નર્મદ | Narmad
ગુજરાતી ગદ્યના પિતા : નર્મદ
નામ | નર્મદ |
પૂરું નામ | નર્મદાશંકર લાલશંકર દવે |
માતા | નવદુર્ગા ગૌરી |
પત્ની | પ્રથમ ગુલાબ, બીજા ડાહીબેન, ત્રીજા નર્મદા ગૌરી |
જન્મ | 24 ઓગસ્ટ, 1833 |
જન્મસ્થળ | આમલીરાન વિસ્તાર, સુરત |
બિરુદ | પ્રેમશૌર્ય, સમયમૂર્તિ (નવલરામ પંડ્યા), યુગ પ્રવર્તક સાહિત્યકાર, અર્વાચીન ગદ્યપદ્યનો પિતા, પ્રહરી (રા.વિ.પાઠક દ્વારા), પ્રાણવંતો પૂર્વજ (સુંદરમ દ્વારા), યુગંધર, ગદ્યનો પિતા, અર્વાચીનોમાં આદ્ય (ક.મા.મુનશી દ્વા૨ા), નવયુગના નંદી (ઉમાશંકર જોશી દ્વારા), ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન ફેરવી નાંખનાર (વિશ્વનાથ દ્વારા), આજીવન યોદ્ધો, સુધારાનો સેનાની, નિર્ભય પત્રકાર, સમયવીર (રાજારામ શંકર દ્વારા) |
અવસાન | 26 ફેબ્રુઆરી, 1886 |
- કવિ નર્મદે પદ્ય-ગદ્ય સ્વરૂપોમાં કરેલી પહેલના કારણે તેમને “અર્વાચીનોમાં આદ્ય” અને “નવયુગના પ્રહરી” તરીકે ઓળખવામાં આવે છે. સમયની સાથે સાહિત્યમાં નવપ્રયોગ કર્યા. આમ, તેમન્ને સમયની સાથે સાહિત્યમાં સુધારાવધારા કર્યા આથી તેમને “સમયમૂર્તિ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
- “ડાંડિયો” નામના સામયિકથી ઊંઘેલી ગુજરાતી સમાજમાં સાચો રણકો પાડ્યો.
- તેમણે ગુજરાતી ભાષામાં પહેલીવાર પ્રેમ, પ્રકૃત્તિ, સ્વદેશાભિમાનની કવિતા લખી. આ કવિતામાં ઊર્મિ, લાગણી તથા જુસ્સાને સ્થાન આપ્યું. સુષુપ્ત ગુજરાતીને બેઠી કરવામાં નર્મદે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સમાજમાં વિધવા વિવાહને પ્રાધાન્ય અપાવવા માટે સાહિત્યમાં સ્થાન આપ્યું.
- નર્મદના શિક્ષક દુર્ગારામ મહેતાજી હતા. જેઓ આરંભના સુધારક હતા. નર્મદમાં સુધારાના બીજ તેમની પાસેથી રોપાયા છે. નર્મદના પિતા મુંબઈમાં લહિયાનું કામ કરતા તેથી નર્મદનો મોટાભાગનો અભ્યાસ મુંબઈમાં એલ્ફિન્સ્ટ ઈન્સ્ટિટ્યૂટમાં થયો.
- નર્મદને તેમના મિત્રો લાલજી તરીકે ઓળખતા. નર્મદે ચાર-પાંચ મિત્રો સાથે મળીને 17 વર્ષની ઉંમરે વર્ષ 1951માં મુંબઈ ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી. આ સંસ્થાના પ્રમુખ તરીકે નર્મદે “મંડળી મળવાથી થતા લાભ” વિશે એક નિબંધ મિત્રો વચ્ચે વાંચી સંભળાવ્યો. બીજે વર્ષે એ વ્યાખ્યાન છપાવીને પ્રસિદ્ધ કર્યું. ગુજરાતી ભાષાનું આ સૌ પ્રથમ ગદ્યલખાણ હતું. નર્મદના આ નિબંધથી તેઓ “ગદ્ય સાહિત્યના પિતા” કહેવાયા.
