ધીમે-ધીમે સાંકળો થઈને દ્વીપકલ્પ બને છે અને હિંદ મહાસાગરને બે ભાગમાં વહેંચે છે.
- પૂર્વ બાજુનો ભાગ બંગાળની ખાડી તથા પશ્ચિમ બાજુનો ભાગ અરબ સાગર તરીકે ઓળખાય છે.
- અક્ષાંશીય વિસ્તારને આધારે ભારતને ઉષ્ણકટીબંધીય તથા સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારમાં વિભાજિત કરી શકાય. પરંતુ ભારતને હંમેશા ઉષ્ણકટિબંધીય વિસ્તાર તરીકે જ ગણવામાં આવે છે જેની પાછળ ભૌતિક તથા સાંસ્કૃતિક કારણો રહેલા છે.
- હિમાલય ભારતને એશિયાના અન્ય ભાગોથી અલગ કરે છે અને એક આબોહવા વિભાજક તરીકે પણ કાર્ય કરે છે.
- હિમાલયથી દક્ષિણ તરફની સમગ્ર કૃષિ ઉષ્ણકટિબંધ પ્રકારની જોવા મળે છે.
- ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વની નવીન ગેડ પર્વતમાળા એટલે હિમાલય તથા દક્ષિણમાં હિંદ મહાસાગરથી ઘેરાયેલ ભારત તથા તેના પડોશી દેશી એક નિશ્ચિત ભૌગોલિક એકમ તરીકે ઓળખાય છે. પર્વતમાળાની દક્ષિણમાં આવેલા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન મળીને દક્ષિણ એશિયામાં એક ક્ષેત્ર બનાવે છે, જેને “ભારતીય ઉપમહાદ્વીપ” (Indian Subcontinent) કહે છે. આ ભારતીય ઉપમહાદ્વીપના કુલ ક્ષેત્રફળમાં ભારતનું એકલાનું ક્ષેત્રફળ આશરે 75% છે.
- આઝાદી પહેલા દેશનું ક્ષેત્રફળ 42,27,378 ચોરસ કિલોમીટર હતું. પરંતુ ભાગલા બાદ પાકિસ્તાનના અલગ થવાયી 7,96, 095 ચોરસ કિલોમીટર વિસ્તાર પશ્ચિમ પાકિસ્તાન (હાલના પાકિસ્તાન) અને 1,46,020 ચોરસ કિલોમીટર વિસ્તાર પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ) રૂપે ગૂમાવ્યો હતો. જેને પરિણામે દેશનું ક્ષેત્રફળ ઘટીને 3/4 ભાગનું થઈ ગયું.
વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશો
ક્રમ | દેશ | સંબંધિત ખંડ | વિસ્તાર (ચોરસ કિલોમીટર) |
---|---|---|---|
01 | રશિયા | એશિયા, યુરોપ | 17075200 |
02 | કેનેડા | ઉત્તર અમેરિકા | 9984670 |
03 | અમેરિકા | ઉત્તર અમેરિકા | 9626091 |
04 | ચીન | એશિયા | 9596960 |
05 | બ્રાઝિલ | દક્ષિણ અમેરિકા | 8511965 |
06 | ઓસ્ટ્રેલિયા | ઓસ્ટ્રેલિયા | 7686850 |
07 | ભારત | એશિયા | 3287263 |
08 | આર્જેન્ટિના | દક્ષિણ અમેરિકા | 2776654 |
09 | કઝાકિસ્તાન | એશિયા | 2717300 |
10 | અલ્જીરીયા | આફ્રિકા | 2381741 |
ભારતના અંતિમ બિંદુઓ
દિશા | સ્થળ |
---|---|
ઉત્તર | ઈન્દિરા કોલ (જમ્મુ કાશ્મીર) |
દક્ષિણ | ઈન્દિરા પોઈન્ટ ( ગ્રેટ નિકોબાર ટાપુ) જૂનું નામ : પિગમેલિયન પોઈન્ટ મુખ્ય ભૂમિ : કેપ કેમોરિન (કન્યાકુમારી, તમિલનાડુ) |
પૂર્વ | વાલાંગુ (બેન્ઝોવ જિલ્લો, અરુણાચલ પ્રદેશ) |
પશ્ચિમ | સિરક્રીક (કચ્છ જિલ્લો, ગુજરાત) |
ભારતનું રાજકીય વિભાજન
- (India’s Political Division)
- ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન જમ્મુ કાશ્મીર તથા લદાખ એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તથા ડિસેમ્બર 2019 માં દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોનો વિલય થતાં વર્તમાન ભારતમાં 28 રાજ્યો તથા 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે.
- ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. જ્યારે સૌથી નાનું રાજ્ય ગોવા છે.
- ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ (પહેલા અંદામાન અને નિકોબાર હતો) તથા સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે.
- જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ તથા સૌથી નાનું રાજ્ય સિક્કિમ છે.
- દિલ્હી સૌથી વધુ વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે. જ્યારે લક્ષદ્વીપ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
- ગુજરાતનો કચ્છ જિલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. જમ્મુ કાશ્મીરના વિભાજન બાદ લદાખનો લેહ જિલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો બીજો સૌથી મોટો જિલ્લો છે. સૌથી નાનો જિલ્લો પુંડુચેરીનો માહે છે.
- ભારતના 19 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો લેન્ડલોક (Land Locked) છે, જેમાંથી 5 રાજ્ય હરિયાણા, છત્તીસગઢ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ઝારખંડ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી તથા ચંદીગઢની સરહદ આંતરરાષ્ટ્રીય સીમાને સ્પર્શતી નથી. લેન્ડલોક(Landlock) દેશ કે લેન્ડલોક રાજ્ય એટલે એવો ભૌગોલિક વિસ્તાર કે જેને કોઈ સમુદ્રી સીમા સ્પર્શતી ન હોય.
- ભારતના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્તરપ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે કે જેની સીમા સૌથી વધારે રાજ્યો સાથે જોડાયેલી છે. ઉત્તરપ્રદેશની સીમા 8 રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી સાથે જોડાયેલી છે. જેમાં સૌથી વધુ સીમા મધ્યપ્રદેશ સાથે જ્યારે સૌથી ઓછી સીમા હિમાચલ પ્રદેશ સાથે સંલગ્ન છે.
- ઉત્તર-પૂર્વમાં આવેલ આસામ એક એવું રાજ્ય છે કે જે 7 સિસ્ટરના દરેક રાજ્યો સાથે સરહદ ધરાવે છે.
- દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં કર્ણાટક એવું રાજ્ય છે કે જે દક્ષિણ ભારતના બધા જ રાજ્યો સાથે સરહદ ધરાવે છે.
- ભારતનું એકમાત્ર રાજ્ય ત્રિપુરા છે જેની ત્રણ બાજુએ બાંગ્લાદેશની સ૨હદ આવેલી છે.
- રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુંડુચેરી એકમાત્ર એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જે 3 રાજ્યોમાં ફેલાયેલ છે. જે અંતર્ગત “યનમ” (આંધ્રપ્રદેશ), “કરાઈકલ” (તમિલનાડુ), “માહે” (કે૨ળ) તથા “મૂળ પુડુચેરી” નો સમાવેશ થાય છે.
- ભારતના ઉત્તરપૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ તથા ત્રિપુરાને 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા 5 રાજ્યો
રાજ્ય | વિસ્તાર (વર્ગ કિલોમીટર) |
---|---|
રાજસ્થાન | 342239 |
મધ્યપ્રદેશ | 308252 |
મહારાષ્ટ્ર | 307713 |
ઉત્તર પ્રદેશ | 240928 |
ગુજરાત | 196024 |
ભારતની સીમા
- (India’s Frontiers)
- ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તથા ઉત્તર-પૂર્વમાં હિમાલય, દક્ષિણમાં હિંદ મહાસાગર, પશ્ચિમમાં કચ્છ અને રાજસ્થાનનું વિશાળ ૨ણ તથા પંજાબના ફળદ્રુપ મેદાનથી ઘેરાયેલા ભારતને સ્થળીય તથા દરિયાઈ એમ બંને સીમાઓ છે. આ સીમાઓનું ભૌગોલિક, રાજનીતિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય, આર્થિક તથા રણનીતિક મહત્વ રહેલું છે.
સ્થાન સીમા
- (Land Frontiers)
- ભારત પોતાનાં 7 પડોશી દેશો સાથે આશરે 15,106.7 કિલોમીટર લાંબી સ્થળીય સીમા ધરાવે છે. જેમા પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તર-પશ્ચિમમાં અફ્ઘાનિસ્તાન, ઉત્તરમાં ચીન, નેપાળ અને ભૂટાન તથા પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે.
- ભારતના કુલ 18 રાજ્યોની સીમા પાડોશી દેશોને સ્પર્શે છે.
- ભારત સૌથી લાંબી સીમા બાંગ્લાદેશ સાથે તથા સૌથી ટૂંકી સીમા અફઘાનિસ્તાન સાથે ધરાવે છે.
