ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો
કંઠીનું મેદાન
કચ્છના દરિયાકિનારાનો મેદાની પ્રદેશ જે ગળામાં પહેરવાની કંઠી જેવો આકાર ધરાવે છે તેને કંઠીનું મેદાન કહેવાય છે.
બન્ની પ્રદેશ
કચ્છની ઉત્તરે મોટા રણમાં જ્યાં ચોમાસામાં નદીઓના કાંપથી ઘાસ ઊગે છે તે પ્રદેશ બન્ની પ્રદેશ કહેવાય છે.
વાગડનું મેદાન
કચ્છ જિલ્લામાં મુખ્યભૂમિનો પૂર્વભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર વાગડનું મેદાન કહેવાય છે.
ગોઢ અથવા ગોઢાનું મેદાન
બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ અર્ધરણ વિસ્તારમાં આવેલા ટેકરા જેવા ઉપસેલા મેદાની ભાગોને ગોઢ અથવા ગોઢાનું મેદાન કહેવામાં આવે છે.
ગઢવાડા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો પ્રદેશ ગઢવાડા નામે જાણીતો છે.
ચરોતર
ખેડા અને આણંદ જિલ્લાનો મહી નદી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય છે. ચરોતર પ્રદેશમાં લોએસ પ્રકારની બેસર જમીન આવેલી છે. જેમાં તમાકુની ખેતી સારા પ્રમાણમાં થાય છે.
વઢિયાર
પાટણ જિલ્લાનો બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર તરીકે ઓળખાય છે. અહીંની વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય જાણીતી છે. વઢિયાર પ્રદેશમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજનો પણ સમાવેશ થાય છે.
કાનમ
ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. જ્યાં દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં જોવા મળતી ‘રેગુર’ પ્રકારની મધ્યકાળી જમીનમાં કપાસનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.
સુવાલીની ટેકરીઓ
મહીથી ઢાઢરના મુખપ્રદેશ વચ્ચે આવેલ કાંપથી રચાયેલ કરાડોને ‘સુવાલીની ટેકરીઓ’ કહેવાય છે. જ્યારે સુરત જિલ્લામાં તાપી નદીનો ઉત્તર દરિયાકિનારાનો પ્રદેશ ‘સુવાલીનો દરિયો’ કહેવાય છે.
પૂરના મેદાન
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓના કાંપથી રચાયેલા મેદાની પ્રદેશને પૂરના મેદાન કહેવામાં આવે છે.
ભાલ
અમદાવાદ જિલ્લાનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ‘ભાલપ્રદેશ’ તરીકે ઓળખાય છે. જે ‘ભાલિયા’ અથવા ‘દાઉદખાની’ અથવા ‘ચાસિયા’ ઘઉં માટે જાણીતો છે. ગુજરાતમાં ભાલપ્રદેશ સિવાયના વિસ્તારમાં થતાં ઘઉં ‘હાંસિયા’ ઘઉં તરીકે ઓળખાય છે. ભાલિયા ઘઉંનો દાણો મુલાયમ અને તાશ પડતો હોય છે.
નળકાંઠો
નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો ભાગ નળકાંઠો કહેવાય છે.
ઝાલાવાડ
કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ ઝાલાવાડ કહેવાય છે. મહાભારતનો ‘પાંચાલ પ્રદેશ’ અહીં જ (થાન, મૂળી વગેરે) આવેલો હોવાનું મનાય છે.
ગોહિલવાડ
ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ ગોહિલવાડ કહેવાય છે અથવા તળાજા અને ભાવનગર વચ્ચેનો પ્રદેશ ગોહિલવાડ કહેવાય છે.
લીલી નાઘેર
જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીર-સોમનાથ જિલ્લામાં આવેલો ઉના સુધીનો ભાગ અથવા ગીરની ટેકરીઓનો દક્ષિણમાં દરિયાકિનારા સુધીની ગીરસોમનાથ જિલ્લાનો ભાગ લીલી નાઘેર કહેવાય છે.
ઘેડ
પોરબંદર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલા નવીબંદરથી જૂનાગઢ જિલ્લાના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ ‘ઘેડ’ તરીકે ઓળખાય છે. આ પ્રદેશ નીચો હોવાથી ચોમાસામાં અહીં પાણી ભરાઈ જાય છે તથા ચોમાસા પછી ફળદ્રુપ ખેતી થાય છે.
ચુંવાળ
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો વિસ્તાર ચુંવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.
સોરઠ
જૂનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયાકિનારા સુધીનો ભાગ સોરઠ કહેવાય છે.
થોળ
થોળ અભ્યારણ્યના નીચાણવાળા ભૂમિ ભાગને થોળનો વિસ્તાર કહેવાય છે. જે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ છે.
માળ
ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો પ્રદેશ માળ કહેવાય છે.
હાલાર
બરડા ડુંગરનો દક્ષિણ-પશ્ચિમ દરિયાકિનારા સુધી આવેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ ‘હાલાર’ તરીકે ઓળખાય છે.
દારૂકાવન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર કે જ્યાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. તે પ્રદેશને ‘દારૂકાવન’ કહેવાય છે.
દંડકારણ્ય
રામાયણમાં વર્ણવેલો દંડકારણ્યનો પ્રદેશ અર્થાત્ હાલનો ‘ડાંગ જિલ્લો.’
વીરમગામ નું મેદાન
અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદીની ઉત્તરે આવેલા વિરમગામના વિસ્તારમાં કપાસના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે.
ખુબ સારા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હોવાથી આ વિસ્તારને વિરમગામ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ખારોપાટ
દરિયાકિનારાના ઝીણી રેતી તથા ક્ષારયુક્ત સપાટ કાદવકીચડવાળો મેદાની પ્રદેશ ખારોપાટ કહેવાય છે.
આનર્ત
પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. તે સમયનું ‘આનર્તપુર’ અર્થાત્ હાલનું વડનગર.
વાકળ
મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ વાકળ કહેવાય છે.
લાટ
નર્મદાની દક્ષિણમાં આવેલો તળગુજરાતનો પ્રદેશ કે જ્યાં અનુમૈત્રકકાળમાં રાષ્ટ્રકૂટોનું રાજ્ય હતું, તે ‘લાટ’ કહેવાય છે.
ખાખરિયા ટપ્પાંનો પ્રદેશ
મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વચ્ચેનો પ્રદેશ ખાખરિયા ટપ્પાં તરીકે ઓળખાય છે. અહીં સિંચાઈ હેઠળ થતી ખેતીનો ગુજરાતનો મોટો વિસ્તાર આવેલો છે.
પોશીના પટ્ટો
સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વનવાસી વિસ્તાર પોશીના પટ્ટો કહેવાય છે.
કાઠિયાવાડ
સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડના પ્રદેશોને સામૂહિક રીતે કાઠિયાવાડ કહેવાય છે.