- નર્મદે સાહિત્યનો પ્રસાર કરવાની શરૂઆત કરી અને “જ્ઞાનસંગર” નામનું સાપ્તાહિક ચલાવ્યું.
- તેમણે વર્ષ 1852માં રાંદેર (સુરત)ની શાળામાં શિક્ષક તરીકે અને મુંબઈની એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા આપી હતી.
નર્મદા પ્રતિજ્ઞા : “હવે તારે ખોળે છઉં”
- નર્મદ એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટયૂટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરતા હતા તે સમયે મહાન કવિ અને સાહિત્યકાર થવાની મહત્વકાંક્ષા તેમના મનમાં જાગી હતી. તેમને “સાડાદશથી પાંચ લગી કાહુ કાહુ (કંકાસ) થાય” એવી શિક્ષકની નોકરી કંટાળાજનક લાગતી હતી અને આ મૂંઝવણના અંતે તેમણે એક દિવસ સાંજે નિશાળેથી આવીને ક્લમને ખોળે માથું નમાવી પ્રતિજ્ઞા લીધી કે, “હવે તારે ખોળે છઉં” અને નોકરીમાંથી રાજીનામું આપી દે છે અને કેવળ સરસ્વતીસેવા કરવાનો નિર્ણય કરે છે.
- તેમણે વર્ષ 1856માં “તત્વશોધક સભા” ની અને વર્ષ 1871માં “સુરત પ્રજા સમાજ” ની સ્થાપના કરી હતી. નર્મદ વર્નાકયુલ૨ સોસાયટીના અધ્યક્ષ બન્યા હતા.
- નર્મદ જીવનમાં કોઈપણ બાબતે સમાધાન કરતા નહોતા તેમજ તેમને યોગ્ય ન લાગે એવી રૂઢિઓનો તેઓ વિરોધ કરતા, તેથી તેમના નામની આગળ “વીર”નું વિશેષણ લાગતું થઈ ગયું.
- તેમણે “વીરસેન” નામનું મહાકાવ્ય લખ્યું. જેમાં તેમણે પ્રયોગ કરેલો વિરવૃત્ત છંદ ગુજરાતી ભાષામાં પ્રથમ વખત ઉપયોગમાં લેવાયો હતો. આ છંદ એટલો અઘરો હતો કે ત્યાર પછી તેનો પ્રયોગ ભાગ્યે જ કોઈએ કર્યો હોય. આ ઉપરાંત તેમણે સજીવારોપણ અલંકાર પણ આપ્યો છે.
- નર્મદની કાવ્યરચનામાં અંગ્રેજી લેખક હેઝલીટનો પ્રભાવ જોવા મળે છે. તેઓએ કાવ્યમાં જુસ્સાને મહત્વ આપ્યું હતું.
- નર્મદે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોષ “નર્મકોશ” લખ્યો છે.
- નર્મદના નિબંધો “નર્મગદ્ય” અને “ધર્મવિચાર” નામના બે ગ્રંથોમાં સંગ્રહિત છે.
- નર્મદે દલપતરામના ફાર્બસ વિરહની જેમ “રિપન વિરહ” લખ્યું છે.
ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ : નર્મકોશ
- નર્મદને શંકા હતી કે પોતે જે પદો બનાવે છે તે પિંગળની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં. બહુ શોધખોળ પછી નર્મદનો ભેટો એક કડિયાકામ કરનારા મજૂર સાથે થાય છે. આ કડિયો અભણ હોવા છતાં કવિતાનો શોખીન હતો. તેની પાસે પોતાના ગુરુ લાલદાસનું “છંદ રત્નાવલિ” નામનું પુસ્તક હતું. કડિયાએ નર્મદ પાસે શરત મૂકી કે તમે આ પુસ્તક મારા ઘરે બેસીને આખેઆખું ઉતારી લો તો જ તમને આપુ ! નર્મદે શરત મુજબ આખેઆખું પુસ્તક ઉતારી લીધું, તેનાથી તેમને માત્રામેળ વિશેની સમજ મળી અને ત્યારબાદ તેમણે પિંગળપ્રવેશ, અલંકાર પ્રવેશ, ૨સ પ્રવેશ લખ્યું હતું. બાર વર્ષ સુધી મહેનત કરી તેમણે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ “નર્મકોશ” તૈયાર કર્યો.