ભારત પોતાનાં 7 પડોશી દેશો સાથે
ક્રમ | દેશ | સરહદ (કિલોમીટરમા) | કુલ સરહદની ટકાવારી | સરહદ સ્પર્શતા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો | સૌથી લાંબી સરહદ ધરાવતું રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ |
---|---|---|---|---|---|
1 | બાંગ્લાદેશ | 4096.7 | 27.11 % | પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા | પશ્ચિમ બંગાળ (22167.7 કિલોમીટર) |
2 | ચીન | 3488 | 23.09 % | લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ | લદાખ (1954 કિલોમીટર) |
3 | પાકિસ્તાન | 3323 | 22.00 % | ગુજરાત (506 કિલોમીટર), રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, લદાખ | રાજસ્થાન (1048 કિલોમીટર) |
4 | નેપાળ | 1751 | 11.60 % | ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ | ઉત્તરપ્રદેશ (651 કિલોમીટર) |
5 | મ્યાનમાર | 1643 | 10.88 % | અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ | અરુણાચલ પ્રદેશ (577 કિલોમીટર) |
6 | ભૂતાન | 699 | 4.62 % | પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ | અસમ (294 કિલોમીટર) |
7 | અફઘાનિસ્તાન | 106 | 0.70 % | લદાખ (POK) | લદાખ (106 કિલોમીટર) |
કુલ | 15106.7 | 100 % |
ભારતની પડોશી દેશો સાથેની સીમાના નામો
વિભાજન રેખા | સંબંધિત દેશ |
---|---|
રેડક્લિફ રેખા | ભારત પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ |
મેક મોહન રેખા | ભારત ચીન |
ડુરાંડ રેખા | ભારત અફઘાનિસ્તાન |
Line Of Control (LOC) | ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) |
Line Of Actual Control (LAC) | ભારત ચીન વચ્ચે પશ્ચિમી સરહદ |
ભારતીય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશની સીમા સાથે જોડાયેલ પડોશી દેશો
ક્રમ | રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ | જોડાયેલા દેશોની સંખ્યા | જોડાયેલ દેશોના નામ |
---|---|---|---|
01 | સિક્કિમ | 3 | નેપાળ, ભૂતાન, ચીન |
02 | અરુણાચલ પ્રદેશ | 3 | ચીન, ભૂતાન, મ્યાનમા૨ |
03 | લદાખ | 3 | ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન (બરખાન ગલિયા૨ા) |
04 | પશ્ચિમ બંગાળ | 3 | બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન |
05 | મિઝોરમ | 2 | બાંગ્લાદેશ, મ્યાનમાર |
06 | આસામ | 2 | ભૂતાન, બાંગ્લાદેશ |
07 | ઉત્તરાખંડ | 2 | નેપાળ, ચીન |
08 | નાગાલેન્ડ | 1 | મ્યાનમાર |
09 | મણિપુર | 1 | મ્યાનમાર |
10 | ત્રિપુરા | 1 | બાંગ્લાદેશ |
11 | મેઘાલય | 1 | બાંગ્લાદેશ |
12 | બિહાર | 1 | નેપાળ |
13 | ઉત્તર પ્રદેશ | 1 | નેપાળ |
14 | હિમાચલ પ્રદેશ | 1 | ચીન |
15 | પંજાબ | 1 | પાકિસ્તાન |
16 | રાજસ્થાન | 1 | પાકિસ્તાન |
17 | ગુજરાત | 1 | પાકિસ્તાન |
18 | જમ્મુ કાશ્મીર | 1 | પાકિસ્તાન |
ભારતની દરિયાઈ સીમા
- (Coaste Border of India)
- મુખ્યભૂમિની 6100 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવતો ભારત ત્રણ બાજુથી હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે તેના પૂર્વ તરફ બંગાળની ખાડી તથા પશ્ચિમમાં અરબ સાગર આવેલ છે. જો અંદમાન-નિકોબાર તથા લક્ષદ્વીપની સીમા જોડવામાં આવે તો કુલ દરિયાઈ સીમા 7516.6 કિલોમીટર થાય છે.
- ભારતના 9 રાજ્યો તટીય સીમા ધરાવે છે. પશ્ચિમ તરફના ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કે૨ળ તથા પુર્વ તરફના તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તટીય સીમા ધરાવે છે. સૌથી લાંબી દરિયાઈ સીમા ગુજરાત (1600 કિલોમીટર) ધરાવે છે, જ્યારે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુ અનુક્રમે બીજા તથા ત્રીજા નંબરની તટીય સીમા ધરાવે છે.