નર્મદ : કવિ “વર” હવે કવિ “દાસ” થઈ ગયો ?
- કલમને ખોળે માથું નમાવીને “હવે તારે ખોળે છઉં” ની પ્રતિજ્ઞા લેનાર નર્મદની આર્થિક સ્થિતિ અસહ્ય બની. નર્મદના બાળપણના મિત્રોને થતું કે નર્મદ સામેથી કશું નહીં માંગે, માટે આપણે જ તેની મદદ કરવી જોઈએ. નર્મદને “ગોકળદાસ તેજપાલ ધર્મશાળા”ને વ્યવસ્થિત કરવાનું કામ મળી જાય તે માટે તેના મિત્રોએ આ ધર્મશાળાના ટ્રસ્ટીઓને વિનંતી કરી અને આ વિનંતી ટ્રસ્ટીઓએ માન્ય રાખી નર્મદને નોકરી માટેનો પત્ર મોક્લ્યો. નર્મદને પત્ર મળ્યો તે સમયે તેના મિત્રો ત્યાં હાજર હતા. કાગળ વાંચતા જ નર્મદની આંખમાંથી આંસુ ટપકી પડયા અને નર્મદ બોલ્યો, કવિ “વર” હવે કવિ “દાસ” થઈ ગયો ? આવા દિવસો પણ આવ્યા, ખરું ને ? હશે મિત્રો, આજે ચોવીસ વર્ષથી ખેંચી રાખેલી લગામ મૂકું છું. તમારી ખુશી એ મારી ખુશી. મારું હૃદય આ આઘાત સહન કરે તેમ નથી હવે મારા જીવનનો અંત પાસે છે એ નક્કી માનજો.
- નર્મદના મનોમંથન જેવું જ તેમની પત્ની ડાહીગૌરીનું મનોમંથન હતું અને તેમણે ત્યાં એકઠાં થયેલા નર્મદના મિત્રોને વ્યથિત સ્વરે કહ્યું, “તમે સૌ ભેગા મળીને આ શું કરવા માંગો છો ? મારા ધણીની દીનતા કોણ ક્યારે દેખી ગયું કે મારા આ સિંહને તમે ફાંસલામાં નાખો છો ? મારો રાજા કોઈનો દાસ છે નહીં અને થશે નહીં, એમને પરાધીન બનાવી એમનો જીવન નિયમ કેમ તોડાવો છો ?.” નર્મદે નોક૨ી તો સ્વીકા૨ી પરંતુ અગાઉ પોતે આગાહી કરી હતી તે મુજબ તેમની તબિયત લથડી અને 53 વર્ષની ઉમરે તેઓ અવસાન પામ્યા.
નર્મદના સુધારક પગલા
- નર્મદે સૌપ્રથમ સુધારાનું કાર્ય પોતાના ઘરથી અને નાતથી કર્યું. એ જમાનામાં સુરતની નાગરી નાતમાં જમણવાર પ્રસંગે ભિક્ષુક નાગર સ્ત્રીઓને કાંચળી પહેરીને આવવાની મનાઈ હતી. તેનો તેણે પોતાના કુટુંબની સ્ત્રીઓને કાંચળી સહિત નાતમાં મોકલીને છડેચોક બંડ પોકાર્યો. નાગર ગૃહસ્થો નર્મદ ઉ૫૨ રોષે ભરાયા અને કેટલીક સ્ત્રીઓ ખિજાઈ જેથી તેણીઓ જમ્યા વગર ચાલી ગઈ. પણ નર્મદ કશાથી ડર્યો નહીં. તેમણે કરેલી આ હિંમતભરી પહેલે કાંચળીના રિવાજને નાબૂદ કર્યો.
- મારની ધમકીને તાબે થયા વિના, તે વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વિધવાવિવાહ વિશે વિવાદ કરવા એકલા સભામાં ગયા અને “શાસ્ત્રો ઈશ્વરકૃત નથી.” એમ હિંમતભેર કહીને પાંચ હજાર વૈષ્ણવોની સામે ડર્યા વિના ઊભો રહ્યો. પોતે વિઘવા લગ્ન કરીને એ દિશામાં ઉત્તમ સુધારક પગલું પણ ભરી બતાવ્યું.
- મહિપતરામને વિદેશ જવાની વાતે નાત બહાર મુકવામાં આવ્યાં. ત્યારે નર્મદે તેમની સાથે પંગતમાં બેસી ભોજન કરીને એવી હાકલ કરેલી કે મારી એ જ ઈચ્છા અને આશા છે કે જે જે મારા ખરા ભક્તો છે તેઓએ મહિપતરામની સાથે એક પંક્તિએ ભોજન કરી નવી ન્યાત ઊભી કરવી… નર્મદના આવા કડવા સત્યની સામે કેટલાક વૈષ્ણવાચાર્યો તેમના પર રોષે ભરાયા હતા. તેમના રોષનો જવાબ આપતા નર્મદે કહ્યું કે, “લ્યુથરે તો એમ કહ્યું હતું કે મહેલનાં જેટલાં નળિયાં છે તેટલા મારા દુશ્મનો હશે તો પણ હું મારો મત કદી છોડવાનો નથી. પણ હું તો કહું છું કે નળિયા ભાંગ્યાંથી નાની જે કકડીઓ થાય તેટલાં મારા દુશ્મનો હશે તોપણ હું મહારાજની દરકાર રાખતો નથી…”
- ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વર્ષ 1923માં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના સુરત ખાતે કરવામાં આવી હતી. વર્ષ 1939માં તેનું નામ બદલી “નર્મદ સાહિત્ય સભા” કરવામાં આવ્યું. વર્ષ 2021 માં પ્રવિણ દરજીને “નદી ગાન” કૃતિ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
- વર્ષ 1965માં સુરત ખાતે સ્થપાયેલ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2005માં નામ બદલીને નર્મદના નામ ૫૨થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કરવામાં આવ્યું.
- તેમણે “ગુજરાતની અસ્મિતા” ૫ર કાવ્ય લખ્યું હતું.
- નર્મદનું ઘર “સસ્વતી મંદિર” તરીકે ઓળખાય છે ત્યાં ગુજરાત સરકાર દ્વારા મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
નાટકો | કૃષ્ણકુમારી, રાજા જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સીતાહરણ, બાળકૃષ્ણ વિજય, તુલસી વૈધવ્યચિત્ર સંવાદ સ્વરૂપે |
કાવ્યસંગ્રહ | નર્મકવિતા, ગીતાવલી, હિન્દુઓની પડતી (આ કાવ્યસંગ્રહને 1500 પંક્તિમાં લખાયેલું સુધારાનું બાઈબલ કહેવામાં આવે છે), મેવાડની હકીકત, જય જય ગરવી ગુજરાત (રાજ્યગીત), સૂરત |
નોંધપાત્ર કૃતિ | ના હઠવું, અવસાન સંદેશ, સ્ત્રી કેળવણી (નિબંધ “નર્મગદ્ય”માંથી લેવામાં આવેલ છે) |
આત્મકથા | મારી હકીકત (નર્મદ પોતાની આત્મકથાને “ખરડા” તરીકે ઓળખાવે છે.) |
નિબંધ | નર્મગદ્ય (ભાગ−1, 2, 3), મંડળી મળવાથી થતાં લાભ, પુનઃલગ્ન, આપણા દેશની જનતા સ્વાભિમાની, ધર્મવિચાર, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, રસપ્રવેશ |
ઈતિહાસ | રાજ્યરંગ, મહાદર્શન, સર્વસંગ્રહ |
વિવેચન | કવિચરિત્ર |
વ્યાકરણ | નર્મવ્યાકરણ, વર્ણવિવેક, શબ્દવિવેક |
શબ્દકોશ | નર્મકોશ |
અન્ય | ઋતુવર્ણન, સુરતની મુખ્તેસર હકીકત, ઈલિયડનો સાર, મહિપતરામ રૂપરામ નીલકંઠ, મહાભારતનો સાર, રામાયણનો સાર, શ્રીસાર શાકુંતલ, કવિ અને કવિતા, કબીરવડ |
નર્મદની કૃતિઓની વિશેષતાઓ
- સૌપ્રથમ ગુજરાતી આત્મકથા : મારી હકીકત (1866)
- સૌપ્રથમ ગુજરાતી શબ્દકોષ : નર્મકોશ
- સૌપ્રથમ ગુજરાતી નિબંધ : મંડળી મળવાથી થતાં લાભ
- સૌપ્રથમ ગુજરાતી ચરિત્ર : કવિચરિત્ર
- સૌપ્રથમ ગુજરાતી સાહિત્યનું સામયિક : ડાંડિયો (1864) (સાહિત્ય અને સમાજક્ષેત્રે ફેલાયેલા દંભ,બદીઓ, કુરિવાજો અને શોષણ સામે આ સામયિકમાં ખૂલ્લેઆમ લખવામાં આવતું. તેના 117 અંક નીકળેલા. “ડાંડિયો” નામ નગીનદાસ મારફતિયા દ્વારા રાખવામાં આવ્યું હતું.)