- ભારતનો સૌથી નજીકનો દરિયાઈ પાડોશી દેશ શ્રીલંકા છે. શ્રીલંકા બાદ ઈન્ડોનેશિયા સૌથી નજીકનો દરિયાઈ પાડોશી દેશ છે. તમિલનાડુના કન્યાકુમારી પાસે અરબ સાગર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડી એમ ત્રણેયનું સંગમ સ્થાન આવેલ છે.
- પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મ્યાનમાર અને બાંગ્લાદેશ ભારત સાથે દરિયાઈ સીમા ધરાવતા દેશો છે. જેમાનાં પાકિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ ભારત સાથે સ્થળીય તથા દરિયાઈ એમ બંને સીમા ધરાવે છે.
- ભારતના ગુજરાત અને પશ્ચિમ બંગાળ રાજ્યો આંતરરાષ્ટ્રીય જમીન તથા દરિયાઈ બંને પ્રકારની સરહદો ધરાવે છે.
સમુદ્રી ટટ રેખાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
રાજ્ય | કેન્દ્રશાસિત પ્રદેશ |
---|---|
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કે૨ળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ | અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, દમણ-દીવ તથા દાદરા અને નગ૨ હવેલી, પુડુચે૨ી |
ભારતનાં સ્થાનનું રણનીતિક મહત્વ
- (Strategic Significance of India)
- હિંદ મહાસાગરનાં ઉત્તરે આવેલ ભારત એ પૂર્વ ગોળાર્ધમાં તમામ દિશાના તમામ વેપાર માર્ગનું કેન્દ્ર છે. પોતાના વિસ્તાર, વસતી, સ્થાન અને આર્થિક સંશાધનોના લીધે ભારત આસપાસના તટીય દેશોમાં સૌથી વધુ પ્રભાવ ધરાવતો દેશ છે. ટ્રાન્સ ઈન્ડિયન ઓશન માર્ગ (Trans Indian Ocean Route) પશ્ચિમના વિકસિત દેશોને પૂર્વના વિકાસશીલ દેશો સાથે જોડે છે. યુરોપ, આફ્રિકા, પશ્ચિમ એશિયા, પૂર્વ એશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયાને જોતા લગભગ તમામ હવાઈ માર્ગો ભારત પરથી પસાર થાય છે.
- નોંધ : સમ્રગ વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેના નામ પરથી મહાસાગરનું નામ રાખવામાં આવ્યું છે. હિંદમહાસાગરનું નામ ભારત એટલે કે હિન્દુસ્તાન નામ પરથી જ રાખવામાં આવ્યું છે. હિંદ મહાસાગરમાં ભારત જેટલી લાંબી દરિયાઈ સીમા અન્ય કોઈ દેશ ધરાવતો નથી.
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ઝોન અનુસાર વિભાજન
ક્ષેત્ર (Zone) | સમાવિષ્ટ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો |
---|---|
પૂર્વી ઝોન (East Zone) | બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ |
પશ્ચિમ ઝોન (West Zone) | રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દમણ-દીવ તથા દાદરા અને નગર હવેલી |
ઉત્તર ઝોન (North Zone) | જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉતરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી |
દક્ષિણ ઝોન (South Zone) | આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર, પુંડુચેરી |
મધ્યવર્તી ઝોન (Central Zone) | મધ્યપ્રદેશ, છત્તીસગઢ |
પૂર્વોત્તર ઝોન (North-East Zone) | આસામ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, મણીપુર, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ |
ભારત સંબંધિત કેટલાક મહત્વના તથ્યો
ક્ષેત્રફળ | 3287263 ચોરસ કિલોમીટર |
અક્ષાંશ | 8°4′ ઉત્તર અક્ષાંશ થી 37°6′ ઉત્તર અક્ષાંશ |
રેખાંશ | 68°7′ પૂર્વ રેખાંશ થી 97°25′ પૂર્વ રેખાંશ |
પ્રમાણસમય રેખા | 82°30′ પૂર્વ રેખાંશ (ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી પસાર થાય છે.) |
રાજ્યો | 28 |
કેન્દ્રશાસિત પ્રદેશો | 8 |
જમીન સરહદ | 15106.7 કિલોમીટર |
દરિયાઈ સરહદ | 6100 કિલોમીટર, 7516.6 કિલોમીટર અંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપ સાથે |
વિશ્વના કુલ ક્ષેત્રફળમાં હિસ્સો | 2.42 % |