- તેમનું પ્રથમ કાવ્ય : આત્મબોધ
- નર્મદની પ્રતિજ્ઞા : હવે તારે ખોળે છઉં (1858)
- યુગ મંત્ર : “યા હોમ કરીને પડો ફતેહ છે આગે”
પંક્તિઓ
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પ્રભાત. (રાજ્યગીત – જે પંકિત “નર્મકોશ” માંથી લેવામાં આવી છે.)
દાસપણું કયાં સુધી ?
આ તે શા તુજ હાલ સુરત સોનાની મૂરત
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી ગાશે જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મ૨ણથી
નવ ક૨શો કોઈ શોક રસિકડા, નવ ક૨શો કોઈ શોક
યથાશકિત ૨સપાન કરાવ્યું, સેવા કીધી બનતી.
આજ ઊઠશું કાલે ઊઠશું, લંબાવો નહીં દા’ડા,
વિચાર કરતાં વિઘ્નો મોટાં વચમાં આવે આડાં.
સહુ ચલો જીતવાને જંગ, બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું,
વેણ કાઢયું કે ના લટવું ના લટવું.
રાંડેલીના લગ્ન કા નહીં ?
છતરિયો હમે કા ના હોડિયે,
પગરખાં હમે કા પહેરિયે.
વિશેષ માહિતી
- નર્મદે મુખ્યત્વે બે પ્રકારના નિબંધો લખ્યાં છે : વ્યાખ્યાનશૈલીના અને તત્વચર્ચાના. પહેલા પ્રકારનાં નિબંધો “નર્મગદ્ય” માં સંગ્રહાયેલા છે, તો બીજા પ્રકારના “ધર્મવિચાર” માં છે.
- દેશાભિમાન એટલે શું ? તે સૌથી પ્રથમ ગુજરાતી પ્રજાને નર્મદે શીખવાડ્યું. “દેશાભિમાન” શબ્દ પણ તેણે જ આપ્યો છે. પ્રકૃતિનો સ્વતંત્ર વિષય તરીકે કવિતામાં સૌપ્રથમ સત્કાર કરનાર નર્મદ છે.
- કથન, વર્ણન અને મનન એ ત્રણેયમાં ગુજરાતી ગદ્યની પહેલ નર્મદે કરી.
- એડિસન “ધ સ્પેક્ટેટર” નામનું સામયિક ચલાવતો હતો તેને અનુસરીને નર્મદ અને તેના પાંચેક મિત્રોએ મળીને “સાક્ષરમંડળ” સ્થાપેલું અને તેમાં સાહિત્ય અને સમાજસુધારાને લગતા વિષયોની ચર્ચા થતી, જે “ડાંડિયો” દ્વારા સમાજ સમક્ષ રજૂ થતી.
- નર્મદના જન્મ દિવસને “વિશ્વ ગુજરાતી ભાષા દિવસ” તરીકે ઊજવવામાં આવે છે.
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
દલપરામ તરવાડી | અહી ક્લિક કરો |
2 thoughts on “નર્મદ | Narmad in gujarati | Gujarati sahitya”